Opinion Magazine
Number of visits: 10,205,612
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિચારધારાકીય આદર્શવાદની ક્ષ-તપાસ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 April 2017

જે રાષ્ટૃ-રાજ્યનો ખયાલ સંઘે લગભગ ઈશ્વરને સ્થાને મૂક્યો છે, તે ભારતીય નહીં, યુરોપીય પરંપરાની ભેટ છે

લાલકૃષ્ણ અડવાણી વગેરેને ક્રિમિનલ કૉન્સિપરસીના ધોરણે આરોપીના પિંજરમાં ઊભા કરવા પાછળના રાજકીય આટાપાટાની કે આ પ્રકારના ગંભીર આરોપ છતાં કલ્યાણસિંહ રાજ્યપાલપદે અને ઉમા ભારતી કેન્દ્રીય મંત્રી તરીકે ચાલુ રહેવા ઇચ્છે એમાં સમાયેલ નૈતિક પ્રશ્નોની ચર્ચામાં નહીં જતાં વસ્તુત: જે એક મુદ્દો વિશેષરૂપે ચર્ચવા જોગ છે એ માટેનો ધક્કો ઉમા ભારતીની એ પ્રતિક્રિયા પરથી લાગેલો છે કે અમે જે કર્યું તું તે ખુલ્લંખુલ્લા કર્યું હતું. એને માટે ફાંસીએ ચડવું પડે તો પણ શું, એવો વાગ્મિતાએ રસ્યો ભાવોદ્ગાર પણ એમણે આપ્યો છે. મતલબ, બાબરીધ્વંસમાં એમની સંડોવણી તે કોઈ કાયદો અને વ્યવસ્થાના અગર તો જાહેર જીવનમાં શું કરાય અને શું ન કરાય એવી રાજકીય સભ્યતાના દાયરામાં સીમિત નહોતી તે નહોતી. વિચારધારાકીય આદર્શવાદને વશ વર્તીને એમણે જે પણ કર્યું તે કર્યું. કહો કે ધર્મ્ય લાગ્યાથી કર્યું.

લાગે છે, આ વિચારધારાકીય આદર્શવાદના સળેસળ તપાસવામાં ને સમજવામાં હવે ઢીલું ન મૂકવું જોઈએ. અયોધ્યા ઘટનાનાં પચીસ વરસ છતાં જે વૈચારિક સફાઈ પૂરતી થઈ નથી તે હવે તો થઈ જ જવી જોઈએ. સંધ સ્કૂલને માટે, અચ્છા કોપી લેખક અડવાણીના ખાસા વ્યાયામ પછી અને છતાં, બાબરીધ્વંસ એ વિચારધારાકીય વિજય ઘટના છે. વિકાસવેશ અને ડિપ્લોમેટિક મૌનવશ નમો ન બોલે તો પણ એમની ‘મન કી બાત’ આથી જુદી નથી. આપણે ત્યાં એક સદ્ભાવ ચેષ્ટા લેખે કોઈક તબક્કે યાસીન દલાલ વગેરેએ હિંદુઓની તરફેણમાં વિવાદગ્રસ્ત ઢાંચો છોડી દેવાની હિમાયત કરી હતી. જો કે હાર્ડલાઇન હિંદુત્વના માહોલમાં જે વળતી મુસ્લિમ ઉદ્યુક્તિ ગઠિત થતી આવતી હતી એને એ ભાગ્યે જ સ્વીકાર્ય હોય. આવાં શક્ય સમાધાનોનું બહુ ભૂંડું અને અમાનવીય ઉદાહરણ 2002માં હિંદુબહુલ ગામો જે નાકલીટી તણાવીને મુસ્લિમોને પુન:પ્રવેશ આપવાની વાત કરતાં હતાં એમાંયે જોવા મળ્યું હતું. પણ જિકર આપણે વિવાદગ્રસ્ત ઢાંચો હિંદુઓને સોંપી દેવાના સદ્ભાવસૂચનની કરતા હતા. આવી સોંપણીને હિંદુત્વ રાજનીતિ ભાગ્યે જ કોઈ સદ્‌ભાવ ચેષ્ટારૂપે જોઈ શકે. એના ઝંડાબરદારો આવી સોંપણીમાં પોતાની વિજયધ્વજા જ લહેરાતી જુએ. આનું કારણ અલબત્ત ઉગ્ર વિચારધારાવાદમાં રહેલું છે.

વાત એમ છે કે હિંદુત્વ રાજનીતિ જ્યારે અયોધ્યાનો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે આખો પ્રશ્ન પૂજાસ્થાનોની પવિત્રતા, શાસકીય સભ્યતા અને સહજીવનના શીલના મર્યાદિત વર્તુળની બહાર નીકળીને એક રાષ્ટ્ર તરીકેના વિજયપ્રસ્થાપનનો બની રહે છે. ઇસ્લામ અને ખ્રિસ્ત મત સહિતના સંગઠિત ધર્મો આક્રમકતાને મુદ્દે દૂચે દોહેલ છે એમ કોણ કહી શકશે? જેને વ્યાપક હિંદુ ધર્મપરિવાર (રાધાકૃષ્ણન્‌ના શબ્દોમાં કૉમનવેલ્થ ઑફ રિલિજિયન્સ) કહેવાય છે. તેમાં જૈન અને બૌદ્ધ ધર્મ સ્થાનકોને ક્યારેક હિંદુ પરચો મળ્યાની ય ઇતિહાસ નોંધ છે. જૈનો અને બૌદ્ધોએ પણ વળતી હાજરી દર્જ નહીં જ કરી હોય તેમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. પણ સંપ્રદાય-સંપ્રદાય કે ધર્મ-ધર્મ વચ્ચેના ઝઘડાને રાષ્ટ્રવાદીઓ વિ. ઇતરનું રૂપ અપાય એ તો પેલા વિચારધારાવાદની જ કમાલ કહેવાશે.

અડવાણીની રથયાત્રા સાથે દેશમાં જે વિમર્શપળટો થયો કહેવાય છે એની આ રીતની ક્ષ-તપાસ ખાસી કરવા પણું છે. કૉંગ્રેસ કે ડાબેરીઓના સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ બાબતે ચર્ચાથી ચોક્કસ જ પરહેજ ના કરીએ પણ કોમવાદને પૂરા કદના રાજકીય વિચારધારાનું રૂપ આપનાર અને પડકારવાના વિકલ્પે તેમ ના કરીએ, ભાઈ! હમણાં કે. કે. મોહમ્મદ નામના પુરાતત્ત્વવિદની એ અનુભવનોંધ માધ્યમોમાં રમતી મૂકાઈ છે કે અયોધ્યાના ઉત્ખનનમાં મંદિર પર મસ્જિદ થયાની પૂરતી સાબિતી મળી છે. મોહમ્મદની અનુભવનોંધમાં રહેલી નૈતિકતા અને પ્રામાણિકતાની કદર કરીએ અને ધરમમજહબને નામે તોડફોડ બાબતે અસંદિગ્ધ ભૂમિકા લઈએ; પણ તે પછી અને છતાં એક વસ્તુ તો સમજવી જ પડે કે સંગઠિત ધર્મોની (ખાસ કરીને સેમિટિક વલણોની) આ ટીકાપાત્ર મર્યાદા રહી છે. માત્ર, એને આ કે તે પક્ષે રાષ્ટ્રવાદના વાઘા પહેરાવવાનો ઉદ્યમ એ નવા જમાનાને લાયક વાનું નથી. ઉમા ભારતીના ભાવોદ્રેકી ઉદ્ગારો કથિત ક્રુઝેડ્સની ઉધારબાજુ જેવા છે અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ખુદ હિંદુ ધર્મને એના ઉજ્જવળ એશોથી વિપરીત સેમેટિક્રૂપ આપી શકે એની ગવાહી પૂરે છે.

ખરું જોતાં હિંદુત્વ રાજનીતિએ જે વાસ્તવ સાથે કામ પાડવાનું છે તે એ છે કે ઇતિહાસની એની સમજ કોઈક ખોટે છેડે ગંઠાઈ ગયેલી છે. હમણાં અમદાવાદમાં સંઘ સમર્થિત ભારતીય વિચાર મંચે સરસંઘચાલક મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતમાં ‘ભારતને સંસ્થાનવાદી માનસિકતાથી મુક્ત કરવા વિશે’ બે દિવસ જે બધી ચર્ચાવિચારણા કરી એની વિગતો મળશે ત્યારે વિગતે વિચારવાનું બનશે. પણ એક પાયાની વાત સંઘ શ્રેષ્ઠીઓએ અને સંઘચાહકોએ તેમ એના રાષ્ટ્રવાદના સમર્થકોએ લક્ષમાં લેવાની જરૂર છે, અને તે એ કે જે રાષ્ટ્ર-રાજ્ય (નેશન-સ્ટેટ)નો ખયાલ એમણે લગભગ ઈશ્વરના સ્થાને મૂક્યો છે તે યુરોપીય પરંપરાની ભેટ છે. યુરોપીય પરંપરાના સંપર્કે, અંગ્રેજ રાજવટ હસ્તક આપણે ત્યાં જે સાંસ્થાનિક માનસ વિકસ્યું એણે રાષ્ટ્ર-રાજ્યને એવો ને એટલો ઘોર ઉપાસ્ય બનાવી મૂકેલ છે જેવો ને જેટલો ભારતીય પરંપરામાં તે કદાપિ નહોતો.

સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થવાના સંદર્ભમાં અમદાવાદની વિચારગોષ્ઠિ અંગેની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેનો દિશાબોધ મહાત્મા ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ના સપનાને સાકાર કરવાની રીતે સાર્વજનિક જીવનના એકાએક અંગના ભારતીયકરણનો છે. સંઘની થિંક ટૈક જરી બારીકાઈથી વિચારશે તો તેને જણાશે કે ‘હિંદ સ્વરાજ’ વસ્તુત: રાષ્ટ્રરાજ્યવાદી પરંપરાને સમાંતરપણે યુરોપ અમેરિકામાં જે વૈકલ્પિક વિચાર વિકસ્યો એની ધારામાં ગાંધીની સત્યાગ્રહી ગતિમતિથી બની આવેલ અભિગમપત્ર છે. જે રાષ્ટ્રરાજ્યવાદને સંઘ પરિવાર કુલદૈવત પેઠે ઉપાસે છે. એની સામે ટોલ્સટોય – રસ્કિન – થોરોની સમાંતર ધારામાં ગાંધી અને ‘હિંદ સ્વરાજ’ આવે છે.

દક્ષિણ આફ્રિકાથી પ્રસંગવશ લંડન ગયેલા ગાંધી અને ઇન્ડિયા હાઉસના સુપ્રતિષ્ઠ ક્રાંતિકારી સાવરકર બેઉ એકમંચ પર આવ્યા ત્યારે સાવરકરનું વક્તવ્યવસ્તુ ‘દુર્ગા દશપ્રહરણધારિણી’ની વિજીગીષુ તરજ પર હતું. જ્યારે ગાંધીનું વક્તવ્યવસ્તુ ‘મર્યાદા પુરુષોત્તમ રામ’ની મુમક્ષુ તરજ પર હતું. સૈકા ઉપર એક દાયકા જેટલી થવા જતી આ સહોપરિસ્થિતિ ‘હિંદુત્વ’ના ભાવિ વ્યાખ્યાકાર અને ‘હિંદ સ્વરાજ’ના દૃષ્ટાની હતી એમ પાછળ નજર કરતાં સમજાય છે.

આ સહોપસ્થિતિ અહીં સાભિપ્રાય સાંભરી છે; કેમ કે ગોળવેલકર કૃત ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ (મરાઠીમાં ‘આમ્હી કોણ’) એ સાવરકરની હિંદુત્વ થીસિસની ફ્રિકવન્સી પર છે અને હિટલર પરત્વે રાષ્ટ્રનિર્માતા લેખે અહોભાવથી ગ્રસ્ત છે. ‘અમેરિકા ફર્સ્ટ’ અને ‘નેશન ફર્સ્ટ’ પોતપોતાની ગતિમતિએ આવી જ ધારાઓમાંથી આવેલાં સૂત્રો છે એટલે ભારતીય વિચારમંચને જો સહસા ‘હિંદ સ્વરાજ’નો મહિમા વસ્યો હોય તો તેણે ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ બાબતે પ્રગટ પુનર્વિચારની રાહે કામ લેવાનું નૈતિક સાહસ દાખવવું રહે છે. પાકા ઘડે કાંઠા ચડશે? થોભો અને રાહ જુઓ, એમ કહી શકાય પણ હમણાં સુધીનો અનુભવ તો સરવાળે કોસ્મેટિક કુંડાળાની બહાર નીકળી નહીં શકવાનો રહ્યો છે. આજે વિકાસનો વરખ, કાલે ‘હિંદ સ્વરાજ’નો હરખ .. ને એય હિંદુત્વ હેલાળા લે!

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘ઐતિહાસિક તથ્ય’, “દિવ્ય ભાસ્કર”, 22 અૅપ્રિલ 2017

Loading

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2017

વરસોનાં વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે, તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઇન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે

મુંબઈની વડી અદાલતે માલેગાંવ બૉમ્બ-બ્લાસ્ટ કેસનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાનો હુકમ આપ્યો છે. ૨૦૦૮ની ૨૯ સપ્ટેમ્બરે માલેગાંવમાં બૉમ્બ-વિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સો જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કબ્રસ્તાનની બહાર થયા હતા અને માર્યા ગયેલાઓ અને ઘાયલ થયેલાઓ બધા જ મુસલમાન હતા. શરૂઆતની તપાસ પછી પોલીસને હિન્દુ ઉગ્રવાદી જૂથનો હાથ હોવાની શંકા ગઈ હતી. એ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, શિવનારાયણ કલસાગરા વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. એ પહેલાં શંકાના આધારે કેટલાક મુસલમાન શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી જેમનો નિર્દોષ છુટકારો હજી હમણાં વરસ પહેલા થયો હતો.

પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા આરોપીઓ આઠ વરસથી જેલમાં હતા. આઠ વરસે હજી એ ઠરાવવાનું બાકી છે કે તેમની સામે પ્રથમદર્શી પુરાવાઓ છે કે નહીં. આરોપનામું તો હજી બહુ દૂરની વાત છે. ૨૦૦૮માં ATSએ આરોપીઓ સામે મોકા અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. ૨૦૦૮ની ૨૦ જાન્યુઆરીએ ATSએ આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં આ કેસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવ્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ATSએ ગોકળગાયની ઝડપે તપાસ આગળ વધારી હતી. ૨૦૧૧થી ૨૦૧૬ સુધી NIAએ એ જ ઝડપે તપાસ આગળ વધારી હતી.

૨૦૧૪માં કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ હતી અને ૨૦૧૬માં NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ આરોપીઓ સામેના મોકા ધારા અંતર્ગત મૂકવામાં આવેલા આરોપો પડતા મૂક્યા હતા. આરોપ જ પડતા મૂકવામાં આવ્યા ત્યાં બીજું કે અંતિમ આરોપનામું દાખલ થવાનો તો સવાલ જ નથી. ગઈ ૧૧ નવેમ્બરે NIAએ અદાલતને જણાવ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન આપવામાં આવે એની સામે એજન્સીને વાંધો નથી. ૨૫ એપ્રિલે વડી અદાલતે જામીન આપ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતને જામીન આપવામાં નથી આવ્યા, કારણ કે NIAએ એની સામે વાંધો લીધો છે. પુરોહિત લશ્કરમાં હતો અને લશ્કરમાં શીખવાડવામાં આવતી ટેક્નૉલૉજીનો તેણે દુરુપયોગ કર્યો હતો એ જામીનનો વિરોધ કરવાનો અને જામીન નહીં આપવાનું મુખ્ય કારણ છે. દરમ્યાન ૮ માર્ચે જયપુરની NIAએ અદાલતે ગુજરાતમાં ડાંગમાં આશ્રમ ધરાવતા સ્વામી અસીમાનંદને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી.

આમ બનવાનું જ હતું અને એના આસાર કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ સાથે જ મળવા લાગ્યા હતા. સવાલ એ નથી. સવાલ એ છે કે ૨૦૦૮થી ૨૦૧૪ સુધી કેન્દ્ર અને રાજ્યમાંની કૉન્ગ્રેસની સરકાર શું કરતી હતી? શા માટે ઝડપથી તપાસ આગળ નહોતી વધતી અને શા માટે અંતિમ આરોપનામાં નહોતાં ઘડાયાં? આનો અર્થ એવો નથી કે કૉન્ગ્રેસની સરકાર પણ આરોપીઓને છાવરતી હતી. આનો અર્થ એ થાય છે કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પડી ભાંગી છે. સરકાર દખલગીરી ન કરે તો પણ એક-એક દાયકા સુધી તપાસ પૂરી નથી થતી, આરોપનામું અને ખટલો તો બહુ દૂરની વાત છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ જણ સામે કોઈ આરોપ નથી તો શા માટે તેમને આઠ વરસથી વધુ સમય માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યાં? ૨૦૧૩થી આસારામ જેલમાં છે. આવતા સપ્ટેમ્બરમાં ચાર વરસ પૂરાં થશે, પરંતુ તેની સામેની તપાસ પૂરી થશે એની કોઈ ખાતરી નથી. તે જો નિર્દોષ સાબિત થશે તો તેનાં વેડફાયેલાં વર્ષો અને બદનામી માટે જવાબદાર કોણ?

આરોપી જો ગુનેગાર છે તો તેને કાયદેસર સજા નથી થતી અને આરોપી જો નિર્દોષ છે તો તેનો સમયસર છુટકારો નથી થતો. વરસોના વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે. તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઈન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જે દેશમાં કાયદો વાંઝિયો હોય અથવા પસંદગીના ધોરણે કાયદો સક્ષમ કે વાંઝિયો હોય તેમ જ જે દેશમાં ન્યાયતંત્ર ન્યાય ન આપી શકતું હોય એ દેશ નૂતન અવતાર ધારણ ન કરી શકે. ન્યુ ઇન્ડિયાનાં સપનાં જોઈને રાચનારાઓને આ સત્ય જણાવવું જોઈએ.

સ્વામી અસીમાનંદને જયપુરની અદાલતે મુક્તિ આપી એના અાગલા દિવસે મહારાષ્ટ્રની ગડચિરોલીની સેશન્સ કોર્ટે દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક જી. એન. સાઈબાબાને ૧૦ વરસની આકરી કેદની સજા કરી હતી. તેમનો ગુનો એ હતો કે તેમના ઘરમાંથી નક્સલવાદી સાહિત્ય મળી આવ્યું હતું અને પોલીસે એનો અર્થ એવો કર્યો હતો કે તે નક્સલવાદી છે. આ સિવાયનો એક પણ સંગીન આરોપ અને સંગીન પુરાવો પોલીસ પાસે નહોતો. એક બાજુ સંગીન ગુનાનો આરોપ ધરાવનારાઓનો છુટકારો થાય અને બીજી બાજુ હાસ્યાસ્પદ આરોપ ધરાવનારાઓને થોડીઘણી નહીં, દસ વરસની સજા થાય એવી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે. સાઈબાબાની ધરપકડ ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી. આશ્ચર્ય થશે, માત્ર ત્રણ વરસમાં સાઈબાબાનો ખટલો ચાલીને સજા પણ થઈ ગઈ છે. કારણ બહુ સ્પષ્ટ છે. એક બાજુ રાજકીય દરમ્યાનગીરી નહોતી અને બીજી બાજુ જજસાહેબે દિમાગ વાપરવાનું નહોતું કે ઘરમાં કોઈ વિચારધારાનું સાહિત્ય રાખવું કે વાંચવું એ ગુનો નથી. મારી પાસે નક્સલવાદી સાહિત્ય છે.

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૅપ્રિલ 2017

Loading

પ્રાણીરક્ષાની ચિંતા, ગોરક્ષાનું રાજકારણ

પ્રીતીશ નંદી|Opinion - Opinion|28 April 2017

ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત

હું ગોરક્ષક છું. ભલે તમારામાંના અનેક લોકોને (આજના વાતાવરણમાં) એ ગમે તેટલું ભયાનક લાગે. વર્ષો સુધી આપણામાંથી અમુક લોકો ગેરકાયદે કતલખાનાંમાં ગાયો અને વાછરડાઓની કતલ કરવા માટેની ગેરકાયદે હેરફેરને અટકાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. (અમુક રાજ્યોમાં તો પ્રત્યેક કાયદેસર કતલખાનાની પાછળ સો ગેરકાનૂની કતલખાનાં છે) અનેક વખત આપણે સફળ થતાં, તો મોટા ભાગે નિષ્ફળ  જતા. તેઓ લાંચ આપીને કે વ્યક્તિગત લાગવગથી છૂટી જતા.

પરંતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખનારા આપણા બધા માટે આ ભયાનક દૃશ્ય હતાઃ કમનસીબ પ્રાણીઓના પગ ભાંગીને તેને ટ્રક અને ટેમ્પોમાં ભરવામાં આવતાં, જેથી વધારેમાં વધારે પ્રાણીઓને તેમાં ઠાંસી શકાય. એકબીજાંની ઉપર ચઢાવવામાં આવતાં. અમુક તો બિચારાં કતલખાને પહોંચતાં પહેલાં જ શ્વાસ રુંધાઈ જવાથી મૃત્યુ પામતાં. જેમને બચાવી લેવાતાં, તે પણ માત્ર નામના જ જીવતાં રહેતાં. હું માત્ર ગોરક્ષક જ નહીં, કૂતરાં રક્ષક, બિલાડી રક્ષક, ભેંસનો રક્ષક, ત્યાં સુધી કે ચકલીનો રખેવાળ પણ છું, અને તેને નષ્ટ થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા માટે આ એ પ્રાણીને બચાવવાનો મુદ્દો નથી, જેની પૂજા હું કરું છું.

આ તો પ્રાણીઓ — તમામ પ્રાણીઓ, પંખીઓ, બધાં જીવિત પશુઓની રક્ષા કરવાની વાત છે. કારણ કે હું માનું છું કે આ પૃથ્વી એટલી જ એમની પણ છે, જેટલી મારી અને તમારી. આટલાં વર્ષમાં હું બીજા લોકોને મળ્યો અને જાણ્યું કે કેવી રીતે સિંહરક્ષક, હાથીરક્ષક, કાળિયારરક્ષક કેવી રીતે બની શકું છું. મને તો બધાં પ્રાણીઓ પસંદ છે, સૌમ્ય સ્વભાવની એ નીલગાય પણ, જેને સરકારે ‘વર્મિન’(નુકસાનકર્તા)નો દરજ્જો આપ્યો છે. તેનો અર્થ એ છે કે તેને મારી શકાય છે. મને લાગે છે કે બધાં પ્રાણી દુનિયાને સુંદરતા અને જાદુથી ભરી દે છે, જેને આપણે માનવોએ જંગલ અને ચેરિયા(મેન્ગ્રૂવ્સ)ને નષ્ટ કરી રહ્યાં છીએ, જે આ પ્રાણીઓનું પ્રાકૃતિક રહેઠાણ છે.

પરંતુ તમામ લાંબી યાત્રાઓની જેમ આ યાત્રા પણ એક નાનકડા પગલાથી શરૂ થઈ હતી. એ પગલું હતું, આપણાં શહેરોની ગલીઓમાં રખડતાં પશુઓને બચાવવાનું. પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે મુંબઈ શહેરમાં આવ્યો હતો, તો રખડતાં કૂતરાંને જ્યાંત્યાંથી પકડીને મારી નાખવામાં આવતાં. શેરીઓને શ્વાનમુક્ત કરવા માટે નિર્દયતાથી મારવા માટે તેમને મોટા વૉટરટબમાં નાખીને વીજળીનો કરંટ આપવા સહિતની પદ્ધતિઓ અપનાવવામાં આવતી. આમ છતાં, દર વર્ષે તેમની સંખ્યા વધતી જતી.

આપણે પશુગણતરી કરી, અદાલતોમાં ગયા અને આવાં પગલાંના બદલે કૂતરાંની નસબંધી કરવાની રજૂઆત કરી. હંમેશાંની જેમ આંદોલનોમાં સમય તો લાગ્યો, પરંતુ આ હત્યાઓ બંધ કરાવી શકાઈ. આપણું ન્યાયતંત્ર ભલે ધીમું હોય, પણ માનવતાવાદી છે. આપણે રાહતનો શ્વાસ લીધો. હવે મુશ્કેલી એ હતી કે આપણા સામાન્ય સંસાધનોથી તેમની નસબંધીનો કાર્યક્રમ કેવી રીતે ચલાવી શકાય. સદ્‌નસીબે અનેક એન.જી.ઓ. સામે આવી અને એ કામ ઉપાડી લીધું. તેમણે અત્યંત પ્રશંસનીય કામ કર્યું. મારાથી સારાં સ્ત્રી-પુરુષો છે, જેઓ આપણા અદ્‌ભુત વન્યજીવોનું રક્ષણ કરે છે, તેમની સંભાળ રાખે છે.

આ અત્યંત અઘરું કામ છે, કારણ કે જંગલોમાંથી પૈસા મળે છે અને ત્યાં રહેલાં પ્રાણીઓના બદલે ગેરકાનૂની શિકારીઓને વધારે રક્ષણ મળે છે. એટલા માટે આપણે બધા જાણીએ છીએ કે કોણે સિંહ અથવા શિંગડાવાળા ગેંડાની હત્યા કરી છે (અને કયા હેતુસર). ગુનેગાર ખૂબ ઓછા બનાવોમાં ઝડપાય છે અને તેમને સજા મળે છે. જેમ કે આપણી પશુગણતરીથી ખ્યાલ આવ્યો હતો કે છોડી મુકાયેલાં પશુઓ આપણા રસ્તાઓ પર સૌથી વધારે સંખ્યામાં છે. એક વખત તેઓ બિનઉપયોગી બની જાય, તો તેમના માલિક તેમને રસ્તાઓ પર મૂકી દે છે. તેમાંથી મોટા ભાગનાં પ્લાસ્ટિક ખાવાથી મરે છે. કારણ કે તેમને એટલી ભૂખ લાગી હોય છે.

અમુક જ ગોરક્ષકોને તેમની ચિંતા હોય છે. તેઓ કતલખાને જતી ગાયો(અને હવે ભેંસો)નો પીછો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. અનેક વખત તો ખોટા ઉત્સાહમાં તેઓ ગાયોને કાયદેસર કતલખાને લઈ જનાર લોકો પર જ હુમલો કરી દે છે, કારણ કે તમામ રાજ્યોમાં તો ગાયોને કતલખાને લઈ જવી ગેરકાનૂની નથી. કાશ! એવું હોત કે તમામ રાજ્યોમાં ગાયોની કતલની મનાઈ હોત. માત્રો ગાયો બચી જાત, ઉપરાંત માનવીય જિંદગીઓ પણ બચી જાત. ખાસ કરીને મુસ્લિમ અને દલિત તેમ જ વિચરતી જનજાતિઓ, જેઓ નવા યુગના બેફામ-બેકાબૂ ગોરક્ષકોના નિશાન પર આવી ગયા છે. તેઓ હવે શંકાના આધારે કોઈના પર પણ હુમલો કરી દે છે.

રોમાંચક વાત એ છે કે આપણે જ્યારે ગોરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વના સૌથી મોટા ગોમાંસ નિકાસકાર તરીકે ઊભરી આવ્યા છીએ. અમેરિકન કૃષિ વિભાગ અનુસાર આપણે 2015માં ગાય અને વાછરડાંના 24 લાખ ટન માંસની નિકાસ કરી હતી અને આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે. ભારત, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા મળીને વિશ્વનું 58.7 ટકા ગોમાંસ નિકાસ કરે છે. તેમાં એકલા ભારતની ભાગીદારી 23.5 ટકા છે. આઈ.સી.આર.એ.નું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં આપણી ગોમાંસની નિકાસ 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

એ વાત દુ:ખદ છે કે મોટા ભાગના પત્રકારો જે આ ઉપલબ્ધિને ઉત્સાહથી રિપોર્ટ કહે છે, તેને એ આધાર પર યોગ્ય ગણાવે છે કે ગાય નહીં, માત્ર ભેંસોને મારવામાં આવે છે. જ્યાં કતલખાનામાં કામ કરનારાઓ મોટા ભાગે મુસ્લિમ અને તેમની ચામડી ઉતરડનારા દલિતો હોય છે, પણ ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત હોતા. તેઓ પોતાના બિઝનેસને મુસ્લિમ નામોની બ્રાન્ડ બનાવી દે છે, જેથી મધ્ય-પૂર્વના બજારમાં તેને વેચવામાં સરળતા રહે અને પોતાની ઓળખ પણ છુપાવી શકાય. જો ગોરક્ષકો ગંભીર છે, તો તેઓ આ ગંદા કામમાં તેમને ત્યાં માત્ર કામ કરનારઓની મારઝૂડ કે હત્યા કરવાના બદલે આ મોટા લોકોને નિશાન કેમ નથી બનાવતા?

હા, હું હજી પણ ગોરક્ષક હું, પરંતુ એ પશુ આંદોલન જે આપણે આટલાં વર્ષ ચલાવ્યું, લોકોને બધાં પ્રાણીઓ પ્રત્યે કરુણા દર્શાવવાનો બોધ આપ્યો. હવે આ આંદોલન અમુક દાદાગીરી કરનારા અને હત્યારાઓના કારણે પોતાનું વાજબીપણું ગુમાવવાની અણીએ છે. કોઈને ખબર નથી કે એ અચાનક ક્યાંથી આવી ગયા. કોઈને ખબર નથી કે તેમને શું જોઈએ છે. વાત સ્પષ્ટ છે: તેમનો એજન્ડા ગાયોને બચાવવાનો નહીં, પણ લોકોની હત્યા કરવાનો છે.

સૌજન્ય : ‘ધંધાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2017

Loading

...102030...3,5643,5653,5663,567...3,5703,5803,590...

Search by

Opinion

  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?

Diaspora

  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved