લૉસ એન્જલ્સની વૃદ્ધાઓની એક ક્લબમાં હિંદ વિશે વાત કરવા ગયો હતો. વાર્તાલાપ પૂરો થયો એટલે બધા વિખરાવા માંડ્યાં. એક વૃદ્ધા મારી સાથે હિંદ વિશે વાતે ચડી. થોડી વાર પછી મને કહે છે કે મારો 84 વર્ષનો ડોસો બહાર મોટરમાં ઝોકાં ખાતો હશૈ. તું એને મળવાનું પસંદ કરશે ?
‘શા માટે નહીં ?’ મેં કહ્યું.
82 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી ચાલતી એ વૃદ્ધ સ્ત્રી મને થોડે દૂર ઊભેલી એક મોટર પાસે દોરી ગઈ. લાલચોળ ને તગડા શરીરવાળો એક વૃદ્ધ સ્ટીઅરીંગ વ્હીલ પર માથું ટેકવીને ઊંઘતો હતો.
‘અરે, એ ! ઊઠે છે કે ? હિંદના એક જુવાનિયાને તને મળવા લઈ આવી છું.’ વૃદ્ધાએ પતિના માથા પર ટપલી મારી.
‘યંગ મેન, ગાંધીના દેશમાંથી આવે છે કે ?’
‘હા જી.’
‘તમારો હિંદુ સમાજ તો નાલાયક છે કે બીજું કાંઈ ?’
આવા અણચિંતવ્યા આક્રમણથી મૂંઝાઈ જઈને મેં કહ્યું, ‘એવું કેમ કહો છો ?’
‘જે માણસ હિંદુ ધર્મનો સાચો અનુયાયી હતો એને મારી નાખતાં તમને લોકોને શરમ ન આવી ? મેં જ્યારે ગાંધી હિંદુને હાથે મરાયાની વાત સાંભળી ત્યારે મને ખૂબ દુ:ખ થયેલું. તને નહીં ખબર હોય, છોકરા, પણ ગાંધી ને હું બોઅર યુદ્ધ વખતે સાથે હતા. 1898-99 દરમિયાન તો કદાચ તારા બાપનો પણ જન્મ નહીં થયો હોય. શું ગાંધીની સેવાવૃત્તિ ? બધા ગોરા અમલદારો એનું કામ જોઈને સડક થઈ ગયેલા. હું ઘવાયેલો તે ગાંધીની કાળજીને લીધે જ બચ્યો. તે દિવસોમાં પથારીમાં વેદના સહન કરતાં કરતાં મને એના જ વિચારો સતાવ્યા કરતા. એમ થતું કે ફ્લોરેન્સ નાઈટીન્ગેલ એક સ્ત્રી પરિચારિકા તરીકે અમર બની ગઈ એમ ગાંધી પુરુષ પરિચારક તરીકે અમર બનશે; પરંતુ ગાંધી તો ઘણો મહાન બની ગયો. આ ડોશીને હું ઘણીવાર કહું છું કે ગાંધી ન હોત તો તું વિધવા બની હોત … ‘
અને એ વાક્ય બોલતાં બોલતાં એ ડોસાની આંખમાંથી આંસુનું એક ટીપું સરીને સ્ટીઅરીંગ વ્હીલ પર થંભી રહ્યું.
સૌજન્ય : “અકાલ પુરુષ”; વર્ષ – 4; અંક -11; ઑગસ્ટ 2026; પૃ. 30
![]()

