
રાજ ગોસ્વામી
થોડા દિવસ પહેલાં, રાજ્યસભા ટી.વી.ના હોસ્ટ, સૈયદ મહોમ્મદ ઈરફાનના લોકપ્રિય કાર્યક્રમ ‘ગુફ્તેગૂ વિથ ઈરફાન’માં, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ અને કમ્યુનિસ્ટ નેતા સુભાષિની અલીની મુલાકાત સાંભળવાનો અવસર મળ્યો હતો. સુભાષિની અલીની બીજી ઓળખાણ એ છે કે તેઓ સુભાષ ચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીના સૈનિકો, કેપ્ટન પ્રેમ સહેગલ અને કેપ્ટન લક્ષ્મી સહેગલનાં પુત્રી છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત ઔપચારિક રીતે આઝાદ થયું, તેના ચાર મહિના પછી, 29 ડિસેમ્બરના રોજ સુભાષિનીનો જન્મ થયો હતો. તેમની પાસે આઝાદીની અને બોઝની આર્મીની અનેક યાદો છે.
કાર્યક્રમમાં, ઇન્ડિયન નેશનલ આર્મીના ત્રણ સૈનિકો સામે બ્રિટિશરોએ ચલાવેલા રાજદ્રોહના ખટલાની વાત નીકળી હતી. આ બહુ જાણીતો ખટલો છે. તેમાં મુંબઈના પ્રસિદ્ધ ગુજરાતી બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈએ, તેમના નબળા સ્વાસ્થ્ય છતાં, ત્રણ મહિના સુધી ત્રણે ભારતીય સૈનિકોનો જબરદસ્ત બચાવ કર્યો હતો. જજે જો કે ત્રણેને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી. ભુલાભાઈ બીજા જ વર્ષે, 6 મે 1946ના રોજ, અવસાન પામ્યા.
ઈરફાને સુભાષિની અલીને કહ્યું કે ભારતની આઝાદીની લડાઈમાં, ભુલાભાઈ દેસાઈનું યોગદાન વિસારે પડી ગયું છે, ત્યારે તેમણે ગાંધીજી સાથે ભુલાભાઈના અણબનાવનો ઈશારો કરીને કહ્યું હતું કે ભુલાભાઈ રોજ સાંજે શરાબ પીવાના શોખીન હતા. ગાંધીજીને આ વાત ગમતી નહોતી, પણ એ એટલા મોટા નેતા હતા કે કાઁગ્રેસની બધી મિટિંગો તેમના ઘરે થતી હતી, તેમના ખર્ચે થતી હતી. તેમને મિટિંગમાં સામેલ થવા દેવામાં આવતા નહોતા, તેમ છતાં તેમણે કાઁગ્રેસ કે આઝાદીના અંદોલન પ્રત્યેની તેમની નિષ્ઠાને ઓછી થવા દીધી નહોતી.
વાસ્તવમાં, મતભેદનું કારણ એથી ય મોટું હતું. 1942થી 1945 સુધી ભારત છોડો આંદોલન દરમિયાન ગાંધીજી સહિત કાઁગ્રેસ કાર્યકારી સમિતિની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે દેસાઈ એવા કેટલાક કાઁગ્રેસી નેતાઓમાંના એક હતા જેઓ આઝાદ હતા. એવો આરોપ છે કે રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ પર દબાણ કરતી વખતે, દેસાઈએ 1945માં મુસ્લિમ લીગના બીજા સૌથી મહત્ત્વપૂર્ણ નેતા લિયાકત અલી ખાન સાથે ગુપ્ત વાટાઘાટો શરૂ કરી હતી.
વાટાઘાટો પાછળ તેમનો ઈરાદો સ્વતંત્ર ભારતમાં હિંદુઓ અને મુસ્લિમોની સંયુક્ત સરકાર રચવાનો હતો. બદલામાં લિયાકત અલગ પાકિસ્તાનની માંગ જતી કરવા તૈયાર હતા. મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે લીગને બહુમતી હિંદુઓ સાથે સમાન સ્થાન આપીને, દેસાઈએ એક આદર્શ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે તેમના મતે, આઝાદીના માર્ગને ઝડપી બનાવશે અને ભારત છોડો અંદોલનનો અંત લાવશે.
એવું કહેવાય છે કે ભુલાભાઈ ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અથવા અન્ય કોઈ કાઁગ્રેસી નેતાની જાણ વિના આ સોદો કરી રહ્યા હતા અને લિયાકત અલીએ તેમના વડા મોહમ્મદ અલી જિન્નાથી આ વાત છુપાવી હતી.
જ્યારે એક અખબારમાં આ સોદાની વાતો લીક થઇ, ત્યારે કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેમાં ધમાલ થઇ ગઈ. પછી તો ભુલાભાઈએ ગાંધીજી સમક્ષ બધી વાતો જાહેર કરી હતી, પણ જિન્નાહ અને લીગે આવી સમજૂતીની વાતને નકારી કાઢી હતી અને લિયાકત અલી ખાન પણ નામક્કર ગયા. આવો સોદો થયો છે એવા ભુલાભાઈના દાવાને એક તરફ મુસ્લિમ લીગે હસી કાઢ્યો, તો બીજી તરફ કાઁગ્રેસમાં રોષ વ્યાપી ગયો. પરિણામ એ આવ્યુ કે ભુલાભાઈ પરથી નેતાઓનો વિશ્વાસ ઊઠી ગયો અને તે હાંસિયામાં ધકેલાઈ ગયા.
તેમના ખરાબ સ્વાસ્થ્યને આગળ ધરીને ભારતની બંધારણ સભાની ચૂંટણી લડવા માટે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. કાઁગ્રેસમાં એવી લાગણી ઘર કરી ગઈ હતી કે કાઁગ્રેસની નેતાગીરી જેલમાં હતી ત્યારે, ભુલાભાઈ તેમની સત્તા અને લોકોપ્રિયતા વધારવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.
ભારતના પ્રથમ સોલિસિટર જનરલ અને ભુલાભાઈના મિત્ર સર ચિમનલાલ સેતલવાડનો દાવો છે કે ગાંધીજીને આ વાટાઘાટોની સંપૂર્ણ જાણકારી હતી અને હકીકતમાં તેમનો મૌન ટેકો પણ હતો. ભુલાભાઈ જ્યારે મૃત્યુશૈયા પર હતા, ત્યારે ગાંધીજી તેમને મળવા ગયા હતા અને તે દિવસે તેમણે ‘મૌનવ્રત’ સેવ્યું હતું એટલે એક પણ શબ્દ બોલ્યા વગર પાછા આવ્યા હતા.
વલસાડના એક મામુલી સરકારી વકીલ જીવણજી દેસાઇને ત્યાં, 13 ઓક્ટોબર, 1877ના રોજ, તેમની અશિક્ષિત પત્ની રમાબાઈને એક પુત્રનું ભાગ્ય ફળ્યું ત્યારે, તેમની કલ્પનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમનો આ પુત્ર મોટો થઈને ભારતની આઝાદી માટે લડાઈ લડશે.
ભુલાભાઈ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા એટલે બહુ લાડમાં ઉછર્યા હતા. તેમના મામાએ આ ભાણિયાને ભણાવવાનું કામ ઉપાડી લીધું હતું. ભુલાભાઈએ વલસાડની અવાબાઈ સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. તે પછી હાઈસ્કૂલમાં ભણવા માટે તેમને મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ભરડા હાઈસ્કૂલમાંથી 1895માં તેમણે પ્રથમ સ્થાને મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.
ભુલાભાઈનું અસલી ઘડતર એલ્ફિન્સ્ટનમાં થયું હતું. વલસાડ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવેલો એક છોકરો અહીં અંગ્રેજી સાહિત્ય અને કવિતાનો પ્રેમી બની ગયો હતો. અંગ્રેજી પ્રત્યેના પ્રેમના કારણે જ તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી અને અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રોફેસરની નોકરી પણ મેળવી હતી, જ્યાં તેમણે અંગ્રેજી અને ઇતિહાસ ભણાવ્યો હતો.
આમ તો એ એક ગુમનામ શિક્ષક બનીને રહી ગયા હોત, પરંતુ સાથે સાથે કાયદાનો પણ અભ્યાસ કરવાના કારણે ભુલાભાઈ તત્કાલીન ભારતની સામાજિક-રાજકીય સમસ્યાઓના પરિચયમાં આવ્યા અને એમાંથી જ તેમને અંગ્રેજોના કુશાસનનો ખ્યાલ આવ્યો હતો.
ભુલાભાઈ નસીબદાર હતા. 1905માં તેમની શિક્ષણની નોકરી છોડીને તેમણે વકીલાત શરૂ કરી, અને બે દાયકામાં તો કલકત્તાથી શરૂ કરીને લાહોર સુધી તે એક લોકપ્રિય વકીલ તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. એક સમયે તે રોજના 20થી 40 કેસમાં દલીલો કરતા હતા.
ભુલાભાઈ પર લખેલા એક પુસ્તકમાં સર સેતલવાડ લખે છે કે, “તેમની સ્મૃતિ જબરદસ્ત હતી. તેઓ કાગળ વગર કોર્ટમાં જટિલ બાબતોની ચર્ચા કરતા હતા. આ એક એવો ગુણ હતો જેના કારણે બારમાં તેમનું સ્થાન બહુ ઊંચું થયું હતું.”
બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખાતા ગુજરાતના ખેડૂતોના અંદોલનમાં ભુલાભાઈ બીજા એક ગુજરાતી, સરદાર પટેલના સંપર્કમાં આવ્યા હતા. મહાત્મા ઈચ્છતા હતા કે ખેડૂતોનો કેસ કાબેલ વકીલ જ લડે અને એમાં તેમની પસંદગી ભુલાભાઈ હતા. ભુલાભાઈ ખેડૂતોના પક્ષની સજ્જડ રજૂઆત કરી અને સરકારે મહેસૂલમાં સુધારો કર્યો, જપ્ત કરેલી જમીન પરત કરી અને ખેડૂતોને જેલમાંથી મુક્ત કર્યા. એ દિવસથી તેઓ સમર્પિત ભારતીયોમાં એક દંતકથા બની ગયા.
પછી તો કાઁગ્રેસમાં અને આઝાદીની લડતમાં તેમનું સ્થાન સતત ઊંચું થતું ગયું. કમનસીબે, 1945 સુધીમાં તેમનાં વળતાં પાણી પણ થયાં. આજે, ભુલાભાઈ દેસાઈની યાદગીરી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ કે મહાલક્ષ્મી મંદિર તરફ જતા એક રોડના નામ સુધી સીમિત રહી ગઈ છે. ઘણા લોકો તો તેને હજુ ય વોર્ડન રોડ તરીકે જ બોલાવે છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર