કેનેડામાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમગ્ર કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશનિકાલની નીતિ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર છાવણીઓ ગોઠવી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે કાયમી રહેઠાણના નોમિનેશનમાં 25 ટકાના ઘટાડા માટે નવી પ્રાંતીય નીતિઓએ ઘણાને અણધારી રીતે દેશનિકાલ માટે જોખમમાં મૂક્યા છે. ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં સમાન દૃશ્યો જોઈ શકાય છે. સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ કામદારોએ તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રેમ્પટનમાં રેલીઓ યોજી છે, સ્થાનિક આવાસ અને નોકરીની કટોકટી માટે દોષી ઠેરવતા narrative સામે વિરોધ કરી રહ્યા છે.
70,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સ્નાતકો કેનેડા સરકારની નીતિના ફેરફારોને કારણે દેશનિકાલનો સામનો કરી શકે છે; જે વિદ્યાર્થીઓ નવાં જીવનનાં સપનાં સાથે કેનેડામાં આવ્યા હતા તેઓ કહે છે કે તેમનું ભવિષ્ય હવે અસ્પષ્ટ છે.
જે સ્નાતકોને આ વર્ષના અંતમાં વર્ક પરમિટ સમાપ્ત થાય છે તેમને દેશનિકાલ થવાનું જોખમ રહેલું છે. કેનેડિયન સરકારે તેની ઇમિગ્રેશન નીતિઓમાં અભ્યાસ પરમિટ મર્યાદિત કરવાનો નિર્ણય કરેલ છે.
અભ્યાસ પૂરો કર્યા પછી કાયમી રહેઠાણ માટે અરજી કરવાની યોજના ઘડી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ કહે છે કે હવે તેમની પાસે ભારે લોન અને વિખેરાયેલાં સપના બાકી છે !
ટોરન્ટો સ્થિત ગુજરાતી પત્રકાર ફિરોઝ ખાન અને બીજા જાગૃત લોકોએ કેનેડા સરકારને વિનંતી કરી છે કે “આ વિદ્યાર્થીઓને દેશનિકાલ ન કરો. તેમનાં માતા-પિતાએ તેમનાં બાળકોને અહીં મોકલવા મોટી રકમ ખર્ચી છે. અનુસ્નાતક વર્ક પરમિટ વિસ્તારો, કાયમી રહેઠાણ માટે સુસંગત અને પારદર્શક માર્ગો પૂરા પાડો અને તેમના શોષણ તરફ દોરી જતા પ્રણાલીગત મુદ્દાઓને ઉકેલો.”
ફિરોઝ ખાન ‘Canadians for Indians’ સંસ્થાના પ્રમુખ છે. તેમણે 100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને જોબ અપાવી છે. તેઓ કહે છે : “રોજે 8-10 ફોન જોબ અપાવવા આવે છે પણ હવે હું જોબ અપાવી શકતો નથી, તેમની લાચારીના કારણે મારી આંખમાં પાણી આવી જાય છે !”
કેનેડા / UK / ઓસ્ટ્રલિયા / ન્યૂઝીલેન્ડ સરકારોએ એક સરખી પોલીસી અમલમાં મૂકી છે, એટલે ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓના પહાડ ઊભા થયાં છે. કેનેડામાં ખાનગી યુનિવર્સિટીઓ છે, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નભે છે. આ યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી 4 ગણી ફી વસૂલે છે. કેનેડા દર વર્ષે 5 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતું હતું પરંતુ છેલ્લા બે વર્ષમાં, ખાનગી યુનિવર્સિટીના લાભાર્થે 20 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતા ઊહાપોહ થયો છે. કેનેડામાં મકાનની અછત સર્જાઈ છે, જોબની ભારે અછત છે. ભારે મોંઘવારી છે. ભારતના ઈમિગ્રેશન એજન્ટો કેનેડાનું ગુલાબી ચિત્ર રજૂ કરી વિદ્યાર્થીઓને નિચોવી રહ્યા છે. ફિરોઝ ખાન કહે છે ‘ઘોડો ઘાસ સાથે દોસ્તી કરે તો ખાય શું?’
આશ્ચર્યની બાબત એ છે કે કેનેડામાં 90% ભારતીય વિદ્યાર્થીઓ ભારતની સ્થિતિથી કંટાળીને કેનેડા આવ્યા છે છતાં ભારતના વડા પ્રધાનની વાહવાહી કરવાનું ચૂકતા નથી; હવે તેમને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર