Opinion Magazine
Number of visits: 9932384
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 June 2026

રવીન્દ્ર પારેખ

આપણા અમર્યાદ વિકાસે એટલું કર્યું છે કે આપણી સલામતી ઘટી ગઈ છે. જીવન રક્ષણના જેટલા પ્રયત્નો થાય છે, એટલી જ જિંદગી જોખમમાં મુકાતી જાય છે. આ આંધળા વિકાસે નિર્દયતાથી ઘણી જિંદગીઓ દાવ પર લગાવી છે. ગમે તેટલો વિકાસ માણસને ભોગે તો ના હોયને ! જે વિકાસ, પરંપરા સાથે છેડો ફાડે છે, તે માણસની ઉપેક્ષા તો કરે જ છે. માણસથી જ વિકાસ થાય છે ને એ જ માણસ માટે જોખમી બનતો હોય તો એ અંગે પુનર્વિચાર થવો જોઈએ. એવું ન બનવું જોઈએ કે ઐશ્વર્ય વધતું જાય ને સામાન્ય માણસ પોતાનો જ બોજ ઉપાડી શકવા સમર્થ ન હોય. કહેવાતા વિકાસે સામાન્ય માણસ માટે કોઈ જગ્યા લગભગ રહેવા દીધી નથી. વિકાસના રસ્તા વિકસ્યા એમાં સાધારણ માણસ માટે ફૂટપાથ જ બચ્યો નથી. આ દેશ અબજોપતિઓ માટે જ રહેવાનો હોય, તો સામાન્ય માણસ માટે શું બચશે તે પ્રશ્ન જ છે.

ઘણીવાર એવું બન્યું છે કે રસ્તે ચાલતા માણસને કોઈ કારે કે ડમ્પરે અડફેટે લીધો હોય ને તેણે જિંદગીથી હાથ ધોઈ નાખવા પડ્યા હોય ને આવું એકલદોકલ કિસ્સામાં નથી બન્યું. તે અસંખ્ય વાર બન્યું છે. રસ્તા પર એક ખૂણે સૂતેલા ઘણા જીવો પર ભારે વાહન ફરી વળ્યું હોય ને મોતની ચિચિયારીઓ, કાળી બળતરા સાથે તરફડી ઊઠી હોય ! એવું ઘણીવાર બન્યું છે. સામાન્ય માણસ સલાહ, સૂચના ને ઉપદેશ માટે જ રહી ગયો હોય તેવી સ્થિતિ છે. એક પિતા પોતાનાં પુત્રને સ્કૂલે લઈ જતો હોય ને કોઈ વાહન તેને કચડીને મોતને ઘાટ ઉતારી દે ત્યારે એ પિતાનો વલોપાત કેવો હશે તેની કલ્પના જ કરવાની રહે ! આવું કોઈ પણ શહેરમાં કોઈ પણ પિતાના પુત્ર સાથે બનતું હોય તો નવાઈ નહીં.

એનો સાદો અર્થ તો એટલો જ થાય કે કોઈએ પણ રસ્તે ચાલવું નહીં. રસ્તાઓ સ્કૂટર, મોટર, ટ્રક જેવાં ભારે વાહનો માટે જ છોડવાં ને સાધારણ માણસે ચાલવું હોય તો મરવાની તૈયારી સાથે ચાલવું. આ  નકરી વાસ્તવિકતા છે. જ્યાં ફૂટપાથ છે, ત્યાં દુકાનદારો ફૂટપાથ દબાવીને પોતાનો ધંધો કરે છે અથવા તો લારી ગલ્લાવાળાઓ દબાણ ઊભું કરે છે. કોઈ કાર, સ્કૂટર પાર્ક કરે છે, તો કોઈ ટ્રાન્સફોર્મર કે કચરાપેટીઓ ગોઠવી દે છે. સુપ્રીમ કોર્ટે જનહિતને વિચારીને ફૂટપાથ ફરી સજીવ કરવાની વાત કરી છે, ત્યારે યુદ્ધનાં ધોરણે સરકારે અને સત્તાધીશોએ કાયદો બનાવવાની દિશામાં સક્રિય થવું જોઈએ. એ સાથે જ સ્થાનિક સત્તાધીશોએ પણ ફૂટપાથ પર દબાણ કરનારાં પરિબળો સામે કડક પગલાં લઈને મોટી રકમનો દંડ વસૂલવો જોઈએ. ફૂટપાથ હોય તો તેનું રિપેરીંગ પણ જોવાવું જોઈએ. જૂના, તૂટેલા ફૂટપાથો તરફ સત્તાધીશોની નજર જતી જ નથી, એટલે લીસા, તૂટેલા ફૂટપાથ પર કોઈના લપસવાના, પડવાના  બનાવો બનતા રહે છે. આ પણ ચિંતા ઉપજાવે એવો મુદ્દો છે.

હવે ફૂટઓવર કે બ્રિજ એવી જગ્યાએ ઠોકી દેવામાં આવે છે કે વયસ્કો કે બાળકો તેનો ઉપયોગ જ ના કરી શકે, એટલે વયસ્કો, દિવ્યાંગો, બાળકોએ રસ્તા પર ચાલવા લાચાર બનવું પડે છે ને અકસ્માત થાય છે, ત્યારે વાહન ચાલકનો વાંક હોય કે ન હોય, પણ નિર્દોષ રાહદારીઓ ગંભીર રીતે ઘવાય છે અથવા તો મોતને ઘાટ ઊતરે છે.

આવી જ એક ઘટના સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, જેમાં 2016માં એક પિતા પોતાનાં 5 વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જતો હતો ને પાછળથી આવતાં એક ટેન્કર સાથે અકસ્માત થતાં બાળકે જીવ ગુમાવવો પડ્યો. સુપ્રીમ કોર્ટે આખા દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પદયાત્રીઓની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. પિતાને કેટલી પીડા થઇ હશે, તે તો એ જ જાણે ને તેણે વળતરથી સંતોષ માનવો પડે એમ બન્યું છે. આ વળતર પણ હાઈકોર્ટે ઓછું આંક્યું અને વાત સુપ્રીમ સુધી પહોંચી ને ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટે વળતર વધારીને 11.44 લાખ કરી આપ્યું અને હાઈકોર્ટનો વળતર ઘટાડતો આદેશ રદ્દ કર્યો.

વળતર ઉપરાંત સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે સુરક્ષિત અને નિર્ધારિત ફૂટપાથ પર ચાલવાનો મનુષ્યનો મૂળભૂત અધિકાર છે અને તેને મોટર વેહિકલ્સ કરતાં પ્રાથમિકતા મળવી જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનો, શહેરી વિકાસ સત્તાવાળાઓ ને પંચાયતોની ફૂટપાથ બનાવવાની, તેની જાળવણી કરવાની અને સુરક્ષિત રાખવાની જવાબદારી છે. જો આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન સત્તાવાળાઓ તરફથી થાય તો ભોગ બનનાર વ્યક્તિને વળતર મેળવવાનો કાનૂની અને બંધારણીય અધિકાર છે. આ અધિકાર 1988ના મોટર વ્હેહિક્લ્સ એક્ટ હેઠળ મળતા અધિકારોથી અલગ છે.

આજે રસ્તે ચાલતી વ્યક્તિ સલામત નથી, એટલે જ્યાં રસ્તાઓ હોય, ત્યાં ફૂટપાથ હોવો જરૂરી છે. હવે મોટા મોટા રસ્તાઓ બનતા હોય છે, પણ ફૂટપાથ બનતો નથી. એનો અર્થ એ થાય કે ચાલનારાઓ રહ્યા નથી ને બધા જ વાહનમાં ફરે છે અથવા તો ચાલનારાઓ છે, પણ તેમને માટે ચાલવાની જગ્યા નથી. એ જગ્યા એક કાળે ફૂટપાથ હતી. હવે જૂનાં ફૂટપાથ હોય તો હોય, બાકી નવા રસ્તાઓમાં ફૂટપાથની જોગવાઈ લગભગ નથી. હવેના ટ્રાફિકે રસ્તાઓ પર કબજો જમાવ્યો છે. પરિસ્થિતિ એવી છે કે વાહન ચાલકો માટે ફૂટપાથ અને રાહદારી સૌથી મોટું નડતર છે. એ સાથે જ વાહન ચાલકોનો અહમ્‌ પણ અહીં સક્રિય હોય, એટલે ફૂટપાથ તોડવાનો ને રાહદારીને કચડવાનો અબાધિત અધિકાર છે એમ માનીને સાવ નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખવામાં આવે છે. એવા કેટલા ય કિસ્સાઓ બન્યાં છે, જેમાં ફૂટપાથ પર સુનારાઓ કચડાઈ મર્યાં હોય.

એન.સી.આર.બી. અને પરિવહન મંત્રાલયના જાહેર થયેલ આંકડાઓ મુજબ 2019થી 2023 સુધીમાં માર્ગ અકસ્માતમાં આશરે 1.52 લાખ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. દર વર્ષે સરેરાશ 30,000 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. માર્ગ અકસ્માતના કુલ અકસ્માતમાંથી 20 ટકા મોત, પગે ચાલનારના થાય છે, મતલબ કે દર પાંચ વ્યક્તિમાંથી એક મોત પગપાળા ચાલનારનું થાય છે. એમ લાગે છે કે પદયાત્રી હાંસિયામાં ધકેલાઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ પી.એસ. નરસિમ્હા અને એ.એસ. ચન્દુરકરની બનેલી ખંડપીઠે જણાવ્યું કે બંધારણની કલમ 19(1)(d) હેઠળ અવરજવરનો અધિકાર અને કલમ 21 મુજબ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર બંધારણનો અભિન્ન હિસ્સો છે. એ સ્પષ્ટ છે કે રાહદારીનો અધિકાર વાહનો કરતાં વધારે છે, કારણ કોઈ વાહન ન હતું, અરે ! પૈંડાંની શોધ પણ ના થઇ હતી, તે પહેલાંથી માણસ રસ્તા પર કે કેડીઓ પર ચાલતો જ હતો. અત્યાર સુધી ચાલવાના અધિકારને મહત્ત્વ અપાયું જ ન હતું એટલે સુપ્રીમે સરકારને એના કાયદા અંગે વિચારવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની નકલ કેન્દ્રીય મંત્રાલયો અને કાયદાપંચને મોકલવાની એટલે તાકીદ કરી કે કાનૂની માળખું બની શકે.

આમ તો એ આખો મુદ્દો શહેરોને સ્પર્શતો મુદ્દો છે. ટ્રાફિકે એવો પગદંડો જમાવ્યો છે કે રાહદારીઓ માટેનાં જોખમની કલ્પના જ કરવાની રહે. હવે વાહનો માટે રસ્તાઓ બને છે, એટલી સંખ્યામાં રાહદારીઓ માટે ફૂટપાથ બનતા નથી. કદાચ ફૂટપાથનો કન્સેપ્ટ જ નીકળી ગયો છે. ટૂંકમાં, રસ્તાના આયોજનમાં રાહદારીઓ લગભગ નથી. રાહદારીઓની આ અવગણના બધી રીતે શરમજનક છે. જો કે, સુપ્રીમે એટલું તો કર્યું છે કે રાહદારીઓ માટે સ્થાનિક પ્રશાસન ફૂટપાથ બનાવવામાં કે તેની જાળવણીમાં નિષ્ફળ જાય તો નાગરિકો બંધારણીય ઉપાયની માંગ સાથે સીધા હાઈકોર્ટનાં દ્વાર ખખડાવી શકે છે.

તો, આ પરિસ્થિતિ છે.

આડેધડ વિકાસ માટે રસ્તાઓ બન્યા. એ બન્યા તેનો ય વાંધો નથી, પણ રાહદારીઓના ફૂટપાથ માટે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડે એની કોઈ પણ સરકારને નાનમ લાગતી નથી. રસ્તા બનતા હોય, એમાં જ ફૂટપાથનું પણ આયોજન હોય તો વિકાસને લૂણો લાગી જાય એવું છે?

એમ ન થાય તો સારું કે પીડિતોની ઉપેક્ષા એ ચરમસીમાએ પહોંચે કે હાથમાં વિકાસ તો ઠીક, તેનું   માળખું પણ હાથ ન લાગે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જૂન 2026

Loading

22 June 2026 Vipool Kalyani
← મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Search by

Opinion

  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?
  • ચલ મન મુંબઈ નગરી—346
  • ગઝલ
  • ફાધર્સ ડે
  • एक युद्ध जिसमें सभी पराजित हुए 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved