Opinion Magazine
Number of visits: 10,221,372
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકલો

સુરેશ જાની|Opinion - Opinion|8 August 2026

તે દિવસે સવારે પાર્કમાં ગયો; અને બાંકડા પર બેઠો. એક વૃદ્ધજન એના કૂતરાને ફેરવી રહ્યો હતો. થોડીવારે એ બન્ને વિદાય થઈ ગયા. 

હું પાર્કમાં સાવ એકલો બેસી રહ્યો.

શું ખરેખર હું એકલો હતો?

ચારે બાજુ ઊંચા ઝાડ હવામાં ઝૂલી રહ્યાં હતાં. બાજુમાં મનને હરી લે તેવી, લીલી કુંજાર વિલસી રહી હતી. દૂર નાનકડા તળાવમાં બતકો અને હંસ તરી રહ્યાં હતાં. એક ખિસકોલી સરકી, અને ભોંય પડી રહેલા બ્રેડના સૂકા ટૂકડાને બે હાથે પકડી, ખાવા લાગી. ત્યાં એક પક્ષીએ ઘાસમાં ઊતરાણ કર્યું; અને એના ખોરાક – જીવડાંને ગોતવા લાગ્યું. થોડી થોડી વારે, એની ચાંચ હલતી દેખાઈ. જરૂર એને ભક્ષ્ય મળી જતું હતું. કેટકેટલાં જીવન વિલસી રહ્યાં હતાં? કેટકેટલાં હોવાપણાં ધબકી રહ્યાં હતાં; શ્વસી રહ્યાં હતાં?

અને હું માનતો હતો કે, હું એકલો છું!

આ યુગની મોટા ભાગના લોકોને સતાવતી આ સમસ્યા છે – કોરી નાંખે તેવી એકલતા.

પ્રિન્ટ મીડિયા શરૂ થયું એની પહેલાં ભક્તિ, ધર્મ કે બહુ બહુ તો ભવાઈ જેવા લોકપ્રિય કલા પ્રકારો પૂરતું જ ગુજરાતી સાહિત્ય મર્યાદિત હતું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં પ્રિન્ટ મીડિયાના આગમન સાથે એ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું અને ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો.

પણ ત્યારે એક જ વ્યવસ્થા હતી – સર્જકને જે પીરસવું છે એનો આસ્વાદ જ સમાજ માણી શકતો. બહુ બહુ તો ચર્ચામંડપો કે દૈનિકો / સામાયિકોમાં ચર્ચા ચોરાના પ્લેટફોર્મ પર વાંચનાર વ્યક્તિ  પોતાના વિચાર, પ્રતિભાવ,  પ્રત્યાઘાત કે આક્રોશ રજૂ કરી શકતી. એથી એનું પ્રમાણ બહુ જ સીમિત હતું. વ્યાપારી ધોરણે જે વધારે વેચાય – તે સામગ્રી અને તેના સર્જકનો જ જયવારો રહેતો. એ વખતે ગુલાલ વહેંચવાનું કામ ઈજારાધારીઓ પાસે જ હતું!

ઇન્ટરનેટના ફેલાવા સાથે એ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વેબ સાઈટો, બ્લોગો, વીડિયો ચેનલો અને હવે સોશિયલ મીડિયાની સાઈટો પર સામાન્ય માણસ કોઈ રોક ટોક વિના સર્જક બની શકે છે; પીરસાયેલ સાહિત્ય કે સામગ્રી પર પોતાના વિચાર, પ્રતિભાવ, પ્રત્યાઘાત, આક્રોશ રજૂ કરી શકે છે. પોતાને ગમેલું કોઈ પણ લખાણ / ચિત્ર / વીડિયો આડેધડે પોતાના મિત્ર વર્ગમાં કે ગ્રુપમાં મોકલી શકે છે. એમાં વ્યાપારી વ્યવસ્થા એ જ એકમાત્ર વ્યવસ્થા નથી રહી. હવે તો સાવ સામાન્ય માણસ – રસોઈ બનાવતી ગૃહિણી કે, બગીચાના બાંકડે બેસી મરવાના વાંકે સૂસવાતો વૃદ્ધ જન પણ –  એક બે ક્લિકમાં દુનિયાના બીજા છેડે પોતાના મનની વાત કે, ગમેલી વાત મોકલી શકે છે.

મને ગમ્યું એનો હું ગુલાલ કરું – વહેંચું.

આમ તો આ બહુ જ મોટું અને આવકારદાયક પરિવર્તન છે; પણ દરેકને ગમતી વાત તો હજારો હોવાની જ. એની આપ-લેના કારણે એક બહુ જ મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે. હાલમાં તો એનો કોઈ ઉકેલ કે વિકલ્પ નજરે ચઢતો નથી. ગુલાલ એટલો બધો વહેંચાય છે કે, બીજા કોઈ રંગ માટે કોઈ અવકાશ જ જાણે નથી! ખાસ કરીને સોશિયલ મીડિયાના ઉત્થાન સાથે એક નવો રોગ પેદા થયો છે. પિન્ગ પોન્ગના બોલની જેમ સારી નરસી અનેક બાબતો  ફોરવર્ડ થતી રહે છે – આમથી તેમ ફંગોળાયા કરે છે.

હવે સફળતાનો માપદંડ છે – વાઈરલ થવું!

સમાજના સ્વસ્થ વિકાસ સામે આ એક બહુ જ મોટો ભય – એક રોગ આકાર લઈ ચૂક્યો છે એનો ભરડો રાતદિન વધતો જ જાય છે. કોરોના વાઈરસની રસી તો બની ગઈ છે. પણ આ રોગનો કોઈ જ પ્રતિકાર નજરે ચઢતો નથી.

બીજી વાત એ છે કે, આ બધામાં એક વાત સામાન્ય છે. એમાં ‘હું‘ જ એકમાત્ર કર્તા છે.  એમાં સહિયારાપણું બહુ જ અલ્પ છે. સોશિયલ મીડિયામાં ગ્રુપો તો અસંખ્ય છે. પણ ભાગ્યે જ ક્યાંક ગ્રુપ એક્ટિવિટી, સંઘકાર્ય નજરે ચઢે છે.

ત્રીજી વાત એ કે, છેલ્લાં પંદરેક વર્ષમાં આ બહુ જ મોટું પરિવર્તન આવ્યું હોવા છતાં, જે રીતે એનો વ્યાપ રોકેટની જેમ વધી રહ્યો છે – એનાથી એક નવો ભય પેદા થયો છે. અતિ સર્જન અને અતિશય ફેલાવાના કારણે એનું મૂલ્ય ઘટી ગયું છે. ક્યાંક તો નવાં સર્જનો સાવ ઉવેખાય જ છે. સર્જનોની ગુણવત્તા પર પણ કોઈ નિયમન નથી રહ્યું. પરિણામે સારી, નરસી અને મધ્યમ ગુણવત્તા બધાં ‘ટકે શેર ભાજી….’ના ન્યાયે રઝળતાં બની ગયાં છે. આના કારણે મોટા ભાગે માન્ય કળા સંસ્થાઓ અને કળા વિવેચકો સંસ્થાપિત સર્જકો તરફ જ ધ્યાન આપતાં રહ્યાં છે. વાચક પણ ‘ઘરકી મુર્ગી દાલ બરાબર.’ જેવી મનોવૃત્તિ જ હજુ સેવતો રહ્યો છે. હજુ ઈજારાધારી સર્જકોની જ બોલબાલા સમાજમાં જારી છે!

ચોથી વાત એ છે કે, આ પંદરેક વર્ષમાં અનેક વેબ સાઈટો અને બ્લોગો પર વિવિધ પ્રકારની અને ઉત્તમ કક્ષાની સાહિત્ય સામગ્રીઓ એકત્ર થઈ છે, થઈ રહી છે – એટલું જ નહીં, અવનવી ટેક્નોલોજીના પ્રતાપે એમાં ઘણી બધી નવી સવલતો પણ ઉમેરાઈ છે. માત્ર લખાણ જ નહીં પણ ચિત્રો, વીડિયો, ઓડિયો અને એનિમેશન માધ્યમો પણ પૂરબહારમાં ખેડાઈ રહ્યાં છે. આમ હોવા છતાં અને કદાચ એના અત્યંત ઝડપી ફેલાવાને કારણે – એમાંની મોટા ભાગની જગ્યાઓએ વાપરનારની તીવ્ર કમી વર્તાઈ રહી છે! વક્તા ઘણા છે – શ્રોતા / વાચકો ઓછા થઈ ગયા છે.

આ પ્રક્રિયા સોશિયલ મીડિયાના કારણે વધારે ગંભીર બનતી જાય છે. કારણ એ કે, મોટા ભાગના વપરાશ કર્તાઓ પાસે કોઈ લાંબી, ગંભીર અને સમય / વિચાર માંગી લેતી સામગ્રી માણવા માટે સમય નથી, એમાં બહુ ઓછા લોકોને રસ હોય છે. બ્લોગ જગત મરવાના વાંકે જીવી રહ્યું છે. પ્રતિષ્ઠિત અને સામૂહિક પ્રયત્નોથી ચાલતી વેબ સાઈટો પર પણ કાગડા ઊડે છે!

ગમતાંનો ગુલાલ કરનારા બિલાડીના ટોપની જેમ ફાલી રહ્યાં છે. કદાચ આ સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત છે.  આ પાયાના ફેરફાર ધ્યાનમાં લઈને એક થોડોક અલગ વિચાર નવા પરિપ્રેક્ષ્યમાં અહીં રજૂ કરું છું .

ગુલાલને ગમતો કરીએ

‘મને’ ગમે છે તે નહીં, પણ ‘આપણને’ ગમે છે – તેનો વ્યાપ કરવા વિશે આ વિચાર છે. આ એક બહુ મુશ્કેલ વાત છે.  જેવું કર્તા સ્થાન ‘હું’માંથી ‘આપણે’ તરફ વળે – તેમ તરત જ એક સીમા, એક બંધન પ્રવેશી જાય છે. જ્યારે ‘આપણને‘ ગમતી વાત આવે, ત્યારે સૌને અથવા મોટા ભાગના લોકો માટે સામાન્ય હોય – એવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એ પોતે જ બહુ મુશ્કેલ બાબત છે. કળાના ક્ષેત્રો પણ એટલા બધા વિવિધ છે કે, દરેકના ચાહકોનો વર્ગ અલગ અલગ જ રહેવાનો. દા.ત. સાહિત્યના ચાહકને ચિત્રકામ કે ક્રાફ્ટ માં રસ ન પણ હોય.

પણ જો કોઈ રસ્તો એ માટે શોધી શકાય તો હજારો લોકોના પ્રયત્નો ધારી દિશામાં એક મહાન બળ સર્જી શકે. સમાજને એક ચોક્કસ દિશામાં વાળવા આવા રસ્તા  તાકાતવાન નીવડી શકે.

એક વિચાર એવો પણ છે કે, લગભગ સરખો રસ ધરાવતી સામાન્ય વ્યક્તિઓનાં મંડળો ઊભાં થાય. એવા મંચ આકાર લે, જેમાં ઉપરના પાયાના વિચારો સાથે એકમત હોય, તેવી વ્યક્તિઓ અરસ્પરસ આદાન – પ્રદાન દ્વારા એક નવી કેડી કંડારવા પ્રયત્ન કરે.

આવી એક નાનકડી કેડી અથવા થોડી કેડીઓ જો આકાર લે તો, કાળક્રમે એ ઉન્નત ભવિષ્ય તરફ સમાજને લઈ જતો રાજમાર્ગ બની શકે. છૂટાં છવાયાં આવાં મંડળો અસ્તિત્વ ધરાવે પણ છે. જો સમાજમાં એ પ્રવાહ બળવત્તર બને અને વધારે ને વધારે કેન્દ્રિત (focused) બાબતોમાં રસ અને જાગરૂકતા કેળવાય તો સામાન્ય માણસમાં પણ કુતૂહલ, શોધ, કલ્પના શક્તિ અને સર્જકતા મ્હોરી શકે. આ માટે થોડાક નૂસખા –

ચર્ચા ચોરા, શબ્દ રમત, કોયડા, શેરાક્ષરી, શબ્દાંતરી, એકાદ વિષય કે ચિત્ર પરથી સહિયારાં સર્જન, મનગમતી હોબી / ક્રાફ્ટમાં સર્જનો વગેરેની આપ-લે … અથવા આવા કોઈ પણ સહિયારી, મનગમતી રમતો.

આવા પ્રવાહો માત્ર સાહિત્ય જ નહીં પણ અન્ય લલિત કળાઓ અંગે પણ આકાર લેતા થાય તો, અવનવા ચાહક વર્ગ ઊભા થાય અને વિચાર શૂન્યતા તરફ ધસી રહેલા સમાજને કોઈક નવી દિશા મળી  પણ જાય.

e.mail : surpad2017@gmail.com

Loading

સરકારી અધિકારીઓ જ વેપારીઓને અને સરકારને છેતરે છે….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 August 2026

રવીન્દ્ર પારેખ

આમ તો છેતરપિંડી ભારતની ઓળખ બની ગઈ છે. એ સાધારણ માણસોની છેતરપિંડી તો છે જ, પણ ગુજરાતમાં સરકારી અધિકારીઓ સરકારનું ખાઈને કેવી રીતે સરકારનું ખોદે છે અને સામાન્ય પ્રજાને આડેધડ વેતરી નાખે છે, તેની શરમજનક વાતો જાહેર થઈ છે. ગયા એપ્રિલમાં સેન્ટ્રલ GSTના એક ઉચ્ચ અધિકારી, 20 લાખની લાંચ લેતાં પકડાયેલા. GST એવો કૂવો છે કે કોઈ અધિકારી એમાંથી ઉલેચવા જાય તો હાથ ખાલી ન રહે. તે વેપારીઓ માટે ત્રાસદાયક છે, પણ અધિકારીઓને તો તે દૂધ દેતી ગાય જ છે.

એક અખબારમાં ગુજરાતના અધિકારીઓની બદમાશીની જે વિગતો બહાર આવી છે તે સ્ફોટક અને આઘાતજનક છે. આ કામ સરકારના જ માણસો સરકારને નામે વેપારીઓને છેતરીને સિફતથી કરી લે છે. અમદાવાદના ટેક્સટાઇલ, સ્ક્રેપ અને કેમિકલ સેક્ટરના વેપારીઓ કુદરતી આફતથી નથી ડરતા, એટલું સરકારના GST અધિકારીઓથી ડરે છે. આ ડર કોઈ માથાભારે તત્ત્વોએ ઊભો કર્યો છે એવું નથી. આ ડર સરકારી અધિકારીઓ દ્વારા વેપારીઓ પર ઊભો કરાયો છે. જેમણે સરકારની તિજોરીઓ ભરવાની છે, તે વેપારીઓની તિજોરી ખાલી કરીને, સરકારને નામે, પોતાનું તળિયું ટાઢું કરી લે છે. GST વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અને તોડબાજ અધિકારીઓ કોઈ ફિલ્મની જેમ નકલી રેડ પાડે છે અને પછી લાખો રૂપિયાનો તોડ કરે છે. ગુજરાતની ઓળખ વેપાર ઉદ્યોગ છે. GSTના રાજ્યકક્ષાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની પરસ્પર સમજૂતીથી તોડપાડ નેટવર્ક ચાલી રહ્યું હોવાના સમાચાર છે. આ કૌભાંડ એકાદ હજાર કે લાખેકની આસપાસનું જ નથી, તે લાખો-કરોડોમાં ખેલાય છે.

વેપારીને પહેલાં તો સમન્સ મળે છે ને સાથે જ વેપારીને ડરાવવા, ધમકાવવા, ખંખેરવાની રમતો શરૂ થાય છે. એની કેટલી ય ફરિયાદો PM અને CM સુધી પહોંચી છે. આ ખાલી એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખવા જેવી વાત નથી, પણ એક નક્કર હકીકત છે. CM, PM સુધી પહોંચેલી ફરિયાદમાં લાલ બત્તીઓવાળી ગાડીમાં ફરતા અધિકારીઓનાં નામ પણ જોડવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ તોડપાડુ અધિકારીઓની મોડસ ઓપરેન્ડી ડેવેલોપ થઈ છે. તે મુજબ સૌથી પહેલાં તો કોણ ફસાઈ શકે એમ છે, એવા ધનાઢ્ય વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવે છે, તે પછી કોઈને કોઈ ટેકનિકલ બહાનું આગળ કરીને, જી.એસ.ટી.ની કલમ 70-1 નો દુરુપયોગ કરીને કેટલાક વેપારીઓને સમન્સ બજાવવામાં આવે છે. વેપારી જવાબ આપવા ઓફિસે પહોંચે તો તેના પર માનસિક દબાણ એવી રીતે ઊભું કરવામાં આવે છે કે વેપારી પડી ભાંગે. તમે સરકાર સાથે ખોટું કર્યું છે. (આવું કહીને જે તે અધિકારી પણ ખોટું જ કરે છે) તમારી કુંડળી ખૂલી ચૂકી છે. તમે મોટી પેનલ્ટીને લાયક છો જેવું કહીને અધિકારીઓ GST નમ્બર રદ્દ કરવાની વાત કરે છે ને જેલમાં મોકલવા સુધીની ધમકી, પૂરી નિર્ભયતાથી આપી દે છે. એને લીધે વેપારીઓ ગભરાઈ જાય છે ને તેની પાસે અધિકારીઓનું માનવા સિવાય બીજો વિકલ્પ જ નથી રહેતો ને અધિકારીઓ એ ગભરાટનો લાભ ઉઠાવે છે. તેમને માટે કરોડો રૂપિયાના દરવાજા ખૂલી જાય છે. આમાં સસ્પેન્ડેડ લાઈસન્સ અને કેટલીક પેઢીઓનાં રજિસ્ટ્રેશનના ડેટાનો ઉપયોગ કરીને અધિકારીઓ દાવ ખેલી લે છે.

સરખેજના એક કાપડના વેપારીને ત્યાં સત્તાનો છડેચોક દુરુપયોગ કરીને રેડ પાડવામાં આવી. વિભાગ-1 અમદાવાદના સહાયક રાજ્ય કમિશનરો સહિત 15 લોકોની એક ટીમે દરોડો પાડ્યો હતો. કાયદેસર રીતે CCTV કેમેરા બંધ કરાવવાની સત્તા અધિકારીઓ પાસે હોતી નથી, પણ વેપારીઓ એ જાણતા ન હોવાથી અધિકારીઓ દ્વારા CCTV કેમેરા બંધ કરાવવામાં આવ્યા. બારણાં બંધ કરાવવામાં આવ્યા અને બંધ બારણે વેપારી પાસેથી 28 લાખ રૂપિયાનો તોડ પાડવામાં આવ્યો. આવો જ એક કિસ્સો જામનગરમાં પણ બન્યો. 2026નું નવું નાણાંકીય વર્ષ શરૂ થાય તે ગાળામાં જામનગરમાં GST અધિકારીઓએ મોટો હાથ માર્યો હતો. એપ્રિલમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડેડ GSTના સહાયક રાજ્ય વેરા કમિશનર અને તેમની સાથે સંકળાયેલ લોકોએ કલ્પ એન્ટરપ્રાઈઝ નામની પેઢીને REG-17ની નોટિસ ફટકારી હતી. નોટિસ આપતા પહેલાં કોઈ પ્રકારની ચકાસણી કરી હોવાનો રાજ્ય વેરા કમિશનર પર આરોપ છે. નોટિસમાં એવો ખોટો ઉલ્લેખ પણ છે કે વેપારીઓ સુઓમોટો કેન્સલ્ડ થયેલ છે, જેમાં 11 વેપારીઓએ ફ્રોડ કરવા માટે રજિસ્ટ્રેશન મેળવ્યું હતું. વેપાર બંધ કરવાની ધમકી આપીને કલ્પ એન્ટરપ્રાઈઝના કેસમાં રોકડી 60 લાખની લાંચ માંગવામાં આવી હતી. ગમ્મત તો એ છે કે આ રકમ બેંક દ્વારા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હોવાના પુરાવા પણ મળ્યા હતા. આ કાર્યવાહી તોડબાજી તરફ આંગળી ચીંધે છે. જો કે, GST અને પોલીસ તપાસ હાથ ધરાઈ હોવા છતાં શું થયું તે બહાર આવ્યું નથી.

CM અને PMને અપાયેલી ફરિયાદમાં તોડબાજી કરતી ટીમમાં એડિશનલ સ્ટેટ કમિશનર, જોઈન્ટ સ્ટેટ કમિશનરો તેમ જ અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવાયું છે કે ઉપરોક્ત અધિકારીઓ દ્વારા 10 માસમાં 40થી વધુ કેસોમાં સમન્સની મંજૂરી આપવામાં આવી છે. જો આ કમિશનરો દ્વારા અપાયેલા સમન્સની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવે, તો ભ્રષ્ટાચારનું નવું પ્રકરણ ખૂલે એમ બને. આ લૂંટ માત્ર ઓફિસોમાં જ નહીં, ગુજરાતના હાઈવે પર પણ ચાલે છે. હાઈવે પર ટેકસચોરી પકડવા GSTની મોબાઈલ સ્કવોડ દ્વારા સતત મોનિટરિંગ થતું હોય છે, પણ E-વે બિલના ચેકિંગમાં અને ઓવર લોડેડ ટ્રકના કિસ્સામાં ટ્રકો રોકીને, પેપર્સ સાચા હોવા છતાં ટેકનિકલ ખામીઓ બતાવીને સ્પોટ પર જ તોડ પાડવામાં આવે છે.

આ બને છે એટલે કે વેપારીઓને સાચી હકીકતનો ખ્યાલ નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સની ગાઈડ લાઈન્સ અને કાયદાઓ વેપારીઓની સુરક્ષા માટે જ છે, પણ તોડબાજ અધિકારીઓ તેને બાજુ પર મૂકીને વર્તતા હોય છે. એક બે નહીં, પણ ઘણાં નિયમો તોડીને વેપારીઓને હેરાન કરવામાં આવે છે. સરકારનો કડક નિયમ છે કે અધિકારી દ્વારા ઇસ્યૂ કરાતી નોટિસ, સમન્સ કે પત્ર પર ઓનલાઈન જનરેટ થયેલો DIN હોવો જ જોઈએ. DIN વગરની નોટિસ ગેરકાનૂની ને કાયદાની નજરમાં અમાન્ય ગણાય છે. કોઈ પણ મહત્ત્વની તપાસ, રીસર્ચ સીઝર … માટે GST સર્વોચ્ચ અધિકારીની લેખિત મંજૂરી અનિવાર્ય છે. નવી SOP મુજબ આખરી ઓર્ડર પાસ કરતા પહેલાં વેપારી કે તેના CA – વકીલને સાંભળવાની તક આપવી અનિવાર્ય છે. ત્રણ વાર તક આપ્યા પછી પણ વેપારી હાજર ન થાય તો અને તો જ અધિકારી એકતરફી નિર્ણય લઈ શકે છે. આવા તો ઘણા નિયમો છે, પણ વેપારીઓ જાણતાં નથી ને GST ભ્રષ્ટ અધિકારીઓનો શિકાર થાય છે.

જોવાનું એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચેલી ફરિયાદનું નિરાકરણ ક્યારે થાય છે? આશ્ચર્ય તો એ છે કે કાયદો શીખવનાર જ કાયદાનો દુરુપયોગ કરે છે ને એમની સાથે કાયદાએ વધુ કડકાઈથી વર્તવાની જરૂર છે. ફરિયાદો તો ઘણી થઈ છે, ઘણા જવાબો લેખિતમાં માંગવામાં આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી.

એ કેવું છે કે સરકારના અધિકારીઓ, સરકારી કાયદા જાણનારાઓ, કાયદો ખબર નથી એવા વેપારીઓને પૂરી બેશરમીથી લૂંટે છે. આ લૂંટનો હિસ્સો તેઓ સરકારમાં જમા કરાવતા નથી, પણ પોતાની તિજોરી ભરવા કરે છે. આ અધિકારીઓ ગરીબ નથી. સરકાર આમ પણ અધિકારીઓને પગારમાં લાખો રૂપિયા ચૂકવે છે, છતાં એમનું પેટ ભરાતું જ નથી. એ કેવું છે કે સરકારી કાયદાઓ પ્રજાના હિતમાં ઘડાય છે, પણ પ્રજા એને વિષે બહુ જાણતી નથી ને તેનો લાભ લઈને આવા અધિકારીઓ હોજરી ઠાંસતા રહે છે. આવા અધિકારીઓને સસ્પેન્ડ કરાય છે, પણ એ સજા તો બહુ નાની છે. થોડા વખતમાં અધિકારીઓ મૂળ જગ્યાએ કે બીજે પાછા ફરતા હોય છે ને નવેસરથી નવી લૂંટ ચલાવતા હોય છે. આ બે પ્રકારનું પાપ છે. એક તો નિર્દોષ વેપારીઓને લૂંટવામાં આવે છે ને એ પૈસા સરકારમાં જમા કરાવવાને બદલે, પોતાની હોજરીમાં ઠાલવવામાં આવે છે. આવું કોઈ ગરીબ કરે તો સમજ્યા, આ બધા કરોડો ઉસેટી શકે એટલા કાબેલ હોય છે ને એ જ ગરીબ ભિખારીની જેમ અકરાંતિયાની જેમ ઉસેટે છે ત્યારે આઘાત લાગે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑગસ્ટ 2026

Loading

જંતરમંતરથી માંડી બાંકીપુર લગી એક નવ્ય કથાનક ઊઘડી રહ્યું છે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 August 2026

જનસંઘ (ભા.જ.પ.)  સબબ જે.પી. આંદોલનને ટાઢે કોઠે દોષ દેનારા ભૂલી જાય છે કે આજે જે લોકશાહી મૂલ્યો સર ભા.જ.પ. ટીકાપાત્ર લાગે છે તેવું કેટલુંક ટીકાપાત્ર જયપ્રકાશે ચીંધી બતાવ્યું ત્યારે સત્તાપક્ષે  વિધાયક પ્રતિસાદથી કિનારો કર્યો હતો …

પ્રકાશ ન. શાહ

કોક્રોચ કમાલ, એનું અનુસંધાન અને એનું શરસંધાન, સ્વાભાવિક જ સંભવિત અને સંભાવિત સુરખીઓમાં છે. એક નવા પરિબળ તરીકે તેમ વૈકલ્પિક કથાનકના વિકસતા વસ્તુ તરીકે એની આશાસ્પદ સંભાવના વિશે માનો કે બે મત હોય તો પણ એને કેવળ સોશિયલ મીડિયા પૂરતું સીમિત રાખવાનું હવે સ્થાપિત મીડિયાને ય પરવડે એમ નથી. બીજી પાસ, એની વાંસોવાસ બિહારના બાંકીપુર-પટણા પંથકથી આવેલા આમ તો એક અમથી વિધાનસભા બેઠકના પરિણામે વૈકલ્પિક કથાનક સબબ કોઈ હેરત અંગે જ ચકચાર જ નહીં પણ ધોરણસરની અસામાન્ય ચર્ચા જગવી છે. આ પરિણામની ચમત્કૃતિ જંતરમંતરની બરોબરની ન હોય તો પણ એ બરની જરૂર છે; કેમ કે એ ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખની જાથુકી બેઠક રહી છે – અને તે

પ્રશાન્ત કિશોર

પણ એમના પિતાના વારાથી. 3 દાયકાનો સુવાંગ ભોગવટો લગભગ બાષ્પીભૂત થઇ જાય એ અવશ્ય અસામાન્ય ઘટના છે.

આ ઘટનાના ઘટનમાં જવાનો ધક્કો માત્ર કોણ હાર્યું એ જ કારણે નથી. ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને કેમ જાણે પુરાતન જાહેર કરનાર આ શખ્સિયત પ્રશાંત કિશોર છે. હજુ થોડા વખત પર જ બિહાર વિધાન સભાની ચૂંટણીમાં બધ્ધેબધ્ધી બેઠકો પર જન સુરાજ ઉમેદવારો મૂકી બધ્ધેબધ્ધી ધરાર હારી જનાર આ વિક્રમી વીર હવે જીતને મોરચે પણ વિક્રમી પ્રતિભા તરીકે ઉભરી રહેલ છે. પ્રશાંત કિશોરના કિસ્સામાં વિક્રમી વિગત એમ તો એ પણ છે કે અત્યાર સુધીની એમની કારકિર્દી  ને કામગીરી એક કંત્રાટી કુળની રહી છે. ભા.જ.પ. ને કાઁગ્રેસ સહિતના પક્ષોને એમણે રૂપસંમાર્જન, પ્રતિમા પ્રક્ષેપણ, પ્રતિભા આરોપણ સહિત એકંદર ચૂંટણી ટેકનોક્રેટ તરીકે સેવા આપી છે. હવે પહેલી જ વાર એ જન સુરાજનો નિજી નેજો ને નારો લઈને નીકળી પડ્યા છે.

એમનો કાર્યક્રમ સીધો સાદો એટલો જ સમજવા જેવો છે. વિજય પછી એમણે કહ્યું કે હું સમ્રાટ  ચૌધરીને (બિહારના ભા.જ.પી. મુખ્યમંત્રીને) કહું છું કે શા માટે આપણા યુવાનોએ ઘરપરિવાર રેઢા મેલીને રાજ્ય બહાર પેટની વેઠે જવું પડે? આપણે આપણા તાલુકા /જિલ્લામાં રોજગારનિર્માણ કરીએ અને આપણું યુવાધન ઘરઆંગણે જ બે પાંદડે થઇ શકે એવું કેમ ન બને. જેમ આ પાયાની વાત તેમ એમની ચૂંટણીપ્રચારની રીત પણ સીધીસાદી એટલી જ  જમાતજુદેરી હતી. બેપાંચસાત ઘરો વચ્ચે ચાના કપ સાથે દિલની વાતો કરવી એવો ઉપક્રમ એમનો હતો .

2024માં રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ તરીકે ઉભર્યા તે સાથે એક નવા અગર વૈકલ્પિક કથાનકની રાષ્ટ્રીય રાજકારણમાં વિધિવત પ્રતિષ્ઠા થવા લાગી છે એમ કહી શકીએ. એને મુકાબલે કોક્રોચ -કિશોર વેશનમૂનાને આપણે નિતાન્ત નવ્યના ખાનામાં મુકવા પડે. 2029ની, ઘણુંખરું જો કે  વહેલી પણ હોઈ શકતી લોકસભા ચૂંટણીમાં કોક્રોચ-કિશોર તરેહનાં પરિબળો ક્યાં હશે, એ સવાલનો કાંટેકોર જવાબ લગભગ સ્ક્રીપ્ટ મુજબનો અલબત્ત નયે આપી શકાય. પણ એમની ગળથુથી અને તાસીર જોતાં સ્વાભાવિક વલણ લગરીક છાસિયા-છાંછિયા સાથે પણ પ્રતિપક્ષ તરફે કલ્પી શકાય. આ અનુમાનમાં આઘાપાછીનાં નિમિત્તકારણો શોધવાં અઘરાં નથી .કોક્રોચ પ્રવકતાનું ભૂતપૂર્વ આપ-સંધાન કે બિહારમાં રા.જ.દ.-કાઁગ્રેસ સમજૂતી આ સંદર્ભમાં તરત સાંભરે છે અને એવા જ બીજાં નિમિત્તો અન્ય રાજ્યોમાં પણ ચીંધી શકાય, પણ મુદ્દાનો મુદ્દો એ છે કે કોક્રોચ-કિશોર ઘટનાક્રમ ગળથુથીગત વિરોધે અદરાયેલો અને અથાયેલો છે.

હાલના સત્તા-પ્રતિષ્ઠાન સાથે રહીને એ ગતે જઈ શકે એમ નથી.

એક રીતે, 2024ના પરિણામ સાથે કમબૅક ટ્રેલ પર જણાતી કૉંગ્રેસે વિમાસવા બલકે  વિચારવાનો મુદ્દો એ છે કે તે કે બીજા ક્યાં સુધી જનસંઘ (ભા.જ.પ.) સબબ જે.પી. આંદોલનને દોષ આપ્યા કરશે? આજે એ જે લોકશાહી મૂલ્યો સર ભા.જ.પ.ની ટીકા લાજિમ છે તેવાં લઈને જયપ્રકાશ ચાલી નીકળ્યા ત્યારે, કાશ, કાઁગ્રેસ વિધાયક પ્રતિસાદ આપી શકી હોત!

05 ઑગસ્ટ 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

...102030...32333435...405060...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved