Opinion Magazine
Number of visits: 10,221,302
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—356

દીપક મહેતા|Opinion - Opinion|29 August 2026

અદાલતના અન્યાયી ચુકાદાને તાબે ન થનાર રખમાબાઈ 

જાણે કહી રહ્યાં હતાં : ‘એવો અણઘડ હુકમ કેમ પાળવો?’  

રખમાબાઈ

એક હતી છોકરી. નહોતી એ પરી જેવી, કે નહોતી રાજકુમારી જેવી. નહોતી રહેતી એ કોઈ એકદંડિયા મહેલમાં. એનો જન્મ ૧૮૬૪માં. માતાનું નામ જયંતીબાઈ, બાપનું નામ જનાર્દન પાડુરંગ સાવે. કુટુંબ રહેતું હતું મુંબઈની એક ચાલની ડબલ રૂમમાં. અને એ ઘર પણ એના બાપનું નહિ, હતું એ તો  બાપના મામાનું. એ છોકરીનું નામ રખમાબાઈ. એના જન્મ પહેલાં જ તેની દાદીએ અને તેમની એક બહેનપણીએ તેનાં લગ્ન નક્કી કરી નાખેલાં : જો બેમાંથી એકને પેટે દીકરો અવતરે અને બીજીને પેટે દીકરી જન્મે તો એ બંનેનાં લગ્ન નક્કી. આ પ્રથા ‘સાટું’ તરીકે ઓળખાતી અને સારી એવી પ્રચલિત હતી. નક્કી કર્યા પ્રમાણે અગિયાર વરસની ઉંમરે રખમાનાં લગ્ન થઈ ગયાં, ૧૯ વરસના દાદાજી ભિકાજી સાથે. રખમાનો નવરો (વર) એટલે વ્યસનોનો ભંડાર. નોકરી ધંધામાં અલ્લાયો. મામા પર બધો મદાર. એમાં તેમને દમનો રોગ લાગુ પડ્યો. રખમાની મા જયંતીબાઈ ૧૭ વરસની હતી અને રખમા પોતે બે વરસની હતી ત્યારે પિતા જનાર્દનનું અવસાન થયું. રખમા આઠેક વરસની થઈ ત્યારે તેની

ડો. સખારામ અર્જુન

માએ બીજું લગ્ન કર્યું, ડો. સખારામ અર્જુન (૧૮૩૯-૧૮૮૫) સાથે. તેઓ હતા એ જમાનાના એક આગળ પડતા  સમાજસુધારક. એટલે જ્ઞાતિવાચક ‘રાઉત’ અટક તેમણે છોડી દીધી હતી. ઘરમાં પુસ્તકોના ઢગલા. એટલે રખમાને તો ભાવતું તું ને વૈદે કીધું એવું થયું. પણ માએ બીજાં લગ્ન કર્યા તે પહેલાં જ ૧૧ વરસની ઉંમરે રખમાનાં લગ્ન હિંદુ શાસ્ત્ર વિધિ પ્રમાણે થઈ ગયાં હતાં. પણ પતિ-પત્ની એક દિવસ પણ સાથે રહ્યાં નહોતાં. એટલે લગ્ન વખતે જ શરત મૂકેલી કે રખમાનાં વરે સારું ભણવું, પોતાના પગ પર ઊભા રહેવું, અને પછી જ વહુને ઘરે રહેવા બોલાવવી. ઓરમાન બાપની ઇચ્છા પ્રમાણે રખમા તો ભણવામાં આગળ ને આગળ જવા લાગી. પણ તેનો નવરો તો હતો ત્યાંનો ત્યાં. રખમા ‘વયમાં આવી’ એટલે ૧૮૮૪માં સાસરાનું તેડું આવ્યું : ‘હવે અમારી વહુને અમારે ઘરે રહેવા મોકલો. સાસરાના ઘરની દુર્દશા, ગરીબી, વરનાં લખ્ખણ, એ બધું જોઈને રખમાએ ચોખ્ખું સુણાવી દીધું : ‘હું સાસરે નહિ જાઉં.’ એ જમાનામાં આવું કહેવાની હિંમત ક્યાંથી આવી એ તો રામ જાણે. પણ દાદાજીએ તો સીધો અદાલતમાં કેસ માંડ્યો : લગ્નના હક્કના ભોગવટા માટેનો. કાયદાની ભાષામાં કહીએ તો ‘restitution of conjugal rights માટેનો. અને સાદી ભાષામાં કહીએ તો જાતીય સંબંધ માટેનો. કાયદો ઘડાયો હતો એ વખતના ગ્રેટ બ્રિટનની સામાજિક પરિસ્થિતિને કારણે. લગ્ન પછી પતિ-પત્ની સાથે રહ્યા પછી કોઈક કારણસર જો બેમાંથી એક સહજીવન અને શયનની ના પાડે તો આ કાયદા અન્વયે કેસ માંડી શકાય. ધાર્યું હોત તો દાદાજી બીજાં લગ્ન કરી શક્યા હોત. પણ પોતાની લગભગ ૨૫ હજારની મૂડી સખારામભાઉએ રખમાને નામે વીલમાં ચડાવી હતી. એટલે દાદાજીની નજર રખમા કરતાં ય વધુ તો તેની મિલકત પર હતી. પણ જેવો કેસ અદાલતમાં પહોંચ્યો કે એ વખતના સમાજના અગ્રણીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા. સનાતની પક્ષના લોકમાન્ય ટીળક, ઝળકીકર શાસ્ત્રી જેવા આગેવાનોએ રખમાબાઈના પતિના દાવાને ટેકો આપ્યો. હિંદુ ધર્મવિધિ પ્રમાણે લગ્ન કર્યાં છે તો રખમાએ પતિ સાથે રહેવા તો જવું જ જોઈએ એમ તેમનું કહેવું હતું. તો બીજી બાજુ જસ્ટિસ

મહાદેવ ગોવિંદ રાનડે

મહાદેવ ગોવિંદ રાનડે, વામનરાવ મોડક, બહેરામજી મલબારી જેવા સુધારકો રખમાબાઈ તરફી ભાષણો અને લખાણો કરી રહ્યા હતા. તો બંને પક્ષ વચ્ચે સમજૂતીથી તડજોડ કરવાની હિમાયત કાશીનાથ ત્ર્યંબક તેલંગ જેવા મધ્યમમાર્ગીઓ કરી રહ્યા હતા. તેમાં વળી અખબારોમાં આ આખા કિસ્સા વિષે ‘હિંદુ લેડી’ના નામથી અંગ્રેજીમાં લેખો છપાવા લાગ્યા. શરૂઆતમાં ઘણાને લાગ્યું કે આ પત્રો રખમાબાઈ પોતે જ લખતા હશે. પણ હકીકતમાં એ પત્રો તેમણે લખ્યા હોય એમ લાગતું નથી. કારણ એ વખતે અંગ્રેજીની તેમની જાણકારી એટલી નહોતી કે જાહેર પત્રો લખી શકે. 

૧૯મી સદીમાં બોમ્બે હાઈકોર્ટ

ખટલો શરૂ થયો બોમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ રોબર્ટ હિલ પીનેની સિંગલ બેન્ચ અદાલતમાં. બંને પક્ષના વકીલોએ દલીલો કરી, દાખલા ટાંક્યા. પણ આ આખી વાતમાં જજસાહેબને લાગ્યું કે આમાં ખાટલે જ મોટી ખોડ છે. તેમણે કહ્યું કે restitution શબ્દનો અર્થ થાય છે અગાઉ જે, જેવું, હતું તે તેવું ફરી કરી દેવું. પણ આ કેસમાં તો વાદી અને પ્રતિવાદી વચ્ચે અગાઉ લગ્નસંબંધ બંધાયો જ નથી. માત્ર હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન થયાં છે. એટલે અહીં restitutionનો સવાલ જ ઊભો થતો નથી. રખમાબાઈ તરફથી ઘણી સજ્જડ દલીલો કરવામાં આવી : પહેલું તો એ કે તેની પોતાની ઇચ્છા કે મંજૂરી વગર જ અને તે જ્યારે ‘બાળક’ હતી ત્યારે જ તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં. પુખ્ત વયની થયા પછી પણ ક્યારે ય તેણે આ લગ્નનો સ્વીકાર કર્યો નહોતો. વળી તે કહેવાતા પતિ દાદાજી સાથે એક છાપરા નીચે ક્યારે ય રહી નહોતી. લગ્ન પછી પણ તે પોતાનાં મા-બાપને ઘરે જ રહેતી હતી. આ લગ્નનો ‘ભોગવટો’ કરવા તે મુદ્દલ માગતી કે ઇચ્છતી નહોતી. સ્વતંત્ર ઘર કે ઘરખર્ચ માટે જરૂરી રકમ કાયમ માટે પૂરી પાડવાની દાદાજીમાં ત્રેવડ નહોતી. વળી તેમની તબિયત, કુટેવો તથા તેમના ઘરના સંજોગો લગ્નજીવનને ટકાવી રાખવામાં મદદરૂપ થાય તેવાં નહોતાં. પણ સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે તેની પોતાની (એટલે કે રખમાબાઈની) દાદાજીની પત્ની બનીને રહેવાની મુદ્દલ ઇચ્છા નહોતી. અને એટલે અદાલત કે બીજું કોઈ તેને એમ કરવા ફરજ પાડી શકે નહિ. ટૂંકમાં આ કેસના મૂળમાં જે મુદ્દો રહ્યો હતો તે આ : જ્યારે માબાપ દ્વારા દીકરીનાં લગ્ન બાળવયમાં જ કરી નાખવામાં આવ્યાં હોય ત્યારે એ છોકરી પુખ્ત વયની થાય તે પછી એ લગ્ન અને લગ્નસંબંધ માટે છોકરીની પોતાની સંમતિ કે અસંમતિ કાનૂની દૃષ્ટિએ મહત્ત્વની ગણાય કે નહિ. ૧૮૮૦માં આ રીતે વિચાર કરવો એ પણ એક અસાધારણ ઘટના ગણાય.

પોતાના ચુકાદામાં જસ્ટિસ પીનેએ કહ્યું કે વાદી અને પ્રતિવાદી બંને જ્યારે પુખ્ત વયનાં નહોતાં ત્યારે ધાર્મિક વિધિથી તેમનાં લગ્ન થયાં હતાં. એ વખતે રખમાબાઈની ઉંમર હતી અગિયાર વરસ. તેમનાં એ લગ્ન પછી અગિયાર વરસ વીતી ગયાં છે. એ દરમિયાન રખમાબાઈ પુખ્ત વયની થઈ છે, છતાં આજ સુધી એ બંને નથી ક્યારે ય એક છાપરા નીચે રહ્યાં કે નથી તેમની વચ્ચે શરીર-સંબંધ બંધાયો. જ્યારે આવો સંબંધ બંધાયો જ નથી ત્યારે તે ‘ફરીથી બાંધવાની’ (restitution) માગણી કાનૂની દૃષ્ટિએ કઈ રીતે ટકી શકે? આજે રખમાબાઈ એક પુખ્ત વયની, બાવીસ વરસની ઉંમરની સ્વતંત્ર વ્યક્તિ છે. દાદાજીની માગણી ‘લગ્નહક્કના ભોગવટા’ માટે તે પોતાની સાથે એક છાપરા નીચે રહેવા જાય એવી છે. પોતાના ચુકાદામાં જજસાહેબે દાદાજીની આ માગનીને ‘barbarous, cruel, revolting’ તરીકે ઓળખાવી. સાથોસાથ તેમણે એમ પણ નોંધ્યું કે શું ગ્રેટ બ્રિટનમાં કે શું હિન્દુસ્તાનમાં આ પ્રકારનો આ પહેલો જ ખટલો છે. ગ્રેટ બ્રિટનના કાયદામાં લગ્ન સંબંધ બંધાયા પછી જો બેમાંથી એક વ્યક્તિ એ સંબંધ તોડી નાખે તો તેને ફરીથી સ્થાપવાની જોગવાઈ છે. પણ લગ્નસંબંધ બંધાયો જ ન હોય એવી પરિસ્થિતિમાં ઇચ્છા વિરુદ્ધ પતિ-પત્ની બેમાંથી એકને કોઈ પ્રકારની ફરજ પાડવાની જોગવાઈ કાયદામાં નથી. કારણ એવી ફરજ પાડવી એ વ્યક્તિસ્વાતંત્ર્યનો ઉઘાડે છોગે ભંગ કરવા બરાબર છે. અને જજસાહેબે રખમાબાઈની તરફેણમાં ચુકાદો આપ્યો.

આજે કોઈ કોર્ટ આવો ચુકાદો આપે તો તેની નોંધ પણ ભાગ્યે જ લેવાય. પણ એ જમાનામાં આવો ચુકાદો સ્વીકારવાનું મોટા ભાગના લોકો માટે અઘરું હતું. કેટલાકે તો તેને ‘હિંદુ ધર્મ વિરોધી’ કે ‘લગ્ન સંસ્થાના મૂળ પર કુઠારાઘાત કરતો જણાવ્યો. તો કોઈએ વળી કહ્યું કે હિન્દુઓની ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો અદાલતને અધિકાર જ નથી. બીજી બાજુ ‘સુધારકો’એ આ ચુકાદાને વધાવી લીધો. આ ચુકાદા વિષે બંને પક્ષોએ અખબારોમાં ચર્ચા ચલાવી. 

બીજી બાજુ દાદાજીએ પોતાના કાયદેસરના હક્કની અમલબજાવણી માટે જજ પીનીના ચુકાદા સામે અપીલ કરી. ૧૮૮૬ના માર્ચ મહિનામાં આ અપીલની સુનાવણી શરૂ થઈ. એક જજને બદલે બોમ્બે હાઈ કોર્ટના જજોની બેંચ પાસે ફરી કેસ ચાલ્યો. એ બેન્ચના જજોએ જસ્ટિસ પીનીની વિચારણાને અને તેમના ચુકાદાને અમાન્ય કર્યો. તેમણે કહ્યું કે ભલે ગમે તે ઉંમરે લગ્ન થયાં હોય, હિંદુ ધર્મ પ્રમાણે એ લગ્ન વૈધ જ ગણાય, અને તેથી દાદાજીને ‘લગ્નના ભોગવટા’ માટે રખમાબાઈ પર કેસ માંડવાનો પૂરો અધિકાર છે. વળી તેમણે એમ પણ કહ્યું કે હિંદુ ધર્મ પ્રમાણે લગ્ન એ કોઈ કાનૂની કરાર નથી, પણ એક પવિત્ર બંધન છે. એટલે ‘લગ્નના ભોગવટા’ માટે છોકરીની ઇચ્છા કે અનિચ્છાનો સવાલ ઊભો થતો જ નથી.  એટલે હાઈ કોર્ટની એ બેન્ચે આખો ખટલો નવેસરથી ચલાવવાનો હુકમ આપ્યો. પણ ત્યાં સુધીમાં જસ્ટિસ પીની રિટાયર થઈ ચૂક્યા હતા. એટલે કેસ જસ્ટિસ એડવર્ડ ફારાન પાસે પહોંચ્યો. હવે બન્યું એવું કે જજ બનતાં પહેલાં ફારાને એક વકીલ તરીકે દાદાજીને તેમનો કેસ તૈયાર કરવામાં મદદ કરી હતી. આજે આવા સંજોગોમાં એ જજે કેસમાંથી ખસી જવું જોઈએ એવો નિયમ છે. પણ એ વખતે નહોતો. ૧૮૮૭ની શરૂઆતમાં તેમની અદાલતમાં ખટલાની સુનાવણી શરૂ થઈ. અને જજ ફારાને ચુકાદો આપ્યો દાદાજીની તરફેણમાં. અને રખમાબાઈને હુકમ કર્યો ‘લગ્નહક્કના ભોગવટા’ માટે દાદાજીને ઘરે જઈને રહેવાનો! કાયદાની ભાષામાં કહીએ તો અદાલતે A decree for restitution of conjugal rights જારી કરી. એ વખતના કાયદા પ્રમાણે જો રખમાબાઈ આ ચુકાદાનો અમલ ન કરે, અને દાદાજીની સાથે રહેવા ન જાય, તો તેની બધી માલમત્તા જપ્ત થાય અને તેને છ મહિનાની કેદની સજા થાય. રખમાબાઈ પાસે હવે બે જ રસ્તા હતા : કાં તો અદાલતના ચુકાદાને તાબે થઈને દાદાજીનું ઘર માંડવું અથવા બધી સંપત્તિ ગુમાવવી અને છ મહિના માટે કારાવાસ ભોગવવો. રખમાબાઈનો જવાબ કદાચ ખેવના દેસાઈની આ પંક્તિઓમાં પડઘાય છે :

હકાર ભણું ડાહી, ને દઈ દઉં નકાર

તો ‘કજિયાળી બાઈ કરે બળવો’

ક્યારે ને શું, અને કેટલું બોલાય 

એવો અણઘડ હુકમ કેમ પાળવો?  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 ઑગસ્ટ 2026

Loading

કારણ ગમે તે હોય, ખાંડ, ગોળ, ડુંગળી … મોંઘી થઈ રહી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 August 2026

રવીન્દ્ર પારેખ

કારણ ગમે તે હોય, ખાંડ, ગોળ, ડુંગળી ને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. એ કોઈ લક્ઝરી આઇટેમ નથી, જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે. અગાઉ દૂધ, તેલ, શાકભાજીના ભાવ વધી ચૂક્યા છે. હવે ખાંડ, ગોળ, ડુંગળી…નો વારો છે. રોજિંદા વપરાશની ચીજો જ મોંઘી થાય છે, કારણ મોટે ભાગના લોકો તેનો ઉપયોગ કરતા હોય છે, એટલે તેના ભાવ વધે તો નફાનું ધોરણ ઊંચું રહે છે, જો કે, હવે તો સોનાનો ભાવ પણ દસ ગ્રામના દોઢેક લાખ પર પહોંચ્યો છે. આમ પણ કશું સસ્તું થવા માટે હોતું જ નથી, ક્યારેક ભાવ થોડા ઘટે, તો તે પણ પછી વધવા માટે જ હોય છે. એ ખરું કે 2019 પછી ખાંડના ભાવ બહુ વધ્યા નથી, પણ 2026માં ખાંડના ભાવ એકદમ જ વધ્યા છે. છેલ્લા બે મહિનામાં કિલોએ 20થી 25 રૂપિયા વધ્યા છે ને અત્યારે ખાંડ 65થી 75 રૂપિયે મળે છે. રિટેલ વેપારીઓ માર્જિન રાખીને ખાંડ વેચે છે. ઝીણી ખાંડનો હોલસેલ ભાવ કિલોના 68 રૂપિયા હોય તો રિટેલમાં 73 રૂપિયે મળે છે. એ જ રીતે મીડિયમ ખાંડનો ભાવ હોલસેલમાં 70 રૂપિયા હોય તો રિટેલમાં 75-76 રૂપિયે વેચાય છે.

ભાવ વધવાનાં કારણોમાં ઇન્ડસ્ટ્રીને કારણે શેરડીના પાક માટે જમીન ઓછી પડે છે, શેરડીમાં લાલ રોગ (રેડ રોટ) લાગુ પડ્યો છે, ઇથેનોલનો પેટ્રોલમાં ઉપયોગ થવાને કારણે શેરડી એમાં ખર્ચાઈ રહી છે ને તેનું ઉત્પાદન પણ ઘટ્યું છે, ઈન્ડસ્ટ્રીને કારણે મજૂરી મોંઘી થઈ છે એટલે પૈસા ખર્ચતા પણ લેબરર્સ મળતા નથી, જેવાં કારણો આગળ કરાય છે. એ હકીકત છે કે ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે ને ખાંડ મોંઘી થઈ છે. આ બધાં કારણો અગાઉ પણ હતાં જ, તો ભાવ અત્યારે જ કેમ વધ્યા? સીધી વાત એટલી છે કે ખાંડ માટે શેરડી ઓછી પડે છે ને એ ઈથેનોલમાં વપરાઈ રહી છે એવું વિપક્ષનું માનવું છે. જો કે, સરકારનો બચાવ એવો છે કે ઇથેનોલમાં એટલી શેરડી વપરાતી નથી, તે મકાઈ વગેરેમાંથી બને છે, પણ આંકડાઓ કહે છે કે 25થી 30 લાખ ટન ખાંડ બની શકે, એટલી શેરડી ઇથેનોલમાં વપરાઈ છે ને સુગર મિલમાં પહોંચવી જોઈએ એટલી શેરડી પહોંચી જ નથી. છેલ્લા કેટલાક સમયથી શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે ને તે હજી ઘટે એવી પૂરી શક્યતા છે. દેખીતું છે કે ખાંડના ભાવ કાબૂમાં ન રહે. રાજ્યમાં ખાંડ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં બને છે. એટલે જ વીસથી વધુ સુગર મિલ સુરતમાં છે. ખાંડ માટે અન્ય રાજ્યો પર પણ આધાર રાખવો પડે છે. સુગર ઉત્પાદકોનું કહેવું છે કે અત્યારે દોઢ મહિનો ચાલે એટલી ખાંડનો પૂરતો જથ્થો છે. રાજ્યની સુગર મિલો પાસે અત્યારે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો છે. આમ છતાં 14થી 17 લાખ ટનની સામે 10 લાખ ટન જ વાર્ષિક ઉત્પાદન થાય છે ને બાકીનો જથ્થો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાંથી મેળવાય છે. સવાલ એ છે કે જે જથ્થો ઓછો બતાવાય છે તે ઇથેનોલમાં વપરાતી શેરડીને કારણે તો નથીને?

સરકાર તો એવો દાવો પણ કરે છે કે ગુજરાતમાં શેરડીમાંથી ઇથેનોલ બનાવાતું નથી, પણ ખાંડ મળ્યા પછી મળતા મોલાસિસમાંથી બનાવાય છે. સરકાર પાસેથી ડબલ જવાબો મળે છે. એક તરફ તે કહે છે દોઢ મહિનો ચાલે એટલી ખાંડ છે ને બીજી તરફ 14થી 17 લાખ મેટ્રિક ટન ખાંડની સામે 10 લાખ મેટ્રિક ટન ખાંડ જ રાજ્યમાં બને છે ને બાકીની ખાંડ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ…માંથી મેળવાય છે. આટલી તંગી વચ્ચે ખાંડની નિકાસ પણ થતી રહી છે તે પણ કમાલ જ છે. જો કે, હવે નિકાસ પર નિયંત્રણ આવ્યું છે. સરકાર કહે છે તે પ્રમાણે દોઢ મહિનો ચાલે એટલી ખાંડ છે તો, સવાલ એ છે કે ખાંડ રાતોરાત 75 સુધી કેમ પહોંચી? લાગે છે એવું કે સરકારનું વલણ આયોજન કરતાં પડશે તેવા દેવાશે-જેવું વિશેષ છે.

સરકારે પગલાં તો ભર્યાં છે. વિદેશથી આવતાં ખાંડનાં રો મટિરિયલ પર 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે, પણ સરકારે 10 લાખ ટન કાચી ખાંડ મંગાવવાનું 20 ઓગસ્ટથી ડ્યૂટી ફ્રી કરી નાખ્યું છે. આ બધી લીપાપોતી તહેવારો પૂરતી જ હોય, તો પણ પછીનું ચિત્ર ધૂંધળું જ છે. ગુજરાતમાં ખાંડની સ્થિતિ સારી નથી. ચા-કોફી મોંઘી થવાની પૂરી શક્યતાઓ છે. એક સમાચાર એવા પણ છે કે મીઠાઈનાં રો મટિરિયલ્સમાં અગાઉ ભાવ વધારો થયેલો ત્યારે જ મીઠાઈના ભાવ વધેલા એટલે હવે મીઠાઈ મોંઘી નહીં થાય. બીજી તરફ ખાંડ, ઘી, ડ્રાયફ્રૂટનાં ભાવ વધતા મીઠાઈના ભાવ 50થી 70 રૂપિયા વધવાની પણ વાત છે. આવા સમાચારથી હસવું આવે છે. આપણા વેપારીઓ એટલા ભોળા નથી કે જે કારણસર એક વખત ભાવ વધારે તે જ કારણસર ફરી ન વધારે.

ખાંડની રામાયણ તો પતી નથી ત્યાં ગોળ મોંઘો થવાના સમાચાર છે. 4 દિવસમાં ગોળના ભાવ ક્વિન્ટલે 1,200 રૂપિયા વધ્યા છે. ગોળના ભાવોમાં પણ 24 ટકા સુધીનો વધારો નોંધાયો છે. હોલસેલ મંડીઓમાં ગોળનો ભાવ 6,500થી 7,000 પ્રતિ ક્વિન્લ નોંધાયો છે, જયારે રિટેલમાં તેના પર 1,200 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ગયા મહિના સુધી કિલોના 40-5૦ને ભાવે વેચાતો ગોળ 80થી 90ના ભાવે વેચાતો થયો છે. આમ તો વધતા ભાવોનું કોમન કારણ ઓછાં ઉત્પાદનનું જ અપાય છે. એ સાથે જ ખાંડ મોંઘી થતાં લોકો ગોળ તરફ વળ્યા છે એવી વાત પણ છે. એકાએક જ સ્ટોક ખૂટવા લાગે ને તેની બીજા પદાર્થો પર તરત જ અસર પડે એ સમજાતું નથી. થોડા જ દિવસોમાં ગોળ બમણો મોંઘો થઈ જાય એમાં કેવળ ને કેવળ નફાખોરી જ દેખાય છે. ઘણીવાર વધતી માંગ પણ એક કારણ તરીકે આગળ કરાય છે, પણ રાતોરાત માંગ વધી કઈ રીતે જાય છે તે સવાલ છે. ગોળનાં ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ છે ને વિશ્વમાં ગોળનો 70 ટકા હિસ્સો ભારતનો છે, તો ઉત્પાદનની ઘટ, ભારતનો 70 ટકા હિસ્સો વિશ્વમાં કઈ રીતે જાળવી રાખે છે એ પ્રશ્ન જ છે. એ પણ ચમત્કાર જ કહેવાય કે ઓછા ઉત્પાદને પણ ભારત ખાંડની નિકાસ કરી રહ્યું છે.

વેપારીઓનું પ્લાનિંગ એવું હોય છે કે તહેવારોના સમયમાં તેઓ શક્ય તેટલું વધારે કમાઈ લેવા માંગતા હોય છે. આ પછી પણ વસ્તુઓ ચોખ્ખી જ મળે એની ગેરંટી નથી. તહેવારોમાં જ હજારો કિલો અખાદ્ય માવો પકડાયો છે. એની મીઠાઈ સસ્તી વેચાતી નથી. નકલી દૂધ-ઘી ને અન્ય નકલી ખાદ્યપદાર્થો મહિનાઓ, વર્ષો સુધી વેચાતા રહે છે ને કોઈ પૂછતું નથી. વરસને વચલે દા’ડે દરોડા પડે કે સેમ્પલ લેવાય તેટલો ધોકો વેપારીને પહોંચે, પછી તો નકલીનો જ વેપાર ચાલતો હોય છે ને નકલીનો ભાવ પણ અસલીની જેમ જ વસૂલાય છે. ઘણીવાર એવું પણ બને છે કે ભાવ ઘટાડો ગ્રાહક સુધી પહોંચતો જ નથી. જેમ કે, હોલસેલ માર્કેટમાં ખાંડનો ભાવ ક્વિન્ટલે 350 જેટલો ઘટ્યો, પણ તેનો લાભ ગ્રાહકોને નથી મળ્યો.

ખાંડગોળનો ભાવ વધારો ઓછો હતો તે હવે ડુંગળી પણ મોંઘી થઈ છે. ભારતીય રાજકારણમાં ડુંગળી, પાયમાલીનો મસ મોટો ભાગ ભજવે છે. ડુંગળીનો ભાવ વધે છે તો સરકાર ઊથલે છે ને ભાવ ઘટે છે તો ખેડૂતોની દશા બેસે છે. એક મહિનામાં ડુંગળીનો 20 કિલોનો ભાવ 600થી વધીને 1,000 રૂપિયા થયો છે. ડુંગળીનો કિલોનો ભાવ 20થી 25 રૂપિયા વધ્યો છે. 15 દિવસ પહેલાં 35થી 40ની કિલોએ વેચાતી ડુંગળી હાલ 60થી 70ની કિલો વેચાય છે. આ ભાવ હજુ 15થી 20 રૂપિયા વધી શકે એમ છે. એમાં પણ માલની અછતનું કારણ આગળ કરાય છે. ડુંગળી રોજિંદા વપરાશની કસ્તૂરી છે. તેનો ભાવ આડેધડ વધે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે. આમ તો મધ્યમ વર્ગનું બજેટ ખોરવાવા માટે જ હોય છે. ડુંગળીનો ભાવ બમણો થાય છે, તો ઘરે વપરાશ પણ અડધો થઈ જાય છે. નવો માલ ન આવે ત્યાં સુધી ડુંગળી મોંઘી રહેવાની છે, એવી આગાહીઓ પણ થઈ ચૂકી છે. કેમ જાણે નવો માલ આવતા ભાવ અડધા થઈ જવાના હોય !

કોણ જાણે કેમ, પણ સરકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો કાબૂ કરવા તરફ ધ્યાન જ આપ્યું નથી. જે ડુંગળીને કારણે ઇન્દિરા સરકાર ગઈ હતી, એવી સ્થિતિ હાલની સરકારની ન થાય તેવી પ્રાર્થના કરવાની રહે. વિકાસ અને નિર્માણની ભવ્ય વાતોમાં સાધારણ માણસનું જીવવું દાવ પર લાગ્યું છે. ગરીબો તો મફત સરકારી અનાજ પર ટકી જશે, પણ મધ્યમવર્ગ હવે નવી ગરીબી તરફ જઈ રહ્યો છે ને તેને કંઇ મફત મળતું નથી. તે રોજ જ ગરીબ થતો જાય છે. તે ખાંડનો ભાવ એડજસ્ટ કરે છે, તો ગોળ મોંઘો થઈ જાય છે ને ગોળની વ્યવસ્થા કરે છે, તો ડુંગળી તેને ઘેરી વળે છે. તેને એક જ પ્રશ્ન રોજ મૂંઝવે છે ને તે એ કે માણસ સિવાય ક્યારે ય કંઇ સસ્તું થશે કે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઑગસ્ટ 2026

Loading

વીર પસલી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|27 August 2026

અમૂલભાઈ અને રજનીભાઈ બંને ખાસ મિત્રો હતા, એકબીજાને ઘરે આવવા, જવાનો વ્યવહાર હતો. રજનીભાઈએ અમૂલભાઈના પત્ની ઉમાબહેનને બહેન માન્યાં હતા અને રક્ષાબંધનના દિવસે બધાં ભેગા થઈ રક્ષાબંધન મનાવતાં હતાં અને આનંદ કિલ્લોલ કરતાં. આમ જ વર્ષોથી ચાલ્યું આવતું હતું.

એવું તે શું? થયું કે અમૂલભાઈ અને રજનીભાઈની મિત્રતામાં તિરાડ પડી, સંબંધો કપાય ગયા, એક બીજાને ત્યાં જવા-આવવાના કે સાજે-માંદે ખબર અંતર પૂછવાના વ્યવહાર પણ તૂટી ગયા હતા. ઉમાબહેને અમૂલભાઈને પૂછ્યું હતું કે,

“કહો તો ખરા, તમારે બંને મિત્રને શું વાંધો પડ્યો છે? ન કહો તો કાઈ નહીં પણ રજનીભાઈને રક્ષાબંધનના દિવસે રાખડી તો બાંધવા દ્યો,” 

ત્યારે, અમૂલભાઈએ કાઈ જવાબ નહોતો આપ્યો. 

આમ જ સમય ઘણો પસાર થઈ ગયો. બંને મિત્રો વચ્ચે કોઈ સંપર્ક નહોતો. રજનીભાઈને ખબર પડી કે અમૂલભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. રજનીભાઈ એ વિચાર્યું, હવે મારે ક્યાં અમુલ સાથે સંબંધ છે પણ પછી વિચાર આવ્યો, મિત્ર સાથે મિત્રતા રહી નથી પણ બહેન તો છે ને! તે મારી રાહ જોતી હશે. બિચારી બહેન એકલી હશે. એમ વિચારી પુષ્પગુચ્છ લઈ હોસ્પિટલ પહોંચી ગયા.

“આવો, ભાઈ.” અમૂલભાઈએ ઊંચે જોયું તો રજનીભાઈ હાથમાં પુષ્પગુચ્છ લઈને ઊભા હતા.

 “કેમ છે અમૂલ?” 

“સારું છે. હવે તબિયત સુધારા ઉપર છે. મને માફ કરજે, રજની, એક નાની વાતમાં આપણે બાળક જેવું વર્તન કરી બેઠા.” 

“અમૂલ, તારી નહીં મારી પણ ભૂલ છે કે તારી સાથે બહેનને પણ હું વિસરી ગયો. તને સાચું કહું, આપણે એકબીજાને મળવા તરસતા હતા પણ આપણો ઈગો/અહમ્‌ નડતો હતો.” 

બંને મિત્ર સજળ નયને મળ્યા, ખૂબ વાતો કરી. એકબીજાની વાતો કરી મનથી તનથી હળવા થઈ ગયા.

“લો, બહેન આ કવર.”

 “શું છે આ કવરમાં?”

 “કંઈ નહીં, થોડા રૂપિયા છે.”

 ઉમાબહેને કવર ખોલ્યું તો તેમાં દસ હજાર રૂપિયા હતા. 

“ભાઈ, આટલા બધાં રૂપિયા ન હોય. તમારા આશીર્વાદ મારા માટે બસ છે.”

 “જો, બહેન ચાર વર્ષથી આપણે મળ્યા નથી. વીર પસલી, બેસતું વર્ષને બીજા ઘણા પ્રસંગોએ મેં કંઈ તમને આપ્યું નથી. તમારી રક્ષાનું તો હું શું મુલ્ય આંકી શકું. છતાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી ગણી મેં આ રૂપિયા આપ્યા છે. ઓછા હોય તો કહો, બહેન.”

 “અરે! ભાઈ, એ શું બોલ્યા. તમારા બંને મિત્રોની મિત્રતા પાછી મળી એ જ મારા માટે આપની વીર પસલી છે.”

 ત્રણેની આંખો સજળ થઈ ગઈ અને ધીમે ધીમે વરસી રહી. હોસ્પિટલનું ગમગીન વાતાવરણ પણ ખીલી ઉઠ્યું હતું.

ભાવનગર
e.mail : Nkt7848gmaa.Com

Loading

...10...21222324...304050...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved