અંદાઝે બયાં અૌર — 4
એક મજાનો શેર છે :
દિલ સયર હૈ ગદાએ જનાબે અમીર કા
ખાલી કભી રહા નહીં કાસા ફકીર કા
કવિ કહે છે કે અમીર યાને સરદાર, હાકિમનો જે માગણ છે તેનું હૃદય ભરચક છે. અા ફકીરનો પ્યાલો (શકોરું કે કશકોલ) ક્યારે ય ખાલી રહ્યો નથી ! પ્યાલો હંમેશ ભર્યો ભર્યો રહ્યો છે.
આ શેરના રચયિતા છે મીર અનીસ. બહુ મોટું નામ. ઉર્દૂ શાઇરીની અાબરુ. ઉર્દૂ પદ્યસૃષ્ટિમાં મીર એકાધિક થયા છે. જેવા કે મીર દર્દ, મીર ગુલામ હુસૈન, મીર સોઝ વગેરે. પરંતુ એ સૌમાં વરિષ્ટ સ્થાન ધરાવતા કોઈ હોય તો તે છે મીર તકી મીર અને મીર અનીસ.
મીર તકી મીર વિશે અાપણે અા પૂર્વે જોઈ ગયા છીએ. એમના જ સમયમાં મીર અનીસે તેમની કવિતાનો દીપક પ્રકટાવ્યો હતો. અા એક મોટું સાહસ હતું. અફતાબે સુખન મીર સાહેબની હાજરીમાં કોઈ અન્ય સુખનવર પોતાનો દીવો ઝગમગાવે એ કંઈ સામાન્ય વાત ન હતી. મીર અનીસે અા સાહસ ખેડ્યું અને ઠાઠથી ખેડ્યું ને સફળતાઓએ તેમના ગળામાં એવા ફૂલહાર નાખ્યા કે તેની સૌરભ સદીઓ પાર આજે ય મઘમઘી રહી છે.
મીર અનીસ એક વરિષ્ઠ શાયર હતા, પણ તેમની કલમ ખાસ કરીને ધાર્મિક વિષયોના દાયરા પૂરતી સીમિત રહી હતી. તેમણે સર્જનહારની પ્રશસ્તિ, અંતિમ નબી હઝરત મુહમ્મદ (સ.અ.વ.) વિશેની ના’ત તેમ જ તેમના કુટુંબ, કબીલા અને ખાસ કરીને કરબલાની અતિ કરુણ ઘટના તથા હઝરત ઈમામ હુસૈન – (રદિ.) અને તેમના પરિવાર વિશેના મરસિયા – સલામો લખવામાં પોતાનું તમામ સામર્થ્ય ખરચી નાખ્યું હતું. કહે છે કે ઉર્દૂ ભાષામાં તેમની કક્ષાનો કોઈ અન્ય મરસિયાકાર પેદા થયો નથી.
શાયરી તેમને વારસામાં મળી હતી. તેમના પરદાદા મીર ઝાહક, દાદા મીર હસન ને પિતા ખલીક તેમના સમયના પ્રતિષ્ઠ શાયર હતા. તેમના દાદા મીર હસનની મસ્નવી ‘સહરૂલ બયાન’ ઘણી મશહૂર હતી અને આજે પણ રસપૂર્વક વંચાય છે. આવી શાનદાર પૃષ્ટભૂમિ ધરાવતા આ શાયર હકદાવા સાથે કહી શકે છે કે :
પાંચવી પુશ્ત શબ્બીર કી મદ્દાહી મેં
ઉમ્ર ગુઝરી ઈસી દશ્ત કી સય્યાહી મેં
શબ્બીર એટલે હઝરત ઈમામ હુસૈન − (રદિ.)ની મદ્દાહી એટલે કે પ્રશસ્તિમાં અમારી આ પાંચમી પેઢી છે. શાયરી મરસિયાગોઈ અમારો ખાનદાની વારસો છે. આ રણભૂમિના પ્રવાસમાં અમે એક પ્રલંબ અરસો વીતાવ્યો છે. જિંદગી વીતાવી છે.
એમની મરસિયાગોઈ વિશે મિર્ઝા ગાલિબે કહ્યું છે કે : ‘ઉર્દૂ ભાષાએ મીર અનીસથી બહેતર મરસિયાકાર શાયર પેદા કર્યો નથી.’
અને પ્રતિષ્ઠ કવિ સરદાર જાફરી કહે છે કે : ‘હું અનીસનો શુમાર ઉર્દૂના ચાર મહાન શાયરોમાં કરું છું. બાકીના ત્રણ મીર તકી મીર, ગાલિબ અને ઇકબાલ છે. વીસમી સદીની નઝમની ભાષાને મીર અનીસ ઓગણીસમી સદીમાં વિકસાવી ચૂક્યા હતા.’
મૌલાના અબૂલ કલામ અાઝાદના શબ્દોમાં કહીએ તો, મીર અનીસના મરસિયા વિશ્વસાહિત્ય વિષેની ઉર્દૂ ભાષાની એક અમૂલ્ય ભેટ છે.
એમના મરસિયાનો એક બંદ યાને છ પંક્તિઅો જોઈએ :
શોર થા ફાતિમા કા રાહતે-જાં કત્લ હુવા
હાય ! પાની ન મિલા િતશ્નાદહાં કત્લ હુવા
હક કે સજદે મેં ઈમામે દો જહાં કત્લ હુવા
કીબ્લએ દીં, શહે કોનો-મકાં કત્લ હુવા
ઝુલ્મે અઅદા સે હુવા યસરબો-બત્હા ખાલી
હો ગઈ પંજતનપાક સે દુનિયા ખાલી
અા કવિ બહુ ખુદ્દાર – સ્વાભિમાની હતા. અમીર – ઉમરાવો તો ઠીક શાહો તથા નવાબોને ય ઘાસ નાખતા ન હતા. તેમના એક શેરમાં તેમના આ મિજાજનું પ્રતિબિંબ આબાદ ઝીલાયેલું જોવા મળે છે.
દર પે શાહોં કે નહીં જાતે ફકીર અલ્લાહ કે
સર જહાં રખતે હૈં સબ હમ કદમ રખતે નહીં
અહીં આ બેલાગ બે બેદાગ ખુદ્દારી છે તો તેમના એક અન્ય શેરમાં એ ખુદ્દારી જેના પર નિર્ભર હતી તેની સ્પષ્ટતા કરતાં તેઅો કહે છે :
ક્યા પૂછતે હો નામ મેરે દસ્તગીર કા
બાઝુ નબી કા, હાથ ખુદાએ કદીર કા
જ્યાં ખુદા, મહા સામર્થ્યવાન ખુદાનો હાથ અને અંતિમ નબીના બાહુ દસ્તગીરી કરતા હોય ત્યાં શાહો – નવાબોની જીહજૂરી શાયર શું કામ રે ? પણ શાયર મીર અનીસ અસભ્ય કે અવિવેકી ન હતા. સુસભ્ય, સંસ્કારી ને વિવેકી હતા. ખુશ અખ્લાક હતા. મિત્રો – મુલાકાતીઅોની કદર કરી જાણતા હતા. હેસિયતની હદમાં રહીને તેમની અાગતાસ્વાગતા પણ કરતા. − મિત્રો વિશે તેમનો અભિપ્રાય હતો કે એ તો કાચની નાજુક સામગ્રી ગણાય. એમનો ખાસ ખયાલ રાખવો જોઈએ. અોછુંવત્તું ન થાય ! ક્યાંક ઠેસ, ઠોકર ન લાગે !
ખયાલે ખાતિરે અહબાબ ચાહિયે હરદમ,
‘અનીસ’ ઠેસ ન લગ જાયે આબગીનોં કો !
આબગીના એટલે કાચની સામગ્રી, પ્યાલીઅો, અારસી વગેરે. આ મિત્રો તો ભઈ કાચની સામગ્રી જેવા, સંવેદનશીલ, લાગણીપ્રધાન ! હાજરદિમાગ રહીને, ઉમળકાભેર એમની આઅોભગત કરો, મહેમાનનવાઝી કરો ! એ વહાલાઅોને ક્યાંક કશું ઓછું ન આવે ! ઠેસ ન લાગી જાય ! … આ શેરમાં એક ધારદાર કટાક્ષ છે, અને એ જ શેરનો પ્રાણ છે.
અને અંતે અંતિમ નબી હઝરત મુહમ્મદ (સ.અ.વ.) તથા હઝરત અલી(રદિ.)ની પ્રશસ્તિ કરતો એક શેર
નબી કા ઈઝ્ઝો – શરફ બૂતુરાબ સમજે હૈં
અલી કી કદ્ર, િરસાલત – મઅાબ સમજે હૈં
°°°°°°°°°°°°
અંદાઝે બયાં અૌર — 5
મિર્ઝા ગાલિબ એક મહાન શાયર હોવા સાથે ભારે જિંદાદિલ ઇન્સાન હતા. યારોના યાર હતા. મહેફિલી માણસ હતા. વ્યંગ્યોક્તિ અને વક્રોક્તિનો ગુણ તેમનામાં ભારોભાર ભરેલો હતો. સામાન્ય વાતચીતમાં પણ વક્રોક્તિના ગુબારા ઉડાવતા. અને અશઆરમાં તો ઠેર ઠેર વ્યંયાર્થની ફૂલઝડી ફોડતા ચાલ્યા જતા હોય એમ લાગે છે. એક વાર તેમણે દિલ્હીપતિ બહાદુરશાહ ઝફરના ઉસ્તાદ મુહમ્મદ ઇબ્રાહિમ ઝૌકને લહાણમાં લીધા. એક મકતામાં તેમના પર કટાક્ષ કરતાં કહ્યું :
બના હય શહ કા મુસાહિબ, ફિરે હૈં ઇતરાતા
વગર ના શહેર મેં ‘ગાલિબ’ કી અાબરુ ક્યા હૈ ?
ઝૌકને ઝાળ લાગી ગઈ, ‘હું શાહનો ઉસ્તાદ છું, મારી ઠેકડી ઉડાવે છે ! જોઈ લઈશ !’ − અને તેમણે શાહના કાન ભર્યા. પરંતુ ઇચ્છા મુજબ ગાલિબનું અપમાન કરાવી શક્યા નહીં. અલબત્ત, એટલું જરૂર થયું કે ઝૌકની હયાતીમાં ગાલિબ શાહી દરબારમાં સ્થાન મેળવી શક્યા નહીં.
અા શાયર ઝૌકની ગણના ઉસ્તાદ શાયરોમાં થાય છે. તેઓ કાવ્યકળા તથા છંદોના જાણકાર હતા. ભાષા ઉપર પણ સારું પ્રભુત્વ હતું. અને રિવાયતી − પ્રણાલિકાગત શાયરી કરતા હતા. શાયરીમાં તેમણે કશું નાવીન્ય અાણ્યું હોવાનું જોવા મળતું નથી. શૈલી, વિચારો, વિષયો એ જ ચીલાચાલુ.
પરંતુ હતા જીહજૂરી તબિયતના અને મીઠા બોલા અાદમી. વળી ચાલાક પણ ખાસા. શાહ ઉપર એવો જાદુ જમાવ્યો હતો કે તેમને ઝોક વિના ચાલતું ન હતું.
અા શાયરે ઘણું લખ્યું, પણ એ માંહેનું લોકોના દિલોમાં ઘર કરે એવું કેટલું એ એક સવાલ છે. મોટા ભાગનું સીધું સાદું ને સપાટ.
એમનો જન્મ ઇ.સ. 1789માં દિલ્હીમાં થયેલો, ગરીબ કુટુંબમાં. મૂળ નામ મુહમ્મદ ઇબ્રાહિમ. તખલ્લુસ ઝૌક. પિતાનું નામ હતું મુહમ્મદ રમઝાન. શાયરીની કળામાં ગુલામ રસૂલ શૌક અને શાહ નસીરના શિષ્ય હતા. અકબર શાહ બીજાના દરબારમાં ખાકાની એ હિન્દનો ખિતાબ મળ્યો હતો. શાહોના કસીદા લખવામાં સારી મહારત ધરાવતા હતા.
ઉપખંડને અાઝાદી મળી તે પૂર્વે, હું હિન્દી ભાષાનો અભ્યાસ કરતો હતો ત્યારે પાઠ્યપુસ્તકમાં ઝૌક સાહેબની એક રૂબાઈ હતી. એની ચાર પંક્તિઓમાંની શરૂની બે વિસરાઈ ગઈ છે. અંતિમ બે યાદ છે, જે ઘણું કરીને અા પ્રમાણે હતી:
જો અા કે ન જાય વહ બુઢાપા દેખા
જો જા કે ન અાયે વહ જવાની દેખી
એમના અશઅારમાં અાવી શાશ્વત, સનાતન વાતો અકસર અાવે છે. ગમે એમ, પણ ગઝલ હશે, ગીત હશે ત્યાં ઈશ્ક પણ હોવાનો ને ઈશ્કી લટકાચટકા પણ હોવાના. અને પ્રિયતમા હોય તો નખરા તો ખરા જ. તે તો વાતે – વાતે નખરા કરે અને એવા એવા સવાલ ઊભા કરે કે − તૌબા ! અાવી સ્થિતિ પર પ્રકાશ પાડતાં ઝૌક સાહેબ કહે છે :
સમઝ મેં હી નહીં અાતી હય કોઈ બાત ‘ઝૌક’ ઉસ કી
કોઈ જાને તો ક્યા જાને કોઈ સમઝે તો ક્યા સમઝે
અને અાવી દશામાં હેરાન – પરેશાન થયેલો પ્રેમી અગર શિકાયત કરે તો પણ શું કરે ! મોં ખોલવા દે તો ને !
ખૂબ રોકા શિકાયતોં સે મુઝે
તૂને મારા ઈનાયતોં સે મુઝે
શાયરોને સંત – મહંત, મુલ્લાઓ સાથે પણ અકસર કજિયો રહે છે. શાયરોની દુનિયા અલગ હોય છે. તેઅો જે જુએ, વિચારે છે તે સંત – મહંત જોઈ – જાણી કે વિચારી શકતા નથી. અને એથી શાયરોની જીવનતરેહ તેમની સમજમાં અાવતી નથી. બધું ભ્રષ્ટ લાગે છે. અને પરિણામે ફતવાબાજી ને કજિયા થાય છે. ઝૌક સાહેબને કોઈક એવા ઝાહિદ યાને સદાચારી સંત સાથે અથડામણ થઈ હશે અને તેમણે ઝાહિદને છટકારતાં કહ્યું હશે :
રિન્દે ખરાબ હાલ કો ઝાહિદ ન છેડ તુ
તુઝ કો પરાઈ ક્યા પડી અપની નબેડ તુ
પરંતુ સંત, મહંત, મુલ્લા, ઝાહિદ અામ વાકપ્રહારથી પીછેહઠ કરી જાય એવા શરીફ ક્યાં હોય છે ? તે તો બખેડો કરે છે. મરવા – મારવા પર આવી જાય છે. ધર્મ જાણે એમની જાગીર ન હોય ! પરિસ્થિતિ અત્યંત તંગ થાય છે તો શાયર કહે છે :
ઈસ સયદે મુઝતરબ કો તહમ્મુલ સે ઝુબ્હ કર
દામાનો – આસ્તીં ન લહૂ મૈં લથૈડ તુ
આ ગભરાયેલા, પરેશાન શિકારને અગર તમારે કતલ કરવો જ હોય તો જરા ધીરજથી, શાંતિથી છરી ચલાવો. હાંફળા ફાંફળા તઈને તમારા પાલવ તથા આસ્તીનને તો લોહીમાં લથબથ ન કરો !
ઝૌક સાહેબની એક ગઝલ ખાસી મશહૂર છે − ‘મારા તો ક્યા મારા’ એ ગઝલના થોડા અશઆર જોઈએ :
કિસી બેકસ કો અય બેદાદગર મારા તો કયા મારા
જો આપ હી મર રહા હો ઉસ કો ગર મારા તો ક્યા મારા
ઓ જાલિમ, કોઈ નિરાધાર – કંગાલને અગર તેં માર્યો તો શું માર્યો. એ તો પોતે જ મરી રહ્યો હતો, એવા મરિયલને, મરવાના વાંકે જીવી રહેલાને માર્યો તો શું માર્યો ! વાત તો ત્યારે બનત કે, કોઈ બળવાનને, શૂરવીરને માર્યો હોત !
ન મારા અાપ કો, જો ખાક હો અકસીર બન જાતા
અગર પાસે કો અય અકસીરગર, મારા તો ક્યા મારા
મારવું હોય તો માણસે પોતાની જાતને મારવી જોઈએ. પોતાના અહમને મારવો જોઈએ. અગર તેં એમ કર્યું હોત તો તારી રાખ અકસીર – રામબાણ અૌષધ બની જાત ! પણ અફસોસ, ઓ અકસીરગર, તેં આ પારાને માર્યો તો શું માર્યો ! એ શા ખપનો ? કાંઈક પામવું હોય તો તારી જાતને માર ! અહમને માર !
દિલે બદ-ખાહ મેં થા મારના યા ચશ્મે બદ-બીં મેં
ફલક પર ‘ઝૌક’ તીરે-આહ ગર મારા તો ક્યા મારા
કવિ પોતાની જાતને સંબોધીને કહે છે કે ઓ ઝૌક, તેં અાહનું તીર આકાશમાં માર્યું એ સાવ નિરર્થક છે. એનાથી કશો જ લાભ નહીં થાય. આહનું તીર અગર મારવું હતું તો કોઈનું અહિત ઇચ્છતા હૃદયમાં માર્યું હોત યા બૂરી નજર, કુદૃષ્ટિ રાખનારી અાંખમાં માર્યું હોત ! − ખેર, તું ગાડી ચૂકી ગયો છે !
આ કવિને ક્ષિતિજ ઓળંગી જવાની આરઝૂ હતી, પણ − −
અહાતે સે ફલક કે હમ તો બાહર
નિકલ જાતે, મગર રસ્તા ન પાયા
અલબત્ત, એમના આત્માને રસ્તો મળી ગયો અને 1854માં તે ક્ષિતિજ ઓળંગી ગયો. − મૌલાના મુહમ્મદ હુસૈન આઝાદે તેમના દીવાનનું સંપાદન કર્યું હતું.
[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]
°°°°°°°°°°°°