
ચંદુ મહેરિયા
સોળમી ડિસેમ્બર ૨૦૨૪ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ગેઝેટમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું એક નોટિફિકેશન પ્રગટ થયું હતું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર (સુધારો) નિયમ, ૨૦૨૪ શીર્ષક હેઠળની આ અધિસૂચના અનુસાર કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં હવેથી નો ડિટેન્શન પોલિસી ખતમ કરવામાં આવી છે. અર્થાત ધોરણ ૫ અને ૮ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને હવે ઉપલા ધોરણમાં ચઢાવી શકાશે નહીં. સરકારે અનુતીર્ણ થનાર વિદ્યાર્થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવતો રહે તે માટેના સુધારાત્મક પગલાંની આવશ્યકતા અધિસૂચનામાં ભાર દઈને જણાવી છે. પરંતુ તે તરફ દુર્લક્ષ સેવીને પ્રાથમિક શાળાઓમાં પાંચમા-આઠમામાં પણ બાળકોને નાપાસ કરી શકાશે તેની જ સર્વત્ર ચર્ચા છે.
છ્યાંસીમા બંધારણ સુધારા(વર્ષ ૨૦૦૨)થી છથી ચૌદ વર્ષનાં બાળકોને અનુચ્છેદ ૨૧-એ-થી શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ની ધારા -૧૬માં દેશના તમામ બાળકો ધોરણ આઠ સુધીનું પ્રારંભિક શિક્ષણ કોઈ પણ પ્રકારની બાધા, અવરોધ કે અટકાવ વિના મેળવે તેવી જોગવાઈ કરી હતી. કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ મેળવતું અટકાવવું નહીં અને તે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત મેળવે અને તેને શાળામાંથી તગેડી મૂકવામાં ના આવે તે માટેની આ જોગવાઈ હતી. પરંતુ શાળાઓએ ડિટેન્શન પોલિસીનો અર્થ બાળકોને નાપાસ ના કરવા તેવો કર્યો અને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાંખ્યા.
તણાવમુક્ત શિક્ષણનો માહોલ ઊભો કરવો, માત્ર વાર્ષિક પરીક્ષાનાં મૂલ્યાંકનથી દૂર રહેવું, શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધારવું, શાળા છોડી જતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, ભિન્નભિન્ન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતાં બાળકોને શિક્ષણ મેળવવાનો સમાન અવસર પૂરો પાડવો, અનેક પડકારો છતાં બાળક પાંચમા કે આઠમા ધોરણ સુધી તો ટકી રહે અને નબળાં વિદ્યાર્થી પણ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેવો ઉદ્દેશ નો ડિટેન્શન પોલિસી પાછળ રહેલો હતો.
બાળકોને શાળાની બહાર નહીં ધકેલવાની આ નીતિ પાછળ બાળકોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ શોધવી અને અપનાવવી તેવો મુખ્ય હેતુ સ્વાભાવિક હતો. પરંતુ ખોટા અર્થઘટન અને અમલીકરણના પડકારોને કારણે તે નીતિએ શિક્ષણને વધુ નબળુ બનાવ્યું છે. એટલે અમલના થોડાંક જ વરસો પછી ઘણા રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને દફન કરવા અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણ પહેલા માત્ર રાજ્યોનો વિષય હતો. પરંતુ આંતરિક કટોકટીના વરસોમાં ૧૯૭૬ના બેતાળીસમા સુધારાથી તેને સમવર્તી કે સંયુક્ત સૂચિમાં સમાવવામાં આવેલ છે. એટલે શિક્ષણ સંબધી કાયદા કેન્દ્ર અને રાજ્યો બંને ઘડી શકે છે. કેન્દ્રના કાયદા કે નિયમો રાજ્યો માટે બંધનકર્તા નથી હોતા.
૨૦૧૦-૧૧થી અમલી બનેલી નો ડિટેન્શન પોલિસી સામે ૨૦૧૫ની કેન્દ્રિય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બાળકોને નાપાસ નહીં કરવાને કારણે શિક્ષણ કથળ્યું હોવાનું અને તેને લીધે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામનું રિઝલ્ટ પણ નબળું આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આમે ય ભારતનાં બાળકો બુનિયાદી સાક્ષરતા અને ગણિતમાં એટલે લેખન, વાચન, ગણનમાં નબળાં છે. તેમને પાંચમા-આઠમામાં નાપાસ નહીં કરવાની સરકારી નીતિને કારણે તેમની આ નબળાઈમાં ઓર વધારો થયો છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, અસર(ASER)ની હકીકતો પણ વિરોધીઓના સમર્થનમાં હતી. ૨૦૨૨માં ધોરણ ૫ના ૨૫.૬ ટકા વિદ્યાર્થી ધોરણ- ૨ના બે અંકોના સરવાળા બાદબાકીના દાખલા ગણી શકતા નહોતા. તો ૪૨.૮ ટકા બીજા ધોરણનું વાંચી શકતા નહોતા. ચૌદથી અઢાર વરસના ચોથા ભાગના વિદ્યાર્થી પોતાની માતૃભાષાનો કોઈ પાઠ અસ્ખલિત વાંચી શકતા નહોતા. ૨૦૨૩માં દેશના સાઠ જેટલા પરીક્ષા બોર્ડની દસમી-બારમીની પરીક્ષામાં આશરે ૬૫ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ બધા માટે બાળકોને વગર પાસ થયે કે આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને જવાબદાર ઠેરવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને આપમેળે ઉપર ચઢાવી દેવાતાં બાળકો, વાલીઓ અને ખુદ શિક્ષકો શિક્ષણ પ્રત્યે બેજવાબદાર બન્યા હતા. ભણાવો તો ય શું અને ન ભણાવો તોય શું, ભણો તો ય ઠીક અને ના ભણો તો ય ઠીક, બાળક્ને નિશાળે મોકલીએ કે ના મોકલી બધું સરખું જ છે, તેવું વલણ સમાજમાં પ્રવર્તવા માંડ્યું હતું. એટલે સરકારે સંસદમાં ૨૦૧૯માં ૨૦૦૯ના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારો કરીને નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી હતી.
જો કે તે અંગેના નિયમો છેક ૨૦૨૪માં સુધાર્યા અને નીતિને દફનાવી દીધી છે. કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ સ્કૂલ્સ, નવોદય વિદ્યાલયો, એકલવ્ય શાળાઓ, સૈનિક સ્કૂલ્સ વગેરે મળીને ત્રણ હજાર શાળાઓમાં હવે આ વરસથી ધોરણ ૫ અને ૮માં કોઈને આપમેળે પ્રમોશન મળશે નહીં. જો કે સરકારે અનુતીર્ણ થનાર બાળકોની બે મહિનામાં પુન:પરીક્ષા લેવાની અને તેમાં જો તે પાસ થાય તો ઉપલા ધોરણમાં મોક્લવાની જોગવાઈ કરી છે. આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને નાપાસ થનાર કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવા અને તેમના પર વિશેષ ધ્યાન આપવા પણ જણાવ્યું છે.
પ્રાથમિક શાળાના બાળકોને આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની કે વગર પાસ થયે ઉપરના ધોરણમાં નહીં ચઢાવવાની નીતિ અંગે રાજ્યોનો મત વહેંચાયેલો છે. વળી કેન્દ્રે નો ડિટેન્શન પોલિસી પરત ખેંચી છે, એટલે બી.જે.પી.શાસિત તમામ રાજ્ય સરકારો તેને અનુસરશે તેવું પણ જોવા મળતું નથી. દેશના અડધા રાજ્યો આ નીતિની તરફેણમાં છે તો અડધા વિરોધમાં છે. વિપક્ષશાસિત રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને ખરાબ ગણી તિલાંજલી આપી હોય તેમ છે તો ભા.જ.પા.શાસિત રાજ્યોએ હજુ પણ આ નીતિ જારી રાખી છે. દેશનું સૌથી મોટું અને બી.જે.પી.ની રાજવટ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ નો ડિટેન્શન પોલિસીની તરફેણમાં છે. ભા.જ.પ.ના વિરોધમાં કાયમ રહેતી દિલ્હીની આમ આદમી પાર્ટીની કે મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસની બંગાળ સરકાર કેન્દ્રની નીતિના સમર્થનમાં છે અને તેનો અમલ કર્યો છે. આવું જ દેશના સૌથી શિક્ષિત અને ડાબેરી શાસન ધરાવતા કેરળની સરકારનું છે. ભા.જ.પ.ના શાસન હેઠળના રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, છતીસગઢ અને ગોવામાં નો ડિટેન્શન પોલિસી અમલમાં છે. કાઁગ્રેસશાસિત રાજ્યોમાં પણ આમ જ છે. સંયુક્ત યાદીનો શિક્ષણ પરનો કેન્દ્રનો નિર્ણય રાજ્યોને બાધ્યકારી નથી એ ખરું પણ આવા મહત્ત્વના વિષયે દેશમાં સર્વસંમતિ ન હોય તે બાબત વિચારણીય છે.
ગુજરાતમાં ૨૦૨૩થી ધોરણ ૫ અને ૮માં નાપાસ વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવતા નથી. જો કે ધોરણ ૧થી ૪ અને ૬-૭ માં નાપાસ થાય તો ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે. એટલે શિક્ષણની ગુણવતા કથળવાની હોય તો તે પાંચમા –આઠમાં નાપાસ થવાથી જ કથળે કે કોઈપણ ધોરણમાં ? હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું ? તે સવાલ પણ ઊભો જ છે. નો ડિટેન્શન પોલિસીનો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી. સતત પરીક્ષણ અને મૂલ્યાંકન નિષ્ફળ રહ્યું હતું. હાલની પરીક્ષા પદ્ધતિનો વિકલ્પ શોધવામાં કોઈને રસ ન પડ્યો. એટલે જેમ રાજ્યોનો મત આ નીતિ અંગે વહેંચાયેલો છે તેમ આ નીતિના લાભાલાભ અંગે પણ સમજવું રહ્યું.
e.mail : maheriyachandu@Fgmail.com