Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 March 2026

રવીન્દ્ર પારેખ

આંગળાં ચાટીને પેટ ભરવામાં ગુજરાતનું શિક્ષણ ખાતું, ખાસું પાવરધું થઈ ગયું છે. પ્રાથમિક શિક્ષણનો સર્વનાશ કરવામાં, બીજું કોઈ નહીં, પણ સરકાર જ જવાબદાર છે. શિક્ષકો પાસે મહિનાઓ સુધી SIRની મજૂરી કરાવીને માસ્તરો માંડ સ્કૂલે જતા થયા, ત્યાં વસ્તી ગણતરીનો વેપલો પણ તેમની જ પાસેથી કરાવવાની સરકારે પ્રતિજ્ઞા લીધી છે. તે એટલે કે સરકાર જાણે છે કે માસ્તરો તો પાળેલા છે ને તે ગમે એટલું થાય તો પણ માથું ઊંચકવાના નથી. તેમના પર ગમે એટલો બોજ પડે, તો પણ તે વેઠી જ લેવાના છે. તેમને સ્વમાન જેવું નથી કે માથું ઊંચકે. એકલદોકલ શિક્ષક હોય તો વાંધો ન ઉઠાવે, પણ આખા રાજ્યમાં હજારો શિક્ષકો પણ વિત્ત વગરનાં હોય, ત્યાં સરકાર ધારેલું કરાવે તેમાં નવાઈ નથી. BLOની કામગીરીમાં, બોર્ડની પરીક્ષામાં જોતરીને સરકાર ધરાઈ નથી, એટલે વસ્તી ગણતરી-2027 શરૂ થવા જઈ રહી છે ને તેમાં ૩૦૦થી વધુ આચાર્યો સહિત અનેક શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. આમાં અસહ્ય એ છે કે આચાર્યોને પણ જોડવામાં આવ્યા છે. આચાર્યો જો વસ્તી ગણતરીમાં જશે, તો શાળાનું સંચાલન કરવાનું જ ન રહે ને એવું થાય તો પૂરો રકાસ થઈ શકે એવું સરકારનું લક્ષ્ય છે.

વસ્તી ગણતરી તાલીમની સમાંતરે ૩ એપ્રિલથી પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, એને લીધે શિક્ષકોની ચાલી આવતી ઘટ વચ્ચે સ્કૂલોમાં શિક્ષકો ને આચાર્યો હાજર નહીં રહી શકે. એ સંજોગોમાં પરીક્ષા કેમ લેવાશે ને એમાં કેટલો ભલીવાર હશે તે પ્રશ્ન જ છે, કારણ કે શિક્ષકોની તંગી વચ્ચે અન્ય શિક્ષકોએ બેત્રણ વર્ગો સંભાળવા પડે એમ બને. આ વસ્તી ગણતરી કંઇ નજીકમાં પૂરી થવાની નથી, તે મહિનાઓ સુધી ચાલશે, એ સ્થિતિમાં બાળકોનું શિક્ષણ ને તેમની પરીક્ષાઓ કેટલી હદે પ્રભાવિત થશે, એની તો કલ્પના જ કરવાની રહે છે. શિક્ષકોની લાંબી ગેરહાજરી વચ્ચે શિક્ષણનો તો દાટ જ વળવાનો છે. સમિતિને નિર્દોષ બાળકોનાં શિક્ષણ સામે શી દુશ્મનાવટ છે, તે નથી ખબર, પણ બાળકો ભણે જ નહીં, એની પેરવીમાં સરકાર છે. વર્ગમાં શિક્ષક જાય જ નહીં ને સરકારની ઈતર પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહે એ સરકારનો એકમેવ હેતુ છે. શિક્ષક પગાર શિક્ષણનો લે ને કામ સરકારનું કરે એવી ગણતરી છે ને હવે તો શિક્ષક ઘેટાંની જેમ નતમસ્તક રહેવા ટેવાઈ ગયો છે, એટલે ચાલે છે બધું.

આ સરકાર બાળકોની શત્રુ ન હોત, તો ખાવાપીવાને મામલે તે કંજૂસની જેમ વર્તતી ન હોત. મોટે ઉપાડે સરકાર યોજનાઓ તો ઘણી કરે છે, પણ પછી તે યોજનાઓ બંધ કરે છે, અથવા તો તેમાં એવો કાપ મૂકે છે કે યોજના ચાલુ રહે કે બંધ, બહુ ફરક ના પડે. એક તરફ ‘કુપોષણ મુક્ત ગુજરાત’નો પ્રચાર થતો હોય ને તેને માટે કરોડોનો ખર્ચ થતો હોય, એ સ્થિતિમાં રાજ્યમાં બે લાખ બાળકો કુપોષિત હોવાનું સામે આવે તો સરકારનો ખર્ચ બીજાની હોજરી ભરવા જ થતો હોવાનો વહેમ પડે. રાજ્યની 32,277 શાળાઓના 38 લાખ જેટલાં બાળકોને બપોરનાં ભોજન ઉપરાંત અલ્પાહાર માટેની ‘મુખ્ય મંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવામાં આવી. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ દર વર્ષે 40 લાખ બાળકો પાછળ 1,27૩ કરોડ રૂપિયા ખર્ચાય છે. અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને કુપોષણથી બચાવવા બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓને નિયત માત્રામાં પૌષ્ટિક અલ્પાહાર, વર્ગશિક્ષણ શરૂ થાય તે પહેલાં, પ્રાર્થના સમયે આપવામાં આવતો હતો, જેની વિદ્યાર્થી દીઠ 5 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી. આટલી મોંઘવારી છતાં, 5 રૂપિયામાં સરકારે કોઈ વધારો કર્યો નથી. એથી ઊલટું આર્થિક ભારણ વધારાનાં બહાના હેઠળ પાંચ રૂપિયામાં જ 50 ગ્રામનો નાસ્તો ઘટાડીને સરેરાશ 46.83 ગ્રામ કરી દેવામાં આવ્યો હતો. આમ દશાંશ પદ્ધતિ મુજબ નાસ્તો આપવો પડે કે 50ના 38 ગ્રામ સુધી તે ઘટી આવે, તો આ બધું કોને માટે થાય છે એ સરકાર નથી જાણતી?

નાસ્તામાં થોડી વધઘટ તો સહજ ગણાય, પણ સરકાર એટલી બધી ગરીબ થઈ ગઈ છે કે ગ્રામ, અડધા ગ્રામ જોખીતોળીને કટોકટ નાસ્તો આપવો પડે? એ નાસ્તો સ્કૂલનાં બાળકોને આપવાનો છે, તો એને થોડો વધારે અપાય તો એને પોષણ જ મળશે, તેને બદલે ગ્રામ, મિલિગ્રામ સુધીની કરકસર કરવી પડે ને એનો સરકારને સંકોચ ન હોય એ શરમજનક છે. એની સામે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા પાંચના સાત રૂપિયા કરવાની માંગણી મૂકવામાં આવી છે.

ટૂંકમાં, 5ના 7 તો થાય એમ ન હતું, પણ અલ્પાહાર ઘટાડવાનું તો સહેલું હતું ને એ જ થયું. નાસ્તાના વજનમાં ઘટાડો કરીને તે 38 ગ્રામ સુધી લઈ જવાયો છે. આ નાસ્તાઓમાં ચાટ, પૌંઆ, ઉપમા વગેરે હતાં, આ 38 ગ્રામનો જથ્થો વિદ્યાર્થીઓને કેટલાં પોષિત રાખશે તે પ્રશ્ન જ છે, પણ એમાં ધોરણ પાંચથી સાતના મોટા વિદ્યાર્થીઓએ આંગળાં ચાટીને પેટ ભરવું પડે એમ બને. આટલો ઓછો નાસ્તો હોય તો એક બે ચમચીમાં કે એક બે ટુકડામાં જ પતી જાય. નાસ્તો કર્યા પછી પણ નાસ્તો કર્યા જેવું લાગે જ નહીં, એવું તો ન થાય ને ! ટૂંકમાં, આ નાસ્તો અપૂરતો છે. બાકી, હતું તે સરકારે 30 કરોડ બચાવવા બાળકોને સુખડી અપાતી હતી તે બંધ કરી. 2013-2014માં ‘પી.એમ. પોષણ યોજના’ અંતર્ગત અઠવાડિયામાં એક વાર સુખડી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેને માટે 16 કરોડ આપવામાં આવતા હતા. એમાં 2024માં 14 કરોડનો વધારો કરવામાં આવ્યો ને ૩૦ કરોડને ખર્ચે બનતી સુખડી દર ગુરુવારે બાળકોને અપાતી હતી, તે યોજના હાલ કોઈ જ કારણ વગર સદંતર બંધ કરી દેવાઈ છે.

આ આખો વેપલો એન.જી.ઓ.ને આધારે થઇ રહ્યો છે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઈઝ કિચન દ્વારા 5,000 જેટલાં કેન્દ્રો પર ભોજન પહોંચાડવાની કામગીરી એન.જી.ઓ.ને સોંપવામાં આવી છે. એમાં રમત એ છે કે જે શાળાઓમાં ભોજન તૈયાર થાય છે તેને એન.જી.ઓ. કરતાં ઓછી રકમ આપવામાં આવે છે. વળી જિલ્લા કે તાલુકા મથકે સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા તૈયાર થયેલું ભોજન બાળકો સુધી પહોંચતામાં ટાઢું પડી ગયું હોય છે. સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભોજન લીધાના બે કલાકમાં તાજી સુખડી આપવી, પણ હકીકત એ છે કે ભોજન તૈયાર કરનાર કૂક-કમ-હેલ્પરો ને ચૂકવવામાં આવતું વેતન, લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું છે. મતલબ કે સરકારી કામોમાં પણ શોષણ ને ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે, એનો આ નમૂનો છે.

2026માં કોઈ દુકાનમાં 5 રૂપિયામાં નાસ્તો મળતો નથી. 20 રૂપિયાથી ઓછામાં નાસ્તો મળશે નહીં, એવાં પાટિયાં મારેલાં હોય છે ને સરકાર 5 રૂપિયામાં નાસ્તાનું વજન ઘટાડતાં જઈને પૌષ્ટિક (?)નાસ્તો આપે છે. એ નાસ્તો કેવી રીતે બનતો હશે ને કેવો હશે તે કહેવાની જરૂર નથી. જેને નાસ્તાનો કોન્ટ્રાક્ટ અપાયો હશે, તે ખોટ ખાઈને તો નાસ્તો બનાવવાનો નથી. એ જે મટિરિયલ વાપરશે તેની ગુણવત્તાના પ્રશ્નો હશે, તો 5 રૂપિયામાં એ પૌષ્ટિક કેવી રીતે હશે ને સવાલોનો સવાલ તો એ છે કે આટલી કરકસર સરકાર પોતાને માટે કરે છે? તેના મંત્રીઓ, નેતાઓ, ગ્રામ, મિલિગ્રામમાં તોલીને નાસ્તો કે ભોજન લે છે? સરકારના મેળાવડાઓ કે સરકારી તાયફાઓમાં નાસ્તાપાણી થાય છે કે જમવાના થાળ બને છે, તેમાં સરકાર કેટલી કરકસર કરે છે તે દુનિયા જાણે છે. એકતરફ કરોડોનો ધુમાડો થતો હોય ને બીજી તરફ જેમને પોષણની જરૂર છે તેવાં બાળકોને નાસ્તો આપવામાં કરકસર થાય તે ઠીક નથી. પૈસા ઉડાવાય નહીં તે ખરું, પણ ગુણવત્તાને ભોગે કેવળ કંજૂસાઈ જ થાય, તો તે બધી રીતે અક્ષમ્ય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 માર્ચ 2026

Loading

સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 March 2026

જ્યારે ભવિષ્યમાં હોર્મુઝમાં વિક્ષેપ ઊભો થશે, ત્યારે ભારત પાસે પોતાના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરે એવા સંબંધો છે ખરા કે પછી ભારતને ભાગે વેઠવાનું જ આવશેનો સવાલ માત્ર સૈદ્ધાંતિક બનીને નહીં રહી જાય. 

ચિરંતના ભટ્ટ

પશ્ચિમ એશિયામાં સંજોગો તંગ બની રહ્યા છે ત્યારે પાણીનાં વહેણનો એક સાંકડો પટ્ટો જે માંડ 30–35 કિલોમીટર પહોળો છે તે સતત ચર્ચાઈ રહ્યો છે. લોકોને તેને વિશે કદાચ બહુ ખબર હોય એ જરૂરી નથી, પણ એનું નામ ચોક્કસ ખબર પડી ગઈ છે. હોર્મુઝની જળસંધિ (Strait of Hormuz) ભારતમાં ભાગ્યે જ હેડલાઇન્સમાં રહે છે. રાજકીય ભાષણોમાં પણ તેનો ઉલ્લેખ ઓછો થાય છે. છતાં, હકીકત એ છે કે આ જળમાર્ગ ભારતની આર્થિક સ્થિરતાને સીધો અસર કરે છે. ભારત તેના ક્રૂડ ઓઇલનો લગભગ 85% આયાત કરે છે. તેમાંના 55–60% ગલ્ફ દેશોમાંથી આવે છે. આ નિર્ભરતા નવી નથી, વર્ષોથી PPACના ડેટામાં સ્પષ્ટ દેખાય છે. ઇરાક અને સાઉદી અરેબિયા હંમેશાં ટોચ પર રહે છે. અને આ બધું ઓઇલ એક જ રસ્તેથી પસાર થાય છે, હોર્મુઝ. વિશ્વના કુલ ઓઇલ વેપારનો લગભગ પાંચમો ભાગ અહીંથી જાય છે. આ ભારત માટે માત્ર ભૌગોલિક બાબત નથી. આ એક સીધી નિર્ભરતા છે. જે શાંતિથી ચાલે છે, જ્યાં સુધી કંઈ ખલેલ ન આવે.

કિતને દૂર કિતને પાસ?

આપણને એમ માનવું ગમે તે સ્વાભાવિક છે કે આપણા દેશની સરહદોથી જોજનો દૂર થતા સંઘર્ષોની અસર આપણને નથી થતી, પણ આ કોઈ પારસી બાવા જેવું નામ ધરાવતી હોર્મુઝ જળસંઘી આ જ માન્યતાને ખોટી સાબિત કરે છે. 

અહીં વિક્ષેપ માટે નાકાબંધી જેવી મોટી ઘટના જરૂરી નથી. થોડો તણાવ વધે, શિપિંગને ધમકીઓ મળે, ટેન્કર સાથે નાની ઘટનાઓ બને કે નૌકાદળની હાજરી વધી જાય, અને તરત જ વૈશ્વિક પ્રતિક્રિયા શરૂ થાય છે. ઓઇલ માર્કેટ બહુ સંવેદનશીલ હોય છે. ઘણીવાર વાસ્તવિકતા કરતાં ધારણાઓ જ ભાવ વધારવા માટે પૂરતી હોય છે. અને તેની અસર ભારત પર ઝડપથી દેખાય છે.

ઈંધણના ભાવ વધે છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ મોંઘું થાય છે. હવાઈ ભાડાં વધી જાય છે. શિપિંગમાં વિલંબ થાય એટલે સપ્લાય ચેન ધીમી પડે છે. આયાત બિલ વધે છે અને રૂપિયા પર દબાણ આવે છે. પછી ધીમે ધીમે મોંઘવારી વધે છે.

આ બધું સમાચારોમાં નથી ઝળકતું પણ સામાન્ય માણસને રોજેરોજ કોઈને કોઈ રીતે તેના ભોગ બનવું પડે છે. ક્યારેક પેટ્રોલ પંપ પર વધુ પૈસા ચૂકવીને, ઘરખર્ચમાં ફેરફાર કરીને, અથવા વેપારમાં વધેલા ખર્ચનો સામનો કરીને. યુદ્ધની અસરો વેઠવા માટે આપણે આપણા દેશ પર કોઈ મિસાઈલ પડે તેની રાહ જોવાની જરૂર નથી.

વિક્ષેપનું અર્થશાસ્ત્ર

આ નવી પરિસ્થિતિ નથી. ગલ્ફમાં તણાવ વધે ત્યારે આપણે આ બધું અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. એરલાઇન્સને ફ્લાઇટ રૂટ બદલવા પડે છે, જેના કારણે મુસાફરીનો સમય અને ઇંધણ બંને વધે છે. શિપિંગ સમયપત્રક ખોરવાય છે. એનર્જી માર્કેટ અસ્થિર બને છે.

ભારત જેવા દેશમાં, જ્યાં ઇંધણની કિંમત લગભગ દરેક ક્ષેત્રને અસર કરે છે, ત્યાં આ ડોમિનો ઇફેક્ટ ખૂબ વ્યાપક બને છે. ટ્રાન્સપોર્ટેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ, કૃષિથી લઈને ઘરખર્ચ વગેરે બધું તેની અસર હેઠળ આવે છે. પરંતુ અહીં એક વધુ અગત્યની વાત છે. આ સમસ્યાનું મૂળ ભારતની બહાર છે. એટલે આપણો પ્રતિભાવ મોટા ભાગે પ્રતિક્રિયાત્મક જ રહે છે. આંચકો આપણને લાગે છે, પરંતુ કારણ ક્યાંક બીજે હોય છે.

ઊર્જા સુરક્ષા, કે પછી વ્યૂહાત્મક ભ્રમ?

ભારતે આ પડકારને અવગણ્યો નથી. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ જે મેંગલુરુ અને પાડુરમાં છે તે આપણને ઊર્જાને મામલૈ આશરે 9–10 દિવસનો બફર આપે છે. સપ્લાયરોનું ડાયવર્સિફિકેશન કરવામાં આવ્યું છે. અને 2022 પછી રશિયન ક્રૂડ ઓઇલ મોટી માત્રામાં આવ્યું છે, જે હવે ભારતની કુલ આયાતમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. આ છેલ્લા ફેરફાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. 

રશિયન ઓઇલ તરફ ભારતનો વળાંક છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટો બદલાવ છે. એક રીતે જોઇએ તો લાગે છે કે ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટી છે. પરંતુ હકીકતમાં હોર્મુઝ પરની નિર્ભરતા હજી પણ યથાવત છે. કારણ કે રશિયન ઓઇલના ભાવ પણ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે, જે પર પશ્ચિમ એશિયાનો પ્રભાવ રહે છે. સાથે સાથે, રશિયન સપ્લાય પોતે પણ સ્થિર નથી કારણ કે તેની પર પ્રતિબંધો, રાજકીય દબાણ અને યુક્રેન યુદ્ધની અસર છે. એટલે જો ત્યાં કોઈ ખલેલ પડે, તો ભારત પાસે વિકલ્પો બહુ મર્યાદિત રહી જાય છે. ટૂંકમાં સપ્લાયર બદલાયો છે, જોખમ ઓછું નથી થયું.

ચાબહાર : વિકલ્પ કે મર્યાદા?

ચાબહાર પોર્ટ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલને ઘણીવાર કોરિડોરના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવે છે. સિદ્ધાંતની દૃષ્ટિએ આ તર્ક સાચો છે. આ એક એવો માર્ગ છે જે ગલ્ફને બાયપાસ કરીને મધ્ય એશિયા સુધી પહોંચે છે. પરંતુ હકીકતમાં, આ પ્રોજેક્ટ હજુ તેની સંપૂર્ણ ક્ષમતાએ પહોંચ્યો નથી. ઈરાન પરના યુ.એસ. પ્રતિબંધોએ દરેક તબક્કે ભારતીય રોકાણ માટે મુશ્કેલી ખડી કરી છે. ચાબહારથી આગળ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધીની કનેક્ટિવિટી હજુ પણ અધૂરી છે. ભારત પણ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે સંતુલન જાળવવામાં સાવચેત રહ્યો છે. ચાબહાર એક કાર્ચરત બાયપાસ ઓછો અને એક રાજદ્વારી મુદ્દો વધારે છે. નીતિઓની દૃષ્ટિએ ભારત ભલે ઊર્જા-સુરક્ષિત દેખાય, પરંતુ ભૌગોલિક રીતે તે હજુ પણ ઊર્જાની બાબતમાં આપણે એટલા મજબૂત નથી.

ડાયવર્સિફિકેશનની મર્યાદાઓ

ડાયવર્સિફિકેશને વારંવાર ઊર્જા અસુરક્ષાના મુખ્ય ઉકેલ તરીકે રજૂ કરાય છે. તમને ઊર્જા વેચતો વેપારી બદલો અને તમારું જોખમ ઘટાડો. આ જેટલું લાગે છે એટલું સરળ નથી. ઓઇલ માર્કેટ્સ ગ્લોબલ છે. ગલ્ફમાં થતો કોઈ પણ વિક્ષેપ દરેક જગ્યાએ અસર કરે છે, આમ બધા પ્રદેશોમાં ઓઈલનો ભાવ વધે છે. 

જ્યારે ભારત ગલ્ફ સિવાયના સપ્લાયર્સ પાસેથી ઓઇલ આયાત કરે છે ત્યારે પણ, તે હોર્મુઝની ઘટનાઓને આધારે નક્કી થતા ભાવના ડાયનેમિક્સથી સંપૂર્ણપણે નથી બચી શકતો. બેન્ચમાર્ક બદલાય છે, અને અસર ભારત સુધી પહોંચે છે. લૉજિસ્ટિક્સ આ સમીકરણને વધુ જટિલ બનાવે છે. વૈશ્વિક શિપિંગ માર્ગો ચેકપોઇન્ટ્સ પર એકબીજાને છેદે છે. એટલે સપ્લાયર બદલવાથી વેપારની ભૂગોળ બદલાતી નથી.

આ સમીકરણમાં ચીન માત્ર એક મૂક પ્રેક્ષક નથી હિંદ મહાસાગરમાં તેની નૌકાદળની હાજરી સતત વધી રહી છે. ગ્વાદરથી લઈને જીબુટી સુધી તેનું પોર્ટ નેટવર્ક વિસ્તરી રહ્યું છે. ગલ્ફ દેશો સાથે તેની સુરક્ષા ભાગીદારી પણ ગાઢ બની રહી છે. બેઇજિંગ જાણીજોઈને એ જ કોરિડોર પર પોતાનો પ્રભાવ વધારે છે, જેની પર ભારતનો આધાર છે. એ સ્વીકારવું પડશે કે ભારતની આ નબળાઈ માત્ર માળખાગત નથી સ્પર્ધાત્મક પણ છે. 

એક વ્યૂહાત્મક પ્રશ્ન જેને ભારત ટાળી શકે તેમ નથી

ભારતની અર્થવ્યવસ્થાને સતત અને સસ્તી ઊર્જાની જરૂર છે. પરંતુ એ ઊર્જા એક એવા માર્ગ પર આધારિત છે, જેનું સુકાન કોઈપણ રીતે, જરાક જેટલું પણ ભારત પાસે નથી. આ સ્વીકારી શકાય તેવી બાબત છે પણ અવગણી ન શકાય. એટલે જ આપણી પકડ વધે, આપણી ક્ષમતા વધે તે જરૂરી છે. સ્પર્ધામાં પડવામાં સાર નથી તે આપણે જાણીએ છીએ પણ શક્તિ પ્રદર્શનમાં આપણે પાછા નથી પડતા. ભારતીય નૌકાદળ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં પહેલેથી જ કામ કરી રહ્યું છે. ચાંચિયાગીરી સામેની કામગીરીને કારણે ભારતને આ વિસ્તાર સારી પેઠે જાણે છે, એટલે તૈયારીમાં કોઈ ખામી નથી. અહીં પ્રશ્ન ક્ષમતાનો નહીં પ્રાથમિકતાનો છે, એનર્જી માર્ગોને સુરક્ષિત રાખવા એ ઇચ્છા નહીં, જવાબદારી બની જવી જોઇએ. 

પ્રાદેશિક ભાગીદારીનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકે છે. I2U2 ગ્રૂપ એટલે કે, ભારત, ઇઝરાયેલ, યુ.એઈ. અને યુનાઇટેડ સ્ટેટ્સનો ઉપયોગ હજી પૂરતી ક્ષમતામાં નથી કરાયો. ઓમાન સાથેના સંબંધો, ખાસ કરીને દુકમ પોર્ટ એક્સેસ, શાંતિથી અસરકારક સાબિત થયા છે. આ તમામ પ્રયાસોને એક સાથે જોવાની જરૂર છે, અલગ-અલગ પહેલ તરીકે નહીં.

આનાથી વધુ અઘરી બાબત છે વોશિંગ્ટન સાથે વાત કરવામાં છે, આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતાથી અમેરિકાને ફાયદો બહુ થયો છે પણ કટોકટીમાં સ્વાયત્તતાની કિંમત ચૂકવવી પડે છે. જ્યારે ભવિષ્યમાં હોર્મુઝમાં વિક્ષેપ ઊભો થશે, ત્યારે ભારત પાસે પોતાના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરે એવા સંબંધો છે ખરા કે પછી ભારતને ભાગે વેઠવાનું જ આવશેનો સવાલ માત્ર સૈદ્ધાંતિક બનીને નહીં રહી જાય. 

બાય ધી વેઃ 

વૈશ્વિક મહાસત્તાઓ પોતાના જરૂરી કોરિડોરને ગઠબંધન અને સતત હાજરીથી સુરક્ષિત રાખે છે. ભારત માટે હોર્મુઝ એવી નબળી કડી છે જેને અવગણવી હવે શક્ય નથી. કારણ કે ત્યાં થતો દરેક ફેરફાર સીધો આપણા ખિસ્સા સુધી પહોંચે છે, ઈંધણના ભાવથી લઈને મોંઘવારી સુધી. ભારતનો આર્થિક વ્યાપ મોટો છે, પરંતુ તેની સ્થિરતા હજી એક સાંકડા જળમાર્ગ પર આધારિત છે. મહત્ત્વાકાંક્ષા મોટી છે, પણ નિર્ભરતાનો પ્રશ્ન હજી અનઉત્તરિત છે. હવે સવાલ એક જ છે, હોર્મુઝ શાંત રહે ત્યાં સુધી રાહ જોવી કે સમય રહેતાં તૈયાર થવું?

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 માર્ચ 2026
courtesy : Strait of Hormuz : “The New York Times”

Loading

ચલ મન મુંબઈ નગરી—334

દીપક મહેતા|Opinion - Opinion|28 March 2026

માઈ નેમ ઈઝ એન્થની ગોનસાલવેસ : ગોવાથી આવીને મુંબઈ વસેલા ખ્રિસ્તીઓ           

माई नेम इझ एन्थनी गोनसालवेस
मैं इस दुनिया में अकेला हूँ

दिल भी है खाली, घर भी है खाली
इसमें रहेगी कोई किस्मत वाली
हाए, जिसे मेरी याद आए, जब चाहे चली आए
जिसे मेरी याद आए, जब चाहे चली आए
रूप महल, प्रेम गली, खोली नंबर ४२०
एक्सक्युझ मी प्लीझ

माई नेम इझ एन्थनी गोनसालवेस

છેક ૧૯૭૭માં આવેલી ફિલ્મ ‘અમર, અકબર, એન્થની’નું આ ગીત આજે પણ ઘણાંને યાદ હશે. તેમાં ખ્રિસ્તી એન્થનીનું પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચન અને કિશોરકુમારે ગાયેલું આ ગીત અને જેમાં એ આવતું હતું તે ફિલ્મ એક જમાનાના મુંબઈની ‘સર્વધર્મસમભાવ’ની ભાવનાનું એક ઉદાહરણ હતી. અને છતાં એ વખતે, અને આજે પણ, ઘણા મુંબઈવાસીઓ બધા ખ્રિસ્તીઓને એક સરખા જ માને છે. પણ ગયે વખતે આપણે જેને વિષે વાત કરેલી તે બોમ્બે ઇસ્ટ ઇન્ડિયન્સ અને આ એન્થની ગોનસાલવેસ જેવા ગોવાના ખ્રિસ્તીઓ, બંને પોતપોતાની જમાતને અલગ માને. બંને વચ્ચે નોકરીઓ અને સામાજિક દરજ્જા અંગે થોડી ખેંચતાણ પણ ખરી. પણ ગોવાના ખ્રિસ્તીઓ વિષે વાત કરતાં પહેલાં એક બીજી વાત. આ ગીત અને ફિલ્મમાં જે નામ આવે છે, એન્થની ગોનસાલવેસ, એ કાલ્પનિક નામ નથી. એ વખતે જાણીતા એવા એક ગોવાના ખ્રિસ્તી સંગીતકારનું હતું એ નામ. ૧૯૫૦ના અરસામાં હિન્દી ફિલ્મોમાં એમનું નામ અવારનવાર ઝલળકતું. ગોવાના માજોર્ડા ગામે ૧૯૨૭માં તેમનો જન્મ. આખું નામ એન્થની પ્રભુ ગોનસાલવેસ. નૌશાદસાહેબ સાથે વાયોલીનવાદક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત. પછી આર.ડી. બર્મન અને (લક્ષ્મીકાન્ત) પ્યારેલાલજી જેવા ધરખમ સંગીતકારોને પોતાને ઘરે બોલાવી, ટ્યૂશન આપી, વાયોલીન વગાડતાં શીખવ્યું. અમર અકબર એન્થની ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે પહેલાં અમિતાભ બચ્ચનના પાત્રનું નામ હતું એન્થની ફર્નાનડિસ. ત્યારે પ્યારેલાલજીએ દિગ્દર્શક મનમોહન દેસાઈને ખાસ વિનતી કરીને તેનું નામ બદલીને એન્થની ગોનસાલવેસ કરાવ્યું અને આ ગીત દ્વારા પોતાના ગુરુ પ્રત્યેનું ઋણ અદા કર્યું. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અસલ એન્થની ગોન્સાલવેસ હિન્દુસ્તાન છોડીને અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં સેરાક્યૂઝ યુનિવર્સિટીમાં ગોવન-હિન્દુસ્તાની ફયુઝન જાઝ મ્યુઝીક પર ઘણું કામ કર્યું. પણ પછી સ્વદેશ પાછા ફરી ગોવામાં સ્થાયી થયા. ત્યાં જ ૨૦૧૨માં તેમનું અવસાન થયું.

ગોવન ખ્રિસ્તી વર–વધૂ  

પણ હવે પાછા વળીએ મુંબઈના ગોવાન ખ્રિસ્તીઓ તરફ. ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચારની શરૂઆત ક્યારથી થઈ એ અંગે મતભેદ છે. એક માન્યતા પ્રમાણે ભગવાન ઈશુના બાર ‘એપોસ્ટલ’માંના એક સેન્ટ બાર્થોમેલો હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમણે કોંકણ અને ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારની શરૂઆત કરી હતી. છેક ૧૫૧૦માં પોર્ટુગીઝોએ બીજાપુરના સુલતાન પાસેથી ગોવા જીતી લીધું. ત્યારબાદ તેમણે ધર્માંતરણની શરૂઆત કરી. તે માટે ગરીબ લોકોને તેઓ ચોખાનું ‘દાન’ આપતા તો મધ્યમ વર્ગના લોકોને સરકારી નોકરીની લાલચ આપતા. બીજા રાજાઓના મુલકમાં પણ ધર્મ પ્રચાર થઈ શકે તે માટે પોર્ટુગીઝ સરકાર તેમને લશ્કરી મદદ આપતી. ઈ.સ. ૧૫૪૨માં સોસાયટી ઓફ જિસસના બે સ્થાપકોમાંના એક સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ગોવા આવ્યા. તે પછી ખ્રિસ્તી ધર્મના પ્રચારે વધુ જોર પકડ્યું. ઈ.સ ૧૫૬૦માં પોર્ટુગીઝ સરકારે બિન ખ્રિસ્તીઓ માટે ખૂબ આકરા કાયદા અમલમાં મૂક્યા. ખ્રિસ્તી ધર્મ સિવાયના બીજા કોઈ પણ ધર્મના પાલન પર પ્રતિબંધ મૂક્યો. ખ્રિસ્તીઓ માટે પણ ઘણા કડક કાયદા અમલમાં મૂક્યા. તેથી એ વખતે ઘણા ખ્રિસ્તીઓ ગોવા છોડીને બીજે ગયા. તેમાંના કેટલાક મુંબઈ આવી વસ્યા. મુંબઈમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો તે પછી તેમને સરકારી જુલમનો સામનો કરવાનો રહ્યો નહિ. બલકે અંગ્રેજી ભાષાની સારી જાણકારીને લીધે સરકારી અને બીજી નોકરીઓમાં તેમને માટે સારી તકો ઊભી થઈ. વખત જતાં આઝાદી માટેની લડતમાં પણ મુંબઈના ગોવન ખ્રિસ્તીઓએ ભાગ લીધો. અને ખુદ ગોવાની આઝાદી માટેની લડતમાં તો મુંબઈના ગોવન ખ્રિસ્તીઓ અગ્રેસર રહ્યા. અગાઉ ગોવન ખ્રિસ્તીઓએ ડીસૂઝા, રોડરિક્સ, ફર્નાનડિસ, પિન્ટો જેવી પોર્ટુગીઝ અટકો અપનાવી હતી તે ચાલુ રાખી. તો બીજી બાજુ મુંબઈના કેટલાક ગોવાનીઝ ખ્રિસ્તીઓ ધર્માંતરણ પહેલાંની પોતાની પ્રભુ, કામથ, નાયક, શેટ, શેનોય, જેવી અટકો જ આજે પણ વાપરે છે. ગોવાનીઝ ખ્રિસ્તીઓઓ મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓએ પહેલાં તો તેમને પોતાના હરીફ તરીકે જોયા હતા. ગોવાથી આવેલા ખ્રિસ્તીઓ મુંબઈમાં ગીરગામ, કાલબાદેવી, વાંદરા જેવા વિસ્તારોમાં વસ્યા. 

સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સ ચર્ચ, બરોઝ ક્રોસ લેન 

આ લખનારને આજે પણ બરાબર યાદ છે એ ગીરગામના વસવાટના એ દિવસો. ગીરગામ રોડ પરની નાના શંકર શેઠની વાડીથી શરૂ કરીને લગભગ પ્રિન્સેસ સ્ટ્રીટ સુધી મુખ્ય વસતી ગોવન ખ્રિસ્તીઓની. નાતાલ શરૂ થવાના થોડા દિવસ અગાઉથી ફૂટપાથ પર ચીની સ્ત્રીઓ (હા, જી. એ વખતે મુંબઈમાં ચીનાઓની સારી એવી વસતી હતી. તેમાંના ઘણા દાંતના ડોક્ટર હતા.) સ્ત્રીઓ ફૂટપાથ પર દુકાન માંડીને ચીકણા કાગળનાં સ્ટાર, ફોલ્ડિંગ તોરણો, બીજાં સુશોભનો વેચવા લાગે. (આ બધું જ એ વખતે રંગબેરંગી કાગળનું બનતું, કારણ ‘પ્લાસ્ટિક’ નામના બહુમુખી ઓક્ટોપસે હજી દેખા દીધી નહોતી. અહીંથી ખરીદી કરીને ખ્રિસ્તીઓ પોતાનાં ઘરને બહારથી અને અંદરથી શણગારે. સાથે ઇલેક્ટ્રિક લાઈટની રોશની તો ખરી જ. ડિસેમ્બરની ૨૪મીની અને ૩૧મીની રાતે બરાબર બાર વાગે થોડે દૂરની બરોઝ ક્રોસ લેનમાં ૧૮૭૦માં બંધાયેલી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચમાં ઘંટારવ શરૂ થાય. ઘણા ખ્રિસ્તીઓ રસ્તા પર આવી નાચે, પીપુડાં વગાડે, ફટાકડા પણ ફોડે.

ગીરગામનું ખ્રિસ્તી કબ્રસ્તાન 

બીજી યાદ તે તેમના ફ્યુનરલ પ્રોસેશનની. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચની પાછળ જ એ વખતે આવેલું હતું ખ્રિસ્તી કબ્રસ્તાન. પછીથી એ બધી જમીન એક પૈસોય લીધા વગર ખ્રિસ્તીઓએ સરકારને આપી દીધી, સરસ બગીચો બનાવવા. આજે એ જગ્યા પર સ.કા. પાટિલ ઉદ્યાન આવેલો છે. જગ્યા આપતી વખતે બે જ શરત: એક, યાદગીરી કહો કે સ્મારક કહો, બગીચામાં એક – માત્ર એક જ, કબર રહેવા દેવાની. બીજી બધી કબર ઉખેડી નાખવાની. અને બીજી શરત એ કે આ જગ્યાના કોઈ પણ ભાગનો ઉપયોગ આવક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ માટે કરવાનો નહિ. એ વખતે ફ્યુનરલ પ્રોસેશનમાં બધું જ સફેદ. પારદર્શક કાચ બધી બાજુ મઢેલી મોટી સફેદ મોટર કહેતાં હર્સ. તેમાં સફેદ કોફીનમાં મૂકાયેલો સફેદ કપડામાં સજ્જ પાર્થિવ દેહ. તેના પર અને હર્સની બધી બાજુ સફેદ ફૂલોની બનેલી રીધ (ગોળાકાર પુષ્પમાળા). તેની પાછળ શોક સંગીત વગાડતું નાનું બેન્ડ. પાછળ ચાલતાં બધાં સ્ત્રી-પુરુષ સફેદ કપડામાં સજ્જ. એ બધું બહુ જ ગરિમા ભરી વિદાય જેવું લાગે. પણ પછી એ કબ્રસ્તાન ગયું. પછી એ ફ્યુનરલ પ્રોસેશન પણ ગીરગામ રોડ પરથી નીકળતાં લગભગ બંધ થયાં. 

ગીરગામના ખ્રિસ્તી કબ્રસ્તાનની જગ્યાએ બનેલ સ.કા. પાટિલ ઉદ્યાન 

 તો બીજી બાજુ આ જ ગોવન ખ્રિસ્તી સમાજમાં જળવાઈ રહેલા કેટલાક રિવાજો જોઈ આપણને સહેજ નવાઈ લાગે. લગ્ન વખતે નવવધૂ માટે હાથમાં ‘ચૂડો’ પહેરવાનું લગભગ ફરજિયાત. એનો રંગ અને એની ડિઝાઈન અમુક ચોક્કસ જાતનાં, અને તેને માટે વપરાતો શબ્દ પણ ‘ચૂડો.’ લગ્ન અગાઉ વિધિપૂર્વક મણિયાર (ચૂડા બનાવનાર) પાસેથી ખરીદવાનો. તેને એ લોકો ‘કંકણકાર’ કહે. બરાબર માપ લઈને પહેરાવવા માટે કંકણકારને નવવધૂને ઘરે તેડાવાય. એ વિધિ થાય કન્યાના મામાના ઘરે. અગાઉ તો પતિનું અવસાન થાય ત્યારે તેના કોફિન સાથે હાથનાં કાંડાં પછાડીને એ કાચનો ચૂડો તોડીને તેના ટુકડા પતિના કોફીનમાં નાખવાનો રિવાજ હતો. 

લગ્ન પહેલાંનો બીજો એક વિધિ તે ‘ભુઈમ જેવોણ’ અથવા ‘બિકારામચે જેવોણ’. પૂર્વજોની યાદમાં અપાતા આ જમણમાં મોટે ભાગે આસપાસના ભીખારીઓ અને ગરીબગુરબાંને જમાડવામાં આવે. સાથોસાથ અનાથાશ્રમનાં બાળકોને અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ જમાડવામાં આવે. આ રીતે તેમને જમાડવાથી તેમની ભલી દુઆઓ નવદંપતીને મળે એવી માન્યતા. 

લગ્ન વખતની બીજી એક વિધિ તે ‘હલદી કંકુ’ કે પીઠીને મળતી આવતી ‘રોસ’ની વિધિ. તેમાં વર-વધૂ બંનેને નાળિયેરનાં દૂધથી નવડાવવામાં આવે. બંને પક્ષનાં સગાંઓ તેમાં આનંદપૂર્વક ભાગ લે. નવડાવતી વખતે વરવધૂનાં માથાં પર ઈંડાં પણ ફોડવામાં આવે. તેમના શરીર પર ઢોળવામાં આવેલું દૂધ એક વાસણમાં એકઠું કરવામાં આવે. હાજર રહેલાં સગાં-સંબંધી તેમાં નાના મોટા સિક્કા નાખે. વિધિ પૂરો થયા પછી એ સિક્કા કાં ગરીબોમાં વહેંચી દેવાય, કાં ઘરના નોકરોને આપી દેવાય. આ વિધિ પૂરો થયા પછી કન્યાને જે વસ્ત્રો પહેરાવવામાં આવે તેના પર ઈશુ ખ્રિસ્તની નાનકડી છબી ચીતરેલી હોય જેથી બીજાની બુરી નજર કન્યાને લાગે નહિ. 

ચર્ચમાં લગ્નવિધિ થઈ જાય તે પછી નવવધૂને ‘સાડો’ આપવાનો રિવાજ. પણ આ ‘સાડો’ એટલે સાડી નહિ, લાલ રંગનો પોશાક. વર પક્ષ તરફથી નવવધૂને આ ‘સાડો’ અપાય. એ આપ્યા પછી તેને આખા ઘરમાં ફેરવવામાં આવે. લગ્નના બીજા દિવસે નવવધૂ પાછી પિતાને ઘરે જાય ત્યારે ત્યાં પણ તેને આવો ‘સાડો’ આપવામાં આવે. લગ્ન પછી કન્યાનાં માતાપિતા વર પક્ષના લોકોને જમવા બોલાવે ત્યારે (અથવા હવે રિસેપ્શનમાં) નવવધૂ આ ‘સાડો’ પહેરે.

આજે વાતની શરૂઆત એક ફિલ્મી ગીતથી કરેલી. તો છેવટે સાંભળીએ રાજકપૂરની ધૂમ મચાવનારી, અને ગોવન ખ્રિસ્તી નાયિકા ધરાવતી ફિલ્મ ‘બોબી’ના ગીતની એક કડી. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર ફરી એ જ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, અને ગાયકો મન્ના ડે અને શૈલેન્દ્ર સિંહ.

ना जानू मुल्ला काज़ी,
ना जानू काबा काशी,
मैं तो हूँ प्रेम प्यासा रे.
मेरे सपनों की रानी,
होगी तुमको हैरानी,
मैं तो तेरा दीवाना रे.

હવે આવતે શનિવારે મુંબઈના કયા દિવાનાની વાત? રાહ જુઓ. 

સપનાંઓમાં જાગતું શહેર પુસ્તકનો પ્રકાશન સમારંભ

આ કોલમમાં પ્રગટ થયેલા લેખોમાંથી પસંદ કરેલા ૮૦ જેટલા લેખોનું પુસ્તક ‘સપનાંઓમાં જાગતું શહેર’ આવતી કાલે (રવિવાર, ૨૯ માર્ચ) પ્રગટ થઈ રહ્યું છે. અમદાવાદના નવજીવન સાંપ્રત દ્વારા પ્રકાશિત આ પુસ્તકનો વિમોચન સમારંભ સાંજે છ વાગ્યે જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સાંજના ૬ વાગ્યે યોજાયો છે. આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક દીપક મહેતા, જાણીતા સમાજશાસ્ત્રી, અધ્યાપક અને સંશોધક ડો. ખેવના દેસાઈ, સાહિત્ય, નાટક, ફિલ્મ, સંગીત, અને બીજી કલાઓ સાથે સંકળાયેલા શ્રી રામ મોરી, તથા અન્યો ભાગ લેશે. આ કાર્યક્રમમાં સૌ સાહિત્યપ્રેમીઓ સહભાગી થઈ શકે છે.   

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 માર્ચ 2026

Loading

...102030...78798081...90100110...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved