Opinion Magazine
Number of visits: 9842544
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  

સોનલ પરીખ|Opinion - Opinion|14 November 2025

અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, ‘દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે, પણ બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ અમે તને ભણાવીશું.’ એમના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.

— શબાના બાસિજ–રાસિખ 

(સહસ્થાપક અને પ્રમુખ, સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન ફોર ગર્લ્સ) 

નવરાત્રી ચાલી રહી છે, શક્તિની આરાધનાનું પર્વ છે ત્યારે અફઘાનિસ્તાનની સ્ત્રીઓની સ્થિતિ સહેજે યાદ આવે છે

વર્ષ 2021ના ઑગસ્ટ મહિનામાં તાલિબાને આફઘાનિસ્તાન કબજે કર્યું અને આર્કાન્સાસની કૉલેજમાં ભણતી નાહીદ ઇસ્સરની ઊંઘ વેરણ થઈ ગઈ. મોડી રાત્રે કે વહેલી સવારે ઘેરથી ફોન આવતા ત્યારે એક જ ચિંતા તેને ખાઈ જતી, બધા સલામત તો હશે ને? કોણ જીવતું હશે? કોણ ક્યાં ગુમ થઈ ગયું હશે? વીસ વર્ષ સુધી અફઘાન મહિલાઓ ભણતી. કારકિર્દી બનાવતી. કલાકાર, કર્મશીલ કે અભિનેત્રી બની શકતી. હવે, નાહીદ અને તેના જેવી લાખો યુવતીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેઓ દેશ છોડવા કે પછી છુપાઈને અનિશ્ચિત ભવિષ્યની રાહ જોવા મજબૂર બની છે.  

2003માં અફઘાનિસ્તાનમાં એક ફિલ્મ બની હતી, ‘ઓસામા’. એમાં બારતેર વર્ષની એક છોકરીની વાત હતી. એ છોકરીના પિતા રશિયા સામેની લડાઈમાં માર્યા ગયા હતા. તાલિબાનો આવ્યા અને બુરખા વિના, પુરુષ વિના બહાર નીકળવાની બંધી થઈ. મા જ્યાં નર્સ હતી એ હૉસ્પિટલ પર તાલિબાનોએ તાળાં માર્યાં. હવે ઘરમાં કોઈ કમાનાર રહ્યું નહીં. દાદી અને માએ છોકરીને સમજાવી અને તેના વાળ કાપી, છોકરાનાં કપડાં પહેરાવી એક ઓળખીતા દૂધના વેપારીને ત્યાં ‘ઓસામા’ નામથી કામે રાખી (ઓસામા એટલે સિંહ જેવો બહાદુર). થોડા દિવસમાં તાલિબાનો એ વિસ્તારના છોકરાઓને ધર્મ અને યુદ્ધની ‘ટ્રેનિંગ’ માટે ઉઠાવી ગયા. ઓસામાને પણ. મૌલવી પાસે તાલીમ લેતાં આખરે એક દિવસ પકડાયું કે ઓસામા છોકરો નહીં, પણ છોકરી છે. સજા રૂપે એને એ જ વૃદ્ધ મૌલવીને પરણવું પડ્યું. ફિલ્મના અંતે ભેદી કિલ્લા જેવા ઘરમાં આ નવી દુલ્હનને આવકારતા મૌલવી કહે છે, ‘જો, મારી દરમિયાનગીરીથી તું મરતી બચી. હવે હું તને આ તાળાં બતાવું છું. તું પસંદ કરીશ એ તાળું તારા કમરા પર મરાશે. આવી સ્વતંત્રતા મેં મારી કોઈ બીબીને નથી આપી!’ સ્વતંત્રતા શબ્દનો આવો અર્થ આપણને સ્તબ્ધ જ કરી મૂકે! 

આ ભલે ફિલ્મની વાર્તા છે, પણ વાર્તાઓ અને ફિલ્મો જિંદગીમાંથી જ તો જન્મે છે. શબાના બાસિજ-રાસિખ નામની એક અફઘાન યુવતીને આપણામાંના અમુક જાણતા હશે. તેનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો. અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાં પહોંચ્યું તે પહેલાની વાત. તાલિબાનોનું જોર વધ્યું અને છોકરીઓના શિક્ષણ પર, પુરુષ વિના ને બુરખા વિના સ્ત્રીના બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે શબાના છ વર્ષની હતી. 

સંજોગો મુશ્કેલ હતા, પણ તેના પિતાએ પછીનાં છ વર્ષ સુધી તાલિબાનોની ખફગીની પરવા કર્યા વિના, શબાના અને એની બહેનોને છોકરાનાં કપડાં પહેરાવી શાળામાં મોકલવાનું ચાલુ રાખ્યું. તેના જેવી બીજી છોકરીઓ પણ હતી. છોકરાનાં કપડાં પહેરી એ બધી એક ગુપ્ત શાળામાં ભણવા જતી. વહેમાયેલા તાલિબાનો ધમકીઓ આપતા, હુમલા કરતા. છોકરીઓ ગભરાઈને કહેતી, ‘અમારે નથી ભણવું.’ પણ માતાપિતા ભણાવતાં. એક વાર તો શબાના અને તેના પિતાને બૉમ્બ-બ્લાસ્ટથી જરાક માટે બચી ગયાં. 

શબાના બાસિજ-રાસિખ

સદ્દભાગ્યે ‘યસ’ એક્સચેન્જ પ્રોગ્રામમાં શબાનાને અમેરિકા જઈ ભણવા મળ્યું અને તે વર્મોન્ટની મિડલબરી કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ. કોલેજકાળ દરમિયાન તેણે ‘હેલા’ નામની, શિક્ષણ દ્વારા અફઘાન સ્ત્રીઓના સશક્તીકરણ માટે કામ કરતી એન.જી.ઓ. શરૂ કરી. 

‘મારી મા નાની હતી ત્યારે સમય સારો હતો. મારા નાના તેને ભણાવી શક્યા. મા ભણેલી હતી એટલે એ અમને ભણાવી શકતી.’ શબાના કહે છે, ‘પણ અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે છે. બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ, અમે તમને ભણાવીશું. મારાં માતાપિતાના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.’ 

અમેરિકા જઈને એણે જે દુનિયા જોઈ તેનાથી તે સ્તબ્ધ બની ગઈ. અફઘાન છોકરીઓને પણ આવી તક મળવી જોઈએ – તેના મનમાં એક બીજ વવાયું અને અંકુરિત થતું ગયું. ગ્રેજ્યુએટ થઈને તે અફઘાનિસ્તાનમાં પાછી ફરી. સોલા – ‘સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન’ નામની છોકરીઓ માટેની પ્રાઈવેટ બૉર્ડિંગ સ્કૂલની તે સહસ્થાપક અને પ્રમુખ છે. 10થી 18 વર્ષની ઉંમર સુધીની અફઘાન છોકરીઓ અહીં રહેતી અને ભણતી. 

સોલાની સ્થાપના 2008માં થઈ. તે વખતે તે હજી અમેરિકામાં ભણતી હતી. ત્યાં એણે યુ.એન.ના એક અહેવાલમાં, અફઘાનિસ્તાનમાં હાઈસ્કૂલ સુધી પહોંચતી સ્ત્રીઓ માત્ર છ ટકા છે એવું વાંચ્યું ત્યારે તેને આ અભાગી સ્ત્રીઓની પ્રતિનિધિ તરીકેની પોતાની જવાબદારીનો અહેસાસ થયો.  

2008થી 2016 સુધીમાં અનેક અફ્ઘાન છોકરીઓ સ્કૉલરશીપ મેળવીને અમેરિકા આવીને ભણી. સોલાનું મિશન, અફઘાનિસ્તાનની ઉછરતી પેઢીને ‘ફ્યુચર ચેન્જ મેકર્સ’ તરીકે તૈયાર કરવાનું છે. સમસ્યાઓથી દૂર ભાગવાનું કે ડરવાનું છોડી સમસ્યાઓનો સામનો કરતાં શીખવવાનું છે. 

શબાનાએ પોતાની કારકિર્દી અફઘાનિસ્તાનના પડકારો સામે લડવા માટે સમર્પિત કરી છે. તેનાં કામથી આખી દુનિયાનું ધ્યાન તેના પ્રત્યે ખેંચાયું. 2018માં તેને મલાલાઈ મેડલ મળ્યું. આ મેડલ અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગણાય છે. તે કહે છે કે છોકરીઓને શિક્ષણ આપવાથી દુનિયા ઘણાખરા પડકારો સામે લડવા સજ્જ થઈ જશે. આરોગ્યથી માંડી પર્યાવરણ અને ગરીબી જેવી સમસ્યાનો ઉકેલ છોકરીઓને ભણતી કરવામાં છે. ‘સમસ્યા એ નથી કે 130 મિલિયન છોકરીઓ જે અત્યારે શાળામાં નથી જતી, સમસ્યા એ છે કે આપણે તેમને આપણા પડકારોના ઉકેલની શક્યતાઓ તરીકે જોઈ નથી શકતા.’ 

‘મારામાં બહાદુરીનો વારસો છે. એક અફઘાન મહિલાએ મને એના ઘરમાં રહી ભણવાની સગવડ આપી હતી, એ વખતે, જ્યારે એ અપરાધ ગણાતો હતો, તેણે એવી હિંમત કરી કેમ કે તે જાણતી હતી કે છોકરીઓ ભણશે તો જ અફઘાનિસ્તાનની પ્રગતિ થશે. હું અમેરિકા આવી ત્યારે 15 વર્ષની હતી. મુક્તપણે ભણી શકવું એટલે શું તેની ખબર અમેરિકન છોકરીઓને નહોતી, મને હતી. બે વર્ષ પછી હું કૉલેજમાં દાખલ થઈ ત્યાં સુધીમાં મારામાં જબરદસ્ત ફેરફાર થઈ ગયો હતો. જ્યારે મેં અફઘાનિસ્તાનમાં ભણતી છોકરીઓની ટકાવારી વિશે જાણ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે. અને અમે સોલા શરૂ કરી. અહીંથી ભણીને છોકરીઓ પોતપોતાના ગામમાં જાય છે ત્યારે પોતાના શિક્ષણ અને કૌશલ્યોને લઈને જાય છે.’ 

પણ અત્યારે શબાના રવાન્ડામાં છે. ત્યાં કેમ? ‘અમેરિકાએ પોતાનાં દળો પાછાં ખેંચ્યા એ અમારા માટે ખતરાની ઘંટી હતી. પછી ઝડપથી જે બનતું ગયું તે ભયાનક દુ:સ્વપ્નથી કમ ન હતું. અમે છોકરીઓને તેમને ઘેર મોકલી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે વિદ્યુત સપ્લાય બંધ કર્યો. મોબાઈલ અને લૅપટોપ ચાર્જ કેવી રીતે કરવા? અમે પરસ્પર સંપર્ક ગુમાવી બેઠા. હવે સ્ટડી એબ્રોડનો વિકલ્પ જ બચ્યો હતો. અમારા બધા દસ્તાવેજો બાળી નાખી મેં દેશ છોડ્યો. અહીં સોલા ચાલુ કર્યું છે, ત્રણસો જેટલી એડમિશન એપ્લીકેશન પણ આવી છે, પણ હું આઘાતમાંથી બહાર આવી નથી. દસ્તાવેજોને ચાંપેલી આગે મારા શરીરનું અણુએ અણુ બદલી નાખ્યું છે. અફઘાનિસ્તાન મૂળ કબીલાઓનો દેશ છે. એકતા અમે કદી જોઈ નથી. પણ મારી નજર યુવાન અફઘાનીઓ પર છે. આજે દેશના 70 ટકા લોકો 25 વર્ષના કે એનાથી નાના યુવાનો છે. એ લોકો અફઘાન પ્રજાના ભલા માટે જે લડત ઉપાડશે એમાં ઇંધણ થઈ હોમાવા મારા જેવા અનેક તૈયાર બેઠાં છે. વધુ શું કહું?’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”,  ઑક્ટોબર  2025

Loading

અદનો કર્ણ

સુરેશ જાની|Opinion - Opinion|14 November 2025

આ માણસ સાવ સામાન્ય દેખાય છે ને? ખરેખર તેમ જ છે – અને નથી પણ!

તામીલનાડુના સાવ નાનકડા શહેરમાં, એક કોલેજના પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે જીવનનો આખો સક્રીય ભાગ વિતાવનાર આ જણ પદ્મશ્રી ધારક છે! 

કારણ?
તેની આ જીવનકથની
લાખો નહીં, કરોડોમાં
એક જેવી છે.

તામિલનાડુના તિરૂનવેલી જિલ્લાના મેરાકાલીવેલ્મકુરમ નામના સાવ નાનકડા ગામમાં, ઓગસ્ટ, ૧૯૪૦માં જન્મેલ પાલમે નાની વયમાં જ પિતાને ગુમાવ્યા હતા. વિધવા માતાએ (તાયમ્મલ) કાળી મજૂરી કરીને તેને ભણાવ્યો. પણ જાતે વેઠેલી ગરીબીના પ્રતાપે તેણે આ એકના એક દીકરામાં ગરીબોને મદદરૂપ થવાના સંસ્કાર રેડ્યે જ રાખ્યા. 

આ કારણે પાલમના રક્તકણોમાં કર્ણત્વ પાંગરતું ગયું.

મદ્રાસ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સાથે લાયબ્રેરી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ, તેણે ધાર્યું હોત તો કોઈ પણ મોટા શહેરમાં મોટા પગારે નોકરી મેળવી શક્યો હોત. પણ આધુનિક કર્ણ એવા આ જણની ખોપરી સાવ જુદી જાતની હતી. પોતાના મૂળને તે વફાદાર રહેવા માંગતો હતો. તુતુકુડી જિલ્લાના શ્રીવાઈકુન્તમ જેવા સાવ નાનકડા શહેરની આર્ટ્સ કોલેજમાં તેણે ગ્રંથપાલ તરીકે કામગીરી શરૂ કરી.

ત્યાં કામ કરતાં કરતાં (નિવૃત્ત થયા પછી નહીં!) ૩૫ વર્ષની કામગીરીની આખી કમાણી તેણે દાનમાં સમર્પી દીધી છે! પોતાની સાવ સામાન્ય જરૂરિયાતો માટે તે ફાજલ સમયમાં નાનકડાં કામ કરી ભાત અને રસમ મેળવી લેતો હતો. જરૂરિયાતો ન વધે માટે તેણે આજીવન અપરિણીત રહેવાનું વ્રત પણ લીધું જ હતું ને?

નિવૃત્ત થયા બાદ પેન્શનમાં મળેલ ૧૦ લાખ રૂપિયા પણ તેણે દાનમાં આપી દીધા. તેની આ સરાહનીય સેવાની જાણ થતાં અમેરિકાની એક સંસ્થા દ્વારા તેને ૩૦ કરોડ રૂપિયાનો પુરસ્કાર એનાયત થયો હતો. પણ આ દાનવીરે સહેજ પણ સંકોચ વિના તે રકમ દાનમાં સમર્પી દીધી.

એટલું જ નહીં, પણ પોતે ન હોય ત્યારે પણ દાનનો આ ઝરો ન સૂકાય તે માટે તેણે પાલમ (તમિળમાં ‘પૂલ’) સંસ્થા સ્થાપી છે, જેમાં આવાં દાન સ્વીકારવામાં આવે છે, અને તેનો યોગ્ય વહિવટ કરવામાં આવે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેને સર્વોત્તમ માનવ તરીકે નવાજ્યો છે. આ ઉપરાંત પણ તેને અનેક સન્માન અને પુરસ્કાર આપવામાં આવ્યા છે. આવા માનવ રત્નને ૨૦૨૩ની સાલમાં પદ્મશ્રીનો ખિતાબ, યથોચિત, આપવામાં આવ્યો છે.

https://www.youtube.com/shorts/FzOVlrOcoAA

ચેન્નાઈના સૈદાપેટ વિસ્તારમાં તે નાનકડા મકાનમાં રહે છે, અને બની શકે તેટલી સેવા કરતો રહે છે.

સલામ! આ અદના કર્ણને ….

સંદર્ભ – 
https://en.wikipedia.org/wiki/Palam_Kalyanasundaram
https://www.mangaloretoday.com/opinion/Man-of-the-Millennium-73-year-old-librarian-donated-Rs-30-crore-to-the-poor.html
e.mail : surpad2017@gmail.com

Loading

નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ …

નેહા શાહ|Opinion - Opinion|14 November 2025

નેહા શાહ

આજે ૧૪મી નવેમ્બર, બાળદિન એટલે કે જવાહરલાલ નહેરુની જન્મ જયંતી. એક સમયના લોક લાડીલા નેતા, લગભગ સત્તર વર્ષો સુધી દેશના વડા પ્રધાન રહી ચુકેલા જવાહરલાલ નહેરુ આજની તારીખમાં પ્રચલિત ચર્ચામાં એટલી પ્રિય નથી. ભારતમાં એમની નબળાઈઓને વધારી-ચડાવીને એટલી તો જોરશોરમાં રજૂ કરવામાં આવે છે કે આઝાદ ભારતના નિર્માણમાં એમના યોગદાનને અવગણવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પણ ન્યુયોર્ક સિટીના મેયર તરીકે તાજેતરમાં ચૂંટાયેલા ભારતીય મૂળના યુવાન ઝોહરાન મમદાની ચૂંટણી જીત્યા પછીના સંબોધનમાં તેમને યાદ કર્યા  અને ટ્રાયસ્ટ ઓફ ડેસ્ટીની (નસીબની અજમાઇશ) તરીકે ખૂબ પ્રચલિત થયેલા આ ભાષણનો ઉલ્લેખ કર્યો. ભારતની આઝાદી મળવાની પૂર્વ રાત્રીએ બંધારણ સભાને કરેલા સંબોધનમાં નહેરુએ કહ્યું હતું કે “એક એવી ક્ષણ, જે ઇતિહાસમાં જવલ્લે જ આવે છે, જ્યારે આપણે જૂનાથી નવા તરફ આગળ વધીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે, અને જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રના આત્માને વાચા મળે છે.” આઝાદીનો સૂરજ ઊગવાની સાથે નવા રાષ્ટ્ર માટે ઊભી થયેલી આશાસ્પદ શક્યતાઓનો એ સમય હતો. 

નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ … એમણે લીધેલા નીતિ વિષયક નિર્ણયોના સારાં તેમ જ માઠાં બંને પરિણામો તમે તપાસો, પણ એક વાત તો સ્વીકારવી જ પડે કે આઝાદીના લગભગ આઠ દાયકે આજે વિશ્વના નકશામાં ભારતનું જે સ્થાન છે એને સમજવા માટે નહેરુના યોગદાનને ગણતરીમાં લેવું જ પડે. આઝાદી પછીનાં વર્ષોમાં ભારતના વિકાસનું જે માળખું ઘડાયું એના પાયામાં દેશના ઔદ્યોગીકરણનું માળખું છે અને આત્મામાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવાની દૃષ્ટિ છે.  

નહેરુ પોતે વિજ્ઞાનને મહત્ત્વ આપતા હતા. આર્થિક વિકાસના પાયામાં ઔદ્યોગિકરણ  અને એના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીકલ છે એ સ્પષ્ટ સમજ સાથે નવા જન્મેલા દેશના માર્યાદિત આર્થિક સંસાધનો વચ્ચે પણ તેમણે વૈજ્ઞાનિક સંશોધન અને નવીનીકરણને મહત્ત્વ આપ્યું. દેશમાં આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી. જેવી વૈશ્વિક સ્તરની શૈક્ષણિક સંસ્થા ઊભી કરી, જળ વિદ્યુતથી લઈને ન્યુક્લીઅર પાવરનો પાયો નાખ્યો. વીજળી ઉત્પન્ન કરતા મોટા બંધો અને મોટા ઉદ્યોગોને તેમણે આધુનિક ભારતનાં મંદિર ગણાવ્યાં એ વાત જાણીતી છે. તેઓ સમજતા હતા કે દેશમાં સમૃદ્ધિ ઔદ્યોગીકરણના જ માર્ગે આવવાની છે તેમ જ વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા મૂડીવાદી વિકાસ સાથે જો તાલ મેળવીને ચાલવું હશે તો ઉદ્યોગોના વિકાસ માટેનો પાયો મજબૂત કરવો પડશે. સમાજવાદી વિચારોથી પ્રભાવિત નહેરુએ આ માળખાકીય સવલતો ઊભી કરવાની જવાબદારી સરકારને ખભે નાખી. આ નીતિ પાછળનો હેતુ પાયાના ઉદ્યોગોમાં ખાનગી મૂડીનું કેન્દ્રીકરણની શક્યતાને રોકવાનો હતો. એટલે જાહેર એકમોના શુભ મુહરત સાથે શરૂ થયો, આયોજન સાથેના મિશ્ર અર્થતંત્રનો દોર. પંચ વર્ષીય યોજનાના રેડ ટેપીસમના એ સમયમાં ધારેલા ઘણાં લક્ષ્ય હાંસલ ન થઇ શક્યા એ વાત સાચી, પણ એક વાતનો સ્વીકાર સૌએ કરવો પડશે કે આધુનિક ઉદ્યોગોનો પાયો એ સમયે જ બંધાયો. એ સમયે બીજો વિકલ્પ શું હતો? મોટું જોખમ લઇ શકે એવા ટાટા, બિરલા, કે કિર્લોસ્કર જેવા મોટા મૂડીપતિઓની સંખ્યા મુઠ્ઠીભર જ હતી. રોડ, રેલવે, વીજળી, પાણી, સ્ટીલ, સિમેન્ટ જેવી અનેક સવલતોની માંગ ઉગતા ઉદ્યોગોને પરવડે એ કિંમતે પૂરી પાડી શકાય એટલી ક્ષમતા ધરાવતી ખાનગી મૂડી બજારમાં ક્યાં હતી? 

સક્ષમ દેશના નહેરુનાં સપનાંમાં વિજ્ઞાનની પાયાની ભૂમિકા હતી. તેમના મતે દેશમાં પ્રવર્તતા ગરીબી, નિરક્ષરતા, અંધશ્રદ્ધા, અસ્વચ્છતા જેવા અસંખ્ય પ્રશ્નોનો જવાબ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમમાં હતો. લાંબા ગાળાના વિકાસ માટે ઉત્પાદન ક્ષમતા વધારવી પડે અને એ માટે ટેકનોલોજી પણ જોઈએ અને નવીનીકરણ પણ જોઈએ. એ બંને માટે સમાજમાં વૈજ્ઞાનિક મિજાજ પણ કેળવાવો જોઈએ. જો કે નહેરુ જે વૈજ્ઞાનિક મિજાજની વાત કરતા તે માત્ર વિજ્ઞાનની નવી શોધ પૂરતો મર્યાદિત ન હતો, પણ એ જીવન જીવવાની રીતની વાત હતી. એટલે કે વૈજ્ઞાનિક ઢબે ખુલ્લા મનથી વિચારવાની ક્ષમતા, નવા પ્રયોગો અને નવાં જ્ઞાનના સર્જનની ઉત્કંઠા, જે વર્ષોથી ચાલી આવતી સમાજને પડકારવાની તૈયારી કેળવે. વૈજ્ઞાનિક મિજાજ ધરાવતો સમાજ આવિષ્કારોની સાથે સમાજ અને અર્થતંત્રની રીતોને પણ પ્રશ્નો કરે. વૈજ્ઞાનિક અભિગમની ભૂમિકા એટલે માત્ર આર્થિક ઉપાર્જન માટે નહિ પણ સમાજના પ્રગતિશીલ પ્રયાણ માટે પણ ખરી. ડીસ્કવરી ઓફ ઇન્ડિયા’ પુસ્તકમાં તેમણે ભારતના ઇતિહાસમાં રહેલા વૈજ્ઞાનિક વલણની નોંધ કરી છે – ગણિત અને ખગોળશાસ્ત્ર હોય કે ચિકત્સા પદ્ધતિ હોય, પ્રાચીન ભારતમાં એનો વિકાસ થયો એ બતાવે છે કે અહીં વૈજ્ઞાનિક અભિગમની ભાવના હતી. પણ, વૈજ્ઞાનિક અભિગમનો હાર્દ જ એ છે કે જૂની પરંપરા ગમે તેટલી મહાન હોય, નવા વિચારો સાથે એની સામે પડકાર ઊભા થાય તો વૈજ્ઞાનિક ઢબે એના જવાબ શોધવા પડે અને નવા વિચારોનો સ્વીકાર કરવો. એટલે કે કોઈ પરંપરા કે કોઈ નિયમ શાશ્વત નથી. દેખીતી રીતે જે વર્ગ ધર્મ, પરંપરા કે નિયમોના સનાતન હોવામાં વિશ્વાસ રાખે છે તેઓ સતત પ્રશ્ન પૂછતાં વૈજ્ઞાનિક મિજાજને વિકસાવવામાં માનતા નથી. નહેરુ સામે એમને પાયાની અસહમતી ઊભી થાય છે. 

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...128129130131...140150160...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved