ગુજરાતી સાહિત્ય પરિષદના મહુવા જ્ઞાનસત્રમાં અતિથિ સર્જક તરીકે પ્રો. રાધાવલ્લભ ત્રિપાઠી આવી રહ્યાનું સાંભળ્યું ત્યારે સહસા દડી આવેલું સ્મરણ એમની સંસ્કૃત બાલનવલ ‘માનવી’નું હતું. સ્કૉલર તો એ છે જ, પણ એમની વિદ્ધભોગ્ય કામગીરી ચર્ચવાનો અહીં ન તો અધિકાર છે, કે નથી એવો કોઈ આશય પણ.
વાત જો કે આપણે ‘માનવી’ની કરતા હતા. 2021માં આવેલી આ બાલનવલ તરફ મારું ધ્યાન હજુ થોડા મહિના પર જ ગયું હતું. શિક્ષણમર્મી કૃષ્ણકુમારે એમની એક્સપ્રેસ નુક્તેચીનીમાં કહ્યું હતું કે પર્યાવરણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પુરસ્કૃત કિશોરયુવા પ્રતિભા ગ્રેટા થુનબર્ગ અંગ્રેજી અનુવાદ માટે ‘માનવી’થી પરિચિત હોત તો એણે સુંડલા મોંઢે એની જાહેરાત કરવામાં ધન્યતા અનુભવી હોત.
‘માનવી’ એ નવલનામ સંજ્ઞાવાચક છે. આ નામની એક રાજહંસી માનસરોવર ભણી પાછા ફરી રહેલા હંસવૃંદથી છૂટી પડી ગઈ છે. વૃંદસંગાથ છૂટી ગયો એનું કારણ આગળ વધતાં વચમાં કરેલ મુકામ દરમ્યાન બાળ રઘુ સાથેની મૈત્રીનું છે. ‘આવજો’ કહેવા ગઈ તે લંબાયું અને, દરમ્યાન, તકાજાવશ મિત્ર હંસ અનંત સહિતના સમગ્ર હંસવૃંદે પાંખો ફફડાવી …
આ ઘટનાસ્થળ બુંદેલખંડમાં નર્મદાતટે ભોપાલથી સાઠ કિલોમીટર છેટે વિદિશા કને વસેલું નાનું શું નંદનપુર છે. એક દિવસ ‘ઈન્ડિયા ન્યૂઝ’ અખબારમાં ચમક્યું કે અહીં લુપ્તપ્રાય પ્રજાતિવત રાજહંસ ખાસા ચાળીસેકની સંખ્યામાં ડેરો નાખી પડ્યા છે. સમાચારે સહજ ખેંચાયેલા પક્ષીવિદ સલીમ અલી ઊડતે વિમાને ને મારતી મોટરે નંદનપુર પહોંચે છે. પણ હંસવૃંદ તો ઊડી ગયું છે. રહી છે એકમાત્ર રાજહંસી માનવી.
આખી વાર્તા તો હું અહીં ક્યાંથી માંડું. પણ રઘુ અને માનવીની દોસ્તીનો, એમની વચ્ચે સંવાદની અજાયબીનો, એનો બજારુ કસ કાઢવા સરકસ પ્રવેશનો અંતરો, વળતે વરસે ભરતપુરના સરકસડેરા વખતે ત્યાંના પક્ષીવિહારમાં પોતાના હંસટોળા સારુ રઘુની કુમકથી માનવીની ખોજ, એમાં નિરાશા: આગળ ચાલતાં સરકસના રશિયા-મુકામ દરમ્યાન પોતાના હંસ સમુદાય સાથે પુનર્મિલન.
અહીં જે બધા ચડાવ-ઉતારનો ઉપરટપકે નિર્દેશ કર્યો છે એમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની વિખંડિત ને વિષમતુલા, બજારનાં બળો થકી મનુષ્ય ને પ્રકૃતિનું દોહન કહેતાં નિ:શેષ શોષણ, એ બધું એટલી સરળસોંસરી રીતે કહેવાયું છે કે કથિત બાલનવલ થકી એક આલા દરજ્જાની, ઉપદેશના મુદ્દલ મેદ વગરની બોધકથાનો સહજ સાક્ષાત્કાર થાય છે. થાય છે, સત્યજિત રાય વહેલા ગયા, બાકી –
સંસ્કૃતપંડિત કહેતાં જે એક જમાતજુર્દી આકૃતિ ઊભા થાય છે એને મુકાબલે ‘રાધાવલ્લભ ત્રિપાઠી દેખીતા અભ્યાસબોજ વગરના મૂળગામી રસવિહારી તરીકે આપણી સામે આવે છે. એ તમને વાત વાતમાં સરળતાથી એમ પણ કહી નાખે કે ‘સંસ્કૃત સાહિત્ય એક હદ તક પિતૃસત્તાક સમાજ કી ઉપજ હૈ.’ બીજી બાજુ, સંસ્કૃત સાહિત્યને આધુનિકતાનો સંસ્કાર આપતા આ વિદ્વાનની આંગળીએ તમને સંસ્કૃત કવિતાની લોકધર્મી પરંપરાનોયે હૃર્દ્ય પરિચય મળી રહે.
દેશવિદેશમાં ઊંચી પાયરીના વિદ્વાન અધ્યાપક તરીકે પોંખાયેલા ને ઊંચકાયેલા રાધાવલ્લભ ત્રિપાઠીના ભાવજગત ને સંવેદનવિશ્વમાંથી સમકાલીન વાસ્તવ વિશે જે કાવ્યપંક્તિઓ સહજ ઊતરી આવે છે એની લગાર જિકર કરું? એક રીતે આ નિર્દેશ ‘માનવી’માં વરતાયેલી પર્યાવરણ નિસબતની જ ફ્રિકવન્સી પરનો છે.
રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દેહલી(સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, ન્યૂ દિલ્હી)ના કુલપતિ તરીકે દિલ્હીમાં જે વર્ષો ગાળવાનાં બન્યાં ત્યારનું આ સંવેદન, નમૂના દાખલ :
ક્યા કરે યહ આકાશ?
હવા કી તરહ વહ બહ નહીં સકતા
આગ કી તરહ જલા નહીં સકતા
પાની કી તરહ ધારાઓ મેં નહીં બંટ પાતા
ધરતી કી તરહ નહીં ઉઠા સકતા બોજ
* * *
આકાશ તો હૈ કેવલ આકાશ
ગગનચુંબી ઈમારતોં કે જંગલ મેં
વહ ભટકતા હૈ બદહવાસ
ઉસે સબ ઔર સે પીસ રહી હૈં ઈમારતોં કી ઘની પાંતે
ડરાતા હૈ ઉસે ધુઆં
પાઈપોં સે ફૂટતા
આકાશ ઢૂંઢતા ફિરતા હૈ અપના ખુદ કા આકાશ
આકાશ કે લિયે
કહીં નહીં હૈ અવકાશ
ક્યા કરે બિચારા આકાશ?
વેલ, ઓવર ટુ મહુવા!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ડિસેમ્બર 2024