એક ભરવાડનો છોકરો ઢોર ચારતો હતો. તે એક ઊંચી ટેકરી પર ઊભો હતો, જંગલ તરફ જોઈને બૂમ પાડી: “સિંહ આવ્યો છે, સિંહ આવ્યો છે, દોડો. દોડો !” જ્યારે બૂમો પાડવાથી તેનું ગળું સૂકાઈ ગયું, ત્યારે ગામમાંથી બે-ત્રણ વૃદ્ધ માણસો લાકડીઓ લઈને આવ્યા અને ભરવાડના છોકરાને પકડી લીધો.
પંચાયત બોલાવવામાં આવી. ગામના બધા ડાહ્યા માણસો ભેગા થયા અને છોકરાનો કેસ શરૂ થયો. તેનો ગુનો એ હતો કે તેણે ખોટા સમાચાર આપ્યા અને ગામની શાંતિને ખલેલ પહોંચાડી હતી !
છોકરાએ કહ્યું, “વડીલો, તમે મને સજા કરવાની ભૂલ કરશો નહીં. ભલે સિંહ નહોતો આવ્યો પણ શું સિંહ ગમે ત્યારે ત્રાટકી ન શકે? ચેતતો નર સદા સુખી ! આ તો મોક-ડ્રીલ હતી ! હે વડીલો ! હું તો લોકશાહીની ચિંતા કરી રહ્યો છું. સિંહ તો તાનાશાહીનું પ્રતીક છે !”
વડીલોએ કહ્યું : “બકવાસ બંધ કર ! સિંહ હવે આવે તેમ નથી !”
છોકરાએ પૂછયું : “કેમ?”
એક વડીલે પોતાના મોબાઈલમાં WhatsApp મેસેજ વાંચ્યા બાદ કહ્યું : “વન વિભાગના અધિકારીએ અમને પત્ર મોકલીને કહ્યું છે કે સિંહ વૃદ્ધ થઈ ગયો છે. તેના બધા દાંત કાઢી નાખવામાં આવ્યા છે. કેમ કે તે બાકીનું જીવન અહિંસક રીતે જીવવા માંગે છે !”
છોકરાએ કહ્યું : “વડીલો, શું આ જવાબ ગોદી મીડિયાના સમાચાર માફક ખોટો ન હોઈ શકે?”
વડીલો એક સાથે બોલી ઊઠ્યાં : “બિલકુલ નહીં. અમને વન વિભાગના અધિકારી પર પૂરો વિશ્વાસ છે. સરકાર પર પૂરો ભરોસો છે. કારણ કે તેમણે સત્ય કહેવાના સોગંદ લીધા છે !”
છોકરાએ પૂછયું: “શું સોગંદ લેનારા ખોટા ન હોઈ શકે? શું સોગંદ લેનારા કાયમ જૂઠું બોલતા નથી?”
વડીલોએ ગર્જના કરી : “બિલકુલ નહીં. તું કાવતરાખોર છો, અર્બન નક્સલ છો, વામપંથી છો, સામ્યવાદી છો, ટુકડે ટુકડે ગેંગનો એજન્ટ છો, દેશદ્રોહી છો !”
છોકરો ચૂપ થઈ ગયો.
એક વૃદ્ધ માણસે કહ્યું : “જૂની બોધકથામાંથી બહાર આવી જા, છોકરા ! હવે સિંહને પણ ડર લાગે છે કે મહાસિંહ ફાડી ખાશે ! હવે આંખો અને મગજ બંધ કરીને જીવવાની મજા માણવાની હોય ! દેશ બદલાઈ રહ્યો છે !”
છોકરાએ કહ્યું : “હે વડીલો ! તમે સિંહને ઓળખતા નથી ! તે ગાયની ખાલ ઓઢીને આવી શકે છે !”
બીજા વડીલે કહ્યું : “આ છોકરો આપણને ગેરમાર્ગે દોરે છે. તે આપણને શાંતિના માર્ગથી દૂર લઈ જવા માંગે છે. આ પાપી છે, દુષ્ટ છે, આને તાત્કાલિક જેલમાં પૂરો !”
છોકરાને જેલમાં ધકેલી દેવામાં આવ્યો.
તે જ રાત્રે એક સિંહ ગામમાં ઘૂસ્યો, નાસભાગ મચી ગઈ. લોકોએ મહાસિંહની સ્તુતિ ચાલુ કરી ! પણ મહાસિંહ ડોકાયો નહીં ! સિંહે તો ગામને વેરવિખેર કરી મૂક્યું. કેટલાક લોકો ગામ છોડીને ભાગી ગયા. સિંહે બાકીના લોકોનો શિકાર કર્યો.
જ્યારે સિંહ જેલ પાસેથી પસાર થયો, ત્યારે તેણે છોકરાને મજબૂત લોખંડના સળિયા પાછળ જોયો એટલે સિંહે દાંત ભીંસ્યા !
છોકરો ખડખડાટ હસ્યો અને કહ્યું : “દોસ્ત ! વડીલોનો જ વાંક છે. તેઓ લોહી તરસ્યાને ઓળખી શકતા નથી ! પણ આભાર વડીલોનો. નહીંતર તેં મારું લોહી પણ ચાખ્યું હોત !”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર