મે– ૨૦૧૭
વાવાં ઝોડાંની જેમ ઊંટાટિયા જેવી ઉધરસ ધસી આવી. બે મહિને માંડ એ હરિકેને વિદાય લીધી, પણ તેણે શરીરના માળખાંને હચમચાવી દીધું. સ્વાભાવિક છે કે, એ ગાળામાં રોજની બધી સાધના અભરાઈએ ચઢી ગઈ હતી. થોડીક સ્વસ્થતા આવતાં, એ શરૂ કરવા વિચાર્યું. થોડીક જ કસરત અને થોડાંક જ આસનથી શરૂઆત કરી.
પણ વજ્રાસનમાં બેસવાની તો હિમ્મત જ ન થઈ. એક અઠવાડિયું આમ લિમિટેડ એડિશનમાં ગાળ્યું! પછી હિમ્મત કરીને વજ્રાસનની ક્રિયા શરૂ કરવા પ્રયત્ત્ન કર્યો. માંડ એ સ્થિતિ ધારણ કરી, પણ માત્ર એકાદ સેકન્ડ માટે જ. તરત પગ છુટા કરી દેવા પડ્યા. આ નબળાઈ માટે લઘુતા પણ થઈ ગઈ. બીજા દિવસે એનો વારો આવતાં માંડી વાળતો હતો. પણ નાનકડી શિસ્તની વાત યાદ કરી બે ત્રણ સેકન્ડ માટે પણ વજ્રાસનની સ્થિતિમાં બેઠો તો ખરો જ. આમ ને આમ એક અઠવાડિયા સુધી કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે એકથી પાંચ ગણાય એટલું બેસી શકાયું. હવે હિમ્મત આવી કે, એ કાબેલિયતે સાવ વિદાય તો નથી જ લીધી! એ વાતને ત્રણ મહિના થઈ ગયા. સિદ્ધિ ગણો તો સિદ્ધિ અને આનંદ ગણો તો આનંદ. વજ્રાસનના ત્રણ રાઉન્ડ કરી શક્યો – ૬૦, ૬૦ અને ૪૦ સેકન્ડ.
નાનકડી શિસ્ત

ખેડ્ડા ઓપરેશન – માયસોરના જંગલી હાથીને પકડવાની અને પોતાની મસ્તીમાં મ્હાલતા, મદમસ્ત, મહાકાય હાથીને અંકુશમાં લેવાનું – એની પાસેથી પોતાને ધાર્યું કામ કરવા તાલીમ આપવાનું – દુઃસાધ્ય કામ; એ હાથી કરતાં સોથી ય વધારે નાની કાયા ધરાવતો માણસ કરી શકે છે.
પણ પોતાના માત્ર બે એક શેર જેટલા વજનવાળા મગજ પાસે એ લાચાર બની જાય છે! મનની અગણિત શક્તિઓ હોવા છતાં; એની મર્યાદાઓથી માણસ તોબા! તોબા! પોકારી ઊઠે છે; વ્યથા અને વેદનાના ઓથારમાં કકળી ઊઠે છે; નિરાશાના-હતાશાના ગર્તામાં હડસેલાઈ; આત્મહત્યા કરવા સુધીની વિનિપાતની ખીણમાં ગબડી શકે છે.
અનેક રસ્તાઓ, પદ્ધતિઓ એ માટે સૂચવાયાં છે; અને સૂચવાતાં રહેશે; પણ જેમ જેમ એનું અમલીકરણ કરતા જઈએ; તેમ તેમ એ કેટલું મુશ્કેલ કામ છે; તેની પ્રતીતિ થઈ જ જાય છે. એ અંગે યોગની વાત કરીએ.
योगः चित्तानुशासनम् |
યોગ એટલે ચિત્તને શિસ્તમાં લાવવું તે.
પાયાના હોવાપણા સાથે જોડાણની પ્રક્રિયાની આ વ્યાખ્યાથી પતંજલિ યોગસૂત્રની યથાર્થ શરૂઆત થાય છે. જે સતત તરલ છે; જે બંધાવાની સામે મદમસ્ત હાથી કરતાં પણ અનેક ગણી શક્તિ ધરાવે છે – એવા મનને કાબૂમાં લાવવું; એની પાસે ધાર્યું કામ કરાવવાની શક્તિ ધરાવતા થવું – એ માટેની પદ્ધતિ એટલે યોગ.
‘ઠોઠ અને તોફાની નિશાળિયાને શિસ્તમાં આણવો.’
અનુભવે આપણને એ તરત માલુમ થઈ જાય છે કે, મનને શિસ્તમાં આણવું બહુ જ કઠણ છે. આપણે એ માટે શિબિરોમાં હાજરી આપીએ; યોગના ક્લાસ ભરીએ; ધ્યાન શી રીતે કરવું તે શીખવા ગુરુ પાસે જઈએ; વર્તમાનમાં જીવવાનું શીખવતા થોથે થોથાં વાંચીએ – પણ અમલમાં મુકવાના અખાડા; અથવા બે દિવસ મચી પડીએ, અને પછી …‘એ રામ એના એ! “
આ મારો, તમારો, લગભગ સૌનો અનુભવ છે. આમ શા માટે થાય છે? કારણ બહુ જ સાદું છે.
આપણને આ બધું શીખવનારા પચાસ સાઠ કે તેથી પણ વધારે પગથિયાં ચઢી ગયેલા હોય છે. એમની પાસે અનેક વર્ષોની સાધનાની મુડી હોય છે. એ જેનો ઉપદેશ આપતા હોય છે, એ પીએચ.ડી. કક્ષાનું ગનાન હોય છે! અને આપણને તો હજી એકડો ઘુંટતાં પણ આવડતો નથી હોતો. અરે! એ નિશાળમાંથી પણ ભાગી જઈને લીલુડી ધરતી પર ગુલાંટો મારવામાં આપણને વધારે રસ હોય છે. માંકડા જેવા મનને ‘વાનર વેડા’માં વધારે રસ જણાતો હોય છે! આથી એ નિશાળમાં આપણે જુનિયર કે.જી. કરતાં આગળ વધી શકતા નથી.
લાખો વર્ષોની ઉત્ક્રાન્તિ પછી પ્રાણીજગતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. એના છેલ્લા ચરણ જેવા માણસે ચેતનાની દિશામાં ભરેલી હરણફાળો, એ ઉત્ક્રાન્તિની તવારીખમાં ચરમસીમા જેવી છે. આ હરણફાળો જ્ઞાનની તેમ જ ડહાપણની / બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાની /જીવનની સપાટીની બહારની તેમ જ અંદરની દિશામાં થયેલી છે. જ્ઞાનના ક્ષેત્રમાં જે વિકાસ થયો છે, અને હજુ થશે; તે અજોડ છે. પ્રજ્ઞાના ક્ષેત્રમાં પણ કરોડો માનવોની વચ્ચે વિશ્વામિત્ર, રામ, કૃષ્ણ, જિસસ, મહમ્મદ, જિસસ, મોઝિસ, મહાવીર, બુદ્ધ જેવાં ચેતના અને પ્રજ્ઞાનાં અનેક દિવ્ય પુષ્પો પ્રગટ્યાં જ છે. પણ આ ક્ષેત્ર ચેતનાની અંદર તરફનું હોવાના કારણે એનો સામૂહિક વ્યાપ થવાની વેળા હજુ આવી નથી. પણ એ આવશે, એવાં ચિહ્નો વરતાઈ રહ્યાં છે. અત્યંત ભૌતિક સમૃદ્ધિ અને સત્તા / સામર્થ્યના દુરૂપયોગના કારણે વાજ આવી ગયેલું પશ્ચિમી જગત પણ આ આંતરિક વિકાસની શક્યતા તરફ સજાગ બનેલું જોઈ શકાય છે.
પણ આ સજગતા નવા જન્મેલ પક્ષીબાળની પાંખોમાં ફૂટી રહેલ તાકાતની શરૂઆત જેવી છે. એ પક્ષીબાળ પાંખો ફફડાવી, માળામાંથી કૂદકો મારે છે; પડે છે; અફળાય છે- અને ફરી પાછું માબાપને ઊડતાં જોઈ; જાતે ઊડવા કટિબદ્ધ બને છે. એ પોતાની જાતને નિ:સહાય માનીને ઊડવાનું બંધ કરતું નથી.
એક કડિયો મકાન બનાવે છે; ત્યારે એક ઈંટ અને મોર્ટાર મૂકીને અટકી નથી જતો. આખો દિવસ ઈંટ પર ઈંટ મુકીને એ ચણાયેલી દીવાલ જોઈ સંતોષ માની લઈ, બીજી દીવાલ બનાવવાનું બંધ નથી કરી દેતો. એ તો બીજે દિવસે અચૂક હાજર થઈ જ જાય છે.
આઝાદ બનવાની દિશામાં આપણી સૌની, સામાન્ય માણસોની હાલત એ પક્ષીના બાળ કે કડિયા જેવી છે. પણ આપણે પાંખ ફફડાવીને અટકી જઈએ છીએ. આવા ઊંચા આકાશમાં આપણાથી શી રીતે ઊડાય, એવી શંકાના કારણે, ભેગી કરેલી, દરિયાના કિનારા પરના છીપલાં જેવી મતાનો માળો છોડવા આપણે તૈયાર નથી થતા.
આપણે ધર્મોપદેશો સાંભળવા તો જઈએ છીએ; ધ્યાનની શિબીરોમાં હાજરી તો આપીએ છીએ; જાપ અને માળા કરીને ‘આવતો જન્મ હવે સુધરી જવાનો છે.’ એવા ગંજીફાના મહેલ જેવા વ્યર્થ આત્મસંતોષમાં રાચીને સંતોષ તો માણીએ છીએ. પણ આપણે એટલેથી જ અટકી જઈએ છીએ. આનંદ, શાંતિ, સમતા, કરુણા અને સમભાવના એ મહાસાગરના તલાતલમાં ડુબકી મારવાનું ટાળતા રહીએ છીએ.
ઊભા રહેવા માટે બે પગ જોઈએ છે;
ચાલવા માટે એક જ.
આપણે બન્ને પગ સાથે ચલાવીને ચાલી નથી શકતા!
આમ જ આઝાદ બનવા માટે પણ એક ડગલું જ ચાલવાનું છે – પણ બધી દિશામાં સાથે. અને એ થઈ શકે તેમ હોય છે.
હવે, આ માર્ગ પર ચાલવાની શરૂઆત કરવા માટેના થોડાક નુસખા –
1. કદી ઉત્સાહમાં આવી જઈને યોગ, પ્રાણાયમ, સુદર્શન ક્રિયા, ધ્યાન, વિપશ્યના, પ્રેક્ષાધ્યાન, પ્રતિક્રમણ વિ.નો આખોયે કોર્સ પૂર ઝડપે કરવા ન માંડતા. બીજા જ દિવસે થાકી / કંટાળી જશો.
2. બહુ જ નાની શરૂઆત કરો. યોગ, પ્રાણાયમ અને ધ્યાન માટે કુલ માત્ર દસ જ મિનિટ.
3. જ્યારે મન વિચલિત બને; નકારાત્મક વિચારોથી ઘેરાઈ ઊઠે; ત્યારે એ વિચારોને પ્રયત્નપૂર્વક બંધ કરવાનું છોડીને આ એક નાનો પ્રયોગ કરી જુઓ – મનોમન એવો સંકલ્પ કરો કે; ‘હવે શો વિચાર આવે છે; તે હું જોઈશ.” અને બે ચાર સેકન્ડ માટે, આશ્ચર્યજનક રીતે, વિચારશૂન્ય બની જશો. આ એક બહુ જ નાનકડી પણ એકદમ શક્તિશાળી રીત છે. જેમ જેમ આનો મ્હાવરો વધતો જશે; તેમ તેમ વધારે સેકન્ડો માટે એવી અવસ્થા રહેવા લાગશે. અને ‘મન શાંત થઈ શકે છે.’ –એવો વિશ્વાસ બેસવા લાગશે.
4. જેમ બાળક પાસે હોમવર્ક કરાવવું હોય; ત્યારે એને લોલીપોપ બતાવવો પડે; તેમ ‘આમ કરીશ તો ____ મનગમતી વાનગી હું ખાઈશ.’ અથવા ‘ ______ આ મનગમતું ગીત સાંભળીશ.’ એવી લાલચ મનને આપો! આમ કરવાથી અકારું લાગતું એ હોમવર્ક કરવા લાગશો.
5. ભલે થોડીક જ સાધના થાય; પણ તે નિયમિત રીતે કરતા રહો. ચાલીસ દિવસ, એક પણ દિવસ ન પડે; તે રીતે સાધના ચાલુ રાખો. એક બે દિવસ પડે તો વાંધો નહીં – ફરી ચાલુ કરો ત્યારથી એ ચાલીસ દિવસની ગણતરી એકડે એકથી ફરી ચાલુ કરી દેવાની ! આ શિસ્ત પાળતા થશો; તો ચાલીસ દિવસ તો સાધના કરી જ શકશો! અને જો ચાલીસ દિવસ પૂરા થયા; તો સામેની દીવાલ પર લખી રાખો; કે તમારા એ માંકડા જેવા મનને તમે આ એક નવી ટેવ પાડી દીધી છે! હવે તેને પોતાને એક દિવસ પડશે તો ચેન નહીં પડે. બસ. હવે તમે ચાલતા થઈ જશો – ભલે એ ડગુમગુ અને મંથર ચાલ ન હોય.
6. ધીમે ધીમે એ દસ જ મિનિટનો ગાળો વધારતા જાઓ. જે કસરત એક કે બે જ વાર કરતા હો; તે ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર કરવા માંડો. દરેક સ્ટેપ પછી; રગોમાં ધમધમવા લાગેલા પ્રાણને અનુભવવા લાગો. તમારા મહામૂલા શરીર માટે તમને કદી ન થયો હોય, તેવો પ્રેમ થવા લાગશે. એ બધી ત્રાસજનક લાગતી વિધિઓ શરીરના કોશે કોશમાં નવો પ્રાણ પૂરી રહી છે – એની અનુભૂતિ થવા લાગશે. આ બધી પ્રક્રિયા દેહના, મનના ફાયદા માટે કરીએ છીએ; તેવી પ્રતીતિ થવા લાગશે.
‘હવે તમે આ રસ્તે ચાલતા જ રહેવાના છો – કદી અટકવાના નથી.’ – એવો સંકલ્પ દોહરાવતા રહો. અને એમ થશે. તમે ચાલતા થઈ જશો.
7. ધીમે ધીમે એક એક નવી કસરત / આસન ઉમેરતા જાઓ.
8. યોગની કોઈ પ્રક્રિયા મનને દબાવીને, મારી મચડીને તમે નહીં જ કરી શકો. એને મનાવીને, ફોસલાવીને, પટાવીને, નાના બાળકને રમાડતા હોઈએ; એવા આનંદ અને પ્રેમના ભાવથી એને સાચી, હકારાત્મક દિશામાં ડગ માંડતું કરવાનું છે. એ બાળક પડી જાય; તો આપણે તેને ધમકાવતા નથી; પણ પ્રેમથી એને ઊંચકી લઈ, ભેટી એને આપણા સાથની પ્રતીતિ કરાવતા હોઈએ છીએ. મનને એમ જ મનાવતા રહેવાનું શીખી લો.
હમ્મેશ એ ભાવ જારી રહે કે, આ બધાથી આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી થવાની છે.
9. રોજ દસ મિનિટથી વધારે આગળ ન વધાય, તો હતાશ ન બનો. એકાદ મહિના પછી એમ થશે. એ જ રીતે યોગાસનની કોઈક પદ્ધતિમાં પૂરી રીત અંગ ન વળે; તો દબાણ કરીને પ્રયત્ન ન કરતા. ભલે આજે દસ કે વીસ ટકા જેટલું જ અંગ વળી શકતું હોય; મહાવરો વધશે; તેમ આપોઆપ તે વધારે વળી શકશે.
10. ’Practice makes one perfect.’
11. એવું જ ધ્યાનની બાબતમાં પણ છે. વિચારોના ઝુંડના ઝુંડ આક્રમણ કરવા લાગે તો; એને કદી ખાળવા પ્રયત્ન ન કરો. – નમ્બર (૩) પર બતાવેલી રીત અજમાવી જુઓ.
12. બે ચાર હોબીઓમાં રસ લેતા થાઓ. અને રોજ ના બની શકે તો, રજાના દિવસે એ મનગમતી હોબી માટે સમય ફાળવો. એકથી કંટાળો આવે; તો બીજી હોબી પર હાથ અજમાવો. કશું ન થાય તો બાળકો સાથે રમો. મનને પ્રફુલ્લિત કરવાનો આ બહુ જ મજાનો માર્ગ છે.
13. બે ત્રણ મહિના બાદ નવી ટેવો પડી હશે! આ પણ મનને ગમતી વાત હોય છે. આથી થોડાક સમયાંતરે આ બધી પ્રવૃત્તિઓનો સમય / સ્થળ બદલી જુઓ. આમ કરવાથી એકધારી પ્રવૃત્તિઓનો કંટાળો (Monotony) તોડી શકાય છે.
14. કર્તાભાવ સાવ જતો રહે – એમ બનવાની શક્યતા બહુ ઓછી હોય છે. અહં ઓગળવો જેટલો જરૂરી છે – એટલો જ તે રોજ બ રોજની જિંદગી માટે જરૂરી પણ છે. એ જ તો કુદરતી રચના છે. માત્ર એ વકરે નહીં; તેનું નિરીક્ષણ કરતા રહો; અને દિવસના અંતે વિચારવાની ટેવ રાખો કે, દિવસ દરમિયાન ક્યારે એ મહાશયે માઝા મેલી હતી! જે જે ક્ષણોમાં કોઈનું મન દુભવ્યું હોય; અથવા જાત માટે બહુ મોટો અહોભાવ ઉપજ્યો હોય; અથવા ઘોર નિરાશામાં ઘેરાઈ ગયા હો તે તે ક્ષણો માટે ક્ષમાયાચના કરો અને એ વ્યક્તિની / પોતાની જાતની માફી માંગો. પોતાને માટે ગુનેગારીનો ભાવ ઉપજે તો તે માટે પણ.
ફરીથી એમ ન બને – એ માટે શક્તિ આપવાની તમારા ઈષ્ટદેવને અથવા પરમ તત્ત્વને પ્રાર્થના કરો. આ પદ્ધતિ જે બળ આપે છે – તેનો અનુભવ તમને ધીમે ધીમે પણ ચોક્કસ રીતે થવા લાગશે. તમે જે ડગલાં ચાલવા લાગ્યા છો – એમાં નવું બળ ઉમેરાતું તમે અનુભવવા લાગશો.
15. એક બહુ જ અગત્યની અને કોઈએ કદાચ કહીં નથી – એવી વાત. તમે વીતરાગ બની જવા ચાહો છો; એવો ભાવ જરૂર સેવો; પણ એમ ન બને તો નિરાશ ન થાઓ. વીતરાગ અવસ્થા તો શિસ્તબદ્ધ બનેલા મનની આખરી અવસ્થાઓમાંની એક હોય છે. આપણા જેવા સામાન્ય માણસો માટે કદાચ એ દુર્લભ પણ હોય છે. રાગ અને દ્વેષ થોડા ઘણા પણ ઓછા થયા હોય; તેનો આનંદ માણો.
16. લખી લો, કે આ મહામૂલું જીવન આપણને આનંદ માટે મળ્યું છે. આપણે જે કાંઈ ભૌતિક સુખ ભોગવી શકીએ છીએ, એ અનેક વ્યક્તિઓ, કુદરતી તત્ત્વોની, પરમ ચૈતન્ય તત્ત્વની બલિહારીના કારણે છે – એનો આભાર ભાવ સદા સેવતા રહી; એનો ઋણસ્વીકાર કરતા રહો.
17. તમે એ સૌનો પડઘો પાડી સામે ચાલીને શું પ્રદાન કર્યું છે – તેનો હિસાબ માંડતા રહો. એ માટે સભાન રીતે કોશિશ કરતા રહો. કોઈને પણ થોડીક પણ મદદ કર્યાનો આનંદ અનેરો હોય છે. એનો અનુભવ થવા લાગશે, પછી તમારા સ્વભાવમાં એ ભાવ વણાવા લાગશે. આ એક બહુ જ ઉમદા ભાવ છે. જેમ જેમ એ તમારામાં ઊભરતો જશે; તેમ તેમ તમે એક વધારે સારા વ્યક્તિ બનતા જશો – ભલે વીતરાગ ન બનાય.
આટલું કરવા લાગશો તો તમે નાનકડી શિસ્ત ધરાવતા સૈનિક બનવા લાગ્યા છો. આગળ ઉપર તમે સીમા પરના ષડરિપૂઓનો સામનો કરવા માટે જરૂરી બખ્તર અને શસ્ત્રો ધરાવતા થવાના જ છો.
સામેની દીવાલ પર લખી રાખો કે,
જે એ મનને થોડું ઘણું પણ જીતી શકે છે – એ બહારી અને અંદરી – દરેક મોરચે નકારાત્મકતા સામે યુદ્ધ લડવા કાબેલ યોદ્ધા બનવાની ક્ષમતા ધારણ કરવા માંડવાનો છે, છે, છે ને છે જ.
e.mail : surpad2017@gmail.com
![]()

