થોડા દિવસ પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વિભાગીય નિવૃત્ત ડાયરેક્ટર આર. ગુરુમૂર્થીનો 5/7/2026ના દિને પ્રકાશિત થયેલો ઉપરોક્ત શીર્ષક હેઠળ લખેલો લેખ વાંચવામાં આવ્યો. તેનું ભાષાંતર અહીં પ્રસ્તુત.
− આશા બૂચ

આર. ગુરુમૂર્થી
આધુનિકતાનું માપ આપણે કેટલાં મકાનોનું બાંધકામ કરીએ છીએ તેમાં નથી. આપણે શું બનીએ છીએ એ આધુનિકતાની પારાશીશી છે. આજકાલ દરેક દેશ આધુનિક થવાની હોડથી ગ્રસિત છે.
આપણે વિકાસને દેશની કુલ સરેરાશ આવકથી માપીએ છીએ, કેટલાં એરપોર્ટ બાંધ્યાં, કેટલી બુલેટ ટ્રેન ધરાવીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો વપરાશ છે, તમામ આર્થિક વ્યવહાર ડિજિટલ ચુકવણીથી થાય છે કે નહીં અને કેટલા કાચનાં ગગનચુંબી બહુમાળી મકાનો છે તેના પરથી તોળીએ છીએ.
ઇતિહાસ આપણી સમક્ષ ઘણા મુશ્કેલ સવાલો ધરે છે.
સવાલ : કોઈ સમાજ માત્ર નવીન કે આધુનિક સાધનો વસાવવાથી જ આધુનિક બની જાય છે?
ઉત્તર : આધુનિકતા એ કોઈ એન્જિનિયરીંગ કુશળતાથી મેળવેલી સિદ્ધિ નથી. એ નૈતિક ઉપલબ્ધિ છે.
અર્વાચીનતા ક્ષિતિજ રેખા બદલે છે, આધુનિકતા માનસિક ખ્યાલો બદલે છે.
આ બંને ઘટનાઓ સાથે સાથે ચાલે છે, પણ તે એક સમાન નથી. કોઈ દેશ દુનિયામાં ઉત્તમોત્તમ એરપોર્ટ બાંધી શકે, અને છતાં લાંચ-રૂશ્વત સહી લે એવું બને. કોઈ મુલક સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકી શકે, પણ તેના નાગરિકો હરોળ કૂદીને આગળ નીકળી જવાની મનોવૃત્તિ ધરાવતા હોય. ઘણા લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને સ્વીકારે પણ પોતાની ભૂલોનો અસ્વીકાર કરે. ઘણા દેશોમાં ટેક્નોલોજી વિસ્મયકારક ઝડપથી આગળ વધતી જોવા મળે છે, જ્યારે ત્યાંના નાગરિકોનું વર્તન મધ્યકાલીન યુગ જેવું હોય છે.
ખરી આધુનિકતા કેવી હોય છે તેની યાદ આપણને જાપાન આપે છે. મુલાકાતીઓ શિંકાનસેન (જાપાનની અતિ ઝડપી ટ્રેન સર્વિસ) જોઈને મંત્ર મુગ્ધ થતા હોય છે, પરંતુ વધુ આશ્ચર્ય પમાડે એવી હકીકત તો આવી સિદ્ધિ મેળવી શકાય તેવી તેમની સંસ્કૃતિમાં છે. સમયપાલનનો આદર કરવામાં આવે છે, તેથી તમામ ટ્રેન સમયસર જાય-આવે. કોઈનું ખોવાઈ ગયેલું પાકીટ પરત કરવામાં આવે છે કેમ કે પ્રામાણિકતા એ સહજ ગુણ ગણાય છે. ઉત્પાદક કંપની ખામી વાળી વસ્તુ બજારમાંથી હટાવી લે છે કેમ કે નફા કરતાં નીતિમત્તાનું મહત્ત્વ વધારે છે. જાહેર સ્થળો અત્યંત ચોખ્ખાં રહે છે કેમ કે નાગરિકો એમ નથી માનતા કે પોતે ગંદકી કરે તે બીજા સાફ કરે.
ટેકનોલોજીની આયાત કરી શકાય; ચારિત્ર્યની નહીં.
સ્કેન્ડિનેવિયન દેશો બીજો પાઠ ભણાવે છે. એ દેશોની સમૃદ્ધિ હોદ્દેદારોના વિશેષાધિકારોના અભાવ સાથે તાલ મિલાવે છે. સરકારી મંત્રીઓ જાહેર વાહનોમાં મુસાફરી કરે, કામનાં સ્થળે સાઇકલ ચલાવીને જાય અને એવી સાદગીથી રહે છે કે ઘણા વિકસતા દેશોને તેનો અચંબો થાય. આત્મવિશ્વાસને દેખાવ કરવાની જરૂર નથી પડતી હોતી. સરકારી નોકરી સેવા કરવાની તક માનવામાં આવે છે, નહીં કે દરજ્જા અને માન મરતબો મેળવવાનું સાધન.
સાચો આધુનિક માનવી કે દેશ પોતાની આધુનિકતાની જાહેરખબર ન કરે.
એવા લોકોની સિદ્ધિ એમાં છે, જે અર્થશાસ્ત્રીઓ ભાગ્યે જ માપતા હોય છે. તે છે ‘વિશ્વાસ’. નાગરિકો સંસ્થા કે સંગઠન પર વિશ્વાસ મૂકે છે કેમ કે એ સંસ્થાઓ એવું વર્તન કરે છે, જે વિશ્વાસને પાત્ર ઠરે છે. લેવડ-દેવડ સસ્તું બને છે, વહીવટ સરળ બને છે અને સમૃદ્ધિ વધુ ટકાઉ બને છે કારણ કે પ્રામાણિકતાથી તમામ વહીવટ થતો હોવાને કારણે અંતહીન જમાદારીની જરૂર નથી રહેતી.
આધુનિકતાનું એક બીજું પણ લક્ષણ છે જેના પર ઘણું ઓછું ધ્યાન ખેંચાય છે. તે છે, સીમા રેખાની આદરપૂર્વક જાળવણી. આધુનિક સમાજ સમજે છે કે પોતાની સ્વતંત્રતા અન્યને માટે ઉપાધિ ઊભી કરવાનો પરવાનો નથી. મારે ઘેર પ્રસંગ ઉજવવાની સ્વતંત્રતા મારા પાડોશીની ઊંઘ હરામ કરી દેનારી ન બની શકે. મારી અઢળક ધન સંપત્તિ કોઈ જાહેર સ્થળ અંગત મિલકત હોય એ રીતે તેના પર કબજો જમાવવાનો અધિકાર મને નથી આપી શકતી. મારી સફળતા મારી તાકાતનું અતિશય ઘોંઘાટ કરીને, પ્રદૂષણ વધે તેવા જશમ મનાવીને, ધાકધમકીથી અન્ય પાસે કામ કરાવીને કે આડંબરનું પ્રદર્શન કરીને ઉત્સવ મનાવવાની પરવાનગી નથી આપતી. કાનને બહેરા કરી મુકતા લાઉડ સ્પીકર હોય, બેપરવાઈભર્યું ડ્રાઇવિંગ હોય, ફૂટપાથની જગ્યા પચાવી પાડવાની વાત હોય, રસ્તા પર કચરો ફેંકવાની ટેવ હોય કે પોતાના ઘરના બેઠક રૂમનું જ વિસ્તૃત રૂપ હોય એ રીતે જાહેર સ્થળોનો ઉપયોગ કરવાની આદત હોય; એ તમામ બીજાની અંગત જગ્યાને અવગણતા વર્તન મૂળથી જ અન-આધુનિક ગણાવા જોઈએ.
જ્યાં સ્વયં શિસ્ત શરૂ થાય ત્યાં સભ્યતાનાં શ્રીગણેશ થાય.
તત્ત્વચિંતક દ્વારા દર્શાવાયેલા વિરોધાભાસ સરળ છે. સમાજ જેમ જેમ પૂર્ણ વિકસિત થતો જાય તેમ તેમ તેના વર્તનને નિયમમાં રાખવા માટે ઓછામાં ઓછા કાયદાની જરૂર રહેતી હોય છે. લોકો સદ્દવર્તન કરે છે કેમ કે તેઓને સમજાય છે કે સ્વતંત્રતા ત્યારે જ બચવા પામે છે જ્યારે જવાબદારીના ભાન સાથે તેને મૃદુ બનાવવામાં આવે છે. અધિકારો ત્યારે જ ફૂલેફાલે છે જ્યારે તેમાં ફરજનો સાથ ભળે છે.
આ જ કારણસર સૌથી વધુ પ્રબળ સમાજ બળજબરી કે જુલમ અને સંપત્તિના દેખાડા પર ઓછો આધાર રાખે છે અને સાંસ્કૃતિક ધરોહર પર વધુ મદાર રાખે છે.
અપૂર્ણ કે અપરિપક્વ સમાજમાં સત્તાની હાજરીમાં જ શિસ્તનું અસ્તિત્વ ટકે છે. પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે છે. પોતાના ઘર કે ઓફિસ પર પોલીસનો છાપો પડવાની શક્યતા હોય તો જ આવક વેરો ભરવો અનિવાર્ય ગણાય છે. દરેક નિષ્ફ્ળતા માટે ઉત્તરદાયિત્વ સ્વીકારવાને બદલે બહાના રજૂ કરવામાં આવે છે.
સાચો આધુનિક આદમી કઈંક જુદા પ્રકારની સમજણ ધરાવે છે. ભૂલનો સ્વીકાર કરવો એ નિર્બળતાની નિશાની નથી. અન્ય વ્યક્તિની અંગત જગ્યાનો આદર કરવામાં કોઈ ઉદારતા નથી સમાયેલી હોતી. જ્યારે કોઈની દૃષ્ટિ તમારા પર ન હોય ત્યારે સમાનતા જાળવી રાખવી એ અપવાદ ન ગણવો જોઈએ. સુસંસ્કૃત આચરણનાં આ ન્યૂનતમ ધોરણો છે.
ઇતિહાસ આપણને આ હકીકત સૌમ્યતાથી યાદ અપાવે છે. નવજાગૃતિએ માનવીને જીવન જીવવાનું કારણ આપ્યું. ઔદ્યોગિક ક્રાંતિએ આપણે મશીનો આપ્યાં. ડિજિટલ ક્રાંતિએ તેને યાંત્રિક ગણતરી કરવાના નિયમો આપ્યા. અને છતાં તેમાંની એક પણ ક્રાંતિએ માનવીમાં શાણપણ આવશે તેની કોઈ ખાતરી ન આપી. વીસમી સદીએ આપણને બતાવી આપ્યું કે જે સમાજ અસાધારણ વૈજ્ઞાનિક સિદ્ધિઓ મેળવવાની શક્તિ ધરાવે છે એ જ સમાજ અસાધારણ નૈતિક અધઃપતનમાં સરી પાડવાની શક્યતા પણ ધરાવતો હોય છે.
ચારિત્ર્ય બળ વિનાની પ્રગતિ એ માત્ર કાર્યક્ષમતાનું પ્રદર્શન બની રહે છે.
આથી જ આધુનિકતા ગગનચુંબી ઇમારતોમાં, વીજ મથકોમાં કે ચલણી નાણાં વિનાના અર્થતંત્રમાં નથી જોવા મળતી. એ શાંત સ્થળોમાં જોવા મળે છે – એવા નાગરિકોમાં, જે ખોવાયેલ પાકીટ પાછું આપે છે, એવા ઓફિસરમાં, જે બહાનું બતાવવાને બદલે માફી માંગે છે, એવા મંત્રીમાં, જે બીજા નાગરિકોની સાથે લાઈનમાં ઊભા રહે છે, એવા ડ્રાઇવરમાં, જે બીજાં વાહનો ન હોવા છતાં લાલ બત્તી થતાં ઊભો રહે છે અને એવા પાડોશીઓમાં, જે પોતાની સ્વતંત્રતા જેટલી જ બીજાની શાંતિને પણ એટલી જ મહત્ત્વની ગણે છે.
બહુમાળી ભવનો કદાચ આર્થિક આબાદીની ઘોષણા કરી શકે.
માત્ર પ્રજાજનોનું આચરણ જ સભ્યતા દર્શાવી શકે છે.
અને સભ્યતા – સંસ્કૃતિ જ માનવ સમાજની આધુનિકતાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ તરીકે જળવાઈ રહી છે.
e.mail : 71abuch@gmail.com
![]()

