
રાજદીપ સરદેસાઈ
સમાજ વિજ્ઞાની અચ્યુત યાજ્ઞિકની સ્મૃતિમાં પત્રકાર / લેખક રાજદીપ સરદેસાઈએ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના હોલમાં ‘ભારતમાં પ્રચાર માધ્યમ, રાજકારણ અને લોકતંત્ર’ પર વ્યાખ્યાન આપેલું. એડવોકેટ આનંદ આજ્ઞિક દ્વારા આ આયોજન થયું હતું.
રાજદીપ સરદેસાઈએ કહ્યું : “અમદાવાદમાં મારો જન્મ. અમદાવાદ આવું એટલે ઘેર આવ્યો તેવું લાગે. મારા ગ્રાન્ટફાધર પંત IGP હતા. તેઓ મુંબઈમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે એક રેસ્ટોરન્ટમાં દિલીપકુમાર અને રાજ કપૂરને દારુ પીતા પકડ્યા હતા. દિલીપ કુમારે મુખ્ય મંત્રી મોરારજી દેસાઈને ફોન કર્યો. મોરારજીભાઈએ કહ્યું કે ‘સોરી, પંતે પકડ્યા કર્યા હોય તો તમારે એરેસ્ટ થવું પડે !’ એ પછી જામીન પર છૂટ્યા.”
“મેં ‘2024 : The Election That Surprised India’ પુસ્તક લખ્યું છે. તેમાં છેલ્લું ચેપ્ટર મીડિયા વિશે છે. લોકશાહી મજબૂત ન થાય જો મીડિયા મજબૂત ન હોય. નબળું મીડિયા એટલે નબળી લોકશાહી. હું થોડાં ઉદાહરણ આપીશ. NDTVના પ્રણવ રોય અને રાધિકા રોયને ED / IT / CBI તરફથી નોટિસ મળતી રહી. 7 વરસ સુધી આ ચાલ્યું. 7 વરસના અંતે 2023માં ગૌતમ અદાણીએ NDTV ખરીદી લીધું. પછી CBIએ દિલ્હી હાઈકોર્ટને રિપોર્ટ કર્યો કે NDTV સામે કંઈ મળતું નથી ! NDTV પડાવી લેવા જ તંત્રનો ઉપયોગ થયો ! કાનૂની કાર્યવાહી એ જ પનિશમેન્ટ છે. 2018માં, પ્રણવ રોય તેના પત્ની સાથે કેનિયા જવા માટે મુંબઈ એરપોર્ટ ગયા. ત્યાં ઇમિગ્રેશન અધિકારીએ તેમને રોક્યા અને કહ્યું કે ‘તમારી સામે લૂક-આઉટ નોટિસ છે. તમે જઈ નહીં શકો.’ તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો. એ ઈમિગ્રેશન અધિકારી મને બનારસમાં મળી ગયા. તેણે મને કહ્યું કે ‘આપ NDTVમાં આવો છો? મારે આપને કંઈક કહેવું છે. આપ પ્રણવ રોયને જાણતા હશો. આપને પ્રણવ રોય મળે તો તેમને કહેજો કે મેં એમને એટલે રોક્યા હતા કે ઉપરથી સૂચના હતી. હું દિલગીર છું.’ અગ્રણી ન્યૂઝ ચેનલ એક બિઝનેસમેન ખરીદી લે, તે શું સૂચવે છે? શું તેણે ગુણવત્તાવાળું પત્રકારત્વ કરવા માટે NDTV ખરીદ્યું છે? કે સત્તાની નજીક રહેવા માટે? આમાં લોકશાહી કઈ રીતે મજબૂત થાય? સત્તાનો દુરુપયોગ કરીને એક પત્રકારને રોકવામાં આવે? જ્યારે દેશની અદાલતને સત્તનો દુરુપયોગ ન દેખાય તો લોકશાહી કઈ રીતે મજબૂત બને? NDTVનો કિસ્સો સત્તાના દુરુપયોગનું ક્લાસિક ઉદાહરણ છે.
જે સત્તામાં છે તે સત્તાનો દુરુપયોગ કરે છે. અમારે કંટ્રોલ જોઈએ, ડોમિનેશન જોઈએ એ માનસિકતા છે. બે રૂમમાં ચાલતા સાવ નાના ‘ન્યૂઝ ક્લિક’ પોર્ટલ પર દિલ્હી પોલીસે રેડ કરી. લેપટોપ / મોબાઈલ કબજે કર્યા. પોલીસે આરોપ મૂક્યો કે ‘ન્યૂઝ ક્લિક ચાઈનીઝ ફંડિંગ વેબસાઈટ છે !’ એડિટર પ્રબીર પુરકાયસ્થને એરેસ્ટ કર્યા. 7 મહિના જેલમાં રહેવું પડ્યું. ઈમરજન્સીમાં પ્રબીર પુરકાયસ્થને અરેસ્ટ કરેલા, નોન ઈમરજન્સીમાં પણ તેને એરેસ્ટ થવું પડ્યું ! સરકાર વિરોધી એટલે દેશ વિરોધી !”
“કિસાન આંદોલન સમયે મારી સામે પણ Sedition-રાજદ્રોહનો કેસ થયો. મારા રિપોર્ટિંગમાં ભૂલ હોઈ શકે, પરંતુ એથી હું એન્ટિનેશનલ થઈ જાઉં? 8 BJP શાસિત રાજ્યોમાં મારી સામે, એક જ ઘટનાની એક સરખી 8 FIR દાખલ કરવામાં આવી ! મેં સુપ્રીમકોર્ટેમાં જઈ જામીન મેળવ્યા. એ તો સારું થયું કે એડવોકેટ કપિલ સિબ્બલે કોઈ ફી લીધી નહીં, પણ દરેકને આવી સગવડ ન મળે.”
“2020માં, કેરાલાના પત્રકાર સિદ્દીકી કપ્પન હાથરસની રેપ-હત્યાની ઘટનાનું રિપોર્ટિંગ કરવા જતા હતા અને તેને ઉત્તર પ્રદેશ પોલીસે UAPA હેઠળ જેલમાં પૂર્યા અને 3 વરસ કરતાં વધુ જેલમાં રહેવું પડ્યું. સિદ્દીકી કપ્પન ટોપ લોયરને રોકી શક્યા નહીં. સુપ્રીમકોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે અર્નમ ગોસ્વામીને જેલમુક્ત કરતા કહ્યું હતું કે ‘Right to life and personal liberty is supreme – જીવનનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોચ્ચ છે.’ શું સિદ્દીકી કપ્પનના કેસમાં આ લાગુ ન પડે? જીવનનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા નક્કી કરવા માટે તમે કોણ છો? તમે કઈ કોમ્યુનિટીના છો? કોર્ટ સુધી પહોંચવાના ક્યા સ્રોત છે, તમે કેવા હાઈ પ્રોફાઈલ છો તેના પર નિર્ભર છે ! કેટલાંક લોકો ટોપ લોયરને રોકી ન્યાય મેળવે છે, બીજા મેળવી શકતા નથી ! જે કોઈ પાર્ટી સત્તામાં છે, તે સત્તાનો દુરુપયોગ કરે છે. સત્તાપક્ષના નેતા કહે છે કે અમે રાજ કરીશું, કોઈ રાજા એવું ઈચ્છતો નથી કે પ્રજા સત્ય જાણે ! જર્નાલિઝમનો હેતુ જ એ છે કે સત્તામાં છે તેને સત્ય કહેવું. ન ગમે તેવું સત્ય પણ સાંભળવું પડે. પણ કોઈ સાંભળવા તૈયાર નથી.

રાજદીપ સરદેસાઈ અને પ્રકાશ ન શાહ
મહાકુંભ મેળામાં કેટલી જગ્યાએ ભાગદોડ થઈ અને કેટલા લોકો કચડાઈને મર્યા તેની માહિતી ઉત્તર પ્રદેશ સરકાર આપતી નથી. સ્વતંત્ર પત્રકાર અભિનવ રિપોર્ટ આપે છે, પણ ભય એ છે કે અભિનવને જેલમાં તો પૂરશે નહીં ને? દરેક સરકાર માને છે કે અમારી પાસે દંડો છે, હથિયાર છે, કાયદાનો ઉપયોગ કરીશું, ક્રિમિનલ ડેફેમેશન કરીશું. કાયદાનું નામ ‘ઇન્ડિયન પિનલ કોડ’માંથી ‘ભારતીય ન્યાય સંહિતા’ કરવાથી ફરક પડ્યો નથી, ઊલટાનું રાજદ્રોહના ગુનાની જોગવાઈઓ કડક કરી છે. આ નેઈમ ચેન્જિંગ સરકાર છે, ગેઈમ ચેન્જિંગ નહીં. હું અહીં બોલી રહ્યો છું, સરકાર મને રાજદ્રોહના ગુનામાં પકડી શકે છે.
મધરાતે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને એરેસ્ટ કરીને ગૌહાટી લઈ ગયેલા, શા માટે? એક ટ્વિટ માટે ! 7 જાન્યુઆરી 2025ના રોજ, છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રાકરની લાશ Septic Tankમાંથી મળી. તેનો વાંક શું હતો? તેણે રોડ કોન્ટ્રાક્ટરને એક્સપોઝ કર્યો હતો ! કોણ આગળ આવ્યા મુકેશ ચંદ્રાકર માટે? મુકેશ મારા પત્રકારત્વ કરતાં સારું પત્રકારત્વ કરતો હતો, પણ એને સુરક્ષા ન મળી ! જર્નાલિઝમનું બિઝનેસ-કોર્પોરેટ મોડેલ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે. કોઈ સરકાર નજીક જવું હોય તો ચેનલ / અખબાર ખરીદી લો. મીડિયાને ગમે ત્યારે ખરીદી શકો છો. મીડિયા હવે શક્તિશાળી લોકો માટે રમકડું બની ગયું છે. સત્તામાં છે તેમની પાસે ખરીદવાનાં નાણાં પણ છે. જાહેરખબર વિના મીડિયા ચલાવી શકાય તેમ નથી. જાહેરાત બે જગ્યાએથી સૌથી વધુ મળે છે. એક સરકાર પાસેથી, બીજું બાબા રામદેવ પાસેથી ! આમાં સચ્ચાઈ કઈ રીતે બતાવવી? કેટલી ચેનલે એ પ્રશ્ન ઊઠાવ્યો કે કોરોનામાં કુલ કેટલા લોકો મર્યા? WHOના મત મુજબ ભારતમાં 40 લાખથી વધુ લોકો કોરોનાથી મર્યા ! પણ સરકાર કહે છે કે 4 લાખ લોકો જ મર્યા છે ! PM Cares Fundમાંથી કેટલી રકમ કોરોના માટે વપરાઈ? અમે RTI કરી તો સરકારે કહ્યું કે PM Cares Fund ખાનગી છે ! સવાલ ન પૂછો. સવાલ પૂછશો તો અમે જવાબ આપીશું નહીં ! પ્રેસ કોન્ફરન્સ કરવી નથી. જે સત્તામાં છે તે સવાલોથી ઉપર છે?”
“અસ્વસ્થ કરે તેવો કોઈ પ્રશ્ન પૂછવાની પત્રકારોને છૂટ નથી. તે accountability ઈચ્છતા નથી. accountability ન હોય તો લોકશાહી કઈ રીતે હોય? દેશમાં ત્રીજો શક્તિશાળી માણસ કોણ છે? વડા પ્રધાન, ગૃહ મંત્રી પછી હિરેન જોશી ! તેનું કામ મીડિયાને મોનેટરિંગ કરવાનું છે. કોઈ પત્રકાર સરકાર વિરુદ્ધ લખે તો તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. NDTVના પત્રકારને એટલે સસ્પેન્ડ કરેલા કે તેણે વડા પ્રધાને બાંસવાડામાં ‘ઘૂસપેઠિયા આવીને મંગળસૂત્ર લઈ જશે’ એ સ્પીચ વિશે લખ્યું હતું. યૂટ્યૂબર વગેરે સંસ્થા ન બની શકે. લોકશાહી સંસ્થાઓથી બને છે. સંસ્થાઓની તાકાત પર બને છે. સરકાર સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવા કાયદો લાવી રહી છે. તોડબાજ પત્રકારોને કારણે પત્રકારોને લોકો માનથી જોતા નથી. WhatsApp University, Misinformation આપે છે, જૂઠ પીરસે છે. કોઈ Fact Checking નથી. આજે એડિટર નથી, ન્યૂઝ મેનેજર છે. તે કોઈના માટે ન્યૂઝ મેનેજ કરે છે. નેરેટિવ બિલ્ડિંગ કરે છે. લોકશાહીનું એક બેઝિક સ્ટ્રક્ચર હોવું જોઈએ : level playing field. એવી પરિસ્થિતિ કે જેમાં દરેકને સફળ થવાની વાજબી અને સમાન તક હોય.
લોકસભા ચૂંટણી વેળાએ જ કાગ્રેસ પક્ષનું બેન્ક એકાઉન્ટ સ્થગિત કરવામાં આવ્યુ ! આ એવી 100 મીટરની દોડ-સ્પર્ધા છે જેમાં સત્તાપક્ષ વિનિંગ લાઈનથી 10 મીટર દૂર ઊભો રહે છે અને વિપક્ષને 100 મીટર દૂર ઊભા રહેવાનું છે ! સત્તા પક્ષની જીત નક્કી છે; કેમ કે તેમની પાસે અઢળક નાણાં છે, સંસાધનો છે, પોલીસ છે, ચૂંટણી પંચ છે, ગુંડાઓ છે, ધર્મના એજન્ટો છે, ગોદી મીડિયા છે ! મીડિયા નેરેટિવ ઘડે છે, જેમ કે નોટબંધી બહુ ક્રાંતિકારી નીવડી ! કોરોનાની સ્થિતિમાં વેક્સિનેશન ઝૂંબેશનો નવો રેકોર્ડ થયો ! મૃત્યુ આંકની ચર્ચા નથી કરતા પણ કેવી રીતે કોરોના પર જીત હાંસલ કરી તેની વાહવાહી કરે છે ! ક્યાં ય level playing field નહીં, જે લોકશાહીનો સાર છે, સત્ત્વ છે. મીડિયા સાચો પ્રશ્ન પૂછવામાં નિષ્ફળ ગયેલ છે, તેથી સાચો જવાબ મળતો નથી !”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર