વિકસિત દેશોની મુલાકાત લઈ પાછા ફરેલા ભારતીયો ત્યાંની સ્વચ્છતા વિષે અચૂક વખાણ કરશે. અલબત્ત, તેમાનાં જ કેટલાંકને ત્યાંની ‘વધારે પડતી’ ચોખ્ખાઈથી અનઇઝીનેસ પણ ફીલ થવા માંડતી હોય છે. કારણ કે ભારતીય ગંદકીનાં મૂળભૂત સંસ્કારોની અભિવ્યક્તિને ત્યાં ફરજિયાતપણે અંકુશમાં રાખવી પડતી હોય છે.
અનુશાસનનાં સંપૂર્ણ અભાવમાં જીવતી ભારતીય પ્રજા માટે ચોખ્ખાઈ બિલકુલ અગત્યનો મુદ્દો નથી, કારણ કે ગંદકી સાથેનું સહઅસ્તિત્વ બધાને અનુકુળ આવી ગયું છે. આપણાં રસ્તા, હોસ્પિટલો, રેસ્ટોરાનાં રસોડાં, બસ-અડ્ડા, રેલવે સ્ટેશનો, એરોપ્લેનનાં ટોયલેટ, કામ કરવાની જગ્યાઓ, બિલ્ડીંગના દાદરા, સરકારી સ્કૂલો, તીર્થસ્થાનો તથા તમામ જાહેર શૌચાલયો આપણી બેઢંગી અને ગોબરી રહેણીકરણીની સાક્ષી પૂરાવે છે. જ્યાં ને ત્યાં ગૂ-ત્યાગ કરતાં રખડતા કૂતરા, તથા જ્યાં ને ત્યાં પાનની પીચકારીથી પોતાની સિગ્નેચર ચોટાડતાં લુખ્ખાઓ વચ્ચે સ્વચ્છતા અંગેની સમજણમાં પૂર્ણતઃ એકરૂપતા દેખાય છે. આપણા તીર્થસ્થાનો કોહવાણની દુર્ગંધથી મઘમઘતા હોવા છતાં પ્રતિષ્ઠિત ઘરોનાં કહેવાતા ચોખલિયાઓ પણ ધાર્મિક લાગણીના આવેગમાં આવી જઈ, આ જાતની જગ્યાઓ પર ગૌરવ-પૂર્વક આળોટવા જતા હોય છે.
જાહેર સ્થળોને ‘સરકારી માલિકીની જગ્યા’ માની લઈ તેને બદબૂદાર બનાવતા રહેવાની માનસિકતા આપણી પ્રજામાં કોમન-સેન્સની ડેફિશિયન્સી બતાવે છે. કોઈ પરદેશી પ્રજા ફૂટબોલની મેચ બાદ પોતાની સીટ નીચેનો કચરો વીણીને પ્લાસ્ટિક બેગમાં ભરી લે એ ઘટના આપણને સૌને દિગ્મૂઢ બનાવી મુકે છે કારણ કે આપણે તો આવી કોઈ હરકતની કલ્પના પણ કરી નથી ! આપણે કહેવાતા ઉત્સવ-પ્રેમીઓ માટે તહેવાર એટલે માનવ-મહેરામણનું ઉમટી પડવું, ખૂબ ઘોંઘાટ કરવો, ટ્રાફિક-જામ કરવો અને આખરે આખેઆખા ઇલાકાને ગંદવાડમાં બદલીને બેજવાબદાર બની ચાલતી પકડવી. તહેવારની ઉજવણી એટલે જાહેરમાં બેતમીઝ બની, આવી વિકૃતિઓ આચરી તેનો આનંદ લેવો અને તેનો ગર્વ પણ લેવો.
સમાજની અંદર રહેતા નાગરિકો એકબીજાને આદર આપે તથા એકબીજાને અગવડરૂપ ન બનવા અંગે કાળજી લે એ ભાવનાને વિકસિત દેશોમાં ‘સિવિક સેન્સ’ કહેવામાં આવે છે. આ જાતની સેન્સ માટે ભારતીય મગજો બહુ કેળવાયેલાં નથી. ગીવ એન્ડ ટેક જેવું આ સરળ ગણિત આપણે હજુ શીખ્યા નથી.
જે લોકશાહીમાં નૈતિકતાનું સ્તર નિમ્ન હોય એવી પ્રજા પાસે જાહેરમાં રીતભાત-પૂર્વક વર્તવા અંગે જો કે વધુ પડતી અપેક્ષા રાખી શકાય નહિ.
https://www.facebook.com/nihar.meghani?fref=ts