Opinion Magazine
Number of visits: 10,221,371
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક અમારા માટે સામાજિક પરિવર્તનનું સાધન છે’ — મહેન્દ્ર મેઘાણી 

સોનલ પરીખ|Opinion - Opinion|11 September 2026

‘અમુક માણસો પોતાના પરિવેશ અને સંદર્ભોમાં પુરાયેલા નથી હોતા. મને તેવા થવું ગમે. લોકો વાંચે, વિચારે, અમલમાં મૂકે, ને તેમના ચિત્તમાં સ્થાયી પરિવર્તન આવે એવાં પુસ્તકો લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હતો. લોકોનો આભાર કે મનગમતું કામ માનભેર કરવા દીધું અને રોટલા પણ આપ્યા.’ 

 — મહેન્દ્ર મેઘાણી 

મહેન્દ્ર મેઘાણી

છેલ્લા થોડા દિવસોમાં બનેલા બનાવોએ આપણને ફરી એક વાર વિચારતા અથવા તો વિચારશૂન્ય કરી મૂક્યા છે ત્યારે યાદ આવે છે એક વિધાન, ‘આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે. વાચનના સમૂળગા અભાવમાંથી અને ઘણી વાર યોગ્ય વાચનની ગેરહાજરીમાંથી આવી વિચારશૂન્યતા પેદા થાય છે.’ વિચાર-વાચન પરની આ અનન્ય શ્રદ્ધા અને ‘છેલ્લી એક સદી દરમિયાન મનુષ્યના જ્ઞાનમાં જબરદસ્ત ક્રાંતિ થઇ ગઇ છે. આ બધાં પરિવર્તનો ઉપર જેમનાં જીવન અને સુખચેનનો આધાર છે, તે નરનારીઓને તેની સમજણ કોણ આપશે?’ આ અનન્ય નિસબત પુસ્તક-ઋષિ મહેન્દ્ર મેઘાણી સિવાય કોનાં હોઈ શકે? મહેન્દ્ર મેઘાણીની ચિરવિદાયને 3 ઑગસ્ટે ચાર વર્ષ થશે. તેઓ માનતા કે પુસ્તકો માણસનું સંસ્કારઘડતર કરે છે. નાગરિક જાગૃત બને એ માટે તેમણે રાજકારણ અને લોકશાહી વિશે સામાન્ય જ્ઞાન આપતી પુસ્તિકાઓ મફત વહેંચી હતી. ‘લોકમિલાપ’ સંસ્થા દ્વારા ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે સસ્તું અને શ્રેષ્ઠ વાચન લોકો સુધી પહોંચાડવાના કાર્યને તેઓ ‘પુણ્યનો વેપાર’ ગણાવતા હતા. 

મહેન્દ્ર મેઘાણી એક નામ નહોતા, એક વ્યક્તિ નહોતા. એમને માટે ‘વૈચારિક અભિયાન’ શબ્દો પણ ટૂંકા પડે. એમનો જન્મ 20 જૂન 1923માં મુંબઈમાં. 1942ની લડત વખતે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા, પણ ગાંધીજીની હાકલે ભણવાનું છોડ્યું. 1948માં અમેરિકાની કૉલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનું ભણવા ન્યૂયૉર્ક ગયા ત્યારે ત્યાં પ્રકાશિત થતાં પુસ્તકો, તેની પ્રકાશિત થતાં પુસ્તકો, તેની પ્રકાશન-વિતરણ પદ્ધતિ અને ખાસ તો પુસ્તકો પ્રજા સુધી પહોંચે એવી વ્યવસ્થા સ્પર્શી ગયાં. ત્યારના અનુભવો તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’માં ‘અમેરિકાની અટારીએથી’ કટારમાં વર્ણવ્યા છે. 

ભારતના પહેલા પ્રજસત્તાક દિને, 26 જાન્યુઆરી 1950માં તેમણે ચોપાસની દુનિયા વિશે જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય એવા વાંચનની જરૂરિયાત પૂરી પાડવા ‘મિલાપ’ માસિકની શરૂઆત મુંબઈમાં કરી. ‘રિડર્સ ડાયજેસ્ટ’ના બરનું આવું સામયિક ભારતની બીજી કોઈ ભાષામાં બન્યું નથી. 23 વર્ષ સુધી ‘મિલાપ’ ચલાવ્યું, ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઑફ યંગ પીપલ કાર્યક્રમ અંતર્ગત દેશવિદેશના યુવાનો દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાન કર્યું. પ્રેસ ડેલિગેશનના સભ્ય તરીકે વડાપ્રધાન પંડિત નહેરુ સાથે રશિયા, પૉલેન્ડ અને યુગોસ્લોવિયા ગયા, 1969માં ગાંધી શતાબ્દી વર્ષમાં ‘ડિસ્કવરિંગ ઈન્ડિયા’ પ્રોજેક્ટ શરૂ કર્યો અને યુરોપ. અમેરિકા, આફ્રિકા, એશિયા અને ન્યૂઝિલેન્ડમાં પુસ્તકપ્રદર્શનો યોજ્યા. અંગ્રેજી પુસ્તકોના અનુવાદ, સંપાદનો કર્યા. પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા અવિરત અથાક પરિશ્રમ કર્યો ને પુસ્તકભંડાર, પુસ્તકમેળાઓ, બાલફિલ્મો જેવા અનેક ઉપક્રમો યોજ્યા. સમાજમાં સ્વતંત્ર વિચારસરણી અને બૌદ્ધિક અભિગમ વિકસાવવા લગભગ એકલે હાથે એમણે જે ગંજાવર કાર્ય કર્યું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. છેલ્લાં વર્ષોમાં એમણે ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, ‘આપણો ઘરસંસાર’ ‘આપણાં બા’, અને ‘નહીં વીસરાતાં કાવ્યો’ જેવાં સંકલનો આપ્યાં અને ગાંધી-અવતરણોનું પુસ્તક ઉપરાંત ‘ઉત્તમ મેઘાણી’ સંપાદન પર કામ કર્યું. 

મહેન્દ્ર મેઘાણી સ્થૂળ દેહે આપણી વચ્ચે નથી, ત્યારે તેમના જ શબ્દોમાં તેમને મળવા અને શોધવાનો પ્રયત્ન કરીએ. હવે પછીના શબ્દો એમના છે : 

‘સમાજનો સડો જોઈ મને દુ:ખ થતું. પરિવર્તનના બે માર્ગ જગતે જોયા છે, બુલેટ અને બેલેટ. બુલેટના માર્ગે રશિયામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, પણ છ-સાત દાયકાથી વધારે ન ટક્યું. બેલેટનો માર્ગ – લોકશાહી – આઝાદી પછી ભારતે અપનાવ્યો, પણ આટલા દાયકામાં એ માર્ગે પરિવર્તન આવતું દેખાતું નથી. જો બુલેટના માર્ગે પરિવર્તન આવતું હોત તો હું મશીનગન લઈને ફરતો હોત. પણ મને સમજાયું કે પરિવર્તન આવે છે પ્રજાની નૈતિક તાકાતથી, લોકોના ચારિત્ર્યબળથી. આ પરિવર્તન લાવવાનું સાચું ને શ્રેષ્ઠ સાધન છે પુસ્તકો. લોકો વાંચે, વિચારે, અમલમાં મૂકે, ને તેમના ચિત્તમાં સ્થાયી પરિવર્તન આવે એવાં પુસ્તકો લોકો સુધી પહોંચાડવાના અમારા પ્રયત્નો તે “મિલાપ” અને “લોકમિલાપ”.

‘મારા પિતા ઝવેરચંદ મેઘાણીએ “ફૂલછાબ” બંધ થયું ત્યારે કર્મચારીઓના રોટલા બંધ ન થાય એ માટે પુસ્તિકાઓ છપાવવાનું શરૂ કરેલું. તેમાંની એક પુસ્તિકાનું નામ હતું “ધ્વજામિલાપ”. મને “મિલાપ” શબ્દ ગમી ગયો, એટલે જે સામયિક શરૂ કર્યું તેનું નામ રાખ્યું “મિલાપ”. પુસ્તકભંડાર દ્વારા જુદા જુદા દેશના લોકો નજીક આવે એવી ભાવના હતી એટલે તેનું નામ રાખ્યું “લોકમિલાપ”. પુસ્તક સુધી ન આવી શકે તેમના સુધી અમે થેલા ભરીને, સાઈકલ ચલાવીને પુસ્તકો લઈને ગયા. વાંચવાનું મુશ્કેલ લાગતું હોય એમને વાંચી સંભળાવ્યું. પચાસ જણ સાંભળશે તો પાંચ તો વિચારશે ને, આટલું થાય તો ય ઘણું. 

‘ગુજરાતી બોલનારી પ્રજા ત્યારે ચાર કરોડથી સહેજ વધુ હશે. એટલે કે એકાદ કરોડ કુટુંબો. તેમાંથી ફક્ત એક ટકાને, એટલે કે એકાદ લાખ કુટુંબોને સત્ત્વશીલ વાંચનની એક ચોપડી એકસામટી પહોંચાડવાનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન સાચું પાડવાનું પહેલું પગલું 1972ના આંતરરાષ્ટ્રીય પુસ્તકવર્ષમાં અમે ભર્યું. વીસમી સદીના છેલ્લા દાયકાઓમાં અક્ષરજ્ઞાન, ટેકનોલોજી, વાંચન પાછળ થોડો ખર્ચ કરવાની વૃત્તિ આ બધું વધ્યું છતાં ગુજરાતી સાહિત્યનાં સારાં પુસ્તકોની આવૃત્તિ 500 કે 1000 નકલ સુધી જ સીમિત રહી હતી. ઓછી નકલોને લીધે પુસ્તકની કિંમત ઊંચી રહે અને પુસ્તકની કિંમત ઊંચી રહે એટલે એનું વેચાણ ઘટે. આ ચક્રને તોડીને ચાલુ બજારભાવ કરતાં ત્રીજાચોથા ભાગની કિંમતે હજારોની સંખ્યામાં પુસ્તકો બહાર પાડી વિશાળ વાચકવર્ગ સુધી પહોંચાડવા માટે એ વર્ષમાં અમે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો-નવલિકાઓ-લોકકથાઓનાં ત્રણ પુસ્તકનો સંપુટ “કસુંબીનો રંગ” બહાર પાડ્યો. બે મહિના પહેલા આગોતરા પૈસા આપનાર સૌને આ સંપુટ બજારભાવથી ચોથા ભાવે મળે. 35,000થી વધુ કુટુંબો અને સંસ્થાઓને આ સંપુટ પહોંચ્યો. ત્યાર પછી “આપણો સાહિત્યવારસો”ના પાંચ સંપુટો આ આગોતરા ગ્રાહક પદ્ધતિએ કર્યા. વાચકો જ અમારા વિતરકો બન્યા એટલે વિતરણનું જે 60 ટકા ખર્ચ, તે બચ્યું. પ્રકાશનખર્ચના 40 ટકામાં બે ટકા ઉમેરીને અમે પુસ્તકો વેચીએ. ખર્ચ કાઢતા જે બચે તેમાંથી નવાં પ્રકાશનો તૈયાર કરીએ. કરકસર, કુશળતા અને મહેનતથી અમે સારું ને સસ્તું વાંચન લોકો સુધી પહોંચાડ્યું. કાવ્યકોડિયાં, ખિસ્સાપોથીઓ, વાચનયાત્રાઓ, ગાંધીગંગા અને અન્ય અનેક પુસ્તકો પ્રગટ થયાં. 1998માં ‘ચંદનનાં ઝાડ’ની એક લાખ નકલ છપાઈ અને સ્વપ્ન સિદ્ધ થયું.  

‘લખાણો ચૂંટી, ટૂંકાવીને પસંદ કરવાનું મને ગમે છે. છાપભૂલો અને ગુણવત્તા બાબતે અમે ખૂબ ચોક્કસ છીએ. મારા ભાઈ જયંત મેઘાણીએ “રઢિયાળી રાત”માં છાપભૂલો રહી જતાં ગ્રંથ પાછો ખેંચી નવેસરથી ફરી પ્રગટ કર્યો હતો. એ જ રીતે મારા બીજા ભાઈ વિનોદ મેઘાણીએ અરવિંગ સ્ટોનના પુસ્તક “લસ્ટ ફૉર લાઈફ”નો અનુવાદ પ્રગટ કર્યો, ને પછી કાચો લાગવાથી આખો અનુવાદ ફરી કર્યો. 

‘બુકસેલર વેપારી તો છે, સાથે સાહિત્યસેવક, સાહિત્યના પ્રવાહોનો પરખંદો અને જ્ઞાનનો માળી પણ છે. જે ગામમાં આવો એકાદો તરવરિયો બુકસેલર નથી તે ગામ કુગ્રામ છે. જો બે શિક્ષિત યુવાનો મળીને કામ કરે તો પુસ્તકભંડાર ખોલવો ને માનભેર ગુજારો કરવો અઘરો નથી.

‘મને વહેલી સવારે ઊઠી ઘંટી ફેરવવાનો શોખ. નવા વિચારો મને દળતાં દળતાં આવે. મારા કુટુંબે મારું દળેલું અનાજ જ ખાધું છે. બહેનોને રોટલી બનાવવામાંથી મુક્તિ મળે એ માટે ઘઉંની બ્રેડ બનાવીને ઘેર ઘેર પહોંચાડવાનું કામ પણ મેં કર્યું છે.   

‘અમુક માણસો પોતાના પરિવેશ અને સંદર્ભોમાં પુરાયેલા નથી હોતા. મને તેવા થવું ગમે. વિનોબાજી કહેતા કે આપણે પરિવર્તન કરવા નીકળ્યા છીએ. લોકોએ આપણને એ કરવા દીધું ને પથરા મારી કાઢી ન મૂક્યા એ તેમનો પાડ. હું લોકોને ધન્યવાદ આપું છું કે અમને મનગમતું કામ માનભેર કરવા દીધું અને રોટલા પણ આપ્યા. હું મારા કામના આનંદમાં રહી મસ્તીથી જીવ્યો છું. ફરી જિંદગી મળે તો ફરી “મિલાપ” શરુ કરું.’

સ્વપ્ન જોતાં અને તેને સાકાર કરતાં શીખવનાર કર્મયોગી મહેન્દ્રભાઈ સ્વર્ગલોકમાં પુસ્તકમેળા નહીં ભરતા હોય?     

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ઑગસ્ટ 2026

Loading

સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં ટિકિટ રાખવાનું ઠીક નથી …

Opinion - Opinion|11 September 2026

રવીન્દ્ર પારેખ

સુરત મહાનગરપાલિકા 52 વર્ષથી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા યોજે છે ને સુરતની નાટ્ય સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે. એને લીધે દર વર્ષે શહેરની દસેક સંસ્થાઓ પોતાનું નાટક ભજવી શકે છે તે નાનીસૂની વાત નથી. આખી દુનિયાની કોઈ મહાનગરપાલિકા આવી સ્પર્ધા યોજતી હોય એવું જાણમાં નથી. નાટ્ય સ્પર્ધાના પરિણામો અંગે વિવાદ થયા હશે, પણ સ્પર્ધા નિર્વિવાદ થતી રહે છે તેની નોંધ લેવી પડે. વખતોવખત સ્પર્ધાના નિયમો અંગે પણ વિવાદ થતા રહે છે. આ કદાચ ગઈ સ્પર્ધામાં નક્કી થયું હતું – જેમાં એવો નિયમ દાખલ કરવામાં આવ્યો હતો કે સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થા એકવાર નાટકનું નામ અને સ્ક્રિપ્ટ ફાઈનલ કરે તે પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. સુરતમાં નિયમિતપણે યોજાતી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાય છે. આ સ્પર્ધાને કારણે કોર્પોરેશનમાં સાંસ્કૃતિક વિભાગ પણ છે એવું આશ્વાસન મળે છે. બદલાયેલા નવા નિયમોને કારણે કલાકારોમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે. તેમના જણાવ્યા મુજબ આટલાં વર્ષોમાં સ્ક્રિપ્ટ અને નામ અંગે આવો નિયમ લાગુ કરાયો નથી.

રંગમંચના કલાકારોના મતે સ્ક્રિપ્ટ અને નામ, પાછળથી બદલી શકાશે નહીં, એવો નિયમ અવ્યવહારુ છે. એમ બને કે કલાકારોને અચાનક કોઈ માંદગી આવી પડે કે કૌટુંબિક વિટંબણા સર્જાય કે અનિવાર્ય કારણસર રીહર્સલમાં કે શોમાં ઉપસ્થિત રહેવાનું શક્ય ન બને, તે સંજોગોમાં જે તે નાટ્ય સંસ્થાએ નાટક બદલવું પડે કે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તો એ ક્ષમ્ય લેખાવું જોઈએ. સંસ્થાઓ તો નાટક ભજવવાને ઈરાદે જ થિયેટર સુધી પહોંચે છે. તેને આવા જડ નિયમોમાં બાંધી દેવાનું ઠીક નથી. દોઢ મહિના પહેલાં મળેલી કોર્પોરેશનની બેઠકમાં સંસ્થા અને કલાકારોને એ છૂટ આપવામાં આવી હતી કે સ્ક્રિપ્ટ બદલી શકાશે ને હવે એવો નિયમ કરવામાં આવ્યો છે કે નામ કે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી શકાશે નહીં. એને કારણે કલાકારોમાં ગૂંચ વધે એ સમજી શકાય એવું છે. બીજો એક ફેરફાર પણ આ વખતની સ્પર્ધામાં કરવામાં આવ્યો છે અને તે અંગે પણ મતભેદો છે. આમ તો હેતુ સારો છે, પણ મત જુદા પડે એમ બને. એક સાથે ઘણા ફેરફારો થાય તો તે જીરવવાનું પણ અઘરું છે.

આ વખતે નાટ્ય સ્પર્ધા 27 સપ્ટેમ્બરે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં પહેલીવાર યોજાવાની છે. આ અગાઉ સ્પર્ધા અત્યાર સુધીમાં રંગ ઉપવન, ગાંધી સ્મૃતિ ભવન, સંજીવકુમાર ઓડિટોરિયમ, સરદાર સ્મૃતિ ભવન સહિતના થિયેટરમાં યોજાતી હતી. આ સ્પર્ધાઓમાં નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાઓ, તેનાં સગાં સંબંધીઓ, મિત્રો ઉત્સાહભેર, સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા પ્રેક્ષકો તરીકે જોડાતા. એ સાથે જ પાલિકાના અધિકારીઓ ને તેમના સંબંધીઓ પણ નાટકો માણવા આવતા. છેલ્લે દિવસે તો એટલી ભીડ થતી કે થિયેટર નાનું પડતું. એ રીતે સ્પર્ધકોને નાટ્યકૃતિ રજૂ કરવાનું મહત્ત્વનું પ્લેટફોર્મ કોર્પોરેશન પૂરું પાડતું. લોકો પેસેજમાં બેસીને પણ નાટકો જોતાં ને એને લીધે કલાકારો પોરસાતા, પણ આ વખતે ભીડ થાય એવું લાગતું નથી. તે એટલે કે આ વખતે કોર્પોરેશને નાટકના પ્રેક્ષકો માટે ટિકિટ રાખી છે. ટિકિટ બહુ ઓછી રાખી છે. વીસ રૂપિયા. આ ટિકિટ ઓનલાઈન વેચાશે. થિયેટરમાં 876 બેઠકો છે. તેમાંથી 600 બેઠકો માટે 20 રૂપિયાની ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે જે ખરીદીને નાટ્ય રસિકો નાટકો નિહાળી શકશે. બાકીની 276 ટિકિટોની વ્યવસ્થા જરૂરિયાત મુજબ કરવામાં આવશે. દેખીતું છે કે એ સીટો વી.આઈ.પી.ઓ માટે, કોર્પોરેશનના અધિકારીઓ માટે રખાઈ હોય ને રખાશે. આટલાં વર્ષમાં ટિકિટ પહેલી વાર રાખવામાં આવી છે. તેનો હેતુ પાલિકા કહે છે તેમ નાટ્ય સંસ્થાઓને આર્થિક લાભ આપવાનો છે. ટિકિટના વેચાણથી થનારી આવક ફાઈનલ રાઉન્ડમાં પહોંચનારી સંસ્થાઓમાં સરખે હિસ્સે વહેંચી દેવામાં આવશે.

આમ ઇનામ ઉપરાંત નાટ્ય સંસ્થાઓને ટિકિટની આવકમાંથી આર્થિક સહાય કરવાનો પ્રયોગ પહેલી વખત પાલિકાએ કર્યો છે. અત્યાર સુધી નાટ્ય સ્પર્ધામાં કોઈ ટિકિટ રાખવામાં આવતી ન હતી. હવે ટિકિટ છે, તો વધારાની ભીડ ટાળી શકાશે. આમ તો નાટ્ય સ્પર્ધાને અંતે શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક સહિતની ઘણી કેટેગરીમાં ઇનામો અપાય જ છે. એ ઉપરાંત આ વર્ષે આર્થિક લાભ પણ વેચાયેલી ટિકિટમાંથી જે તે સંસ્થાને મળશે. એ મળી રહે એટલે જ ટિકિટની નવી વ્યવસ્થા વિચારવામાં આવી છે. આ વખતે 10 નાટકો સ્પર્ધામાં છે. સ્પર્ધાના વિવિધ તબક્કા બાદ ફાઈનલમાં પહોંચનારી સંસ્થાઓ વચ્ચે ટિકિટની આવક સરખે હિસ્સે વહેંચવાની વાત આવકાર્ય છે. પાલિકાના આ નિર્ણયથી નાટ્ય સંસ્થાઓને વીસથી પચીસ હજારની આવક થવાની સંભાવના છે. એથી જે તે સંસ્થાને નાટકનાં નિર્માણ, કલાકારો, સેટ, લાઈટ-સાઉન્ડ રીહર્સલ વગેરેમાં થતા ખર્ચમાં, ટિકિટની આવકથી ટેકો થશે.

પાલિકા દ્વારા 31 ઓગસ્ટે નાટ્ય સ્પર્ધાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પર્ધાને સફળ બનાવવા માટેની જે વ્યવસ્થાઓ વિચારાઈ તેમાં પ્રથમ વખત ટિકિટ વેચાણથી થતી આવકનો લાભ નાટ્ય સંસ્થાઓને આપવાનો પણ હતો. નાટ્ય જગતને એ પ્રોત્સાહક પગલું લાગે છે. એ છે પણ ખરું, પણ તેની સામે બીજો મત પણ પ્રગટ કરવો છે. આ નાટ્ય સ્પર્ધા પાછળ કોર્પોરેશન લાખો રૂપિયા ખર્ચે છે, ત્યારે પ્રેક્ષકો પાસેથી ટિકિટના પૈસા ઉઘરાવવા બરાબર નથી. મોટે ભાગના પ્રેક્ષકો નાટ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા મિત્રો, સંબંધીઓ છે. એ સ્પષ્ટ છે કે નાટકના જ માણસો પાસેથી નાટકની ટિકિટ વસૂલવી બરાબર નથી ને જેમની પાસેથી ટિકિટના પૈસા વસૂલવા નથી એ પ્રેક્ષકો પણ પાલિકા સાથે સંકળાયેલા છે. જો એમની પાસેથી પૈસા લેવામાં ન આવતા હોય તો નાટકના જ માણસો પાસેથી પૈસા વસૂલવાનું કેટલે અંશે વાજબી છે? આમ તો 20 રૂપિયા એવી મોટી રકમ નથી કે કોઈ ખર્ચી ન શકે, પણ એ આજે અટકાવવામાં નહીં આવે તો આવતી સ્પર્ધાઓમાં તેની ટિકિટ વધુ મોંઘી થશે ને જતે દિવસે આયોજકોનો લોભ વધે તો ટિકિટ વધુ મોંઘી થાય એ શક્ય છે. એમાંથી ધંધો થાય એમ પણ બને. એ ખરું કે આ રકમ અત્યારે તો નાટ્ય સંસ્થાઓમાં વહેંચાવાની છે, પણ એ જ સ્થિતિ આગળ ઉપર પણ રહેશે એમ કહી શકાય નહીં. આખા ભારતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જ એવી સંસ્થા છે જે નાટ્ય સ્પર્ધાઓ કરે છે ને 52 વર્ષથી વિના મૂલ્યે નાટકો બતાવે છે. એને માટે 20 રૂપિયા પર નજર બગાડવી ઠીક નથી.

એ ખરું કે આનાથી નાટ્ય સંસ્થાઓને ટેકો થશે, પણ પાલિકા એવી સંસ્થા નથી કે એટલો ટેકો પોતે ન કરી શકે. સુરત મહાનગરપાલિકા એવી ગરીબ નથી કે તેણે નાટકના જ માણસો પાસેથી વીસ વીસ રૂપિયા ઉઘરાવવા પડે.

ખરેખર તો જે સંસ્થાઓ નાટકમાં ભાગ લે છે તેને નાટકની તૈયારીઓ માટે ચોક્કસ રકમ આપવી જ જોઈએ. આ સંસ્થાઓ ધંધાદારી નથી. તેઓ ગાંઠના કાઢીને નાટક તૈયાર કરે છે. એની પાછળ મહિનાઓ રીહર્સલ પાછળ કઢાય છે. એનો ઓછામાં ઓછો ખર્ચ સંસ્થાને ઇનામ લાગે કે ન લાગે, આપવો જોઈએ.

રહી વાત પ્રેક્ષકોની, તો એને થિયેટર સુધી પહોંચવાનું મફત નથી થતું. કતારગામ થિયેટર સુધી પહોંચવામાં આ પ્રેક્ષકો પૂરી આત્મીયતાથી આવતા હોય છે ને સ્પર્ધા પૂરી થાય ત્યાં સુધીમાં સારો એવો ખર્ચો રિક્ષા, કાર વગેરેનો કરતા હોય છે. તેમની પાસેથી વીસ રૂપિયા બીજા ઉઘરાવવા યોગ્ય નથી. બીજું, નાટકો પ્રેક્ષક વગર નિરર્થક છે. આમ ટિકિટના વીસ રૂપિયા ઉઘરાવવાથી પ્રેક્ષકો પણ ઘટશે. એ થવા દેવાનું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 સપ્ટેમ્બર 2026

Loading

આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 

પી.એ. નાઝરથ [અનુવાદક: આશા બૂચ]|Gandhiana|10 September 2026

અખબારો અને ટેલિવિઝન પર પ્રસારિત થતા સમાચાર ન વાંચવા અને જોવાના મારા અથાગ પ્રયાસો છતાં દુનિયાની હાલની ગતિ-વિધિના ખબર મળતા જ રહે છે. વિચાર આવ્યો કે આદિમાનવ પથ્થર અને લાઠીનો ઉપયોગ કરીને પોતાની જમીન કે મારણ કરેલ પશુનો કબજો સંભાળતો. પછી પથ્થર યુગમાં કુહાડી, ભાલા, બરછી અને તલવારનો ઉપયોગ કરતાં શીખ્યો. તેનાથી વધુ ‘બુદ્ધિશાળી’ બન્યો એટલે બંદૂક અને મશીનગન વાપરતો થયો. અને આધુનિક તેમ જ અનુઆધુનિક યુગમાં તો માણસની (એને માણસ કહેવો કે નહીં એ વિવાદાસ્પદ છે) પ્રગતિ હદ વટાવી ગઈ, અને હવે મિસાઈલ્સ, અણુબોમ્બ અને ડ્રોનથી સત્યાનાશ કરવાની શક્તિ ધરાવતો થયો. 

આપણે જૂની થયેલી વસ્તુની મરામત કરીએ, અથવા ફેંકી દઈને નવી વસાવીએ. તો આ સાધનો બદલ્યાં, પણ યુદ્ધની રીત તો બહુ પુરાણી નથી થઈ ગઈ લાગતી? અને તેમાં પણ આટલા બધા યુગોથી લડાઈ કરીએ છીએ, પણ એનાથી જોઈતું પરિણામ તો આવતું નથી, તો હવે એ જૂની પુરાણી, રંગ ઉડી ગયેલી, ફાટેલી, ચીંથરેહાલ થયેલી સશસ્ત્ર લડાઈને સ્થાને નવી રીત ન શોધવી જોઈએ? આવી વિમાસણ અનુભવતી હતી ત્યાં જ ‘Gandhi’s Outstanding Leadership’ & ‘Gandhi : The Soul Force Warrior’ના લેખક અને ઘાના, ઇજિપ્ત મેક્સિકો વગેરે દેશોમાં ભારતના રાજદૂત તથા એલચી પદે સેવા આપી ચૂકેલા પાસ્કલ એલન નાઝરથનો લેખ વાંચવામાં આવ્યો, જેનો અનુવાદ 9/11ની 25મી ઘટના તિથિ નિમિત્તે પ્રસ્તુત કરું છું. 

— આશા બૂચ

•

પાસ્કલ અલાન નાઝરથ

20મી સદી માનવ ઇતિહાસમાં સૌથી વધુ લોહિયાળ સદી પુરવાર થઈ. બે વિશ્વયુદ્ધ, હિટલરની ગેસ ચેમ્બર, હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ વર્ષા, તથા આરબ-ઇઝરાયેલ, ભારત પાકિસ્તાન, ઈરાન-ઇરાક, વિયેતનામ અને અફઘાનિસ્તાનની લડાઈઓ, ઉપરાંત કંબોડિયાના કિલિંગ ફિલ્ડ્સ અને આફ્રિકાના આદિવાસીઓના સંઘર્ષ મળીને આશરે 100 મિલિયન લોકોએ જાન ગુમાવ્યા.

એકવીસમી સદીના પહેલાં પચ્ચીસ વર્ષોમાં ન્યુ યોર્ક, વોશિન્ગટન, બાલી, મુંબઈ, ન્યુ દિલ્હી, રાવલપિંડી, કાસાબ્લાંકા, ઇસ્તંબુલ, જાકાર્તા, બગદાદ, મેડ્રિડ અને લંડનમાં આતંકી હુમલાઓ થયા.

નવાઈની વાત એ છે કે ગાંધીએ વીસમી સદીમાં આતંકવાદના ભયની આગાહી કરી હતી. 1908માં ભારતના ક્રાંતિકારીઓને લંડનમાં મળ્યા ત્યારે તેમના વલણોથી ચોંકી જઈને તેમણે ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું, જેમાં આગાહી કરી હતી કે “ભારતની હિંસાની વિચારધારાના જવાબમાં આ (આતંકવાદ) લખેલું છે.” અને તેના વિકલ્પ તરીકે ‘નફરતને સ્થાને પ્રેમનો જીવન મંત્ર’ આપ્યો અને એ ક્રાંતિકારીઓને ‘એ લોકોની બલિદાન અને બહાદુરીને અકબંધ રાખે છતાં હિંસા કરતાં અનેક ગણું શક્તિશાળી સાધન’ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

આતંકવાદીઓ પ્રત્યેનો ગાંધીઅન અભિગમ અપનાવવા માટે આપણે “આપણી જાતને એ લોકોના જોડામાં મુકવા”ની જરૂર પડે, અને એ લોકો જે પગલાં ભરે છે અને આવા હિંસક કૃત્યો કરે છે તે શા માટે કરે છે એ સમજવાની કોશિશ કરવી પડે. અને આ શોધવું મુશ્કેલ નથી કેમ કે કેટલાક આતંકવાદીઓએ વિદાયના સંદેશમાં પોતાના આતંકી પગલાંનો હેતુ સ્પષ્ટ કર્યો હોય છે. મોટા ભાગના લોકોએ પોતાના દેશમાં વિદેશી સૈન્યની સતત હાજરી, પેલેસ્ટાઇન પર ઇઝરાયેલના કબજા અને તેની પ્રજાના દમન માટે અમેરિકાનો સંપૂર્ણ ટેકો અને પશ્ચિમના દેશોમાં ઇસ્લામની કરવામાં આવતી બદનામી માટે રોષ દર્શાવ્યો હોય છે.

સપ્ટેમ્બર 11, 2001ની ઘટના બાદ તરત પોલ કેનેડીએ આ મુજબ લખેલું, “ઈ.સ. 2000ની પહેલી સવારે નહીં, પરંતુ મંગળવાર, 11મી સપ્ટેમ્બર, 2001, સવારે 8.45 વાગે અમેરિકાએ 21મી સદીમાં ખરો પ્રવેશ કર્યો. ‘ન્યુયોર્કના ટાઈમ’ સ્કવેરમાં બે હજાર વર્ષ પૂરા કર્યાનો ઉત્સવ તો એક ક્ષણભંગુર ગણી શકાય તેવો પ્રસંગ હતો. તેનાથી ભાગ્યે જ એકાદ માઈલ દક્ષિણમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ધ્વંસ એ એક ઐતિહાસિક અને જગતના ઇતિહાસને બદલી નાખનારી ઘટના હતી. આધુનિક યુગમાં અમેરિકા મહાકાય શક્તિનું મૂર્ત સ્વરૂપ છે. વિમાન વાહક જહાજો, સંદેશ વ્યવહારનાં અતિ આધુનિક સાધનો અને વિશાળકાય કોર્પોરેશન દ્વારા આખા જગત પર એ સવારી કરે છે. છતાં આ મહાકાય શક્તિપુંજ પણ હિટલરના પંઝર ડિવિઝન અને યામામોટોના વિમાન વાહક જહાજ કરતાં ભિન્ન એવાં શસ્ત્રોના આક્રમણનો ભોગ બની શકે એવી સંભાવના છે. આમ જુઓ તો એ અમેરિકાએ કરેલા પોતાના કરતૂતોને કારણે ઊભું થયેલું એક નબળું પાસું જ છે. અમેરિકાના મુક્ત વ્યાપારના સિદ્ધાંતોના અવિરત વગાડવામાં આવતા ઢોલ નગારાં, નાના વ્યાપારી એકમો પર દબાણ લાવીને બદલાવ લાવવાની નીતિ, પર્યાવરણના પ્રદૂષણ માટે આતંરરાષ્ટ્રીય સહમતી કરારોને અટકાવવા અને કહેવાતા ત્રીજા વિશ્વના દેશો પર ધાક બેસાડવી વગેરે જેવી એની ભૂમિકા માટે એ બધા દેશોના નાગરિકોને રોષ છે.

કારન આર્મસ્ટ્રોંગે પણ આ જ લાગણીનો પડઘો પાડતાં લખેલું, “11મી સપ્ટેમ્બરને દિવસે દુનિયા બદલાઈ ગઈ. વિશેષ અધિકારો અને સુખ ભોગવતા પશ્ચિમના દેશો હવે એમ નહીં ધારી શકે કે દુનિયાના બીજા દેશોમાં બનતી ઘટનાઓ સાથે આપણને કશી નિસબત નથી. આજે ગાઝા, ઈરાક કે અફઘાનિસ્તાનમાં બને છે તેનાં પરિણામ કાલ ઊઠીને ન્યૂયોર્ક, વોશિંગ્ટન કે લંડનમાં ભોગવવાં પડશે. થોડા સમયમાં નાના એકમો પણ શક્તિશાળી કહેવાતા દેશો કરી શકતા એવી સામૂહિક સંહારની લીલા રચી શકશે.” આગળ જતાં તેમણે ઉમેર્યું, “આત્યંતિક વિચારધારા દૂર નથી થવાની. કેટલાંક સ્થળોએ એ વધુ જોર પકડતી જાય છે અથવા વધુ વિધ્વંસક બનતી જાય છે. આવી વૃત્તિઓને દબાવી દેવી કે જબરદસ્તીથી ઢાંકી દેવી એ તેનો જવાબ નથી. આ ધાર્મિક ચળવળોનું ન્યાય પૂર્ણ અને તટસ્થ વિશ્લેષણ કરવું જરૂરી છે.”

છેલ્લાં કેટલાંક વર્ષોથી આતંકવાદ મુખ્યત્વે મુસ્લિમ દેશોમાંથી પ્રસરતો જોવા મળે છે. આ સંદર્ભમાં સેમ્યુઅલ હંટીન્ગટને લખ્યું છે, “પશ્ચિમી દેશો પોતાનાં મૂલ્યોને વૈશ્વિક માન્યતા અપાવવા પ્રયત્ન કરે છે, પોતાના લશ્કરી અને આર્થિક ચડિયાતાપણાને ટકાવી રાખવા મથે છે અને મુસ્લિમ દેશોના આંતરિક સંઘર્ષોમાં દખલગીરી કરે છે એને કારણે એ દેશોમાં પશ્ચિમી દેશો પ્રત્યે નારાજગી પ્રવર્તે છે. ઈ.સ. 1980-1995, એ પંદર વર્ષના ગાળામાં અમેરિકાએ ભૂમધ્ય સમુદ્રના દેશોમાં 17 લશ્કરી મૂઠભેડમાં ભાગીદારી નોંધાવી હતી, જે તમામ મુસ્લિમ દેશોને જ સીધા નિશાન બનાવતા હતા. બીજા કોઈ ધર્મ કે સભ્યતા ધરાવતા દેશો પર એવો કોઈ લશ્કરી હુમલો કરવામાં નહોતો આવ્યો.”

9/11 ના દિવસે ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટનમાં પેન્ટાગોન પર થયેલા આતંકી હુમલા એ અસમતોલ યુદ્ધના મંડાણ થયાનાં એંધાણ આપે છે. એની હકીકતો હેરત પમાડે તેવી છે. અલ કાયદા સાથે સંલગ્ન એવા એ હુમલામાં સંડોવાયેલા 18 આતંકવાદીઓ માત્ર બોક્સ કાપવાના ઓજારથી જ સજ્જ હતા, અમેરિકન પ્લેન કેવી રીતે ઉડાડવા તેની તાલીમ અમેરિકાની જ ફ્લાઈંગ સ્કૂલમાંથી મેળવી હતી, વિમાન માટેનું બળતણ પણ અમેરિકન હતું અને અમેરિકાના જ એરપોર્ટનો ઉપયોગ દેશની  સહુથી વધુ મૂલ્યવાન મિલ્કતને ધોળે દિવસે અને તે પણ માત્ર એક કલાકમાં જમીનદોસ્ત કરવા માટે કર્યો હતો!

‘ગ્રેવ ન્યુ વર્લ્ડ : સિક્યુરિટી ચેલેંજ ઈન ધ 21સ્ટ સેન્ચુરી’ પુસ્તકમાં માઈકલ બ્રાઉને બીજા ઘોર ભયસ્થાનો ગણાવ્યા છે, જેમાંના કેટલાક અતિ વિનાશક અલ્ટ્રાસોનીક શસ્ત્રો અને માનવ વિહીન માઈક્રો આકાશી વાહનો, નાના હમીંગ બર્ડ જેવડા કદ ધરાવતા સાધનો કે જે શોપિંગ મૉલ, રેલવે સ્ટેશન અને પ્લેનને આકાશી સ્ફોટક પદાર્થની માફક નષ્ટ કરી શકે અને સાઇબર પર્લ હાર્બર બનીને વિનાશ કરી શકે તેવાં યંત્રોનો સમાવેશ થાય છે.

2010માં અણુવિક સલામતી સમિટમાં રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ચેતવણી આપેલી કે “અમેરિકા માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની સલામતીનું જોખમ કોઈ આતંકવાદીના કબજામાં અણુશસ્ત્રો આવે તેની શક્યતામાં રહેલી છે.”

આર્ને નાઇસ (Arne Naess) અને યોહાન ગૅલ્ટન્ગ (Johan Galtung) આપણને 1955માં નોર્વે ખાતે ગાંધીના વિચારો પર આધારિત ‘અહિંસક સામાજિક સુરક્ષા’ની વ્યાખ્યા આપી ગયા છે. એમાં ગાંધીના વિચારો અને આજની સામાજિક સુરક્ષા નીતિ સાથે સીધું જોડાણ સ્થાપિત થયેલ છે.

બ્રિટનના નૌકા દળના પ્રતિષ્ઠિત કમાન્ડર સ્ટીવન કિંગ હોલ તેમના પુસ્તક ‘અણુ યુગમાં સુરક્ષા’(1959)માં આપણી રૂઢિગત લશ્કરી રક્ષા પાછળના તર્ક વિશે સવાલ ઉઠાવે છે, અને બ્રિટનને અણુશક્તિ વિનાની સુરક્ષા પદ્ધતિ વિકસાવવા માટે અરજ કરે છે. આની ચર્ચા દેશભરમાં થઈ અને પરિણામે 1964માં ઓક્સફર્ડ ખાતે પ્રજાકીય સુરક્ષા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ઘણા સલામતી વિશ્લેષણકર્તા, લશ્કરી વ્યૂહ રચનારાઓ અને અહિંસક વિરોધ કરનારા કર્મશીલોએ તેમાં ભાગ લીધેલો. પરિણામ સ્વરૂપ આડમ રોબર્ટ્સ દ્વારા સંપાદિત ‘ધ સ્ટ્રેટેજી ઓફ સિવિલ ડિફેન્સ’ વિદ્વત્તા ભર્યું પુસ્તક પ્રકાશિત થયું. 1968માં એ ‘રેઝિસ્ટન્સ એન્ડ નેશનલ ડિફેન્સ’ના શીર્ષક હેઠ  પ્રકાશિત થયું.

ત્યારબાદ 1967માં મ્યુનિકમાં યોજાયેલી કોન્ફરન્સમાં શસ્ત્રાસ્ત્રોની પેલે પારના વિવિધ પાસા પર વધુ ઊંડાણમાં વિચાર કરવાનું શરૂ થયું અને થિયોડોર એબર્ટની આગેવાની હેઠળ સંશોધકોના સમૂહે 1968માં રશિયાના દમન સામે ચેકોસ્લોવેકિયાની નાગરિક પ્રતિકારની ચળવળનો વિશદ અભ્યાસ કરવાનું હાથ ધરવામાં આવ્યું. તેમાં જર્મની માટે પણ સામાજિક સુરક્ષાની વ્યૂહ રચનાની ભલામણ કરવામાં આવી હતી. એ અરસામાં કેમ્પેઇન ફોર ન્યુક્લિયર ડીસઆર્મામેન્ટ અસ્તિત્વમાં આવ્યું, જે બે દાયકા પછી યુરોપીઅન ડીસઆર્મામેન્ટ તરીકે વિકસ્યું.

પૉલ વેહર (Paul Wehr) લખે છે, “સામાજિક સુરક્ષાની વિચારધારા ગાંધી પ્રેરિત ચળવળો દરમિયાન તેના એક નૈતિક સિદ્ધાંત તરીકે ઉદ્દભવી હતી, જેમાં સામૂહિક અસહકારની શક્તિનો પરચો સ્પષ્ટ થયો હતો. વર્તમાનમાં થતી લડાઈઓની સંહારક શક્તિ જેમ જેમ વધુ અનુભવાતી જાય છે તેમ તેમ રાષ્ટૃના રક્ષણ માટે ગાંધીના અસહકારની પ્રયુક્તિઓ વધુ ને વધુ અમલમાં મુકાતી જોવા મળે તે છે સ્વાભાવિક છે. પા સદી સુધી કરવામાં આવેલા સંશોધનોએ સામાજિક સુરક્ષા અંગેની જાણકારી, તેને માટે અનિવાર્ય એવા સિદ્ધાંતો, તેના અમલ માટે વાપરતી વિવિધ પદ્ધતિઓ અને તેના વ્યવહારુ વિકાસ વિશે માતબર જ્ઞાન એકઠું કર્યું છે. આવનારો સમય જ આપણને કહી શકશે કે ગાંધીની વિચારધારા અને તેનું અમલીકરણ જેવા સામાજિક બદલાવમાં અસરકારક સાબિત થયા હતા તેવા જ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ અસરકારક રીતે ઉપયોગમાં લાવી શકાય કે નહીં.”

જોનાથન શેલ (Jonathan Schell) તેમના પુસ્તક ‘ધ અનકોંકરેબલ વર્લ્ડ(The Unconquerable World)માં લખે છે, “નવી સદીનો પ્રારંભ થાય છે ત્યારે આ દુનિયામાં હિંસાના નવા ઘટનાચક્રની શરૂઆત થઇ છે કે 20મી સદીના વખોડવા લાયક રક્તપાતને ફરી દોહરાવે છે કે તેનાથી પણ ચડી જાય તેવી હિંસા કરવા તરફ ધસી રહી છે?” તેમણે કહ્યું કે હાલના જોખમો પહેલાં જેવાં નથી, “રૂઢિગત મોટાં લશ્કરો અને હરીફ સત્તાઓ પ્રત્યે પદ્ધતિસરના નફરતનો જમાનો નથી, પણ, સતત એકધારો અણુશસ્ત્રો અને બીજા સામૂહિક સંહારના શસ્ત્રોનો વધારો અને પ્રસાર તથા શમાવી ન શકાય તેવા રાષ્ટ્રીય, જાતીય, ધાર્મિક અને વર્ગ વચ્ચેના ઝનૂનના રાક્ષસનો સમય છે” તેમણે વધુમાં ઉમેર્યું, “11મી સપ્ટેમ્બરના હુમલાનો આઘાત અને વિશ્વમાં પ્રસરતા જતા આતંકવાદને ડામવા માટે કડક પગલાં લેવાં જોઈએ એ હકીકતને બાજુ પર રાખીને જોઈએ તો નવો અને આશાસ્પદ રાહ ખૂલતો જાય છે. 20મી સદીના ઇતિહાસમાં પહેલા સબક જેટલો આગળ પડતો નહીં, પણ એટલો જ મહત્ત્વનો એક પૂરક પાઠ નજર પડતો દેખાય છે. અને તે એ છે કે અહિંસક ચળવળ રાજકારણના દરેક ક્ષેત્રમાં હિંસક પગલાં જેટલી જ અસરકારક નીવડતી હોય છે. ગાંધીએ આ વચન ભારતમાં બ્રિટિશ સલ્તનતના પ્રતિકાર માટે, માર્ટિન લ્યુથર કિંગે અમેરિકામાં નાગરિક અધિકારની લડત માટે અને પૂર્વ યુરોપ તથા રશિયામાં સામ્યવાદી સરકાર અને સોવિયેત યુનિયનના શાસનને ને ઉથલાવી પાડવા માટે આપ્યું હતું. 

e.mail : 71abuch@gmail.com

Loading

...10...12131415...203040...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved