દિવાળી એ અંધકાર પર અજવાળાના વિજયનો ઉત્સવ છે. દિવાળીના દિવસોમાં દીપ પ્રગટાવીને આપણે અંધકાર સામે ઝીંક ઝીલવાનો જુસ્સો દેખાડીએ છીએ. જો કે, દેશ અને સમાજમાં અખંડ દિવાળી લાવવી હોય તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, અસમાનતા અને અન્યાયના અંધકાર સામે જંગ માંડવો પડે. આ જંગ પ્રતિબદ્ધ માનવદીપકો વિના કેમ લડી શકાય? આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે. તાજેતરમાં ડો. પ્રકાશ આમટેના જીવન અને કાર્યને રજૂ કરતી ફિલ્મ 'ડો. પ્રકાશ બાબા આમટે – ધ રિયલ હીરો' મરાઠી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ રિલીઝ થઈ છે. નાના પાટેકર અભિનીત આ ફિલ્મ સારી બની છે, પરંતુ અહીં આ ફિલ્મની નહીં, પણ એ નિમિત્તે ડો. પ્રકાશ આમટેના સાદગીભર્યા જીવન અને સંઘર્ષપૂર્ણ સેવાકાર્યની વાત કરવી છે.
પદ્મશ્રી, પદ્મભૂષણ અને રેમન મેગસેસે જેવાં ખ્યાતિપ્રાપ્ત સન્માનો મેળવનારા મહારાષ્ટ્રના સમાજસેવક બાબા આમટે અને સાધના આમટેના ઘરે ૨૬ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ જન્મેલા ડો. પ્રકાશ આમટેને સમાજસેવા તો જાણે ડી.એન.એ.માં જ મળી હતી. ડો. પ્રકાશ અને તેમના મોટા ભાઈ વિકાસ આમટેએ પિતાના સેવાના વારસાને માત્ર જાળવ્યો અને ઉજાળ્યો નથી, બલકે પોતાની આગલી પેઢીમાં આગળ પણ વધાર્યો છે. આજે આ બે ભાઈઓનાં ઉચ્ચ ડિગ્રીપ્રાપ્ત સંતાનો પણ સમાજસેવાના મિશનમાં સક્રિય છે. ડો. પ્રકાશ આમટે પદ્મશ્રી સન્માન ઉપરાંત પોતાનાં પત્ની ડો. મંદા સાથે એશિયાના નોબેલ પારિતોષિક ગણાતા રેમન મેગસેસે એવોર્ડથી પોંખાયાં છે.
ડો. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડો. મંદા અભ્યાસે અને વ્યવસાયે ડોક્ટર છે. ડોક્ટરનું ભણ્યા પછી તેમણે ધાર્યું હોત તો લાખો રૂપિયા કમાઈને સુખી-સમૃદ્ધ જીવન જીવી શક્યાં હોત, પણ તેમના લોહીમાં અને દિલમાં રહેલી સમાજસેવાની ભાવનાને કારણે તેમણે સાદગીપૂર્ણ જીવન અને સંઘર્ષભર્યો જનસેવાનો માર્ગ અપનાવ્યો. સેવા કરવા માટે એમણે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદો જ્યાં મળે છે, એવા અંતરિયાળ, અતિ પછાત અને અડાબીડ અગવડોવાળા હેમલકસા અને તેની આજુબાજુના વિસ્તાર પર પસંદગી ઉતારી. માર્ચ-૧૯૭૪થી આ દંપતી જ્યાં વસ્યું એ હેમલકસામાં ન તો વીજળી હતી, ન સડક, ન સંદેશાવ્યવહારનાં સાધનો. આટલું અધૂરું હોય એમ તેઓ જે માડિયા ગોંડ આદિવાસી લોકોની સેવા કરવા તત્પર હતા, એ લોકોએ તેમને સહકાર તો ઠીક શરૂઆતના ગાળામાં સ્વીકાર્યા પણ નહોતા ! દુનિયાથી સાવ અલિપ્ત અને પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરનારા આદિવાસી લોકો માટે તેઓ પરગ્રહવાસી જેવા હતા. લોકો તેમને જોઈને સંતાઈ જતા હતા. વળી, તેમની ભાષા અલગ અને સંસ્કૃિત પણ સાવ નોખી. આ લોકો માટે બીમારી એટલે કાં તો દેવીનો કોપ કે પછી કોઈએ મૂઠ મારી હોય, એવી અંધશ્રદ્ધા. સારવાર લેવાનું તો તેમને ગળે જ ન ઊતરે. આવા લોકોની ટાંચાં સાધનો સાથે સારવાર કરવા કરતાં પણ અઘરું કામ હતું, તેમને સારવાર લેતા કરવાનું. જો કે, ડો. પ્રકાશ અને તેમના સાથીઓના વ્યવહાર અને ભાવનાશીલ વર્તનને કારણે ધીમે ધીમે લોકોના વલણમાં પરિવર્તન આવ્યું. ગરીબ અને પછાત આદિવાસીઓ સાથે હમદર્દીની હદ તો જુઓ કે આદિવાસી પાસે પહેરવા માટે પૂરતાં કપડાં નહોતાં, એ જોઈને ડો. પ્રકાશે રોજિંદા જીવનમાં અરધી ચડ્ડી અને બંડ્ડી પહેરવાનું જ અપનાવી લીધું! આખરે ડો. પ્રકાશ અને તેમના સાથીઓની ભાવના અને મહેનત રંગ લાવ્યાં. હેમલકસાનાં લોકો જ નહીં પ્રાણીઓ (ડો. પ્રકાશ પ્રાણીઓ માટે અનાથાલય પણ ચલાવે છે.) સહિત સમગ્ર વિસ્તારે તેમને પોતીકા બનાવી લીધા છે. આજે આશરે ચારેક દાયકાની મહેનત પછી હેમલકસાનો એટલો વિકાસ થયો છે કે ત્યાંની નવી પેઢી સમાજના મુખ્ય પ્રવાહમાં વહેતી થઈ છે. લોક બિરાદરી પ્રકલ્પ અંતર્ગત ચાલતી શાળામાં ભણેલાં બાળકો આજે શિક્ષકો, ડોક્ટરો, પોલીસ, વનરક્ષકો, વકીલો બન્યાં છે.
એક ડોક્ટર તરીકે પ્રકાશભાઈને થયેલા અનુભવો ગમે તેવા કઠણ હૃદયના માણસને હચમચાવે એવા છે, સાથે સાથે પ્રેરણારૂપ પણ છે. ડો. પ્રકાશે પોતાનાં સંભારણાંઓ મરાઠીમાં 'પ્રકાશ વાટા' નામના પુસ્તકમાં સમાવ્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ 'પ્રકાશની પગદંડીઓ'ના નામે સંજય શ્રીપાદ ભાવેએ કરેલો છે.
દેશના દરેક પછાત-અંતરિયાળ વિસ્તારને ડો. પ્રકાશ આમટે જેવો ડોક્ટર મળવો જોઈએ. ડો. પ્રકાશ જેવા લોકો સમગ્ર દેશમાં ફેલાય-કાર્યરત થાય તો દેશમાં ન રહે બીમારી, ન રહે અજ્ઞાાન કે અંધશ્રદ્ધાનો અંધકાર કે ન રહે નક્સલવાદ જેવી સમસ્યાઓ.
દેશની દિવાળી સુધારવા માટે આવા અનેક પ્રકાશ પેદા થાય, એવી પરમપ્રભુને પ્રાર્થના.
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની સાપ્તાહિકી કટાર, “સંદેશ”, 19 અૉક્ટોબર 2014