અથર્વવેદના ૧૨માં મંડલમાં આવેલા ભૂમિસુક્તમાં એક મંત્ર છે :
जनं बिभ्रती बहुधा विचावसं नानाधर्माणम् पृथिवी यथौकसम् ।
सहस्र धारा द्र्वीणस्यमेदूहाम्, ध्रिवेव धेनुंरनप्रस्फ़ुरन्ती (અથર્વવેદ ૧૪: ૧: ૪૫)
મંત્ર કહે છે કે આ પૃથ્વી વિવિધ ભાષા ભાષીઓને, વિવિધ પ્રકારે જીવન જીવનારાઓને દરેક પ્રકારના મનુષ્યોને એક ઘરના સભ્યો સમાન ધારણ કરે છે. એને લાત નહીં મારનારી સોજી ગાયની જેમ દોહી શકાય છે.
આગળ વધતા પહેલાં આ મંત્ર ફરી વાંચો. અહીં પ્રતિષ્ઠિત વિદ્વાનોને અનુસરીને ભાષા ભાષી એવો શબ્દપ્રયોગ મેં કર્યો છે, પણ મંત્રમાં ભાષા શબ્દ નથી વાચા શબ્દ છે. ભાષા એટલે અભિવ્યક્તિનું માધ્યમ એવી ભાષા જેમ કે ગુજરાતી, મરાઠી સંસ્કૃત વગેરે. વાચાનો મુખ્ય અર્થ અભિવ્યક્તિ થાય છે. પીડાને વાચા આપવી હોય તો પીડાનું સ્વરૂપ, પીડાનું કારણ અને પીડા કોણ આપે છે એ બધું એમાં આવે. ભાષા એક જ હોવા છતાં ય આસ્તિકની વાચા અલગ હોય અને નાસ્તિકની વાચા અલગ હોય. ભક્તની વાચા અલગ હોય, શંકા કરનારાઓની વાચા અલગ હોય. ટૂંકમાં વેદ કહે છે કે આ ધરતીમાતા અનેક પ્રકારના અભિપ્રાય ધરાવનારાઓને પોતાનાં કુટુંબીજન ગણે છે. કોઈ ભેદભાવ કરતી નથી. અને જો આ ધરતી અનેક ભાષાભાષીઓને પોતાનાં ગણે છે એવો અર્થ લેવામાં આવે તો હિંદુ અસ્મિતાવાદીઓએ સ્વીકારવું પડશે કે વૈદિક યુગમાં સંસ્કૃત સિવાયની બીજી ભાષાઓ કે બોલીઓ બોલાતી હતી. કાં તો અભિપ્રાયનું બાહુલ્ય સ્વીકારો કાં બોલાતી ભાષાઓનું. બન્ને રીતે બાહુલ્ય તો સ્વીકારવું જ પડશે. વૈદિક યુગમાં ભાષાનું બાહુલ્ય સ્વીકારો તો સંસ્કૃત ભાષા આધારિત ભારતનાં સાંસ્કૃતિક ઇતિહાસનું પુનરાવલોકન કરવું પડે. સંસ્કૃત દેવભાષા છે અને માનવીની પહેલી વાણી સંસ્કૃતમાં સ્ફોટ પામી હતી એવો હિંદુઓને મનભાવન ઇતિહાસ પર ફેરનજર કરવી પડે.
અને દેવભાષા? મરાઠી સંત કવિ એકનાથે કહ્યું છે કે संस्कृतवाणी देव केली, प्राकृत तरी चोरापासोनी जाली અને આગળ લખે છે : देवाची नाहीं वाचाभिमान, संस्कृत प्राकृत त्या समान. જો સંસ્કૃત ભાષા દેવોએ રચેલી છે તો શું પ્રાકૃત કે એવી બીજી કોઈ પણ ભાષા ચોરોએ રચી છે? પણ વાત એમ છે કે આ બધો અસ્મિતાઓનો ઘટાટોપ માનવરચિત છે, બાકી દેવોને માટે તો બધી ભાષા સમાન છે. અહીં સંત તુકારામનું પણ એક કથન ટાંકવું જોઈએ. તુકારામે કહ્યું છે : सत्य असत्याशी मन केले ग्वाही, मानियेले नाही बहुमता. સત્ય અસત્યનો વિવેક પોતે વિચારીને કરવાનો હોય, બહુમતીથી દોરવાઈને નહીં. બહુમતી અભિપ્રાયની વિરુદ્ધ જઇને સત્ય અને અસત્યની વચ્ચે વિવેક કરવાની તુકારામ શીખ આપે છે. પણ અસ્મિતાઓનો ઘટાટોપ રચનારાઓ શાસ્ત્રોનો, દેવોનો અને સંખ્યાનો લાભ લે છે. માત્ર લાભ નથી લેતા, તેનાં નામે ડરાવે છે. અસ્મિતાઓનો આ ઘટાટોપ તેઓ એટલા માટે નથી રચતા કે તેઓ તેમાં રાચે છે, તેનાં દ્વારા તેઓ પોતાનું પેટ ભરે છે અથવા સમાજ પર વિવિધ પ્રકારે સરસાઈ કે સત્તા ભોગવે છે. રાચે છે તો એ લોકો જેઓ બેવકૂફ છે. બાબા રામદેવ સામે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલો કેસ આનું પ્રમાણ છે અને આજકાલ આવાં પ્રમાણો ચારેબાજુ મળે એમ છે. બીજી બાજુ કહેવાતી બહુમતીની (popular narrative કહી શકો) વિરુદ્ધ બોલનારાઓને દેશ અને ધર્મના નામે સતાવવામાં આવે છે. मानियेले नाही बहुमता કહેવા માટે સંત તુકારામની હત્યા કરવામાં આવી હતી. પણ અથર્વવેદના કહેવા મુજબ આ પરમ ઉદાર ધરતીમાતા તુકારામોની હત્યા કરનારાઓને પણ એટલાં જ પોતાનાં ગણે છે જેટલા તુકારામને.
બીજો શબ્દ છે ધર્મ. नानाधर्माणम् અનેક પ્રકારનાં ધર્મો. સંસ્કૃતમાં ધર્મનો અર્થ અંગ્રેજી religion નથી થતો. ખૂબ વ્યાપક અર્થછાયાઓ ધર્મ શબ્દ ધરાવે છે. જીવનરીતિ, જીવનશૈલી, જીવનદૃષ્ટિ, ફરજ, સ્વભાવ વગેરે અનેક અર્થ થાય છે. વેદ આનાં બાહુલ્યને સ્વીકારે છે અને અપનાવે છે. જેને જે યોગ્ય લાગે એ રીતે એ જીવી શકે. જેમ કે કોઈને હવનમાં કોઈ લાભ દેખાય તો એ હવન કરે અને કોઈને એમાં પ્રદૂષણ દેખાય તો ન કરે. બન્નેનાં આચરણ પાછળ કોઈને કોઈ દૃષ્ટિકોણ છે. કોઈને સન્યાસમાં મુક્તિ નજરે પડે અને કોઈને એમાં ભાગેડુપણું નજરે પડે. કોઈ તપનો કે સંયમનો મહિમા કરે અને કોઈને એમાં દેહ સાથે કરવામાં આવતો અત્યાચાર નજરે પડે. આવા તો અનેક દાખલા આપી શકાય. આપણા રોજીંદા જીવનમાં આ બધું આપણે જોઈએ. પણ સમસ્યા એ છે કે કેટલાક લોકો માસ્તર બની બેઠા છે અને બને કે આવા માસ્તરો વેદોના સમયમાં પણ હોવા જોઈએ. માટે તુકારામે કહેવું પડ્યું હતું કે मानियेले नाही बहुमता.
લેખ પૂરો કરતાં પહેલાં અહીં બે વાત તરફ ધ્યાન દોરવી છે. નોબેલ પારિતોષિક વિજેતા અને આપણા યુગના મોટા વિચારક અમર્ત્ય સેને તેમનાં The Argumentative Indian – Writings on Indian Culture, History and Identity નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ચર્ચાવિચારણાની પરંપરા ભારતમાં વૈદિક યુગથી જોવા મળે છે. હવે એ તો દેખીતી વાત છે કે જ્યાં સુધી શંકા અને સવાલ ઉપસ્થિત કરવામાં ન આવે ત્યાં સુધી ચર્ચા શક્ય નથી. તેમણે ઋગ્વેદમાં આવતા નાસદીય સૂક્તને આનાં પ્રમાણ તરીકે રજૂ કર્યું છે. નાસદીય સૂક્તમાં કોણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું, શેમાંથી કર્યું અને સર્જન થયું એના પહેલાં શું હતું એવા અસ્તિત્વને લગતા પ્રશ્નો ઉપસ્થિતિ કરવામ આવ્યા છે. જો નાસદીય સૂક્તને શંકા ઉપસ્થિત કરનારો પાયાનો પથ્થર માનીએ તો અથર્વવેદનો આ મંત્ર તેનો કળશ ગણાય. ધરતી માતા વિચાર અને આચરણને જોઇને કોઈની વચ્ચે ભેદ નથી કરતી. દરેકને પોતાનાં સંતન સમજે છે અને પાટુ નહીં મારતી સોજી ગાયની જેમ દૂધ આપે છે. આ હા! શું અદ્બુત વિકાસયાત્રા.
અને બીજી વાત. આધુનિક લોકતાંત્રિક દેશોમાં અંતરાત્માને અનુસરવાનો તેમ જ એ રીતે જીવન જીવવાનો અને પોતાનાં અભિપ્રાયને વ્યક્ત કરવાનો નાગરિકોને અધિકાર આપવામાં આવ્યો છે. એ અધિકારને નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતે પણ પોતાનાં બંધારણમાં આવી જોગવાઈ કરી છે. પણ બંધારણમાં જે કહેવામાં આવ્યું છે એ જ તેનાં હજારો વરસ પહેલાં વેદોએ કહ્યું છે.
હવે તમે જો સાચા હિંદુ હો અને હિંદુ હોવા માટે ગર્વ અનુભવતા હો તો તમારે વિચારવું જોઈએ કે તમારે વેદોને અનુસરવા જોઈએ કે પછી કોઈના ખાસ એજન્ડાને? કોણ શ્રેષ્ઠ? પણ હા, વેદોને અનુસરતી વખતે એ નહીં ભૂલતા કે ખુદ વેદોએ શંકા અને સવાલ કરવાની સલાહ આપી છે અને એ પછી પણ દરેકને સ્વીકારવાનું કહ્યું છે. શંકાનું સ્વાગત અને ઉદારતા અનિવાર્ય. હાડના હિન્દુએ વિચારવું રહ્યું.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 ઍપ્રિલ 2024