Opinion Magazine
Number of visits: 10025673
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 July 2026

ક્યારેક પેપર લીક સામે લડતાં લાઠી ખાનારા ધર્મેન્દ્ર પ્રધાન આજે એ જ માગણી કરતા વિદ્યાર્થીઓની સામે છે. પરંતુ સવાલ માત્ર તેમના રાજીનામાનો નથી, પ્રધાન બદલાય તો ય પેપર ફૂટતું રહે એવી વ્યવસ્થા કોણ બદલશે?

ચિરંતના ભટ્ટ

દેશમાં જે સંજોગો છે તે જોતાં બીજા કોઈ મુદ્દા વિષે વાત કરવાની ઇચ્છા થાય તેવું છે જ નહીં. ગયા અઠવાડિયે જેમ મેં લખ્યું હતું ત્યારે વાક્યને હજી કર્તા નહોતો મળ્યો: પેપર ફૂટ્યું, પરીક્ષા રદ્દ થઈ, તપાસ હાથ ધરાઈ અને એ વાક્યમાં જે મંત્રી હોવા જોઈતા હતા તેઓ જ્યાં હતા ત્યાં જ રહ્યા. આ અઠવાડિયે વાક્યને ક્રિયાપદ મળ્યાં અને એ તો વધુ ખરાબ હતાં. 20મીએ સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળવાને બદલે તેમને અશ્રુવાયુ અને લાઠીઓ મળ્યાં; પ્રશ્નને સંસદમાં પ્રવેશવા દેવાને બદલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. આજે વડા પ્રધાને આખરે જવાબ આપ્યો; કોઈનું નામ લઈને નહીં, પરંતુ ફાસ્ટ-ટ્રૅક કોર્ટ્સની ખાતરી આપીને; જાણે આ નિષ્ફળતામાં ઝડપ જ એકમાત્ર ખૂટતી કડી હોય. કોકરોચ જનતા પાર્ટી હજી સુધી આ લખાય છે ત્યારે એક ન્યૂઝ સાઇકલ પૂરતી પણ ભોળવાઈ નથી; થોડા જ કલાકોમાં તેણે સ્પષ્ટપણે કહી દીધું કે વધુ ઝડપી કોર્ટથી જવાબદાર કોણ છે એ સવાલનો જવાબ મળતો નથી. તેની વાત સાચી હતી. પરંતુ એ સવાલની નીચેનો વધુ અઘરો સવાલ હવે બે ધારી તલવાર જેવો બની રહ્યો છે.

ગયા અઠવાડિયે ઘા માત્ર કાગળ પરના આંકડા હતા. આ અઠવાડિયે એ ઘાને હૉસ્પિટલનો બેડ મળ્યો છે. તબિયત લથડ્યા બાદ બળજબરીથી સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવેલા સોનમ વાંગચુકે આખરે 26 દિવસ પછી તેમના ઉપવાસ 23 જુલાઈની મોડી રાતે તોડ્યા છે જે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત પછી લેવાયેલો નિર્ણય છે. દરમિયાન વડા પ્રધાન ફાસ્ટ-ટ્રૅક કોર્ટ્સની વાત બરાબર ત્યારે આવી પહોંચી જ્યારે આવવાની અપેક્ષા હોય, હિંદી ફિલ્મની પોલીસની માફક, કૂચ થઈ ગયા પછી, અશ્રુવાયુ છૂટ્યા પછી અને વિરોધના સ્થળની વ્યવસ્થા સંભાળવાની જેમની જવાબદારી હતી એ જ પોલીસને એક માણસને ત્યાંથી ઊંચકીને લઈ જવો પડ્યો એ પછી. ઝડપની વાત કરવા માટે સરકારને અવાજ મળી ગયો. માફી માગવા માટેનો અવાજ તેને હજી મળ્યો નથી. 21મી જુલાઈએ પ્રધાને પોતાનું મૌન તોડ્યું ખરું, પણ માફી માટે નહીં — રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર વિદ્યાર્થીઓને ‘રાજકીય સાધન’ તરીકે વાપરવાનો આરોપ મૂકવા માટે. અવાજ મળ્યો, પણ એ જવાબદારી લેવા માટે નહીં, બીજા પર દોષ મૂકવા માટે.

20મી જુલાઈના દિવસે આંદોલનની શિસ્તનું પ્રદર્શન થવાનું હતું, એ કૂચ હતી, ટોળાશાહી નહીં. પરવાનગી વગરની શાંતિ કૂચ યોગ્ય નહોતી એ સાચું પણ વ્યવ્સસ્થા તો બૅરિકેડની બન્ને તરફ ખોરવાઇ ગઈ. પોલીસે ટોળાનો સામનો લાઠીઓ અને અશ્રુવાયુથી કર્યો; સોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. પરંતુ એ જ ટોળામાં પોતાનું કામ કરી રહેલા પત્રકારો પણ તેમના પોતાના લોકોનું નિશાન બન્યા. ત્રણ અઠવાડિયાંથી ધરણાંનું રિપોર્ટિંગ કરી રહેલા ‘ટાઇમ્સ નાઉ’ના દેવ કોટકના કહેવા પ્રમાણે, દેખાવ કરનારાઓ ‘ગોદી મીડિયા’ના નારા લગાવતા હતા ત્યારે તેમને મુક્કા અને લાતો મારવામાં આવ્યાં; તેમનાં ચશ્માં ઝૂંટવી લેવાયાં, ખિસ્સામાંથી ફોન ખેંચી લેવામાં આવ્યો અને પછી ધક્કો મારીને તેમને જમીન પર પાડી દેવાયા. જો કે એ જ દેખાવકારોમાંથી કેટલાકે ભેગા થઈ માનવસાંકળ રચીને તેમને સલામત બહાર કાઢ્યા. તેના બીજા જ દિવસે કૂચનું રિપોર્ટિંગ કરી રહેલી બે મહિલા પત્રકારો સાથે છેડછાડ કરવામાં આવી અને તેમના પર હુમલો થયો. આ જે થયું એ તો ખોટું હતું જ. શાંતિથી વિરોધ કરનારાઓમાં આવા ખેપાનીઓ ક્યાંથી ભળ્યા? જો કે આમાંથી કશું જ પોલીસની લાઠીઓ કે અશ્રુવાયુને વાજબી ઠેરવતું નથી. પરંતુ આ આંદોલનની નૈતિક સત્તા અને તાકાત એ વાતમાં છે કે તે જે વ્યવસ્થા પર આરોપ મૂકે છે તેના કરતાં પોતે વધુ શિસ્તબદ્ધ રહે. જો એ જ આંદોલન કયા પત્રકારને સલામત રહેવાનો અધિકાર છે અને કોને નથી એ નક્કી કરવા માંડે, તો ચિંતા થાય. પછી એ લોકો લોકશાહી અને બંધારણની વાત કરે ત્યારે સવાલ થાય કે તેમને પોતે શું કરી રહ્યા છે એની ખરેખર ખબર છે ખરી? પત્રકારના હાથમાંથી ઝૂંટવી લેવાતો દરેક ફોન સરકારનું કામ સરળ કરી આપે છે, એ મંત્રીના મૌનની વાતને ટોળાની ગેરવર્તણૂકની વાતમાં ફેરવી નાખે છે. વધુ સલામત અંતરે બેસીને ઑનલાઇન ટ્રોલ્સ આ કામ પહેલેથી જ કરી રહ્યા હતા. એકતા માટે બનાવાયેલા હૅશટૅગ્સના આશરા હેઠળ અપશબ્દોને આગળ ધપાવી રહ્યા હતા. બુધવાર સાંજ સુધીમાં CJPએ કોટક પરના હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની નિંદા કરી હતી, પરંતુ તેના બીજા દિવસે બે મહિલા પત્રકારો પર થયેલા હુમલા વિશે જાહેરમાં કશું કહ્યું નહોતું. એ જ ટ્રોલિંગ હવે મંત્રીના ઘર સુધી પહોંચી ગયું છે. ધર્મેન્દ્ર પ્રધાનની દીકરી નૈમિષા અમેરિકામાં લૉ ભણી છે, તેનું એટલું ટ્રોલિંગ થયું કે એણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવું પડ્યું. તેનો ‘ગુનો’ માત્ર એટલો જ હતો કે તેના પિતા ભારતની શિક્ષણ વ્યવસ્થા સંભાળે છે અને પોતે વિદેશમાં ભણી છે. આ એક જ સવાલ છે વિરોધીઓ પૂછી રહ્યા છે પણ જવાબ માગવાને બદલે તેમણે કોઇ યુવતીના અંગત જીવન પર હુમલો કર્યો. આવી ચેષ્ટા આ આંદોલનની નૈતિકતાને નબળી પાડનારી છે. 

ભારતમાં આવું કંઇ પહેલીવાર નથી થયું. 1974માં ગુજરાતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ મેસના બિલના વિરોધમાં શરૂ કરેલું આંદોલન આગળ જતાં નવનિર્માણ આંદોલન બન્યું અને એક મુખ્ય પ્રધાનને ખુરશી પરથી ઉતરવું પડ્યું; એક વર્ષ પછી ‘સંપૂર્ણ ક્રાંતિ’ના જયપ્રકાશ નારાયણના આહ્વાને એ આક્રોશને રાષ્ટ્રીય ભાષા આપી. બન્ને વખતે સત્તાને બહુ મોડેથી સમજાયું કે કોઈ નાની અને ચોક્કસ ફરિયાદ ખરેખર ક્યારે ય નાની હોતી નથી.

એક રસપ્રદ બાબત એવી  છે જે તેમના મંત્રાલયની બહાર વિરોધ કરી રહેલાઓને કાં તો ખબર નથી અથવા તો બધા જ એ જાણે છે પણ કોઈ તેનો ઉલ્લેખ નથી કરી રહ્યું : ધર્મેન્દ્ર પ્રધાન એક સમયે બરાબર ત્યાં જ ઊભા હતા, જ્યાં આજે આ વિદ્યાર્થીઓ ઊભા છે. 1997માં ABVPના યુવા કાર્યકર તરીકે તેમણે ઓડિશા સરકાર સામે કથિત પરીક્ષાનું પેપર ફૂટવાના મુદ્દે વિરોધ યોજવામાં મદદ કરી હતી. અંદાજે દોઢ હજાર વિદ્યાર્થીઓએ ભુવનેશ્વરમાં સચિવાલય તરફ કૂચ કરી હતી. પોલીસની કાર્યવાહી ત્યારે પણ નરમ નહોતી, એક અહેવાલ અનુસાર તેમની સાથે વિરોધમાં જોડાયેલા એક સાથીના કહેવા પ્રમાણે, પ્રધાનને એટલા ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો કે તેમને અનેક ફ્રૅક્ચર થયાં હતાં. આજે કોકરોચ જનતા પાર્ટીનું નામ પડ્યું છે, પરંતુ એ અર્થમાં પ્રધાન પોતે પણ ક્યારેક ‘કોકરોચ’ હતા. ત્રીસ વર્ષ પછી આજે તેઓ એ ઇમારતની અંદર બેઠા છે, જ્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર અશ્રુવાયુ છોડવામાં આવી રહ્યો છે. તેમની બારીની બહાર થઈ રહેલી માગણી એ જ છે, જે એક સમયે તેઓ પોતે એ જ બૅરિકેડની બીજી તરફ ઊભા રહીને કરતા હતા. એ ફ્રૅક્ચર વખતે કેવું લાગ્યું હતું એ વિશે તેમણે જાહેરમાં કશું કહ્યું નથી. કદાચ એ જ એક જવાબ છે.

1956 એક ટ્રેન પુલ પરથી નીચે ખાબકી ત્યારે તત્કાલીન રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ 1956માં રાજીનામું આપી દીધું હતું. ત્યારથી સાત દાયકાથી ભારત એ ઘટનાને એ વાતના પુરાવા તરીકે આગળ ધરતો આવ્યો છે કે શરમ કે સંકોચ પણ નીતિ ઘડવાનું સાધન બની શકે છે. હકીકતમાં એવું ભાગ્યે જ બને છે. પેપર લીકનું આ સંકટ ખરેખર એ સવાલ નથી કરતું કે ધર્મેન્દ્ર પ્રધાને જવું જોઈએ કે નહીં, ખરો સવાલ એ છે કે વીસ લાખથી વધુ ઉમેદવારોને MBBSની આશરે સવા લાખ જેટલી બેઠકો માટે સ્પર્ધા કરાવતી અને પેપર ફૂટી શકે એટલી છિદ્રાળુ પરીક્ષા વ્યવસ્થા, પ્રધાન રહે કે જાય, એમના પછી પણ બદલાશે એની ખાતરી શું છે?

પ્રધાનનું રાજીનામું જંતરમંતર પર એકઠા થયેલા લોકોને બરાબર એક ન્યૂઝ સાઇકલ પૂરતો સંતોષ આપશે. પરંતુ એનાથી પ્રશ્નપત્રો પ્રિન્ટરથી પરીક્ષાખંડના નિરીક્ષક સુધી કેવી રીતે પહોંચે છે, એ આખી સાંકળનું ઑડિટ કોણ કરે છે કે પછી જુદા-જુદા મંત્રીઓ અને જુદી-જુદી સરકારોના સમયમાં પણ દર થોડાં વર્ષે આ જ ફરિયાદ શા માટે સામે આવે છે, એમાંથી કશું બદલાશે નહીં. પરીક્ષાઓમાં થયેલા ગોટાળાને કારણે ભારતે અગાઉ પણ શિક્ષણ પ્રધાનો બદલ્યા છે. છતાં પેપર ફૂટવાનું બંધ થયું નથી. પ્રધાન જશે તો તેમના પછી આવનારી વ્યક્તિને આ જ તૂટેલી પાઇપલાઇન વારસામાં મળશે. 

બાય ધી વેઃ 

જે સુધારા માટે કોઈ વિરોધ કરી રહ્યું નથી, એ છે એવી પરીક્ષા વ્યવસ્થા, જેનું ઑડિટ બૅન્કોની જેમ થાય; ખરાબ હવામાન માટે માફી માગીએ એવી રીતે આ બાબત માટે માફી માગીને વાત પૂરી ન કરી દેવાય. અને એ સંવાદ વહેલો શરૂ થયો હોત તો કદાચ આટલે સુધી વાત પહોંચી જ ન હોત.  સરકારે શરૂઆતમાં જ સાંભળ્યું હોત તો બૅરિકેડ, લાઠી અને હૉસ્પિટલના બેડ સુધીની આ આખી સફર ટાળી શકાઈ હોત. પણ વિદ્યાર્થી આંદોલનો રાજકારણીઓ માટે વોર્મ-અપનો અખાડો પહેલાં પણ રહ્યા છે અને આજે પણ છે, અને એ અખાડામાં પરિણામ વગરના ઘોંઘાટની કિંમત છેવટે નિર્દોષોના ખભે જ આવે છે, ક્યારેક ફ્રૅક્ચર થયેલા હાડકાના રૂપમાં, ક્યારેક હૉસ્પિટલના બેડ પર, ક્યારેક કોઈ યુવતીના ડિએક્ટિવેટ થયેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના રૂપમાં. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સાચી-ખોટી માહિતીઓનો ઓવરલોડ મગજને જાગતું તો રાખે છે, પણ વિચારવા નથી દેતો . આ લખાઇને પુરું થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાને પોતાના સોશ્યલ મીડિયા પરથી એક વીડિયો પોસ્ટ કરીને સરકાર આગળ પગલાં લેશે તેની ખાતરી આપી છે, જેમાં ગુનેગારોને આકરી સજા ફટકારવાની અને ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત છે. દરેક આ મુદ્દાનું ગાંભીર્ય જાણે છે, GenZ વધારે સારી રીતે અને માટે જ એ જળવાય તે જરૂરી છે. મુદ્દાઓ મીમ બનીને ન રહી જાય. જે મંત્રી પાસેથી રાજીનામું માગવામાં આવી રહ્યું છે, તેમણે એક સમયે ઓડિશાના સચિવાલયની બહાર આ જ જવાબદારીની માગણી કરતાં કરતાં લોહી વહેવડાવ્યું હતું. આ આખી વાતમાં કોઈએ બૅરિકેડની બીજી બાજુ ઊભા રહેવાના જાત અનુભવમાંથી બહુ કંઈ શીખ્યું હોય એવું લાગતું નથી. એક વાત એ પણ કે આપણને કોઈ ગમે કે, ન ગમે પણ સત્તા પર બેઠેલાને વખોડવા માટે સાવ નિમ્ન સ્તરની ભાષા કે ગંદી ગાળોનો પ્રયોગ કરીને વાયરલ થવામાં આંદોલનના મિજાજ કે આક્રોશ જસ્ટિફાય નથી થતા, બલકે તેનું ગાંભીર્ય છીનવી લઈ તેને તુચ્છ બનાવે છે. જ્વાળાઓ તપાવે, દઝાડે નવા આકારમાં ઢાળે તે જરૂરી છે પણ, આગ ઓકાય અને આહુતિ માટે પ્રગટે એમાં આસમાન જમીનનો ફેર છે. (આ છપાય ત્યાં સુધીમાં પરિસ્થિતિ બદલાઇ હોય તેવી શક્યતા અને અપેક્ષા બન્ને છે.)

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જુલાઈ 2026

Loading

26 July 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—351

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—351
  • યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ … 
  • નાનકડી શિસ્ત
  • પરિચિત જગતની પેલે પાર, શોધ સમુદ્ર સાથેના અનુબંધની …  
  • વસ્તી વધે તો સ્કૂલો ઘટે …?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved