
રાજ ગોસ્વામી
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં, મહિલા સેનાનીઓની વાત આવે ત્યારે, સૌથી પહેલું અને સૌથી ઉપર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ આવે છે. લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મોરોપંત બલવંતરાવ તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તે નાનપણમાં ઘોડેસવારી, હાથી ઉપર સવારી, તલવારબાજી, તીરંદાજી તથા બંદૂકનો ઉપયોગ કરતાં શીખી હતી. તેનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયો, અને તે રીતે તે ઝાંસીની રાણી બની હતી.
1857ના બળવા વખતે, ઝાંસીને બચાવવા માટે લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે જે લડત આપી હતી તેના અનેક સાહસિક કિસ્સાઓથી ઇતિહાસમાં અમર થઇ ગઈ છે. ઝાંસીની રાણી અનેક કથાઓ, કવિતાઓ, ગીતો, નાટકો, ટી.વી. સિરિયલો અને ફિલ્મોનો વિષય બની છે.
લક્ષ્મીબાઈની શૌર્ય ગાથા પર પહેલી ફિલ્મ સોહરાબ મોદીની ‘ઝાંસી કી રાની’ હતી, જે 1953માં આવી હતી. આજે મોટા બજેટની, તોતિંગ એક્શન ફિલ્મો જોઇને કોઈને એવું લાગે કે પહેલાં આવી ફિલ્મો બનતી નહીં હોય, પણ સોહરાબ મોદી એક એવા નિર્માતા, નિર્દેશક અને એકટર હતા જે 50ના દાયકામાં, ટાંચા સાધનો અને બજેટ વચ્ચે, લાર્જર ધેન લાઈફ ઐતિહાસિક ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા.
મુંબઈમાં પારસી થિયેટરમાં અભિનયથી શરૂઆત કરનાર મોદીએ 1935માં થિયેટરની કળાને લુપ્ત થતી બચાવવા માટે, 1935માં સ્ટેજ કંપની સ્થાપી હતી. તેની પહેલી બંને ફિલ્મો, ખૂન કા ખૂન અને સઈદ-એ-હવસ, શેક્સપીયરના નાટકો, હેમ્લેટ અને કિંગ જોહ્ન, પર આધારિત હતી (ખૂન કા ખૂન સાયરા બાનુનાં માતા નસીમ બાનુની પહેલી ફિલ્મ).
1936માં, તેમણે મિનરવા મૂવીટોન નામની ફિલ્મ કંપની શરૂ કરી હતી. આ કંપનીની ત્રણ ફિલ્મો, પૂકાર, સિકંદર અને પૃથ્વી વલ્લભ (લેખક; કનૈયાલાલ મુન્શી) ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર જેમાં એલેકઝાન્ડર બન્યા હતા તે ‘સિકંદર’ મોદીની સૌથી મહાન ફિલ્મ ગણાય છે.
પંદર વર્ષ સુધી મિનરવા મૂવીટોનના નેજા હેઠળ એક પછી એક નવીનતમ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો આપ્યા પછી, સોહારાબ મોદીએ બદલાતી જતી ફિલ્મ તકનીકની સાથે કદમ મિલાવવા માટે, 1953માં, ભારતને પહેલી ટેકનિકલર ફિલ્મ આપી હતી અને તે હતી ‘ઝાંસી કી રાની.’ ટેકનિકલર એટલે ફિલ્મોને રંગીન બનાવવાની એક એવી પ્રકિયા, જેમાં ફિલ્મને રોકોર્ડ કર્યા પછી કલર સ્ટ્રીપ્સ વડે તેને રંગીન કરવામાં આવે.
તે સમયે ઉપલબ્ધ આ ટેકનિક સૌથી પ્રતિષ્ઠિત તો હતી જ, ખર્ચાળ પણ હતી. તેના ઉપયોગથી, ‘ઝાંસી કી રાની’ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક સાંસ્કૃતિક સીમાચિહ્ન બની ગઈ હતી. અમેરિકાના જગપ્રસિદ્ધ અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે’ તે અંગે લખ્યું હતું, “ભારતમાંથી આવેલું આ શ્રેષ્ઠ પ્રોડક્શન વૈશ્વિક વિતરણ માટે સક્ષમ છે.” ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ ત્યારે લખ્યું હતું, “આ ફિલ્મ માત્ર રંગીન ફિલ્મોના નવા યુગની શરૂઆત કરે છે એટલું જ નહીં, ભારતને વિશ્વના શો બિઝનેસના નકશામાં મૂકીને તે આવતીકાલનાં મોશન પિક્ચર્સ માટે પણ માર્ગ મોકળો કરે છે.”
તેની વૈશ્વિક અપીલને વધારવા માટે, સોહરાબ મોદીએ ફિલ્મને બે આવૃત્તિઓમાં રજૂ કરી હતી, એક હિન્દીમાં અને બીજી અંગ્રેજીમાં, જે ‘ધ ટાઇગર એન્ડ ધ ફ્લેમ’ નામથી 1955માં રિલીઝ થઇ હતી. દુર્ભાગ્યે, ‘ઝાંસી કી રાની’ને કલરમાં જોવા માટે માત્ર અંગ્રેજી આવૃત્તિ જ ઉપલબ્ધ છે કારણ કે તેની હિન્દી રંગીન નકલ અસ્તિત્વમાં નથી. ડી.વી.ડી. અને વીડિયો પર માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ જોવા મળે છે.
તેઓ 1942થી ‘ઝાંસીની રાની’ બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા, પણ તેમની પાસે પૈસા કે ટેકનિક નહોતી. સોહરાબ મોદીના પુત્ર મહેલી મોદીએ ‘સ્ક્રોલ’ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારા પિતા ઘણાં વર્ષોથી આ ફિલ્મ બનાવવાનું વિચારતા હતા. એ જમાનામાં તે એક કરોડની આસપાસના ખર્ચે બની હતી. ભારતમાં દરેક લોકોએ આ ફિલ્મ જોઈ હોત તો પણ તેમને ખર્ચો પાછો મળ્યો ના હોત. એનું કારણ ટેકનિકલરની ટેકનિક હતી. એ વખતે હોલિવૂડમાં ગોન વિથ ધ વિન્ડ અને અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ આ ટેકનોલોજીથી બની હતી.”
ફિલ્મ પર 1947માં જ કામ શરૂ થઇ ગયું હતું. અંગ્રેજો ભારત છોડીને ગયા હતા અને લક્ષ્મીબાઈ તેમની સામે જ લડી હતી. એટલે ફિલ્મમાં સચ્ચાઈનો રણકો લાવવા માટે મોદીએ તેમના સહાયકોને ઝાંસી, ગ્વાલિયર, સાગર, કાલપી, ચંદેરી અને મેરઠ સહિત અન્ય સ્થળોની મુલાકાતે મોકલ્યા હતા. ત્યાંના હજારો ફોટા પાડવામાં આવ્યા હતા અને વિગતોની હજારો નોંધ લખવામાં આવી હતી. લક્ષ્મીબાઈના જીવનને અધિકૃત રીતે બતાવવા માટે સિત્તેર જેટલાં ઐતિહાસિક લખાણો વાંચવામાં આવ્યાં હતાં.
18 જાન્યુઆરી, 1951ના રોજ ફિલ્મનું શૂટ શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મના વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કે.એમ. કરિઅપ્પાએ મૂહર્ત શોટ આપ્યો હતો. સોહરાબ મોદીએ શરૂઆતમાં લગભગ 5,000 ફૂટની ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ શૂટ કરી હતી, પરંતુ રંગબેરંગી પોશાક અને લક્ષ્મીબાઈના સમયની ભવ્યતાને જોતાં તેમણે ફિલ્મને ટેકનિકલરમાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મમાં, સોહરાબ મોદીએ એક એવા રાજગુરુની ભૂમિકા કરી હતી, જે ઝાંસી રાજ્યને ઇતિહાસમાં ઉચિત સ્થાન આપવા પ્રયત્નશીલ છે. તેમને એક અકસ્માતમાં મનુ નામની એક નાનકડી છોકરીનો ભેટો થાય છે, જે બહાદુરીપૂર્વક અંગ્રેજ ડ્રાઈવરની સામે થઇ જાય છે. રાજગુરુને મનુમાં એક દિલેર શાસક નજર આવે છે. તે મનુને પોતાની છત્રછાયામાં લે છે અને નવ વર્ષની ઉંમરે તેને, ઝાંસીના સૌથી મોટા શાસક, લગભગ પચાસ વર્ષના ગંગાધર રાવ (મુબારક) સાથે લગ્ન કરાવીને રાણી બનાવે છે.
મનુ રાજગુરુના શિક્ષણ હેઠળ મોટી થાય છે. તે શારીરિક દાવપેચ અને રાજકીય વહીવટ શીખે છે. મોટી થયેલી મનુ, જેને હવે લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે, એક પુત્રને જન્મ આપે છે જે મૃત્યુ પામે છે. લક્ષ્મીબાઈ અન્ય એક છોકરા, દામોદર રાવને દત્તક લે છે. અંગ્રેજો તેને ઝાંસીના વારસદાર તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરે છે. તેનાથી લક્ષ્મીબાઈને અંગ્રેજો સામે શૂરાતન ચઢે છે અને 1857ના બળવા દરમિયાન તે તેમની સામે લડે છે અને અંતે શહીદી વહોરે છે.
લક્ષ્મીની ભૂમિકા તે વખતની જાણીતી એક્ટ્રેસ મેહતાબે કરી હતી. ૩૫ વર્ષની ઉંમરે મહેતાબે ઝાંસી એનાથી અડધી ઉંમરની રાણી લક્ષ્મીબાઈનો રોલ નિભાવ્યો હતો. મહેતાબ સોહરાબ મોદીની પત્ની પણ હતી. તે સુરત પાસેના સચિન શહેરના નવાબ સીદી ઈબ્રાહીમ મોહમ્મદ યાકુત ખાનની દીકરી હતી. તેનું મૂળ નામ નજમા હતું અને મુંબઈ આવીને મહેતાબ બની ગઈ હતી.
મેહતાબે વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સોહરાબ મોદીના પારસી પરિવારને તેમનાં લગ્ન મંજૂર નહોતાં. મેહતાબના આ બીજાં લગ્ન હતાં. અગાઉ, તેના સહ-કલાકાર અશરફ ખાન સાથેનાં લગ્નથી તેને આઠ વર્ષનો પુત્ર ઇસ્માઇલ હતો. મોદી સાથે લગ્ન કરવા માટે તેની શરત હતી કે તેનો પુત્ર ઇસ્માઇલ તેમની સાથે રહેશે. સોહરાબ મોદીથી તેને મેહલી નામનો પુત્ર થયો હતો.
મેહલી પેલા ઇન્ટરવ્યૂમાં કહે છે, ફિલ્મના શુટિંગ દરમિયાન મારી માતા બે વર્ષ સુધી છાવણીઓમાં રહી હતી. એ ઘરે આવે ત્યારે તેના પર લોહીના ડાઘા જોઇને હું ગભરાઈ જતો.
એક ડોક્યુમેન્ટરીમાં, મોદી કહે છે, “જ્યારે હું શાળામાં હતો, ત્યારે મને ઇતિહાસ ભણવાનો ગમતો નહોતો. હું ફિલ્મ નિર્માણમાં આવ્યો ત્યારે મેં ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને ત્યારે ખબર પડી કે આપણો ઇતિહાસ સમૃદ્ધ છે. મને થયું કે આપણા અતીતને સમજાવવા અને ભવિષ્યની રૂપરેખા બનાવવા માટે લોકોને ઇતિહાસ બતાવવો જોઈએ.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર