ભારત વિશ્વની સૌથી આધુનિક આર્થિક તાકાત નથી એ સાચું પણ ભારત પાસે એટલી સગવડ અને શક્યતાઓ છે જેના ઔદ્યોગિક પાયો યુરોપના આર્થિક લક્ષ્યને માર્ગ કરી આપે

ચિરંતના ભટ્ટ
યુરોપિયન કમિશનના પ્રેસિડન્ટ પોતાનાં સાથી કમિશનર્સની સાથે ભારતની મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત સરકારી પ્રોટોકોલ્સ પ્રમાણે જ હોય તે સ્વાભાવિક છે, છતાં પણ એમ લાગ્યું કે આ આખી ઘટના સહેજ ઉતાવળે નક્કી થઇ અને તેની પાછળ ભારત સાથેના સંબંધો પાકા કરી લેવાનો ઇરાદો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકાના પ્રેસિડન્ટ થયા પછી એવી પરિસ્થિતિ ખડી થઈ કે ઘણાબધા રાષ્ટ્રોએ પોતાના રાજકીય ભૌગોલિક સંબંધોમાં તેલ પૂરીને બધું તાજું અને સાજું કરી લેવાની અનિવાર્યતાને પ્રાધાન્ય આપ્યું. એમાં ય ભારતની સ્થિતિ એવી છે કે તેને અમેરિકા સાથે તો સારાસારી છે જ પણ ટ્રમ્પ તો મનસ્વી છે અને એટલે જ ભારતને એમ થાય કે બીજા રાષ્ટ્રો સાથે આપણે સારા સંબંધો હોય તો એ જળવાઈ રહે તો સારું રહે. એક તરફ ભારતીય વડાના મગજમાં આ વિચાર હોય તો બીજી તરફ વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા સમીકરણોમાં યુરોપીય દેશોને પણ દોસ્તની જરૂર પડે અને માટે ભારત સાથે સંબંધો પાકા કરી લેવાની અનિવાર્યતા તેમને પણ સમજાય.
ભારત અને યુરોપના સંબંધો ખરાબ નથી રહ્યા પણ તેમાં નૈકટ્ય અને મજબૂતાઈનું પ્રમાણ માપસર રહ્યું છે. અત્યારે જે સંજોગો છે એ જોતાં યુરોપીય યુનિયન માટે ભારત આધાર રાખી શકાય તેવો એ આર્થિક અને વ્યૂહાત્મક સાથીદાર બની શકે છે. ભારતનો વિસ્તાર અને આર્થિક વિકાસ બન્ને યુરોપિયન યુનિયન માટે આકર્ષણનું કારણ રહ્યાં છે. આ કારણે જ અત્યાર સુધી બાજુમાં મુકાયેલી આ સંબંધોની ફાઇલ પરની ધૂળ ઉડાડવામાં હવે મોડું કરવા જેવું નથી. ખાસ કરીને યુરોપિયન યુનિયન માટે આ બહુ જરૂરી છે કારણ કે વૈશ્વિક રાજકારણની ગોઠવણમાં યુરોપ એકલું નથી પડી ગયું તેની ધરપત પોતાને માટે તો જરૂરી છે જ પણ અન્ય રાષ્ટ્રોને પણ એ સંદેશો પહોંચે તે જરૂરી છે.
યુરોપિયન કમિશન પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડે લિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થઇ અને ત્યાર પછીને જાહેરાતો ભારત અને યુરોપિયન યુનિયનને વધુ નજીક લાવવાની દિશામાં હતી. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ડિફેન્સ અને સિક્યોરિટીને લગતી ભાગીદારી જેવા મુદ્દાઓ પર નક્કર કામગીરી કરાશે તેમ જાહેર કરાયું.
અત્યારે યુરોપ જે હકારાત્મક ઊર્જા દર્શાવે છે તે ત્રણ વર્ષ પહેલાંની સ્થિતિથી સાવ જ અલગ છે. જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી ત્યારે ભારતે રશિયાની ટીકા નહોતી કરી અને એવું ય નથી કે ભારતે હવે પોતાનું વલણ બદલી નાખ્યું છે. પણ યુરોપિયન રાજકારણના વર્તમાન સંજોગોમાં યુરોપિયન યુનિયનને એ સમજાઈ ગયું છે કે ભારતમાં જે પણ અપૂર્ણતા હોય, અધૂરપ હોય એ બધું બાજુએ મૂકીને વ્યૂહાત્મક રીતે માત્રને માત્ર બે દેશો વચ્ચેની આપ-લે અને વાટાઘાટોને અગ્રિમતા આપીને સંબંધ મજબૂત કરવા જરૂરી છે. યુરોપને માટે અત્યારે પસંદગી કરવી અઘરી થઇ છે. સુરક્ષામાં મદદને મામલે યુ.એસ.એ.નો વિકલ્પ નથી તો આર્થિક સંબંધોને મામલે ચીનની જગ્યા કોઈ લઇ શકે એમ નથી – આવામાં યુરોપને નવી ભાગીદારીમાંથી જે મળશે એમાં ખુશ રહેવું પડશે. યુરોપને આ નવી દોસ્તીમાંથી જે મળશે તે યુરોપને જે ગુમાવવું પડશે તેની સરખામણીએ બહુ નાનું હશે, પણ ન મામા કરતાં કાણો મામો શું ખોટો વાળું ગણિત યુરોપિયન યુનિયનના મનમાં હોય તે સ્વભાવિક છે. હાથમાં હોય અને નજર સામે હોય બન્ને ગુમાવવાને બદલે જે થોડું ઘણું સાચવી લેવાય તે સાચવી લેવું પડે એવી સ્થિતિ છે. આવામાં યુરોપે તો ભારત કરતાં ય નાના પાયે વ્યાપારી તાકાત ધરાવતા હોય એવા દેશોને ય દોસ્તીની સલામ કરી છે – જેમ કે બ્રાઝીલ, આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરુગ્વે. આ એવા દેશો છે જેમના વિશે આપણે વૈશ્વિક રાજકારણ કે અર્થતંત્રને મામલે ભાગ્યે જ ચર્ચામાં મોટો હિસ્સો તેમના ભાગે આવતો હોય છતાં પણ યુરોપિયન લીડર્સે બને એટલા દેશ સાથે દોસ્તી સાચવી લેવાનું નક્કી કર્યું છે. વળી જાપાન, દક્ષિણ અમેરિકા, ભારત અને ગલ્ફ રાષ્ટ્રો સાથે સંબંધો બાંધીને વ્યાપારી પાસાને સબળ કરવાની દિશામાં પણ યુરોપિયન નેતૃત્વએ કમર કસી છે. ભૂતકાળમાં વ્યાપાર અને સુરક્ષાને મામલે તેમણે યુ.એસ.એ. પર જ આધાર રાખ્યો હતો પણ હવે તેને આધારે બેસી રહેવાનું પોસાય તેમ નથી.
અમેરિકાના પ્રમુખે કોઈની સાડાબારી રાખ્યા વિના લગભગ માફિયાગીરી ચાલુ કરી છે તેમાં આગામી દસકો તોફાની રહેવાનો છે. વળી અમેરિકાથી શરૂ થયેલું તોફાન આર્થિક રાજકીય રીતે અન્ય દેશોને ય અસર કરશે અને માટે જ યુરોપ માટે સલામતી અને વ્યાપાર – આ બન્ને બાબતો માટે ભારત સાથે સંબંધો કેળવવા જરૂરી છે. ભારત વિશ્વની સૌથી આધુનિક આર્થિક તાકાત નથી એ સાચું પણ ભારત પાસે એટલી સગવડ અને શક્યતાઓ છે જેના ઔદ્યોગિક પાયો યુરોપના આર્થિક લક્ષ્યને માર્ગ કરી આપે. આપણે ત્યાં પ્રાથમિક તબક્કાની ઉત્પાદન ક્ષમતા વધારવાનું માળખું વ્યવસ્થિત છે. યુરોપિયન કમિશનનાં પ્રેસિડન્ટે યુરોપિયન યુનિયન સાથે ડિફેન્સ પ્રોજેક્ટમાં જોડાવામાં ભારતને રસ હોવાનું જાહેર કર્યું છે. યુરોપ માટે મેન્યુફેક્ચર – ઉત્પાદન કરવાનું આવે તો ભારતીય કંપનીઓ પોતાની કામગીરીનો વ્યાપ આગલા તબક્કે લઇ જઇ શકે. આ સંજોગોમાં બન્નેને ફાયદો થશે, જે એક સારા રાજકીય સંબંધની નિશાની છે.
યુરોપની વ્યથા નાની નથી કારણ કે ચીન પ્રતિસ્પર્ધી છે તે સમજીને તેની સામે કઈ રીતે વ્યૂહરચના કરવી તે દિશામાં યુરોપે વિચાર્યું ત્યાં ખબર પડી કે યુ.એસ.એ.એ પણ આ સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. બે મોટા માંથા સાથેની સ્પર્ધામાં ટકી રહેવું હોય તો નવા અને નાના પણ મજબૂત રાષ્ટ્રોની મદદ જોઇએ તે સ્વાભાવિક છે. યુરોપ સાથે વ્યાપારી વાટા-ઘાટની વાત કરીએ તો ચીન સપ્લાય ચેનને મામલે બહુ બળૂકો દેશ છે અને ભારત તેની બરોબરી તો નહીં કરી શકે. વૈશ્વિક વ્યાપારને મામેલ ચીન અને યુરોપિયન યુનિયનનો હિસ્સો પંદર ટકા છે જ્યારે ભારતનો હિસ્સો માંડ બે ટકા છે, છતાં પણ યુરોપિયન યુનિયનના અન્ય કોઈ પણ ભાગીદાર કરતાં ભારત તેની સાથે વધુ વ્યાપારી લેવડ-દેવડ ધરાવે છે. ભારત યુરોપિયન યુનિયનના વ્યાપારી ભાગીદારોની યાદીમાં નવમા સ્થાને છે. યુરોપના અર્થતંત્રમાં ભારતનો ફાળો નાનો છે પણ નહિવત્ નથી.
અત્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ મલ્ટિલેટરાલિઝમ – એટલે કે પક્ષીયતાથી પોતાને દૂર કરી રહ્યા છે. જેમાં એક સાથે અનેક રાષ્ટ્રો ભેગાં મળીને વૈશ્વિક મુદ્દાઓ ઉકેલે, નિર્ણય લે અને આંતરરાષ્ટ્રીય કાયદા ઘડે. ટ્રમ્પને અત્યારે એવું કંઇ નથી કરવું, તેના સ્વાર્થમાં માત્રને માત્ર અમેરિકા છે – કારણ કે અમેરિકાનું અર્થતંત્ર, વ્યવસ્થા અંદરથી સાવ પાંગળા થઈ ગયાં છે. ફાંકાં મારતા હોય એમ ભલે લાગતું હોય પણ અમેરિકા પર તોતિંગ આર્થિક બોજો છે. આવા સંજોગોમાં યુરોપિયન યુનિયને નિયમો આધારિત તંત્રથી દેશોને જોડી રાખ્યા છે અને માટે જ એકતાની તાકાતથી માથાભારે રાષ્ટ્રો સામે ટકી શકાય તે દિશામાં યુરોપિયન યુનિયન કામ કરવા માગે છે.
બાય ધી વેઃ
અચાનક જ ભારતીય વડા પ્રધાન સાથેની દોસ્તીનું પ્રદર્શન યુરોપની બેચેની છતી કરી દેનારું લાગી શકે પણ યુરોપિયન યુનિયનને અત્યારે એવી કોઈ ફિકર નથી સતાવી રહી. પોતે એકલા પડી ગયા છે તેવું લાગે તેના કરતાં પોતાની ટીમમાં ય કોઈ છે એવું બતાવવામાં જ શાણપણ છે તે યુરોપિયન યુનિયન જાણે છે. વળી ભારત પણ સારી પેઠે સમજે છે કે પોતે હજી એટલો તાકાતવર નથી કે એકલા હાથે યુરોપિયન યુનિયનના પડકારો ઉકેલી દે પણ સારાસારી રાખવાનો પ્રયત્ન એળે નહીં જાય એ પણ એક સત્ય છે. યુરોપ એકલું પડ્યું છે, તેને પોતાનો રસ્તો જાતે કરી લેવાનું અમેરિકાએ કહી દીધું છે ત્યારે મૈત્રીની ડિપ્લોમસી જ હામ બંધાવે. ભારત માટે આ એક સારો મોકો છે જેના થકી તે પારકી પંચાતમાં પ્યાદું બનવાને બદલે પોતાની ક્ષમતાનો વ્યાપ કરી વધુ મજબૂત બની શકે અને વૈશ્વિક રાજકારણમાં પોતાની ચાવીરૂપ ભૂમિકાને વધુ ધારદાર બનાવી શકે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2025