[શનિવાર, 04 ઍપ્રિલ 2026ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના નેજા હેઠળ, મેં વક્તવ્ય, ટેવ મુજબ ફક્ત મુદ્દાઓને આધારે, આપેલું એટલે લેખરૂપે નથી; પણ એક તાજેતરના સંપાદનમાં (પારુલ કંદર્પ દેસાઈ, zedcad Publication) લગભગ આ તમામ માહિતીઓ આવરી લેવાઈ છે એવો આ લેખ અહીં સાદર છે. સંકલિત પુસ્તકમાં આ લેખ પ્રકાશિત થઈ ચૂક્યો છે.]

ખેવના દેસાઈ
મુંબઈની કોઈ વ્યસ્ત સવારે, આશરે આઠ-સાડા આઠે તમારો ફોન રણકે અને સામે છેડે કોઈ એકદમ શાંતિથી એવું કહે કે ”જો ખેવના! ચિડાતી નહીં, પણ એક તોફાન સૂઝ્યું છે” તો એ બીજું કોઈ નહીઁ પણ જીવનના નવમાં દાયકામાં, બાળકોને શરમાવે એવા નીતનવા તોફાન કરનાર ધીરુબહેન પટેલ જ હોય. આપણે તો હવે એમની સૌથી નાની મિત્ર તરીકે ચિડાઈએ તો શું એટલે આમ તો એમની ચિંતા કરવાની પણ આપણી વઢ કે ચિંતાને ગાંઠે એ બીજાં, ધીરુબહેન તો નહીં જ.
લબ્ધપ્રતિષ્ઠિત હોવાં છતાં નામ આગળ વ્હાલાં જ લખવાનું મન થાય એવાં સર્જક ધીરુબહેન પટેલ વિષે આખું પુસ્તક લખી શકાય. એમની સર્જક પ્રતિભા વિષે તો આ આખો અંક બોલશે. અને અંગત સ્મરણ ગઠરિયા ખોલીશ તો ક્યાંક લાગણીનાં પૂરમાં તણાઇ જઈશ એવી બીક લાગે છે. ધીરુબહેનના ચાહકો (ને બધાંને એમ લાગે કે ધીરુબહેનને હું વધુ વ્હાલી/વહાલો) ભલે એમ કહેતાં હોય કે અમે નસીબદાર કે એ સદીમાં શ્વસયાં જે સદીમાં આવાં સજ્જ સર્જક જન્મ્યાં, પણ હું તો એક ડગલું આગળ જઈને કહું કે હું થોડી વધુ નસીબદાર કે એક જ પરામાં જન્મી અને પાંચસો મીટર જ દૂર અમારાં ઘર એટલે સત્સંગ થોડો વધુ ઘેરો. પણ એ બધી વાતો અહિયાં નથી માંડતી. લાંબી અને વેવલી બંને થઈ જશે. અને ધીરુબહેન માટે તો એ બંને નિષેધ.
પણ મારે તો પેલા અગણિત તોફાનો વિષે વાત કરવી છે જેના થકી આપણી ભાષા, આપણી નવી કલમો, આપણી ત્રણ પેઢીઓ, આપણાં સિનેમા-નાટકો-બાળ ફિલ્મો – બાળ સાહિત્યનો ઇતિહાસ અને કેટલાં ય મનનાં અંધારાં ખૂણા ઉજળા થયા છે. ધીરુબહેનનો મૂળે જીવ અધીરો, સ્વભાવ બાળસહજ જિજ્ઞાસુ અને થોડો જિદ્દી, મગજ અત્યંત ફળદ્રૂપ, અભિગમ આશાવાદી અને હ્રદય સંવેદનાથી છલકાતું. એટલે જાતજાતનાં સર્જનાત્મક અને પ્રયોગાત્મક વિચારો આવે, યોજનાઓ ઘડાય, મક્કમ ગતિએ યોજના સાકાર કરવાની દિશામાં મંડી પડે અને એ પ્રકલ્પ જેવો સુખરૂપ પાર પડે એટલે એ રાતે નવો તુક્કો આવ્યો જ હોય.
ધીરુબહેનના બાળપણના, જરા ય બાલિશ ન કહેવાય એવા અસંખ્ય ઠાવકા તોફાનો વિષે તો એમણે અવારનવાર જાહેર મંચ પરથી કે મુલાકતોમાં વાતો કરી છે. પણ અહીં મારો હેતુ એમની એવી ‘ઈત્તર પ્રવૃત્તિઓ’ વિષે વાત કરવાનો છે જે સાકર સ્વરૂપે કદાચ જગજાહેર હશે પણ એ પાછળની આખી પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ હતી. કે પછી કેટલીક એવી પ્રવૃત્તિઓ જેના વિષે આપણે ખાસ જાણતાં પણ નથી. હવે તો લગભગ સાતેક વર્ષથી અમદાવાદવાસી કહી શકાય એવાં ધીરુબહેનને એક દશેરાની બપોરે મળવા ગઈ. શહેર આખું તો ફાફડા જલેબીના ઘેનમાં વામકુક્ષિ માણી રહ્યું હતું પણ ધીરુબહેને તો અનેક જાણી-અજાણી વાતો થકી લગભગ અડધી સદી જેવો અતીતનો સમય જગાડી દીધો.
વિકિપીડિયાના પાનાં જેવુ દસ્તાવેજીકરણ કરવું ફાવતું નથી અને ધીરુબહેનને એવું ગમે નહીં. બસ થોડો પરિચય એમનાં નોખા વ્યક્તિત્વ વિષે. આપણે ત્યાં સવાયા ગુજરાતીઓ ખાસ્સા પ્રચલિત છે. પણ ધીરુબહેન કઇંક ગજબનાં ભાષા પ્રવીણ કહેવાય. તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઈના હાથે હિન્દીમાં ગોલ્ડ મેડલ મેળવેલ, અંગ્રેજીના પ્રાધ્યાપક અને ગુજરાતી સાહિત્યકાર. મરાઠી અને સંસ્કૃત પર સારી એવી હથોટી. અંગ્રેજીના અધ્યાપક થયાં પછી બાર વર્ષ મુંબઈની ભવન્સ કોલેજમાં ભણાવ્યું. પણ એક દિવસ વિદ્યાર્થીઓનો સાહિત્ય ભણવામાં ઓછો થતો રસ જોઈને એકઝાટકે નોકરી ત્યજી દીધી. એક રીતે સારું જ થયું કહેવાય નહીં? જો કે આમ તો કેટલાં ય વિદ્યાર્થીઓ અંગ્રેજીના એક સારા શિક્ષકથી વંચિત રહ્યાં પણ એમ ન થયું હોત તો આપણને, ગુજરાતી સાહિત્યને એમની અસંખ્ય ઈત્તર પ્રવૃત્તિનો લાભ ક્યાંથી મળત!
ના હોં, હું નારીવાદી નથી

ધીરુબહેન પટેલ
બહેનોની ત્રણ નવી સંસ્થાનું સર્જન, અનેક બીજી સંસ્થાઓને પ્રોત્સાહન, બે સામયિક, બહેનોને લખતી કરવા અનેક સ્પર્ધાઓ, શિબિરો, બહેનો દ્વાર લખાયેલ પુસ્તકો માટેનો સ્મારક-નિધિ, મોકળા મને વાત કરી શકે એવો ઓટલો, રડી શકે એવો ખોળો અને જીવનના ઉબડ ખાબડ તબક્કે ઝાલી શકાય એવો હાથ – આ બધી પ્રવૃત્તિઓનાં પ્રણેતા કે સરનામું બનનાર એક જ વ્યક્તિ હોય એને તમે નારીવાદી ન કહો? ચાલો સારું ન કહીએ તો શું કહીએ – નારીસંવેદનવાદી? ધીરુબહેનનાં સર્જનમાં નારી કેન્દ્રમાં છે કે નહીં કે એમનો અભિગમ સુધારાવાદી કે માનવતાવાદી છે કે નહીં એવાં બીબાં બાજુ પર મૂકી દઈને એમની આજ સુધીની લખ્યા સિવાયની પ્રવૃત્તિઓ, પ્રકલ્પો અને ચેતનાના કેન્દ્રમાં નારીસંવેદન જ રહ્યું છે એટલું તો સાબિત કરી જ શકીએ.
શરૂઆત ક્યાંથી કરવી એવી અવઢવ વચ્ચે પણ એક ‘સુધા’મય વિચારથી જ શરૂ કરીએ. ૧૯૬૦ -૬૧ આસપાસ ભવન્સની નોકરી છોડ્યાં પછી ધીરુબહેને પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ પગારદાર નોકરી નહીં કરું. ૧૯૬૫ની આસપાસ, મુંબઈના માંધાતા અને જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી શાંતિલાલ શાહ ધીરુબહેનને ઘેર સાન્તાક્રુઝ એક પ્રસ્તાવ લઈને આવ્યા. જન્મભૂમિના જ નેજા હેઠળ એક આઠવાડિક શરૂ કરવાનો પ્રસ્તાવ અને એમની ઇચ્છા કે તંત્રી બને ધીરુબહેન. હવે એકપણ નોકરી ન કરવાની પ્રતિજ્ઞા લઈને બેસનાર ધીરુબહેન એમ શાનાં હા પાડે.? એક વાર નહીં બે વાર નહીં, પૂરા આઠ વાર શાંતિલાલભાઈ પ્રસ્તાવ લઈને સાન્તાક્રુઝ હંસરાજવાડીમાં ધીરુબહેન અને એમનાં બા ગંગાબહેનને વિનંતી કરવા આવેલા. આખરે બાએ ખૂબ સમજાવ્યાં એટલે ધીરુબહેન માન્યાં તો ખરાં, પણ પોતાની પ્રતિજ્ઞાને આધીન એટલે શરત મૂકી “તંત્રી થઈશ પણ એક પણ પાઇ લીધા વગર” અને એ રીતે શરૂ થઈ “સુધા’ની યાત્રા. આ અઠવાડિક બહેનો માટે ખરું પણ બહેનો દ્વારા જ લખાયેલું કે બહેનોને રસ પડે એવાં જ વિષયો માટેનું નહોતું. ધીરુબહેનની કુનેહ, સાહિત્યિક સૂઝ અને ફળદ્રુપ ભેજાને પ્રતાપે આ સામાયિકને મળી કેવી કલમો અને કોલમો!! કાકાસાહેબ કાલેલકર જેવા અત્યંત પ્રખ્યાત અને વિદ્વાન પાસે લખાવી આખી શ્રેણી સ્મશાનો વિષે-“જ્યાં દરેકને પહોંચવાનું છે”. એક સમયે કોન્ટ્રાક્ટ પર પત્રકારો રાખતા મુંબઈ સમાચારની શરત કે એમણે ત્યાં લખનારે ક્યાં ય બીજે ન લખવું. પણ સુધાની મહેક એવી કે રસિક ઝવેરી જેવી કસાયેલી કલમ, મુંબઈ સમાચારની નોકરી છોડીને સુધામાં જોડાયા.
એક વખત લાભુબહેન મહેતાએ ધીરુબહેનને ઓરડામાં પૂરીને કહેલું “વાર્તા લખાય પછી જ બહાર નીકળજે”. તંત્રી તરીકે ધીરુબહેન પણ આવાં જ ‘ટાસ્ક માસ્ટર’. ઓરડે તો નહોતાં પૂર્યા કોઈને પણ આપણી અત્યંત લોકપ્રિય અને સિદ્ધહસ્ત કલમો – બહેનો – વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા પાસે શરૂઆતનાં વર્ષોમાં વાર્તા/લેખોની આવી જ ‘પઠાણી’ ઉઘરાણી કરતાં ધીરુબહેન ‘સુધા’ માટે. આજે પણ ધીરૂબહેનની એ ઉઘરાણીનાં ઋણી છે એ બંને બહેનો. અવારનવાર વર્ષાબહેન પાસેથી સાંભળવા મળે કે એ વર્ષોમાં ધીરુબહેને અમારી કલમ ઘડી. ટાસ્ક માસ્ટર ધીરુબહેન પાછા નારી તરીકે અન્ય નારીઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ. એટલે સુહાસબહેન ઓઝા ઘરની અનેક જવાબદારીઓ સાથે લખતાં ત્યારે એમને માટે ઘણી વાર સમયમર્યાદામાં છૂટછાટ આપતાં ધીરુબહેન. “બહેનો બિચારી ઘરનાં કામો અને નાનાં બાળકો સાથે લખવા બેસતી હોય ત્યારે આપણે પણ થોડી છૂટ આપવી જોઈએ”. પાછાં પોતે જ ઉમેરે “જો દરેક સ્ત્રી દેવી નથી હતી અને બધાં પુરુષો devil નથી હોતા, પણ આપણે સ્ત્રીઓને સરખું પ્લેટફોર્મ તો આપવું જ જોઈએ”.
૧૯૬૬-૬૭ના અરસામાં, વિદુષી નીરાબહેન દેસાઈના પરિચય થકી સુધા સાથે જોડાયાં વંદના મહેતા. અને એ પછી થોડાં જ સમયમાં ‘સુધા’ સાથે જોડાયા વંદનાબહેનના પતિ અને આપણા સજ્જ અને વિદ્વાન લેખક-સંપાદક-અભ્યાસુ સંશોધક દીપક મહેતા. ધીરુબહેનને મુંબઈ અત્યંત વ્હાલું અને દીપકભાઈના અભ્યાસી જીવડા માટે આ શહેર રસનો વિષય એટલે એમ નક્કી થયું કે મુંબઈની જાણી-અજાણી વાતો વિષે ‘સુધામાં’ એક શ્રેણી કરવી. નામ વિષે થોડી ચર્ચા થઈ. ખાસ કશું જામ્યું નહીં એટલે ધીરુબહેને કહ્યું “એક હપ્તો તો લખો, નામ જડી જશે”. આટલી વાત કરીને દીપકભાઈ ‘સુધાની’ ઓફિસેથી નીકળ્યા અને લાગલું જ ધીરુબહેને કહેણ મોકલ્યું, પાછા ફરો. દીપકભાઈ હજુ ધીરુબહેનની કેબિનને દરવાજે જ પહોંચ્યા અને ધીરુબહેને મોટેથી કહ્યું “સાત ટાપુનું સોનેરી શહેર’, ચાલો આવજો” આ જ અંદાજ ધીરુબહેનનો આજે ૯૫ વર્ષે પણ ફોનમાં, કશુંક યાદ આવે એટલે એટલું કહીને આવજો કહી ફોન મૂકી દે. અને આપણે આ રોકેટની ઝડપે ઘટેલી ઘટના વિષે બઘવાઈને વિચાર્યા કરીએ.
લાગલગાટ અગિયાર વર્ષ એક પણ પાઇ લીધા વગર દર અઠવાડિયે વાંચનક્ષમ, ગુણવત્તાસભર સામયિક કાઢ્યું. નવાઈની વાત છે કે પોતાનું જ મેગેઝીન હતું ત્યારે પણ અને એ પછી પણ પોતે ક્યારે ય કૉલમ લેખન ન કર્યું, મન થાય ત્યારે જ અને એવું જ લખ્યું. ‘સુધા’ હેઠળ નવી કલમો જન્મી, ઘડાઈ, કસાયેલી કલમોને નવા પડકાર આપ્યા અને અસંખ્ય બહેનોને લખતી કરી, વાંચતી કરી, વિચારતી કરી. સુધાનો નિયમ હતો ફૂડ, ફેશન. ફિલ્મ અને ફિગર વિષે વાતો નહીં. કોઈ કાઉન્સેલિંગ કે agony આંટની કૉલમ નહીં. અને તે છતાં ય ફેમિના જેવાં માતબર અંગ્રેજી મેગેઝીન સામે ‘સુધા’ વર્ષો સુધી બ્રાન્ડ બની ઊભું રહ્યું.
સુધાની યાત્રા અટકી અને જાણે એનું જ એક્સટેન્શન થઈને આવ્યું હોય એવું થોડાં વર્ષોમાં ‘લેખિની’ આકાર લઈ રહ્યું હતું. અલબત્ત ‘લેખિની’ એ વખતે ફક્ત બહેનોને વાંચતી કે લખતી કરવાનું ગ્રુપ હતું સામયિક નહીં. ધીરુબહેનને વર્ષો સુધી છેક આજે પણ એક ચિંતા સતત રહી કે “બહેનો મન થાય ત્યારે મળીને વાંચી-લખી નથી શકતી, વિચારો, આઇડિયા બીજાં સાથે વહેંચી નથી શકતી, નિયમિત મેળાવડા નથી કરી શકતી. તો એવું કઇંક કરીએ જેથી એ લોકો નિયમિત મળે, લખે નહીં તો કાંઇ વાંધો નહીં, વાંચે વિચારે તો ઘણું”. અને જન્મ થયો ‘લેખિની’નો. પાંચ બહેનો સાથે આ ‘લેખિની’નો પાયો મંડાયેલો.. મીનળ દીક્ષિત, જ્યોત્સનાબહેન મહેતા, ઉષા મહેતા જેવી વિદુષી અને સમ-સંવેદન ઝીલતી બહેનો સાથે ઉષાબહેન મહેતાની અગાશી પર શરૂ થઈ યાત્રા. કેન્દ્રમાં એક જ વિચાર કોઈ ગુરુ નહીં, કોઈ ગોડ ફાધર નહીં. ગોડ મધર પણ નહીં. બસ બહેનોની લેખિની ચાલે.
શરૂઆતમાં કેવા વિષય અપાય લખવા માટે? અશ્વિન મહેતા જેવા ધુરંધર ફોટોગ્રાફરનો ફોટો જોઈને શું સૂઝે છે – એ લખો. ધીરુબહેન માને છે કે બધાંમાં એક તણખો તો હોય પછી લખાય, સતત જાગૃતિ લાવવી પડે. ત્યારે ‘લેખિની’ એક સંસ્થા માત્ર હતી. મેગેઝીન કાઢવાની તો ધીરુબહેને ચોખ્ખી ના જ પાડેલી. એક જ પ્રશ્ન કે કોઈ ગોડફાધર વગર સામયિક કાઢવાના પૈસા ક્યાંથી લાવશો? જો કે મીનળબહેન દીક્ષિતે હિંમત કરી પહેલ કરી અને આજે સળંગ ૮૮ અંક સાથે ‘લેખિની’ બહેનોનાં ‘સર્જનનો બુલંદ સૂર’ બની પ્રકાશિત થાય છે. સામયિક સાથે સીધી રીતે તો ધીરુબહેન ન જોડાયાં પણ એમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું. આદ્યતંત્રી મીનળ દીક્ષિતથી લઈને આજના તંત્રી પ્રીતિ જરીવાળા સુધી સૌને. લેખિની સંસ્થા માટે ધીરુબહેન એક એવું વટ વૃક્ષ છે જેને છાંયડે નવી કલમો પાંગરતી રહે છે. આ બહેનોને સતત ધબકતી રાખવા માટે ધીરુબહેન નાટક લખી આપે. શિબિરો ગોઠવી આપે, નવા નવા ટાસ્ક શોધી કાઢે અને સારી કૃતિને બિરદાવવા ઇનામો પણ જાહેર કરે. આજે મુંબઈની સ્ત્રી-સર્જકોમાં દર ત્રીજી ‘લેખિની’ની સભ્ય હશે એમ કહેવું જરા ય અતિશયોક્તિ નથી.
લગભગ ૨૦૧૫ની આસપાસ સંજોગોએ નવ દાયકા સુધી મુંબઈવાસી ધીરુબહેનને અમદાવાદવાસી બનાવ્યાં. એટલે અમને તો એમ કે મુંબઈની ધમધમતી સાહિત્યપ્રવૃત્તિ પછી ત્યાં જઈને ધીરુબહેન કંટાળશે. પણ આ અધીરા જીવને ધરપત ક્યાંથી હોય! જોડાઈ ગયાં વિશ્વકોશના વિશ્વમાં. પણ પેલો નારીસંવેદનવાદ તો સળવળતો જ રહ્યો. એટલે શરૂ કર્યું વિશ્વા. લેખિનીની ભગિની ગણો તો ય ચાલે એવી સંસ્થા અને ત્યાંય શરૂ કરી જાતજાતની લેખન-કસરતો. સ્વરચિત ગરબાથી લઈને એકોક્તિ અને નાટકો સુધી બહેનોને આપ્યા કર્યું લેસન. હજુ ય આપે છે. મૂળે તો માસ્તરનો જીવ ને!
ઘરની અને ખાસ તો રસોઈની પળોજણ બહેનોનાં લખવામાં-વિચારવામાં મોટો અવરોધ ઊભો કરે છે એ દૃઢપણે માનતા ધીરુબહેન આ વ્યથાનેને ‘કિચન પોયમ્સ’માં વણી લઈને અટકી ન જાય. She is a woman of action and not just words. શું કરીએ તો બહેનો આ પળોજણમાંથી બે ચાર દિવસ છટકી શકે? સર્જન-શિબિર. મોટે ભાગે આપણી શિબિર વિશેની પરિભાષા એટલે એક બે તજજ્ઞો આવીને બે ચાર દિવસ કશુંક શીખવે, ભાષણ આપે અને બહુ બહુ તો થોડું ઘરકામ આપે. પણ આ તો ધીરુબહેન, ગુરુઓ અને ભાષણોના સખત વિરોધી એટલે શિબિરમાં બસ બહેનો મળે, સાથે લખે, વાંચે, વિચારે અને કશું ન કરવું હોય તો બીજાને સાંભળે કે એથી વિશેષ બસ પોતાની જાત સાથે સંવાદ સાધે કારણ કે સર્જક કર્મનું આ પહેલું અને મહત્ત્વનું પગથિયું. અત્યાર સુધીમાં ધીરુબહેને યોજેલી અસંખ્ય નાની મોટી નાટ્યલેખન કે વાર્તાલેખનની શિબિરો વચ્ચે ત્રણ મોટી અને મુખ્ય શિબિર તે માતર, લોનાવાલા અને તિથલ. ફક્ત બહેનો માટે જ, એકે ય જાણીતી કલમ નહીં અને દરેક વખતે નવી કલમોને તક આપવાનો પ્રયત્ન.
બહેનો શ્રેષ્ઠ લખે અને એ લખાણને યોગ્ય રીતે બિરદાવાય એટલે વર્ષોનાં અંગત સખી અને કૌટુંબિક મિત્ર એવાં એનીબહેન સરૈયાના સ્મરણાર્થે ૨૦૦૪માં શરૂ કર્યું લેખિકા પ્રોત્સાહન નિધિ. ત્યારે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતાં. એનીબહેનના ડૉક્ટર પતિ ચંદ્રકાંતભાઈ પાસેથી ફંડ લેતાં આપ્યું હતું એક વચન કે એકે પૈસો વેડફીશ નહીં અને પાઇ પાઇ બહેનોનાં સાહિત્ય માટે જ ખર્ચાશે. છંદોબદ્ધ કાવ્યોથી લઈને નવલકથા, નાટકો, કિશોર સાહિત્ય, બાળ-સાહિત્ય જેવાં અનેક પ્રકારોમાં બહેનો લખે, ગુણવત્તાસભર લખે અને એ પ્રકાશિત પણ થાય એવો સતત પ્રયત્ન ધીરુબહેને આ નિધિ અંતર્ગત કર્યો.
બહેનો જેવી જ ખેવના બાળ સાહિત્યની. વર્ષો પહેલાં ધીરુબહેને શરૂ કરેલું બાળકો માટેનું પુસ્તકાલય – સુમન બાળ પુસ્તકાલય અને એમાં ફક્ત બાળકો જ નહીં બધી ઉંમરના સભ્યો બની શકતાં. બાળ સાહિત્યમાં પ્રચૂર પ્રદાન કરનાર ધીરુબહેને પોતે જ લખ્યું એવું નહીં. બાળકો માટે, કિશોર સાહિત્ય માટે ડોનેશન આપ્યું. પાંચ પુસ્તકો તૈયાર કરાવ્યાં. બાલ નાટકોનો સ્પર્ધાઓ કરી. શિબિરો કરી. ગુજરાતીમાં ખૂબ ઓછું લખાતું કિશોર સાહિત્ય પણ તૈયાર કરાવ્યું. બિલકુલ બોધનાં બોઝ વગર નખશિખ બાળ સાહિત્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ધીરુબહેનનું લખાણ ક્યાંથી આવે છે એ સમજવું હોય તો તમારે ધીરુબહેનને બાળકો સાથે કુતૂહલથી વાત કરવા જોવાં પડે. “It is then difficult to decide who is naughtier or more mischievous than the other!”
બાપજી! તમે કઈ ભાષામાં લખો છો?
ધીરુબહેનને મા અને માતૃભૂમિ જેટલી જ વ્હાલી છે માતૃભાષા. શાળામાં રામપ્રસાદ બક્ષી જેવા પ્રખર ભાષાવિદ્દ સાંપડ્યા હોય અને હરિવલ્લભ ભાયાણી કે ભૃગુરએ અંજારિયા જેવા વિદ્વાનોની સંગત મળી હોય એમને ગુજરાતી વ્હાલી ન હોય તો જ નવાઈ. પણ એમનો ભાષાપ્રેમ હાજેરમાં અપાતાં ભાષણો કે પોતાનાં લખાણ પૂરતો સીમિત નહોતો જ. અલબત્ત અંગ્રેજી, મરાઠી કે હિંદીની પ્રવીણતાને લીધે જે તે ભાષાનું નવનીત ગ્રહી શકતાં, પણ ગુજરાતી ભાષાના ભાવિ વિષે સજાગ, ચિંતિત અને પ્રયત્નશીલ. ભાષાશુદ્ધિની અનેક શિબિરો કરવી એક વાત છે અને આ શિબિર માટે સરળ જોડણી શીખવાડવા રાતોરાત પ્રલંબ કાવ્ય રચી આપવું એ બીજી. અને ધીરુબહેન જ આ બંને ઉત્તમ રીતે કરી શકે. કર્યું છે.
ગુજરાતી – અંગ્રેજીની ડિજિટલ ડિક્શનરીઓમાં અગ્રેસર એવું ગુજરાતી લેક્સિકોન પોર્ટલ કાર્યરત કરાવવામાં પણ ધીરુબહેનનું અગત્યનું યોગદાન છે. વેપારી જીવ પણ ભાષાની પરવા કરનાર રતિલાલ ચંદેરિયા જ્યારે આ પ્રોજેકટ હાથમાં લઈને બેઠેલા ત્યારે અનેક અવરોધોને લીધે લગભગ પ્રોજેક્ટ ખાંચરે પડવાની તૈયારીમાં હતો ત્યારે ધીરુબહેન એમની વહારે ધાયા અને ત્યારે ચંદેરિયાસાહેબના શબ્દોમાં જ શબ્દોમાં “હું ડૂબતો હતો અને મને ધીરુબહેને કિનારો આપ્યો, મારો અને ગુજરાતી ભાષાનો હાથ ઝાલ્યો”. અને ધીરુબહેનની સાવ સરળ કેફિયત “એક વેપારી માણસ આપણી ભાષામાં આટલું દિલથી કામ કરવા માંગતો હોય, તો આપણે જોડાવું જ જોઈએ”.
એક વાર કનૈયાલાલ મુનશીએ ધીરુબહેનને પૂછેલું કે તમે અંગ્રેજીમાં પારંગત છો, ડિગ્રી છે તો અંગ્રેજીમાં કેમ નથી લખતાં? ત્યારે ધીરુબહેને એમને એક જ પ્રશ્ન પૂછેલો “બાપજી! તમે કઈ ભાષામાં લખો છો? અને એ પછી મુનશીજી કશું નહોતા બોલી શક્યા. અલબત્ત ધીરુબહેને અંગ્રેજીમાંથી ઘણું સાહિત્ય ગુજરાતીમાં અનુવાદિત કર્યું છે. શ્રી રમણ મહર્ષિના સમગ્ર જીવનચરિત્રનો અનુવાદ એનું એક ઉત્તમ દૃષ્ટાંત છે. રમણ આશ્રમ રહીને આ ભગીરથ કાર્ય ધીરુબહેને પાર પાડ્યું અને એ પણ લગભગ નિશુલ્ક કહી શકાય એ રીતે. પોતાનાં પરિવારનો રમણ મહર્ષિ પ્રત્યનો અંગત આદરભાવ ખરો એટલે એ કાર્ય તો ધીરુબહેન માટે એક પ્રકારની અંગત અંજલિ કહેવાય અને છતાં ય આપણી ભાષામાં એક પણ પૈસો લીધાં વગર અનુવાદ કરીને ગુજરાતી ભાષાનું ઋણ પણ ફેડ્યું જ ગણાય ને?
સમાજ, સંવેદન અને સાહસ
ધીરુબહેનને થોડાંઘણાં ઓળખનાર એમનાં સાહસી સ્વભાવ વિષે તો મહોર મારે જ. નાનપણમાં (૧૯૩૫-૪૦ નાં વર્ષોમાં) ઘોડબંદર રોડ સુધી સાઇકલ ચલાવનાર છેક માથેરાન સુધી ગાડી ચલાવનાર કે તરતાં શીખવા માટે વાઘજીભાઈનાં સ્વિમિંગ પૂલમાં જઈને મેળે જ પૈસા ભરી આવનાર ધીરુબહેન વિષે તો કેટલાંકને જાણ હશે જ. કોઈ શોખ કે આવડત માટે સમય અને શક્તિ ફાળવી શકનાર ધીરુબહેનની જજ્ઞાસા અનન્ય છે. એક વાર બાગકામ કરવાનો શોખ જાગ્યો અને પોતે જ માલિની સલાહો લઈને એક-બે નહીં પૂરાં – ૧૮ પ્રકારના ગુલાબ જાતે જ ઉછેર્યા. જો કે ધીરુબહેનનાં સાહસ જાત માટે જ નહોતાં. સમાજ માટેની નિસ્બતમાં ય ખાસ્સું સાહસ કરી જાણતાં. એમની પ્રખ્યાત હાસ્યકૃતિ ‘પરદુ:ખભંજન પેસ્ટનજી’ જેવું જ ધીરુબહેનને પણ દૂ:કહી લોકોને સુખી કરવાનું વારેઘડીએ મન થયા કરે. પણ એ ફક્ત કલ્પનામાં નહીં હોં.
ગાંધીવાદી થયાં વગર, ખાદી પહેરીને ગાંધીમૂલ્યોને ઓઢનાર ધીરુબહેને અનેકવાર ‘પરદુ:ખે ઉપકાર કર્યાં છે’. પોતે અપરિણીત રહેનાર ધીરુબહેને ક્યારે ય લગ્ન સંસ્થા કે પ્રેમ સંબંધોનો વિરોધ નથી કર્યો. ઊલટું એક સમયે એમણે એક અનોખો મેરેજ બ્યૂરો શરૂ કરેલો. એમાં યોગ્ય જીવનસાથી શોધી આપવાથી કામ ન અટકે. સાથે સહજીવન કેવું ચાલે છે એનું પણ ધ્યાન રાખે અને ક્યાંક મનમેળ ન હોય તો સરળતાથી છૂટા પડવામાં પણ સહકાર આપે એવો બ્યૂરો. અંગત તકરારોમાં સમજાવટથી લઈને મધ્યમ માર્ગ કાઢવો કે મુક્ત થવું એની તટસ્થ સલાહો તો ધીરુબહેન અનેક યુવાનોને આપી શક્યાં છે. ‘સુધા’માં આવી સલાહોની કોલમનો નિષેધ રાખનાર ધરૂબહેન અનેકોની ‘એગોની આંટ’ બની શક્યાં એનું એક માત્ર કારણ એમનો સકારાત્મક અભિગમ અને ખુલ્લું મન. ધીરુબહેન આપણી ગોસિપ નહીં કરે એની સલાહ લેવા કે મન હળવું કરવા આવનારને ખાતરી.
એવું જ એક બીજું તોફાન એટલે Lonely heart ગ્રુપ. મુંબઇમાં એકસમયે શરદપૂનમની રાતે ઘણાં યુગલો ચાંદની માણવા દરિયાકિનારે જતાં. એવે સમયે અપરિણીત યુવતીઓ પોતાની એકલતાને લીધે નિરાશ થતી. એવી યુવતીઓની હતાશા દૂર કરવા આ ગ્રુપ સર્જાયેલું. શરદપૂનમની રાતે ધીરુબહેન એ સૌને લઈને દરિયાકિનારે ઉજાણી કરે અને એમની એકલતાને ઉત્સવમાં ફેરવી દે. આ સંવેદનશીલતા અને નિસ્બત અજોડ છે.
જો કે સામાજિક નિસ્બતના સંસ્કાર તો એમને વારસામાં જ મળ્યા છે. સ્વાતંત્ર્યસેનાની અને સમાજસેવક બા ગંગાબાની દીકરીને સમાજ ઉત્કર્ષનો વિચાર ન આવે તો જ નવાઈ. ગંગાબા જેનાં આદ્યસ્થાપક હતાં એવું સ્ત્રી મંડળ સાંતાક્રૂઝ પણ આ વાતનું સાક્ષી છે. બહેનોને આર્થિક રીતે સદ્ધર કરવા સાથે સાંસ્કૃતિક પ્રગતિમાં પણ આ સંસ્થાનું યોગદાન નોંધનીય છે. આ મંડળના વિકાસના દરેક તબક્કે ધીરુબહેન માર્ગદર્શક રહ્યાં છે. ગંગાબાના કામને બિરદાવવા ધીરુબહેને દર વર્ષે ‘ગંગાબેન પટેલ સમાજસેવા પુરસ્કાર’ આપવાનું શરૂ કર્યું. દર રામનવમી એ અપાતું આ ‘સમાજસેવા સન્માન’ ગંગાબા પ્રત્યેનું માતૃતર્પણ તો ખરું જ પણ સમાજના ઘર દીવડાઓ અને દીવાદાંડીરૂપ કાર્ય કરનાર સમાજસેવકો પ્રત્યેની નિસ્બત પણ ખરી જ.
ફિલ્લમ–બિલ્લમ અને નાટક–ચેટક
ગુજરાતી ભાષાના વંદનીય સર્જક ધીરુબહેન પટેલનું નામ તમે રૂપેરી પડદે વાંચ્યું છે? ફિલ્લમ મેગેઝીનમાં? ભવની ભવાઇ સિવાય?તમને ખબર છે ધીરુબહેને લખેલાં ફિલ્મી ગીતો કોણે કોણે ગાયા છે? ‘સુધા’ છોડ્યા પછી ૧૪મી દિવસે વનરાજ ભાટિયા અને સત્યજીત રેન આસિસટેન્ટ યોગેન્દ્ર તારકસ ધીરુબહેનને મળવા આવેલા અને કહ્યું કે દહેજ પર અમે એક ફિલ્મ બનાવી રહ્યાં છીએ તમે ગીતો લખશો? અને ધીરુબહેનને તો કોઈ દિવસ કોઈ કામ અઘરું લાગે જ ક્યાંથી? પહેલા ક્યારે ય નથી કર્યું તો શું? હવે કરીશું? અને એ પછી ‘એક ડાળ મીઠી’, ‘ઘેરઘેર માટીના ચૂલા’ જેવી પાંચ ફીચર ફિલ્મોમાં ગીતો લખ્યાં. એમાંની બે તો હિન્દી હતી. યેસુદાસ અને આશા ભોંસલે જેવાં ધૂરાંધરોએ રવિના સંગીત નિર્દશનમાં કંઠ આપ્યો છે ધીરુબહેનના લખેલા ગીતોને. ‘ઘેર ઘેર માટીના ચૂલા’નાં એક ગીતમાં કરુણભાવની જરૂર હતી. આશાજીનાં અવાજમાં એ ગીત ૧૧ ટેક પછી ફાઇનલ થયેલું અને એ સમયે આશાજી તાવમાં ધગધગતા હતાં. આવી હતી એ સમયની કામ પ્રત્યેની પ્રામાણિકતા!
જેમિનિ (ટી. વિ બાલન) જેવાં મોટા બેનર માટે ફીચર ફિલ્મમાં ગીતો લખ્યાં. એક વખત રવિના જ સંગીત નિર્દેશનમાં એક ગઝલ રેકોર્ડ કરવાની હતી અને એ પણ રોમેન્ટિક. ફરમાન થયું આવતી કાલે ગઝલ લખી આપજો. હવે ધીરુબહેને તો જિંદગીમાં ગઝલ નહોતી લખી કે નહોતી ખબર રદીફ-કાફિયા કઈ વાડીના મૂળા. સીધા સ્ટુડિયોમાંથી પાછાં ફરતાં પહોંચી ગયા ભૃગુરાય અંજારિયાને ઘેર. અંજારિયા સાહેબે તો બહુ સરળ કરી આપ્યું કામ. “તને છંદ તો આવડે છે? અને અંત્યાનું પ્રયાસ પણ ફાવે છે? તો તો તને ગઝલ લખતાં આવડશે જ”. ધીરુબહેને સાહસ કર્યું રાતોરાત ગઝલ લખી આપી અને એ પણ કેવી? એ વર્ષના શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ લાવે એવી! એમનાં લખેલાં ગીતો ખાસ્સા પ્રચલિત થયાં એનું એક ઉદાહરણ એટલે એક વાર એક કાર્યક્રમમાં પ્રખ્યાત વાંસળી વાદક અને શિવ-હરિ બેલડીના હરિપ્રસાદ ચૌરસિયાએ એમને કહેલું કે “આપ અચ્છા લીખતી હૈ સાથે સલાહ આપેલી કે ગીતમાં છેલ્લે ખટકો ન આવવો જોઈએ. ‘પ’ અથવા ‘બ’થી પંક્તિ પૂરી ન થવી જોઈએ.
બાળ સાહિત્યના ધુરંધર કહેવાય એવાં ધીરુબહેને બાળ ફિલ્મો પણ લખી. અને એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇનામો મેળવનારી. હૈડા-હોડા અને હારુન-અરુણ જેવી બાળફિલ્મો ભારતની અન્ય ભાષાઓ સામે એવોર્ડ જીતી આવી છે. ધીરુબહેનના અસંખ્ય બાળ નાટકો મુંબઈની અને અમદાવાદની રંગભૂમિ પર સફળ રીતે ભજવાય છે અંડેરી-ગંડેરી ટીપરી ટેન હોય કે સૂતરફેણી બાળકોમાં અત્યંત લોકપ્રિય રહ્યાં. એમનાં નાટક ‘મમ્મી! તું આવી કેવી” પરથી ગુજરાતી ફિલ્મ પણ બની અને નાટક જેવી જ સફળ રહી. ધીરુબહેને નાટકોમાં ખાસ્સું તોફાન કર્યું છે એમાનું સૌથી નવું એટલે ATU (અમે તમે અને ઉપરવાળો). પ્રાયોગિક રંગભૂમિને ધબકતી રાખવાનું એક પગલું. એક સમયે દીના પાઠક અને લીલા ભણસળી (સાંજે લીલા ભણસાલીના માતા) માટે પણ ધીરુબહેને નાટકો લખ્યાં છે. તો છેક આજે પણ લેખિની કે વિશ્વાની બહેનોને ભજવવા માટે ‘આરબ અને ઊંટ’ જેવાં નવા જ વિષયોનાં અનેક નાટકો લખી આપે છે.
ફાંકા વગરની ફિલસૂફી
એક લેખક તરીકે ધીરુબહેનને સતત લખતાં રહેવું ગમે જ છે પણ લખાવતાં રહેવું? એમાં તો એમની mastery છે. એમણે કેટલી ય આળસુ કે નિર્જીવ કલમોને જાગતી અને જીવતી કરી છે. રજત ધોળકિયાથી લઈને વર્ષા અડાલજા સુધીની અનેક પ્રતિભાઓ ઓળખી અને મઠારી છે અથવા યોગ્ય પ્લેટફોર્મ આપ્યું છે. લેખન વિષે દૃઢપણે માને છે કે “મારે તો સાવ સામાન્ય માણસ માટે લખવું છે. વિદ્વાનો અને વિવેચકો માટે નહીં. આપણે કોઈનો સમય લઈએ છીએ એક ચોપડી લખીને, એના બદલામાં શું આપીએ છીએ ? એ પ્રત્યે તો જવાબદાર રહેવું જ પડે”. પોતે અનેક ઍવોર્ડ સ્વીકાર્યા, હોદ્દાઓ શોભાવ્યા, પણ એકે માટે ક્યારે ય પોતાની ફાઇલ આગળ ન ધરી કે કોઇની ખુશામત ન કરી.
કોઈ પણ પ્રકારના ભાર વગર જીવતાં, જીવી શકતાં ધીરુબહેનને જીવનમાં ખાસ વસવસો નહોતો. તેઓ Behalfism(કોઈનું ઉપરાણું લઈને પક્ષાપક્ષી કરીને એમનાં વતી બોલવું)ના વિરોધી. આમ બિલકુલ શાંતિપ્રેમી પણ હંમેશાં હક માટે લડવા તૈયાર પોતાના કે બીજાના, જે સાચું છે એ માટે લડે જ. Fighting for what is right and fighting for other’s right as well. જીવન પ્રત્યેનું બાળસહજ કુતૂહલ, સકારાત્મક અભિગમ, મૌલિક અભિવ્યક્તિ અને અદ્દભુત ઉર્જાસ્રોત સાથે ભરપૂર જીવતાં ધીરુબહેન અવારનવાર કહેતાં “Life is very beautiful, હું માણસ છું. એટલે મારાથી માણસાઈ તો ન જ ભૂલાય. મને મરવાની બીક નથી, હિમંત અને ખુમારીથી જીવી છું”. આસ્તિક ધીરુબહેનને મંદિરના નહીં માંહ્યલાના રામમાં શ્રદ્ધા છે. એમને મન બધાં ધર્મ સરખા અને સૌથી મોટો ધર્મ માનવતા. એવું નથી કે ધીરુબહેનમાં માનવસહજ અધૂરપ નહોતી. ઘણાં moody. મન મરજીનાં માલિક. મનમાં આવે એ કરે જ અને એમ જ કરે. બધું ય નક્કી કર્યા પછી છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કરે એની તો હું પણ અનેક વાર સાક્ષી. કોવિડ કાળમાં પોતાની જાતને લેસન આપે અને રોજ રાત પહેલાં પૂરું કરવાની નેમ લે. પાળે. પોતાને માટે લખ્યું એવું અનેક વાર કૉઇન માટે લખ્યું. યુદ્ધને ધોરણે લખ્યું, તાત્કાલિક લખ્યું. સંકટ સમયની સાંકળ થઈને લખ્યું. પણ ક્યારે ય કોઈને ખુશ કરવા, ખુશામત કરવા કે સારું લગાડવા નથી લખ્યું. વાચકોને અને પ્રકાશકોને પ્રામાણિક રહ્યાં. વિવેચકને નહીં. કોઈ એક વ્યક્તિ નવ દાયકાની જિંદગીમાં કેટલું ભરપૂર જીવી શકે એનો આદર્શ હતાં. એક આયખામાં એમણે જે ભાથું બાંધ્યું છે અને બીજાં માટે બાંધી આપ્યું છે, એટલું બધું લઈને વૈતરણી પાર કરવા કેવી નાવડી જોઈએ? જો કે એ પોતે તો ભાથું બાજુએ મૂકીને, એમના હંસરાજવાડીના ઘરમાં, સોફા પર એક તરફ ટેકો લઈને બેસતાં એ રીતે નાવડીમાં નિરાંતે બેસીને, નવા તોફાનની યોજના ઘડતાં હશે ત્યારે ત્યાંથી અહીં સુધી એમનો ફોન લાગે ખરો? પાછા પોતે તો કાયમ ફોન બંધ રાખતાં એટલે આપણે તો રાહ જ જોવાની ને
e.mail : khevana7@gmail.com
![]()

