9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે હું અને દિનેશકાકા (Dinesh Kanani, Marryland, USA) સુરતથી અમદાવાદ સવાણી સાહેબના પુસ્તક ‘છળકપટ’ના વિમોચન કાર્યક્રમમાં સહભાગી થવા નીકળ્યાં, ત્યારે જ રસ્તામાં અચાનક 2002ના કોમી દંગાના પોસ્ટર બોય અશોક પરમારની વાત નીકળી. એટલે મેં કહ્યું, “કાશ, આપણે એમને એક વખત રૂબરૂ મળી શકત !” અને દિનેશકાકાએ હરિભાઈ બગડાને કોલ કર્યો અને એમણે અમારો કોન્ટેક્ટ ડો. મુકેશ પરમાર સાથે કરાવ્યો. ડોકટર સાહેબે અમને અશોક મોચી સુધી પહોંચવામાં મદદ કરી.
લગભગ 11 વાગ્યાની આસપાસ અમે શાહપુર દરવાજા પહોંચ્યાં, જ્યાં ફૂટપાથ પર અશોકભાઈ બૂટ સીવતા હતા. મેં મારી ઓળખાણ આપી અને નાનકડો ઇન્ટરવ્યૂ કરવા માટે પરમિશન માંગી, જે એમણે ખુશી ખુશી આપી. ત્યારબાદ અમે એમની સાથે ઓન કેમેરા અને ઓફ કેમેરા ઘણી બધી વાત કરી. આ આખી વાતચીત દરમિયાન દિનેશકાકા પણ જોડાયેલા રહ્યા. ત્યારબાદ અમે લોકો ત્યાંથી અશોકભાઈને ઘરે પણ ગયા અને જ્યાં તેઓ જમે છે એ લોજમાં પણ ગયા.
આ મુલાકાતમાં અમે જોયું કે કેવી રીતે એક પછાત સમાજનો સામાન્ય યુવાન જે એક સમયે હિંદુત્વના નશામાં ડૂબી, પોતાની જિંદગીની અને ભવિષ્યની પરવા કર્યા વગર, ધર્મની રક્ષા કાજે ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો હતો અને આજે હિન્દુત્વવાદી-રાજમાં પણ ફૂટપાથ પર બેસી બૂટ સીવવા મજબૂર બની ગયો છે ! એટલું જ નહીં આજે એ માણસ એટલી ખરાબ હાલતમાં જીવે છે કે એ પરિસ્થિતિ બયાન કરવા માટે મારી પાસે શબ્દો ખૂટે છે. આજે એની હાલત એવી છે કે એ વ્યક્તિ બે ટંક ભરપેટ ભોજન પણ મેળવી શકતો નથી. જે લોજમાં એ જમે છે એના માલિકની માનવતાનાં કારણે એને ભૂખ્યા નથી સૂવું પડતું, પણ કેટલીયે વાર એ મહિનાઓ સુધી જમવાનું બિલ ચૂકવી શકતો નથી.
અશોકભાઈ પાસે સારાં કપડાં નથી, આધાર કાર્ડ પણ નથી કે કોઈએ તેને આધારકાર્ડ કઢાવી આપ્યું નથી. કોઈ બેંકમાં ખાતું નથી. RSS / VHP / બજરંગ દળ / કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ કોઈ મદદે ન આવ્યું. જેમણે લોકોને ઉશ્કેર્યા તે સત્તાની નિસરણી સડસડાટ ચઢી ગયા. હુલ્લડો કોઈને મહેલમાં લઈ ગયા કોઈને જેલમાં લઈ ગયા, તો કોઈને ફૂટપાથ પર જીવવા મજબૂર કરી ગયા !
અશોકભાઈને મળ્યા બાદ અમે એમને પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવવા માટે ભારપૂર્વક આમંત્રણ પાઠવ્યું. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. અમારી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમના અંતે અશોકભાઈને મંચ પર બોલાવી છળકપટ પુસ્તક આપી તેમનું સન્માન પ્રકાશ ન. શાહ / ઉત્તમભાઈ પરમાર / જગદીશ બારોટ / કિરણ ત્રિવેદી / પ્રો. હેમંતકુમાર શાહ / રમેશ સવાણી / પૂર્વ IGP શશીકાન્ત ત્રિવેદી / પૂર્વ કલેક્ટર પ્રવીબ ગઢવીએ કર્યું હતું. અશોકભાઈએ કહ્યું હતું : “2002માં અમે ધર્મવાદના છળકપટનો ભોગ બન્યા હતા. હિન્દુત્વનું કેવું છળકપટ ! મારી એટલી જ વિનંતિ છે કે હિન્દુત્વના છળકપટને ઓળખો!”
અશોકભાઈના ફોટાઓ અખબારોમાં / સામયિકોમાં આવ્યા છે. તેમના ઈન્ટરવ્યુ ચેનલોમાં ખૂબ આવ્યા છે. ઘણા પત્રકારોએ અશોકભાઈ પર સ્ટોરી કરીને વાહવાહી પણ મેળવી છે. પણ કોઈએ આજ સુધી એમને મદદ કરી નથી. આજે માનવતાવાદી / રેશનાલિસ્ટ દિનેશકાકાની પરમિશન લીધા વગર હું અહીં જાહેર કરવા માંગુ છું કે તેમણે અશોકભાઈ મોચીને મદદ માટે હાથ આગળ કર્યો. જે બદલ દિનેશકાકાને ધન્યવાદ આપવા ઘટે.
છેવટે, એટલું કહીશ કે અશોકભાઈને કદાચ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો આજે એની જિંદગીમાં એ ખૂબ જ સફળ વ્યક્તિ હોત !
[સૌજન્ય : જ્યોત્સના આહિર]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર