ટ્રીનીડૅડમાં જન્મેલા ભાષાશાસ્ત્રી પૅગી મોહન દસકાઓથી ભારતીય ભાષાઓની ઉત્ક્રાંતિનો અભ્યાસ કરી રહ્યાં છે. હાલમાં જ એમનું પુસ્તક ‘Father Tongue, Motherland’ પ્રકાશિત થયું છે. આ મુલાકાતમાં પૅગી ભાષાકીય સત્તા સંઘર્ષોની અને AIની ક્ષમતા વિશે પોતાના મત રજૂ કરે છે.
સવાલ : અમે માતૃભાષા વિશે સાંભળ્યુ છે પરંતુ તમારા પુસ્તકના શીષર્કમાં ‘પિતૃભાષા’નો ઉલ્લેખ છે. એવું કેમ?
જવાબ : તમે જે પ્રથમ ભાષા શિખો છો તે માતૃભાષા. પરંતુ જો તમે બંગાળી, મરાઠી, હિન્દી કે દક્કન વિસ્તારની ભાષાઓ જોશો તો શબ્દો ઘણી વખત પુરુષોના સ્થળાંતરનું પ્રતિનિધિત્વ કરતા જણાય છે. શુક્રાણુદાનની માફક જે સ્થળોએ એમણે સ્થળાંતર કર્યું એને શબ્દભંડોળ આપ્યું અને એમ હયાત ભાષાઓની ઉપર નવું પડ બનાવ્યું. હું એમને પિતૃભાષા કહું છું કારણ કે ભારતમાં ભૂતકાળ વિશે ગૂંચવણ છે. કહેવાય છે કે વેદિક લોકોના બે જૂથ અથવા ઇન્ડો-આર્યન લોકોના ઘણાં જૂથો સ્ટેપ્સથી આવ્યા અને તેથી ઉત્તર ભારતની આધુનિક ભાષાઓ જુદી છે. આ લોકોના આગમન પહેલા આ દેશમાં પહેલેથી લોકોનો વસવાટ હતો જ અને અમુક હદે મિશ્રણ થયું હોય એ બાબત તરફ કોઈનું ધ્યાન જતું જ નથી. દા.ત. છેક વિયેતનામથી ૪,૦૦૦ વર્ષ પૂર્વે માત્ર પુરુષોએ કરેલા સ્થળાંતરને લીધે ઝારખંડની આદિવાસી ભાષાઓમાં આપણે ઑસ્ટ્રો-એશિયેટિક પ્રભાવો પારખી શકીએ છીએ. આપણને શબ્દભંડોળ આપનાર સ્થળાંતર કરીને આવેલા પુરુષો હતા માટે ભાષાઓની પૈતૃક રેખા છે જે ભાષાને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરતી નથી, પરંતુ એની બુનિયાદ હતી જે એના કરતાં જૂની હતી અને તે માતૃક (આ સંદર્ભમાં અંગ્રેજીમાં maternal શબ્દ માટે ગુજરાતીમાં શબ્દ ના મળવાથી માતૃક શબ્દ વાપરેલ છે) હતી. બીજો તફાવત છે કે પુરુષ સ્થળાંતરિતોના શબ્દો અને પ્રભાવો એમના પછીની પેઢી સુધી પહોંચતા નથી. જ્યારે એ લોકો પોતાના સાચા જીવન અને કુટુંબો વચ્ચે પાછા ફરે છે એ પોતાની અગાઉની ભાષાઓ બોલે છે. સ્ત્રીઓ અને બાળકો સ્થળાંતર કરીને નવા વાતાવરણમાં ગોઠવાય છે ત્યારે વધુ સ્થિર ફેરફાર સર્જાય છે. ટ્રીનીડૅડમાં પણ સ્ત્રીઓ સ્થળાંતર કરી આવી નહીં ત્યાં સુધી ભારતીય ભાષાઓનું નામોનિશાન નહોતું.
સ. ટ્રીનીડૅડમાં ભારતીય પરિવારમાં ઉછેર દરમ્યાન સંસ્થાનવાદ અને દેશાંતરણની તમારી ભાષા ઉપર કેવી અસર થઈ?

પેગી રામેસર મોહન
જ. મારી માતા કૅનૅડિયન હતી અને મારો પરિવાર ભારતીય. પરંતુ મારે બહોળા વાતાવરણમાં સમાવવું હતું એટલે હું જમાઈકન ક્રિઓલ અંગ્રેજી બોલતી. હકીકતે મને હિન્દી નહીં શીખવાની સલાહ અપાતી. જ્યારે હું મારા પર-દાદાને હિન્દી શીખવવાનું કહેતી એ મને ફ્રૅંચ અને સ્પૅનિશ શીખવાનું કહેતા. એવી માન્યતા હતી કે કોઈપણ ભારતીય ભાષામાં રુચિ દાખવવાથી ભૂતકાળમાં ભારતમાં ઍસ્ટેટોમાં અમે વેઠિયા હતા એવા પાછા બની જઈશું. હું કૉલૅજમાં અભ્યાસ કરવા લાગી પછી એમને સમજાયું કે હું ભૂતકાળમાં ગરકાવ થઈ જવાની નથી એટલે મારા પર-દાદાએ મને થોડું હિન્દી શીખવવાનું ચાલું કર્યું અને મારી માતા વિશે જણાવ્યું કે એ અલીગઢની હતી એટલે વ્રજ ભાષા બોલતી હતી.
સ. અંગ્રેજી શબ્દો વાપર્યા વિના હિન્દી બોલવા માટેનો લોકોના સંઘર્ષ વિશે તમારા એક રસપ્રદ અભ્યાસનો તમે ઉલ્લેખ કર્યો છે …
જ. સામાન્ય લોકો અભિસરણ મારફતે અંગ્રેજી શીખે છે, પદ્ધતિસરનો અભ્યાસ કરીને નહીં. મેં બીજો કોઈ દેશ જોયો નથી જ્યાંના લોકો વિદેશી ભાષાના આંકડા સાથે સહજતા અનુભવતા હોય. ઘણી બધી સંજ્ઞાઓ અને શબ્દસમૂહોની માફક અંગ્રેજીના આંકડા હિન્દીમાં પ્રવેશવા લાગ્યા છે. આ સજ્જતા ધરાવતા લોકોને અનેક ફાયદા પ્રાપ્ત થાય છે જેમ કે સારી નોકરી, માટે આવું થયું છે. ભાષાનો સંબંધ સંજ્ઞાઓ, ક્રિયાપદો અને માળખા સાથે નથી, વાતાવરણ તમને શું કરવા માટે દબાણ કરે છે એની સાથે સંબંધ છે. હું હંમેશાં લોકોને કહું છું ભાષા એક અરીસો છે.
સ. તમે અનેકવાર કહ્યું છે કે અંગ્રેજી બોલવાની કોઈ ‘સાચી રીત’ નથી. વિસ્તારથી સમજાવશો?
જ. જો કોઈની પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી બોલતા હોય તો આપણે માની લઈએ છીએ કે એ સાચા છે. તમારી પાસે અંગ્રેજીમાં ભલે ને ત્રણ પદવીઓ હોય, એ લોકો સાચા અને તમે ખોટા. સત્તામાં કોણ છે અને કોણ એવા હોદ્દા પર છે કે બીજા લોકોને નીચા દેખાડી શકે એ સારા અંગ્રેજી, સારા ફ્રેંચ કે સારા હિન્દીનું મુખ્ય ઘટક છે (ઉમેરણ મારું : સારા ગુજરાતી કે વિશ્વની કોઈ પણ ભાષા માટે પણ લાગુ પડે છે).
સ. ભાષાઓ વિશેની કઈ એક કિંવદંતીનો તમે રદિયો આપશો?
જ. બહોળા અર્થમાં, ભાષાશાસ્ત્રની દુનિયામાં એક ભાષા પર બીજી ભાષાના પ્રભાવની જે ચર્ચા છે એ એક મોટી કિંવદંતી છે. ચોક્કસ ઢબે કઈ રીતે પ્રભાવ પાડ્યો એ શું કહી શકાય છે? શું એણે જાદુઈ છડી હલાવી? રાજકીય સત્તા અને શાળાની પદ્ધતિઓની ભૂમિકાને ઘણી વખત અવગણવામાં આવે છે. દા. ત. ૧૭૦૦ના દાયકાઓમાં હૈદ્રાબાદના અમુક કવિઓએ ઔરંગઝેબના રાજ વિરુદ્ધ લખવાનું નક્કી કર્યું. આ કવિઓ રાજ દરબાર માટે નહોતા લખી રહ્યાં એટલે એમણે ફારસીમાં લખવાને બદલે, હિન્દી અને ઉર્દૂ મિશ્રિત ભાષામાં, જેને ઘણાં હિન્દી જુબાન તરીકે ઓળખે છે, કવિતા લખી.
સ. પોલીસ અને કાયદાકીય વ્યવહારમાંથી ઉર્દૂને દૂર કરવામાં આવી છે. ઉર્દૂ વિદેશી ભાષા છે એ ધારણા વિશે તમારો મત?
જ. મુઘલોથી પોતાને દૂર કરવા અંગ્રેજોએ પણ આમ કર્યું હતું. પરંતુ આજે આ લોકો ઉર્દૂને બદલે જે લાવવા ચાહે છે એ બધાં માટે સુગમ નથી. જો તમારે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવી હોય તો દક્ષિણ ભારતમાં જો કોઈ હિન્દી ચાલે તો તે દક્કની. જો કે, આમ નથી થઈ રહ્યું. જેને આગળ કરવામાં આવી રહ્યું છે તે હિન્દીનું ઘણું મર્યાદિત, સંસ્કૃતપ્રચુર સ્વરૂપ છે જેનાથી એક ખાસ જૂથને લાભ છે અને દક્ષિણ ભારતીયોને દાળમાં કંઈક કાળું દેખાય છે એ વાજબી છે. પોતાને વધુ સત્તા પ્રદાન કરવાનો એક જૂથનો આ પ્રયાસ છે, જે રીતે અંગ્રેજી બોલતા લોકો પાસે વધુ આર્થિક પ્રભાવ અને નોકરીના બજારમાં વધુ મૂલ્ય હોય છે. આ એક પ્રકારની સત્તાનો સંઘર્ષ છે.
સ. ભાષાશાસ્ત્રી તરીકે તમારા મત મુજબ આવનાર અમુક વર્ષોમાં AIની શું અસર દેખાશે?
જ. જે પ્રકારનું કામ ભાષાશાસ્ત્રીઓ કરી રહ્યા છે એમાં ઉપયોગી થઈ શકે છે અને કદાચ એથી વિશેષ કઈ કરી શકે. ભારતમાં, ભાષાઓનું અનુવાદ કરતા AIથી તમે થોડુંઘણું રમી શકો છો : દા. ત. તમે ઓડિયામાં કશુંક ટાઈપ કરો અને તે મરાઠીમાં કે તમિલમાં તમને અનુવાદ કરી આપે. ભાવિસૂચક વાચનાના નમૂના અને ઉચ્ચારશાસ્ત્ર આધારિત ટાઈપિંગમાં કદાચ સુધાર લાવે એવું બને. AIનો ભય રાખવાને બદલે હું માનું છું કે એ બુદ્ધિનો એક પ્રકાર છે અને મારા જેવું કામ એ કરે છે. પ્રશ્ન એ છે કે બુદ્ધિના આ પ્રકાર સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયા કેવી રહેશે?
e.mail : rupaleeburke@yahoo.co.in