Opinion Magazine
Number of visits: 10,221,302
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ના, હું પોતાની આત્મકથા ખુદ કહીશ!’

રમેશ સવાણી|Opinion - Opinion|30 August 2026

પ્રકાશકો, મોદીજી અને તેમની એજન્સીઓથી ડરી રહ્યા છે. લોકોએ શું વાંચવું કે શું છાપવું તે હવે RSS / મોદીજી નક્કી કરે છે. 

સોનિયા ગાંધીની આત્મકથા – ‘બિલોંગિંગ : અ જર્ની ઓફ લવ ઇન ઇન્ડિયા’ પ્રકાશન કંપની પેંગ્વિન દ્વારા છપાવાની હતી અને 10 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થવાની હતી.  

પેંગ્વિને ‘હસ્તપ્રત’માં ચોક્કસ ફેરફારો કરવા કહ્યું; પરંતુ સોનિયા ગાંધીએ સૂચિત ફેરફારોને નકારી કાઢ્યા, એટલે હવે પેંગ્વિને આ પુસ્તક છાપવાનો ઈન્કાર કર્યો છે.

પુસ્તકમાં રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મૃત્યુ સહિત સોનિયા ગાંધીના જીવનને આકાર આપતી દુર્ઘટનાઓનો ઉલ્લેખ છે. તેણીએ રાજનીતિમાં તેમના અંતિમ પ્રવેશ, કાઁગ્રેસના પ્રમુખ તરીકેના તેમનાં વર્ષો અને 2004ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નેતૃત્વ હેઠળના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન દ્વારા જીત્યા પછી વડા પ્રધાન પદનો ઇનકાર કરવાના તેમના નિર્ણય અંગે લખ્યું છે. 

20 ઓગસ્ટ 2026ના રોજ, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર તેમની માતાના સંસ્મરણોનું સ્વાગત કર્યું, અને કહ્યું કે ‘હું ખુશ છું અને ગર્વ અનુભવું છું.’

પેંગ્વિનનો ઇતિહાસ ડરના કારણે પાણીમાં બેસી જવાનો રહ્યો છે. 

pastedGraphic.png

મારું હંમેશાં માનવું છે કે પ્રકાશક ફક્ત પુસ્તકો વેચતો વેપારી નથી. પ્રકાશક, મૂળભૂત રીતે યાદો, અસમતિ અને લેખક સત્યને જે રીતે જુએ છે તે રીતે તેને રજૂ કરવાના લેખકના અધિકારનો રક્ષક છે. તેથી જ પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા સોનિયા ગાંધીના સંસ્મરણો પ્રકાશિત કરવાના નિર્ણયમાં પીછેહઠથી મને ખૂબ જ ચિંતા થાય છે.

પેંગ્વિન ઇન્ડિયા દ્વારા હસ્તપ્રતના એક ભાગમાં માંગવામાં આવેલા ‘સંપાદકીય ફેરફારો અને કાઢી નાખવા’ અંગે સોનિયા ગાંધી સહમત ન હતાં. પેંગ્વિન હવે ભારતમાં પુસ્તક પ્રકાશિત કરવાથી દૂર થઈ ગયું છે. અમને હજુ સુધી ખબર નથી કે પુસ્તકમાંથી શું કાઢી નાખવાનું હતું. પરંતુ સોનિયા ગાંધીએ ઈન્કાર કર્યો તે માટે, હું તેમને સલામ કરું છું.

મને સોનિયા ગાંધી સાથે અસહમત થવામાં કોઈ મુશ્કેલી નથી. મને તેમની રાજનીતિની ટીકા કરવામાં, તેમના નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવવામાં અથવા કાઁગ્રેસના રાજકીય વારસાને પડકારવામાં કોઈ મુશ્કેલી નથી. લોકતંત્રમાં આ બધું જરૂરી છે. પરંતુ અસહમતિનો અર્થ એ નથી કે કોઈનો અવાજ દબાવી દેવામાં આવે. એક રાજકીય નેતા, ખાસ કરીને જેમણે સ્વતંત્ર ભારતના કેટલાક સૌથી ઊથલપાથલ ભરેલા અને દુ:ખદ દાયકાઓ જોયા છે, જીવ્યા છે તેમને પોતાની કથા પોતાના અવાજમાં કહેવાનો પૂરો અધિકાર છે.

સોનિયા ગાંધીની જિંદગી સામાન્ય રાજકીય જીવનચરિત્ર નથી, જેને બસ સુરક્ષિત રીતે પ્રકાશિત કરવા તૈયાર કરવામાં આવ્યું હોય. તે પ્રેમ, સ્થળાંતર, લગ્ન, માતૃત્વ, સત્તા, હત્યા, દુઃખ, રાજકીય જવાબદારી અને ત્યાગ દ્વારા એક અસાધારણ માનવ યાત્રા છે. તેણી ભારતના સૌથી શક્તિશાળી પરિવારોમાંના એકમાં, યુવાન ઇટાલિયન મહિલા તરીકે પ્રવેશી હતી જે ભાગ્યે જ તેની રાહ જોતા તોફાનોની કલ્પના કરી શકતી હતી. તેણીએ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હિંસક મૃત્યુ જોયાં. તેણીએ ખાનગી જીવનને જાહેર જીવનમાં રૂપાંતરિત કરીને જીવ્યાં. તેણી દાયકાઓ સુધી ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહ્યાં અને 2004માં એક નિર્ણાયક ક્ષણે, વડા પ્રધાન ન બનવાનો અસાધારણ નિર્ણય લીધો.

કોઈ તેમની પ્રશંસા કરી શકે છે. કોઈ તેમને નફરત શકે છે. કોઈ ઘટનાઓની બાબતે તેમના વિચારો બાબતે અસહમત  થઈ શકે છે. પરંતુ કોઈને એ નૈતિક અધિકાર નથી કે તેણીની યાદોને પોતાની મરજી મુજબ બદલવા કે તેમને આજ્ઞાકારી બનવા માંગ કરે. 

2014માં, પેંગ્વિને વર્ષોનાં કાનૂની દબાણ પછી Wendy Donigerની ‘The Hindus: An Alternative History’ પાછી ખેંચી લીધી. આ નિર્ણયથી સ્વ-સેન્સરશિપ અને બૌદ્ધિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાની પ્રકાશકોની જવાબદારી અંગે ભારે ચર્ચા થઈ.

ફેબ્રુઆરી-2026માં, પેંગ્વિને કહ્યું હતું કે તેણે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેનાં સંસ્મરણ ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ પ્રકાશિત કર્યું નથી! જો કે પુસ્તકની હાર્ડ કોપી રાહુલ ગાંધી દ્વારા સંસદમાં પ્રદર્શિત કરવામાં આવી હતી!

જૂન-2026માં, પેંગ્વિને 2013ના મુઝફ્ફરનગર રમખાણો પરના ગ્રાફિક નવલકથાકાર Joe Sacco’ના ‘The Once and Future Riot’નું વિતરણ કરવાનું પણ પાછું ખેંચી લીધું હતું!

દરેક કેસની પોતાની અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે. તેને એક ત્રાજવે તોળી ન શકાય. પરંતુ આ બધી બાબતો એક બેચેન કરનારો પ્રશ્ન ઊભો કરે છે: ‘શું પ્રકાશકો એવાં પુસ્તકોથી વધુને વધુ ડરી રહ્યા છે, જે સત્તાને નારાજ કરી શકે છે, વિવાદ ઊભો કરી શકે છે અથવા અનિચ્છનીય ધ્યાન આકર્ષિત કરી શકે છે?’

ભારતમાં આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જ્યાં અસહમતિ માટે જગ્યા પહેલાથી જ વધુને વધુ ઘટતી જાય છે.

અઘોષિત કટોકટી; જરૂરી નથી કે રસ્તાઓ પર સૈનિકો હોય અથવા અખબારો ઔપચારિક રીતે બંધ હોય; ક્યારેક તે વધુ ચૂપચાપ આવે છે. તે ન્યૂઝરૂમમાં સાવધાની તરીકે પ્રવેશ કરે છે. તે પ્રકાશન ગૃહમાં કાનૂની ચિંતા તરીકે પ્રવેશ કરે છે. તે યુનિવર્સિટીમાં સ્વ-સેન્સરશીપ તરીકે પ્રવેશ કરે છે. તે લેખકના મનમાં એ વાક્ય તરીકે આવે છે જેને ક્યારે ય લખી શકાતું નથી.

અને છેવટે, આપણે જાતે જ આપણા પર રોક લગાવી દઈએ છીએ, ભલે કોઈએ આપણને આવું કરવાનું કહ્યું પણ ન હોય!

આ આજ્ઞાકારી હોવાનું સૌથી ખતરનાક સ્વરૂપ છે.

પ્રકાશકને લેખકની વાત સાથે સંમત થવાનું જરૂરી નથી. પ્રકાશક માટે કોઈ રાજકીય દલીલને સમર્થન આપવાની જરૂર નથી. પરંતુ જ્યારે કોઈ હસ્તપ્રત કાયદેસર રીતે પ્રકાશિત કરવા લાયક હોય, ત્યારે કોઈ અસહજ કરનાર હિસ્સા પર સાચી પ્રતિક્રિયા એ નથી કે તેને હટાવી દેવો, સાચો પ્રતિભાવ એ છે કે તેને પ્રકાશિત કરવો. તેની ઝીણવટભરી તપાસ થાય, તેના પર ચર્ચા થાય અને વાચકોને નિર્ણય લેવા દેવામાં આવે. 

જે પુસ્તક આપણે પસંદ કરતા નથી, તેનો જવાબ બીજું પુસ્તક છે. જે દલીલને આપણે નકારીએ છીએ તેનો જવાબ એક મજબૂત દલીલ છે. યાદશક્તિનો જવાબ પ્રતિ-સ્મૃતિ છે. વાતોનો જવાબ વધુ વાતો છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ જ છે.

અને તેથી, આજે, મને એ વાતમાં રસ નથી કે સોનિયા ગાંધીએ જે કંઈ લખેલું છે તેની સાથે હું સહમત છું કે નહીં; પણ મને એમના એ શબ્દો લખવાના અધિકારનો બચાવ કરવામાં રસ છે. 

ઝૂકવાનો ઇનકાર કરવા બદલ હું એમને સલામ કરું છું.

કોઈ પ્રકાશક તેમના અસાધારણ જીવનને બદલી શકે નહીં. કોઈ સંપાદકીય ડેસ્ક તેમણે સહન કરેલા દુઃખને ભૂંસી શકે નહીં. કોઈ કાપીકૂપીને તેમણે જોયેલા ઇતિહાસને ફરીથી લખી શકે નહીં. અને કોઈ પણ સંસ્થા, ગમે તેટલી શક્તિશાળી હોય, બીજા માનવીની યાદો પર પોતાનો હક કરી શકે નહીં. 

કોઈ પુસ્તકનું એડિટિંગ ચોકસાઈ, સ્પષ્ટતા અને ભાષા માટે થઈ શકે. તેની કાનૂની રીતે તપાસ થઈ શકે. તેની આકરી ટીકા થઈ શકે છે. પરંતુ જ્યારે કોઈ લેખક કહે છે કે, ‘આ મારી યાદો છે અને હું તેમને છોડીશ નહીં’, ત્યારે હું માનું છું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.

ખાસ કરીને હવે. કારણ કે આઝાદીની ખરી કસોટી એ નથી કે આપણે એવી વાતનો બચાવ કરીએ જે આપણને ખુશ કરે.

સવાલ એ છે કે શું આપણે બોલવાના અધિકારનો બચાવ ત્યારે પણ કરીએ છીએ, જ્યારે આપણી વાતો સત્તાને અસહજ કરી દે છે?

આજે, સોનિયા ગાંધી પ્રત્યે મારો આદર એટલા માટે નથી કે તે સોનિયા ગાંધી છે, એટલા માટે નથી કે તે કાઁગ્રેસનાં છે, અને એટલા માટે પણ નથી કે હું તેમની રાજનીતિથી સહમત છું.

હું તેમનો આદર કરું છું કારણ કે, જ્યારે તેમને કોઈ એવી ચીજ છોડી દેવા કહેવામાં આવ્યું જે તેમની અનુભવ કથાનો હિસ્સો છે, જે તેમણે ઈન્કાર કરી દીધો.

આજના સમયમાં, જ્યારે ચારેબાજુ બસ આજ્ઞા માનવાની જ બોલબાલા છે, ત્યારે એ નાનકડો શબ્દ હિમ્મત દેખાડનારો છે.

અને ક્યારેક, એક નાગરિક સત્તાની સામે સૌથી શક્તિશાળી વાત કહી શકે , તે બસ એટલી જ છે: ‘No. I will tell my own story.-ના, હું પોતાની આત્મકથા ખુદ કહીશ 

[સૌજન્ય: KA Shaji, પત્રકાર, Thiruvananthapuram, 28 ઓગસ્ટ 2026] 
29 ઑગસ્ટ 2026
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઇથેનોલની મહત્ત્વાકાંક્ષા અને ચૂંટણીનું ગણિતઃ ખાંડની કડવાશની જવાબદારી કોની?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 August 2026

ઉત્તર પ્રદેશ કે પંજાબમાં શેરડીના ભાવનો મુદ્દો ક્યારે ય માત્ર ખેતી પૂરતો સીમિત રહ્યો નથી. વાજબી અને લાભદાયી ભાવ એટલે કે ફેર ઍન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ(FRP)ના માધ્યમથી છૂટક સ્તરે રમાતું આ રાજકારણ છે.

ચિરંતના ભટ્ટ

ગળપણ મોંઘું થયું છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં ખાંડનો ભાવ 60 રૂપિયે કિલોએ પહોંચ્યો હતો. ખાંડના ભાવની આ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે—છાપાળવી ભાષામાં કહીએ તો વિક્રમજનક ભાવવધારો. જુલાઈની શરૂઆતથી ખાંડના ભાવમાં 60 ટકાનો ઉછાળો આવ્યો છે. હજી દિવાળીને વાર છે. નેપાળનાં પૂરને કારણે ખાંડના સમાચાર પહેલા પાનેથી ખસી ગયા છે ખરા, પરંતુ ખાંડનો ભાવ 20 ટકા જેટલો ઘટ્યો ખરો, એટલે કે 62 પ્રતિ કિલોથી ભાવ 56 રૂપિયે કિલો પહોંચ્યો ખરો. જો કે, ઉછાળા પછી ભાવ થોડા નરમ પડે એ સામાન્ય રીતે આ ચક્રનો જ એક ભાગ હોય છે. જો કે એનાથી ભાવવધારા પાછળનાં કારણોમાં કોઈ ફેર પડતો નથી.

વિશ્વમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતા દેશોમાં સ્થાન ધરાવતા અને છેલ્લા એક દાયકાથી ખાંડના મામલે દેશ આત્મનિર્ભર છે, એવી વાત સાંભળતા આવેલા ભારતમાં ખાંડના ભાવ આ સ્તરે પહોંચે એવું કોઈ કાળે ન થવું જોઈએ. છતાં હકીકત આપણી સામે છે. વિશ્વમાં ખાંડના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક દેશ એવા ભારતે નવ વર્ષમાં પહેલી વાર ખાંડની આયાત શરૂ કરી છે. જો કે આ કાચી ખાંડ છે, તમારા ઘરના રસોડામાં પહોંચતી તૈયાર ખાંડ નથી. આ કાચી ખાંડ એવી સુગર મિલોને વેચવામાં આવે છે, જે તેને પ્રોસેસ કરીને સ્થાનિક બજારમાં વેચવા માટે કાનૂની રીતે બંધાયેલી છે. ક્યારે ય કોઈ બીજા દેશના શેરડીના પાકની જરૂર નહીં પડે તેવા દાવા પર પોતાની ઈથેનોલની ગાથા રચી હતી તેવા ભારતને હવે બ્રાઝિલની કાચી ખાંડની જરૂર પડી રહી છે. 

સરકારે કંઈક અંશે નારાજગી સાથે સ્પષ્ટતા કરી કે આ ભાવવધારા સાથે ઇથેનોલને કોઈ લેવાદેવા નથી. કનઝ્યુમર અફેર્સ મંત્રાલયે ઇથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) માટે ખાંડના ડાયવર્ઝન અને ભાવવધારા વચ્ચેના કોઈપણ સંબંધને નકારી કાઢતું નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં પોતાના જ આંકડાઓનો હવાલો આપવામાં આવ્યો હતો : ઇથેનોલ માટે ઉપયોગમાં લેવાતી ખાંડનો હિસ્સો ખરેખર તો ઘટ્યો છે, જે 2022-23માં કુલ ઉત્પાદનના આશરે 12 ટકા હતો તે આ સીઝનમાં ઘટીને 9 ટકા થયો છે.

ઈંધણને મામલે સામે આવતો આંકડો પણ આ જ હકીકત કહે છે. ઓઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવતા ઇથેનોલમાં શેરડી આધારિત ઇથેનોલનો હિસ્સો હવે માંડ ત્રીજા ભાગ જેટલો જ છે, જ્યારે બાકીનો મોટાભાગનો હિસ્સો અનાજ, ખાસ કરીને મકાઈમાંથી બને છે. મંત્રાલયના મતે ખાંડનું ઓછું ઉત્પાદન, તહેવારો દરમિયાન વધેલી માગ અને સંગ્રહખોરીએ ભાવવધારો સર્જ્યો છે. પરંતુ જે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને સરકારે દસ વર્ષના પ્રયાસો પછી પોતાની એક મોટી સિદ્ધિ તરીકે રજૂ કર્યો છે, તેનો આ ભાવવધારા સાથે કોઈ સંબંધ નથી. વળી, આ વર્ષે ઇથેનોલનું ઉત્પાદન પણ મુખ્યત્વે શેરડી પર આધારિત રહ્યું નથી.

તકનીકી રીતે જોઈએ તો આ વાત ખોટી નથી. પરંતુ જે રીતે એને બચાવ તરીકે રજૂ કરવામાં આવી રહી છે એટલી સીધી વાત પણ નથી. આ વર્ષે ઇથેનોલ કાર્યક્રમને શેરડી પર સતત આધાર રાખવાની જરૂર ભલે ન પડી હોય, પરંતુ આ નીતિએ દેશમાં ‘પૂરતી ખાંડ’નો અર્થ શું થાય એની વ્યાખ્યા છેલ્લાં દસ વર્ષમાં બદલી નાખી છે.

ઈંધણની ટાંકી ભરવા માટે શેરડી, અનાજ કે પછી એ સિઝનમાં જે ઉપલબ્ધ હોય તે મળી જ રહેશે; આ વચનના આધારે દસ વર્ષ સુધી નીતિ ઘડ્યા પછી નબળા ચોમાસાને કારણે ખાંડના ડબ્બામાં અપેક્ષા કરતાં ઓછો જથ્થો બચે ત્યારે સરકાર આશ્ચર્ય પામી શકે નહીં. આ વર્ષે એક પણ તહેવારની મીઠાઈ બને એ પહેલાં જ આશરે 34 લાખ ટન ખાંડનું ઉત્પાદન ડાયવર્ટ થઈ ચૂક્યું છે, અને એ પણ એવા પાક પર જે ગયા ઑક્ટોબરના અંદાજ કરતાં પહેલેથી જ લગભગ 30 લાખ ટન ઓછો છે.

ખરેખર તો ઇથેનોલની ભૂખ માત્ર શેરડીમાંથી અનાજ તરફ અને મહારાષ્ટ્રની સુગર મિલોમાંથી મકાઈના પટ્ટા તરફ વળી છે. સાથે જ એવી અપેક્ષા રાખવામાં આવી કે આ લેવડદેવડ ક્યાં ય ગઈ નથી એ તરફ કોઈનું ધ્યાન ન જાય. બદલાયું છે તો માત્ર એટલું જ કે હવે આ કિંમત કયો પાક ચૂકવે છે. 2025માં આપણને કહેવામાં આવ્યું હતું કે નિર્ધારિત સમય કરતાં એક વર્ષ વહેલો 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ કરવો એ ઊર્જા સુરક્ષા અને વિદેશી હૂંડિયામણની બચતના મોરચે મોટી સફળતા છે. ત્યારે કોઈએ એ નહોતું કહ્યું કે ઇંધણમાં આત્મનિર્ભરતાનો હિસાબ સરભર કરવા માટે એક દિવસ ખાંડના ડબ્બામાંથી ઉધાર લેવું પડે તેમ બની શકે છે. આ સિઝનના અંતે બચેલો ખાંડનો જથ્થો (ક્લોઝિંગ સ્ટૉક) લગભગ એક દાયકાના સૌથી નીચા સ્તરે પહોંચે એવી શક્યતા છે.

અત્યારે ભારત બ્રાઝિલ પાસેથી ખાંડની આયાત કરી રહ્યું છે. આ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીઓ પણ છે. 2027ના પહેલા ત્રણ મહિનામાં બન્ને રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે અને બન્ને દેશના સૌથી મોટા શેરડી ઉત્પાદક વિસ્તારોમાં સામેલ છે. આમ, ઇથેનોલનું ગણિત માત્ર ઇંધણ નીતિના આધારે ક્યારે ય નક્કી નહોતું થવાનું.

20 ઑગસ્ટે સરકારે 10 લાખ ટન કાચી ખાંડની શૂન્ય આયાત જકાત સાથે આયાત કરવા માટે ટેરિફ-રેટ ક્વોટા ખોલ્યો. સામાન્ય રીતે ખાંડ પર 100 ટકા આયાત જકાત લાગુ પડે છે. જે મિલો 15 ઑક્ટોબર સુધીમાં આયાતી ખાંડનો જથ્થો ભારતમાં પહોંચાડવાની ખાતરી આપે તેમને 31 ઑક્ટોબરની અંતિમ સમયમર્યાદાની નજીક જથ્થો પહોંચાડનારી મિલો કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે.

ભારતને પરંપરાગત રીતે ખાંડ પૂરી પાડતો બીજો દેશ થાઇલૅન્ડ પોતાના જ ઉત્પાદનની અછતનો સામનો કરી રહ્યો છે. એટલે આ મુદ્દે ચર્ચા શરૂ થાય એ પહેલાં જ થાઇલૅન્ડનો વિકલ્પ બાકાત થઈ ગયો હતો. કાગળ પર બીજા દેશોના વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ આટલા ઓછા સમયમાં જરૂરી જથ્થો પૂરો પાડવાની ક્ષમતા એ દેશોમાંથી કોઈની પાસે નથી. બ્રાઝિલ કોઈ વૈકલ્પિક યોજના નથી; અત્યારે એ જ એકમાત્ર યોજના છે. આ સમગ્ર સ્થિતિનો વિરોધાભાસ શિપિંગ શેડ્યૂલમાં શાંતિથી છુપાયેલો છે. બ્રાઝિલનાં બંદરોથી ભારતના કિનારા સુધી માલવાહક જહાજને પહોંચતાં 40થી 45 દિવસ લાગે છે. એટલે આ અઠવાડિયે જે ખાંડ માટે સોદા થશે એ ભારતમાં પહોંચીને કસ્ટમ્સમાંથી બહાર આવે ત્યાં સુધીમાં જકાતમુક્ત આયાતની સમયમર્યાદા લગભગ પૂરી થઈ ચૂકી હશે અને 100 ટકા આયાત જકાત ફરી લાગુ થઈ જશે. ટૂંકમાં, ત્યાં સુધીમાં ભારત જેટલી ખાંડની આયાત સુનિશ્ચિત નહીં કરી શકે, તેના માટે પૂરી કિંમત ચૂકવવી પડશે. આ જકાતની દીવાલ ભારતે પોતે જ ઊભી કરી હતી; હવે એ જ દીવાલ દેશની પોતાની અછત પર કર વસૂલશે.

આમાંનું કશું પણ રાજકીય શૂન્યાવકાશમાં કે કોઈ સામાન્ય વર્ષમાં નથી બની રહ્યું. ઉત્તર પ્રદેશ કે પંજાબમાં શેરડીના ભાવનો મુદ્દો ક્યારે ય માત્ર ખેતી પૂરતો સીમિત રહ્યો નથી. વાજબી અને લાભદાયી ભાવ એટલે કે ફેર ઍન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ(FRP)ના માધ્યમથી છૂટક સ્તરે રમાતું આ રાજકારણ છે. દરેક શેરડીની સિઝન પહેલાં નાટકીય સમય પસંદ કરીને તેની જાહેરાત કરવામાં આવે છે. એનો સંબંધ આર્થિક ગણતરી કરતાં એ ચોક્કસ પ્રકારના ખેડૂતને સાધવા સાથે છે, જેને ગયા વર્ષે પોતાની શેરડીના કેટલા રૂપિયા મળ્યા હતા એ બરાબર યાદ છે.

ફેબ્રુઆરીની ચૂંટણી પહેલાં સરકારે શેરડીના ખેડૂતોને ખુશ પણ રાખવાના છે અને ખાંડના ભાવ ઘટાડવા માટે ખેડૂતોને મળતા ભાવ પર દબાણ કરી રહી હોય એવું દેખાવા પણ દેવાનું નથી. સરકારે એક જ સમયે બન્ને કામ કરવાનાં છે. એટલે ચાર મહિનામાં ચાર પગલાં લેવાયાં; નિકાસ પર પ્રતિબંધ, જથ્થાની મર્યાદા, જકાતમુક્ત આયાત અને આ બધાં વચ્ચેની એક મહત્ત્વની કડીનો જાહેરમાં ઇનકાર. દરેક પગલું અલગ મતદારવર્ગને ધ્યાનમાં રાખીને લેવાયું, પરંતુ આ વર્ષે દેશમાં કેટલી ખાંડ મળશે એ 18 મહિના પહેલાં લેવાયેલા વાવેતરના નિર્ણયથી જ નક્કી થઈ ગયું હતું. તેને આમાંથી એકેય પગલું બદલી શકે એમ નહોતું.

ખાંડનો ભાવ પ્રતિ કિલો ₹ 60 સુધી પહોંચતો જોનાર ગ્રાહક અને પોતાના FRPની બાકી રકમ મળવાની રાહ જોતો શેરડીનો ખેડૂત આ ઘટનામાં સામસામે નથી. બન્નેની સમસ્યાનું મૂળ એક જ છે. ગ્રાહકને ખાંડના ભાવ ઘટવાની રાહ છે અને ખેડૂતને પોતાના બાકી પૈસા મળવાની. પરંતુ બન્ને માટે સરકારના નિર્ણયો ચૂંટણીના સમયપત્રકને ધ્યાનમાં રાખીને લેવાઈ રહ્યા છે.

બાય ધી વેઃ

સરકાર સતત કહે છે કે ઇથેનોલ કાર્યક્રમને ખાંડની અછત સાથે કોઈ સંબંધ નથી. શક્ય છે કે સરકાર આ બાબતમાં સાચું કહી રહી હોય. પરંતુ દિવાળી જેવા દેશના સૌથી મોટા તહેવાર માટે ભારતે બ્રાઝિલથી ખાંડ મંગાવવી પડે એ સ્થિતિ જ ઘણું કહી જાય છે. માટે જ, સવાલ માત્ર એટલો નથી કે ઇથેનોલ કાર્યક્રમ અને ખાંડની અછત વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. વધુ અગત્યનો સવાલ એ છે કે યોગ્ય આયોજન થયું હોત તો આ બન્ને બાબતો એકબીજા સાથે જોડાય એવી સ્થિતિ ઊભી જ ન થઈ હોત. છતાં સત્તામાં બેઠેલા લોકોને એની ચિંતા કેમ નથી?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  30 ઑગસ્ટ 2026

Loading

રાહુલ ગાંધીનું મનુસ્મૃતિ વિમર્શ

રમેશ ઓઝા|Opinion - Opinion|30 August 2026

રમેશ ઓઝા

‘છાત્રોં કી ગૂંજ’ના પૂનાના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને ટીકા કરી. તેમણે કહ્યું કે મનુસ્મૃતિના આદેશો હિંદુઓના એક વર્ગને કાયમ માટે હાંસિયામાં રાખવાનું અને હાંસિયામાંથી બહાર નહીં નીકળવા દેવાનું કામ કરે છે કે જેથી સવર્ણ હિંદુઓની સર્વોપરિતા જળવાઈ રહે. જેને હાંસિયામાં રાખી છે એવી હિંદુ પ્રજામાં સ્ત્રીઓ, દલિતો, શુદ્રો, આદિવાસીઓ વગેરેનો સમાવેશ થાય છે. 

આ બહુ મોટી ઘટના છે. બહુજન સમાજ પક્ષ અને બીજા કેટલાક દલિત અને દ્રવિડ પક્ષોને છોડીને બીજા રાજકીય પક્ષોના નેતાઓ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતા ડરતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી માયાવતીએ પણ મનુસ્મૃતિ અને બ્રાહ્મણોનાં વર્ચસ વિષે બોલવાનું બંધ કરી દીધું છે. ખાસ કરીને ૧૯૯૦ પછીથી ભારતીય જનતા પક્ષની તાકાત વધવા માંડી ત્યારે સેક્યુલર રાજકીય પક્ષોના નેતાઓને એમ લાગવા માંડ્યું કે સરેરાશ મધ્યમવર્ગીય હિંદુઓ એકંદરે માનવતાવાદી હોવા છતાં ય ધાર્મિક છે. હિંદુઓનાં શાસ્ત્રવચનોની ટીકા કરીને હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાની આપણે ભૂલ કરી તેનો લાભ હિન્દુત્વવાદીઓને મળી રહ્યો છે. બીજી બાજુ આપણે ઇસ્લામ ધર્મની ચિકિત્સા નથી કરતા એટલે પણ સરેરાશ હિંદુઓ નારાજ છે. 

આમ માત્ર રાજકીય પક્ષોના નેતાઓ માનતા થયા હતા અને હિંદુઓ અને હિંદુ ધર્મ વિષે બોલતા બંધ થયા હતા એવું નથી, સામાજિક-રાજકીય સમિક્ષકો અને વિચારકો પણ આ વાત કહેવા લાગ્યા હતા. સમાજપ્રબોધન કરનારા અને સમાજપરિવર્તન ઇચ્છનારા આંદોલનકારીઓ હિંદુઓની અને હિંદુ ધર્મની આકરી ચિકિત્સા કરતા રહ્યા છે, એને કારણે સરેરાશ હિંદુઓ સમાજ સુધારક પરિવર્તનોને સદ્દભાવથી લેતા બંધ થયા છે, એવું તેમનું માનવું હતું. એવો ડર બેસી ગયો હતો કે જો તમે હિંદુ ધર્મની, હિંદુ ધર્મગ્રંથોની કે હિંદુ સમાજવ્યવસ્થાની ટીકા કરશો તો મધ્યમવર્ગીય હિંદુઓ તમારાથી દૂર થઈ જશે. ભા.જ.પ.ની સફળતા આનું પ્રમાણ છે. 

રાજકીય નેતાઓ, રાજકીય સમીક્ષકો અને સમાજશાસ્ત્રીઓનું આ તારણ માત્ર અનુમાન આધારિત નહોતું, વાસ્તવિક હતું. મધ્યમવર્ગીય હિંદુઓ આમ માનવા લાગ્યા હતા. અનેક અભ્યાસો અને સર્વેક્ષણો આમ કહેતા હતા. સરેરાશ મધ્યમવર્ગીય હિંદુઓને એમ લાગવા માંડ્યું હતું કે પ્રગતિશીલો હિંદુઓને અને હિંદુ ધર્મને પસંદગીનું નિશાન બનાવી રહ્યા છે અને ઇસ્લામ તેમ જ મુસલમાનો વિષે બોલતા નથી. આને પરિણામે પાશ્ચાત્ય સેક્યુલરિઝમ અને ભારતીય સેકયુલરિઝમ વચ્ચે વિદ્વાનો ભેદ કરવા લાગ્યા હતા. ૧૯૯૦ પછીની હિંદુ ધર્મચિકિત્સા વધારે ઉદાર અને સૌમ્ય બનવા લાગી હતી. ખૂદ રાહુલ ગાંધી ૨૦૧૯ સુધી ચૂંટણી પ્રચાર વખતે મંદિરોમાં જતા હતા, ટીલાંટપકાં કરતા હતા, જનોઈ પણ બતાવતા હતા. તેમને એમ લાગતું હતું કે કાઁગ્રેસથી નારાજ થયેલા ધાર્મિક હિંદુઓ પાછા ફરશે અને ચૂંટણી જીતી શકાશે. પરિવર્તનકારી આદોલનકર્તાઓ પણ સામાજિક સમાનતા વિશેનો વિમર્શ સૌમ્યભાષામાં કરવા લાગ્યા હતા. ખોજ  એ વાતની હતી કે હિંદુઓની ધાર્મિકતાને ઠેસ પહોંચાડ્યા વિના સેક્યુલર હિંદુનું ઘડતર કરીને સેક્યુલર ભારત કેવી રીતે બનાવવું. 

રાહુલ ગાંધી

અને અચાનક રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે પૂનામાં મધ્યમવર્ગીય હિંદુ ભાવનાની પરવા કર્યા વિના સાવધાની ફગાવીને મનુસ્મૃતિની ટીકા કરી. શું એ રાહુલ ગાંધીની બેવકૂફી છે કે પછી કશુંક બીજું છે? ૨૦૨૨ની ભારતજોડો પદયાત્રા વખતે રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકરના માફીનામાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે હિન્દુત્વવાદી જમાત કાયર છે ત્યારે કેટલાક રાજકીય પક્ષોના અને ખાસ કરીને મહારાષ્ટ્રના નેતાઓએ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે કમ સે કમ સાવરકરની ટીકા કરવામાં ન આવે, હિંદુઓનો એક વર્ગ નારાજ થશે. રાહુલ ગાંધીએ ત્યારે તેની પરવા નહોતી કરી અને સાવરકરની ટીકા કરતા રહ્યા હતા. તેઓ કહેતા આવ્યા છે કે ભારત વિષેની બે કલ્પના (આઈડિયા ઓફ ઇન્ડિયા) છે. એક ગાંધીજીની ઉદારમતવાદી સહિયારા ભારતની અને બીજી સાવરકરની હિંદુ ભારતની. સહિયારું ભારત સહિયારું હોવા છતાં ય હિંદુ હિતકારી છે અને હિંદુ ભારત હિંદુઓ માટેનું હોવા પછી પણ હિંદુઓ માટે અનર્થકારી છે. જવાહરલાલ નેહરુ જે ભાષામાં બોલતા હતા અને નેહરુયુગીન સમાજશાસ્ત્રીઓ જે ભાષામાં બોલતા હતા એ ભાષામાં એ જ વાત રાહુલ ગાંધીએ કહેવાનું શરૂ કર્યું. 

શા માટે? 

(અહીં મારી ભલામણ છે કે ગયા સપ્તાહે પાકિસ્તાન વિષે અને તેમાં ત્યાંના દિમાગી નક્સલો હવે જે બોલતા થયા છે એ લેખ વાંચી જાઓ. કાઁગ્રેસે સહિયારા ભારત વિશેની જે કલ્પના પચાસ વરસ દરમ્યાન કરી હતી અને જે પદાર્થ અને રસાયણ વિકસાવ્યાં હતાં તેની પણ તેમાં વિગતો છે.) 

શા માટેનો ઉત્તર એ છે કે જે રીતે પાકિસ્તાનના નિર્મતાઓ પાસે ઇસ્લામ અને મહાન મુસ્લિમ પ્રજાના નામે ભારતીય મુસલમાનોને પોરસાવવા અને હિંદુઓથી ડરાવવા સિવાય પાકિસ્તાનની કોઈ કલ્પના જ નહોતી એમ હિન્દુત્વવાદીઓ પાસે પણ હિંદુભારતની કોઈ કલ્પના નથી. હિંદુ ભારત માટે જરૂરી પદાર્થ અને રસાયણ તેઓ વિકસાવી જ શક્યા નથી. સત્તાનો દુરુપયોગ કરીને કે સંખ્યાની તાકાત બતાવીને કરવામાં આવતી દાદાગીરી અને માથાભારેપણું એ હિંદુપૌરુષ નથી. વીર્યવાન હિંદુ અલગ છે અને માથાભારે હિંદુ અલગ છે. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં ભાયાતોનું માથાભારેપણું એ પ્રજાનું પૌરુષત્વ નહોતું, પ્રજા તો ભાયાતોના માથાભારેપણાથી ત્રાહિમામ થઈ ગઈ હતી. એટલે તો તેને ભાયાતોના રંજાડ તરીકે ઓળખાવવામાં આવતો હતો. બીજું દાદાગીરી અને માથાભારેપણાવાળી છીછરી બહાદુરી માત્ર એ જ બતાવી શકે જે સત્તાપક્ષમાં હોય જેમ ભાયાતો હતા. પ્રજાને એમાં શું મળે છે? ઉત્તર પ્રદેશમાં મુસલમાનો કરતાં હિંદુ ઘરો પર વધારે માત્રામાં બુલડોઝર ચાલ્યાં છે. 

એ વાત ખરી છે કે મુસ્લિમ લીગના નેતાઓને પાકિસ્તાનની કલ્પના વિકસાવવા માટે કાઁગ્રેસના નેતાઓને જેટલો સમય મળ્યો હતો એટલો નહોતો મળ્યો. પણ એક દાયકાનો સમય પણ ઓછો તો નહોતો! કમ સે કમ પ્રયાસ તો કરવો જોઈતો હતો. શરૂઆત તો કરવી જોઈતી હતી. આઝાદી નિશ્ચિત થઈ અને બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કાઁગ્રેસના નેતાઓએ ઝીણાને કહ્યું હતું કે મુસ્લિમ બહુમતી પ્રાંતોના સ્વરૂપ વિશેની તમારી કલ્પના રજૂ કરો, પણ ઝીણા એ નહોતા કરી શક્યા. આટલો મોટો બાહોશ ધારાશાસ્ત્રી નહોતો કરી શક્યો. જો કરે તો પાકિસ્તાનની રચના માટેનાં આંદોલનમાં જોડાયેલા કેટલાક મુસલમાનો નારાજ થઈને બહાર નીકળી જાય અને મુસલમાનોના હાથે જ પાકિસ્તાન રચાય એ પહેલાં જ પાકિસ્તાનનો ફિયાસ્કો થઈ જાય. અને એની જરૂરત પણ ક્યાં છે? સ્વાર્થ તો સત્તાનો છે એટલે ફોડ પાડ્યા વિના મભમ બોલો. બસ, મુસલમાનોને પોરસાવો અને ડરાવો.

મુસ્લિમ લીગના નેતાઓથી ઊલટું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને તો દાયકાઓનો સમય મળ્યો હતો. કાઁગ્રેસના નેતાઓને સમય મળ્યો હતો તેનાથી પણ વધુ. દુનિયામાં કદાચ આ એક માત્ર જમાત છે જેને રાષ્ટ્ર વિશેની પોતાની કલ્પના વિકસાવવા માટે આટલો સમય મળ્યો હોય! ૨૦૧૪માં ભારતમાં પહેલીવાર હિંદુત્વ (હિન્દુત્વ હિંદુ નહીં) બહુમતીવાળી સરકાર આવી ત્યારે સંઘ ૯૦ વરસનો થયો હતો. 

પણ જોવા શું મળ્યું? સત્તાધારી અને શાસકવર્ગના હિંદુઓની દાદાગીરી અને તેમનું માથાભારેપણું જે કાઠિયાવાડમાં જોવા મળ્યું હતું, જે અન્ય રિયાસતોમાં જોવા મળ્યું હતું, જે પાકિસ્તાનમાં જોવા મળ્યું હતું. આવું જગતના અન્ય બહુમતી રાષ્ટ્રવાદી દેશોમાં પણ જોવા મળ્યું હતું. પોરસાવવા અને ડરાવવા સિવાય પ્રજાને આપવા માટે તેમની પાસે કશું જ નથી. અને આની સૌથી મોટી કિંમત બહુમતી પ્રજા જ ચૂકવે છે જેના ખભા પર ચડીને તેઓ સત્તા સુધી પહોંચ્યા છે. 

રાહુલ ગાંધીને એક વાત સમજાઈ ગઈ કે ગાંધી, નેહરુ અને અન્ય તેજસ્વી લોકો દ્વારા વિકસાવાયેલા સહિયારા ભારતની કલ્પનાનો મુકાબલો કરી શકે એવી હિંદુ ભારતની આ લોકો પાસે કોઈ કલ્પના જ નથી. તેમની હિંદુરાષ્ટ્રની કલ્પના વાંઝણી છે. માથાભારેપણા સિવાય  એમાં કશું જ નથી. સામાન્ય હિંદુ માટે છે ભય અને વરખ ચડાવેલો હિંદુગર્વ. તકલાદી રાષ્ટ્રવાદ ટકાઉ રાષ્ટ્રવાદ સામે ટકી શકે એમ નથી એટલે તેને સીધું નિશાન બનાવવામાં કશું જોખમ નથી. આ બાજુ હિંદુ પ્રજાને, ખાસ કરીને હવે પછી જેને પાંચથી છ દાયકા ભારતમાં જીવવાનું છે તેમને સમજાઈ ગયું કે આમાં આપણને કશું જ મળવાનું નથી. હિંદુ ઘરનો મોભી ઘરની સુરક્ષાના નામે છાતી પર ચડીને ગૂંગળાવે એના કરતાં વિધર્મી સાથે ખુલ્લી હવામાં વિહરવામાં વધારે મોજ છે. 

ટૂંકમાં હિંદુ રાષ્ટ્રવાદનું વારણ સહિયારો રાષ્ટ્રવાદ છે જેમાં લોકતંત્ર, સેકયુલરિઝમ, ન્યાય, નાગરિક અધિકારો, કાયદાનું રાજ, ભૌતિક અને માનસિક વિકાસ કેન્દ્રમાં છે. હિંદુઓને પણ સમજાવા લાગ્યું છે કે ધાર્મિક અને અન્ય લાગણીઓને લઈને આળા થવાની જરૂર નથી. જો આપણાં ઘરમાં કચરો હોય અને એ કચરા તરફ કોઈ ધ્યાન દોરતું હોય તો નારાજ થવાની જગ્યાએ કચરો સાફ કરવો જોઈએ. હા, કચરા તરફ ધ્યાન દોરનારે એ કામ સૌમ્ય ભાષામાં વિવેકપૂર્વક કરવું જોઈએ અને ધર્મ કે જાત જોયા વિના દરેકનું ધ્યાન દોરવું જોઈએ જે રીતે ગાંધીજી કરતા હતા. આઝાદી પછીના ભારતના રાજકારણનું અને અત્યારે ભોગવવા પડતા પરિણામોનું આ લેસન છે.

રાહુલ ગાંધીએ ફરીવાર એ જગ્યાએ ગોલ સેટ કર્યો છે જ્યાં ૧૯૧૫ પછી ગાંધીજીએ અને કાઁગ્રેસે અને ૧૯૪૬થી ૧૯૪૯ વચ્ચે ભારતનું બંધારણ ઘડનારાઓએ બંધારણ ઘડીને ગોલ સેટ કર્યો હતો. એમણે તાત્કાલિક સત્તાના રાજકારણને બાજુએ મૂકી દીધું છે. આ કાચાપોચા માણસનું કામ નથી અને રાહુલ ગાંધી પાસે યુવાખેલાડીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. 

દરમ્યાન બે પ્રશ્ન મનમાં સતાવે છે. 

એક, શું તંદુરસ્ત નરવો નીર્વિરોધી અને વિકાસલક્ષી (અંગ્રેજીમાં કહીએ તો bening) બહુમતી રાષ્ટ્રવાદ અસંભવ છે?  

બે, કે પછી એ સંભવ તો છે, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વિકસાવવામાં નિષ્ફળ નીવડ્યો છે અથવા તો તેને તેવા બહુમતી રાષ્ટ્રનું નિર્માણ કરવું જ નહોતું?

વિચારો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑગસ્ટ 2026

Loading

...10...20212223...304050...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved