Opinion Magazine
Number of visits: 10080166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—350

દીપક મહેતા|Opinion - Opinion|19 July 2026

આ શહેર : આખેઆખો  નકશો  ક્યારે  બદલાવી  દે,  કહેવાય  નહિ

આ શહેર  તમારાં સ્ટેશનને  ઉથલાવી  દે  કહેવાય નહિ,

એક નામ ઉપર  બીજો ચહેરો  ચિપકાવી  દે કહેવાય નહિ.

આ  ફાટક ને આ પાટાઓ, આ સિગ્નલ ને આ કેબીનો,

આખેઆખો  નકશો  ક્યારે  બદલાવી  દે  કહેવાય  નહિ.

ટાવર  ઊખડે, રસ્તા ઊખડે, અરધો પરધો  માણસ ઊખડે, 

કોનો  ધબકારો  કોણ  અહીં  અટકાવી  દે  કહેવાય નહિ.

કવિતાપ્રેમીઓની, અને તેમના લાડકા કવિ રમેશ પારેખની માફી માગીને આજની વાત શરૂ કરીએ. શું શું ગયું મુંબઈમાંથી? પાલખી ગઈ, ટ્રામ ગઈ, વિક્ટોરિયા ગઈ, સ્ટેશન ગયું, કોલાબા. બીજું સ્ટેશન ગયું, બેલાર્ડ પિયર. અને પછી તો ગાયબ થઈ ગઈ એક આખેઆખી રેલવે લાઈન! ગયાં એનાં એન્જિન, ને ગયા એના ડબ્બા. ગયા એનાં પ્લેટફોર્મ, ને ગયાં એનાં ફાટક. હા, હજી આજે પણ ક્યાંક ક્યાંક એ સદ્ગત રેલવે લાઈનના પાટા ક્યાંક ક્યાંક આસ્ફાલ્ટના રસ્તામાં ધરબાયેલા જોવા મળે ખરા, જો જરા ધ્યાનથી જોઈએ તો. 

બોમ્બે પોર્ટ ટ્રસ્ટનો લોગો 

હા, જી. અમને ખબર છે: તમે કહેવાના કે મુંબઈમાં તો પહેલેથી બે જ રેલવે લાઈન હતી: GIP અને BBCI, એટલે કે આજની સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે. ત્રીજી લાઈન હતી જ ક્યાં? ક્યારે? તો પેલું બેલાર્ડ પિયર સ્ટેશન યાદ છે? સ્ટીમરમાંથી ઊતરી મુસાફરો સીધા ફ્રન્ટિયર મેલમાં બેસતા અને છેક પેશાવર સુધી પહોંચતા. પણ ફ્રન્ટિયર મેલ રોજ તો કોલાબા સ્ટેશનેથી ઊપડે. P&Oની સ્ટીમર આવવા કે જવાની હોય તે દિવસે જ બેલાર્ડ પિયર એનું પિયર બને! તે શું ફક્ત એક ટ્રેન ખાતર GIP જેવી વેપારી કંપની આખું નવું સ્ટેશન બાંધે? ના જી. પહેલી વાત તો એ કે એ સ્ટેશન એ રેલવે કંપનીએ બાંધ્યું જ નહોતું. બીજી વાત એ કે એ સ્ટેશનેથી માત્ર એક ફ્રન્ટિયર મેલ ટ્રેન જ આવતી-જતી નહોતી. લગભગ રોજ ત્યાં ટ્રેનોનો આવરોજાવરો થતો હતો અને એટલા ખાતર બેલાર્ડ પિયર સ્ટેશન બાંધ્યું હતું, એક આખી રેલવે લાઈન નાખી હતી. પણ GIP કે BBCI રેલવેએ નહિ. એ નાખી હતી BPT રેલવેએ. 

બોમ્બે પોર્ટ ટ્રસ્ટની ઓફિસ

આ BPT એ વળી કઈ બલાનું નામ છે? આખું નામ ‘બોમ્બે પોર્ટ ટ્રસ્ટ’. ૧૮૫૩માં જ્યારે બોરીબંદરથી ઠાણે જવા પહેલી ટ્રેન ઊપડી ત્યારે તો થોડે દૂરના કાંઠે આવેલાં નાનાં નાનાં બંદરો પર શઢવાળાં વહાણ નાંગરતાં. એમાંના માલની ચડ-ઊતર થતી ગાડાંઓ મારફત. અગાઉ આપણે વાત કરી હતી કે મુંબઈમાં જે પહેલવહેલા બ્રિજ બંધાયા તેનાં ચડાણ-ઊતરાણના ઢોળાવ માલ ભરેલાં ગાડાંને ધ્યાનમાં રાખીને કપરા નહિ, પણ સરળ રખાયા હતા. પણ આ બંદરો પર ચડે-ઊતરે તે બધો માલ કાંઈ મુંબઈનો કે મુંબઈ માટેનો તો હોય નહિ. એટલે એને બહારગામ મોકલાવો હોય તો પહેલાં બોરી બંદર કે ગ્રાન્ટ રોડ સ્ટેશને મોકલવો પડે, અને ત્યાંથી રેલ રસ્તે એ માલ જાય દેશાવર. (ગ્રાન્ટ રોડ સ્ટેશનના ભાગ રૂપે બાજુમાં એક મોટું ગૂડ્ઝ યાર્ડ હતું તે આ લખનારે નજરોનજર જોયું છે, ઘણી વાર.) પણ મુંબઈ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ આ રીતે માલ મોકલવાનું મુશ્કેલ બનતું ગયું. અને વેપારીઓની સગવડ ખાતર બે રેલવે કંપનીઓ કાંઈ પોતાની લાઈન ડોક વિસ્તાર સુધી લંબાવે નહિ. એટલે પછી નક્કી થયું કે મુંબઈની ગોદીઓમાં થતી માલની હેરફેર માટે એક આખી અલગ રેલવે લાઈનની જ જોગવાઈ કરવી. અને એ લાઈન છેક દરિયા કિનારા સુધી જાય. સ્ટીમરમાંથી માલ ઊતરે તે સીધો જાય ભારખાનાના ડબ્બામાં. અને સીધો પહોચેં છેક ઉત્તર હિન્દુસ્તાન સુધી. એટલે એ BPTએ વાટાઘાટ શરૂ કરી બંને વેપારી રેલવે કંપનીઓ સાથે. અને પોતાનાં ભારખાનાંની ટ્રેનો તેમનાં પાટા, સ્ટેશનો, વગેરેનું જાળું વાપરી શકે એ અંગે કર્યા કરાર. 

BPT રેલવે 

આ BPT એટલે બોમ્બે પોર્ટ ટ્રસ્ટ. આખા હિન્દુસ્તાનનું પહેલવહેલું પોર્ટ ટ્રસ્ટ. એની સ્થાપના થઈ ૧૮૭૩માં. એનું કામ હતું નવી નવી સગવડો ઊભી કરીને મુંબઈના બંદરને ‘આધુનિક’ બનાવવાનું. એટલે એણે દરિયો પૂરી જમીન મેળવી, જુદા જુદા પ્રકારનો માલ સંઘરવા અલગ અલગ પ્રકારનાં ગોદામ બાંધ્યાં, બંદર વિસ્તારમાં નવા રસ્તા બાંધ્યા. પણ આ ટ્રસ્ટના મોભીઓને એક વાત બરાબર સમજાઈ ગઈ : જો મુંબઈના બંદરને ધમધમતું કરવું હોય તો માલ-સામાન લઈ જવા માટે રેલવેની સગવડ ઊભી કર્યા વગર છૂટકો નથી. અને તેણે શરૂ કરી BPT રેલવે. ચોક્કસ તારીખ તો મળતી નથી, પણ વીસમી સદી શરૂ થઈ તે પહેલાં આ રેલવે શરૂ થઈ ગઈ હતી. તેનાં એન્જિન પણ ટ્રેનના ખાસ પ્રકારના કામને અનુકૂળ હતાં. કદમાં નાનાં, પણ ભાર ખેંચવામાં જબરાં. ઝડપ એ તેની મુખ્ય જરૂરિયાત નહોતી. પણ ભારેખમ વેગનોને લાંબા અંતર સુધી ખેંચવાની ક્ષમતા જરૂરી હતી. આ રેલવે લાઈન શરૂ થયા પછી માલ-સામાન ગાડામાં ભરવાની જરૂર રહી નહિ. બંદર પર માલ ઊતરે અને સીધો ચડે કિનારે ઊભેલી ટ્રેનનાં વેગનોમાં. એવી જ રીતે પરદેશ મોકલવાનો સામાન બંદર સુધી આવે વેગનોમાં. અને તેમાંથી સીધો ચડે સ્ટીમરમાં. મુંબઈમાં રસ્તાઓ પરનો ટ્રાફિક વધતો જતો હતો, પણ હવે રસ્તા પર આધાર રાખવાની જરૂર જ ન રહી. તેથી રસ્તાઓને પણ થોડી રાહત મળી. ૧૮૮૦માં શરૂ થયેલ ‘પ્રિન્સિસ ડોક’ (ઘણા આ ડોકને પ્રિન્સેસ ડોક’ કહે છે પણ તે બંધાયો હતો પ્રિન્સ ઓફ વેલ્સના માનમાં, જે પછીથી સાતમા એડવર્ડ બન્યા હતા). ૧૮૮૮માં બંધાયેલ વિક્ટોરિયા ડોક, અને ૧૯૧૪મા બંધાયેલ એલેકઝાન્ડ્રા ડોક (આજનું નામ ઇન્દિરા ડોક), પર નાંગરતાં જહાજોમાંથી માલની ચડ-ઊતર સીધી ટ્રેનનાં વેગનોમાં થવાની સગવડ થઈ. તેથી વેપારીઓને પૈસા અને સમયની ઘણી બચત થવા લાગી. વળી બે વિશ્વયુદ્ધો વખતે સૈનિકો, લશ્કરી વાહનો, દારૂગોળો, અને લશ્કરી સરંજામની હેરફેર માટે આ ટ્રેન વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ પડી. 

આપણો તે કેવો સહજ સંગમ! વડાળા જંકશન પાસે GIP અને BPTના પાટાનો સહજ સંગમ

પણ આ BPT રેલવે પસાર ક્યાં ક્યાંથી થતી? બેલાર્ડ પિયર મોલ સ્ટેશનેથી ઊપડેલી ટ્રેન પહેલાં જતી બેલાર્ડ એસ્ટેટ રેલવે સાઈડિંગમાં. ત્યાંથી મેરીવેધર રોડના વિસ્તારમાં, ત્યાંથી ડોક રેલવેના પાટા પર (અહીંના પાટા, ટ્રામના પાટાની જેમ લગભગ જમીનમાં દાટેલા હતા, જેથી બીજાં વાહનોની અવરજવરને બહુ નડે નહિ), એલેકઝાન્ડ્રા ડોક, વિક્ટોરિયા ડોક, પ્રિન્સિસ ડોક, પસાર કરીને એ ટ્રેન કર્નાક બંદર, મસ્જિદ, અને વાડી બંદરનાં સ્ટેશન વટાવી રે રોડ, કોટન ગ્રીન, શિવડી, વગેરેને પાછળ છોડી વડાળા ટર્મિનસ પહોંચતી. બસ, ત્યાં આગળ BPT રેલવેની હદ પૂરી થતી અને GIP રેલવેના પાટા પર BPTનાં ભારખાનાં આગળ વધતાં. પણ જો BBCI લાઈન પર ગુડ્ઝ ટ્રેન જવાની હોય તો? તો વડાળાથી આગળ વધીને આજના પરેલ-દાદર વિસ્તારમાં થઈને BBCI રેલવેના પાટે ચડી જતી. આજે પણ પરેલ-દાદર વિસ્તારમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના પાટા એકબીજાથી ઘણા નજીક છે. એ વખતે એ બંને લાઈન પરની ટ્રેનો પાટા બદલી શકે એવી સગવડ હતી. 

દિવસ-રાત ધમધમતું જવાહરલાલ નેહરુ પોર્ટ

પણ કહે છે ને, કે ચડે તે પડવા માટે. દાયકાઓ સુધી ખૂબ ઉપયોગી બનેલી BPT રેલવેની પણ પડતી શરૂ થઈ. કેમ? પહેલું કારણ એ કે ધીમે ધીમે દરિયાઈ મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લીધું. ૧૯૧૨ના ડિસેમ્બરમાં ‘ઇન્ડિયન સ્ટેટ એર સર્વિસ’ અને ગ્રેટ બ્રિટનની ઈમ્પીરિયલ એરવેઝે સાથે મળીને લંડન-કરાચી-દિલ્હીની ફ્લાઈટ શરૂ કરી. પછી બીજા રૂટ પણ શરૂ થયા. ૧૯૪૮ના જૂનની ૮મી તારીખે તે વખતની એર ઇન્ડિયા ઇન્ટરનેશનલે મુંબઈથી લંડનની ફ્લાઈટ શરૂ કરી. વચમાં તે કેરો અને જિનોઆ રોકાતી હતી. પછી તો આકાશી સફરની સગવડો વધતી ગઈ અને દરિયાઈ સફરો ઘટતી ગઈ. બીજી બાજુ માલ-સામાનની હેરાફરીની રીત-રસમ પણ બદલાઈ. અગાઉ મોટાં મોટાં ખોખાંઓમાં કે કોથળાઓમાં ભરીને માલ સ્ટીમરમાં ચડાવવો-ઉતારવો પડતો. આ કામ માટે BPT રેલવે પૂરેપૂરી અનુકૂળ હતી. પણ પછી જેને ‘કન્ટેનર’ કહે છે તેનો જમાનો આવ્યો. ગુડ્ઝ ટ્રેનના ડબ્બા જેટલાં મોટાં કન્ટેનરમાં ભરીને માલ મોકલવાનું શરૂ થયું. આવાં કન્ટેનરો સ્ટીમરમાંથી ઉપાડીને ટ્રેનમાં, અને ટ્રેનમાંથી ઉપાડીને સ્ટીમરમાં ચડાવાય. પણ એ માટે અગાઉના બંદરોમાં નહોતી જરૂરી સગવડ, કે નહોતી પૂરતી જગ્યા. એટલે મુંબઈના ટાપુ પર નહિ પણ નવી મુંબઈમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ઊભું કરવામાં આવ્યું. તેનું વિધિવત્ ઉદ્ઘાટન તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીના હસ્તે ૧૯૮૯ના મે મહિનાની ૨૬મી તારીખે થયું. ટ્રેન અને સ્ટીમર વચ્ચે સીધેસીધી કન્ટેનરની આપ-લે થઈ શકે એવી અહીં સગવડ થઇ. જો કે તે પહેલાં જ, બિનઉપયોગી જણાવાને કારણે ૨૦૧૪માં જ BPT રેલવેનો વીંટો વાળી દેવામાં આવ્યો હતો. આમ પણ આ રેલવે લાઈન લોકોની આંખે ઝાઝી ચડેલી નહિ, એટલે એનો અભાવ પણ કોઈને ખાસ ખટક્યો નહિ. પણ હજી આજે ય તે ડોક વિસ્તારમાં ક્યાંક ક્યાંક આ રેલવે લાઈનના પાટા દેખાઈ આવે, તો ક્યાંક રડ્યાખડયા ફાટકનો દરવાજો ડોકિયું કરી જાય. અને જો કાન સરવા હોય તો ડોક વિસ્તારમાંથી ઊઠતા કવિ નર્મદના શબ્દો પણ સંભળાય : ‘નવ કરશો કોઈ શોક રસિડાં, નવ કરશો કોઈ શોક.’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજારાતી મિડ-ડે”; 19 જુલાઈ 2026

Loading

ચાર સાંપ્રત હિન્દી કાવ્યો

અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|18 July 2026

૧. વિદુષક

કવિ : સ્વપ્નિલ શ્રીવાસ્તવ

જો એક વિદુષકને
દેશનો રાજા બનાવવામાં આવે
તો શું થાય?

સૌ પ્રથમ હાસ્યને
અનિવાર્ય બનાવી દેવામાં આવે
જે હસે નહીં
એને હસતા હસતા
મારી નાખવામાં આવે

હાસ્યને રાજધર્મ
જાહેર કરી દેવામાં આવે
ઠેર ઠેર હાસ્યઘર
ઊભા કરવામાં આવે

ભલે ગમે તેટલા દુ:ખમાં હોવ
તમારે હસવું જ પડે
હાસ્યનો વેપાર થાય
ચોરે ચૌવટે ખોલવામાં આવે
લાફટર ચેનલ

હાસ્યને હાસ્યાસ્પદ બનાવવાવાળા કવિઓને
મોટા હોદ્દાઓ આપવામાં આવે
રાજાને હસાવી હસાવીને
વિહવળ કરી દઈને
ઈનામના એ હકદાર બની જશે

હાસ્યધારામાં લોકો ડૂબશે-ઉતરશે
અને ગંભીરતાને ભૂલી જશે
જ્યારે કોઈ દુ:ખીજન
રાજા સામે
પોતાની તકલીફ વ્યક્ત કરશે
રાજા એને હસવામાં કાઢી નાખશે.

°

૨. કાયાકલ્પ

કવિ : સત્યેન્દ્ર કુમાર

ફ્રાંઝ કાફકાના જંતુમાં ફેરવાઈ જઈએ
એ પહેલા
આપણે સૌ ઊભા થઈને
તાનાશાહની સામે ટ્ટટાર ખડા થઈએ

એના જૂઠાણાના ચીંથરા ઉડાવી દઈએ
એને એક રમૂજ બનાવી દઈએ

આપણાં ગીત, આપણી કવિતા
પર્યાવરણ, સંવેદના, નદીઓ, પહાડ, જંગલ
આપણા સંઘર્ષ પણ
જ્યાં જ્યાં એનો પડછાયો પડે છે
એને એ ઉજ્જડ બનાવી દે છે

ઉજ્જડ બનતા પહેલા આપણે ઊભા થઈએ
એના મંચ-પુરસ્કાર, એની નીતિઓ
એના ઇતિહાસબોધને ઉઘાડો પાડી
એક વાર ફરી
આપણા અસ્તિત્ત્વને સાબિત કરીએ

•

૩. વરૂઓ જે બનતા હતા રાજા

કવિ : રાજકુમાર કુમ્ભજ

એક જંગલ હતું
જંગલમાં ઘેટાં હતાં
ઘેટાંને નાગરિક સમજવાની ભૂલો હતી
કિસ્સા, વાર્તાઓ જેવી કાલ્પનિક નહીં
સાક્ષાત હતા
અને કદાચ દૃશ્યમાન હતા
ઊંદર-બિલાડી-ગિદરડાના સદાબહાર નાટ્યમાં
સિંહોના અટ્ટહાસ્યમાં નાચતા કિન્નરો
ભીખ માગતાં ઘેટાં નતમસ્તક રહેતાં હતાં
ચીસો-બૂમો પાડતા ભસતા કૂતરા ભેગા
અધમુઆ પૂર્વજોની માફક
માથું કૂટી કૂટીને
ક્યારેક પેટ અને ક્યારેક તાલી વગાડતાં ઘેટાં

પુસ્તકાલયનો નાશ કરી
પૂજતા હતા પત્થર
અને પૂજતા હતા અંધારામાં
અંધારાના કલંક

એક જંગલ હતું
જંગલમાં ઘેટાં હતાં
હતા થોડા વરૂઓ પણ
દેખાતા હતા ત્યારે માનવો એમના જેવા અદ્દલ

ઘેટાં રાત-દિવસ વેઠતાં બોજ વરૂઓના
વરૂઓ જે  બનતા હતા રાજા

•

૪. ભર બપોરની ઊંઘ

કવિ : અનુપમ ત્રિપાઠી

નહોતી કોઈ કસ્તૂરી ગળામાં
કરતા હતા દોડાદોડ નોકરી માટે
અસુરક્ષા અને અપમાનથી
જેમ તેમ લડીને

ભૂખ અને તરસની ઇચ્છાથી
ઘેર પાછા ફરતા ત્યારે
કોઈ ના મળતું પોતાને માટે
આવું કેમ?

તંદ્રા હાવી થઈ જતી
ભૂખની ઇચ્છા પાણીથી મટતી
અને ગાદલા પર પડતા વેંત
આવી જતી મુલાયમ નિદ્રા

ગરમી જેટલી વધતી જાય છે
નિદ્રામાં એટલી જ ડૂબતી જાય છે કાયા
તળિયાથી તળિયું દબાય છે
ક્યાં – કયુ – કોણ- કેમ આ સવાલોથી
મળી જાય છે થોડી ઘણી મુક્તિ

આ દુનિયા જે હવે ખૂલે છે સામે
તરસ માટે એક ઝરણું ફૂટે છે
ઉપસી આવે છે કેટલીક આકૃતિઓ
પિતાની આકૃતિ મૂકે છે માથે હાથ
માની આકૃતિ ખોળામાં લે છે
અને એક આકૃતિ કહે છે
જુઓ, હું આવી ગઈ

વળી પાછો શહેરનો એ જ ઘોંઘાટ
જાદુ ધીરે ધીરે ઓસરતો જાય છે
પહેલા આકૃતિઓ ગાયબ થાય છે
જે ઝરણું ફૂટ્યું હતું એ
અચાનક ગાયબ છે

આકૃતિઓ પકડવા દોડીએ છીએ આપણે
દોડતા દોડતા ઊડવા લાગીએ છીએ
અને એક ઊંચાઈથી પડીએ છીએ
ધડામ!

સ્રોત : “હંસ” (એપ્રિલ 2026)
 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

હાઉસ વાઈફ હોય તો હાઉસ હસબંડ કેમ ન હોય?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 July 2026

રવીન્દ્ર પારેખ

મારી એક નવલકથા છે, ‘લટહુકમ’. જેમ વટહુકમ તેમ ‘લટહુકમ’. તેમાં એક કંપની એવી સ્કિમ લાવે છે કે જે પુરુષ ઘરનાં કામ ઉપાડી લેશે તેને કામ દીઠ ચોક્કસ વળતર આપવામાં આવશે. ઘરમાં પત્ની છે ને બધાં કામ તે કરે જ છે, પણ નવલકથાના નાયકને થાય છે કે પત્નીનાં બધાં કામ પોતે કરી લે તો કંપની પગાર ઉપરાંત વધારે વળતર આપશે. નાયક ધીમે ધીમે પત્નીનાં તમામ કામ હાથ પર લઇ લે છે ને હાઉસ હસબંડ બની રહે છે. આ તો થઈ નવલકથાની વાત. આવું કશું ખરેખર બને ખરું? પતિ, હાઉસ હસબંડ બને ખરો? હા. બને. એક છાપામાં આવેલી આ ઘટના કૈંક આવી છે:

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક પતિ, તેની પત્ની અને બાળકી સાથે રહે. લવમેરેજ કરીને આવેલી પત્ની લગ્નના ચાર જ મહિનામાં ફેફસાંમાં પાણી ભરાવાને કારણે ગંભીર રીતે બીમાર પડે છે. પત્નીની નોકરી છે, પણ, માંદગીને લીધે તેનો ભોગ આપવો પડે તેમ છે. પતિ મિકેનિકલ એન્જિનિયર છે. તે પણ નોકરી કરે છે, પણ પત્નીને સાચવવા તે પોતાની નોકરી છોડી દે છે જેથી પત્ની બેંક સંભાળે અને પતિ ઘરકામ કરે ને વધારામાં દીકરી પણ ઉછેરે. પતિ દસ વર્ષથી રસોઈ કરે છે. વાસણકૂસણ કરે છે. કચરાપોતાં કરે છે. દીકરીને વાળ ઓળી આપે છે. કપડાં ધૂએ છે, અગાશી પર સૂકવે છે. પતિ ધીમે ધીમે હાઉસ વાઈફની જેમ જ હાઉસ હસબંડ બની રહે છે. આમ હાઉસ હસબંડ બનવાનો તેને પોતાને તો કોઈ વાંધો નથી, પણ સમાજમાં તેણે મોટી કિંમત ચૂકવવી પડે છે. તેને આ કામ કલંક થઈ પડ્યું છે. લોકોને ઘરકામ થાય એનો વાંધો નથી, પણ તે એક પુરુષ દ્વારા થાય છે, તેનો વાંધો છે. એવું નથી કે આ સ્ત્રીઓથી જ થાય એવાં કામ છે. એવું હોત તો રસોઈયા કે શેફ પુરુષો ન હોત, એ કામ પુરુષો શક્તિ છે, માટે કરે છે, એવું નથી. તેમાં કામની સાથે દામ મળે છે, એટલે કરે છે. બીજા કોઈ કરે કે ના કરે, સ્ત્રીએ તો કરવાનું જ છે. એ કામના ઘરમાં પૈસા મળતા નથી, એટલે પુરુષ તેમાં પડતો નથી. તેમાં સ્ત્રી પડે છે, પૈસા નથી મળતા છતાં પડે છે, કારણ તેને તો નાનપણથી જ એ શીખવવામાં આવ્યું છે કે ઘરકામ તેનું કામ છે.

તેની સામે ભુવનેશ્વરનો એક પતિ સિન્કમાંના વાસણો ધુએ, પત્નીનો પેટીકોટ ધુએ તો આ જોવાનું તો ઠીક, સાંભળવાનું પણ ઘણાંને ફાવતું નથી. પતિને ઘરકામ કરતો જોઇને ખુદ પત્નીને એ ગમતું નથી. કોઈ આવે છે તો એટલીસ્ટ થોડો વખત એ કામ ન કરે, કારણ પત્નીને એવો ડર છે કે પતિ પાસે કામ કરાવવા બદલ લોકો તેને મહેણાં મારશે. પતિ, જો કે ગૌરવભેર કહે છે કે પોતે હાઉસ હસબંડ અથવા મેલ હોમ મેકર છે. 2016ની વાત. મિકેનિકલ એન્જિનિયર પતિને એક પ્રાઈવેટ કમ્પનીમાં 16,000 પગારની નોકરી હતી, તેમાં પત્ની માંદી પડતાં ઘરકામ કરવાની જરૂર ઊભી થઈ. પત્નીથી માંદગીને કારણે ઘરનું કોઈ કામ થાય એવું ન હતું. તેને શ્વાસ લેવામાં ય તકલીફ પડતી હતી. તે બેન્કની નોકરી કરી શકે એમ ન હતું. બે મહિના સુધી તે પથારીવશ રહી. તેને વોશરૂમ સુધી લઈ જવાથી માંડીને નવડાવવા-ધોવડાવવા સુધીનું બધું જ કામ પતિ કરતો હતો. ઘરમાં માતા હતી, પણ તેની પણ ઉંમર થઇ હતી. એટલે સવાર-સાંજની રસોઈ પતિએ જ કરવા માંડી.

થોડા વખત પછી પત્ની સારી થવા લાગી. તે નોકરી સાથે ઘર પણ સંભાળવા લાગી. સવારે પત્ની ઘરનું કામ કરતી, પછી બેન્કની નોકરી કરતી ને સાંજે મોડી પાછી ફરતી. આવીને ઘરનું કામ કરતી. પંદરેક દિવસમાં જ પત્નીને શ્વાસની તકલીફ થવા લાગી. પતિને લાગ્યું કે ઘર સંભાળવા કોઈ એકે તો ઘરમાં રહેવું પડશે. તેણે પત્નીને કહ્યું કે બેમાંથી એકે નોકરી છોડવી પડશે. જો કે, પત્નીએ ખૂબ સંઘર્ષ પછી બેન્કની નોકરી મેળવી હતી. એટલે પતિએ હાઉસ વાઈફની જેમ જ હાઉસ હસબંડ બનવાનું સ્વીકારી લીધું.

પત્નીને એમ લાગતું હતું કે ઘરનાં લોકો સંભળાવશે કે દીકરો પત્નીનો ગુલામ થઇ ગયો ને ચાલુ નોકરી છોડીને ચૂલો-ચોકો કરવા લાગ્યો ! પતિએ પત્નીને સમજાવી કે બેમાંથી કોઈ એક ઘર સંભાળે તો જ પરિવાર સચવાશે. પતિને પણ એ મૂંઝવણ તો હતી જ કે ઘરનાં લોકોને કેવી રીતે સમજાવવા? તેણે તેના મમ્મી-પપ્પાને બોલાવીને આ વાત મૂકી. તેમણે કહ્યું કે તમે લોકો સમજુ છો. જેમ ઠીક લાગે તેમ કરો. પત્નીના પિયરને ખબર પડી તો તેણે પણ વિરોધ કર્યો – એમ કહીને કે લગ્ન પહેલાં છોકરો એન્જિનિયર હતો, તે નોકરી છોડીને ઘરકામમાં પરોવાઈ ગયો. પત્નીની માતાએ જ એમ કહીને તેને ઠપકારી કે જમાઈ પાસે બૈરાંનાં કામ કરાવે છે તે સારું છે? પત્ની પતિ પર તડૂકી-પહેલાં કહ્યું હતું કે લોકો મહેણાં મારશે. પતિએ સમજદારીથી જવાબ આપ્યો કે આ લોકો ઘરનું કામ કરી આપવાના છે? જો નહીં તો તેમની વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. મિત્રો સંભળાવતા કે પતિએ લાજશરમ નેવે મૂકી છે. એ મરદ નથી રહ્યો. પત્નીને જ નહીં, પતિને પણ આ જીરવવું અઘરું હતું. મહોલ્લાવાળા કોઈ ગુનો કર્યો હોય એમ જોઈ રહેતા. મિત્રોની મશ્કરીનો ભોગ બનવાનું પણ આવતું – તને ડિસ્ટર્બ તો નથી કર્યોને ! રસોઈનો ટાઈમ છે ને ભાભીનાં આવવાનો ટાઈમ પણ થઇ ગયો છે. તને મજા છે. પત્નીની કમાણી ખાવ ને મોજ મનાવ.

પતિએ પહેલાં તો ડોક્ટર થવું હતું, પણ એટલી સગવડ ન હતી. પપ્પાએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન અપાવી દીધું ને પાસ થયા પછી ત્રણ વર્ષ પ્રાઈવેટ કમ્પનીમાં નોકરી કરી. પતિની ઇચ્છા તો એવી હતી કે તે પોતાનું ઘર બનાવે, પણ નોકરી ન રહેતાં એ જવાબદારી પૂરી ન થઈ શકી. તેનો અફસોસ પણ છે. પતિના હાઉસ હસબંડ બનવાને લીધે, તેના બે ભાઈઓનાં લગ્ન નથી થતાં. પોતે હાઉસ હસબંડ હોવાનું જાણતાં બંને ભાઈઓનાં લગ્નની ના આવી જાય છે. માતા પણ ગુસ્સે થઈને કહે છે કે ઉધાર માંગવા જાઉં છું તો દુકાનદાર કહે છે કે દીકરાની કમાણી નથી, ઉધાર આપું તો ચૂકવશો કઈ રીતે? એનું પરિણામ એ આવ્યું કે પતિએ હવે લગ્ન કે અન્ય પ્રસંગોમાં જવાનું ટાળ્યું છે. તે ક્યાં ય જતો નથી. દીકરીને પણ સ્કૂલમાં સાંભળવાનું થાય છે કે તારા પપ્પા ઘરકામ કરે છે? નોકરી નથી કરતા? દીકરી આ અંગે પિતાને પૂછે છે તો એનાથી જવાબ નથી અપાતો. પતિને ઘરકામનો અફસોસ નથી. એવો નિર્ણય ન લીધો હોત, તો ઘર વિખેરાઈ ગયું હોત ! જો કે ઘરનાઓનો વિરોધ સમય જતાં મોળો પડ્યો છે. પત્ની કહે છે કે કોઈનો પણ વિરોધ પતિ તેના સુધી પહોંચવા જ નથી દેતા.

તો, આ વાત છે.

આપણાં મન મગજ એ હદે પરંપરાથી ઘડાઈ ચૂક્યા છે કે તેમાં નાનો પણ ફેરફાર સહન થતો નથી. પતિને લાગે છે કે હાઉસ હસબંડ બનવાથી જ પરિવાર ઊગરી જાય એમ છે ને એ નોકરી છોડીને સ્વેચ્છાએ ઘરકામ સ્વીકારે છે, તો એ અંગત નિર્ણયને માટે સમાજ આટલા વાંધા પાડે એ બરાબર નથી. એવું નથી કે પુરુષો ઘરકામ કરી જ ના શકે. એવું હોત તો રસોઈયાઓ મોટાં મોટાં તપેલાં ઉતારતાં ન હોત કે કોઈ મેલ શેફ ફાઈવ સ્ટાર હોટેલનું રસોડું ન સંભાળતો હોત. આમ તો કોઈ કામ સ્ત્રી અથવા પુરુષનું નથી. કોઈ પણ કામ, કોઈ પણ કરી જ શકે, પણ નસીબ જોગે સ્ત્રીને ભાગે ઘરકામ આવ્યું, હવે તો સ્ત્રી ઘરકામ ને નોકરી બંને સંભાળી શકે છે, તો બંને કામ પુરુષ પણ કરી જ શકેને ! તેને તો સ્ત્રી કરતાં વધુ શક્તિશાળી ગણ્યો છે, તો એ ઘરકામ કેમ ન કરી શકે? સ્ત્રી જો પુરુષનું કમાવાનું કામ કરી શકતી હોય તો પુરુષ સ્ત્રીનું ઘરકામ કેમ ન કરી શકે? એક તરફ કોઈ કામ હલકું નથી એમ કહેવાય છે, તો ઘરકામ એવું હલકું કામ છે કે પુરુષ તે કરી જ ન શકે? એને માટે એ કામ હલકું હોય તો સ્ત્રી તો યુગોથી એ કામ પોતાનું સમજીને કરતી આવી છે, તો એ તેણે શું કામ કરવું જોઈએ? કોઈ પણ જાતના વળતર વગર સ્ત્રી રસોડું, વાસણકૂસણ, કપડાંલત્તા, બાળ ઉછેર…નું કામ કરે છે. એ ભાડેથી કરાવીએ, તો મહિનાનો પગાર ખૂટી પડે, તેની સામે સ્ત્રી એ કામો કેવળ લાગણી-પ્રેમથી કરે છે, તો તેને બિરદાવીએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,17 જુલાઈ 2026

Loading

...10...18192021...304050...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved