Opinion Magazine
Number of visits: 9928702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 June 2026

આપણે ઇતિહાસને સમજવા નથી માંગતા, પણ તેને આપણી પોતાની અનુકૂળતા મુજબ, બુદ્ધિની મર્યાદાઓ અનુસાર સુધારવા માંગીએ છીએ.

ચિરંતના ભટ્ટ

4,500 વર્ષ સુધી એ ટકી ગઈ, એ બરાબર એ જ રીતે ઊભી હતી જે રીતે કલાકારે તેને ઘડી હતી. ઉન્નત શિર, ટટ્ટાર ડોક, કમર પર હાથ, બંગડીઓથી શોભતા હાથ અને નામ માત્રનું કહેવાય એવું એક પણ વસ્ત્ર નહીં. તેના આ ત્રિભંગ શૈલીમાં ઊભા રહેવામાં કોઈ છોછ, શરમ, સંકોચ નહોતો, તે 4,500 વર્ષોથી તે આત્મવિશ્વાસથી ભરપૂર જ લાગી છે.

2023માં ભારત સરકારે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો માટે તેને મેસ્કોટ તરીકે પસંદ કરી. મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’થી ‘પ્રેરિત’ આ મેસ્કોટે ગુલાબી કપડાં પહેર્યા હતાં. આ તેની નવી આવૃત્તિ હતી અને કહેવાયું કે આ તેનું ‘સમકાલીન સ્વરૂપ’ હતું. ત્યારે પણ હોબાળો થયો હતો, ત્યારે પણ સવાલો થયા હતા કે આપણે ઇતિહાસ રજૂ કરીએ છીએ કે આપણી અનુકૂળતા મુજબ તેને ફરી લખી રહ્યાં છીએ.

થોડા દિવસ પહેલાંની વાત છે જ્યારે આપણે બધાં 370ની બિરયાની પર ચર્ચા કે નવી ફિલ્મો કે સમિટમાં વડા પ્રધાનનાં વીડિયો જોતા હતાં એ બધાંની વચ્ચે NCERTના 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં ‘ડાન્સિંગ ગર્લ’ના ધડ પર શેડિંગ કરી દેવાયું, એટલે તેનો એટલો હિસ્સો દેખાય નહીં. પછી વિવાદનો મધપૂડો છંછેડાયો અને અંતે મૂળ તસવીર સાથે પુસ્તક ફરી છપાયું. આ બધા અંગે કોઈ ચોખવટ ન કરાઈ, કેમ એ ભાગ ઘેરો કરી દેવાયો, તેને ઢાંકવાનો પ્રયાસ થયો વગેરે. 

આપણામાં એટલી પ્રામાણિકતા પણ નહોતી કે 4,500 વર્ષથી પોતે જેમ છે તે રીતે જ, આપણી ઓળખ બની ચૂકેલી ‘ડાન્સિંગ ગર્લ’ની ખરી ઓળખ સાથે આપણે શું કરી રહ્યાં છીએ તેની કોઈ સ્પષ્ટતા કરીએ. 

મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’, માત્ર 10.5 સેન્ટિમીટર ઊંચી અને સાડા ચાર હજાર વર્ષ જૂની આ પ્રતિમા, એક આખી સભ્યતાના પતન સામે, વસાહતી ઉત્ખનન સામે, દેશના ભાગલા સામે અને તે જ સંસ્કૃતિમાં હતી તે ખળખળ વહેતી નદીના પતન સામે પણ ટકી રહી. એ જેની સામે ટકી ન શકી એ હતી આધુનિક સમયની અમલદારશાહી, અત્યારની બ્યુરોક્રસી જેણે બે જૂદા પ્રસંગોએ એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે દુનિયા હજી પણ તેને (ડાન્સિંગ ગર્લ) તે જેવી છે એવી જોવા માટે તૈયાર નથી. 

જાહેર વિરોધ પછી NCERTએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો. પરંતુ આ આખી ઘટના પાછળની માનસિકતા હજી યથાવત રહી.

જો કે આ બંન્ને ઘટના પાછળ એક સવાલ એ છે કે, કાંસ્ય યુગની પ્રતિમાએ પાઠ્યપુસ્તકમાં કપડાં પહેરવા જોઇએ કે નહીં? પણ ખરો સવાલ તો એ છે કે આધુનિક સમાજ ભૂતકાળને સતત એડિટ કરવાનો, તેને ફરી લખવાનો, તેને બદલવાનો પ્રયત્ન કેમ કર્યા કરે છે?

દરેક પેઢીને લાગે છે કે તે ઇતિહાસને સુધારી રહી છે, બહુ ઓછી પેઢીઓ એ સ્વીકારી શકે છે કે, હકીકતમાં તો તે ઇતિહાસને સેન્સર કરી રહી છે. શબ્દો બદલાતા રહે છે, શાલીનતા, સંવેદનશીલતા, સમકાલીન મૂલ્યો, સાંસ્કૃતિક યોગ્યતા વગેરે વગેરે, પરંતુ વૃત્તિ લગભગ એક સરખી રહે છે. જ્યારે કોઈ સર્જનમાં માનવીય શરીર હોય ત્યારે તેના સંદર્ભો જોવાની તસ્દી કોઈ લેતું નથી. સમજવું નથી, બદલવું છે. 

એવું ન માનવું કે આપણને ભારતીયોને જ આવા બધા છોછ છે, અને આપણાં નાકનાં જ ટિચકાં ચઢે છે. ફ્લોરેન્સમાં જ્યારે માઇકેલેન્જેલોની ‘ડેવિડ’ની મૂર્તિનું અનાવરણ કરાયું ત્યારે તેની નગ્નતા ઢાંકવા માટે પણ તરત લોકો કૂદી પડ્યાં હતાં. આ ઘટના પછી તો વેટિકન આખા ઇટાલીમાં ધાર્મિક કળામાં જેટલી પણ નગ્ન આકૃતિઓ હતી તેને ઢાંકવાનું વ્યવસ્થિત અભિયાન શરૂ કર્યું હતું. આજે આર્ટ હિસ્ટોરિયન્સ તેને ‘ફિગ લીફ કેમ્પેઇન’ તરીકે ઓળખે છે. ક્વીન વિક્ટોરિયાને ડેવિડની પ્રતિમા ભેટ અપાઇ ત્યારે તેની સાથે પાંદડું પણ ભેટ અપાયું હતું જેને જરૂર પડ્યે ત્યારે પ્રતિમા પર ‘લટકાવી’ શકાય.

વિગતો જૂદી છે પણ અગવડ એ જ છે. ચર્ચે બધે મૂર્તિઓ ઢાંકી, વિક્ટોરિયન ઇંગ્લેન્ડે પણ બધાં શિલ્પ ઢાંક્યા અને 21મી સદીનું વિકાસશીલ ભારત કાંસ્ય યુગની પ્રતિમાને ઢાંકે છે. સદીઓ અલગ છે પણ માનસિકતા એની એ જ છે. આપણા વારસામાં આવી અસ્વસ્થતા ક્યાંથી આવી? કે પછી આધુનિક થયેલા આપણે એ આવવા દીધી અને પછી તેને સંસ્કૃતિનું રૂપાળું છોગું પહેરાવી દીધું!

સાડા ચાર હજાર વર્ષ પહેલાં જેણે ‘ડાન્સિંગ ગર્લ’ની મૂર્તિ બનાવી હતી તે સર્જકને કે તેની આસપાસના એ સમાજને મૂર્તિના દેખાવથી કોઈ ફેર નહોતો પડ્યો, તેમને કોઈ અસ્વસ્થતા નહોતી થઈ. સિંધુ ખીણની સભ્યતા – ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કે હડપ્પન સંસ્કૃતિ ઇતિહાસનું એક અદ્ભૂત રહસ્ય કે અચંબો છે. હજી સુધી આપણે તેની લિપિ પૂરી રીતે વાંચી શક્યા નથી. તેના શાસકોના નામ આપણને નથી ખબર. તે સંસ્કૃતિની વિચારસરણી સમજાવી શકે એવું કોઈ મહાકાવ્ય કે રાજદ્વારી ફરમાન કે યુદ્ધ વૃત્તાંત આપણા હાથમાં નથી. છતાં પણ એ સંસ્કૃતિની નગર યોજનાઓ, પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, વજન અને માપના સંસાધનો અને વેપારી નેટવર્ક વિશે જાણીને, ભણીને, સાંભળીને આપણે આજે પણ મ્હોંમાં આંગળા નાખી દઈએ છીએ. એમ લાગે કે અત્યારના વિકાસ કરતાં ત્યારનો વિકાસ ઠોસ હતો. 

આ સંસ્કૃતિનો અભ્યાસ કરનારાઓ જે નથી શોધી શક્યા એ પણ જાણવા જેવું છે. ઘણી પ્રાચીન સભ્યતાઓ છે જેમાં વિજયી રાજાઓની પ્રતિમાઓ છે, પણ આ સંસ્કૃતિમાં નથી, અહીં વ્યક્તિપુજાનું કોઈ પ્રતીક સ્પષ્ટ નથી. હા, ‘પ્રિસ્ટ-કિંગ’નું જેને નામ અપાયું છે તેવું દાઢી વાળા પુરુષનું બસ્ટ મળ્યુ છે ખરું. છતાં ય હડપ્પન સંસ્કૃતિની વાત આવે તો આ ‘ડાન્સિંગ ગર્લ’ સૌથી પહેલાં યાદ આવે.

કાંસ્યમાં ઘડાયેલી એક યુવાન સ્ત્રી, જેનો દેખાવ આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેનામાં કોઈ બિનજરૂરી શેહ-શરમ નથી. તે પૉઝ આપીને ઊભી છે, કોઇ સ્ટેટમેન્ટ નથી આપી રહી, ન તો કોઈ ચેનચાળા કરી રહી છે. બસ શાંતિથી ઊભી છે. આપણે આ આખી બાબતનો વિચાર કરવાની જરૂર છે.

આપણે એક સમાજ તરીકે, સત્તા તરીકે આ મૂર્તિને, તેની તસવીરોમાં કપડાં પહેરાવવાનું નક્કી કરીએ છીએ ત્યારે આપણે માત્ર કોઈ તસવીરી ફેરફાર નથી કરી રહ્યા. આપણે એ સંસ્કૃતિ પર જજમેન્ટ પસાર કરીએ છીએ જેણે આ સ્ત્રીની રચના કરી હતી, જેમાં આ સ્ત્રી હતી. આપણે સાડા ચાર હજાર વર્ષ પહેલાંના સર્જકની ભૂલ સુધારવાની સાવ બિનજરૂરી ચેષ્ટા કરીએ છીએ. આપણે જાણે એમ કહેવાનો પ્રયાસ કરીએ છીએ કે મૂળ સર્જનમાં કંઇક અધૂરું હતું. સાડા ચાર હજાર વર્ષ સુધી જે નથી બદલાઈ એવી એક કૃતિને 21મી સદીની અમલદારશાહીના ચંચૂપાતની જરૂર હતી. 

આ એક અસાધારણ દાવો છે. અમલદારશાહીને તંત્રમાં કથળેલી બાબતો સુધારવામાં વર્ષો લાગી જાય છે પણ મોહેં-જો-દડોના કલાકારની ભૂલો સુધારવામાં તેમને લાગે છે કે તેમણે સંસ્કૃતિ અને સભ્યતાનું રક્ષણ કર્યું. 

જોવાનું એ છે કે સત્તા પાસે જાત-ભાતની માંગણી કરતા નાગરિકોએ તો આ મૂર્તિનો દેખાવ બદલવા અંગે કોઈ માંગ કરી જ નહોતી. દેશવ્યાપી વિરોધ પણ નહોતો, કોઈ જનઆંદોલન નહોતું. એક સદી પહેલાં મળી આવેલી દસ સેન્ટિમીટરની મૂર્તિ સામે કોઈ બળવો પોકારાયો નહોતો. છતાં ય આ મુદ્દે ચર્ચા થઈ, કોઈએ સૂચન કર્યું, કોઈએ અમલ કર્યો અને કોઈ મંજૂરીની મહોર મારી દીધી. કોઈ એક માણસના મનમાં આવેલો તુક્કો (એને પોતાને તો લાગ્યું હશે કે પોતે મહાન છે), તેની અસ્વસ્થતા સંસ્થાકીય નીતિમાં ફેરવાઈ ગઈ? માળુ, આટલા ઝડપથી પ્રાથમિક સવલતોનાં કામ થતા હોય તો વિકાશીલમાંથી વિકસિત દેશ બનતા આપણને જરા ય વાર ન લાગે. 

લોકોને તો જાતભાતની બાબતોથી તકલીફ રહેવાની છે. કોઈ સાડી પહેરે તો તકલીફ, કોઈ શોર્ટ્સ પહેરે તો તકલીફ, કોઈ પુરુષ ઘરનું કામ કરે તો તકલીફ, કોઈ ઘરનું કામ ન કરે તો તકલીફ વગેરે વગેરે – મુદ્દો એ છે કે કોઈની અસ્વસ્થતા વહીવટી પ્રક્રિયા કેવી રીતે બની શકે?

અહીં એક વાત સાફ સમજવાની જરૂર છે. વિવાદ નગ્નતા અંગે નહોતા, નિયંત્રણ અંગે હતા. સમાજને કે સભ્યતાઓને માણસના શરીરથી ડર નથી લાગતો. તેમને એવા શરીરનો ડર લાગે છે જે તેમણે (કહેવાતા ભદ્ર સમાજે) મંજૂર કરેલા નેરેટિવ્ઝના હાંસિયાની બહાર છે. ડાન્સિંગ ગર્લ માતૃત્વનું કે કોઈ દેવી કે કોઈ પત્નીનું સ્વરૂપ નથી, તેને કોઈની મંજૂરી કે સ્વીકૃતિની જરૂર નથી. તે બસ છે, અને કદાચ એટલે જ એક સ્ત્રીનું કોઈપણ ચોક્કસ રોલમાં ફિટ થયા વગર એક મૂર્તિમાં હજારો વર્ષ સુધી ટકી જવું એ આવી ઢંગધડા વગરની, પાયા વગરની પ્રતિક્રિયાઓ જગાડે છે. 

અહીં પાછી એક વર્ષોથી ચાલી આવતી, સર્વ સ્વીકૃત વિડંબના પણ છે. ભારત એ કામસૂત્રનો દેશ છે, આપણે ત્યાં ખજૂરાહો જોવા દુનિયાભરનાં લોકો આવે છે. મ્યુઝિયમોમાં એવાં કેટલા ય સર્જનો છે જે ડાન્સિંગ ગર્લ કરતાં કંઇક વધારે બોલ્ડ છે અને આપણે ગર્વથી આપણા સાંસ્કૃતિક વારસા તરીકે તેને સ્વીકારીએ છીએ, લોકો સામે રજૂ કરીએ છીએ. કરવું પણ જોઈએ, તે આપણી મૂડી છે. તો પછી આ ‘ડાન્સિંગ ગર્લ’નો વિવાદ કેટલો વિરોધાભાસી અને અસ્થાને લાગે છે?

દર થોડા વર્ષે આપણે આપણા જ વારસાનો ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેનાથી ભાગવાનો પ્રયાસ કરીએ છીએ. આમ આપણને પ્રાચીન કળા અને સંસ્કૃતિ પર માન છે, તે આપણું ગૌરવ છે પણ એ જ શરીર પ્રત્યેનો સ્વીકાર સમકાલીન ચર્ચામાં પ્રવેશે એટલે આપણને બેચેની થવા લાગે છે. ચોખવટો માગવામાં આવે, સુધારાઓ સૂચવાય અને ઢાંકવાના પ્રયાસો શરૂ થઈ જાય. 

આવી બાબતો આપણે અસ્વસ્થ કરે છે પણ ખરેખર તો હવે જે આંકડાની વાત કરીશ તેનાથી આપણે બેચેન થવાની જરૂર છે. 2023માં ભારતમાં મહિલાઓ વિરુદ્ધ 4.7 લાખથી વધુ ગુનાઓ નોંધાયા હતા. બળાત્કાર, ઘરેલુ હિંસા અને બાળ શોષણના હજારો કેસો વર્ષો સુધી ન્યાયની રાહ જોતા રહે છે. આ લખાય છે ત્યાં સુધીમાં તો બીજા આવા કેટલા ય સમાચારોને ટ્રેક્શન મળવા લાગ્યું હશે. 

એક સમિતિને કાંસ્યની મૂર્તિનું શરીર ઢાંકવું છે તો જીવતી સ્ત્રીઓને લાંબા સમય સુધી નહીં મળનારા ન્યાયને મામલે સમિતિઓ બને છે, નિષ્કર્ષ નથી આવતો. આ માત્ર પાઠ્યપુસ્તકના કોઈ ચિત્ર પૂરતો વિવાદ નથી એવું આપણે ક્યારે સમજી શકીશું?

આપણને એની જ ચિંતા છે કે એણે શું પહેર્યું છે, અથવા તો શું નથી પહેર્યું. એ કઇ બાબતનું પ્રતીક છે એની ચર્ચામાં આપણે નથી પડવું. હજારો વર્ષો જૂની મૂર્તિ સંસ્થાકીય સ્તરે લોકોને બેચેન કરી શકે છે પણ સ્ત્રીઓ સાથે થતી હિંસા કે સતામણીના આંકડા રિપોર્ટ્સની ફાઇલમાં અંતે અભરાઈએ ચઢી જાય છે. 

આપણને મૂર્તિઓ સાચવતા આવડે છે, આપણને એ પણ ખબર છે કે ‘આપણી’ સ્ત્રીનું પ્રસ્તુતીકરણ કેવી રીતે થવું જોઇએ, પણ વાસ્તવિકતામાં જે વહેવાર કરવાનો આવે છે એમાં આપણે, આપણો સમાજ, કાચો પડે છે. આપણે શેને પ્રાધાન્ય આપી રહ્યાં છીએ એ પૂછવાની તાતી જરૂર છે.

બાય ધી વેઃ 

મ્યુઝિયમો, પુરાતત્ત્વ સ્થળો, ઐતિહાસિક સ્મારકોની મુલાકાત દરમિયાન એક બીજી બાબત પણ આંખે ઊડીને વળગે છે. આપણે પ્રાચીન શિલ્પો સામે ઇતિહાસ પ્રત્યેના આદરની વાત કરીએ છીએ એ ખરું પણ ઘણી વખત મ્યુઝિયમના ક્યુરેટરો કે સિક્યોરિટીવાળાઓની ચિંતા એ મુલાકાતીઓ વધારી દે છે જે નગ્ન શિલ્પને અડવામાં પોતાનો અધિકાર જુએ છે. લોકો સુધારવાનો રસ્તો નથી એટલે મૂર્તિઓ ઢાંકી દેવાની? મૂર્તિઓ ઢાંકીને તમે જ પુરાવો આપો છો કે તમારું ધ્યાન પણ ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે? આપણો સમાજ એવી કોઈપણ સ્ત્રીથી અસ્વસ્થ થઇ જાય છે જે પોતાની જાત સાથે કમ્ફર્ટેબલ હોય, પછી તે મૂર્તિ હોય કે જીવતીજાગતી સ્ત્રી હોય. ‘ડાન્સિંગ ગર્લ’ને કમર પર હાથ રાખી ઊભા રહેવામાં સાડા ચાર હજાર વર્ષ સુધી કોઈની ય મંજૂરીની જરૂર ન પડી પણ આપણને આજે 21મી સદીમાં એ નડી ગયું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જૂન 2026

Loading

21 June 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—346

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—346
  • ગઝલ
  • ફાધર્સ ડે
  • एक युद्ध जिसमें सभी पराजित हुए 
  • તમાકુ – આદિવાસીઓથી આધુનિકો સુધી 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved