Opinion Magazine
Number of visits: 10080492
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|1 April 2026

દોસ્ત, દુશ્મનને  થાય મળવાનું,
સૌથી  પહેલાં પ્રણામ  કરવાનું.

શુભ  આશયથી  મંદ હસવાનું,
કામ  પ્રારંભ  પછી જ  કરવાનું.

શું  છે પીડા એ જાણવું  છે તો,
અશ્રુઓમાં   જરા   પલળવાનું.

શાંત  પાણીયે  ખૂબ ઊંડા હોય,
વૃક્ષની  પાસે જઈ  સમજવાનું.

ફોન  પર   વાત તો  થયાં કરશે,
રાખ  બ્હાનું    કદીક   મળવાનું.

પંખીઓને  છે લાખ  ઇચ્છાઓ,
જઝના  વૃક્ષોને  ક્યાં  નીકળવાનું?

છે   નગર    એટલે   અતિ સુંદર?
સૌએ  શીખી   લીધું  સુધરવાનું.

અમદાવાદ
e.mail : siddiq948212@gmail.com

Loading

વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2026

રમેશ ઓઝા

20મી જાન્યુઆરીએ સ્વીત્ઝરલૅન્ડમાં દાવોસ ખાતે મળેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કરેલા ઐતિહાસિક ભાષણમાં તેમણે એક મહત્ત્વની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકાના નેતૃત્વવાળી એક વૈશ્વિક વ્યવસ્થા જેને ‘રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડર’ તરીકે ઓળખાવવામાં આવતી હતી એ અત્યારે તૂટી રહી છે અને એ તોડવાનું પાપ માત્ર અમેરિકાએ નથી કર્યું, પણ એને માટે કેનેડા જેવા મધ્યમ હરોળની સત્તાઓ પણ જવાબદાર છે.

કેવી રીતે? માર્ક કાર્ની એ દિવસે આત્મનિરીક્ષણના મૂડમાં હતા. તેમણે કહ્યું; મૂંગા રહીને. અમેરિકાના શાસકો ખોટું કરી રહ્યા હતા ત્યારે અમેરિકાના લાભાર્થી એવા સહયોગી દેશોએ કાં તો તેમાં સાથ આપ્યો હતો અથવા વિરોધ નહોતો કર્યો. દુનિયાને ગુમરાહ કરવા રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની આદર્શ વ્યવસ્થાના ગુણગાન ગાવાના, તેના માટે પ્રતિબદ્ધતા બતાવવાની, જ્યાં આવી વ્યવસ્થા નથી તેને આદર્શ વ્યવસ્થાના અભાવના નામે નીચા બતાવવાના અને દંડવાના; પણ બીજી બાજુ રાજકીય સ્વાર્થથી પ્રેરાઈને પોતે જ એ વ્યવસ્થાને અંદરથી ખોખલી કરે એની શું મધ્યમ હરોળના દેશોને જાણ નહોતી? હતી. બધાને બધી જ જાણ હતી. અમેરિકા આવી નીતિ દાયકાઓથી અપનાવી રહ્યું છે, પણ આપણે મૂંગા રહેવામાં કે સાથ આપવામાં લાભ જોયો હતો.

તેમના ભાષણનો સાર એ હતો કે તાત્કાલિક લાભને ધ્યાનમાં રાખીને અનીતિનો વિરોધ ન કરો અથવા અનીતિ કરનારાને સાથ આપો તો તેની લાંબા ગાળે ઘણી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. કાર્યકારણથી કોઈ બચી શકતું નથી. કાર્યકારણની વાત તો નરેન્દ્ર મોદી પણ ૨૦૦૨ની સાલમાં જાણતા હતા, જ્યારે ગોધરામાં ટ્રેનના એક ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી અને ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતના હુલ્લડો ક્રિયા સામે પ્રતિક્રિયા છે અને તેનાથી બચી શકાતું નથી. કોઈકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એ કથનની આજે યાદ અપાવવી જોઈએ કે ભાઈ ક્રિયા પ્રતિક્રિયા પેદા કરે છે અને તેનાથી બચી શકાતું નથી. તેની કિંમત ચૂકવવી જ પડે છે.

ખેર, અનીતિમાં સાથ આપવાની તો કિંમત હોય છે, પણ મૂંગા રહેવાની પણ કિંમત હોય છે. આજે અમેરિકા પોતે, અમેરિકાને સાથ આપનારા સહયોગી દેશો અને મૂંગા રહેનારા ભારત જેવા દેશો એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે કે હવે તેની કિંમત ચૂકવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની પડખે ઊભા રહ્યા હોત તો? પણ કોઈકનો સ્વાર્થ પ્રબળ હતો તો કોઈકની હિંમત ઓછી પડતી હતી.

ભારત સ્વતંત્ર થયું ત્યારથી ભારતની વિદેશનીતિમાં એક સાતત્ય રહ્યું છે, પછી સરકાર કાંગ્રેસની હોય, મોરારજી દેસાઈની જનતા પાર્ટીની હોય, વિશ્વનાથ પ્રતાપસિંહ કે ચન્દ્રશેખરની હોય, દેવગોવડા કે આઈ.કે. ગુજરાલની હોય કે પછી અટલ બિહારી વાજપેયીની ઇઝરાયેલપ્રેમી ભારતીય જનતા પક્ષની હોય. સરકાર ગમે તે આવે વિદેશનીતિમાં કોઈ ફરક નહોતો પડતો. ફેબ્રુઆરી ૧૯૭૯માં અટલ બિહારી વાજપેયી ભારતના વિદેશ પ્રધાન હતા અને ચીનની મુલાકાતે ગયા હતા. એ મુલાકાત ઐતિહાસિક હતી. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી ૧૭ વરસે પહેલીવાર ભારત અને ચીનના વિદેશ પ્રધાનો મળ્યા હતા. બન્યું એવું કે વાજપેયી હજુ બીજીંગ(ત્યારે પેકિંગ)માં હતા અને ચીને વિએતનામ પર હુમલો કર્યો. વાજપેયી મુલાકાત અધુરી મૂકીને ભારત પાછા આવ્યા અને ચીનની નિંદા કરી.

શક્તિના દુન્યવી માપદંડો વાપરીએ તો ભારત ત્યારે આજ જેટલું શક્તિશાળી નહોતું, પણ કરોડરજ્જુની તાકાત ધરાવતું હતું. તાકાત માત્ર બાહુઓમાં નથી હોતી, ખરી તાકાત કાળજામાં અને કરોડરજ્જુમાં હોય છે એ મોદીપૂર્વીય નેતાઓ જાણતા હતા.

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે શીતયુદ્ધ શરૂ થઈ ગયું હતું. એ જ અરસામાં ઇઝરાયેલની સ્થાપના થઈ અને અખાતી દેશોમાં મુસ્લિમ દેશો અને ઇઝરાયેલ વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. એ જ અરસામાં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ અને ચીન ધીરેધીરે બેઠું થવા લાગ્યું. એ અરસામાં બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને જપાન પાછા બેઠા થવા લાગ્યા હતા. એ અરસામાં અન્ય ગુલામ અને ગરીબ દેશો આઝાદ થવા લાગ્યા હતા અને તે લગભગ બધા જ આંતર્વિરોધોનાં શિકાર બની રહ્યા હતા. એ અરસામાં ઉત્તર અને દક્ષિણના દેશો, પહેલું વિશ્વ – બીજું વિશ્વ અને ત્રીજું વિશ્વ, વિકસિતબ- વિકાસશીલ અને અવિકસિત દેશો એમ જગતનું વિભાજન થવા લાગ્યું હતું. એ અરસામાં ભારતના પાડોશી દેશો (મુખ્યત્વે પાકિસ્તાન) ભારતની આણ ઓછી કરવા અને પોતાની આણ વધારવા ઉત્સુક હતા અને પ્રયત્નશીલ હતા. પાકિસ્તાનની ઉત્સુકતાનો અમેરિકાએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને આજે પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશોનો ચીન લાભ ઉઠાવી રહ્યું છે.

દરેક યુગમાં સમયે પેદા કરેલી પ્રાપ્ત પરિસ્થિતિ હોય છે અને તેમાં દરેકે પોતાની જગ્યા અને ભૂમિકા બનાવવી પડતી હોય છે. ભારતે વિચાર્યું કે ખૂંટિયા લડાઈથી દૂર રહેવામાં ફાયદો છે, વિકાસશીલ દેશો સાથે સહિયારા વિકાસની શક્યતા તપાસવામાં ફાયદો છે, આંતર્વિરોધોથી ગ્રસ્ત એક સમયના સાંસ્થાનિક ગુલામ દેશોને દૂર રહીને મદદ કરવામાં ફાયદો છે અને સૌથી વધુ જ્યારે નૈતિકતાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની પડખે ઊભા રહેવામાં ફાયદો છે.

મોઢું ખોલવાથી કોઈ મારી નથી નાખવાના. દરેકનો પોતાનો સ્વાર્થ છે. પડખામાં ઘૂસી જશો, ચાપલુસી કરશો અને મૂંગા રહેશો તો કોઈ કશું આપી દેવાના નથી અને બોલશો તો કોઈ મારી નાખવાનું નથી. અટલ બિહારી વાજપેયી ચીનની મુલાકત મુદ્દત કરતાં વહેલી આટોપીને પાછા આવી ગયા હતા અને ચીનની નિંદા કરી હતી, ૧૯૭૯માં ઇન્દિરા ગાંધીએ સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનમાં પોતાનું સૈન્ય મોકલ્યું એની નિંદા કરી હતી અને અમેરિકાની તો અનેકવાર નિંદા કરી હતી, કારણ કે અમેરિકા દાયકાઓથી લખણવંતું રહ્યું છે. કોઈએ ભારતને મારી નથી નાખ્યું. ઊલટું જગતે કદર કરી છે.

અમેરિકાની સોડમાં ઘૂસવાની કિંમત પાકિસ્તાને, ૧૯૭૯ પહેલાં ઈરાને, ૧૯૮૦-૯૦ના દાયકામાં ઈરાકે કેવી ચૂકવી એ તપાસી જુઓ. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ તો જાહેરમાં કહ્યું કે ટૂંકો સ્વાર્થ જોઇને અનીતિમાં સાથ આપવાની, વખત આવ્યે મૂંગા રહેવાની અને રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની ઉપેક્ષા કરવાની ભૂલ આજે સમજાય છે. અલબત્ત આ રાંડ્યા પછીનું ડહાપણ છે. ભારતના શાસકોએ આવા રંડાપાથી દેશને બચાવ્યો હતો, પછી શાસક ગમે તે પક્ષનો અને વિચારધારાનો હોય.

પણ આ ૨૦૧૪ પહેલાંની વાત છે. ૨૦૧૪ પછી ભારતની વિદેશનીતિમાં વળાંક આવ્યો. સાત દાયકા વીતી જાય પછી નવી સ્થિતિમાં નવી નીતિ અપનાવવામાં આવે એમાં કશું ખોટું નથી, પણ સવાલ એ છે કે જે વળાંક આપવામાં આવ્યો એ સમજીવિચારી આપવામાં આવ્યો હતો ખરો? આ લાખ રૂપિયાનો સવાલ છે. વિદેશનીતિમાં સમૂળગું પરિવર્તન એક મોટી બાબત છે. એને યોગ્ય ઠેરવનારી કોઈ થિસીસ, કોઈ ડોક્ટ્રીન, રાષ્ટ્રીય સ્તરે ચર્ચા, વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેવા અને સંબંધિત દેશોને વિશ્વાસમાં લેવા વગેરે જરૂરી પ્રયાસ કર્યા હતા ખરા?

બે ઉદાહરણ આપું. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દર કુમાર ગુજરાલ એમ માનતા હતા કે શીતયુદ્ધના અંત પછી અને મૂડીવાદના વિજય પછી ભારતે પાડોશી દેશો સાથેના સંબંધ પર ધ્યાન આપવું જોઈએ. ઝડપભેર વિકસવાની ભારત પાસે તક છે અને એમાં પાડોશી દેશોની ફરિયાદોને સાંભળવામાં આવે અને તેને શાંત કરવામાં આવે તો ભારત સામેનાં વિઘ્નો ઓછા થાય, જાગતિક મંચ પર વિરોધ થતો અટકે અને ભારત નવી સ્થિતિનો લાભ લઈ શકે. ગુજરાલની એ ભૂમિકાને ગુજરાલ ડોક્ટ્રીન તરીકે ઓળખવામાં આવતી હતી. એના વિષે દેશમાં ખૂબ ચર્ચા થઈ હતી તે ત્યાં સુધી કે હિંદુ રાષ્ટ્રવાદી અટલ બિહારી વાજપેયી એ થિસીસને અનુકૂળ હતા. બીજું ઉદાહરણ પી.વી. નરસિંહ રાવનું છે. તેમણે ઇઝરાયેલ સાથે પૂર્ણ સ્વરૂપનાં રાજદ્વારી સંબંધો સ્થાપવાનો નિર્ણય લીધો. ભારતની વિદેશ નીતિમાં એક નિર્ણાયક વળાંક હતો, પણ એ વળાંક આપતાં પહેલાં તેમણે ઈરાન સહિત દરેક અખાતી દેશોના શાસકોને વિશ્વાસમાં લીધા હતા. ૧૯૯૦ પછી દ્વિધ્રુવીય વિશ્વનો અંત આવ્યો અને એક દાવેદાર તરીકે ચીને તેમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે ચીન સાથેના સંબંધોમાંમાં નિર્ણાયક સુધારો કર્યો હતો. તેઓ અલબત્ત ગુજરાલ ડોક્ટ્રીનમાં નહોતા માનતા અને વગર બોલ્યે નીતિ એવી હતી કે પાકિસ્તાનની પશ્ચિમે અને બંગલાદેશની પૂર્વે આખું જગત છે અને અહીં માથું ફોડવાની જગ્યાએ પૂર્વ અને પશ્ચિમમાં જગ્યા બનાવવા પ્રયાસ કરવા જોઈએ.

આ બધું મને કોઈએ કાનમાં નથી કહ્યું. ૧૯૯૦ પછીથી વિદેશનીતિમાં કરવામાં આવેલા પરિવર્તનો અને અપનાવવા જોઈતા વિવિધ અભિગમોની વ્યાપક ચર્ચા દેશમાં થતી હતી. અંતે એ લાંબાગાળાનાં રાષ્ટ્રીય હિતના પ્રશ્નો હતા. પણ ૨૦૧૪ પછી દેશની વિદેશનીતિમાં જે પરિવર્તનો કરવામાં આવ્યા એની કોઈ ચર્ચા જ કરવામાં નથી આવી. નથી સંબંધિત દેશોને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે નથી વિરોધ પક્ષોને. એજન્ડા વિનાના વિદેશ પ્રવાસો કરવાથી કે એજન્ડા વિના વિદેશી મહેમાનોને ભારત બોલાવવાથી નથી સંબંધો સુધરતા કે નથી બોલબાલા થતી. શી ઝિંગપીંગ કેટલા વિદેશ પ્રવાસ કરે છે? ૨૦૧૩માં ઝિંગપીંગ સત્તામાં આવ્યા અને અત્યાર સુધીમાં તેમણે માત્ર ૫૬ વિદેશયાત્રાઓ કરી છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૯૯ વિદેશયાત્રાઓ કરી છે. વડા પ્રધાનની યાત્રાઓ અને ૨૦૧૪ પછીની વિદેશનીતિનું કોઈ ચિત્ર તમારા દિમાગમાં ઉપસે છે ખરું? ટૂંકા ગાળા માટે શાસન કરી ગયેલા શાસકો ડોક્ટ્રીન આપીને જાય અને ૧૨ વરસ શાસન કરનાર વડા પ્રધાનની વિદેશનીતિ દિશાહીન હોય એ શું સૂચવે છે?

જવાબ બહુ સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદીની વિદેશનીતિ હેડલાઈન્સ માટેની છે, ઘર આંગણે પ્રજાને આંજી દેવાની છે, ભક્તોને ગેલમાં રાખવાની છે, ચૂંટણી જીતવા માટેની છે, શુદ્ધ રાજકીય છે, આત્મમુગ્ધતા પ્રેરિત અંગત છે, રાષ્ટ્રીય નથી. આને પરિણામે બહુ ખરાબ રીતની સંકડામણમાં ભારત આજે ફસાઈ ગયું છે. જો યુદ્ધ વણસ્યું તો ભારત હજુ વધુ સંકટમાં મૂકાશે અને જો પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા યુદ્ધ થંભ્યું તો ભારતનું નાક કપાશે. પાકિસ્તાન? પાકિસ્તાન લવાદી કરે? હા, પાકિસ્તાન. કારણ કે પાકિસ્તાને ઈરાનના સર્વોચ્ચ નેતા અને તેમના પરિવારની હત્યાની નિંદા કરી હતી, એ જ દિવસે ખોમૈનીને અંજલિ આપી હતી અને ૧૨ મુસ્લિમ દેશોએ મળીને ઈરાનના મુસ્લિમ દેશો પરના હુમલાઓની નિંદા કરી એમાં એક પાકિસ્તાન હતું. પ્રતિષ્ઠા મોઢું ખોલવાથી મળે, હોઠ સીવી લેવાથી નથી મળતી. એમાં તો ગોળો અને ગોફણ બન્ને ગુમાવવાનો વારો આવે. મર્દાનગી બોલવામાં છે, મૂંગા રહેવામાં નથી અને ખોટામાં સાથ આપવામાં તો બિલકુલ નથી. વિદેશનીતિનો ઉપયોગ જ્યારે અંગત અને પક્ષીય હેતુ માટે કરવામાં આવતો હોય ત્યારે આ સિવાય બીજું પરિણામ પણ શું આવે! હા, તમે આને મોદી ડોક્ટ્રીન તરીકે જરૂર ઓળખાવી શકો.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 માર્ચ 2026

Loading

સાઝિશ રમકડાંની

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|31 March 2026

ઇબર ક્રાઈમ પોલીસ ચોકીમાં આજે ખૂબ જ ભીડ હતી. આશરે સો જેટલા માણસો પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. પી.આઈ. મહેતા સાહેબે બધાંને એક-એક કાગળ આપ્યો, અને કહ્યું, `તમે બધાં તમારી વિગતવાર ફરિયાદ આ કાગળમાં લખીને આપી દ્યો એટલે અમારે લેવલે તરત જ કાર્યવાહી કરવામાં આવશે. તમારો ફોન નંબર પણ લખજો એટલે જરૂર પડે તમને બોલાવી શકાય.’ 

પી.આઈ. મહેતાસાહેબે બધાંની અરજીઓ લઈ લીધી, જે 100થી પણ વધારે હતી. બધાંને એક અઠવાડિયાનો સમય આપ્યો. એ સમય દરમ્યાન જે કાર્યવાહી થશે, તેની જાણ કરવામાં આવશે, એવું જણાવી, ફરિયાદીને પાછા મોકલી દીધા.

પી.આઈ. મહેતાસાહેબે જોયું, તો બધી અરજીઓ એક સરખી ફરિયાદની હતી. જે તે વ્યક્તિના બેન્કના ખાતામાંથી બીજી કોઈ વ્યક્તિ દ્વારા પૈસા ઉપાડી લેવામાં હતા. આશરે દસ-બાર જુદી જુદી બેન્કની બ્રાન્ચમાંથી આશરે એકાદ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. કોઈકના ખાતામાંથી વીસ… પચીસ…સાઈઠ…હજાર..કે બે…ત્રણ લાખ સુધીની રકમ હતી. મોટું બેંક બેલેન્સ ધરાવતા ખાતામાંથી પાંચ લાખથી લઈને દશ લાખ સુધીની રકમ ઉપાડી લેવામાં આવી હતી. જે તે ખાતેદારે બેન્કની બ્રાન્ચનો સંપર્ક પણ કર્યો હતો, તો બેંક દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે તમારા ખાતામાંથી પૈસા ઉપડવાની કાર્યવાહી બેન્કના નિયમ અને પ્રણાલી પ્રમાણે જ થઈ છે, એટલે તમારા ખાતાના વહીવટ માટે તમે જવાબદાર છો, બેંક નથી. બધી જ ફરિયાદવાળી અરજીઓની વિગત જાણી લીધા પછી પી.આઈ. મહેતાસાહેબે  ડી.વાય.એસ.પી. દવે સાહેબનો સંપર્ક કર્યો અને બધી વિગતથી માહિતગાર કર્યા. દવે સાહેબે બધાં જ ફરિયાદીની એક મિટિંગ બોલવાનું કહ્યું અને પોતે પણ હાજર રહી માર્ગદર્શન આપશે.

`તમારા લોકોની ફરિયાદની અરજીઓ મેં વાંચી લીધી છે. મારે તમને થોડાક સવાલ પૂછવા છે. તમે લોકો સાચા જવાબ અને જે જાણતા હો તેની  પૂરી વિગત આપશો, તો અમારું કામ સરળ થશે.`

`તમને બેન્કે આપેલ જવાબ  અત્યારે તો બરોબર લાગે છે. તમારી કોઈ ભૂલથી, કોઈ ત્રાહિત વ્યક્તિએ  પૈસા તમારા ખાતામાંથી ઉપાડી લીધા  હોય, તો બેંક શું કરી શકે.`

ડી.વાય.એસ.પી. દવે સાહેબની વાત અને સવાલો સાંભળ્યા પછી બધાં જ ફરિયાદી મૂંઝાયાં, સાહેબને શું જવાબ આપવો. બધાં કોઈને કોઈ વાત સાથે સંકળાયેલા હતા. એક ફરિયાદીએ કહ્યું, `સાહેબ, આપણા શહેરમાં પંદર દિવસ પહેલાં એક મનપસંદ રમકડાંનો સ્ટોર ખુલ્યો હતો. એ મનપસંદ રમકડાંનો સ્ટોર બંધ થઈ ગયો છે, એવી માહિતી અમને મળી એટલે અમે તપાસ કરી, તો  સ્ટોર અઠવાડિયા પહેલાં બંધ થઈ ગયો હતો. અમારા પૈસા બેન્કમાંથી ઉપડી જવાને અને આ સ્ટોર બંધ થઇ જવા સાથે કોઈ સંબંધ નહીં હોય એવું વિચારીને અમે એ બાબત પ્રત્યે ધ્યાન નહોતું આપ્યું. પણ, સાહેબ, મનપસંદ રામકડાંનો સ્ટોર ખુલ્યો, ત્યારે તેણે એક જાહેરાત કરી હતી. આ જાહેરાતના લોભમાં અમે બધાં આવી ગયાં છીએ અને એ જાહેરાતને અમારી બેંકનાં ખાતામાંથી પૈસા ઉપાડી જવા સાથે  કોઈ ને કોઈ સંબંધ જરૂર છે.` 

દવે સાહેબે પુછયુ,  `એવી તો શું જાહેરાત હતી? કે રમકડાંનો બધો જ માલ વેચી સ્ટોર બંધ કરી જતા રહ્યાં? તેનો માલ પણ ઝડપથી વેચાઈ ગયો એટલે.`

`દવે સાહેબ, મનપસંદ રમકડાંનો સ્ટોર ખુલ્યો, ત્યારે એવી જાહેરાત કરી હતી, કે આ સ્ટોર ટૂંક સમય માટે છે. અમારો બધો જ માલ વેચાઈ જાય પછી અમે સ્ટોર બંધ કરી દઈશું. આ માટે અમે એક ઈનામી યોજના રાખી છે, કે પાંચસો રૂપિયાની કિંમતનું રમકડું ખરીદશો તો પાંચ હજારનું ઇનામ મળશે અને એ લાભ ફક્ત પ્રથમ સો ગ્રાહકને જ મળશે, પછીના ગ્રાહકોને ડીસકાઉન્ટ મળશે, પણ ઈનામનો લાભ નહી મળે, એટલે વહેલી તકે તમારી ખરીદી પતાવી દ્યો, એવી અમારી વિનંતી છે. પ્રથમ સો ગ્રાહકના રામકડામાંથી એક કાર્ડ નીકળશે જેને સ્ક્રેચ કરતા એક મોબાઈલ નંબર નીકળશે. આ મોબાઈલ નંબર ઉપર ફોન કરશો એટલે તમને કહેવામાં આવશે કે તમારું જે બેન્કમાં ખાતું છે, એ ખાતામાં તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે, એ નંબર તમારે  કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર ઉપર આપી દેવાનો. એટલે તમારું જે બેંકમાં ખાતા હશે, એ ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થઈ જશે. કાર્ડ ઉપર જે મોબાઈલ નંબર લખ્યો હશે, એ નંબરની જરૂરી કાર્યવાહી અત્યારે ચાલતી હોવાથી લાગશે નહીં. નંબર પંદર દિવસમાં કાર્યરત થશે અને લાગશે. એટલે ઇનામનાં રૂપિયા પાંચ હજાર પંદર દિવસ પછી તમને મળશે. ત્યાં સુધી ગ્રાહકોએ ધીરજ રાખવી પડશે. અમારો સ્ટોર બંધ થઇ ગયો હશે છતાં તમને પાંચ હાજર રૂપિયા ચોક્કસ મળશે તેની અમારી ગેરંટી છે.`

`સાહેબ, પાંચસો રૂપિયાનું રમકડું ખરીદીએ અને પાંચ હજારનું ઇનામ કોને ન ગમે, એટલે બધા ય તૂટી પડ્યા હશે અને સ્ટોરેનો બધો જ માલ ફટાફટ વેચાઈ ગયો હશે. સ્ટોર બંધ થઈ ગયો છે. ત્યાં અત્યારે કાગડા ઊડે છે.`

`સાહેબ, સ્ટોરવાળાએ કહેલી વાત સાચી નીકળી હતી. અમે રમકડામાંથી નીકળેલ કાર્ડને સ્ક્રેચ કર્યું તો એક મોબાઈલ નંબર નીકળ્યો હતો. અમે ત્યારે ફોન કર્યો તો ન લાગ્યો, એટલે અમને `મનપસંદ સ્ટોર`વાળાની વાત પર ભરોસો બેસી ગયો. અમે પંદર દિવસ સુધી રાહ જોઈ. પંદર દિવસ પછી ફોન કર્યો, તો ફોન લાગ્યો. એટલે અમે સ્ટોરવાળાએ કહ્યું હતું એમ કર્યું, માંગી એ બધી માહિતી આપી. અમારા ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થઈ ગયા. અમે બધાં ખુશ થઈ ગયા હતા કે પાંચસો રૂપિયા સામે ચાર હજાર પાંચનો ફાયદો થયો હતો. સાહેબ, તમે જે કંઈ સવાલો અમને પૂછ્યા છે, એ બધાં જ સાચા છે. અમે ફોન કરનાર વ્યક્તિએ કહ્યું એ પ્રમાણે કર્યું હતું. અમે ખુશ હતા. પણ બીજે દિવસે અમારા ખાતામાંથી રકમ ઉધાર થઈ છે એવો બેન્કનો મેસેજ આવ્યો. અમે રકમ તો ઉપાડી નહોતી એટલે બેન્કનો સંપર્ક કરતાં બધું જ બરોબર છે, એવો જવાબ આપી હાથ ઊંચા કરી દીધા. એટલે અમે બધાં આપને ફરિયાદ કરવા આવ્યા છીએ.`

પી.આઈ. મહેતાસાહેબ, ડી.વાય.એસ.પી. દવેસાહેબ વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે સાઇબર ક્રાઈમ પણ ફૂલપ્રુફ યોજનાથી કર્યો છે. અને માણસની ઇનામ મેળવવાની લાલચનો અને અજ્ઞાનતાનો પૂરતો લાભ ઉઠાવ્યો છે. 

દવેસાહેબે કહ્યું, `કે યોજના બનાવનારે તમારી સાથે બહુ વ્યવસ્થિત રીતે છેતરપિંડી કરી છે. છેતરપિંડીનો ગુનો બને છે. પણ ગુનો કરનારથી આપણે અજાણ છીએ. કારણ કે આવા સ્ટોર કોઈ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થતા નથી. એમ જ ખૂલી જાય છે અને બંધ થઈ જાય છે. આજની સ્થિતિમાં આપણને તેના વિશે કોઈ જાણકારી નથી. આવા સાઇબર ક્રાઈમ કરવાવાળા બહુ ચતુર હોય છે. ગુનો કરનારે તમારા ખભા ઉપર રાખીને બંધૂક ફોડી છે. બેન્કમાં જે કંઈ કામકાજ થયું છે. એ કરનાર બીજી વ્યક્તિ છે. તમને છેતરનાર વ્યક્તિ છે, પણ બેન્કના વ્યવહારમાં તમારો જ મોબાઈલ નંબર અને તમે આપેલ ઓ.ટી.પી. થી વ્યવહાર થયો છે. એટલે પૈસા ગુમાવવા માટે તમે પણ એટલા જ જવાબદાર છો.` 

`અમે તમારી ફરિયાદના આધારે કાર્યવાહી ચોક્કસ કરીશું અને તમને તમારા પૈસા પાછા મળી જાય તે માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહેશે. તમને એક વાત જણાવી દઉં, કે  ગુનેગાર પકડાશે તો પણ તમારા પૈસા પાછા મળશે તેની કોઈ ખાતરી નથી. અત્યારે તો તમારે એ ગુમાવ્યા છે એમ માનીને, હવે પછી આવું ન બને તે માટે સતર્ક રહેજો. તમે લોકો પી.આઈ. મહેતાસાહેબને તમારું રમકડું અને જે કાર્ડ નીકળ્યું છે એ પહોચાડી દેજો. એ કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર તો બંધ થઇ ગયો હશે. પણ અત્યારે તો એ એક જ પુરાવો છે. જે જેના આધારે આગળ વધી શકાય.`

દવેસાહેબે કહ્યું, `મહેતા, બધાંના કાર્ડમાં એક જ મોબાઈલ નંબર હશે. એ મોબાઈલ નંબરનું સીમકાર્ડ આપનાર દુકાનદારને પહેલાં તો શોધવો પડશે. બીજું તમે એક પ્રેસનોટ આપો કે `મનપસંદ સ્ટોર`માંથી જે કોઈએ રમકડાં ખરીદ્યા છે. અને તેમાંથી જો મોબાઈલ નંબર લખેલું કાર્ડ નીકળ્યું હોય, તો એ તરત જ પોલીસ ચોકીમાં જમા કરાવી દે. મારા માનવા પ્રમાણે આ જે લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી ગયા છે એ સિવાયના બીજા કોઈના રમકડામાંથી મોબાઈલ નંબરવાળું કાર્ડ નહીં નીકળ્યું હોય.` 

દવેસાહેબનું અનુમાન સાચું નીકળ્યું. બધાં જ રમકડામાંથી એક જ મોબાઈલ નંબર લખેલું કાર્ડ હતું. તેમ જ જે લોકોએ ફરિયાદ આપી હતી એ સિવાયના બીજા કોઈના રમકડામાંથી મોબાઈલ નંબર લખેલ કાર્ડ નીકળ્યું નહોતું.

દવે સાહેબે કહ્યું, `મહેતા, આપણી સામે જે પરિસ્થિતિ આવી છે એ ઉપરથી મને એમ લાગે છે, કે આ કોઈ બહારની નહીં પણ શહેરની વ્યક્તિનું જ કામ છે. તેમ જ એ વ્યક્તિ કદાચ આ લોકોની આર્થિક પરિસ્થિતિ કે લોભામણી વૃત્તિને જાણતી હશે. તમે તપાસ કરો કે એકાદ મહિનામાં કોઈએ મોટી ખોટ કરી હોય કે શેરબજારમાં કરોડ રૂપિયા ઉપરનું દેવું થઇ ગયું હોય. આ એવી જ કોઈ વ્યક્તિ છે કે જેને તાત્કાલિક પૈસાની જરૂરિયાત છે. કદાચ તેણે કોઈ ટેકનોલોજીના જાણકારની મદદ પણ લીધી હોય. પહેલાં મોબાઈલનું સીમકાર્ડ આપનારને શોધી કાઢો એટલે બાકીની વિગત સરળતાથી મળી જશે.”

મહેતાસાહેબ માટે મોબાઈલનું સીમકાર્ડ આપનારને શોધવો એ અઘરું કામ નહોતું, એ મળી ગયો અને પોપટની જેમ બોલીને જગુ સટોડિયાના વટાણા વેરી દીધા. જગુ સટોડિયાનો બિઝનેસ જ શેરબજારમાં સટ્ટો કરવાનો હતો. મહેતાસાહેબે બીજી માહિતી એ પણ મેળવી લીધી કે જે ફરિયાદી હતા એ જગુ સટોડિયાના ગ્રુપના હતા. જગુ સટોડિયાને તે લોકોની આર્થિક સધ્ધરતાની ખબર હતી. 

આટલી માહિતીને આધારે અને પુરાવા વગર જગુ સટોડિયાને પકડવો કેવી રીતે? એ પ્રશ્ન હતો. તેનો પણ ઉકેલ મળી ગયો, જગુ સટોડિયાએ એક ભૂલ કરી હતી કે ફરિયાદીના ખાતામાંથી પૈસા પોતાની કંપનીના ખાતામાં સીધા ટ્રાન્સફર કર્યા હતા. આ બધી માહિતી મહેતાસાહેબે એકઠી કરીને દવેસાહેબને આપી. દવે સાહેબે, તરત જ જગુ સટોડિયાને પોલીસ ચોકી મળવા બોલાવ્યો.

`મારું શું કામ પડ્યું, સાહેબ? હું, તો ઈમાનદારીથી બિઝનેસ કરું છું.`

`અમારે તો એટલું જ જાણવું છે કે તમારી બેન્કે અમને માહિતી આપી છે કે તમારી કંપનીના ખાતામાં બે દિવસમાં એક કરોડ ઉપરની રકમ જમા થઇ છે. એ રકમ તમારી કંપનીના ખાતામાં ક્યાંથી આવી એ અમારે જાણવું છે. આમ તો આ પ્રશ્ન ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનો છે. પણ અમારી પાસે સો ઉપરની ફરિયાદ આવી છે કે તેમના ખાતામાંથી કોઈ અજાણી વ્યક્તિએ પૈસા ઉપાડી લીધા છે. એ અજાણી વ્યક્તિ તમે છો? કારણ કે પૈસા તમારી કંપનીના ખાતામાં જમા થયા છે. બસ, આ પ્રશ્નનો જવાબ આપી દ્યો, એટલે તમે છૂટા.`

જગુ સટોડિયો ગેંગેંફેફે થઇ ગયો. `સાહેબ, બધાં ફરિયાદીએ તેમના નામે સટ્ટો કરવા માટે મને પૈસા આપ્યા છે. મેં, મેં કંઈ ખોટું કર્યું નથી.`

`પંદર દિવસ પહેલાં તે એક રમકડાનો સ્ટોર, `મનપસંદ`નાં નામે શરૂ કર્યો હતો અને રમકડાં વેચાઈ ગયા પછી એ બંધ પણ કરી દીધો. ચાલો એ વાત તો બરોબર છે. પણ જેના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે એ ફરિયાદીના રમકડામાંથી નીકળેલ કાર્ડમાં મોબાઈલ નંબર લખેલો છે. જેનું સીમકાર્ડ, તે ખોટા દસ્તાવેજ આપીને પંદર દિવસ પહેલાં ખરીદ્યું  હતું. પણ ત્યારે તે એકિટવેટ નહોતું કરાવ્યું, જે તે ત્રણ દિવસ પહેલાં કરાવ્યું હતું. જેથી કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર લાગે અને તું તારી યોજનામાં સફળ થઇ જા. અમારી પાસે તારી પૂરી કરમકુંડળી છે. હવે, આ ધંધો શું કામ કર્યો? એ કહી દે, અને જેના પૈસા લીધા છે એ પાછા આપી દે.`

જગુ સટોડિયા પાસે ગુનો કબૂલી લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જગુએ કહ્યું, `સાહેબ, તમારી બધી જ વાત સાચી છે. મને સટ્ટામાં બહુ મોટી ખોટ ગઈ હતી. મેં મારા કસ્ટમર પાસેથી લોન માંગી, એ લોકોએ ન આપી. એટલે મેં આ રસ્તો લીધો. એમાં મેં ખોટું શું કર્યું? હું એ લોકોની પાઈપાઈ ચૂકવી આપીશ. અત્યારે તો મારી પાસે પૈસા નથી. તમારી પાસે એ પણ માહિતી હશે જ, કે મારી કંપનીના ખાતામાં જમા થયેલા પૈસા મારા લેણદારને ચૂકવાઈ ગયા છે. અને એટલે તો અત્યારે તમારી સામે છું, બાકી…..`

દવેસાહેબે કહ્યું, `તે જાણી કોઈને તારા જ કસ્ટરને છેતરીને સાયબર ક્રાઈમનો ગુનો કર્યો છે એટલે હવે જેલની હવા ખાવી પડશે. અમે તારી મિલકત વેચીને ફરિયાદીના પૈસા વસૂલી લઈશું.`

મહેતાસાહેબે કહ્યું, `સાહેબ, આ વખતે તો સરળતાથી આપણે સાઈબર કેસ સોલ્વ કરી શક્યા. પણ, જો, લોકો બેન્કની સૂચનાઓનો અમલ નહીં કરે તો લોકોનાં નાણાં સો ટકા ડૂબી જવાના છે.`

`હા, મહેતાસાહેબ, લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.`

(ભાવનગર)
e.mail : Nkt7848@mail.com

Loading

...102030...77787980...90100110...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved