Opinion Magazine
Number of visits: 9950690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|22 January 2026

તું હજી ડૂસકાય છે, ડૂમાય છે?
શબ્દ કે શાહી તળે સંતાય છે?

માછલી જેવું જ તું પણ તરફડ્યો,
શીદને ધીવર બની ચર્ચાય છે?

એક ખોબો જીવતી તરસે કહ્યું,
જીવ અપરંપાર બસ છલકાય છે.

આ સમયને ખંડમાં તોડ્યા પછી,
ક્યાં કશું પણ કોઈથી જોડાય છે.

એવું તે શું થૈ ગયું ‘નિર્મન’ કહે,
તૂટતાં પહેલાં ત…ડડ તરડાય છે.

તા.22.1.26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

તેઓ ભલે ને મીઠું પકવતા, એથી શું : અગરિયાનાં છોકરાંને વળી ભણવું શું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 January 2026

શિક્ષણ – 

છતે સ્વરાજે ‘લોકશક્તિ’નું આ ‘લાવણ્ય’! 

માંડ માંડ સ્થાયી શિક્ષક મળ્યા હતા … હવે કહે છે કે કથિત બાલમિત્રથી રોડવી લો : પૈસા નથી (એન.ઈ.પી. 2020ની  જાહેરાતોમાં ખરચાઈ ગયા એટલે સ્તો ?), હાય અમૃતપર્વ !

પ્રકાશ ન. શાહ

દાંડીકૂચનો મહિમા કરતી વેળાએ કહેવાનું બનતું રહ્યું છે કે ગાંધીપ્રતાપે આપણે લવણ સારુ લડ્યા ને લોકશક્તિનું લાવણ્ય ખીલવી શક્યાઃ ભલે, લગરીક આલંકારિક એવું પણ આ સત્ય નથી એવું તો નથી. છતાં, દુર્દૈવ વાસ્તવ એ પણ છે કે જે જણ નમકના પકવણહાર છે, એમને છતે સ્વરાજે સ્વરાજના સુખથી કેમ જાણે આજે આટલે વરસે, આટલે એટલે દસવીસ નહીં પણ ખાસા સાત દાયકાથીયે વધુ વરસોથી છેટું તે છેટું એવો ઘાટ છે. 

પ્રજાસત્તાક દિવસના ભણકારા વચ્ચે આ લખી રહ્યો છું. ત્યારે બરાબર, ચાલુ મહિનાના પહેલે જ અઠવાડિયે આવેલી એ સરકારી જાહેરખબર જોઉં છું જેમાં અગરિયાઓની શાળામાં હવે શિક્ષક તરીકે કાયમી વ્યવસ્થાની અવેજીમાં બાલમિત્રોની નિમણૂક કરાશે. બંધારણે ભલે સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ ભાખી હોય પણ એક પર એક નવી અને હવે તો ‘એન’ કહેતાં ન્યૂ નહીં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની જાહેરાત પછી અને છતાં ‘પૂરા કદની શૈક્ષણિક વ્યવસ્થાને બદલે યદ્વાતદ્વા કથિત બાલમિત્રો દ્વારા ભણાવવાની આ પેરવી? સ્વરાજના આરંભકાળે માનો કે સાધનો માંડ જોગવવાનાં હતાં, પણ આજે પણ આમ – અને તે બચાડાં અગરિયા બાળુડાં સારુ? બજેટના છ ટકા શિક્ષણ પાછળ ફાળવવાના રાષ્ટ્રીય સંકલ્પથી ઉત્તરોત્તર કેમ જાણે છેટું વધતું જતું ન હોય?

ચુંવાળિયા કોળી, મિયાણા, સંધિ જેવી ઓળખે ઓળખાતા આ અગરિયાઓની ઇતિહાસનિયતિ બે’ક લગી તો ક્રિમિનલ તરીકે વર્ણવાયાની રહી છે. 1857 અગર અસહકાર યુગથી બેઠેલ સ્વરાજસંગ્રામનાં પાત્રોને આપણે સંભારીએ છીએ. પણ કંપની સરકારના વારાથી ને તે પછી આ સૌ પ્રજાવર્ગો સ્થાપિત સત્તા સામે સતત લડતા રહ્યા છે. જો કે, ઇતિહાસના મેગા નેરેટિવમાં આ સૌ વણગાયાં ને વણપોખાયાં રહેતા આવ્યા છે. એમને નેકનામદાર અંગ્રેજ સરકાર બહાદુરે 1871થી ‘ક્રિમિનલ ટ્રાઇબ્સ’ લેખે જાહેર કર્યા એ સિવાય કશાં પેન્શનફેન્શન મળ્યાં જાણ્યાં નથી. હમણેના દાયકાઓમાં ઓ.બી.સી.નો નવો સિક્કો એમને પર લાગ્યો છે. 

પણ એમનું વાસ્તવચિત્ર. કચ્છના નાના રણમાં, આકરા ટાઢતડકા વચ્ચે ઓગસ્ટ-ઓક્ટોબરથી આઠેક મહિનાના ગાળામાં પોતાના થાનકથી દૂર, ઘોર વિષમ સંજોગોમાં મીઠાની ખેતી કરે અને ચામડીના રોગો, મીઠાના ઢગે પરાવર્તિત સૂરજતેજે ઝંખવાતી આંખો, હર વરસે વરસાદ સાથે ધ્વસ્થ થતી કાચી ઝૂંપડી, વરસોવરસ નવી ગિલ્લી નવો દાવ …. આ એમની જિંદગી, છતે સ્વરાજે ‘લોકશક્તિ’નું આ ‘લાવણ્ય’ !

સેવાસંસ્થાઓની કામગીરી, ખાસ કરીને ગણતર, જનપથ આદિની પહેલસંડોવણી ત્યાં શાળાની સોઈ, પાણીવચાળે તો જૂની બસોમાં ખડા કરાયેલ વર્ગો, એને સ્થાને પૂરા કદની વ્યવસ્થા સાથે શિક્ષકજોગવાઈ. આર.ટી.ઈ.ના પ્રતાપે પ્રવેશતક અને અલબત્ત, આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની સક્રિય દરમિયાનગીરી. 

આ બધાં પછી સ્વરાજનાં અમૃતવર્ષોમાં આગળ જવાની વાતને બદલે દીધી સગવડ સમેટવાની ને અગવડ વધારવાની, શાસકીય નીતિ ને ગતિવિધિ વિશે શું કહેવું. ગુજરાત મોડેલની ગાજવીજ વચ્ચે અનવસ્થા ઠીક ઠીક છૂપી રહી હશે, પણ અગરિયા લોકમાં કશીક વિકાસતક પ્રજાસૂય મથામણમાંથી જરૂર ઊભી થઈ આવતીકાલના મોડેલની ગરજ સારતી હતી, પણ – 

ખરું જોતાં આ દાસ્તાં માત્ર અગરિયાની જ છે એવું નથી. જેને આપણે સુખી  ને સમૃદ્ધ ગુજરાત કહીએ છીએ તેમાં વાસ્તવિકતામાં સમાજનો કેટલો મોટો હિસ્સો વંચિતજનોનો છે. અને વિસ્તરતા મધ્યમવર્ગ છતાં સરવાળે કેટલા સીમિત પ્રમાણમાં આપણે ત્યાં સહિતોનો ટાપુલોક છે. એની આપણને કદાચ ખબર જ નથી. સરકાર અને સત્તાપક્ષ વાસ્તવિક  કામના પ્રમાણમાં જે બેફામ જાહેરાતખર્ચ ભોગવે છે એના એકબે ટકા માંડ ફાળવવામાં આવે તો બાલમિત્રને બદલે પૂરા સમયની વ્યવસ્થાપૂર્વકની શિક્ષક-જોગવાઈ ને બીજું કેટલુંયે સરળતાથી થઈ શકે. 

પૂછો વિનય અને ચારુલનેઃ કોઈકે લોકજીવનની વિષમતાને શબ્દ ને સૂરમાં સાકાર કરતાં આ બેલડીનાં ગીતો અને જે તે ગીતમાં નિરૂપિત વર્ગ/વર્ણ હાલાકીને ધોરણે રાજ્યના બજેટની સરખામણી કરવી જોઈએ. આનાતોલ, ફાન્સની એ વાત સાંભરશે કે સરકારો ગરીબોના મતે અને શ્રીમંતોના પૈસે ભોગવટો  કરે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી 2026

Loading

સહસ્રલિંગનું પવિત્ર તર્પણ : વીર મેઘમાયા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 January 2026

પ્રકાશ ન. શાહ

બરાબર યાદ છે પિસ્તાળીસેક વરસ પરની એ બપોર. મધ્યાહને સૂર્ય શા યથાનામ ભાનુ અધ્વર્યુ પ્રેસમાં એમની કોલમ માટેનું મેટર લઈને પ્રગટ્યા, અને એમનો જે છીંકણીરાબેતો તે સંગીન ધાર્મિક રીતે સંપન્ન પણ કર્યો. જો કે, હું તો એમનો ચહેરો એ આવ્યા ત્યારથી વાંચી રહ્યો હતો. એ કશુંક કહેવા બાબતે જાણે ઝાલ્યા નહીં રહે એવું લાગતું હતું. છીંકણી પછી અલબત્ત સુક્કા ટાટ ગુજરાતને એવો ચાનો પેગ ચડાવતે ચડાવતે ભાનુભાઈએ બોલવા માંડ્યું – ‘હું હરિજનોનો હમદર્દ કે હામી કહેવાઉં ને મને જ ખબર નહીં!’ 1981ના અનામત વિરોધી આંદોલન અને ઉત્પાતના એ દિવસો હતા.

અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના અમારા મિત્રો (હવે આર્ચ વાહિનીએ ખ્યાત અનિલ પટેલ તેમ જ હવે રાજ્યના પૂર્વમંત્રી તરીકે ઓળખાતા મહેસાણાના ઈશ્વરભાઈ મકવાણા વ.) સાથે ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોમાં હરિજનો પરના અત્યાચારની જાત તપાસ માટે ગયા હતા. સવારે ઊઠ્યા ને બે-પાંચ મિત્રો સહસ્રલિંગ(પાટણ)ની મુલાકાત સારુ આગ્રપૂર્વક લેવા આવ્યા હતા અને સાથે વાજાપેટી ને ઢોલક પણ હશે. આ સાજસજ્જા ને તામઝામ જોઈ વીર ભાનુવાળાનું છટક્યું – ‘તમને કંઈ ખબર પડે છે કે નહીં? અમે પર્યટન માટે નથી આવ્યા, સ્થળતપાસ વાસ્તે આવ્યા છીએ. સહેલાણી નથી.’ માને તો જુવાનિયા શાના. સહસ્રલિંગ તળાવે પહોંચી વચમાં ટેકરા પર લઈ ગયા. વાજાપેટી જમાવી ને ગાવા લાગ્યા :

બાર બાર વરસ નવાણ ગળાવ્યા

નવાણે નીર ના આયાં જી રે.

વાત એમ હતી કે તળાવ ફેરગોડાવી સધરા જેસંગે (સિદ્ધરાજ જયસિંહે) પાણીની સોઈ કરવા ધાર્યું હતું, પણ નવાણે નીર ના’વે! કોઈ બત્રીસ લક્ષણો બલિદાન આપે તો જ પાણી આવે. રાજ આખામાં વાયક ફરી વળ્યું ત્યારે ધોળકા પાસેના રનોડા ગામનો વણકર, નામે માયો, સ્વેચ્છાએ તૈયાર થયો. (તેથી સ્તો વીર કહેવાયો) જો કે, એણે વળતી શરત મૂકી કે મારા સમાજને તમે અન્યાયી અનવસ્થામાંથી છોડાવો :

કુલડીઓ છોડાવો રાજા

સાવરણી તોડાવો

ગામની બાજુમાં વસાવો જી રે

હડે હડે થતી હડધૂત દશામાંથી એ સમુદાય મુક્ત થવાની શરત સ્વીકારાઈ અને વીરમાયાના બલિદાન સાથે સહસ્રલિંગ તળાવ જળાં જળાં થઈ ઊઠ્યું. લખવા બેઠો અને પિસ્તાળીસ વરસ પરની બપોરે લાંગર્યો એનું નિમિત્ત હમણાં ધ્યાનમાં આવેલી એ આનંદવાર્તા છે કે મહા સુદ સાતમે (પચીસમી જાન્યુઆરીએ) વીર મેઘમાયા બલિદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેઃ આ યાત્રા ગાંધીનગરથી સહસ્રલિંગ (પાટણ) લગીની રહેશે અને એનું સમગ્ર સંચાલન ને વ્યવસ્થાપન ‘વિશ્વ વીર મેઘમાયા સમાજ’નું રહેશે. આ અંગે પ્રસારિત પત્રિકામાં ગાઈવગાડીને એટલે કે અધોરેખિતપણે એક મુદ્દો ખાસ એ કરાયો છે કે વીર મેઘમાયાએ કોઈ ચોક્કસ ધર્મ, સમાજ કે જ્ઞાતિ માટે નહીં પણ પાણી વગર ટળવળતાં સૌ પશુપંખી, વનસ્પતિ અને તમામ જીવસૃષ્ટિ માટે બલિદાન આપ્યું હતું.

ગયે વરસે પણ માયા સાતમ કહેતાં મહા સુદ સાતમે આવી યાત્રા યોજાઈ હતી. ત્યારે આયોજન વીર મેઘમાયા સમિતિનું હતું. હવે તે વિશ્વ મેઘમાયા સમાજ રૂપે કાર્યરત છે. આ નામાંતરમાંથી વ્યાપકતા ફોરે છે, અને એ સ્પષ્ટતા પણ અંકિત થાય છે કે તે કોઈ એક જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષથી પ્રેરિત, સંચાલિત કે આયોજિત નથી. આ અભિગમમાં વણકર સમાજની સહજ પહેલ અલબત્ત હશે, છતાં સંકોચનને બદલે ઉમાશંકરની પ્રખ્યાત પંક્તિ ‘વિશાળે જગવિસ્તારે …’ની ધાટીએ વ્યાપકતાની વાંછના પણ છે – સંતબાલજી જેને વિશ્વવાત્સલ્ય કહેતા એવું કંઈક એમાં અભીષ્ટ છેઃ કિશોર મકવાણાના પુસ્તકની પ્રસ્તાવનામાં નરેન્દ્ર મોદીએ લગરીક હાઈપકારાની રીતે પણ એક મુદ્દો મજાનો કીધો છે કે આપણે આંબેડકરને સ્વાભાવિક જ સન્માનભેર સંભારીએ છીએ,

પણ એમના પૂર્વેય વીરમાયા જેવા ભોં ભાંગનારા થઈ ગયા છે. આપણી સામાજિક ન્યાય ચળવળની ચર્ચામાં ગાંધી અને આંબેડકર બે છેડે ધ્રુવીકૃત થઈ જવાનું વલણ જોવા મળે છે, એની સામે માયા ઘટનાને વ્યાપક વિશ્વમાનતાની રીતે જોવાનું જે વલણ છે તે મૂકવા જેવું છે . સ્વેચ્છાએ બલિદાનનો માયા માર્ગ, 1934માં હરિજન યાત્રાએ નીકળેલા ગાંધી પર પુણેમાં જે બોમ્બ પ્રયાસ થયો તેની જરી જુદા છેડેથી યાદ આપે છે … પરથમ પહેલું મસ્તક મૂકી, વળતું લેવું હરિ(જન)નું નામ જો ને! અંગત રીતે હું બહુ રાજી થાઉં, જો આંબેડકર ને ગાંધીને સામસામા મૂકવા કરતાં પોતપોતાને છેડેથી – એક જો અધિકારના છેડેથી તો બીજા વળી પ્રાયશ્ચિતના છેડેથી – સરવાળે એક જ પંથના પથિક હતા એવી જાડી પણ સમજ કેળવવામાં મેઘમાયા માહોલ સફળ થાય. 

જે વસ્તુ ઝટ પકડાતી નથી તે એ છે કે ગાંધી કે આંબેડકર જાહેર જીવનમાં કોઈ ઈસ્ત્રીબંધ ફિનિશ્ડ પ્રોડક્ટ તરીકે પ્રવેશ્યા ન હતા. બંને વિકસતા અને ખીલતા ગયા છે. કોઈક તબક્કે ગંઠાઈને એમને માત્ર એમ જ જોતા રહેવાથી, બને કે ઝાડવાં ગણતાં આપણે જંગલ ચૂકીએ. ‘કાસ્ટ મેટર્સ’ અને ‘કાસ્ટ, અ ગ્લોબલ સ્ટોરી’થી દેશવિદેશના દલિત વિમર્શમાં જેનો પાટલો પડે છે તે સૂરજ મિલિન્દ યેંગડે, જેમ કે દક્ષિણ આફ્રિકી ગાંધીના સમતા અભિગમ બાબતે આશ્વસ્ત નથી.

ગોરા સાંસ્થાનિકો સામે બ્રિટિશ રાજના નાગરિક તરીકે હિંદીવાનોના હકની લડાઈ ગાંધી જરૂર લડ્યા હતા. પણ બાકી સૌ, રિપીટ, સૌને એ આગળ ચાલતા પોતાની સમજમા આવરી શક્યા ન હોત તો માર્ટિન લ્યુથર કિંગ કે નેલ્સન મંડેલાને એમનામાં આદર્શનાં દર્શન ન જ થયાં હોત. આટલું એક સમતા સિપાહી તરીકે, મેઘમાયાની સાખે.

Editor: nireekshak@gmail.com
સૌજન્ય : : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી  2026

Loading

...102030...91929394...100110120...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved