જુદા જુદા દેશ અને ધર્મવાળી, અનાયાસ મળી ગયેલી, પાંચ બેનપણીઓની કથા.

સરયુ મહેતા-પરીખ
અમેરિકાના રહેવાસના ત્રીજા દસકામાં, વ્યવસાયનાં કારણો અમને હ્યુસ્ટન, ટેક્સાસમાં લઈ આવ્યાં હતાં. નવી જગ્યામાં સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા સાથે, પુખ્ત ઉંમરના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાવાના આશયથી, એમના તાલીમ ક્લાસમાં ગયેલી. શનિવારે આખા દિવસનો કાર્યક્રમ હતો. હું કોઈને ઓળખતી ન હતી. લંચ સમયે, મેલીંગ નામની બહેન મળતાવડી લાગી. એણે મને એકલી જોઈ બાજુના ટેબલ પર સાથે બેસવા બોલાવી. બધા સાથે પરિચય થયો. રોબીન, ખૂબ ગોરી, માંજરી આંખોવાળી અને મીઠાં સ્મિતવાળી અમેરિકન હતી, જેણે અડતાળીસ વર્ષની ઉંમરે ટીચર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું અને નોકરીની રાહમાં હતી. મેલીંગ, નિવૃત્ત થયેલ શિક્ષિકા હતી. જીની, કેનેડાની હતી, પણ વર્ષોથી અમેરિકામાં એન્જિનીઅર પતિ અને બે દીકરીઓ સાથે વસતી હતી. માર્ગરેટ, અનોખી તરી આવે તેવા વ્યક્તિત્વવાળી હતી.
મેં મારું શાકાહારી ભોજન શરૂ કરતાં જ એની સુગંધ અને મસાલા વિશે અને “ભારતીય ખાણું ભાવે,” વગેરે વાતો થવા માંડી. મેં બટેટા વડા ચાખવા માટે આપ્યા. એ ટેબલ પર અમે જૂનાં ઓળખીતાં હોઈએ એવી સહજતાથી વાતોએ વળગ્યાં. મેં એમ જ હળવાશથી સૂચવ્યું કે આવતા અઠવાડિયે મારે ઘરે લંચ સમયે ભેગા થઈએ? અને મારા … આશ્ચર્ય વચ્ચે, એ બહેનો તૈયાર થઈ ગઈ! અમે એક બીજાના ફોન નંબર વગેરે લઈ લીધા.
મારે ઘરે મળવાના દિવસે, ‘સાવ અજાણ્યાની સાથે લંચ કેમ થશે!’ એ બાબત ઉત્કંઠા હતી. દરેક જણ એક વસ્તુ બનાવીને લાવવાના હતા. મને શંકા હતી કે ઓછું બોલતી જીની આવશે કે નહીં! પણ, પહેલી એ જ આવી. પછી રોબીન, માર્ગરેટ અને મેલીંગ પણ સમયસર આવી ગયાં. વાતોનો દોર બરાબર જામ્યો. માર્ગરેટના પતિ પણ એન્જિનીઅર હતા. માર્ગરેટ ઓસ્ટ્રેલિયા પાસેનાં, ટાસ્મેનિઆ નામના ટાપુ પર ઊછરેલ. મેલીંગ પનામાની હતી અને તેના અમેરિકન પતિ ચર્ચના પાદરી હતા. અમે પાંચે કોલેજ સુધીનો અભ્યાસ કરેલા, સફળ કારકિર્દીવાળા પતિ સાથે અનેક સ્થળોએ રહેલા અને દરેક લગભગ ચાલીસ વર્ષના લગ્નજીવનમાં સુખી બહેનોનો, અણધારી જગ્યાએ, જાણે અનાયાસ મેળ પડી ગયો. છૂટા પડતાં પહેલાં અમે પોતાની ડાયરી કાઢી, આવતા મહિને કોને ત્યાં મળશું એ નક્કી કરી લીધું. પછી તો દર મહિને, મળવાનું, સાથે સાહિત્ય, કલા અને ફિલોસોફીકલ ચર્ચાઓ તેમ જ વ્યક્તિગત વાતો કરવાનો મહાવરો થઈ ગયો…. અમે પહેલેથી શું બનાવી લાવવું એ નક્કી ન કરતાં તો પણ બધું વ્યવસ્થિત થઈ પડતું. મોટો ફેરફાર એ થયો કે, મારા તરફથી કોઈ અણગમો કે આગ્રહ ન હોવા છતાં પણ, ભાગ્યે જ કોઈ અશાકાહારી ખોરાક સામેલ થતો. અમારા પાંચે જણાના પતિઓ સાથે, સાંજના ખાણા માટે, પણ ક્યારેક ભેગાં થતાં. આમ વિવિધ સંસ્કારિતાને સમજવાનો અને એમના કુટુંબના સભ્યો સાથે ક્રિસમસ કે દિવાળી ઉજવવાનો અવસર પણ મળતો.
જેની સાથે મિત્રતા અશક્ય લાગતી હતી એવી, જીની અને મારી વચ્ચેની મિત્રતા સમય સાથે દૃઢ બનતી ગઈ. એમના પતિ છપ્પન વર્ષે નિવૃત્ત થઈ ગયા પણ એનો આનંદ મળે એ પહેલાં તો એમને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું. આ આઘાતજનક વાત જીની મારી સાથે કરતી અને જીવનમાં આવેલ ઊથલપાથલમાં સમતોલન રાખવા પ્રયત્ન કરતી. બધાને એ સમાચાર કહેવાની હિંમત આવતાં બે વર્ષ નીકળી ગયાં હતાં. જીની પાસેથી હું ગૂંથતા અને સારું સીવણકામ શીખી. પાંચે જણાનું ભેગા થવાનું અનિયમિત થતું ગયું પણ હું અને જીની મહિને એકાદ વખત, કોઈ પણ આગળથી યોજના બનાવ્યા વગર, થોડા કલાકો બહાર નીકળી પડતાં. પતિની માંદગીને કારણે જીની માટે થોડા કલાકો ઘરની બહાર નીકળી જવાનું જરૂરી બની ગયું હતું.
રોબીનના પિતાજી ભારતમાં થોડો સમય રહેલા. એમના શીખેલા શબ્દો “જલ્દી જલ્દી” કે “ક્યા દામ હૈ?” એવા પ્રયોગો રસપૂર્વક કરી એ પોતાના અનુભવો અમારી સાથે વાગોળતાં. રોબીન અને એમના પતિને ધાર્મિક અને સેવા કાર્યો સાથે કરવામાં ઘણી મીઠી સંવાદિતા હતી. રોબીન એના ચર્ચમાં બહેનોના મંડળની પ્રમુખ હતી. દર વર્ષે અમે પાંચે બેનપણીઓ એના સમારંભમાં આગળના ટેબલ પર મુખ્ય મહેમાન સાથે માનથી ગોઠવાતાં. એક દિવસ ખાસ યાદ છે … એ સમયે હું વિવિધ કારણોને લઈ ચિંતિત રહેતી. એ સભા દરમ્યાન ચર્ચના વક્તાએ કહ્યું કે, “હું હંમેશાં ઈશુની સામે જઈને અમારા ભવિષ્યની “શું યોજના છે?” એવો સવાલ કરતી. પણ મનમાં જાગૃતિ થતા મેં ભગવાનની પાછળ ચાલી,…એમની યોજના સ્વીકારવાની શરૂ કરી.” આ સામાન્ય વાતની મારા દિલ પર સચોટ અસર થયેલી અને ત્યાર પછી ચિંતા વગર, પ્રામાણિક યત્ન કરવાનો અને જે મળે તેનો સહજ સ્વીકાર કરવાનો, એ મારો જીવનમંત્ર બન્યો. ભગવત્ ગીતામાં શીખેલ પાઠ ચર્ચમાં ઉજાગર થયો.
મેલીંગની જેવી મીઠી જિહ્વા હતી, એવું જ વિશાળ દિલ હતું. અમારા દસેક વર્ષના સહવાસમાં મેં એને ક્યારે ય કોઈ વ્યક્તિ વિશે અણગમો બતાવતા નથી સાંભળી. એમના પતિ જે ચર્ચમાં પાદરી હતા તે જ ચર્ચમાં મેલીંગ મોટી સંખ્યામાં પુખ્ત ઉંમરનાં બહેનો અને ભાઈઓને અંગ્રેજી ભણાવવાનું સેવા કાર્ય કરતી. પોતાના માતા-પિતા અને કુટુંબને અનન્ય સન્માન અને સ્નેહથી સિંચતી જોવી એ લ્હાવો હતો. એના યુવાન પુત્રને રમતા થયેલ ગંભીર ઈજા વખતે અમે સર્વ એની સાથે પ્રાર્થનામાં જોડાયાં અને મહિનાઓ સુધી તેના મનોબળનો આધાર બની રહ્યાં. હજી સુધી મારા જન્મદિવસે હું સામેથી એની શુભેચ્છા મેળવવા ફોન કરું છું, એવી અમારા વચ્ચે સરળ પ્રેમાળ ભાવના છે.
માર્ગરેટ ટાસ્મેનિઆથી આવીને દુનિયાના આ બીજે છેડે વસી હતી, પણ એનું દિલ તો એની પ્યારી જન્મભૂમિમાં જ રહેતું. એના પતિ સારા હોદ્દાની નોકરી કરતા હતા. એમના વિશાળ બંગલામાં ઘણી વખત બપોરનું જમણ અને કેટલીક સાંજની મીજબાની ભપકાદાર બની રહેતી. માર્ગરેટ એના ચર્ચમાં પ્રાર્થના મંડળમાં નિયમિત ગાતી અને ઘરે કલાત્મક ભરતકામ કરતી.
મને સાહિત્યમાં રસ તેથી હું એનો રસાસ્વાદ કરાવતી રહેતી. અમે ભગવત્ ગીતા, ઓશો અને બીજા હિંદુ ગ્રંથો સાથે બાઈબલ અને કુરાન વિશે પણ રસપૂર્વક ચર્ચા કરતાં. અમે દરેક સખી પોતાના ધર્મમાં સ્થિર મનવાળા હોવાથી, વિવિધ ધર્મ પ્રસંગોમાં સંપૂર્ણ રસ અને માનથી સહયોગ દેતાં. આવા સરળ અને આધ્યાત્મિક વિચારોની ચર્ચાઓના વાતાવરણમાં અમારો ખરો કસોટીનો પ્રસંગ ઉપસ્થિત થયો.
મારા પતિ અને હું માનવધર્મમાં શ્રદ્ધા હોવાનું વિશ્વાસ સાથે કહેનાર માટે કસોટીનો સમય આવેલ, જ્યારે અમારી દીકરીએ બાંગલાદેશી મુસ્લિમ સાથે લગ્ન કરવાની સંમતિ માંગી. પરિચય અને સહજ સ્વીકારથી મીઠા સંબંધો શક્ય બન્યાં. નાતજાત કરતાં, વ્યક્તિનું મૂલ્ય અમારે મન વધારે મહત્ત્વનું બની રહ્યું, એ વાત સાબિત થઈ શકી.
મારા સ્વભાવ અનુસાર બધાને સ્નેહતંતુથી બાંધી રાખવાની જવાબદારી મેં સહજ રીતે અપનાવી લીધેલી. એ વર્ષે મારી બીજી વસંત ૠતુ ટેક્સાસમાં હતી. કુદરતના ખોળે રંગીન ફૂલો છવાયેલાં હતાં. એની પૂરબહાર મૌલિકતા માણવા અમે એક દિવસ વહેલી સવારે નીકળી ગયાં. જીનીમાં ક્યાં અને કઈ રીતે જવાની આગવી સમજને કારણે મોટે ભાગે એ જ કાર ચલાવતી.
બ્લુ બોનેટ્સનાં ફૂલો મધ્યમાં અને ચારે તરફ સફેદ, લાલ અને પીળા રંગનાં કુસુમ-સાથિયા જોઈને દિલ તરબતર થઈ ગયું. બપોરના સમયે જમણ માટે એક ઘરમાં દાખલ થયાં. રસોઈ બેઠકમાં લાંબા બાંકડાઓ ગોઠવેલાં હતાં, જ્યાં ટેક્સાસના બે cowboys, બેઠેલા. ખેડૂત જેવો પહેરવેશ અને ફાંકડી હેટ અને બુટમાં શોભતા હતા. એમની પાસે અમે પાંચે સામસામા ગોઠવાયાં. એ અજાણ્યા ભાઈઓ સાથે મેલીંગ અને રોબીન મીઠાશથી વાતો કરવાં લાગ્યાં. અમે પાંચે બહેનો સેવાભાવથી કામ કરતી સંસ્થામાં જોડાયેલાં હતાં, અને એ રીતે મિત્રો બન્યા છીએ, એ વાત પણ નીકળી. જમવાનું આવ્યું અને પછી ‘ચેરી પાઈ’ અને ‘એપલ પાઈ’ પણ મંગાવવાની વાત અમે કરી રહ્યાં હતાં. બન્ને ભાઈઓનું જમણ પૂરું થતા પ્રેમપૂર્વક, ટેક્સન સ્ટાઈલથી, આવજો કરીને બહાર બિલ આપવા ઊભેલા જોયા અને પછી દૂરથી સલામ કરી જતા રહ્યા.
થોડી વારમાં વેઇટ્રેસ બહેન આવીને પૂછે કે, “ગળ્યામાં કઈ પાઈ તમારે લેવાની છે?”
અમને નવાઈ લાગી, “તમને કેવી રીતે ખબર કે અમારે પાઈ લેવાની છે?”
“પેલા બે સજ્જનો તમારું, પાઈ સહિત, પૂરું બિલ ભરીને ગયા છે.” લગભગ પચાસ ડોલર્સનું બિલ હતું.
વાહ! અમને ટેક્સન મહેમાનગતિનો અવનવો અનુભવ થયો. અમારા ધન્યવાદની પણ અપેક્ષા રાખ્યા વગર એ બન્ને ચાલ્યા ગયા હતા.
દસેક વર્ષની મિત્રતા પછી, રોબીન કોલોરાડો અને અમે હ્યુસ્ટનથી દોઢસો માઈલ દૂર, ઓસ્ટિનમાં જઈને વસ્યાં તો પણ અમારો સખીભાવ કાયમ રહ્યો. થોડા દિવસ પહેલા જ જીનીએ તેના પતિ વિષે લખ્યું કે, “બીમારી સામેની લડત સમાપ્ત થઈ છે. એમનું શાંતિપૂર્વક મૃત્યુ થયું છે.” મારા કહેવાથી, થોડા દિવસ જીની મારી સાથે રહેવા આવી અને સુસંગતનો સમય ફરી શક્ય બન્યો. ગયા વર્ષે રોબીન કોલોરાડોથી ઓસ્ટિન આવી અને અમે દસ વર્ષ પછી ફરી હ્યુસ્ટનમાં જીનીને ઘેર મધુર સખી મેળાપ મ્હાણ્યો.
સદ્દભાવનાની સુવાસ જાણ્યે અજાણ્યે દિલથી દિલને સ્પર્શી, પ્રસરતી રહેતી હોય છે તેના અનેક અનુભવો જીવનમાં થયા છે. અમેરિકા આવી ત્યારે કોઈક લોકો એવું કહેતા કે, તમને આ પરદેશીઓ સાથે મિત્રાચારી થાય પણ મિત્રતા નહીં. મારા અનુભવમાં એવું વિધાન પાયા વગરનું સાબિત થયું છે. કેટલાક મિત્રો સાથે છેલ્લાં પાંત્રીસેક વર્ષોથી ગહેરી દોસ્તી રહી છે. એક વાત યાદ આવે છે…. એક આગંતુક ગામના મુખિયાને પૂછે છે, “આ ગામમાં કેવા લોકો છે?”
મુખી કહે, “ભાઈ, તું આવ્યો એ ગામમાં જેવા લોકો હતા ને … હા! બસ એવા જ.”
સ્વીકાર અને સમર્પણની નિર્મળ લાગણીઓ સંબંધોમાં સુવાસ લાવે છે.
અને મિત્રતાની સંવાદિતામાં હસતાં ચહેરાઓ આ જીવનને વૈભવશાળી બનાવે છે.
————-
હ્યુસ્ટનમાં એક બ્રિટિશ પાડોશીએ, અમેરિકામાં ભાગ્યે જ ઉપલબ્ધ, મધુમાલતીની કલમ તૈયાર કરીને આપી. પછી દિવસો સુધી સૂકાયેલી કલમ પર ઝીણી કૂંપળ દેખાઈ. તેનો અનન્ય આનંદ ….
•••
કૂંપળ
કરમાતી વાસંતી વેલ, હાય! મારી ધીરજ ખૂટી.
જીવન ને મૃત્યુના ઝોલામાં, હાશ! આજ કૂંપળ ફૂટી.
ઓચિંતા એક દિન દીઠી ને મરડીને યાદ મીઠી ઊઠી.
વાવેલી બાપુએ જતનથી, વીરાએ નીરથી સીંચેલી.
કોમળ કલાઈથી ઝૂલાવી, ફૂલો હું વીણતી ગુલાબી.
અદકા આનંદથી ગૂંથેલી, તરસુ પળ પામવા વિતેલી.
•
કાળજી કરીને એને કાપી,
એક ભાવેણી ભગિનીએ આપી.
વાવી, વિલસી, પણ શિશિરે સતાવી,
મુંઝાતી શરમાતી જાય એ સુકાતી.
પણ આજ.
પ્રીતમના મોંઘેરા વેણ સમી,
હાશ! નવી કૂંપળ ફૂટી.
•••
ઓસ્ટિન, ટેક્સાસ.
e.mail :saryuparikh@yahoo.com
www.saryu.wordpress.com