Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું મારો નિર્ણય નહીં બદલું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|14 April 2026

રઘુનાથજી દવે એટલે કર્તવ્ય પરાયણ, કર્તવ્યનિષ્ઠ અને સિદ્ધાંતોના માનવી. રઘુનાથજી એક મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ. હતા. કરોડો રૂપિયાનો વહીવટ તેમની રાહબરી નીચે થતો હતો. કોઈપણ બાબતમાં તેમનો નિર્ણય આખરી નિર્ણય ગણાતો. કંપનીનાં માલિક રાજનભાઈ કોઠારી પણ તેમના નિર્ણયને ક્યારે ય ફેરવતા નહીં. આ બાબતે કંપનીમાં ઘણી વખત ચર્ચાઓ પણ થતી કે રઘુનાથજીએ માલિકને પણ વસમાં કરી લીધા છે. એ માલિક છે તેમણે પણ રઘુનાથજીના નિર્ણયને અનુમતિ આપતા પહેલાં આપણી સાથે ચર્ચા કરવી જોઈએ. 

રાજનભાઈ કોઠારીને એમ જ કંઈ રઘુનાથજી પર આટલો ભરોસો નહોતો. ભૂતકાળમાં કેટલી ય પરીક્ષઓમાંથી રઘુનાથજી પાસ થયેલા હતા. એક વખત રઘુનાથજીની આકરી પરીક્ષા થાય એવો બનાવ બન્યો. રાજનભાઈ કોઠારીના એક નજીકના મિત્રએ ૧૦૦ કરોડ રૂપિયાના કામ માટે ટેન્ડર ભર્યું હતું. તેને પૂરો વિશ્વાસ હતો કે એ રાજનનો મિત્ર છે એટલે ટેન્ડર તો તેને જ મળશે પણ તેના બદલે બીજી કંપનીનું ટેન્ડર પાસ થયું. આખો ય પ્રશ્ન રાજનભાઈ પાસે આવ્યો. રાજનભાઈએ વિચાર્યું કે વિના કારણ રઘુનાથજી મારા મિત્રનું ટેન્ડર નામંજૂર ન કરે; મારે કારણ જાણવું પડશે. રાજનભાઈએ રઘુનાથજીને ચેમ્બરમાં બોલાવ્યા અને પૂછ્યું કે `તમે મારા મિત્રનું ટેન્ડર શા માટે નામંજૂર કર્યું? મેં આજ સુધી તમારા નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો પણ આજે મારે માટે કારણ જાણવું છે.`

`રાજનભાઈ —` 

રાજનભાઈએ રઘુનાથજીને કહ્યું હતું કે `તમારે મને સાહેબ કે બોસ નહી કહેવાનું તમારે મને રાજન કહેવાનું હું તમારાથી નાનું છું.` ત્યારે રઘુનાથજીએ કહ્યું હતું, કે “તમે નાના છો એ વાત સાચી પણ આ કંપનીનાં માલિક છો. એ વાત પણ મારે ધ્યાનમાં રાખવી પડે; તો હું તમને રાજનભાઈ કહીશ.”

`— તમે અત્યાર સુધી મારા કોઈ નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો; તો આ માટે પણ કારણ જાણવાનું રહેવા દો.`

` ના મારે કારણ જાણવું છે.`

`રાજનભાઈ, તમારા મિત્રએ મને બે કરોડની ઓફર કરી હતી; મારા સિદ્ધાંતને જાણતા હોવા છતાં; જે માણસ મને પૈસાની ઓફર કરે એ બીજું શું ન કરી શકે; એમ માનીને મેં એ નામંજૂર કર્યું. મેં કંઈ ખોટું નથી કર્યું; મેં આ કંપની પ્રત્યેની  મારી નૈતિક જવાબદારી નિભાવી છે.`

પણ આજે હકીકત જુદી હતી. રઘુનાથજીની ફરજનિષ્ઠાની કસોટી થાય એવી વાત હતી. રાજનભાઈનો દીકરો દીપેન વિદેશમાં અભ્યાસ પૂરો કરીને આવ્યો હતો અને રાજનભાઈએ તેને રઘુનાથજી પછીની કંપનીમાં પોસ્ટ આપવાની સૂચના આપી હતી. રઘુનાથજી દીપેનના બધાં જ અપલખણ જાણતાં હતાં એટલે તો તેને વિદેશ અભ્યાસ માટે મોકલ્યો હતો. દીપેનનું કંપનીમાં જોડાવાથી કંપનીને ખૂબ નુકશાન થવાની ભીતિ રઘુનાથજીને દેખાતી હતી. એક નિર્ણય કરીને એ રાજનભાઈની ચેમ્બરમાં ગયા અને કહ્યું.

`રાજનભાઈ, હું દીપેનને કંપનીમાં તમે કહી એ પોસ્ટ પર નિમણૂંક નહીં આપી શકું.`

`રઘુનાથજી, તમે કોને અને કોના માટે ના કહો છો એ ખબર છે ને? તમારી નોકરી પણ જઈ શકે છે. તમારે એક વરસ બાકી છે, શાંતિથી નોકરી કરો ને. “હું મારો નિર્ણય નહીં બદલું.”

`તો, રાજનભાઈ આ મારું રાજીનામું; તમે પણ દીપેનનાં અપલખણ જાણો છો; તમને આ બધી ખબર છે; છતાં આવો આગ્રહ શા માટે? પુત્રપ્રેમ અને બિઝનેસ સાથે ન રાખો તો સારું. “હું મારો નિર્ણય નહી બદલું” એમ કહીને રઘુનાથજી એ રાજીનામું રાજનભાઈને આપ્યું. 

રાજનભાઈએ એક ક્ષણ રઘુનાથજી સામે જોઈને રાજીનામું ફાડી નાખ્યું.` રઘુનાથજી એક વરસ પછી હું તમારી જેવો માણસ ક્યાં શોધીશ કે જે વ્યક્તિ કંપનીનાં હિત માટે માલિકને પણ સાચી હકીકત જણાવી શકે; સિદ્ધાંત માટે પોતાની નોકરી પણ છોડી શકે.`

ભાવનગર, ગુજરાત.
e.mail : Nkt7848@gmail.com.

Loading

શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

આશા બૂચ|Gandhiana|14 April 2026

આશા બૂચ

હિન્દુ ધર્મની માન્યતા મુજબ ચાર યુગ; સતયુગ (જે સુવર્ણ કાળ મનાય છે), ત્રેતા યુગ (રજત યુગ), દ્વાપર યુગ (કાંસ્ય યુગ) અને કળિયુગ (લોહ યુગ અથવા અંધકાર યુગ).

એમ લાગે છે કે આગલા ત્રણ યુગો વીતી ગયા, આપણે કળિયુગમાં જીવીએ છીએ. વીસમી સદીમાં સામૂહિક સંહારનાં શસ્ત્રોના વિપુલ ઉત્પાદનને કારણે સહુથી વધુ આંતરિક સંઘર્ષો, યુદ્ધો અને સામૂહિક માનવ સંહાર થયા. સંપત્તિની અસમાન વહેંચણીએ અન્યાયી અર્થવ્યવસ્થા ઊભી કરી અને સ્વાર્થી શાસનકર્તાઓની સત્તા ભૂખને પોષવા શસ્ત્રો ઉત્પાદન કરતી કંપનીઓ વિશ્વ આખામાં દુઃખ અને યાતના ફેલાવી રહી છે.

બીજી બાજુ જોઈએ તો દુનિયામાં અનેક દેશોમાં રાજકીય, આર્થિક, ધાર્મિક અને સામાજિક દમન, અન્યાય અને ઉશ્કેરણીને કારણે થતા સંઘર્ષોનો સામનો વધુ ને વધુ સંખ્યામાં અહિંસક પદ્ધતિથી થતો જોવા મળે છે. અલબત્ત, મોટા ભાગના આંદોલનો ગાંધીજી જેને ‘નબળાની અહિંસા’ કહેતા હતા એ પ્રકારના ગણાવી શકાય. છતાં શસ્ત્રોના ઉપયોગની અવેજીમાં આવાં આંદોલનો સાચી દિશામાં ભરેલું મોટું પગલું કહી શકાય. આપણું અંતિમ ધ્યેય તો રચનાત્મક કાર્યોના માધ્યમથી તમામ પ્રકારના સંઘર્ષોને નિવારી શકાય એ જ રહેશે.

યોરગન યોહાનસન

યોરગન યોહાનસન (Jorgen Johansen) – શાંતિના પ્રણેતા, ઉત્તમ શિક્ષણશાસ્ત્રી અને ટ્રાન્સેન્ડ પીસ યુનિવર્સિટી સાથે સંલગ્ન લેખક તરીકે નામના મેળવી ચુક્યા છે.  mkgandhi.org.માં પ્રકાશિત થયેલ Non Violence as a constructive force લેખમાં આ વિષે વિશદ છણાવટ કરતા તેઓ લખે છે કે શીત યુદ્ધ ખતમ થવા સાથે બે દેશો વચ્ચે લડાઈ ઓછી થતી જોવા મળે છે, પણ દેશની અંદર બે જાતિ અથવા સમૂહો વચ્ચે વધુ હિંસા થતી જોવા મળે છે. મોટા ભાગના સંઘર્ષને આંતરવિગ્રહની કક્ષામાં મૂકી શકાય. જેમ જેમ સંહારક શસ્ત્રોમાં નવાં સંશોધન થયાં અને તેમાં ‘સુધારા’ થયા તેમ તેમ આ સદીની શરૂઆતથી સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરિકોની જાનહાનિની સંખ્યા વધતી જ જાય છે, કેટલીક લડાઈઓમાં તો આશરે 80% નાગરિકો અને 20% સૈનિકો માર્યા ગયાની નોંધ લેવાઈ છે. વિશ્વયુદ્ધ સહુથી વધુ સંહારક હોય તેમ માની શકાય. પણ તેમાં 5% નાગરિકોના જાન ગયેલા, તો શું આપણે નાગરિક હત્યા કરવાના ક્ષેત્રમાં પણ ‘પ્રગતિ’ કરી?

સુનામી કે ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓને કારણે ભૂસ્તરીય પરિવર્તન આવે અને પ્રવર્તમાન દેશોના સીમાડા બદલાઈ જાય એ તો બનતું આવ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો એ રીતે આકાર પામ્યા એ જાણીએ છીએ. આવો જાજરમાન હિમાલય પણ મોટા ટાપુઓ એકબીજા સાથે ધસી પડવાથી જ રચાયો છે. પરંતુ રાજ્યવિસ્તારની પીપાસાને સંતોષવા થતાં યુદ્ધોએ અનેક મોટા ભૂખંડોને નાના નાના ટુકડામાં વિભાજીત કર્યા. નહીં તો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ચાલીસેક જેટલા સ્વતંત્ર રાજ્યો હતા તેના આજે લગભગ 200 જેટલા દેશ બન્યા જ ન હોત. એટલું જ નહીં જે સંસ્થાનો શાસક દેશની ગુલામીમાંથી મુક્ત થયા એ દેશોએ મોટે ભાગે વિભાજીત થવાની કિંમત ચૂકવી છે અને શાસક દેશોએ એવી ખાતરી કરીને જ ત્યાંથી પોતાનો કબજો હટાવ્યો કે એ બે પાડોશી દેશો જીવે ત્યાં સુધી લડ્યા કરે જેથી શસ્ત્ર ઉત્પાદન, તેના ખરીદ-વેચાણ અને બરબાદી પછી જે તે દેશના ‘નવનિર્માણ’ કરવા પોતાના દેશની કંપનીઓના નફાથી પોતાના દેશના નાગરિકોનાં ભાણાં ભરાય.

પોતાના દેશને દુનિયાની ‘મહાસત્તા’ માનનારા દેશના વડાઓએ જાણે લોકશાહીની સ્થાપના અર્થે બીજા દેશોના વડાઓને પદભ્રષ્ટ કરીને પોતાની કઠપૂતળી સત્તાસ્થાને બેસાડવાનું પ્રણ લીધું, અને સશસ્ત્ર લડાઈઓ થતી રહી. તો સામે પક્ષે બીજા કેટલાક દેશોએ અહિંસક માર્ગ અપનાવીને પ્રજાના હિતમાં સત્તાપલટો કર્યો એ પણ આ સદીમાં જ બન્યું. પોલેન્ડ, બોલિવિયા, આફ્રિકા, પૂર્વીય યુરોપિયન દેશો અને સોવિયેત યુનિયનમાં આવેલા પરિવર્તનોમાંનાં ઘણાં પરિવર્તનો થોડેઘણે અંશે શાંતિપૂર્વકના હતાં. એ બધા દેશોમાં સત્તાપલટો અહિંસક રીતે કેમ થયો એ કહેવું મુશ્કેલ છે, પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં મોટા ભાગના સંઘર્ષો અહિંસક માર્ગે હલ થતા જોવા મળે છે. જો કે રશિયા-યુક્રેઇન, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન અને હવે ઈરાન તથા અન્ય ગલ્ફ દેશોની લડાઈઓએ આપણને  ત્રીજા વિશ્વયુદ્ધને આરે લાવી દીધા છે. તો આ હિંસક વૃત્તિ આટલી સ્ફોટક બનવાનું કારણ શું કળિયુગ માનશું?

આધુનિક યુગનો માનવી આજે મંગળ ગ્રહ પર પાણીની શોધ કરી રહ્યો છે, પણ આફ્રિકા અને બીજા દુષ્કાળ પીડિત પ્રદેશમાં વસતા માનવ બંધુઓને પાણી નથી પહોંચાડી શકતો. જેણે કદી લડાઈના મોરચે જઈને રાઇફલ હાથમાં ન લીધી હોય કે જેના હાથ કોઈના લાડકવાયાના ખૂનથી ન રંગાયા હોય તેવા લોકો દેશના નેતા બની જાય. યુદ્ધ કરવાનો નિર્ણય મોટી ઉંમરના આગેવાનો લે અને જાન ગુમાવે યુવાનો. શસ્ત્રો બનાવતી, વેંચતી અને ખરીદતી કંપનીઓના માલિકો પોતાનો નફો કરોડો ડોલરમાં ગણતા હોય અને તેનાથી પોતાની પત્નીઓને હીરા ઝવેરાતથી શણગારતા હોય, જ્યારે ગરીબ માણસો કાટમાળ નીચે દટાઈ મરતા હોય. સરકારી વોર કેબિનેટ ટેબલ ફરતે બેસીને કાગળના નકશા પર ક્યાં હુમલો કરવો એ નિર્ણય કરતી હોય અને જમીન પર લાશોની ગણતરી થતી હોય. આપણે આ બધી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ. તો આ કળિયુગ નથી તો શું છે?

મ્યાનમાર કે હેઈટીમાં કોઈ માં કે બાપ પોતાનાં સંતાનની શોધમાં રઝળતાં હોય અને કોઈ જનરલ પોતાના સૈનિકને દુનિયાના એક ભાગને નર્ક બનાવી મુકવા બદલ બહાદુરીનો મેડલ આપતો હોય. લોકોની સેવા અર્થે ચૂંટાયેલી સરકાર પોતાની જ પ્રજાને રંગ, જાતિ અને ધર્મને નામે વિભાજીત કરે. સામાન્ય પ્રજા જાણે છે કે દુનિયામાં દરેકની જરૂરિયાત પૂર્તિ થાય એટલા સંસાધનો છે, પણ ચંદ લોકોના લોભને સંતોષવા પૂરતું ભંડોળ નથી, છતાં રાજસિંહાસન પર બેઠેલા યુદ્ધ કરવાનો નિર્ણય લે. વૈજ્ઞાનિક શોધખોળે આપણી આધ્યાત્મિક સંપદાનો નાશ કર્યો. આપણી પાસે બીજા દેશના નિર્દોષ નાગરિકોને ખતમ કરવા ગાઇડેડ મિસાઈલ્સ છે અને પોતાના જ દેશના નાગરિકો મીસગાઈડેડ (દિશા ભૂલેલા) થયા છે. આવું કળિયુગમાં જ બને.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રકવિ માહમૂદ દર્વીશે સાચું જ લખ્યું છે: યુદ્ધ પૂરું થશે. નેતાઓ હાથ મેળવશે. કોઈ વૃદ્ધ માતા પોતાના શહીદની રાહ જોતી રહેશે. કોઈ યુવતી પોતાના વહાલા પતિની રાહ જોયા કરશે. કેટલાં ય બાળકો પોતાના પિતાની વાપસીની રાહ જોતાં રહેશે. મને ખબર નથી, અમારો દેશ કોણે વેચ્યો, પણ કોણ એની કિંમત ચૂકવે છે એ હું જાણું છું. જેઓ યુદ્ધ ઈચ્છે છે તેઓ કદી લડવા નહોતા ગયા, જે લોકો લડવા જાય છે તેમને ક્યારે ય યુદ્ધ ઇચ્છયું નથી. સવાલ એ છે કે તે છતાં આટઆટલાં યુદ્ધો કેમ થાય છે? આપણે કરોડો ડોલર્સ બીજા ગ્રહોની શોધ પાછળ ખર્ચીએ અને આપણા ગ્રહ પર રહેતા માનવોની હત્યા પાછળ અબજો ડોલર્સ ખર્ચીએ? શા માટે? કળિયુગ છે માટે?

આવા ચોતરફ ફેલાયેલ અંધકારમાં નિરાશા ઉપજે એ સામાન્ય માનવીનો સ્વાભાવિક પ્રતિભાવ હોઈ શકે. પરંતુ ઇતિહાસ ગવાહી આપે છે તેમ કળિયુગ પછી ફરી સતયુગ આવતો હોય છે. તો એ કઈ રીતે આવશે એ વિચારીએ. યોરગન યોહાનસન સ્કેન્ડિનેવિયાની કોલેજમાં પોતાના વિદ્યાર્થીઓને “Non-violent techniques” અને “Non-violent Lifestyle”ની પરિભાષા દ્વારા અહિંસાનું હાર્દ સમજાવે છે. તેઓનું માનવું છે કે આપણે બીજાને કોઈ પણ કામની પ્રક્રિયા કે કલા કૌશલ્ય શીખવી શકીએ, પણ જીવનપદ્ધતિ કેવી રીતે શીખવાય? તેઓ માને છે કે કોઈ તંત્ર વિશેનું જ્ઞાન અને અનુભવ બીજ વાવવાનું કામ કરે છે, કે જેમાં સમય જતાં જીવન પદ્ધતિ બનવાની ક્ષમતા સુષુપ્ત હોય છે. ઐતિહાસિક ઘટનાઓની સમીક્ષા, તેના વિશદ વિવેચન, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને ‘સત્યના પ્રયોગો’ની સાથે મળીને આ બીજ વિશાળ અને મજબૂત વૃક્ષ બની શકે, જે જીવનપદ્ધતિનું પ્રતીક બની રહે છે.

યોરગન યોહાનસન વધુમાં લખે છે તેમ દેખીતી રીતે કળિયુગની છાયામાં જીવતા હોવાનો અનુભવ થતો હોવા છતાં આપણે ખુલ્લા દિલે દુનિયાભરમાં અહિંસક પદ્ધતિના ઉપયોગના ઉદાહરણો જોવા જોઈએ. અહિંસાના વિજ્ઞાનના સંશોધકો, તેનો અમલ કરનારાઓ અને કર્મશીલો બધાએ સાથે મળીને દરેક રાજકીય સભાઓમાં, શિક્ષણના વર્ગોમાં અને સામાજિક ચળવળમાં અહિંસાના વિષયને એક કાર્યસૂચિમાં મુકવી જોઈએ. આપણે અહિંસાના ઉપરછલ્લા તંત્રને તલસ્પર્શી અહિંસક જીવન પદ્ધતિમાં ઉપરાંતરિત કરવી જોઈશે. આ કામ જેમને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો અને ફિલોસોફીની પૂરી જાણકારી હોય તેવા લોકો જ કરી શકે. તેમણે 20મી સદીના પ્રારંભમાં વિકસાવેલા આ વિચારો અને પ્રયોગોને 21મી સદીમાં પુનર્જીવિત કરવા જોઈએ. એ માટે સાધન અને સાધ્ય વચ્ચેના અનુબંધ વિશે વિચારવું જોઈએ. સાધનશુદ્ધિના સિદ્ધાંતે બહુ ઓછા સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. શાંતિ વિશે સંશોધન કરનારા યુદ્ધ અને સંઘર્ષો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, તેના ઉકેલ માટે કયું સાધન વાપરવાથી ઇચ્છિત ફળ મળે તે માટે કોઈ ચાવી નથી બતાવી. પરિણામે ટૂંકા ગાળાની સુલેહ સંધિ થાય અને ફરી પાછા ઠેર ના ઠેર આવી જઈએ.

વ્યક્તિગત, સામૂહિક કે રાષ્ટ્રીય નિહિત સ્વાર્થની પૂર્તિ માટે સશસ્ત્ર સંઘર્ષ અને યુદ્ધ કરવા અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે કહેવાતો યુદ્ધ વિરામ કરી, ફરી પંદર વીસ વર્ષે એવા જ બીજા કોઈ કારણસર વધુ હિંસક લડાઈ છેડવામાં ડહાપણ નથી એ સમજીને સમગ્ર માનવ હિતની જાળવણી માટે બીજો કોઈ ઉપાય જડે તો અપનાવવો, નહીં તો યોરગન યોહાનસન કહે છે તેમ ગાંધીજીના સત્યના પ્રયોગો અને અહિંસક ચળવળોનો ઊંડો અભ્યાસ કરી અમલમાં મુકવો એ જ એક માર્ગ આ કળિયુગમાંથી છુટકારો મેળવવાનો લાગે છે.

e.mail : 71abuch@gmail.com

Loading

– એમને આંસુ આવતાં નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 April 2026

રવીન્દ્ર પારેખ

47 વર્ષ પછી ઈરાન અને અમેરિકાની આમને સામને વાત પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલી રહી હતી ને ઇઝરાયલના નેતન્યાહૂએ એ જ જૂનો રાગ આલાપ્યો કે લેબેનોન પર હુમલાઓ ચાલુ રહેશે. લેબેનોનમાં ઇઝરાયલી હુમલાથી 2020થી વધુ મોત થયાં છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેમની સરકાર ઈરાનના આતંકી નેટવર્ક અને તેના પ્રોક્સી જૂથો વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે. એ સાથે જ નેતન્યાહૂ એમ પણ કહે છે કે તેમનો દેશ લેબેનોન સાથે કાયમી શાંતિ સમજૂતી ઇચ્છે છે. તેને માટે તેમણે બે શરતો મૂકી છે, પહેલી, હિઝ્બુલ્લાહના હથિયારો ખતમ કરવામાં આવે અને બીજી, એવી સમજૂતી થાય જે લાંબા સમય સુધી શાંતિ જાળવી રાખે.

એક તરફ અમેરિકા અને ઈરાનની મંત્રણાઓ ચાલુ હતી, ત્યાં ઈરાને લેબેનોન પર ઇઝરાયલી હુમલાઓ તાત્કાલિક અટકાવવાની માંગ કરી ને નેતન્યાહૂ એ હુમલાઓ ચાલુ રાખવાની અને શાંતિ સમજૂતીની વાત સાથે સાથે કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આ લખાય છે ત્યાં સુધી સંપૂર્ણ સમાધાનનો માર્ગ નીકળ્યો નથી. હકીકત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો કેન્દ્રમાં છે ને એ મુદ્દે મતભેદો ચાલુ જ છે. એને લીધે સમાધાન અને સંમતિ તરફ આગળ વધવાનું મુશ્કેલ બન્યું છે. ચાલુ મંત્રણાએ આ સ્થિતિ હતી, તો મંત્રણા, યંત્રણા ન બની રહે એ ચિંતા હતી.

પહેલાં રાઉન્ડની મંત્રણા શનિવારની રાત્રે પૂરી થઈ ત્યાં સુધી સમાધાન થયાનું લાગતું ન હતું, નિષ્ણાતોનું માનવું હતું કે રાતના 9.30 પછી ચાલેલાં બીજા રાઉન્ડમાં સુખદ ઉકેલ આવશે. અમેરિકી પ્રમુખ તેમના વિવાદાસ્પદ વિધાનોથી મુશ્કેલીઓ વધારી રહ્યા છે ને તેમણે તો જાહેર કરી દીધું છે કે ટૂંક સમયમાં હોર્મુઝ ખોલવામાં આવશે. હોર્મુઝ ખોલવાનું પાકું જ હોય તો સવાલ એ થાય કે મંત્રણા શેની ચાલતી હતી?

ઈરાન અને અમેરિકા વચ્ચે, પાકિસ્તાનની મધ્યસ્થીમાં બે રાઉન્ડમાં આશરે 21 કલાક સીઝફાયર મંત્રણા ચાલી, પણ તે નિષ્ફળ રહી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પ્રેસ કોન્ફરેન્સમાં જાહેર કર્યું કે અમેરિકા કોઈ પણ ડીલ વગર જ પરત ફરી રહ્યું છે. અમેરિકાની શરતો સ્પષ્ટ હતી, પરંતુ ઈરાને તેનો સ્વીકાર કર્યો નહીં. અમેરિકાએ કહ્યું કે ઈરાનને બેસ્ટ ઓફર આપી, પણ ઈરાને તે માની નહીં. એવું જ અમેરિકા માટે ઈરાન પણ કહી શકેને ! ઈરાને એ તો કહ્યુ જ કે કોઈને પણ એવી અપેક્ષા ન હતી કે અમેરિકા સાથે એક જ બેઠકમાં સમજૂતી થઈ જશે. તેની વાતચીત ચાલુ રહેશે એવી ધારણા હતી. જો કે, લોકોને એવું લાગ્યું કે તેઓ ફરી યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા છે. ઈરાની અધિકારીઓને લાગ્યું કે હવે દડો અમેરિકાના કોર્ટમાં છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે અમેરિકાનું નેતૃત્વ કર્યું, જ્યારે સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈરાનનું નેતૃત્વ કર્યું. એક તબક્કે ઈરાનનું માનવું હતું કે મંત્રણા નિષ્ફળ જાય તો તેને માટે માત્ર ઇઝરાયલને જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ ઇઝરાયલ અને અમેરિકા એકબીજા સાથે જોડાયેલાં છે, તો વાટાઘાટો નિષ્ફળ જાય તો તેને માટે અમેરિકા પણ જવાબદાર હશે. આવા ઘણા આરોપો, પ્રતિ આરોપો ચાલ્યા જ કરશે અને મંત્રણાને નામે અનેક રાજકીય હેતુઓ પાર પડશે. ઈરાને શાંતિ મંત્રણામાં ભાગ તો લીધો, પણ તેને અમેરિકા પર પહેલેથી જ ભરોસો ન હતો. એ સ્થિતિમાં મંત્રણા સફળ થવાની શક્યતાઓ નહિવત હતી. અમેરિકાએ અગાઉ એવું કર્યું છે, એટલે ઈરાનનો અવિશ્વાસ દૃઢ થઈ ગયો છે. સાચું તો એ છે કે ઇસ્લામાબાદમાં ચાલતી મંત્રણા રાજકીય હોવાની સાથોસાથ ભાવનાત્મક અને યુદ્ધનાં ઘા ઉઘાડનારી બની રહેવી જોઈતી હતી, પણ કમનસીબે તેવું થયું નથી.

અહીં મહત્ત્વનું એ છે કે ઈરાને જે ફોટો તરતો મૂક્યો છે એ આંખો ઉઘાડનારો છે. ઈરાની ડેલિગેશન વિમાનમાં બાળકોનાં ફોટા સાથે પહોંચ્યું. ઈસ્લામાબાદમાં મંત્રણાનો આરંભ થાય તે પહેલાં ઈરાનના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફેએ સોશિયલ મીડિયા પર એક હૈયું હચમચાવતી તસ્વીર શેર કરી, જેણે વિશ્વ સમસ્તનું ધ્યાન ખેંચ્યું છે. તસ્વીરમાં ફ્લાઈટની અંદર 4 બાળકોનાં ફોટા સાથે સ્કૂલ બેગ, ચંપલ રાખવામાં આવી છે. એમાં ધ્યાન ખેંચે એવી વાત એ છે કે આ વસ્તુઓ લોહીથી ભીંજાયેલી હતી, જે તે સમયના હુમલાની ભયાનકતા દર્શાવે છે. દરેક ફોટા સામે એક એક ફૂલ પણ રાખવામાં આવ્યું છે જે, ચારે બાળકને શ્રદ્ધાંજલિ અર્પે છે.

આ પોસ્ટ સાથે ગાલિબાફે લખ્યું છે કે આ તેમના ‘પ્રવાસના સાથીઓ’ છે. મતલબ કે જે નથી રહ્યા તે ઈરાની પ્રવાસના સાથીઓ છે. આ શબ્દો પીડાનો અધ્યાય રચનારા છે ને તે તરફ વિશ્વનું ધ્યાન ન ખેંચાય એવું તો બને જ કેમ? આખું વિશ્વ ભાવુક થયું. ફોટોગ્રાફમાં ગાલિબાફ ફોટો નિહાળતા શાંતિથી અશબ્દ ઊભા છે. આ નિ:શબ્દતા વાચાળ અને પીડાના પર્યાય જેવી છે. આ ઘટના 28 ફેબ્રુઆરીના યુદ્ધના પહેલાં દિવસની છે, જ્યારે એક સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં બાળકોનાં મોત થયાં હતાં. આ ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે આક્રોશપૂર્ણ પડઘા પડ્યા હતા. ઈરાનમાં એક સાથે 160 દીકરીઓને દફનાવવાનું આવ્યું. એ પળોની કલ્પના જ યુદ્ધની ભયાનકતાને ઉજાગર કરી દેનારી છે. શું વીત્યું હશે એ પળોમાં ને શું વીત્યું હશે એ પળોને તેની કલ્પના જ કરવાની રહે છે.

યુદ્ધ માત્ર ભયાવહ છે, છતાં માણસને યુદ્ધ વગર ચાલ્યું નથી. કેટલાં યુદ્ધો થયાં આ પૃથ્વી પર, પણ યુદ્ધ અટકતાં નથી. એક કાળે લોકો જંગલી ગણાતા અને એ વખતે યુદ્ધ ક્ષમ્ય પણ હતાં, પણ હવે તો ચંદ્ર સુધી પહોંચ્યા ને જંગાલિયતપણું હવે સૂટેડબૂટેડ થઈને મિસાઈલ્સ અને બોમ્બવર્ષામાં પ્રગટ થઈ રહ્યું છે. 28 ઓક્ટોબરના યુદ્ધના પહેલા જ દિવસે ઇઝરાયલે સ્કૂલ પર હુમલો કર્યો અને સ્કૂલના જ 168 લોકો માર્યા ગયા. જેમાં 160 તો ઢીંગલી જેવી નાજુક દીકરીઓ હતી, જે જગતને જાણે, સમજે તે પહેલાં જ મરી ગઈ. જીવનનો અર્થ સમજાય તે પહેલાં તો મૃત્યુને જાણી ગઈ. જેને ખબર જ ન હતી કે પોતે કયાં કારણસર મૃત્યુ પામી રહી છે ને સૌથી મોટો સવાલ તો એ કે પોતાનો વાંક શું છે? ગુના વગર પણ મૃત્યુદંડ મળ્યો એ માસૂમ દીકરીઓને ! આ શહીદી દીકરીઓએ તો વહોરી ન હતી, તો દેશને માટે મરી ગઈ કેવી રીતે? દેશને માટે મરી તો દેશને માટે જીવવાનો અધિકાર ન હતો? 160 નિર્દોષ દીકરીઓ ધરતી પર જીવે ન જીવે ત્યાં તો ધરતીમાં દબાઈ ગઈ. આ ઘા કારમો હતો, એટલે સાંસદ ગાલિબાફે ચારેક દીકરીઓના ફોટા વિમાનમાં લીધાં ને પાકિસ્તાન પહોંચ્યા. એ સૌ દીકરીઓ એટલી માસૂમ ને નિર્દોષ લાગતી હતી કે તેમને જોતાં જ આંખો ભરાઈ આવે. એ જ કારણ છે કે જેમણે પણ એ ફોટોગ્રાફ જોયો તેમની આંખો ભીની થઈ ગઈ.

ઈરાન આ રીતે નિર્દોષ દીકરીઓના ફોટા બતાવીને સહાનુભૂતિ ભલે ઉઘરાવે, પણ તેણે ઇઝરાયલના ઓછા હાલહવાલ નથી કર્યા ! ઈરાને કેટલી ય ઈમારતોને ખંડેરમાં ફેરવી છે. એમાં રહેતાં લોકોની રાખ કરી છે. એમનો વાંક એટલો જ હતો કે તેઓ ઈઝરાયલમાં રહેતા હતા. દુશ્મન દેશના હોવા માત્રથી સામાન્ય માણસોના કોલસા પડી જાય એ યોગ્ય છે? બંને યુદ્ધખોર દેશના નાગરિકો, માત્ર ત્યાં રહેતાં હોવાને લઈને મરવા પાત્ર કેવી રીતે થઈ જાય? ઘણાંને તો યુદ્ધની કે હુમલાની જાણ પણ નથી હોતી ને તે એમ જ જે તે દેશના હોવાને લઈને હુમલામાં માર્યા જાય છે, આ સત્તાધીશોને પોતાનાં બાળકો મરે છે તો બીજાને બતાવવાનું ગમે છે, પણ પોતાનાં શસ્ત્રોથી દુશ્મનના હજારો મરી જાય છે તો તેમને હરખના આંસુ આવે છે. ત્યાં જે મર્યા તે માણસો ન હતાં? પણ સત્તાધીશોને આંસુ નથી આવતા અને હુમલાખોર મિસાઈલ્સ સરનામું શોધીને ત્રાટકતી નથી. તે તો વીજળીની જેમ પડે છે ને જ્યાં પડે છે ત્યાં નિર્દોષ કે દોષીનો ભેદ કર્યા વગર સર્વનાશ જ કરે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ચાર હજારથી વધુ લોકો માર્યા ગયા છે. એ બધા જ મરવાને લાયક હતા?

એક સમયે યુદ્ધનાં નીતિનિયમો હતાં. તેમાંનો એક નિયમ હતો તે એ કે હુમલાઓ રણભૂમિમાં જ થતા. પ્રજાને તેનો ત્રાસ ન હતો, હવે મિસાઈલ્સ હુમલાઓ રહેણાંક વિસ્તારોમાં થાય છે ને એ એટલું ભયંકર છે કે જેને યુદ્ધ સાથે સીધી લેવાદેવા નથી, તે પણ તેમાં કારણ વગર હોમાય છે ને સરવાળે યુદ્ધની પ્રપ્તિ શું છે? ઢગલો આંસુ, ઢગલો પીડા ને ઢગલો રાખ. જીતે તેને કે હારે તેને આટલું તો મળે જ છે. એ અત્યંત દુ:ખદ છે કે યુદ્ધ પ્રગતિનો ઇતિહાસ ભૂંસી કાઢે છે ને ઘણી વાર તો એકડે એકથી શરૂઆત કરવી પડે છે. ઘણી વાર તો એકડે એકથી આગળ જ વધાતું નથી, કારણ શરૂઆત થાય ન થાય ત્યાં તો વળી કોઈ યુદ્ધ આવી ચડે છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઍપ્રિલ 2026

Loading

...102030...70717273...8090100...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved