સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ – ૭
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2023/12/Robert-Jacob-Alexander-Baron-Skidelsky-224x300.jpg)
રોબર્ટ સ્કિદેલસ્કી
માર્ક્સવાદીઓએ બહુ જ સ્પષ્ટ વાત કરી છે. કાર્લ માર્ક્સ લખે છે કે, “ભૌતિક ચીજોનું ઉત્પાદન બદલાય તેના પ્રમાણમાં બૌદ્ધિક ઉત્પાદન બદલાય છે, એ સિવાય વિચારોનો ઇતિહાસ બીજું શું પુરવાર કરે છે?” એમનો આરોપ એ છે કે મૂડીવાદી સમાજમાં જેમની પાસે સત્તા છે તેઓ મીડિયા, રાજકીય વ્યવસ્થા અને શૈક્ષણિક વ્યવસ્થા દ્વારા એવા વિચારોનો પ્રવાહ સર્જવા શક્તિમાન બને છે કે જે કામદાર વર્ગના વર્તનની તેમને અનુકૂળ આવે એવી તરાહ જન્માવે છે. પરંતુ આ તરાહ કામદાર વર્ગનાં વસ્તુલક્ષી હિતોની વિરુદ્ધ હોય છે.
નિશ્ચિત રીતે કહીએ તો, આ વિચારો એવા હોય છે કે જે કામદાર વર્ગને કામની સ્થિતિ, વેતન, દેવાના કરારો, જીવનશૈલી અને વપરાશનાં જે સ્વરૂપો છે તે સ્વીકારી લેવા તરફ લઈ જાય છે, અને તે તેમનાં પોતાનાં હિતોની જ વિરુદ્ધ હોય છે.
માર્ક્સવાદીઓ કહે છે કે અર્થશાસ્ત્ર તેની વૈજ્ઞાનિક કહેવાતી રજૂઆતો દ્વારા વિવિધ બાબતોનું સાચું સ્વરૂપ છુપાવીને મૂડીવાદી વર્ગનાં હિતોને પોષે છે. પરિણામે લોકો તેને વિચારધારા કે રાજકારણ સાથે જોડાયેલી બાબત તરીકે જોતા નથી, પણ ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રની જેમ કશીક વસ્તુલક્ષી બાબત તરીકે જોતા થઈ જાય છે.
એ કંઈ સહેજે યોગાનુયોગ નથી કે, અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે એવી બાબતના સ્વીકાર સાથે કોઈ પણ દેશની કેન્દ્રીય બેંકની સ્વતંત્રતાની નીતિ નક્કી થાય છે. એ રીતે જોતાં, કેન્દ્રીય બેંકના નિર્ણયો રાજકીય સ્વરૂપના હોય છે તેના કરતાં વધુ ટેક્નિકલ સ્વરૂપના હોય છે.
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2021/09/Hemantkumar_Shah-5-300x274.jpg)
હેમન્તકુમાર શાહ
વર્ગીય હિતોથી પર, સમગ્ર સમાજનાં હિતમાં કામ કરતા વર્ગ જેવું કોઈ ટેક્નોક્રેટિક જૂથ હોય છે એવી વાતને માર્ક્સવાદી પરંપરામાં જોરદાર પડકાર ફેંકવામાં આવ્યો છે. જર્મન સમાજશાસ્ત્રી વોલ્ફગેંગ સ્ટ્રિક એમ કહે છે કે, “મૂડીવાદ અને લોકશાહી વ્યક્તિગત રીતે અને બંને ભેગાં થઈને પણ અમુક વર્ગો અને વર્ગીય હિતોનાં સંયોજનોનું પરિણામ છે. એ સંયોજનો ઐતિહાસિક પ્રક્રિયામાંથી જન્મ્યાં છે, એ કોઈક બૌદ્ધિક ડિઝાઇનથી ચાલતાં નથી પરંતુ જુદા જુદા વર્ગો વચ્ચે રાજકીય ક્ષમતાની થયેલી વહેંચણીથી ચાલે છે.”
જ્હોન મેનાર્ડ કેઇન્સ દ્વારા અર્થશાસ્ત્રમાં જે ક્રાંતિ થઈ તેમાં વધુ ને વધુ સંગઠિત થતા કામદાર વર્ગ અને બચાવ પક્ષે રહેલા મૂડીવાદી વર્ગ વચ્ચેનાં બળોનું સંતુલન જ રજૂ થાય છે.
અર્થશાસ્ત્ર એક નક્કર વિજ્ઞાન છે એવો દાવો એક તરકટ છે. અર્થશાસ્ત્રની મોટા ભાગની બાબતોનો ઇન્કાર થઈ શકતો નથી અને તે ચકાસી પણ શકાતી નથી. જો એમ જ હોય તો, આર્થિક સિદ્ધાંત વિજ્ઞાનની અધિકૃતતામાં ફસાઈ ગયેલો અભિપ્રાય જ કહેવાય.
આપણે ડોક્ટર પર વિશ્વાસ મૂકીએ છીએ કારણ કે તેમની પાસે વિજ્ઞાન છે. જો કે, માઈકલ ફૂકો જેવા સત્તા વિશેના સિદ્ધાંતકારો તો એમ પણ કહે છે કે તબીબી વ્યવસ્થા પણ આંશિક રીતે સામાજિક અંકુશ માટેનું સાધન છે. અર્થશાસ્ત્રીઓ દવાની સચ્ચાઈ વિના જ અધિકૃત ડોક્ટર હોવાનો દાવો કરે છે.
તેમ છતાં, માર્ક્સવાદી આરોપ આંશિક રીતે જ સાચો છે. સત્તા અને વિચારો વચ્ચેનો સંબંધ સીધોસાદો ઉપર-નીચેનો સંબંધ નથી. વળી, અર્થશાસ્ત્રનો પોતાનો કોઈ એજન્ડા પણ હોતો નથી. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારો જેવા લોકો વિચારોના વપરાશકારો હોય છે, ઉત્પાદકો નહિ. સ્થાપિત હિતો તેમની પસંદગીઓ માટે જે બૌદ્ધિક બચાવ રજૂ કરવામાં આવે છે તે લાદવાની સ્થિતિમાં હોતાં નથી, ભલે તેમની તેવી ક્ષમતા હોય.
આમ, મુક્ત બજાર જ યોગ્ય છે એમ જ્યારે અર્થશાસ્ત્રીઓ કહે છે ત્યારે એ સામાન્ય (general) બાબત છે અને સાથે સાથે ઉદ્યોગપતિઓના વર્ગ દ્વારા જે ઘેરાવો લેવામાં આવે છે તે ઘેરાવા સાથેની બાબત પણ છે. દા. ત. અર્થશાસ્ત્રીઓએ હંમેશાં વૈશ્વિક વેપારમાં સંરક્ષણવાદ (protectionism) અને ઇજારાનો વિરોધ કર્યો છે, અને તેને અમુક ઉદ્યોગપતિઓએ ભારે સમર્થન આપેલું હોય છે.
સ્રોત:
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર