કાવ્યકૂકીઝ
આજકાલ બધું શોર્ટ ફોર્મમાં ચાલે છે.
અંગ્રેજીમાં GOOD MORNINGનું GM,
GOOD NIGHTનું GN લખાય છે.
GMને તો હું જનરલ મેનેજર જ ગણતો હતો.
YOUનું U, YOURનું UR લખાય છે.
ઘણાં શોર્ટ ફોર્મની તો ખબર જ નથી પડતી
કે એ સૂચવે છે શું?
મારો દીકરો એ રીતે જાતે જ
શોર્ટ ફોર્મ અંગ્રેજીના, ગુજરાતીના
બનાવતો રહે છે.
એકવાર તેની મમ્મીને કહે – KKKG જોયું,
પણ DDLJ જેવું નહીં !
એ સાંભળીને મારી વાઈફ બોલી –
મને તો JDGBH જ વધારે ગમેલી.
એ તો B&W હતી – દીકરો બોલ્યો –
એના કરતાં તો RTGM વધારે સારી.
પત્ની બે હાથ જોડતાં બોલી – JSMને
કોઈ ન પહોંચે !
આ સંવાદ હું
બબૂચકની જેમ સાંભળી રહ્યો છું,
એવું લાગતાં
દીકરો કોડ ઉકેલતા બોલ્યો –
‘કભી ખુશી કભી ગમ (KKKG)’ જોયું,
પણ તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’
જેવું નહીં !
એ સાંભળી એની મમ્મી બોલી –
મને તો ‘જિસ દેશમેં ગંગા બહેતી હૈ’
વધારે ગમેલી
પણ એ તો બ્લેક એન્ડ વ્હાઇટ (B&W) હતી
એના કરતાં તો
‘રામ તેરી ગંગા મૈલી’ વધારે સારી.
પછી મને પૂછ્યું – JSMની ખબર પડી?
મેં ડોકું ધુણાવીને કહ્યું – ના.
એ બોલ્યો – ‘જય સંતોષી મા’
આવાં ટૂંકાં નામો મારા ઘરમાં
એટલાં લાંબા થયાં કે
મને તમ્મર આવવા જેવું થયું.
બંને મા-દીકરો મારી ઉડાવતાં ય ખરાં.
દીકરો બોલ્યો-મમ્મી SGMDB બનાવ !
મેં પૂછ્યું-એટલે?
– સાંજે ઘરમાં મસાલા ઢોસા બનાવ –
દીકરો બોલ્યો.
એની મમ્મી બોલી – ATN,KB.
– OK – દીકરો બોલ્યો – KB.
દીકરાએ મને ભણાવ્યો – મમ્મી બોલી –
આજે ટાઈમ નથી, કાલે બનાવીશ (ATN,KB).
– ને તેં કહ્યું – ઓકે, કાલે બનાવજે.
દીકરો બોલ્યો – વાહ, આવડી ગયું તમને તો !
માનો કે ન માનો, પણ ઇન્ટેલિજન્ટ તો છો જ !
પણ મને આ શોર્ટ ફોર્મ રિસ્કી લાગતાં હતાં.
ગુજરાતીમાં એવું કરવામાં તો જોખમ ઊભું થાય.
પત્નીનું નામ બિન્ની લાલભાઈ ડીસાકર છે,
તેનું શોર્ટ ફોર્મ કરવા જાઉં તો ‘બિલાડી’ થાય
એ નામે બોલાવું તો માથે દસ્તો જ પડે કે બીજું કૈં?
મારો દીકરો બાપનું નામ તો લખતો જ નથી
ગાંધર્વ ડોસા જ લખે છે
એને ‘ગાંડો’ કહું તો બોલાચાલી થાય
અથવા તો બોલવાનું બંધ થઈ જાય.
મારા મિત્રનું નામ વાંગ્મય દોરીવાળા છે
એને ‘વાંદો’ કહીને તો કેમ બોલાવું?
મારા સાઢુનું નામ જંતર ગણપત લીટીવાળા છે.
એને ‘જંગલી’ કહું તો એ જંગલ જવા જ નીકળે કે !
સાચું કહું – સસરાનું નામ ટુંકાવવાની હિંમત નથી –
તમે જ ટુંકાવી લેજો – ગમનલાલ ધેનુચંદ ડોકાવાળા …
000
e.mail : ravindra21111946@gmail.com
‘સંદેશ’ની આજની [19/02/2025] અર્ધ સાપ્તાહિક પૂર્તિ