Opinion Magazine
Number of visits: 9950451
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નદી જોડવાની લાલચમાં આપણે શું-શું ગુમાવી રહ્યા છીએ?

કિરણ કાપુરે|Opinion - Opinion|4 May 2026

આપણા પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશનું એક ક્ષેત્ર બુંદેલખંડમાં આજકાલ એક પ્રોજેક્ટનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે અને તેમ છતાં તે વિરોધની નોંધ ગણીગાંઠી ન્યૂઝ ચેનલ લઈ રહી છે. આ પ્રોજેકટ એટલે કેન અને બેતવા નામની બે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ. આ અતિ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેને લઈને સરકારના ઘણાં બધા દાવા છે. એક તો તેનો ઉદ્દેશ બુંદેલખંડના મસમોટા વિસ્તારને પાણીની આપૂર્તિ કરાવવાનો છે; જેથી અહીંની ખેતી સમૃદ્ધ થઈ શકે. ઉપરાંત, તેનાથી વીજળી પણ ઉત્પન્ન થવાની છે. અને 62 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે – તેવો દાવો પણ આ પ્રોજેક્ટને લઈને થઈ રહ્યો છે. 

કેન-બેતવા પ્રોજેક્ટની અનેક વર્ષોથી વાત થઈ રહી હતી, આખરે 25 ડિસેમ્બર 2024ના રોજ તેનું ખાતમૂહુર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયું. સરકારી પ્રોજેક્ટ હોય ત્યારે તેના લાભ જ ગણાવવામાં આવે અને તેમાં ઘણી બધી અતિશોયક્તિ પણ થાય છે. પરંતુ કેન-બેતવા પ્રોજેક્ટથી નુકસાને ય ઘણું છે. આ નુકસાનમાં સૌથી પહેલાં તો અતિ સમૃદ્ધ પન્ના અભિયારણ્યનો મસમોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ જશે. પન્ના અભિયારણ્યમાં હાલમાં પણ એંસી જેટલાં વાઘ છે અને અનેક અન્ય પ્રાણી-પંખીની પ્રજાતિઓ વસે છે. પ્રોજેક્ટથી તેમના પર જોખમ આવશે તે અંગે અનેક પ્રાણીપ્રેમી અને નિષ્ણાતો ચેતવી ચૂક્યા છે. બીજું કે આ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા પચાસ લાખની આસપાસ છે. બંને નદીઓને જોડવાથી અહીંયાના દસ લાખથી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવશે અથવા તો તે ડૂબમાં જશે. અને હાલમાં આ પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ 32થી વધુ ગામો પાણીમાં સમાઈ જશે – જે કારણે જ સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કુદરતના સાંનિધ્યમાં અને પાયાના સગવડથી અભાવમાં રહેનારા આ ગ્રામવાસીઓનો પ્રોજેક્ટથી છે. તેઓને ખ્યાલ છે કે તેમનું જીવન હવે અનિશ્ચિતતામાં પ્રવશશે. અત્યાર સુધી તેઓ જંગલમાં પરંપરાગત રીતભાતથી પોતાના જીવનનું નિર્વાહ કરતા હતા. તેમાં વીજળી કે પાયાની સુવિધા પણ નહોતી. હવે તેઓને વિસ્થાપિત કરવામાં આવશે અને તેનું વળતર પણ નજીવું ચૂકવવામાં આવી રહ્યું છે. આમ આ પ્રોજેક્ટની સીધી કોઈ અસર આપણા રાજ્યમાં ન હોવા છતાં એક કેસ સ્ટડી તરીકે કેન-બેતવા પ્રોજેક્ટ વિશે જાણવું જોઈએ, જેનાથી એક આખો ક્ષેત્રની ભૂગોળ કાયમ માટે બદલાઈ જશે. 

આ પ્રોજેક્ટમાં એક ડેમ બની રહ્યો છે અને તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. પરંતુ આ વિરોધની જગ્યા કેમ મુખ્યધારાના મીડિયામાં બની રહી નથી? તેનું એક કારણ આ વિસ્તારમાં આદિવાસી વસે છે અને સાથે-સાથે મહંદશે અહીંના લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. બીજું કે તેમાં કોઈ શહેર ડૂબી રહ્યું નથી; કોઈ બોલકા વર્ગનું કશું ય છીનવાઈ રહ્યું નથી. આ પ્રોજેક્ટથી અસર પામેલા લોકો પોતાની રજૂઆત કરી શકતા નથી, તેમની પાસે કાયદાનું પૂરતું જ્ઞાન નથી અને તેથી આ ગાજ તેમના પર પડી છે. શાસકો દ્વારા આ પ્રકારની રમત હંમેશથી ચાલે છે, પરંતુ તે વિશે અવાજ ઉઠતો નથી. 

આ પ્રોજેક્ટ રીવર્સ ઇન્ટરલિકિંગ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે. દેશભરની જુદી જુદી નદીઓને તેમાં જોડવાની છે. ગુજરાતમાં પણ તાપી-નર્મદાને જોડવાનો તેમાં ખ્યાલ છે. રીવર્સ ઇન્ટરલિકિંગ પ્રોજેક્ટ અંગે મસમોટા દાવા થયા છે. બેશક તેનાથી દેશના શહેરોને, ખેતીને અને પીવાના પાણીનો પ્રશ્ન કેટલેક અંશે ઉકેલાય પણ ખરો. પરંતુ નદીઓને જોડવાથી જ ઉકેલ આવે છે તેવું પણ નથી. રાજસ્થાનમાં નાના-નાના ડેમ બાંધીને પણ પાણીના પ્રશ્નો હલ થયા છે. દેશમાં અન્ય રાજ્યોમાં પણ આવાં દાખલા મળી આવશે – જેનાથી પાણીનો અતિમુશ્કેલ પ્રશ્ન હલ થયો હોય. તો પછી આ પ્રોજેક્ટ કેમ? મોટા પ્રોજેક્ટથી મસમોટાં સપનાં દાખવવાનો એક કીમિયો ચાલે છે અને તેના દ્વારા અનેક લોકો તેમાં ફસાય છે. શાસકો આવા પ્રોજેક્ટ થકી પોતાના કામને મોટું દાખવીને તેના પ્રચારથી પોતાની એક છબિ ઊભી કરી શકે છે. 

પરંતુ આવા પ્રોજેક્ટ નિર્માણમાં જે કંઈ જમીની સ્તરે થાય છે તેની વિગત સૌ સુધી પહોંચતી નથી. હાલમાં કેન-બેતવા પ્રોજેક્ટમાં જે ગામો ડૂબમાં જઈ રહ્યા છે – તે માટે સ્થાનિક લોકો નદીમાં કલાકો ઊભા રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ગામોમાંથી હજારોની સંખ્યા બહેનો વિરોધ કરી રહી છે. એક તો તેમને આ પ્રોજેક્ટ પોતાની જમીન-ઘર જઈ રહ્યા છે તેનાથી વાંધો છે અને બીજુ પ્રોજેક્ટ હેઠળ તેમને મળેલા વળતરને લઈને પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. હવે જ્યારે આ પ્રોજ્કટનો ખર્ચ 44,000 કરોડ રૂપિયા હોય તો તેમાં વિસ્થાપિત માટે નજીવી ફાળવણી કેમ કરવામાં આવી છે ?

આ પ્રોજેક્ટ જ્યારે લોન્ચ થયો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કંઈ બોલ્યા છે તે પણ ધ્યાને લેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘અટલજી[અટલ બિહારી વાજપેયી]એ નદીઓને જોડવાનું વિઝન રાખ્યું હતું. તેનો ઉદ્દેશ એ જ હતો કે જે નદીઓમાં જરૂરિયાત કરતાં વધુ પાણી છે, તે નદીઓને દુકાળગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચાડવી જોઈએ. તેનાથી પૂરની સમસ્યા અને બીજી તરફ દુકાળની સમસ્યા બંનેનું સમાધાન શક્ય છે.’ હવે એક તરફ સરકારના દાવા છે તો બીજી તરફ હાલમાં ચાલી રહેલું અહીંનું આંદોલન છે, જેમાં હજારોની સંખ્યા લોકો પાણીમાં સતત ઉભા રહીને વિરોધ દર્શાવી રહ્યા છે. તેઓ પોતાના પૂરા શરીર પર માટી ઘસીને લગાવે છે અને અહિંસક વિરોધ કરી રહ્યા છે. 

કેન-બેતવા નદી જોડો પરિયોજનાથી જે કંઈ ઉથલપાથલ થઈ રહી છે તે અંગે વધુ વિસ્તારથી સમજવું હોય તો અનુપમ મિશ્રા આ અંગે શું માનતા હતા તે જાણવું જોઈએ. અનુપમ મિશ્રા પર્યાવરણવાદી હતા અને તેમણે પાણીના અછત વિસ્તારમાં ઘણું કાર્ય કર્યુ હતું. તેઓ હવે હયાત નથી પરંતુ તેમણે જે કંઈ લખ્યું છે તેમાંથી આજે પણ અનેક બાબતોનું માર્ગદર્શન મેળવી શકાય છે. જેમ કે તેમણે નદી જોડો પરિયોજના વિશે લખ્યું છે કે, ‘દેશના જે ભૂગોળે લાખો વર્ષની મહેનતથી ખૂણેખૂણે સુધી જુદી જુદી નાની-મોટી નદીઓ કાઢી, હવે આપણે તેને દોષ આપી રહ્યા છીએ કે એક નદી કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેમ વહેતી નથી? હજુ પણ કરવાયોગ્ય નાના-નાના કામોના અવેજમાં આપણે અરબો રૂપિયાની યોજનાઓની વાત કરીએ છીએ. આ દેશના ખોળે થોડા જ સમય અગાઉ હજારો નદીઓ વહેતી હતી. તેને સુકીભઠ્ઠ કરીને હવે આપણે ચાર-પાંચ મોટી મોટી નદીઓને જોડીને તેનું પાણી જ્યાં-ત્યાં લઈ જવા માંગીએ છીએ.’ તેઓ એમ પણ કહે છે કે, ‘તળાવ અને વાવ જેવી જૂની પદ્ધતિનો વિકાસની નવી યોજનાઓમાં ખૂબ ઉપેક્ષા થઈ છે. ન માત્ર શહેરોમાં જ, બલકે ગામોમાં પણ તળાવને સમથળ કરીને મકાન, દુકાન, મેદાન, બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જે પાણી આવી વોટરબોડીઝમાં અટકીને વર્ષ સુધી રહેતું હતું, અને તે ક્ષેત્રનું ભૂજળ ઉપર આવતું હતું. તેને આપણે નાશ કરી દીધો છે. તેના સ્થાને આપણે આધુનિક ટ્યૂબવેલ, નળ, હેન્ડપંપ લગાવીને પાણી કાઢીએ છીએ. આપણે જમીનને આપવાનું ઓછું કરી દીધું અને લેવાનું રાક્ષસી ગતિએ શરૂ કર્યું છે. અને એટલું જ નહીં આપણે એવું માનીએ છીએ કે આ બધું જ આપણી અનુકૂળતા મુજબ ચાલશે. પરંતુ હવે દર વર્ષે પ્રકૃતિ આપણને પત્ર પાઠવીને એવું કહી રહી છે કે આપણે ભૂલ કરી રહ્યા છે.’

તેઓ એમ પણ કહે છે કે, ‘ભૌગોલિક રીતે નદીઓને જોડવું યોગ્ય પણ નથી. નદીનો પોતાનો સ્વભાવ હોય છે અને તે તમારા આયોજન મુજબ ન વહી શકે. શાસકો આવા પ્રોજેક્ટ નિર્દોષતાથી લાગુ કરી દે છે. સત્તામાં આવવાથી આ પ્રકારનો રાજરોગ થાય છે.’ રાજકીય રીતે પણ અનુપમજીએ નદી સંદર્ભે એક નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે, એક જ પક્ષની સરકાર એકબીજાને જો પાણી નથી આપતી તો પછી સિંચાઈનું પાણી એકબીજા સાથે કેવી રીતે વહેંચશે. આપણા દેશમાં હજુ પણ ઘણા પાડોશી રાજ્યો નદીનાં પાણી માટે એકબીજાની સામે છે. કેન-બેતવા અને નદી જોડવાની પરિયોજના વિશે હજુ તો ઘણું લખી શકાય એવું છે. પરંતુ હાલમાં તો કેન-બેતવાથી નુકસાનનું આકલન કેટલું થશે તે જાણવું જરૂરી છે. 

 e.mail : kirankapure@gmail.com 

Loading

સાંજ….ગઝલ.

સિદ્દીક ભરૂચી|Poetry|4 May 2026

સાંજ થઈ ગઈ ને જાત બાકી છે,
જિંદગીની       વિસાત બાકી છે.

છે    રવિવાર       ઊંઘવા   માટે,
શેર   સંભળાવ     રાત બાકી છે.

હાથ  નજરોના  તો મિલાવ્યા છે,
શબ્દોની   ખાસ   વાત  બાકી છે.

સુખ કે દુઃખમાં શહીદ થઇ જાતાં,
એવાં   પુષ્પોની   ન્યાત બાકી છે.

દિલ   જેવું  સીમકાર્ડ  ફેલ  થતાં,
મોબાઈલ  જેવી   જાત બાકી છે.

અમદાવાદ.
e.mail : siddiq948212@gmail.com

Loading

ગેસ ટ્રબલ : તોતિંગ ભાવ વધારો તો ખરો જ , તોતિંગ નફો પણ ખરો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 May 2026

રવીન્દ્ર પારેખ

ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધની અનિશ્ચિત પરિસ્થિતિમાં, ભારતની તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરોના ભાવ વધારી દીધા છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી ગેસ સિલિન્ડરોના ભાવ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની દહેશત હતી જ, ત્યાં ચૂંટણી પત્યાંના બીજે જ દિવસે ગેસ સિલિન્ડરોના ઢગલો ભાવ વધી ગયા છે. સરકારે તો રાંધણ ગેસ, પેટ્રોલ-ડિઝલના ભાવ નહીં વધે એવી આશા બંધાવી હતી, પણ તે ઠગારી નીવડી છે. સરકાર જ્યારે પણ કહે કે ભાવ નહીં વધે તો સમજી લેવાનું રહે કે ભાવ વધારવા જ આવી વાતો સરકાર કરે છે. ગેસમાં તો જનતાની આશા ઠગારી નીવડી જ છે, તો ય સરકાર હજી એ રાગ જ આલાપ્યા કરે છે કે પેટ્રોલ-ડિઝલનાં ભાવ નહીં જ વધે, એટલે એ ફાળ પડે જ છે કે પેટ્રોલ-ડિઝલ પણ ગજવાં ખંખેરશે જ ! અધૂરામાં પૂરું પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારવા જ પડે એમ છે, એવી લાચારી પ્રગટ કરી છે, એટલે લટકતી તલવાર ક્યારે માથે પડે તેની રાહ જ જોવાની રહે છે.

એ તો ઠીક, પણ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 99૩ રૂપિયા વધી ગયો છે. આ પહેલાં કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2078 હતો, તે વધીને 3071 પર પહોંચ્યો છે. આ અગાઉ માર્ચમાં 14.2 કિલોના ઘરેલું ગેસ (એલ.પી.જી.) સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયેલો, ત્યારે પણ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો તો થયેલો જ ! આ વધારો થયો એને મહિનો પણ નહીં થયો હોય ને એક એપ્રિલને રોજ કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 218નો વધારો આવ્યો. એ બાકી હોય તેમ હવે પહેલી મેથી કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 99૩નો વધારો આવતા સિલિન્ડર લગભગ 50 ટકા વધીને તેની કિંમત 3071 પર પહોંચી છે. બેત્રણ મહિનાના ગાળામાં જ કમર્શિયલ ગેસ સિલિન્ડર પર 1271નો વધારો ઝીંકાયો છે ને વર્ષમાં આ વધારો 1500નો થવા જાય છે. આ વખતે રાંધણ ગેસમાં ભાવ વધ્યા નથી, પણ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7 વાર ભાવ વધી ચૂક્યા છે તે ખરું.

એ ઉપરાંત 5 કિલોવાળા ફ્રી ટ્રેડ એલ.પી.જી.-છોટુ-સિલિન્ડરમાં પણ 261નો ભાવ વધારો આવતા તેની કિંમત પણ 810.50 પર પહોંચી ગઈ છે. ઓઈલ કંપનીઓએ 14.2 કિલોવાળા રાંધણ ગેસમાં કોઈ ભાવ વધારો ન કરીને ગૃહિણીઓને રાહત આપી છે. એનો ભાવ 913 છે તે જ છે. દેશમાં વપરાતા ગેસનો 80 ટકા હિસ્સો ઘરેલું ગેસનો છે. સરકારનું કહેવું છે કે એમાં ભાવ વધારો થયો નથી, મતલબ કે મોટા ભાગનો ઘરેલું ગેસનો વપરાશ, ભાવ વધારાથી બચેલો છે, પણ એ ભૂલવાનું નથી કે બે મહિના પર સાત માર્ચે 60નો વધારો તો ઝીંકાયેલો હતો જ, એટલે આ વખતે જીવદયા કરીને ભાવ વધારો અટકાવાયો છે, પણ એ લટકતી તલવાર છે ને ક્યારે પડે તે નક્કી નથી. જો કે, કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એવી જીવદયા દાખવાઈ નથી. બે મહિનામાં કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ત્રીજો ભાવ વધારો આવ્યો તેમાં ઈરાન-અમેરિકા યુદ્ધને આગળ કરાય છે ને તેમાં તથ્ય પણ છે. હોર્મુઝ સ્ટ્રેઈટને કારણે ઘણાં જહાજો રોકાયેલાં છે, પરિણામે ક્રૂડ ઓઈલને લગતાં ઢગલો જહાજો હોર્મુઝ સ્ટ્રેઈટમાં ફસાયેલાં છે. એને લીધે ભારત આવતો ગેસ અને ઓઈલનો પુરવઠો અટવાઈ જતાં ગેસ સિલિન્ડરોમાં આ વધારો અનિવાર્ય થઈ પડ્યો છે.

સરકાર એવો બચાવ કાયમ કરે છે કે કમર્શિયલ સિલિન્ડરના ભાવ વધાર્યા છે, પણ ઘરેલુ ગેસ સિલિન્ડર પર ઊની આંચ આવવા દીધી નથી. આ બચાવ યોગ્ય નથી, કારણ કમર્શિયલ ગેસ સિલિન્ડર મોટે ભાગે હોટેલોમાં, ચાવાળા, નાસ્તાની લારીઓ વગેરે … ખાવા પીવાની વસ્તુઓ રાંધવા માટે કરતા હોય છે. હવે સિલિન્ડર દીઠ 99૩ જેટલો તોતિંગ વધારો, તેનો વપરાશકાર જે વેચે છે તે એ જ જૂના ભાવે વેચે એવું બને? તે પણ એટલો ભાવ તો વધારશે જ, જે પેલા ભાવ વધારાને સરભર કરી આપે. એ ભાવ વધારો ગ્રાહકો પર જ બોજ વધારશે ને એ ગ્રાહકો ઘણુંખરું મધ્યમ વર્ગના જ હશે. એટલે કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો માલેતુજારને નહીં, પણ સામાન્ય માણસને અસર કરે છે. સરકાર ભલે કહે કે ઘરેલું ગેસમાં વધારો નથી થયો, જેથી મધ્યમ વર્ગને તેની અસર નહીં પહોંચે, પણ એ સાચું નથી.

આજે તો એવી પરિસ્થિતિ છે કે બધા કમાય નહીં તો ઘર ચાલે નહીં. ઘર ચલાવવા સ્ત્રી કે પુરુષે કમાવું જ પડે. એ સંજોગોમાં ઘરમાં ખાવાનું બનાવવા જેટલો સમય હોતો નથી ને ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું પડે છે. આ બધા મધ્યમ વર્ગના છે ને કોઈ હોટેલ કે લારી પર જઈને પેટ ભરતાં હોય છે. એવે વખતે વધેલા ભાવે વસ્તુ ખરીદવાનું મોંઘુ પડે. આ વધારો પણ મધ્યમ વર્ગને માથે જ પડે છે, તો સાબિત તો એ જ થાય છે કે કમર્શિયલ સિલિન્ડર મધ્યમ વર્ગ વાપરતો નથી, પણ એ ભાવ વધારા પછી જે ભાવ વધે છે તે વેઠે છે તો મધ્યમ વર્ગ જ !

મધ્યમવર્ગને અસર ન થાય તેથી ઘરેલું ગેસના ભાવ વધતા નથી એ સાચું, પણ બીજા સિલિન્ડર પર વધતા ભાવોની અસરો થાય છે તો મધ્યમ વર્ગને જ ! અંદાજે ખાવા પીવાની વસ્તુઓ કેટલી મોંઘી થશે તેના મધ્યમ સ્તરની હોટેલોના સરેરાશ આંકડાઓ બહાર આવ્યા છે. 27 ફેબ્રુઆરીએ છોલે-ભટુરેનો ભાવ 198નો હતો, તે હવે 210 બોલે છે ને નવો ભાવ 250 થશે. એ જ રીતે મસાલા ઢોસા અત્યારે 172માં મળે છે તે 210માં પડશે. એ જ રીતે થાળી 355 પરથી 400 સુધી ઊંચકાશે. ચા 15માં મળે છે તે 20 રૂપિયા સુધી જશે. ટૂંકમાં, ફેમિલી ડાઈનિંગનો ખર્ચ 30 ટકા સુધી વધી શકે એમ છે. એ જ રીતે એર ઇન્ડિયાએ ટિકિટ દીઠ 900નો અને ઇન્ડિગોએ 950નો વધારો કરી દીધો છે. ઘરેલું રૂટ પર 1000નો અને આંતર્રાષ્ટ્રીય રૂટ્સ પર 10000 સુધીના ભાવ વધી ગયો છે.

પાંચ કિલોવાળા સિલિન્ડરના ભાવ વધારામાં તો મજૂરો, ચાવાળા કે નાનો ધંધો કરનારા લોકોને સીધી અસર થવાની છે. સાધારણ રીતે રાજ્યની બહાર જવાવાળા મજૂરોને તો 5 કિલોનો સિલિન્ડર જ પરવડતો હોય છે, ત્યાં 261ના ભાવ વધારા સાથે, 810નો સિલિન્ડર મજૂરોની મુશ્કેલીમાં વધારો જ કરશે. એ જ રીતે નાના ધંધા કરવાવાળાએ પણ ભાવો વધારવા જ પડશે. હવે ત્યાં ખરીદનારા પણ એવા ગરીબો કે મજૂરો જ હોવાના. એમને જૂનો ભાવ જ જેમ તેમ પરવડતો હોય, ત્યાં નવો ભાવ વધારો કેમ કેમ પરવડશે તે પ્રશ્ન જ છે.

આમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ નથી વધાર્યો એવું આશ્વાસન સરકારે આપ્યું છે, પણ ગુજરાતમાં પાવર પેટ્રોલનો (પાવરે) લિટરે 2થી 10 સુધીનો વધારો ઓલરેડી ઝીંકી જ દેવાયો છે, એટલે પેટ્રોલ-ડિઝલ વધ્યા વગર નહીં જ રહે તે કહેવાની જરૂર નથી. સરકાર એમ કહેશે જરૂર કે નાછૂટકે ભાવ વધારવા પડે છે, પણ એ સાચું નથી, કારણ દેશની તેલ કંપનીઓ રોજનો 165 કરોડનો નફો કરે છે. ઈરાન અમેરિકા યુદ્ધને બહાને સરકાર મગરના આંસુ સારે છે. તેલ કંપનીઓ તો કહી જ રહી છે કે તે રોજની 2400 કરોડની ખોટ ખાઈ રહી છે. પેટ્રોલ પર લિટરે 14નું નુકસાન અને ડિઝલમાં 18નું નુકસાન કંપનીઓ વેઠી રહી છે, એટલે તે ભાવ વધારવાનું સરકાર પર દબાણ વધારી શકે એમ છે, પણ હકીકત એ છે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતની તેલ કંપનીઓ નફો કરી રહી છે. 2022-’23માં HPCL નુકસાનીમાં ચાલી, એટલું બાદ કરતાં ચારેય કંપનીઓ નફામાં ચાલી રહી છે. સતત ત્રણ વર્ષથી તેલ કંપનીઓ નફો કરી રહી છે ને વધારે નહીં તો 2024-’25નાં આંકડાઓ જોઈશું તો RIL, IOC, BPCA, HPCL કંપનીઓ અનુક્રમે 81,309, 13,598, 13,275, 5,580 કરોડનો નફો રળી રહી છે. એ જ ક્રમમાં 2025-’26માં એ જ કમ્પનીઓના ક્રમમાં અનુક્રમે 79,020, 29,7૦૦, 16,9૦૦, 11,982 કરોડનો નફો કરી રહી છે. તેમાં પણ છેલ્લા ત્રણ આંકડા તો 9 મહિનામાં થયેલા નફાના છે.

સરકાર ભલે કહે કે લોકોનું હિત જોઇને તે અમુક તમુક ભાવ વધારતી નથી, પણ એવા ભ્રમમાં પ્રજાએ રહેવાની જરૂર નથી. તેલ કંપનીઓ કોઈ પણ લોભી દુકાનદારની જેમ નફા સિવાય કશું વિચારતી નથી. તે મૂકતી નથી, પણ ગરદન મારે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 મે 2026

Loading

...1020...31323334...405060...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved