
ચિરંતના ભટ્ટ
અમુક યોગાસન એવા હોય કે એ માળા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પતે છે એ સમજાય નહીં. પતાંજલિને નામે ચરી ખાનારા બાબા રામદેવે પણ એવા જબ્બર ગોટાળા કર્યા છે કે સમજાય નહીં કે આ કૌભાંડની શરૂઆત અને અંત ક્યાં? ‘યોગા સે હી હોગા’ બોલી બોલીને અડધા ઉઘાડા શરીરે જાતભાતના યોગ કરનારા બાબા રામદેવ કસરત કરતા રહેત, કરાવતા રહેત તો ચાલત પણ આ ‘બાબા’ની મહત્ત્વાકાંક્ષાઓ બે બરણી ચ્યવનપ્રાશ ઝાપટીને સુપરમેન થઇ જવાની હતી – એટલે કે આ ભગવાધારીએ પોતાની જાતને આયુર્વેદ, યોગ, રાજકારણ બધામાં જ ઝંપલાવ્યું. જ્યાં જરૂર નહોતી ત્યાં ય બકવાસ કર્યો અને પછી પગનો અંગૂઠો મ્હોમાં લઇને ચૂપ થઇ જવું પડે એ વાળું આસન કરવાનો વારો આવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની વિશ્વસનીયતા પર, પતાંજલિની પ્રોડક્ટ્સની જાહેરાતોમાં કરાતા દાવાઓ પર, પતાંજલિ કંપની અને તેના ‘માણસો’ દ્વારા એલોપથિની દવાઓ અંગે ફેલાવાતી બોગસ માહિતીઓ અંગે એવા સવાલો કર્યા કે જાહેરાતો બંધ કરી દેવાનો વારો આવ્યો.
બાબા રામદેવની કંપની પતાંજલિના જાતભાતના ઉત્પાદનો આપણને જે વચન આપે છે અને એ પૂરાં કરવામાં સરિયામ બોગસ સાબિત થાય છે એવા જ વચનો આ બાબાએ પણ આપ્યા. કાળું નાણું તો ભા.જ.પા. સરકાર સત્તા પર આવશે એના 100 જ દિવસમાં પાછું લાવીને લોકોને વહેંચી આપવાની વાતે બાબા રામદેવ એવા ચગ્યા એવા ચગ્યા કે ના પૂછો વાત! ભા.જ.પા.ની સરકાર બે વાર સત્તા પર આવી. કાળુ નાણું શવાસનમાં રહ્યે રહ્યે જ સૂઇ ગયું છે અને જ્યાં છે ત્યાં જ છે. ભા.જ.પા.ના પ્રચારક – દલાલ – ભેર તાણાનાર – તરીકે બાબા રામદેવે લાંબો સમય સુધી સેવાઓ આપી. ધાર્મિક ટેલિવિઝન ચેનલ્સ પર રામદેવે પોતાનો અને પોતાની રાજકીય વિચારધારાનો યોગના સહારે ભારે પ્રચાર કર્યો. યોગની નારિયેળી પર સડસડાટ ચઢી જઇને રામદેવે પોતાને પૂરતા ‘ફેમસ’ કરી દીધા હતા. આ બધું પતાંજલિને બ્રાન્ડ તરીકે લૉન્ચ કરતા પહેલાનું માર્કેટિંગ હતું. ભા.જ.પા.ની વાહવાહી કરવાનો લાભ એ થયો કે બાબા રામદેવને અને તેમના જે પણ અગડંબગડં કામ હતાં તેની પર ભા.જ.પા.ના નેતાઓએ માન્યતાનો સિક્કો માર્યો.
2006માં પતાંજલિ ભારે જોરશોરથી લૉન્ચ થયેલી બ્રાન્ડ હતી અને એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભા.જ.પા.ના નેતાઓએ પણ કામ કર્યું. રાજકારણ પણ પ્રેમ જેવું જ હોય છે – બન્ને બાજુથી હોય તો જ ચાલે. આયુર્વેદિક, સ્વાસ્થ્યલક્ષી, નિર્દોષ વગેરે લેબલથી તંદુરસ્તી પ્રત્યે જાગૃત થયેલી જનતાને આકર્ષણ થયું અને કોઇએ લાંબુ વિચાર્યું નહીં. કોઇએ એવું ય ન જોયું કે મોટાભાગની ચીજો તો કોઇ બીજી કંપનીની હતી પણ વેચાણ પતાંજલિને નામે થતું હતું. પતાંજલિના નામે વેચાતી કોઇપણ વસ્તુ પર ભરોસો ન કરી શકાય કારણ કે તેનું ઉત્પાદન તો કોઇ બીજી જ કંપની કરતી હતી અને તે કેવી રીતે બનાવવામાં આવતું હતું તેને વિશે કોઇ ચોખવટ નહોતી. ઉત્પાદનની શરૂઆત કરી ત્યારે તો પતાંજલિએ FMCGમાં ઝંપલાવ્યું. તમને યાદ છે ને કે નેસલેની ઇન્સ્ટન્ટ નુડલ્સ મૅગીના વિરોધમાં કેવું જોરદાર અભિયાન ચાલ્યું હતું? બાબા રામદેવે આ અરસામાં પતાંજલિ ઇન્સ્ટન્ટ નુડલ્સ લૉન્ચ કર્યા હતા. રામદેવે પોતાની પબ્લિસિટી કરવામાં કોઇ તમા ન રાખી, ટેલિવિઝન, રેડિયો, અખબારો – બધે આ ભગવાધારીએ પોતાનો ચહેરો પાથર્યો. કહેવાય છે કે પતાંજલિનું જાહેરાતનું વાર્ષિક બજેટ 400 કરોડ હતું. રામદેવે પોતાની કંપનીની બ્રાન્ડ ખડી કરવામાં આપણાં શાસ્ત્રો, દાનમાં જતો નફો વગેરે વાતો કરીને મજબૂત નેરિટવ ઊભું કર્યું. કંપનીને ફ્યૂચર ગ્રૂપ જેવા મોટા ગ્રૂપનો ટેકો મળ્યો. એક સમય પછી માંગ વધી અને પુરવઠો ખૂટ્યો કારણ કે પતાંજલિ પાસે ઉત્પાદન માટે પોતાનું કોઇ વ્યવસ્થિત માળખું તો હતું જ નહીં. વળી જે ચાલતું હતું એને ચલાવવાને બદલે મંજનમાંથી કપડાં બનાવવાની હોડમાં પણ રામદેવે ઝંપલાવ્યું. પોકળ દાવા ખુલ્લા પડતા ગયા અને આખરે સુપ્રીમ કોર્ટે પતાંજલિ બ્રાન્ડને સાણસામાં ઝાલીને બરાબર કાન આમળ્યા છે.
વળી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના રાજકીય એજન્ડા વચ્ચે રામદેવની જાહેરાતોમાં ભારતની આર્થિક આઝાદી માટે – એવા અર્થનો પ્રચાર પણ કરાતો. પોતાની જાહેરાતોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતની સ્વદેશી ચળવળનો ઉલ્લેખ કરવામાં પણ રામદેવ ખચકાયા નહીં. રાષ્ટ્રવાદ, સ્વાતંત્ર સંગ્રામ, આર્થિક સ્વતંત્રતા જેવા લેબલ વાપરવામાં રામદેવનો સીધો એજન્ડા હતો ભા.જ.પા.નો આડકતરો પ્રચાર. સરકારે પણ ક્યારે ય સવાલ ન કર્યો કે પતાંજલિના ઉત્પાદનોની જાહેરાતોમાં સ્વાતંત્ર્ય સંગ્રામને લગતી બાબતો કે રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કેમ કરાતો હતો? આ તો છેતરપીંડી ભર્યા મૂડીવાદને માર્ગ મોકળો કરી આપવાની ઘટના થઇ ગઇ.
કોઇ યોગ ‘ગૂરૂ’ (ગુરુની જોડણીમાં જાણી જોઈને ભૂલ કરી છે, ઇન્સ્ટાગ્રામની ભાષામાં કહીએ તો #Iykyk – એટલે કે ઇફ યુ નો યુ નો…)એ રાજકારણની ગાદીના ‘આસન’ બનીને પથરાઇ જવાની શું જરૂર પડી હશે, ભલા? રામદેવને યોગ ગુરુ ગણવા, પતાંજલિ શરૂ કરનારા આંત્રપ્રિન્યોર કે બિઝનેસમેન ગણવા કે પછી રાજકારણી ગણવા? વળી ગુરુના ચેલા એટલે કે તેમના સહયોગી બાલકૃષ્ણ પતાંજલિ આયુર્વેદ લિમિટેડના 94 ટકા શેરના માલિક છે. આ સાબિત કરે છે કે પતાંજલિ કંપનીનો દાવો હતો કે જે નફો રળે છે એ દાન ધર્માદા માટે વપરાય છે એ પણ સાવ બોગસ હતો. કોર્ટ સામે હાથ જોડીને માફી માગ્યા પછી પણ હજી રામદેવને કોઇ રાહત નથી મળી અને કોર્ટે તો એ વાતની પણ નોંધ લીધી છે કે રામદેવ અને તેના ચેલાએ પહેલા તો મીડિયાને માફીનામું મોકલ્યું કોર્ટને નહીં જે બતાડે છે કે તેમને પોતાના પ્રચારમાં વધારે રસ છે. પતાંજલિ આયુર્વેદ લિમિટેડ સામે પગલાં ન લેવા બદલે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને પણ સવાલ કર્યો છે કે ફરિયાદો મળવા છતાં લાઇસન્સિંગ ઇન્સ્પેક્ટરે ચૂપકીદી સેવી જે બતાડે છે કે સરકાર પણ તેમની સાથે મળેલી હોય એમ લાગે છે.
હકીકત એ છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે – આપણે ત્યાં એવું જ થયું છે. જે કોરોનાવાઇરસને નાથવા માટે વિશ્વના સર્વોત્તમ વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરીને કામ કરતા હતા તેની સારવાર રામદેવની પતાંજલિએ બહાર પાડી અને પાછું એમ પણ કહ્યું કે WHO દ્વારા માન્ય સારવાર છે. એ મામલે પણ તેમણે કાયદાકીય પગલાંનો સામનો કરવો પડ્યો હતો. રામદેવે એક બે જણને નહીં આખે આખા દેશને જ મૂરખ બનાવ્યો છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. એક સમયે સ્ત્રીઓનાં સુરવાલ કુર્તા અને દુપટ્ટામાં પોતાની જાતને છુપાવતા કાળાં નાણાં માટેની ચળવ રામદેવે યુ.પી.એ. સરકાર તેમને મારી નાખવા માગે છેનું ગાણું પણ ચલાવ્યું હતું. આ એ જ રામદેવ છે જેણે એવો દાવો કર્યો હતો કે સજાતીયતા એક રોગ છે જેને સાજા કરવાનો ઇલાજ તેમની પાસે છે. કમનસીબે જનતાને આવી છીછરી, પાયા વગરની વાતોમાં રસ પડે છે. ચંદ્રયાન પર ખુશ થનારા આપણને ધર્મગુરુઓની દાનત પર શંકા નથી કરવી. અંધશ્રદ્ધા અને તાર્કિક વિચારસરણીને નબળા પાડનારા ધુતારાઓ પોતાના આશ્રમો ચલાવે છે, યોગનો બિઝનેસ કરે છે અને રાજકારણીઓ તેમને સાચવી લે છે કારણ કે અંતે આડકતરા પ્રચારમાં તેમને જ માધ્યમ બનાવવામા આવશે. આ બધું ય હોવા છતાં આપણા સમાજને તો સવાલ પૂછનારા દરેક સામે વાંધો છે, જેમ કે ગૌરી લંકેશ, ડૉ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસારે, એમ.એમ. કલબુર્ગી – આ લોકો આપણી વચ્ચે હવે નથી રહ્યાં – તેમની હત્યા કરાઇ છે.
બાય ધી વેઃ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધર્મગુરુઓનો પ્રભાવ ભારતના રાજકારણ અને સમાજ બન્નેમાં વધ્યો છે. આમે ય રાજકારણીઓ(પછી તે કોઇપણ પક્ષનાં હોય)ને ધર્મગુરુઓ અને બાવાઓ સાથે સારું ફાવે છે ને હિંદુવાદને એજન્ડા બનાવનારી સરકારને તો ખાસ. વળી કેટલા બધા કહેવાતા ધર્મગુરુઓ જેમ કે ગુરમીત રામ રહીમ, આસારામ બાપુ, નિત્યાનંદ સ્વામી, જયેન્દ્ર સરસ્વથી સ્વામીગલ સામે જાતભાતના ગેરરીતિના આક્ષેપો થયા છે – આ આક્ષેપોમાં બળાત્કાર, હત્યા, મની લોન્ડરિંગ જેવા અનેક ગુનાઓ સામેલ છે. વળી ઘણા બધા ધર્મગુરુઓએ તગડી ધન-સંપત્તિ પણ ભેગી કરી છે. સાદગીની વાતો કરનારા કરોડોની કાર્સમાં ફરે છે. ચૂંટણીનો સમય છે એટલે વરસાદી દેડકાંની માફક ધર્મગુરુઓ પણ મોટી સંખ્યામાં સપાટી પર આવીને કૂદકાં મારવાના છે. સજાગ સમાજે દંતકાંતીથી દાતણ કરવાનું બંધ કરવું જોઇએ, ખુલ્લા મ્હોંએ આ બાવાઓની વાતો સાંભળવાને બદલે આંખો ખોલીને વાસ્તવિકતા જોવાનો પ્રયત્ન કરવો જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઍપ્રિલ 2024