જાઈએ આપ કહાં જાયેંગે
યે નઝર લૌટ કે ફિર આયેગી
દૂર તક આપકે પીછે પીછે
મેરી આવાઝ ચલી જાયેગી ..
આપકો પ્યાર મેરા યાદ જહાં આયેગા
કોઈ કાંટા વહીં દામન સે લિપટ જાયેગા ..
જબ ઊઠોગે મેરી બેતાબ નિગાહોં હી તરહ
રોક લેગી કોઈ ડાલી મેરી બાહોં કી તરહ ..
દેખિયે ચૈન મિલેગા ન કહીં દિલ કે સિવા
આપકા કોઈ નહીં કોઈ નહીં દિલ કે સિવા ..

આશા ભોસલે
સ્વરસામ્રાજ્ઞી આશા ભોસલેની ચિરવિદાયથી આપણને ફરી એક વાર પ્રતીતિ થઈ કે સાચા કલાકારનું પ્રદાન કાલજયી હોય છે. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સે’ એમને અંજલિ આપતાં ‘હર ડિસ્ટિંક્ટિવ એન્ડ એડવેન્ચરસ વૉઇસ વૉઝ ધ સાઉન્ડટ્રેક ફૉર જનરેશન્સ’ અને ‘વન ઑફ ધ મોસ્ટ રેકોર્ડેડ વૉઇસીસ ઇન મોડર્ન ઇંડિયન મ્યુઝિક’ આવા શબ્દો વાપર્યા છે. આપણા અખબારો અને માધ્યમોએ પણ યોગ્ય અંજલિ આપી છે. ભારતીય ભક્તિસંગીતથી માંડી વેસ્ટર્ન પોપ મ્યુઝિક સુધીની આશાજીની રેન્જ અદ્વિતીય હતી. ઓ.પી. નય્યર અને આર.ડી. બર્મને એમના ‘હસ્કી વૉઇસ’ને ગજબનું પરિમાણ આપ્યું હતું.
આશાજીને યાદ કરતાં જે યાદ આવી જ જાય એવાં એક અવિસ્મરણીય સદાબહાર મસ્તીભર્યા ગીત ‘જાઈએ આપ કહાં જાયેંગે’ને આજે માણીએ. ફિલ્મ ‘મેરે સનમ’, ગીતકાર મજરૂહ સુલતાનપુરી, સંગીતકાર ઓ.પી. નય્યર, નિર્માતા જી.પી. સિપ્પી, દિગ્દર્શક અમરકુમાર. ફિલ્મમાં નવ ગીત હતાં, જેમાં ‘પુકારતા ચલા હૂં મૈં’ અને ‘જાઈએ આપ કહાં જાયેંગે’ સૌથી વધારે સમય લોકોને ગમતા રહ્યાં.
અમુક ગીત એવાં હોય છે જે પોતે પોતાનામાં પૂર્ણ હોય છે. ‘મેરે સનમ’માં અને આશા પારેખ પર આ ગીત બેશક ખૂબ જામતું હતું; પણ એને કોઈ પણ ફિલ્મમાં મૂક્યું હોત, કોઈ પણ અભિનેત્રી પર ફિલ્માવ્યું હોત, એ આપણને એટલું જ સ્પર્શી જાત. એનું કારણ એનું સાદું સુંદર કવિત્વ છે, સંગીત છે, તાજગી છે, ઉલ્લાસ અને રોમાન્સ છે. આ ગીતમાં ત્રણ અંતરા છે, શરૂઆતમાં મહંમદ રફીના અને ગીત દરમ્યાન આશાજીના આલાપ છે. શરૂઆતના આલાપ બાદ કરતાં પણ ગીત સાડા છ મિનિટ લાંબું થયું એટલે એક તબક્કે તેને ફિલ્મમાંથી બાદ કરવાનો વિચાર પણ નિર્માતાને આવી ગયો હતો, પછી ‘જોઈશું, હમણાં તો એમ જ રિલિઝ કરીએ’ એવાં વિચારથી ગીત સાથે જ ફિલ્મ રિલિઝ થઈ. જો આ ગીત કાઢી નાખ્યું હોત તો ફિલ્મમાં ન પુરાય એવું ગાબડું રહી ગયું હોત. ગીત ચંચળ અને ભાવપૂર્ણ એવાં પીલુ રાગ પર આધારિત છે. કોમળ ગ, કોમળ ધ અને કોમળ અને શુદ્ધ બંને ની – આ સ્વરોથી પીલુ રાગની પકડ બને છે. મઝા એ છે કે એમાં ‘ચૂરા લિયા હૈ’ જેવું રોમેન્ટિક ગીત પણ બને અને ‘ન જાઓ સૈયાં’ જેવું વેદનાપૂર્ણ પણ. આ ગીતમાં પીલુના આલાપ સાથે ગિટારનો પ્રિલ્યુડ ભળતાં ગીત ખૂબ મધુર, રોમેન્ટિક અને મસ્તીભર્યું બન્યું છે. ‘પુકારતા ચલા હૂં મૈં’માં ઓ.પી.એ આ જ રીતે રાગ કિરવાણીના સ્વરોને લડાવ્યા છે.
૧૯૬૫માં આવેલી ‘મેરે સનમ’ ભારત-પાક યુદ્ધના થોડા સમય પહેલા જ કાશ્મીરના સુંદર લોકેશન પર ફિલ્માવાઈ હતી. રોમેન્ટિક-સંગીતમય ફિલ્મની શરૂઆત કેરટેકર પ્રાણ બિશ્વજિતના બંગલાને રિસોર્ટમાં ફેરવી નાખે છે, એ ૧૯૬૧ની ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ જેવી છે. પછી ધીરે ધીરે ‘મેરે સનમ’ એ દાયકાની એ ઠીકઠાક હિંદી ફિલ્મો જેવું રૂપ ધારણ કરે છે, જે આછીપાતળી વાર્તારેખા, સુંદર લોકેશન, દેખાવડા સુસજ્જ કલાકારો અને કર્ણપ્રિય સંગીતના સથવારે બૉક્સ ઑફિસ પર સફળ થાય, ને ભલે મહાન કહેવાય એવું ખાસ કશું ન આપે પણ સ્વચ્છ મનોરંજન જરૂર પીરસે. અહીં કાશ્મીર ફરવા આવેલી નાયિકા (આશા પારેખ) સાથે રિસોર્ટના માલિક કુમાર(બિશ્વજિત)ની ચડભડ, ત્યાર પછી સંગીતમય રોમાન્સ, સમયાંતરે એક વિલન (પ્રાણ) અને એક વેમ્પ(મુમતાઝ)નાં કાવતરાં, એક કોમેડિયન (રાજેન્દ્રનાથ), એક ખૂન, થોડા અટપટા વળાંક – ટૂંકમાં મનોરંજનના બધા રસ સંયોજાયા છે. ઉપર ઉલ્લેખ કર્યો એ સિવાય ‘હમદમ મેરે માન ભી જાઓ’, ટુકડે હૈં મેરે દિલ કે’ ‘યે હૈ રેશમી ઝુલ્ફોં કા અંધેરા’, ‘રોકા કઈ બાર મૈંને દિલ કી ઉમંગ કો’ પણ હિટલિસ્ટમાં મુકાય એવાં ગીતો છે.
આશા ભોસલે એટલે સંગીતવિશ્વનું ઉત્તુંગ વ્યક્તિત્વ. પ્રસન્ન હસતો ચહેરો, સુઘડ આકર્ષક વસ્ત્રાભૂષણ, સહજ સ્નેહાળ વર્તાવ અને ખાસ તો પ્રતિકૂળ પરિસ્થિતિને માત આપવાની તાકાત એ એમની અંગત વિશેષતાઓ. જીવનના દરેક તબક્કે તોફાનો-સંઘર્ષો આવ્યાં પણ તેઓ જિદ સાથે, ઊર્જા સાથે એમાંથી બહાર નીકળ્યાં. એમની ગાયકીમાં એક ખાસ અંદાઝ-એ-બયાં હતો, જે ન હોય તો ગમે તેવા સુંદર શબ્દો અને સંગીત અધૂરાં રહી જાય. ભક્તિ, રોમાન્સ, શૃંગાર, રમતિયાળપણું, પીડા બધું એમના કંઠમાં સહજપણે સાકાર થતું આવે. ઉત્ફૂલ્લ, પ્રફુલ્લ, ચિરતરુણ કંઠ. નેવુંમા વર્ષે લેવાયેલા એક ઇન્ટરવ્યૂમાં આશાજીએ કહેલું, ‘હજુ ઘણું કરવાનું છે – આઈ એમ ફાર ફ્રોમ ડન, સો મચ ટુ લર્ન’ ૨૦૨૬માં એમણે છેલ્લું ગીત એક બ્રિટિશ બેન્ડ સાથે રેકોર્ડ કર્યું. ૧૯૪૩માં પહેલું ગીત ગાયું હતું એ ગણીએ તો કારકિર્દીનો વ્યાપ આઠ દાયકા જેટલો થયો. પહેલો મોટો પડકાર લગ્નજીવનનો આવ્યો. જિંદગીના તેર વર્ષ એમાં ગયાં – ‘પણ મને સંતાનો મળ્યાં’ તેઓ કહે છે. મોટી બહેન લતા મંગેશકર બીજો મોટો પડકાર – ‘દીદીના એકચક્રી સામ્રાજ્યમાં પગ મૂકવો પણ મુશ્કેલ. એ તો હું જિદ્દી હતી એટલે ટકી ગઈ. જો કે સ્પર્ધા દીદી તરફથી હતી. તે સફળતાના શિખરે હતી. મારી વધતી લોકપ્રિયતા તેને ખટકે તો ખરી ને.’ અને ગાલમાં ગલ પાડતું હાસ્ય. ‘સાઝ’ ફિલ્મમાં આ બંને બહેનોની કહાણી થોડા કલ્પનાના રંગો સાથે સુંદર રીતે બતાવાઈ છે.
ઓ.પી.-આશાની જોડીનું અંગત અને વ્યાવસાયિક વિશ્વ અદ્દભુત હતું. વાસ્તવિક વિશ્વમાં અદ્દભુત બાબતો બહુ ટકતી નથી, પણ આપણી પાસે છૂટાછવાયા રંગીન અને સંગીન તણખાઓ જરૂર છે. એ બંનેનું છેલ્લું ગીત ‘ચૈન સે હમકો કભી’ ફિલ્મમાં સામેલ ન થવા છતાં ઍવોર્ડવિજેતા બન્યું હતું, પણ ત્યારે બંને વચ્ચે તિરાડ પડી ચૂકી હતી. આશાજી ઍવોર્ડ લેવા આવ્યાં નહીં, ઓ.પી.એ ઍવોર્ડ લીધો અને દરિયામાં ફેંકી દીધો. ત્યાર પછી ઓ.પી. ઊભા થઈ શક્યા નહીં, જ્યારે આર.ડી. બર્મનના આગમન સાથે આશાજીનાં જીવન અને કારકિર્દીમાં નવો વળાંક આવ્યો. આ બંને સાથે ગુલઝારના સંયોજને આપણને ઉત્તમ ગીતો આપ્યાં છે. પદ્મવિભૂષણ, માનદ્દ ડૉક્ટરેટ્સ અને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ સહિત અનેક સન્માનો મેળવી ચૂકેલાં આશાજીએ એક તબક્કે ઍવોર્ડ લેવાના બંધ કરી દીધા હતા.
‘માના કિ અંધેરોં કે ગહરે હૈં બહોત સાયે, પર ગમ હૈ યહાં કિસકો આતી હૈ તો રાત આયે, હમ રાત કે સીને મેં એક શમ્મા જલા દેંગે’ મજરૂહ સુલતાનપુરીના આ શબ્દો આશાજીને લાગુ નથી પડતા? અને આ પણ, ‘દર્દ ભી હમેં કુબૂલ, ચૈન દર્દ ભી હમેં કુબૂલ, હમને હર તરહ કે ફૂલ હાર મેં પિરો લિયે’ પણ ખરું રહસ્ય તો આ પંક્તિઓમાં છે, ‘મંઝિલ તો મિલ હી જાયેગી ભટકતે હી સહી, ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલતે હી નહીં’ આશાજીએ પણ એમની મંઝિલો પૂરા દામ ચૂકવીને જ મેળવી છે. જાઈએ, આશાજી, આપ કહાં જાયેંગે – આપકો હમારા પ્યાર યાદ આયેગા ઔર હમ – હમ આપકી આવાઝ કે સાથ દૂર તક ચલે જાયેંગે. અલવિદા …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 17 ઍપ્રિલ 2026
![]()

