Opinion Magazine
Number of visits: 10,221,371
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્મદને આજે 193 વર્ષ થયાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 August 2026

રવીન્દ્ર પારેખ

‘આપણી દેશ જનતા’ નામના નિબંધમાં નર્મદે આમ લખ્યું છે, ‘મુસલમાનોએ આપણા દેશનું નામ હિંદ પાડ્યું ને આપણને હિંદુ કહ્યા.’ આજે હિંદુ અને હિન્દુત્વનો મહિમા કરનારાઓને ધક્કો બેસે એવી આ વાત છે. આવતે વર્ષે નર્મદે કહેલી આ વાત પરથી નર્મદ જયંતી ઉજવવાનું બંધ થઈ જાય તો નવાઈ નહીં. જો કે બનવું તો એવું જોઈએ કે 2033માં આવી રહેલી નર્મદ દ્વિશતાબ્દી ઉજવવા આ શહેરે કમર કસીને લાગી પડવું જોઈએ. નર્મદે હિંદુઓ માટે અભિમાન થાય એવી વાત એ જ ફકરામાં આમ પણ કહી છે, ‘મૂર્તિ પૂજા એ આપણો સહુનો ધર્મ છે, રીતભાત આપણ સહુની ઘણું કરીને એકસરખી છે, આપણ સહુને સમદુઃખીપણું છે અને સંસ્કૃત વિદ્યા તો આપણી જ હતી તથા રામ કૃષ્ણ તે આપણા હિન્દુના દેવ છે એવાં એવાં અભિમાન છે- એટલું પણ છે તેથી આપણી હિન્દુની દેશજનતા હજી મરણ પામી નથી.’ આ શબ્દોમાં જે કહેવાયું છે તે કરતાં નથી કહેવાયું તે સમજવા જેવું છે. ‘એટલું પણ છે…’માં આટલું પણ જેમ તેમ છે – એ સૂચિતાર્થ સમજવા જેવો છે. એટલું પણ રહ્યું છે કે નર્મદને ભલે ઔપચારિક રીતે પણ આપણે ઉજવીએ તો છીએ.

નર્મદ જયંતી નિમિત્તે ગાંધી બાગમાં નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ કે સૂતરની આંટી ચડાવાતી હતી ને કોર્પોરેશન રાજકારણીઓ, સાહિત્યકારો, કવિઓને એ સવારે આમંત્રણ આપતું. પહેલી સૂત્રમાલા કવિ, વિવેચક, નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ ડો. જયંત પાઠક દ્વારા અર્પણ કરાતી હતી. તે પછી એ ઉપક્રમ જાણીતા સર્જક ભગવતીકુમાર શર્મા દ્વારા જળવાયો. મેયર પણ સાહિત્યકારોની માલ્યાર્પણ વિધિ પતે તે પછી એ વિધિ કરતા. નર્મદનું ‘જય જય ગરવી ગુજરાત’ શાળાના બાળકો ગાતાં. શહેરના અન્ય સાહિત્યકારો, કવિઓ પણ એ સમયે ઉપસ્થિત રહેતા. આખા દિવસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં નર્મદનું મહિમા ગાન થતું. હવેની નર્મદ જયંતી ત્યાં જ ઉજવાય છે, પણ ફરક પડ્યો છે તે આ વખતની સૂરત મહાનગરપાલિકાની પ્રેસનોટથી –

તેમાં સવારે નવ વાગે, ’સુરતમહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ. ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ’ દ્વારા પ્રખર સમાજસુધારક અને ગરવી ગુજરાતના પ્રણેતા એવા કવિશ્રી નર્મદને સુતરાંજલિ સહ વંદના કરવામાં આવશે.’ એ સાથે છેલ્લે નગરજનોને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ અપાયું છે. સાંસદો, અધિકારીઓ, ધારાસભ્યોને ગણી ગણીને આમંત્રણ અપાયું છે, પણ ભૂલમાં પણ એક સાહિત્યકાર કે કવિને આમંત્રણ અપાયું નથી. શહેરના સાહિત્યકારો કે કવિઓ એટલા નિર્માલ્ય છે કે એમને આવું અપમાન થાય તો પણ કંઇ ફરક નહીં પડે. સુરત મહાનગરપાલિકા એક પણ સાહિત્યકાર કે કવિને લેખામાં જ ન લે એ અસહ્ય છે. એને તો નર્મદ પણ રાજકારણી જ લાગ્યો હશે, પણ એ સાહિત્યકાર અને સુધારક હતો અને એણે સાહિત્યકારોનાં આવાં અપમાનનો જડબેસલાક જવાબ પણ આપ્યો હોત. સુરત મ.ન.પા.ના તમામ હોદ્દેદારોએ નર્મદને કવિ કે સુધારક તરીકે સમજીને જ 24 ઓગસ્ટ ઉજવવાનું નક્કી કર્યું હશે ને એમાં સુરતનો એક કવિ કે લેખક બોલાવવા જેવો ના લાગે એ અપમાનજનક અને શરમજનક છે. કોઈ એવું કહી શકે કે છેલ્લે નગરજનોને આમંત્રણ અપાયું જ છે. સાહિત્યકાર પણ નગરજન તો ખરો જ, પણ તે આવી સામાન્ય કેટેગરીનો માણસ નથી. એવું જ હોય તો કોર્પોરેશનના અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો પણ નગરજનો તો ખરા જ ને! તો એમને કેટેગરીવાઈઝ ગોખી ગોખીને જુદું આમંત્રણ કેમ અપાયું? એ અપાયું તો સમ ખાવા પૂરતો એકાદ કવિ કે નાટ્યકાર યાદ ન આવ્યો?  કે સાહિત્યની કશી સમજ જ બચી નથી? એ કેવળ દુ:ખદ છે કે રાજકારણીઓ ન હોય એવા તમામને બાજુ પર મૂકવામાં આવ્યા. આ ઠીક ન થયું. નર્મદના નામ પરથી નર્મદ સાહિત્ય સભા આ શહેરમાં છે કે નર્મદના નામ પરથી આ શહેરમાં યુનિવર્સિટી ચાલે છે, તો એમને આમંત્રણ આપી શકાયું હોત, આમાં એક પણ શિક્ષણ શાસ્ત્રી તો ઠીક, કુલપતિને પણ સ્થાન નથી. આ ઠીક છે? આ બધી રીતે અપમાનિત કરનારું છે.

સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિ છે, પણ તેને સાહિત્ય કે સંસ્કૃતિ વિષે બહુ ખબર નથી. એક સમય હતો જ્યારે શહેરમાં સાંસ્કૃતિક, સાહિત્યિક વ્યાખ્યાન માળાઓ ચાલતી હતી, દર વર્ષે ઉદ્યોગપતિની જેમ જ સાહિત્યકારનું રોકડ પુરસ્કાર આપીને સન્માન થતું હતું, એવી તો ઘણી કલાકીય પ્રવૃત્તિઓ સુરત મ.ન.પા. શહેરમાં કરતી હતી, પણ હવે કોઈ કોર્પોરેટર, અધિકારીઓને રાજકારણ સિવાય કોઈ વાતે રસ જ નથી. કલા, સંસ્કૃતિ, સાહિત્ય એટલે શું એની જાણકારી સુરત મ.ન.પા.ને ન હોય એવું તો બને નહીં, તો આવું રાજકીય આમંત્રણ કેમ અપાયું તે સમજાતું નથી. ટૂંકમાં, સુરત મહાનગરપાલિકા રાજકીય અખાડાથી વિશેષ કોઈ મૂલ્ય પણ ધરાવતી હોય તો આનંદ થાય. જવા દો, વધારે હાથ કાળા નથી કરવા.

*

થોડું નર્મદ વિષે જાણીએ.

નર્મદ જેવો સુધારક અને સર્જક આજ સુધી ગુજરાતમાં બીજો પાક્યો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું જ નહીં, પ્રવચનો ત્યારે પદ્યમાં થતાં. દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા વિવાહ, ધર્મ, શબ્દકોશનો વિચાર પણ દુર્લભ હતો, એવા સમયમાં નર્મદે એ બધું ચરિતાર્થ કરી બતાવ્યું. નર્મદ ‘ધર્મવિચાર’ નામનું પુસ્તક કરે છે. પણ તે ઓળખાયો તો વિષયી ધર્મગુરુઓની સામે પડવાને લીધે. તેણે ‘યા હોમ કરીને’ ઝંપલાવ્યું છે ને યાહોમ કરનારો હોમ કરવા સુધી પણ પહોંચે છે. નર્મદે જે કર્યું તેનાથી વિરુદ્ધ પણ તે વર્ત્યો છે ને ત્યારે તે થૂંકેલું ચાટતો હોય એવું લાગે, પણ તેની વિશેષતા એ છે કે તેને જે લાગ્યું તે તેણે પૂરી ઈમાનદારીથી કર્યું છે. તે યાહોમ કરતો લાગે છે તો તે બાબત છુપાવતો નથી. એમ જ તે હોમ કરવા સુધી પહોંચે છે તો તે વાત પણ છુપાવતો નથી. તે સુધારાદિત્ય થઈને મેદાને પડે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે ને ફરી ધર્મ તરફ વળે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે. તે અજાણતા કે ઉતાવળે કંઇ કરતો નથી. ટૂંકમાં, તે માનતો નથી એવું કંઇ તે કરતો જ નથી. એક યુનિવર્સિટી ન કરે એટલું ગંજાવર કામ તેણે કર્યું છે. તેણે શબ્દકોશ એકલે હાથે કરવાનું સ્વીકાર્યું ને આ બધું જ તેણે 18થી લઈને 53 વર્ષની ટૂંકી જિંદગીમાં કર્યું છે. તેના કેટલા ય સુધારાઓ સામે પહાડ જેવડો વિરોધ હતો, પણ ‘ડગલું ભર્યું તે ના હટવું …’ કરીને તે આગળ વધે છે. વિધવા પુનર્લગ્નની પ્રતીતિ તે પોતે વિધવા જોડે લગ્ન કરીને કરાવે છે. તેનો જીવન મંત્ર એ જ તેનાં સમગ્ર સર્જનમાં ડોકાયા કરે છે.

કવિતા તેણે લખી જ નથી, કવિતા તે જીવ્યો પણ છે. ‘કબીરવડ’ તેને ‘ભૂરો ભાસ્યો ઝાંખો’ પહાડ જેવો લાગ્યો છે. એ પછી ‘કબીરવડ’નું એટલું સૌંદર્ય કવિતામાં પ્રગટ્યું નથી. ‘ઝટ ડહોળી નાખો રે મન જળ થંભ થયેલું’ જેવી પંક્તિ આજની જ તાજી પંક્તિ લાગે છે. કવિતાને એ ‘જય કવિતા’ કહે છે. કોઈ કવિએ કવિતાને આટલા લાડ લડાવ્યાનું ધ્યાનમાં નથી. તેને થાય છે, ‘ભણવું, કમાવવું, માન મેળવવું, બૈરી કરવી એ સહુ આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે તારે હું તો એ જ કામ કરીશ.’ એમ કહીને જીવનના કોઈ પણ આનંદનો અર્ક/ઉકેલ તે કવિતામાં જુએ છે.

1851માં 18 વર્ષની વયે ‘મંડળી મળવાથી થતા લાભ’ નામનો ગુજરાતીનો પહેલો નિબંધ લખે છે ને એમ ગુજરાતી ગદ્યનો પ્રારંભ થાય છે. એ પછી તો આત્મકથા, નાટક, કોશ, વ્યાકરણ, વિવેચન, ઇતિહાસ, ધર્મ, સમાજ, સ્ત્રી કેળવણી જેવા અનેક વિષયો ખેડીને તે આપણા નવપ્રસ્થાનકારનું માન મેળવે છે. ગાંધીજી પહેલાં તેણે કહ્યું છે કે રાષ્ટ્રભાષા હિન્દી જ હોવી જોઈએ.

ભાષા વિષે પણ તેણે ઘણું વિચાર્યું છે. ‘ચંદા’, ‘લાગણી’, ‘દેશાભિમાન’ ‘સજીવારોપણ’ જેવા શબ્દો નર્મદની દેન છે. નવું બોલતાં શીખેલી ગુજરાતીને તેણે અસ્ખલિત અને આક્રમક કરી છે. એ જ ભાષા સાથે તે પત્રકારત્વમાં પણ ઝુકાવે છે. ‘ડાંડિયો’ જેવી પોલપત્રિકા પત્રકારત્વનો આદર્શ પણ સ્થાપે છે.

નર્મદના અક્ષરદેહમાંથી પસાર થનારને એટલું જરૂર લાગશે કે 35 વર્ષના સર્જન કાળમાં, આટલી ટેકનોલોજી અને સગવડો છતાં, આજના સમયમાં આટલું વિપુલ સર્જન કરવાનું મુશ્કેલ છે. એ ઉપરાંત નર્મદ તેની ‘આત્મસચ્ચાઈ’ને કારણે પણ સદા સર્વદા ધ્યાન ખેંચનારો બની રહ્યો છે. તેની ઉચ્ચરિત અને લિખિત ભાષામાં ફરક નથી. તે બોલે છે, તે જ લખે છે. ભલભલા સર્જકો, સુધારકો આવી ગયા, પણ આજે પણ નર્મદની પ્રસ્તુતતા ઓછી થતી નથી ને એ જ તેની મહત્તા પણ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઑગસ્ટ 2026

Loading

જાતિ આધારિત વસ્તી ગણતરીઃ વહીવટી આશાવાદ કે નિયંત્રિત નિષ્ફળતા?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 August 2026

વસ્તીનો આંકડો ગમે તેટલો વિગતવાર હોય, અંતે તો એ માત્ર સરખામણી માટેનો પાયાનો આંકડો છે. તેનાથી એટલી ખબર પડે છે કે કેટલા લોકોનું નોંધાયેલું સામાજિક સ્થાન એક સરખું છે; પણ એ આંકડો આપણને એ નથી કહેતો કે લાભનો પહેલો કોળિયો તેમને ભાગે આવે છે કે છેલ્લો?

ચિરંતના ભટ્ટ

લોકો અત્યારે બહુ ઉત્સાહમાં છે કારણ કે 2027ની જાતિ ગણતરીના પડઘમ વાગી રહ્યા છે, સાથે જ આ વખતે ગણતરી વધુ ન્યાયસંગત રહેશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અહીં યાદ રાખવા જેવું છે કે ભારત આ પ્રયોગનું એક સ્વરૂપ પહેલાં પણ અજમાવી ચૂક્યું છે. 2011માં સામાજિક-આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી (SECC) દરમિયાન લોકોને કોઈ વિકલ્પ આપ્યા વિના ઓપન કોલમમાં પોતાની જાતિ જણાવવાનું કહેવામાં આવ્યું હતું—કોઈ નિર્ધારિત કેટેગરીઝ નહીં, કોઈ ડ્રૉપ-ડાઉન યાદી નહીં અને કોઈ ચકાસણી નહીં. પરિણામે જાતિ, પેટાજાતિ, અટક, કુળ, ગોત્ર, સમાનાર્થી નામો અને જુદી-જુદી જોડણી સહિત જાતિ સંબંધિત આશરે 46 લાખ એન્ટ્રીઓ સામે આવી. તેની સરખામણીએ આઝાદી પહેલાં 1931માં થયેલી છેલ્લી વ્યાપક જાતિ ગણતરીમાં 4,147 જાતિઓ નોંધવામાં આવી હતી.

2011ની કવાયતનાં સામાજિક અને આર્થિક તારણો જાહેર કરવામાં આવ્યાં, પરંતુ જાતિ સંબંધિત વિગતવાર આંકડા ક્યારે ય જાહેર ન થયા. આ 15 વર્ષના મૌનને માત્ર આંકડાકીય સમસ્યા ગણાવીને અવગણી શકાય નહીં. આ એક એવો નિર્ણય છે, જે વારંવાર નવેસરથી લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે હવે પુષ્ટિ કરી છે કે 2027ની વસ્તી ગણતરીમાં અગાઉની પદ્ધતિનું સૌથી નિર્ણાયક લક્ષણ યથાવત્ રહેશે: લોકો જાતિ અંગે જે વિગત આપશે તે કોઈપણ ડ્રોપ-ડાઉન વિકલ્પ વિના ‘જેમની તેમ’ (verbatim) નોંધવામાં આવશે.

આ બાબતને આપણે જરા ઉદાર વલણથી જોવું હોય તો તેને વહીવટી આશાવાદ કહી શકાય. પરંતુ જો ભારતીય વહીવટી તંત્રના છેલ્લા એક દાયકાના ઇતિહાસ પર નજર કરીએ, તો આ સમગ્ર કવાયત એક ‘નિયંત્રિત નિષ્ફળતા’ (controlled failure) જેવી ભાસે છે—એવી વ્યવસ્થા, જે એટલા અટપટા અને અવ્યવસ્થિત આંકડા પેદા કરી શકે કે તેના આધારે કોઈ નક્કર પગલું જ ન લઈ શકાય અને પછી આ આંકડાનો ઉપયોગ કેમ ન થયો તેનો ખુલાસો પણ કોઈએ ન કરવો પડે. પેલું કહેવાય છે ને કે જો તમે તેમને તમારી વાત મનાવી ન શકો તો તેમને ગૂંચવી નાખો (If you can’t convince them, confuse them).

ઉજવણીના ઉત્સાહમાં મોટાભાગે આ જ વાત નજરઅંદાજ થઈ જાય છે: કોઈ દેશ જાતિઓની ગણતરી કરે એનો અર્થ એવો નથી કે તે જાતિની વાસ્તવિકતા અને તેને કારણે થતા અન્યાયનો હિસાબ પણ કરે છે. ભારતમાં જાતિ કોઈ એક રાષ્ટ્રીય વર્ગીકરણ વ્યવસ્થા નથી. એ પ્રદેશ, ભાષા અને સ્થાનિક ઓળખનું સતત બદલાતું આર્કાઇવ છે, જ્યાં સમાન સામાજિક સ્થાનને અલગ-અલગ નામ અપાય છે. દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં વસતી કોઈ દલિત પેટાજાતિ પોતાના નામની જે જોડણી અને ઉચ્ચાર કરતી હોય, તેનાથી માત્ર 3 જિલ્લા દૂર વસનારો સંબંધિત સમુદાય એ જ નામની જોડણી કે ઉચ્ચાર જુદી રીતે કરી શકે છે. ગણતરી કરનાર કર્મચારી કોઈ જવાબને ‘જેમનો તેમ’ નોંધે ત્યારે તે એ ઓળખનું માત્ર એક સ્વરૂપ નોંધી રહ્યો હોય છે—એ સ્થળે, એ ભાષામાં અને એ સંજોગોમાં જવાબ આપનારી વ્યક્તિ પોતાની ઓળખ માટે જે શબ્દ વાપરે છે તે જ શબ્દ ત્યાં નોંધાય છે.

લોકોને પોતાની ઓળખ જાતે જણાવવાનો અધિકાર આપવાની તરફેણમાં લોકશાહી આધારિત દલીલ ચોક્કસ છે. સરકાર દ્વારા તૈયાર કરાયેલી યાદી સમુદાયો પર સત્તાવાર ઓળખ લાદી શકે અથવા તેમને એવી કેટેગરીમાં મૂકી શકે, જેને તેઓ પોતાની ઓળખ તરીકે સ્વીકારતા જ ન હોય. પરંતુ ઓપન કૉલમ વર્ગીકરણની સમસ્યાનો કાયમી ઉકેલ નથી; એ માત્ર મુશ્કેલીને આગળ ધકેલવાનું કામ કરે છે. જ્યાં સુધી રાજ્ય પાસે લાખો જવાબો મેળવીને તેને પછીથી યોગ્ય કેટેગરીમાં ગોઠવવાની પારદર્શક પદ્ધતિ નહીં હોય, ત્યાં સુધી પ્રામાણિક જવાબો પણ વહીવટી રીતે કોઈપણ ઉપયોગમાં ન આવી શકે તેવો ડેટા જ તૈયાર કરશે.

આખી જવાબદારી ફરી રાજ્યને માથે જ આવે છે : તે જાતિને-પેટાજાતિઓ, અટકો, કુળ અને પ્રાદેશિક સમાનાર્થી શબ્દોથી કેવી રીતે અલગ તારવશે? કોણ નક્કી કરશે કે કઈ ઓળખને એક કેટેગરીમાં રાખવી કે કઈ ઓળખને અલગ રાખવી? સૌથી મહત્ત્વનું એ છે કે આ પ્રક્રિયા સાર્વજનિક કરાશે ખરી?

આ ઉપરાંત એવા લોકોનો પ્રશ્ન પણ છે, જેમની વાસ્તવિક સામાજિક ઓળખ રાજ્યએ નક્કી કરેલી ધાર્મિક શ્રેણીઓમાં સહેલાઈથી બંધબેસતી નથી. ભારતીય બંધારણીય કાયદામાં દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોનું સ્થાન લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યું છે. તેમની જાતિગત પૃષ્ઠભૂમિ અને તેની સાથે સંકળાયેલો સામાજિક ભેદભાવ ધર્માંતરણ પછી પણ પીછો છોડતા નથી, પરંતુ આ ઐતિહાસિક અન્યાયનું નિવારણ કરવા માટે રચાયેલી અનામત વ્યવસ્થા નવા ધર્મમાં તેમની સાથે આવતી નથી. બંધારણ (અનુસૂચિત જાતિઓ) આદેશ, 1950 હેઠળ હાલમાં અનુસૂચિત જાતિ તરીકેની માન્યતા માત્ર હિન્દુઓ, શીખો અને બૌદ્ધો પૂરતી મર્યાદિત છે.

2027ની વસ્તી ગણતરીમાં દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોની નોંધ તેમની વાસ્તવિક સામાજિક સ્થિતિ દર્શાવે એ રીતે કરવામાં આવશે કે પછી તેમને એવી ધાર્મિક શ્રેણીઓમાં સમાવી દેવામાં આવશે જેમાં અનુસૂચિત જાતિને મળતું સમકક્ષ બંધારણીય રક્ષણ ઉપલબ્ધ નથી એ કોઈ માત્ર ટેક્નિકલ મુદ્દો નથી. રાજ્ય કોની વંચિતતાને વાસ્તવિક વંચિતતા તરીકે માન્યતા આપવા તૈયાર છે, એ મૂળ પ્રશ્ન સાથે આ બાબત સીધી જોડાયેલી છે.

હવે આમાંનું કશું માત્ર સૈદ્ધાંતિક ચર્ચા પૂરતું મર્યાદિત નથી. એક રાજ્ય મોટા પાયે જાતિ આધારિત સર્વેક્ષણ કરી પણ ચૂક્યું છે. તેલંગણાના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રોજગાર, રાજકીય અને જાતિ આધારિત સર્વેક્ષણમાં (SEEEPC) 242 જાતિઓના આશરે 3.5 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ થયેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 11 મુખ્ય કલ્યાણકારી યોજનાઓના કુલ ખર્ચમાંથી આશરે 30 ટકા ખર્ચ પ્રમાણમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ઓછી પછાત જાતિઓ સુધી પહોંચી રહ્યો હતો. બીજી તરફ, જેમને માટે આ યોજનાઓ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવતો હતો એવા કેટલાક સાવ વંચિત સમુદાયો સુધી પૂરતા પ્રમાણમાં લાભ નહોતા પહોંચી રહ્યા. 

રાજ્યના સંયુક્ત પછાતપણું સૂચકાંકના આધારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાયો સામાન્ય વર્ગના સમુદાયોની સરખામણીએ લગભગ 3 ગણા વધુ પછાત હોવાનું જાણવા મળ્યું હતું. જમીન આધારિત યોજનાઓનો લાભ ખાસ કરીને અગાઉથી જમીન ધરાવતા લોકોને મળતો હતો. બીજી તરફ, સૌથી વધુ વંચિત પરિવારોમાંથી ઘણા પાસે પોતાની જમીન જ નહોતી અને તેથી ગ્રામીણ કલ્યાણના નામે આપવામાં આવતા આ જ લાભોમાંથી તેઓ બાકાત રહી જતા હતા.

આમ, રાજ્ય સરકારે મોટા પાયે ગણતરી કરાવી અને નિષ્ણાતો પાસે તેનું વિશ્લેષણ પણ કરાવ્યું, પરંતુ વિધાનસભા અને જાહેર સ્તરે ચકાસણી માટે માત્ર તારણોનો સાર જ ઉપલબ્ધ કરાવ્યો. આ સારાંશ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ગોપનીયતાની ચિંતા આગળ ધરીને જાતિવાર સંપૂર્ણ અહેવાલ અને તેના મૂળ આંકડા જાહેર કરવામાં આવ્યા નહોતા.

વ્યક્તિગત ગોપનીયતાનું રક્ષણ થવું જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ લોકોની ઓળખ ગુપ્ત રાખીને એકત્રિત કરવામાં આવેલાં સંકલિત તારણો જાહેર ન કરવા માટે ગોપનીયતાને સર્વગ્રાહી બહાનું બનાવી શકાય નહીં. સરકાર નીતિઓને યોગ્ય ઠેરવવા માટે પસંદગીના જાતિ આધારિત આંકડા આગળ ધરી શકે નહીં અને સાથે જ સંશોધકો, ધારાસભ્યો તથા નાગરિકોને એ દાવાઓની સ્વતંત્ર ચકાસણી માટે જરૂરી માહિતી આપવાનો ઇનકાર પણ ન કરી શકે.

ગણતરીથી એટલું ચોક્કસ જાણવા મળ્યું કે લાભનો પહેલો કોળિયો કોને મળે છે. પરંતુ પસંદગીપૂર્વક આંકડા જાહેર કરીને સરકારે એ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખ્યો કે આ હકીકતમાંથી લોકોને કેટલું જાણવા દેવું. આ દરમિયાન દિલ્હીમાં વસ્તી ગણતરીને લગતી જાહેર સૂચનાઓ રાજકીય આક્ષેપો અને સત્તાવાર સ્પષ્ટતાઓનું નાનકડું રંગમંચ બની ગઈ. જાતિ ગણતરીનો ઉલ્લેખ ન હોવાથી કૉંગ્રેસે પ્રારંભિક જાહેર સૂચનાને ‘ડૅમ્પ સ્ક્વિબ’ એટલે કે પોકળ જાહેરાત ગણાવી, જ્યારે ગૃહ મંત્રાલયે દાવો કર્યો કે આ અંગેની પ્રતિબદ્ધતા સરકારની અગાઉની જાહેરાતોમાં સ્પષ્ટ કરવામાં આવી ચૂકી હતી.

આ વિવાદે એક વધુ મોટી સમસ્યા સામે મૂકી: આટલું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી કવાયતની ચોક્કસ પદ્ધતિ, વર્ગીકરણની પ્રક્રિયા, આંકડા જાહેર કરવાની સમયમર્યાદા અને નીતિ ઘડવામાં તેનો શો ઉપયોગ થશે, આ બધી બાબતો જાણવા માટે અલગ-અલગ સમયે બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝોના ટુકડા જોડવાની ફરજ ન પડવી જોઈએ. હા, જાતિ ગણતરી થવી જોઈએ. જાતિની ગણતરી ન કરવાથી કોઈનું પણ જાતિ-વ્યવસ્થાથી રક્ષણ થયું નથી; તેનાથી માત્ર રાજ્યને પોતાની ઉપેક્ષાનો હિસાબ આપવાથી છૂટકારો મળ્યો છે.

વસ્તીનો આંકડો ગમે તેટલો વિગતવાર હોય, અંતે તો એ માત્ર સરખામણી માટેનો પાયાનો આંકડો છે. તેનાથી એટલી ખબર પડે છે કે કેટલા લોકોનું નોંધાયેલું સામાજિક સ્થાન એક સરખું છે; પણ એ આંકડો આપણને એ નથી કહેતો કે લાભનો પહેલો કોળિયો તેમને ભાગે આવે છે કે છેલ્લો, તેમનાં સંતાનો શિક્ષણ પૂરું કરે છે કે નહીં, તેમને શિષ્યવૃત્તિ મળે છે કે નહીં, તેમના માટેની અનામત બેઠકો ખાલી પડી રહે છે કે નહીં, તેમની પાસે જમીન છે કે નહીં અથવા જાતિ આધારિત અત્યાચારની તેમની ફરિયાદો FIRથી આગળ વધીને ગુનેગારને દોષિત ઠેરવવા સુધી પહોંચે છે કે નહીં.

ભારતને માત્ર જાતિની ગણતરીની જરૂર નથી, આપણને તેનાથી વિશેષ કંઈકની જરૂર છે. દેશમાં સમયાંતરે અધિકારો અને સરકારી સેવાઓનું ઓડિટ થવું જોઈએ, જેમાં દરેક સમુદાયની વસ્તીના પ્રમાણની સરખામણી તેમને મળતાં શિક્ષણ, આરોગ્યસેવાઓ, આવાસ, જમીન, કલ્યાણકારી લાભો, જાહેર ક્ષેત્રની નોકરીઓ, રાજકીય પ્રતિનિધિત્વ અને ન્યાય સાથે કરવામાં આવે. સાથે એ પણ તપાસવું જોઈએ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ જેવી વ્યાપક શ્રેણીઓ માટે ફાળવાયેલા લાભો ખરેખર એ શ્રેણીઓમાં રહેલા સૌથી વધુ વંચિત સમુદાયો સુધી પહોંચે છે કે નહીં.

બાય ધ વે:

2027ની વસ્તી ગણતરીને ન્યાયનો પર્યાય માની લેવામાં આવે એ પહેલાં કોઈએ ખુલ્લેઆમ આકરો સવાલ પૂછવો જોઈએઃ 2011માં જાતિ સંબંધિત 46 લાખ એન્ટ્રીઓનું વ્યવસ્થાપન ન કરી શકેલું અને તેલંગણા સર્વેક્ષણનો સંપૂર્ણ જાતિવાર અહેવાલ તથા મૂળ આંકડા જાહેર ન કરનારું તંત્ર ખરેખર અધિકારો અને સેવાઓના આવા ઓડિટ તરફ આગળ વધી રહ્યું છે કે પછી વધુ એક એવા ડેટાસેટ તરફ, જેને ગુમાવી દેવાનું તેને પરવડી શકે? આ દેશે છેલ્લે પોતાની જાતિઓની ગણતરી કરી ત્યારે મળેલા જવાબોનું વ્યવસ્થાપન ન થઈ શક્યું તો તેણે પદ્ધતિ સુધારી નહીં; પરિણામોની ચર્ચા કરવાનું જ બંધ કરી દીધું. આ વખતે માત્ર ગણતરી થઈ જવાની બાબતને વિજય માની લેતાં પહેલાં એનાં તારણોનું શું થાય છે એ જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑગસ્ટ 2026

Loading

રૂબલ 

સુરેશ જાની|Opinion - Opinion|23 August 2026

રશિયાના નાણાંકીય ચલણ ‘રૂબલ’ની આ વાત નથી. પણ ભારતની શાન વિશ્વભરમાં વધારનાર એક મહિલાની છે. અત્યંત પ્રતિભાશાળી આ રૂબલની યાત્રા કાશ્મીરથી શરૂ થઈને દુબઇ સુધી  પહોંચી  છે. 

આ ‘રૂબલ’ને  દુબાઈ ખાતે 6 ફેબ્રુઆરી 2026ના રોજ દસ લાખ ડોલરનું Global Teacher Prize એનાયત થયું છે. યુનેસ્કોની છત્રછાયામાં Varkey Foundation દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓને આ પુરસ્કાર એનાયત થાય છે. 

ભારતીય સેનાના એક અધિકારીના ઘેર કાશ્મીરના એક નાના ગામમાં, 8 જુલાઈ 1980ના રોજ રૂબલ જન્મી હતી. બાળપણથી જ રૂબલને ચિત્રકામમાં અભિરુચિ હતી.

તેના શિક્ષણકાળની યાત્રાના અંતે તે Political Scienceમાં સ્નાતક થઈ હતી. પણ તેનો પાયાનો લગાવ તો લલિતકળામાં જ હોવાથી તેણે Slade School of Fine Art, Londonમાં ચિત્ર અને શિલ્પકામની તાલીમ મેળવી હતી. પછી તો તેની કલાયાત્રા સતત આગળ ધપતી રહી છે. અંધેરી, મુંબઈમાં તેનો ડિઝાઈન સ્ટુડિયો છે. 

‘મિસાલ મુંબઈ’ નામનો, સ્લમ વિસ્તારોના ઘરોને સુશોભિત કરવાનો પ્રોજેક્ટ તેણે શરૂ કર્યો છે, જેના અંતર્ગત 1,55,000 ઘરોને રંગરોગાન અને ચિત્રકામથી સજાવાયાં છે. 

આ કામની સાથે સાથે શિક્ષણથી વંચિત સ્લમનાં બાળકોનો વિકાસ પણ સાધી શકાયો છે. શિક્ષણની આ તરાહ સરાહનીય પુરવાર થઈ છે. 2022માં પ્રકાશિત થયેલ પુસ્તક Slum Queenમાં આ પ્રોજેક્ટને લાગતી વાત તેણે કરી છે. તેણે ‘Rouble Nagi Art Foundation’ની સ્થાપના પણ કરી છે, જેના અંતર્ગત 150થી વધારે પ્રદર્શનો યોજાયાં છે.

2017માં દિલ્હીના રાષ્ટ્રપતિ  ભવનમાં આવેલ મ્યુઝિયમમાં પણ તેના ચિત્રને સ્થાન મળ્યું છે.

તેના અંગત જીવન વિશે – 1999માં તેનાં લગ્ન સાહિલ સમ્રાટ સાથે થયાં હતાં અને તેમને વિવાન નામનો એક પુત્ર છે.

https://www.youtube.com/watch?v=FGjJgf0pkJ0

સમાપનમાં ….. આપણે સૌ આવાં રત્નોથી ઊજળાં છીએ.

સાભાર – જુગલ કિશોર વ્યાસ, અમદાવાદ

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Rouble_Nagi
https://www.roublenagi.com/
https://www.gujaratimidday.com/news/international-news/article/mumbai-s-rouble-nagi-educator-transforming-slums-now-awarded-nobel-of-teaching-263057
e.mail : surpad2017@gmail.com

Loading

...1020...23242526...304050...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved