હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે. સમુદ્રાન્તિકે આવેલા આ પ્રદેશે મને સમજાવ્યું છે કે વૃક્ષોનું ન હોવું, ખેડી શકાય તેવી ભૂમિનું ન હોવું, અને પાંખી માનવ વસ્તીનું હોવું એટલા માત્રથી કોઈ સ્થળ ઝેરી રસાયણો બનાવવા માટે યોગ્ય નથી બની જતું
‘રાતે તારા ટમકે છે, વચમાં ચાંદો ચમકે છે’ જેવું અજવાળી રાતનું ચિત્રાત્મક ગીત આપનાર ઉત્તમ બાળગીતકવિ ત્રિભુવન વ્યાસનું ‘મહાસાગર’ કાવ્ય કહે છે, ‘ખારા ખારા ઊસ જેવાં આછાં-આછાં તેલ, પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ!’ સમુદ્રનું પાણી ખારું, સઘન છે અને પૃથ્વીના ત્રણ ચતુર્થાંશ વિસ્તાર પર ફેલાયેલું છે એ સમજાવવાની કેવી સુંદર રીત! 8 જૂને આવતા વર્લ્ડ ઓશન ડે નિમિત્તે વાત કરીએ સમુદ્રની અને ‘સમુદ્રાન્તિકે’ની.
સમુદ્રનો વિશાળ જળવિસ્તાર, ધીરું ગર્જન, કાંઠાની રેતી પર આવી આવીને પાછાં વળતાં મોજાંનો લય – આ બધાનું આકર્ષણ અનંત છે. ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’નો માછીમાર અને ‘20000 લીગ્સ અન્ડર ધ સી’ની નોટિલસ સબમરીન અને એનો કેપ્ટન નેમો આપણા મનોજગતને આજે પણ કબજે કરી શકે. સમુદ્રને માણવો તો ગમે જ, પણ જાણવો પણ ગમે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ કરતાં દક્ષિણ ગોળાર્ધમાં જળવિસ્તાર વધુ છે. 35°થી 65° દક્ષિણ અક્ષાંશો વચ્ચે તો 98% ભાગ સમુદ્રથી ઢંકાયેલો છે, વિષુવવૃત્તથી ઉત્તર તરફ ભૂમિભાગ વધારે છે. ઉત્તર ધ્રુવનો આર્ક્ટિક મહાસાગર ખંડોથી ઘેરાયેલો છે; જ્યારે દક્ષિણ ધ્રુવનો ઍન્ટાર્ક્ટિકા ખંડ મહાસાગરોથી ઘેરાયેલો છે. બધા જ ખંડોની રૂપરેખા ત્રિકોણીય છે અને તેમની અણીઓ દક્ષિણ-તરફી છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં પૅસિફિક મહાસાગરમાં આવેલી મરિયાના ખાઈ ઘણી વધારે ઊંડી છે. મહાસાગરોનાં તળ અને ઢોળાવો પર પર્વતમાળાઓ, ઉચ્ચસપાટ પ્રદેશો, ખીણો તેમ જ અજાયબી પમાડે એવું વિવિધ પ્રકારનું જીવન જોવા મળે છે.
પૃથ્વી ઉત્પન્ન થયા પછીનાં થોડાં લાખ વર્ષ આગ્નેય પ્રક્રિયા અને જ્વાળામુખી-પ્રસ્ફુટનનાં હતાં. એમાંથી ઉત્પન્ન થતી જથ્થાબંધ વરાળ ઠંડી પડતી જવાથી જળ તૈયાર થતું ગયું અને પૃથ્વી ઠરતી ગઈ તેમ તેના સંકોચનને કારણે સપાટી પર ઉદ્દભવેલાં વિશાળ ખાડાઓમાં ભરાતું ગયું. મહાસાગરો આ રીતે બન્યા એવી એક થિયરી છે. સમુદ્રજળનો ખારો સ્વાદ તેમાં રહેલા સોડિયમ ક્લોરાઇડને કારણે છે. 2009થી વિશ્વ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત ‘વર્લ્ડ ઓશન્સ ડે’ ઉજવે છે. તેનો પ્રસ્તાવ ૮મી જૂન ૧૯૯૨ના દિવસે બ્રાઝિલના રિઓ દ્ જાનેરોમાં મળેલ પૃથ્વી સંમેલનમાં કેનેડા દ્વારા મુકાયો હતો. આ દિવસ વિશ્વનાં મહાસાગરોનું સન્માન કરવાનો; મહાસાગરો દ્વારા પ્રાપ્ત વસ્તુઓ જેમ કે સમુદ્રી ભોજન, સમુદ્રી યાતાયાત સુવિધાઓ અને અન્ય કેટલીયે કિંમતી સમુદ્રી જણસોની કદર કરવાનો છે. વૈશ્વિક પ્રદૂષણ અને વધુ પડતા સંહારને કારણે કેટલી ય સમુદ્રી પ્રજાતિઓ વિનાશનાં આરે આવી ગઈ છે, જેનાથી સમુદ્રને બચાવવા માટેના અને એમ કરીને આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો આ દિવસે કરવામાં આવે છે.
‘સમુદ્રાન્તિકે’ ધ્રુવ ભટ્ટની નવલકથાનું નામ છે, જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને લોકોના જીવન પર આધારિત છે. વિનોદ મેઘાણીએ સાહિત્ય અકાદમી માટે તેનો અંગ્રેજી અનુવાદ ‘ધ ઓશનસાઇડ બ્લૂ’ નામથી કર્યો છે. સમુદ્રાન્તિકે શબ્દનો અર્થ છે દરિયાકિનારો અથવા દરિયાનો છેડો. કોઈ પણ પ્રકારના દાવા વિના લેખક પુસ્તકને માત્ર ‘લખાણ’ કહી બાકીનું બધું વાચક પર છોડી દે છે. આપણે તેને નવલકથા કહીએ છીએ ત્યારે પણ આપણને ખબર છે કે તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી. વાર્તારેખા ખૂબ જ પાતળી છે. નાયક આધુનિક સભ્યતામાંથી એવી જગ્યાએ કામ કરવા આવી ચડે છે જ્યાંનું વાતાવરણ અને સંસ્કૃતિ સાવ જુદાં છે. કહે છે, ‘હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે.’ એનું કામ એ નિર્જન બિનઉપજાઉ જમીન પર સરકાર રાસાયણિક કારખાનાં કરવાની છે તેનો સર્વે કરવાનું છે. મુખ્ય બંદરથી દૂર દરિયાકિનારે આવેલી એક હવેલી એનું ક્વાર્ટર છે. જવા આવવા માટે એક ઘોડો છે. એ જુએ છે કે ખડકાળ જમીન પર મહામહેનતે ધાન પકવતો ત્યાંનો માનવી અજાણ્યાને પણ કેવો ખુલ્લો આવકાર આપે છે. શ્રદ્ધા અને સબૂરીથી વિષમ જીવન જીવનારા આ ગરીબ મહેનતુ લોકોનાં મનની સમૃદ્ધિ ધીમે ધીમે તેનાં ય દિલનાં દ્વાર ખોલે છે. કાળમીંઢ પથ્થરમાં ઝાડ ઉગાડતો સબૂરો, સત્ય ખાતર જિંદગીનું વહેણ બદલી નાખતી અવલ, સમુદ્ર-રેતી-આકાશ સાથે વાતો કરતો બંગાલી બાવો, પક્ષીપ્રેમી નુરોભાઈ, ક્રિષ્નો ટંડેલ, એકલિયા હનુમાનની વિદેશી સાધિકા, આ બધાં એકલાં છતાં જોડાયેલાં છે. નાયકને થાય છે, અસ્તિત્વના ઋતને આમ પચાવવાની ખુમારી અને શક્તિ ક્યાંથી આવે છે? જવાબ મળે છે, ‘પ્રકૃતિ સાથેની એકરૂપતાથી.’ આ પરિવેશને ખલાસ કરવામાં પોતે નિમિત્ત બનવાનો છે તેનું નાયકને ખૂબ દુ:ખ થાય છે – વૃક્ષોનું ન હોવું, ખેડી શકાય તેવી ભૂમિનું ન હોવું, અને પાંખી માનવ વસ્તીનું હોવું એટલા માત્રથી કોઈ સ્થળ ઝેરી રસાયણો બનાવવા માટે યોગ્ય નથી બની જતું – ત્યારે બંગાલી કહે છે, ‘તૂ કુછ નહીં કરેગા તબ ભી સબ બદલનેવાલા હૈ. તેરે કારખાને ભી રેહેંગે તો કિતને સાલ – સૌ સાલ? દો સૌ સાલ? અનંત કાલ કે સામને ઇસકી ક્યા કીમત હૈ? પ્રકૃતિ સદાસર્વદા મુક્ત હૈ.’ નાયક અનુભવે છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણો – સ્વાભાવિકતા, નિર્દંભીપણું, અભય અને જેવા છીએ તેવા દેખાવા જેટલી સરળતા – નું દાન કરે છે. આ સચરાચરમાં ક્યાંક કોઈક છૂપો માર્ગ છે જે માર્ગે જડ અને ચેતન પરસ્પર વાર્તાલાપ કરી શકે છે. તે પ્રકૃતિ અને જીવનને એક એકમ તરીકે પોતાનામાં અનુભવતો થાય છે અને મુક્ત, નિર્બંધ, ઘોડિયે સૂતેલા બાળક જેવી ચેતના તેના આંતરબાહ્ય વિલસી રહે છે. તેને પ્રતીતિ થાય છે કે પ્રકૃતિવિમુખ જીવનશૈલીએ ચડાવેલાં આવરણો નીચે પ્રકૃતિની સર્જનાત્મક ચેતનાની શાંત લયલીલા ચાલે છે.
ઈસ્માઈલ, વાલબાઈ, જાનકી, સબૂર, પગી સરવણ, અવલ, નૂરભાઈ, બંગાળી બાબા, શામજી મુખી, વિષ્નો, ક્રિષ્નો ટંડેલ, બેલી, દયારામ, વિદેશી સાધ્વી, ગોપા આતા જેવાં પાત્રો દ્વારા કથાનક વિકસ્યું છે. ઈતિહાસ સ્વરૂપે આવતા હાદા ભટ્ટ ને લેખકનો ઘોડો કબીરો પણ અગત્યનાં પાત્રો છે. કથામાં પરાશર, ડોકટર નિખિલ, સૌમિલ અને દરિયાની જાત્રાએ આવેલા પ્રવાસી જેવા ઘણા શહેરી પાત્રો પણ આવે છે અને તેમના માટે પણ આ કથામાં જગ્યા છે છતાં ધ્રુવ ભટ્ટે તેમને સભાનતાથી માત્ર જરૂરત જેટલાં જ આલેખ્યાં છે અને પ્રાકૃતિક ગ્રામ્ય પોત જાળવ્યું છે. સૌથી રસપ્રદ પાત્રાલેખન થયું છે અવલનું. એ જાણે પાત્ર નથી, પ્રતીક છે આસપાસની સૃષ્ટિને જવાબદારીથી ચાહતા માનવ્યનું. દરિયો આ બધાની પાછળ ધીરું ધીરું ઘૂઘવ્યા કરે છે.
ઘણા સંવાદો ખૂબ સ્પર્શી જાય છે. જેમ કે, ‘દરિયો ડોલમાં નો સામે બાઈ, ને ડોલમાં તો ઘેર ક્યાં નો’તો લવાતો?’ ‘નાવ ગણો કે લોંચ, જોખમ તો બધે સરખું. બધાને બે જણ હંકારે. એક ઉપરવાળો ને બીજો દરિયો.’ ‘આ દુનિયા માથે આદમીનો કેર ઓછો છે? ઈનું હાલે તો માનાં ધાવણ સૂકવી નાખે.’ ‘એઠું વધારતા નંઈ. વધે તો ગાય-કૂતરાને નો નાખતાં. ઈનું એંઠું ખાવાની તમારી તિયારી હોય તો ખવરાવજો.’ જીવનમાંથી નીતરી આવેલા શબ્દો જાણે. અને એમાં ભળે છે તળપદા લહેકાની મીઠાશ.
દરિયો આપણને બધાંને ગમે છે. ટાગોર કહે છે, ‘આપણે ટાપુઓ જેવા છીએ. ઉપરથી અલગ, અંદરથી જોડાયેલા’ અને જેમની ચિરવિદાય હજી તાજી છે એ બશીર બદ્ર વળી એક જુદા સંદર્ભમાં કહે છે, ‘હમ ભી દરિયા હૈ, હમેં અપના હુનર માલૂમ હૈ – જિસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાયેગા’ દરિયાની વાતો દરિયા જેવી. એનો પાર ન આવે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 જૂન 2026
![]()

