ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાકની પરંપરાને દ્રૌપદીનાં ચીરહરણ જેવી ગણાવી છે. યોગીએ કહ્યું, ‘મહાભારતમાં ચીરહરણની ઘટનામાં દોષી કોણ છે? એક તો એ લોકો જેમણે આ અપરાધ કર્યો હતો, બીજા એ જે આજુબાજુમાં ઊભા હતા અને ત્રીજા એ જે આ ઘટનામાં મૌન રહ્યા હતા. કંઇક એવી જ રીતે ત્રણ તલાકના મામલામાં દેશની રાજનીતિક ક્ષિતિજ ઉપર મૌન છવાયેલું છે.’
ટ્રિપલ તલાકની પ્રથા અન્યાયકારી અને સ્ત્રી વિરોધી છે, એમાં બેમત નથી.
મુસ્લિમ સમાજમાં પણ એને ખતમ કરવાની માગણી ઊઠી છે, અને સ્વભાવિક રીતે જ સરકારે જે ‘મન’ બનાવ્યું છે તેને ‘અંદર-બહાર’ બધેથી સમર્થન મળી રહેશે, પરંતુ નવો ઉત્સાહ જેટલો દેખાય છે તેટલો સીધો અને સરળ પણ નથી. બે જ દાખલા કાફી છે. એક, ચાર વખત પેશ થયા પછી પણ પસાર ન થતા 2014માં 15મી લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયક મૃતપ્રાય: થઇ ગયું છે. એનો વિરોધ ભાજપે પણ કર્યો હતો અને નરેન્દ્ર મોદીએ હજુ એવો કોઇ સંકેત નથી આપ્યો જેથી લોકસભા-વિધાનસભામાં સ્ત્રીઓને 33 પ્રતિશત આરક્ષણ મળે.
બે, સંસદમાં અને સંસદની બહાર સ્ત્રીઓ વિશે અભદ્ર અને લૈંગિક ટિપ્પણીઓ કરવાનો એક ‘સમૃદ્ધ’ ઇતિહાસ છે. ત્યારે તો કોઇને દ્રૌપદીનું ચીરહરણ કે અપરાધીઓનું મૌન યાદ નહોતું આવ્યું. કેમ? મોદી જ્યાં રહે છે તે દિલ્હી અને યોગીના ઉત્તરપ્રદેશમાં સ્ત્રીઓ ઉપર સૌથી વધુ અપરાધ થાય છે. એક પરદેશી સમાચાર પત્રએ આવા ક્રાઇમની હકીકતો આપીને મથાળું લખ્યું હતું: રેપ ઑફ દ્રૌપદી: વ્હાય ઇન્ડિયન ડેમોક્રસી હેઝ ફેઇલ્ડ વીમેન. ભારતમાં દ્રૌપદી એક એવું પાત્ર છે જેનો અનુકૂળતા અને સુવિધા મુજબ ઉપયોગ થાય છે. દ્રૌપદી સામાન્ય રીતે પ્રેરણાસ્રોત (રોલ મોડેલ) રહી નથી, એ સન્માન સીતાને જાય છે.
દ્રૌપદીનું ચીરહરણ પણ એ જ અપરાધ માટે કરાયું હતું, જેમાં એણે પાંચ પતિ સ્વીકાર્યા હતા. એમ તો દ્રૌપદીનાં ચીરહરણને લઇને પણ સંદેહ વ્યક્ત થયેલ છે. મહાભારતમાં ચીરહરણ એક પ્રમુખ ઘટના છે. એના કારણે જ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું. ભીમે આ અપમાનનો બદલો લેવા દુર્યોધનની જાંઘ ચીરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને એટલે જ કૃષ્ણએ દ્રૌપદીનાં ચીર પૂરીને ઇજ્જત બચાવી હતી. બે નિષ્ણાતો, ડૉ. પ્રદીપ ભટ્ટાચાર્ય અને સત્ય ચૈતન્યે ચીરહરણની ઘટનાની છાનબીન કરીને એવો તર્ક રજૂ કર્યો છે કે દુર્યોધનની સભામાં દ્રૌપદીને વાળથી પકડીને બેઇજ્જત કરાઇ હતી, પરંતુ મહાભારતના મૂળગ્રંથમાં એનું વસ્ત્રાહરણ કરાયું હોવાના સંદર્ભ મળતા નથી, અને શક્યત: મહાભારતના પાછળથી આવેલા પાઠમાં એ ઘટના ઉમેરવામાં આવી હતી.
ડૉ. પ્રદીપ ભટ્ટાચાર્ય કોલકાતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં છેલ્લાં 15 વર્ષથી બોર્ડ મેમ્બર છે અને મહાભારતમાં સંશોધનમાં પીએચ.ડી. છે. સત્ય ચૈતન્ય મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે અને જમશેદપુરની બિઝનેસ સ્કૂલ તથા મુંબઇની ઝેવિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ ફેકલ્ટી છે. ડૉ. પ્રદીપ ભટ્ટાચાર્ય વિવિધ પુરાણો અને મહાભારતની શરૂઆતની આવૃત્તિનો સંદર્ભ આપીને કહે છે કે મહાભારતના પાંચમા ઉદ્યોગ પર્વમાં દ્રૌપદીએ કૃષ્ણની મદદ માગી તેનો ઉલ્લેખ છે, પરંતુ એમાં વસ્ત્રાહરણની વાત નથી.
4થી સદીના ભાસના દુતવાક્યમમાં, શિવપુરાણમાં, કે દેવી ભાગવતમાં પણ દ્રૌપદીને વાળથી ઢસડીને લાવવાની વાત છે, પરંતુ ચીરહરણનો ઉલ્લેખ નથી. ભટ્ટાચાર્યનો તર્ક એવો છે કે પાછળથી એક યા એકથી વધુ જ્ઞાની સંપાદકોએ ચીરહરણનો પ્રસંગ ઉમેર્યો હોય એવું શક્ય છે. સત્ય ચૈતન્યનો તર્ક એવો છે કે જૂગટું રમવાનો પ્રસંગ 60મા પ્રકરણમાં આવે છે, અને 67મા પ્રકરણમાં દ્રૌપદીને સભામાં લાવવામાં આવે છે. એના 35મા શ્લોકમાં દ્રૌપદીનું વસ્ત્ર સરી જવાનો (અને નહીં કે ખેંચી લેવાનો) ઉલ્લેખ છે.
37મા શ્લોકમાં દ્રૌપદી દુ:શાસનને વિનંતી કરે છે કે એને ઢસડવામાં ન આવે, વસ્ત્રહીન કરવામાં ન આવે (મા મા વિવસ્ત્રમ કરું, મા વિર્કર્શીહ) મતલબ કે દ્રૌપદીનું વસ્ત્રહરણ એને વાળથી ખેંચીને લાવવામાંથી થયેલી ઘટના છે. અંગ્રેજીના પ્રોફેસર ઇન્દ્રજિત બંદોપાધ્યાયે આ બંને સંશોધનો વાંચ્યાં છે, અને એ ત્રીજો આયામ પ્રસ્તુત કરે છે. બંદોપાધ્યાય કહે છે, ચીરહરણની મિથ હાવી થયેલા (ડોમિનેન્ટ) ઇતિહાસમાંથી આવે છે અને જે વૈકલ્પિક (ઓલ્ટરનેટિવ) ઇતિહાસ છે, તે નજરઅંદાજ થયો છે.
બંદોપાધ્યાયના મતે આપણે મહાભારતને રાજકીય ઇતિહાસ તરીકે જોવાને બદલે સમૂહ સાયકોલોજી અને રાજાઓ અથવા શાસકોની સાયકોલોજી વચ્ચે ભેળસેળ કરી દીધી છે. એ રીતે ચીરહરણની ઘટના રાજનીતિક રૂપથી ગલત (પોલિટિકલી ઇન્કરેક્ટ) છે, અને કૌરવો માટે જ નુકસાનકારી છે. બીજું દુર્યોધન, કર્ણ, દુ:શાસન અને શકુનિ રોડ-સાઇડ રોમિયો કે બળાત્કારીઓ નથી. પૂરા મહાભારતમાં એવો એક પ્રસંગ નથી જ્યાં આ ચારે જણાએ કોઇ સ્ત્રીની છેડતી ય કરી હોય.
ઇતિહાસ અથવા મિથ ઉપર પ્રચલિત મનોભાવની બહુ અસર હોય છે. બંદોપાધ્યાય કહે છે કે મહાભારતની મૂળ કહાનીના સ્થાને દુર્યોધન તરફી કવિઓએ યુધિષ્ઠિરની પ્રતિષ્ઠા ઓછી કરવા દ્રૌપદીને દાવ ઉપર મૂકવાની ઘટના પેશ કરી હોય અને પાંડવો તરફ સહાનુભૂતિ ધરાવતા કવિઓએ દુર્યોધનને નીચો પાડવા દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ ઉમેર્યો હોય તે શક્ય છે. મહાભારત, જે મૂળભૂત રીતે સામાજિક-રાજકીય વ્યવસ્થા અને પ્રશાસનમાં શુદ્ધતા અને શિષ્ટાચારનો રાષ્ટ્રીય નિર્માણનો ગ્રંથ છે, તે જનસાધારણ સાયકોલોજીના પ્રભાવમાં નાટ્યાત્મકતા અને મનોરંજનનું સાધન બનીને રહી ગયો છે.
અને એટલે જ, દ્રૌપદી અને એનું ચીરહરણ પણ શાસકો માટે વખત આવે વગાડવાની વાંસળી બની ગયું છે. બાકી, જ્ઞાનપીઠ વિજેતા બાંગ્લા લેખિકા મહાશ્વેતા દેવીએ જ્યારે એમની ‘દ્રૌપદી’ને પોતાના જખમને ઉઘાડા કરવા માટે વસ્ત્રો ફગાવતી અને બેધડક નગ્ન થતી બતાવી હતી ત્યારે આ જ આપણા શાસકોને એ માફક આવ્યું ન હતું.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 30 અૅપ્રિલ 2017