બગડી જૈયે
હારા થૈને થાક્યા જીવલા, હેંડ્ય્ હવે તો બગડી જૈયે!
ઊંચા ભાવે ખૂબ ઠગાણા, હેંડ્ય્ હવે તો ગગડી જૈયે!
ચાખડીઓ થૈ ચરમ દલાર્યા
પંચામ્રત થૈ તરપ્યા,
દીપ – ફૂલ- ચંદન ઓવાર્યાં
તોય સરગ ના ધરપ્યાં,
ગાડી નરકની ચૂકશું ટણપા, હેંડ્ય ચડપ ને પકડી લૈયે!
–હારા કર્યા હોજરાં ખાતર, જીવલા!
પેટ વલોયાં ઊણાં,
પાડ્યાં તનનાં તેલ બાપલા!
કરમ પડ્યાં ન કૂણાં,
પત્યું! હવે તો ફોલ્લા થૈ ને હેંડ્ય અલ્યા તતડી જૈયે!
હારા હાલ્લાં થ્યાં, ને ફૂટ્યાં, લલવા!
નળિયાં થ્યાં, ને ચૂયાં,
કદી કોડિયાં થયાં કજળવા,
ઈંટ્યો થૈ રૂંધાયા,
હેંડ્ય્ હવે તો પકવનાર પાકે એવું ભભડી જૈયે….
— ભાનુપ્રસાદ ત્રિવેદી
તળપદી બોલીમાં લખાયેલ આ કવિતા હમણાં વાંચવા મળી, અને મન વિચારે ચઢી ગયું. સ્વર્ગલોકનો, ઈશ્વર પૂજાનો, સાત્ત્વિક જીવનનો મહિમા ગાતાં અનેક કાવ્યો / સ્તુતિઓ / ભજનો આપણા સાહિત્યમાં છે. પણ એનાથી સાવ વિરુદ્ધ દિશાની વાત કરતું આ કદાચ એકમાત્ર કાવ્ય છે. દેખીતી રીતે એ સાવ અવળો અનુરોધ કરે છે. અહીં એનું વિશ્લેષણ / વિવેચન કરવા પ્રયાસ નથી. પણ એના થકી ઉપજેલા વિચાર વંટોળને વાચા આપવી છે.
લાખ વાતો સત્સંગ અને સદાચારની કરીએ – પણ, એ વાસ્તવિકતા છે જ કે, આપણા હોવાપણામાં એક કાળો ખૂણો જરૂર હોય છે. આપણે દુર્જન ન હોઈએ, પણ ‘थोडी सी बेवफाई ‘ તો એમાં હોય, હોય અને હોય જ. આપણે મોટા ગુના કરવાથી દૂર રહેતા હોઈએ, પણ માનસિક હિંસા કે વ્યભિચારથી મુક્ત નથી હોતા. આપણામાં ‘Jakyll and Hyde’ બન્ને વસે જ છે. કદીક હાઈડપણું કરવા મનમાં એષણા પણ જાગી જતી હોય છે. પણ એને સંસ્કાર અને કેળવણીના બળે દબાવી દેવા આપણે પ્રયત્નો કરતા રહીએ છીએ. એ પ્રયત્નો યથાર્થ છે – કરવા જ જોઈએ. પણ ‘ઓલ્યો કાળો ખૂણો નથી, નથી અને નથી જ …. ‘ એમ આપણે છાતી ઠોકીને, પ્રામાણિકતાથી કહી શકીએ એમ છીએ?
પ્રેક્ષાધ્યાન અને વર્તમાનમાં જીવવાના ઉપદેશોમાં ‘જે છે‘ તેનું અવલોકન અને સ્વીકાર કરવાનું કહેવામાં આવે છે. કવિએ એ અવલોકન બહુ બળૂકતાથી કર્યું છે. કદાચ કવિ પ્રત્યક્ષ રીતે આવી મનોકામના વ્યક્ત કરે છે – પણ પરોક્ષ રીતે ‘આમ ન કરાય’ એવો ગર્ભિત વિચાર પણ ધરાવે છે. આપણને પણ કાવ્ય વાંચતાં ‘આમ તો ન જ કરાય‘ એવો આક્રોશ પણ મોટા ભાગે ઊભો થઈ જાય છે. સામાન્ય, ગામડિયા માણસની બોલીમાં કવિ એ વાસ્તવિકતાનો પ્રામાણિક સ્વીકાર કરે છે. એ હિમ્મત માટે, એ પ્રછ્છ્ન્ન એષણાઓની અભિવ્યક્તિ કરવા માટે અને એ નૈસર્ગિક આક્રોશ, આકસ્મિક જન્માવવા માટે કવિશ્રી. ભાનુપ્રસાદ ત્રિવેદીને સો સલામ.
આપણા હોવાપણામાં એક નહીં પણ અનેક મહોરાં અચૂક હાજર હોય છે. અરીસામાં દેખાતો જણ યાદ આવી ગયો. દરરોજ એની સામે આપણે જોઈએ છીએ. બહુ વહાલો ચહેરો છે. કુરુપમાં કુરુપ વ્યક્તિને પણ એ સૌથી વહાલો લાગે છે. અને છતાં કદી, પાંચ મિનિટ પણ, ટીકી ટીકીને, આંખમાં આંખ મીલાવીને, એને આપણે નિહાળ્યો છે ખરો? આપણો પોતાનો ચહેરો છે છતાં? કહે છે કે, બીજાને દેખાઈએ છીએ, તેવા આપણને પોતાને કદી આપણે જોઈ શકતા નથી. આયનો સાવ ઊંધું પ્રતિબિંબ જ આપણને બતાવતો હોય છે! અરે! સીધું પ્રતિબિંબ બતાવતું હોય એવો અરીસો કદાચ હોય; તો પણ આપણે એ જણને ખરેખર ઓળખીએ છીએ ખરા?
કોણ છે એ જણ? – જેને આપણે ‘હું’ કહીએ છીએ? એનું એક નામ છે. કોઈ જાતિ છે. એના કોઈ મા ને બાપ છે. એનો કોઈ રંગ, ઊંચાઈ, વજન, અને ભાષા છે. કદાચ કોઈ તખલ્લુસ છે. પણ એ અરીસામાં દેખાય છે તેવો બધાંને દેખાતો નથી. કુટમ્બીજનોને દેખાતો ચહેરો અને મહોરું અલગ. મિત્રોને બીજો ચહેરો. નોકરી ધંધામાં વળી ત્રીજો. ટોળામાં ભળ્યા હોઈએ તો વળી કોક ચોથો જ જણ ઊભરી આવે. એકાંતમાં જે જણ હોય છે; એને તો કોઈ ઓળખી પણ ન શકે – પતિ કે પત્ની પણ નહીં. અને કવિ કહે છે – એવો કાળો ચહેરો પણ ખરો … ખરો … ને ખરો જ!
બધાં મહોરાં અને મહોરાં જ.
મ્હાંલીપા બીરાજતો એ અસલી જણ કોણ છે? અરીસો તો શું? આપણે પોતે પણ એને ઓળખીએ છીએ ખરા? એ આપણું અસલી હોવાપણું છે. એ કંઈક, કશુંક બનતું હોય છે; બદલાતું હોય છે. પણ જે બદલાતું હોય છે; તે જ આપણે જોઈ શકતા હોઈએ છીએ. અરીસામાં દેખાતા એ આભાસી પ્રતિબિંબની સામે, આપણી આંખોની પાછળથી ડોકિયું કરતો, એ જણ કોણ છે? હરક્ષણે એના બહારના શરીરમાં કંઈક અસંખ્ય કોષ નાશ પામતા હોય છે અને નવા બનતા હોય છે. કાલે હતો એ જણ આજે નખશીશ એવો ને એવો નથી રહેતો. અને એનું સૂક્ષ્મ શરીર ? એ તો હર ક્ષણ બદલાતું જ રહે છે – કાચંડાની જેમ. એનો માનસિક ઘોંઘાટ કદી બંધ નથી થતો. અરે! ઊંઘમાં ય સહેજ જંપ્યો, ન જંપ્યો અને સપનાં શરૂ. અરેરે! એ તો જાગતાં ય સપનાં જોયાં કરે છે! સતત જાગતો હોવાનો ડોળ કરતો એ ખરેખર તો ઊંઘતો જ રહે છે. એ ક્યાંથી અરીસાની અંદર દેખાતા ચહેરાની પાછળના જણને ઓળખી શકે?
‘બેદાર‘ લાજપુરી ની આ ગઝલ સાથે સમાપન.
શબ્દના એવા ગુના પણ હોય છે.
મૌન રહેવામાં ડહાપણ હોય છે.
વહેંચવાનો થાય જ્યારે વારસો
વારસોના દૂર સગપણ હોય છે.
હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં
માર ખાતી એ ભિખારણ હોય છે.
હોય છે માઠી દશામાં દૂર સૌ
લાગણીને કેવી સમઝણ હોય છે.
હોય છે બેદાર ક્યારે એકલા
‘આપણી અંદર ઘણા જણ હોય છે’.
e.mail : surpad2017@gmail.com