તારીખ: ગુરુવાર, ચોથી ડિસેમ્બર, ૧૯૨૪
આજે આખું મુંબઈ શહેર અરબી સમુદ્રની જેમ હિલ્લોળે ચડ્યું છે. વહેલી સવારથી શહેરમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. હિન્દુસ્તાનના વાઇસરોય માર્ક્વેસ ઓફ રીડિંગની પધરામણી મુંબઈમાં થઈ ચૂકી છે. સાંજે જે ભવ્ય સમારંભ થવાનો છે તેની તૈયારી પર ગવર્નર લેસ્લી વિલ્સન જાતે નજર રાખી રહ્યા છે. કારણ આજનો સમારંભ માત્ર બોમ્બે પ્રેસીડન્સી માટે જ નહિ, આખા હિન્દુસ્તાન માટે અનોખો છે. લાલ જાજમો પથરાઈ ગઈ છે. તેના પર સોફા-ખુરસી ગોઠવાઈ ગયાં છે. સેંકડો પોલીસ તહેનાતમાં ખડા છે. લશ્કરનું બેન્ડ કેટલા ય દિવસોથી પ્રેક્ટીસ કરતું હતું. આજે તે પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. લોકોનાં ટોળેટોળાં રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યાં છે. અને એ બધાં એક જ દિશામાં જઈ રહ્યાં છે. પણ કેમ? કારણ આજે અહી એક ભવ્ય ઈમારતનું ઉદ્ઘાટન થવાનું છે, વાઈસરોય સાહેબને હાથે. પણ એ ઈમારત વિષે વાત કરતાં પહેલાં આપણે કાળની કેડીએ ભૂતકાળની સફર કરવી પડશે.
ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાનું પાલવા બંદર
લોકોનાં ટોળાં જે દિશામાં જઈ રહ્યાં હતાં એ દિશા તે કઈ? પાલવા બંદર, કહેતાં એપોલો બંદર. આજે હવે આ નામ ભૂલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ, અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. જ્યાં આવાં વહાણો નાંગરતાં તે પાલવા બંદર. પણ અંગ્રેજોને આ ‘પાલ’ કે પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં. એટલે તેમણે એનું નામ કરી નાખ્યું એપોલો બંદર. એટલે કે હકીકતમાં એપોલો બંદરને ગ્રીકોરોમન દેવ એપોલો સાથે સનાનસૂતકનો ય સંબંધ નથી.
જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે તેના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલ ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કેથીડ્રલ તરફ લઈ જાય તે ચર્ચગેટ, અને એપોલો બંદર તરફ લઈ જાય તે એપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને એપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે, પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. પાલવા બંદરનું એક ત્રીજું નામ પણ છે, પણ તે ક્યારે ય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર.
પૂંઠાના ગેટવે આગળ રાજા–રાણીનું સન્માન
એપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહિ, દુનિયામાં જાણીતી છે, પણ એ બંને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહિ તો ૧૮મી સદી કરતાં જૂનું છે જ. આ બે ઈમારતમાંની પહેલી તાજ મહાલ પેલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. તેનું ઉદ્ઘાટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે થયું હતું. ૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે ગાંધીજી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકાથી પાછાં આવ્યાં ત્યારે આ એપોલો બંદર પર જ સ્ટીમ લોન્ચમાંથી ઊતર્યાં હતાં. ત્યારે તાજ મહાલ હોટેલની ઈમારત ઊભી હતી, પણ બીજી ઈમારતનું અસ્તિત્વ જ નહોતું. આ બીજી ઈમારત તે ગેટવે ઓફ ઇન્ડિયા.
હા, જી. આ તાજ મહાલ હોટેલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧મા પાંચમા કિંગ જ્યોર્જ અને ક્વીન મેરી દિલ્હી દરબાર જવા માટે હિન્દુસ્તાન આવવાનાં હતાં અને દરિયાઈ માર્ગે આવીને મુંબઈના એપોલો બંદરે ઉતરવાનાં હતાં. તેમના માનમાં અને તેમની યાદગીરીમાં એપોલો બંદર પર એક ભવ્ય દરવાજો બાંધવાનું સરકારે નક્કી કર્યું. પણ પથ્થર અને કોન્ક્રિટનો દરવાજો કાંઈ રાતોરાત બંધાય? છતાં મુંબઈના ગવર્નર લોર્ડ સિડનહામને હાથે ભૂમિપૂજન તો કરાવવામાં આવ્યું. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે રાજા-રાણી એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. અને તેની આગળ એક સ્ટેજ બાંધીને શાહી દંપતીનું સ્વાગત કરવામાં આવેલું.
ગેટવે બંધાતો હતો ત્યારે
રાજા-રાણી તો આવીને ગયાં પણ ખરાં. સરકારી તંત્ર – શું આજનું, કે શું એ વખતનું, ગોકળગાયની જેમ જ ચાલે. એટલે આ ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાની દરખાસ્તને મંજૂરી મળી છેક ૧૯૧૪માં. પણ આ દરવાજો બાંધી શકાય એટલી જમીન તો ત્યાં હતી નહિ. એટલે દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું. પણ ૧૯૧૪માં જ પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. તાજ મહાલ હોટેલનો સરકારે કબજો લઈ લીધો અને તેનો ઉપયોગ લશ્કર માટે કર્યો. આવા સંજોગોમાં જમીન મેળવવાનું કામ છેક ૧૯૧૯માં પૂરું થયું.
બ્રિટિશ ઇન્ડિયાની ટપાલ ટિકિટ
જનરલ પોસ્ટ ઓફિસનું મકાન, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમનું મકાન અને ગેટ વે ઓફ ઇન્ડિયા – આ ત્રણે ઇમારતો બારીક નજરે જોતાં તેમાં ક્યાંક ને ક્યાંક થોડું સરખાપણું લાગશે. કારણ? કારણ આ ત્રણે ઈમારતોની ડિઝાઈન એક જ સ્થપતિએ બનાવેલી. એનું નામ જ્યોર્જ વિટેટ. તેના પ્લાન પ્રમાણે બંધાયેલી ઇમારતોમાં પશ્ચિમની સ્થાપત્ય શૈલી સાથે હિન્દુસ્તાની – જેમાં હિંદુ અને મુસ્લિમ બન્ને શૈલીનો સમાવેશ થાય છે – તેનો સુમેળ જોવા મળે છે. ગેટવે ઓફ ઇન્ડિયાની ઊંચાઈ છે ૮૫ ફૂટની. અને એનો મુખ્ય ઘુમ્મટ ૫૦ ફૂટ પહોળો છે. આખા ગેટનું બાંધકામ પીળા પથ્થર અને સિમેન્ટ કોન્ક્રીટ વડે થયું છે. ઘણી મુસ્લિમ ઈમારતોની જેમ અહીં બારીક કોતરણીવાળી જાળીઓનો ઉપયોગ થયો છે. મુખ્ય ઘુમ્મટની ચાર બાજુ ચાર નાના ઘુમ્મટ આવેલા છે.
ગેટવે ઓફ ઇન્ડિયાના સ્થપતિ જ્યોર્જ વિટેટ
આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો. પણ તે બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રાજમાર્ગ બાંધવાની યોજના હતી તે રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું! આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. તેની આસપાસના દરિયા કિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રોમોનેડ બંધાયો તે જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યોર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું. ભલે રાજમાર્ગ ન બંધાયો, પણ તે પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને તેની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું.
કહે છે ને કે
સમય સમય બલવાન હૈ,
નહિ પુરુષ બલવાન,
કાબે અર્જુન લૂંટિયો,
વહી ધનુષ વહી બાણ.
ગેટવે ઓફ ઇન્ડિયાની બાબતમાં પણ કૈંક આવું જ થયું. જેના સામ્રાજ્યમાં સૂરજ ક્યારે ય આથમતો નથી એમ કહેવાતું એ બ્રિટિશ રાજ્યનો સૂરજ બીજા વિશ્વયુદ્ધ પછી આથમવા લાગ્યો. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું. ૧૯૪૮ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખ. ગેટવે ઓફ ઇન્ડિયા પર લશ્કરના બેન્ડના સૂરો ફરી એક વાર રેલાયા. પણ બ્રિટિશ લશ્કરના બેન્ડના નહિ, આઝાદ હિન્દુસ્તાનના લશ્કરના બેન્ડના સૂરો. એ સૂરો વિદાય આપતા હતા અંગ્રેજ લશ્કરની છેલ્લી ટુકડી સમરસેટ લાઈટ ઇન્ફનટ્રીની પહેલી બટાલિયનને. આઝાદ ભારતના લશ્કરે વિદાયની ભેટ તરીકે એ ટુકડીને ગેટવે ઓફ ઇન્ડિયાની ચાંદીની બનેલી નાનકડી પ્રતિકૃતિ ભેટ આપી. એ સાંજે પૂંઠાની પ્રતિકૃતિથી શરૂ થયેલી ચાંદીની પ્રતિકૃતિ સુધીની ગેટવે ઓફ ઇન્ડિયાની સફર પૂરી થઈ. અને એ સાથે જ ભારતના આકાશમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો.
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 ડિસેમ્બર 2024
E.mail : deepakbmehta@gmail.com