લગભગ ૨૫ વર્ષની હું થઈ, ત્યાં સુધી કોઈ પણ મુસ્લિમની નિકટ જવાનું બન્યું જ નહીં. મારી સાથે ભણતાં મુસ્લિમ ભાઈ-બહેનથી હું મારાં દાદી તથા આપણા હિન્દુ સંસ્કારના લીધે દૂર જ રહી. ક્યારે ય સાથે ભણતાં મુસ્લિમ સાથે વાત કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. અરે .. ભણી રહ્યાં પછી, લગ્ન ના થયા ત્યાં સુધી, કેડીલામાં નોકરી કરી. ત્યાં પણ મુસ્લિમો વિશેના ચિત્ર-વિચિત્ર ખ્યાલોના લીધે, સાથે કામ કરનારાં સારા મિત્રો ગુમાવ્યાં.
લગ્ન પછી સાસરે આવી, તો ત્યાંના વાતાવરણ પ્રમાણે રહેવાનું અપેક્ષિત હોય જ. … ત્યાં અમારા પાડોશી ઐયુબભાઈ જે મારા સસરાના ખૂબ સારા મિત્ર પણ. ૩૦ બંગલાની હિન્દુ સોસાયટીમાં આ એક જ મુસ્લિમ પરિવાર, અને આ એક જ મારા સસરાના જિગરજાન દોસ્ત.
શરૂઆતનાં ૫-૭ વર્ષ, આ ઐયુબકાકા આવે, ત્યારે માડ-માંડ જરૂર પૂરતું જે કરવું પડે તે હું કરી લેતી. જન્મથી ૨૫ વર્ષ મળેલા સંસ્કાર મને તેમના પરિવારની નજીક જતા રોકતા. પણ સમય તેનું કામ કરે, તેમ ધીરે-ધીરે હું તેમની અને તેમના પરિવાર સાથે કમ્ફર્ટેબલ થવા લાગી.
આ પરિવાર સાથે મારા સંબધોએ મુસ્લિમો પ્રત્યેના મારા કેટલાયે પૂર્વગ્રહો તોડી નાખ્યા. મને શીખવવમાં આવ્યું હતું મુસ્લિમો હિંસક અને ઝનૂની હોય છે, પણ આ લોકોએ તેમના સાહિત્ય-પ્રેમ અને કલા-પ્રેમથી મારી નજરનો મોતિયો દૂર કર્યો. ગોધરાના કોમી રમખાણ દરમ્યાન, તેઓ આપણા ડરથી, ઘરમાં ભરાઈ રહેતા મેં નજરે જોયા છે. તેમને દૂધ -શાક્ભાજી મારા ઘરના લોકો લાવી આપતાં.
ઘણીવાર વિચાર આવે છે કે, મારા જે મુસ્લિમો માટેના ખ્યાલો હતા એવા શું મુસ્લિમોને આપણા માટે પણ હશે ???
આજે ઘણાં મુસ્લિમ મિત્રો સાથે મારી દોસ્તી છે, તે દોસ્તો મને માફ કરશે તેવી અપેક્ષા સાથે મેં મારો અનુભવ અહીં રજૂ કર્યો છે.
https://www.facebook.com/rita.thakkar2