સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ – ૬

રોબર્ટ સ્કિદેલસ્કી
જ્હોન મેનાર્ડ કેઇન્સ તેમના વિખ્યાત પુસ્તક ‘જનરલ થિયરી’માં છેલ્લે એમ લખે છે કે “અર્થશાસ્ત્રીઓ અને રાજકીય ચિંતકોના વિચારો સાચા હોય કે ખોટા હોય, બંને વખતે, સામાન્ય રીતે સમજવામાં આવે છે તેના કરતાં વધુ શક્તિશાળી હોય છે. ખરેખર, જગત ઉપર બીજાઓ બહુ ઓછું શાસન કરે છે ….. મને ખાતરી છે કે સ્થાપિત હિતોની તાકાત વિશે વિચારો પર થતા ધીમા દબાણની તુલનાએ ભારે અતિશયોક્તિ કરવામાં આવે છે.”
કેઇન્સ માત્ર વિચારો અને સ્થાપિત હિતો વચ્ચે ભેદ પાડે છે એવું નથી પણ તેઓ એમ ભારપૂર્વક કહે છે કે આવાં સ્થાપિત હિતો કરતાં વિચારો સ્વતંત્ર હોય છે. કેઇન્સ દ્વારા એનો ઇન્કાર ન થયો હોત કે વિચારો સત્તાનું સ્રોત હોય છે. પરંતુ તેઓ આ હિત વિનાની સત્તાને વધુ નિશ્ચિત રીતે તો સત્તાધિકાર(authority)નું સ્રોત કહે. વર્ગીય હિતોથી અર્થશાસ્ત્ર સ્વતંત્ર છે એને માટે મુખ્ય દલીલ એવી કરવામાં આવે છે કે આર્થિક વિચારો વિદ્વાનોની પેદાશ હોય છે અને બિઝનેસ લોબીની નહિ.
શુદ્ધ સંશોધનને ઘણા લાંબા સમયથી એક સ્વતંત્ર બૌદ્ધિક પ્રયાસ તરીકે માન્યતા મળી છે. તેનું ચિહ્ન છે અ-હિતપણું (disinterestedness) અને તેનો હેતુ છે સત્યની શોધ. વિદ્વાનોનું વિશિષ્ટ હિત એ છે કે તેઓ તેમની તપાસમાં કે પછી તેનાં પરિણામોમાં સીધી રીતે સામેલ ન થાય.

હેમન્તકુમાર શાહ
એક વધુ દલીલ કેઇન્સના સંદર્ભ સાથે એવી પણ થઈ શકે કે અર્થશાસ્ત્રનો એજન્ડા અર્થશાસ્ત્રીઓ દ્વારા નક્કી થાય છે અને સ્થાપિત હિતો દ્વારા નહિ. તેના મુખ્ય વિચારો કોઈ પણ રીતે સત્તાના દાસ હોતા નથી. આપણે દલીલ કરીએ છીએ તે પ્રમાણે આર્થિક સિદ્ધાંત તેની વિભાવનાઓમાં, પદ્ધતિઓમાં અને ભાષામાં સમગ્ર કાળ દરમ્યાન સ્થિરતા જાળવે છે. એ જ વૈચારિક માળખામાં પરિવર્તન (paradigm shift) આવ્યું હોય એવા વિચારને એ લાગુ પાડવાનું મુશ્કેલ બનાવે છે.
એ વાત સાચી કે આર્થિક સિદ્ધાંત પર પરિસ્થિતિઓનો પ્રભાવ પડતો હોય છે. તેને લીધે જ્હોન હિક્સ (૧૯૦૪-૧૯૮૯) જેને “ધ્યાન કેન્દ્રિતા” કહે છે તે પેદા થાય છે. ૧૯૩૦ના દાયકામાં બેકારીનો જે સતત અનુભવ થયો તેને પરિણામે કેઇન્સની ક્રાંતિ આવી અને ૧૯૭૦ના દાયકામાં ફુગાવાનો અનુભવ થયો એટલે નાણાંવાદ જન્મ્યો.
આ હકીકતોનું સૈદ્ધાંતિક અર્થઘટન થાય તેને સ્થાપિત હિતો સાથે કંઈ જોડી દઈ શકાય નહિ. પરંતુ આપણે વિચારો સત્તાથી સ્વતંત્ર રીતે જન્મે છે એમ સ્વીકારીએ તો પણ શું તે વિચારોને સ્થાપિત હિતોથી સ્વતંત્ર બનાવે છે ખરા?
જોન રોબિન્સન કહે છે કે, “અર્થશાસ્ત્ર પોતે હંમેશાં થોડુંક દરેક સમયગાળાની શાસક વિચારધારાનું વાહન રહ્યું છે, અને થોડુંક વૈજ્ઞાનિક તપાસની પદ્ધતિ રહ્યું છે.” તો પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે વિદ્વાનોના કેટલાક વિચારો સ્વીકાર્ય બને છે અને કેટલાકને છેવાડે મૂકી દેવામાં આવે છે. જગત પર વિચારો શાસન કરતા હોઈ શકે છે; પરંતુ તેનો અર્થ એ નથી કે જગત પર માત્ર વિચારો જ શાસન કરે છે. આપણે હજુ પણ એ પ્રશ્ન પૂછવાની જરૂર રહે છે કે શા માટે કેટલાક વિચારોને પગ મળે છે અને કેટલાક વિચારો તૂટી જાય છે.
પ્રાકૃતિક વિજ્ઞાનોમાં જીવશાસ્ત્ર કરતાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં તેનો જવાબ એ મળે છે કે તે બંને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ગુણવત્તા ધરાવે છે. એને કારણે જ પ્રશિષ્ટ ભૌતિકશાસ્ત્રને બદલે કવોન્ટમ ભૌતિકશાસ્ત્ર આવ્યું. વાસ્તવિકતા બદલાતી નથી, પણ સિદ્ધાંત બદલાય છે કે જે વાસ્તવિકતા વિશેની આપણી સમજ સુધારે છે.
સમાજવિજ્ઞાનોમાં આ બાબત ઘણી ઓછી સાચી છે. પ્રાકૃતિક જગત વિશેના વ્યક્તિના અવલોકનોમાં પ્રાકૃતિક જગત પોતે કશી દખલગીરી કરતું નથી, પણ સામાજિક જગત કરે છે. તેમાં કોઈ પણ બાબતની પરિવર્તનશીલતાનો અભ્યાસ કરવામાં આવે છે કે જે સમાજવિજ્ઞાનોને પ્રાકૃતિક વિજ્ઞાનો કરતાં જુદાં પાડે છે. પરિણામે, સમાજવિજ્ઞાનોમાં જે બાબત રજૂ કરવામાં આવે તે સાર્વત્રિક રીતે લાગુ ન પડે. એ માપદંડ એમાં હોય જ નહિ. તેની બાબતોનું ભાગ્યે જ સફળતાપૂર્વક સમર્થન થઈ શકે અથવા તો તેમને ખોટી સાબિત કરી શકાય. એ કદાચ, બહુ ટૂંકા ગાળા માટે કરી શકાય.
આ બાબત એમ દર્શાવે છે કે ભૌતિકશાસ્ત્રમાં છે તેના કરતાં ઘણા વધુ પ્રમાણમાં અર્થશાસ્ત્રમાં સંશોધનનો પોતાનો એજન્ડા હોય છે. તે આંશિક રીતે બિન-વૈજ્ઞાનિક હિતોનું પ્રતિબિંબ પાડે છે. તેથી એમ પૂછવું પ્રસ્તુત થઈ પડે છે કે :
(૧) નવા આર્થિક વિચારો જે સંસ્થાઓમાંથી આવે છે તે સંસ્થાઓને પૈસા કોણ આપે છે?
(૨) મીડિયા વગેરેમાં એ નવા વિચારોને લોકપ્રિય સ્વરૂપે ફેલાવે છે કોણ અને તેના પૈસા ક્યાંથી આવે છે?
(૩) જે સમાજમાં ચર્ચા કરવાની સ્વતંત્રતા છે તે સમાજમાં પણ વિચારો ઉત્પન્ન કોણ કરે છે, ફેલાવે છે કોણ અને તેમને લોકપ્રિય બનાવે છે કોણ અને તેને માટે તેમને કયાં પ્રોત્સાહનો મળે છે?
આર્થિક સંશોધનો માટેના પૈસા મુખ્યત્વે સરકારો અને ઉદ્યોગપતિઓ આપે છે. દલીલ કરવા ખાતર આપણે એમ ધારી લઈએ કે, સરકાર તો લોકોના ભલામાં જ રસ ધરાવે છે. સરકાર તો લોકોના કલ્યાણમાં વધારો કરવા માટે જ આર્થિક જ્ઞાનના ઉત્પાદન માટે નાણાં આપે છે. તે સીધી રીતે સંશોધનની વિગતોમાં દખલગીરી કરતી નથી એમ પણ ધારી લઈએ.
પરંતુ ઉદ્યોગપતિઓ માટે આવું કહી શકાય નહિ. ધંધો એ કેઇન્સ કહે છે તેમ વિશિષ્ટ સ્થાપિત હિત છે. અને ઘણુંબધું અર્થશાસ્ત્ર ધંધાદારીઓ દ્વારા નાણાં મેળવે છે. બેંકોના વિશ્લેષકો, નાણાકીય બાબતોના પત્રકારો વગેરે જેવા લોકો તેમાં ભારે પ્રભાવ ધરાવે છે. તેઓ બધા મુક્ત બજારની રૂઢિવાદી વિચારધારાના પ્રચારક હોય છે. અને વિદ્યાજગતના અર્થશાસ્ત્રીઓ પણ કન્સલ્ટન્સીને નામે આકર્ષક ધંધો કરતા હોય છે. અર્થશાસ્ત્રમાં નાણાં પ્રાપ્તિ માટેનું માળખું ઇતિહાસ કે સમાજશાસ્ત્ર જેવું નથી, પણ વધારે તો ઇજનેરી અથવા ઔષધવિદ્યા જેવું છે.
અર્થશાસ્ત્ર એક માત્ર એવું સમાજવિજ્ઞાન છે કે જેમાં નોબેલ ઇનામ આપવામાં આવે છે. એટલે કે તેને પ્રાકૃતિક વિજ્ઞાનોની સમકક્ષ મૂકી દેવામાં આવ્યું છે. એક વાસ્તવિક વિજ્ઞાન માટે આ અંતિમ કક્ષાની ચડતી કહેવાય. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર માટે નોબેલ ઈનામ આપવામાં આવતું જ નથી. એને માટેના પૈસા સ્વિડનની સેન્ટ્રલ બેંક આપે છે અને તે કંઈ કોઈ તટસ્થ ટેક્નિકલ સંસ્થા નથી. બધી સેન્ટ્રલ બેંકોનું પણ એમ જ છે. એટલે આપણે એમ પૂછી શકીએ કે : આર્થિક સંશોધન માટે નાણાં આપવામાં ઉદ્યોગપતિઓનું કયું હિત સમાયેલું છે?
સ્રોત :
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર