Opinion Magazine
Number of visits: 9884486
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેશલેસ : પૈસા જ્યારે પૈસા નહીં, પ્રાઇવસીનો અધિકાર સ્ટેમ્પ હોય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 January 2017

અઢારમી સદી સુધી ભારતના લોકો કાગળના રૂપિયાના સ્થાને ચીજ-વસ્તુઓ કે સિક્કાઓનો વિનિમય કરતા હતા. યુરોપની ખાનગી વેપારી પેઢીઓએ ભારતમાં ધંધોશરૂ કર્યો ત્યારે કલકત્તાની બેન્ક ઑફ હિન્દોસ્તાને પહેલીવાર કાગળના રૂપિયા પ્રચલિત કર્યા. રૂપિયાની આ બસો વર્ષની બોલબાલા પછી એના વળતાં પાણી થયાં છે, અને ભારતમાં કેશલેસ અર્થવ્યવસ્થાનો પ્રચાર શરૂ થયો છે.

સંસારમાં ભૌતિક સુખ-સુવિધાની તરક્કીની સાથે એને પ્રાપ્ત કરવાના અવૈધ તરીકાઓની પણ એટલી જ જબ્બર તરક્કી થઇ છે. જગતના દેશોને એટલે જ કેશલેસ વ્યવસ્થા આકર્ષક લાગે છે. કોઇપણ નવી વ્યવસ્થાની વાત આવે ત્યારે એનાં બહુ ગુણગાન ગાવામાં આવે છે, અને જૂની વ્યવસ્થાથી ત્રસ્ત થયેલી જનતા એ નવા સ્તુિતગાનને ભોળા ભાવે ગાવા લાગી જાય છે.

કેશ વગરની દુનિયા કેવી હોય? એક રીતે એ પૈસા વગરની દુનિયા કહેવાય. પૈસાને અંગ્રેજીમાં કરન્સી કહે છે. કરન્સી એટલે જે કરન્ટ (વર્તમાન) ધારકની પાસે છે તે. તમારા પૈસા ચોરાઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય, એ કોઇકની પાસે તો છે જ. પૈસા હંમેશાં કરન્ટ જ હોય, વર્તમાનમાં જ હોય, પ્રવાહમાં જ હોય, ચલણમાં જ હોય, એટલે જ એને કરન્સી કહેવાય છે.

એ પૈસા જ્યારે બેન્કમાં જમા હોય ત્યારે એની કસ્ટડી બેન્ક પાસે હોય છે. બેન્કના એકાઉન્ટમાં જે બેલેન્સ હોય તે અસલી પૈસા ન કહેવાય, તે પૈસા ઉપરનો દાવો કહેવાય. આ ફર્ક મહત્ત્વનો છે. એ દાવો ત્યારે જ માન્ય ગણાય જો એ સિદ્ધ કરી શકાય. કેશલેસ વ્યવસ્થામાં દરેક લેવડ-દેવડને બેન્કની નજરમાંથી પસાર થવું પડે. બેન્કો આવી કોઇપણ લેવડ-દેવડનો ઇનકાર કરી શકે.

જરૂરી નથી કે પ્રત્યેક વ્યવહાર યોગ્ય સમીક્ષામાંથી પસાર થાય. એવું પણ બને કે કોઇ વ્યક્તિ કે સંસ્થા રાજકીય રીતે પ્રતિકૂળ હોય તો એને લેવડ-દેવડથી વંચિત રાખવામાં આવે. અગાઉ હવાલાના વ્યવહારો રોકવાના પ્રયાસમાં જાયજ વ્યવહારો કે વ્યક્તિઓને અન્યાય થયાનાં ઉદાહરણો છે.

કેશલેસ અર્થવ્યવસ્થાનો બીજો મહત્ત્વનો પ્રશ્ન પ્રાઇવસી અથવા ગોપનીયતાનો છે. કેશલેસ સમાજમાં પૈસા પૈસા ન રહેતા નંબર બની જાય છે, સિગ્નલ્સ બની જાય છે, ઇલેક્ટ્રોનિક કરન્ટ બની જાય છે. એક મશીનથી બીજા મશીન વચ્ચેના એ ‘નાણાકીય વ્યવહાર’માં તમારી એ તમામ માહિતી હોય છે, જે તમારા સામાજિક કે ફાયનાન્શિયલ પ્રોફાઇલને બનાવે છે.

ટૂંકમાં, કેશલેસ વ્યવસ્થામાં પૈસાનું સ્થાન ઇન્ફોર્મેશન લે છે. આ ઇન્ફોર્મેશન તેજ ગતિએ, ક્ષણાર્ધમાં એક શહેરથી બીજા શહેર, એક રાજ્યથી બીજા રાજ્ય અને એક દેશથી બીજા દેશમાં અનેક મશીનો, મોબાઇલ ફોન અને એપ્લિકેશન વચ્ચેથી પસાર થાય છે.

કોઇપણ પ્રકારની માહિતી હોય, બે બાબતો અનિવાર્યપણે એનો ‘પીછો’ કરે છે, નિગરાની અને નિયંત્રણ. દરેક સરકારને કાણામાંથી ઝાંખવામાં અને જે દેખાયું તેને સેન્સર કરવામાં વિશેષ ભાવ હોય છે. ડિજિટલ પૈસા પણ આમાંથી બાકાત નથી. પૈસા જ્યારે નામ-ઠામ-કામ-સ્થાનના સિગ્નલ બની જાય ત્યારે એની પર નિગરાની રાખવાનું કે એને અધવચ્ચેથી કાપવાનું આસાન થઈ જાય છે.

સરકાર તમને ઇલેક્ટ્રોનિક ચુકવણીની ફરજ પાડે ત્યારે એનો મતલબ એ થયો કે તમારા વ્યવહારની તમામ વિગતો સરકાર પાસે હશે. ઇરાદો પણ આ જ છે. સરકાર ઇલેક્ટ્રોનિક પૈસાના માધ્યમથી તમારી સેવા નથી કરી રહી, એને બ્લેક કે ટેરર મની પર દેખરેખ રાખવી છે.

ઉદ્દેશ એકદમ ઉત્તમ અને વાજબી છે. પ્રશ્ન માત્ર સૂકા ભેગું લીલું બળી જાય તેનો છે. ભારત હજુ અેટલું સક્ષમ કે ‘મેચ્યોર’ નથી કે એ આમ આદમીના નિર્દોષ વ્યવહારને નિગરાનીમાંથી જતા કરે.
ભારતમાં આમ પણ પ્રાઇવસીની બાબતને ‘ફાલતુ’ ગણવામાં આવે છે.

પતિ-પત્ની એકબીજાના ઇ-મેલ પાસવર્ડની આપ-લે કરે એ ‘સામાન્ય’ ગણાય છે. પિતા એની પુત્રી કે પુત્રના મોબાઇલ કે બેગમાં ખાંખાંખોળા કરે એ આવકાર્ય ગણાય છે. આધાર કાર્ડમાં સમાયેલી વ્યક્તિગત માહિતીઓને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી એક રિટના સંદર્ભમાં ભારત સરકારના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ તો એવું કહ્યું હતું કે, ‘નાગરિકોને પ્રાઇવસીનો સંવૈધાનિક અધિકાર નથી.’

એનો મતલબ એ થયો કે કેશલેસ વ્યવહારમાં સરકારને એ પણ ખબર હશે કે કઈ યુવતીએ ક્યાંથી અને કેટલા પૈસાની અંડરવિયર ખરીદી અથવા કોણે એઇડ્સની દવા ખરીદી. સરકારને એ પણ ખબર હશે કે મેં મારી કઈ પ્રેમિકા (અથવા પ્રેમી, એઝ ધ કેસ મે બી) માટે ક્યાં રૂમ બુક કરાવ્યો કે પછી મેં કેટલા પૈસા ખર્ચીને કઈ પોર્નોગ્રાફિક ચોપડીઓ ખરીદી.

માની લો કે મારી ભક્તિ સરકાર પ્રત્યે ન હોય તો મને એ વાતનો ડર ન રહે કે સરકાર મારી અંગત ઇન્ફોર્મેશનનો ઉપયોગ મને ‘સીધો’ કરવા માટે કરી શકે છે? પ્રાઇવસીને લઈને એક એવો તર્ક થઈ શકે કે જેને કશું ખોટું કરવું ન હોય એને પ્રાઇવસીની ચિંતા શા માટે કરવી જોઇએ? આપણે એવું માનીએ છીએ કે દુનિયામાં બે પ્રકારના લોકો છે, સારા લોકો અને ખરાબ લોકો. ખરાબ લોકો એ છે જે ગુનાઇત કામ કરે છે અને એમને એમની પ્રવૃત્તિ છુપાવવી છે.

સારા લોકો એ છે જે ઘરેથી નીકળીને કામ પર જાય છે અને રાત્રે ઘરે આવીને ટેલિવિઝન જુએ છે. આ લોકો ઇન્ટરનેટ કે મોબાઇલનો ઉપયોગ આતંકવાદી હુમલો કરવા માટે નહીં, પણ જ્ઞાન પ્રાપ્ત કરવા કરે છે.

ગૂગલ કંપની લોકોની અંગત માહિતી ભેગી કરે છે તેવા આરોપના જવાબમાં ગૂગલના વડા એરિક શ્મિટે કહ્યું હતું કે, ‘તમે ન કરવા જેવું કામ કરતા હો તો પછી ઉત્તમ ઉપાય તો એ છે કે તમારે એવું કામ જ ન કરવુ જોઇએ. પ્રાઇવસીનો મામલો જ ખતમ.’ એ પછી સ્નેટ નામની એક ઇન્ટરનેટ પત્રિકાએ ગૂગલ સર્ચનો જ ઉપયોગ કરીને એરિક શ્મિટની અંગત અને ગોપનીય વાતો જાહેર કરી ત્યારે એરિકે જ ગૂગલના તમામ કર્મચારીઓને એ પત્રિકા સાથે વાત નહીં કરવા આદેશ કર્યો હતો.

અર્થ એ છે કે આતંકવાદીઓ કે ગુનેગારો જ નહીં, મારા-તમારા જેવા ‘ભગવાન’ના માણસોને કશુંક તો ગોપનીય રાખવાનું જ હોય છે. એક સભ્ય સમાજ પબ્લિક અને પ્રાઇવેટના તંદુરસ્ત સંતુલન ઉપર જ કામ કરતો હોય છે. આપણા ડૉક્ટર સાથે, સાયકોલોજિસ્ટ સાથે જીવનસાથી સાથે, મિત્રો સાથે, પરિવારના સભ્યો સાથેના આપણા એવા કેટલા ય વ્યવહાર છે, જે આપણને જાહેર થાય તે અનુકૂળ નથી.

મારી પ્રાઇવસી એ મારી સિક્યોરિટી છે. કેશલેસ સમાજમાં મારો એ અધિકાર છીનવાઈ જશે. મારી પ્રાઇવસી રહેવી જોઇએ કે ન રહેવી જોઇએ એનો ફેંસલો મારી પાસે નહીં, સરકારની એજન્સી પાસે હશે. એક વ્યક્તિ તરીકેની મારી સ્વતંત્રતા એજન્સીમાં બેઠેલા બાબુના હાથમાં હશે. કોઈ એમ કહેતું હોય કે દેશના સારા માણસોએ આગળ આવીને આવી સ્વંત્રતાનો ભોગ આપવો જોઇએ એ લોકો એમનો ઇ-મેલ પાસવર્ડ મને મોકલી આપે. આપશે? નહીં આપે. પ્રાઇવસી એ પ્રાઇવસી નથી, એ સ્વતંત્રતા છે, અને એ સ્વતંત્રતાની સાબિતી કેશમાં છે,  કેશલેસમાં નહીં.

સૌજન્ય : લેખકની સાપ્તાહિક કોલમ ‘બ્રેકિંગ વ્યૂઝ’, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 01 જાન્યુઆરી 2017 

Loading

મુખ્ય ધર્મોનો પ્રસાર તલવારની અણીએ થયો કે ધર્મ પરિવર્તન દ્વારા?

આશા બૂચ|Opinion - Opinion|4 January 2017

માનવ જાતિના મનમાં ધર્મની વિભાવના કઈ તારીખે કઈ સાલમાં ઉદ્ભવી તે પ્રસ્થાપિત કરવું શક્ય નથી. પરંતુ જ્યારથી પદ્ધતિસરના સંગઠિત ધર્મો અસ્તિત્વમાં આવ્યા, ત્યારથી તેના પ્રચાર-પ્રસાર થયા અને ધર્મ પરિવર્તન પણ કરવામાં આવ્યાં. આતંર ધર્મી તેમ જ એક ધર્મમાં અંદરોઅંદર સમન્વય તેમ જ સંઘર્ષની કથાઓ સદીઓથી ગૂંથાતી આવી છે.

વિશ્વ જાણે બે મુખ્ય ધર્મ પ્રવાહો વચ્ચે વહેતુ આવ્યું છે. એક છે પૂર્વીય ધર્મ પ્રવાહ, કે જેમાં સનાતન અથવા વૈદિક ધર્મ કે જે હિન્દુ ધર્મના નામે વધુ પ્રચલિત બન્યો છે એ મુખ્ય છે અને સમય જતાં એ જ ધર્મના તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના પાયા પર થોડા અલગ પ્રકારનાં મૂલ્યોની ઇમારત જેમ જેમ ઊભી થતી ગઈ તેમ તેમ બૌદ્ધ, જૈન અને સીખ ધર્મો અસ્તિત્વમાં આવ્યા. તો બીજો પ્રવાહ જ્યુડાઇઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામનો વહ્યો કે જે ‘એબ્રાહમિક ફેઈથ’ તરીકે જાણીતો છે. આ સિવાય બીજા પણ નાના મોટા ધર્મો પોતપોતાની આગવી વિચારધારા લઈને કેટલાક લોકોને સુગઠિત રાખે છે. અહીં આ મુખ્ય છ વિશ્વ ધર્મોનો પ્રસાર તલવારની અણીએ થયો કે ધર્મ પરિવર્તન દ્વારા એ વિષે છણાવટ કરવા પ્રયત્ન કરીશ.

સૌ પ્રથમ ‘એબ્રાહમિક ફેઈથ’માં સમાવિષ્ટ ત્રણ ધર્મોની વાત લઈએ. તેમાંનો જ્યુડાઇઝમ કાળક્રમની દ્રષ્ટિએ સહુથી પુરાણો છે. એ ધર્મના ઇતિહાસ મુજબ બાઇબલમાં કહ્યું છે કે ભગવાને પોતે પસંદ કરેલા લોકોના પિતા બનવા માટે અબ્રાહમને પસંદ કર્યો અને સમય જતાં એ લોકો જ્યુ તરીકે ઓળખાયા. હવે જ્યુડાઇઝમના પ્રસાર વિષે એમ મનાય છે કે જ્યુ પ્રજાજનો વિવિધ કારણોસર પોતાના દેશમાંથી દેશ નિકાલ કરાયા, અન્ય ભૂમિ પર જઈને વસ્યા હોવાથી તેમ જ રોમન્સ અને અસીરિયન્સ સાથે મૂઠભેડ થવાથી વેરવિખેર થઈ ગયા જેને પરિણામે અલગ અલગ ભૂ ભાગ પર જ્યુડાઇઝમનો પ્રસાર થયો. ઉપરાંત ધર્મ પરિવર્તન દ્વારા પણ તેનો પ્રસાર થયેલ. જો કે અન્ય વધુ આધિપત્ય ધરાવતા ધર્મો દ્વારા દર્શાવાયેલ જ્યુ લોકો પ્રત્યેની અસહિષ્ણુતા અને કઇંક અંશે આક્રમક વલણને કારણે જ્યુઈશ લોકોની આ પ્રસાર પદ્ધતિ બહુ ચર્ચિત નથી બની જેટલી બીજા કેટલાક ધર્મોની બની છે.

ક્રિશ્ચિયાનિટીના ઉદ્ભવને જીસસ ક્રાઈસ્ટના ઉપદેશ સાથે અનુબંધ છે. જો કે તેનું ઔપચારિક માળખું તેની હસ્તી દરમ્યાન નહોતું ઘડાયું. એ તો જયારે ઈ.સ. 313માં સમ્રાટ કોન્સ્ટન્ટીને ખ્રિસ્તી ધર્મને રોમનો પ્રમુખ રાજ્ય ધર્મ ઘોષિત કર્યો ત્યારે ક્રિશ્ચિયાનિટીનો ઔપચારિક સ્વીકાર થયો અને તેની સાથે વિશાળ જાહેર ઇમારતો અને ચર્ચ બનતાંની સાથે ક્રિશ્ચિયન લોકોની પૂજાની જરૂરિયાતો પૂરી પાડવાનું  શક્ય બન્યું. શરૂમાં તેઓ પાસે ચર્ચનાં મકાનો નહોતાં કે જાહેરમાં કોઈ વિધિ કરવાની સુવિધાઓ નહોતી કે તે યુગના સામૂહિક સંદેશ વ્યવહારનાં સાધનો નહોતાં તો પછી સમયાંતરે એ ધર્મનો સ્થિર ગતિએ પ્રસાર પહેલી ત્રણ સદીઓ દરમ્યાન કેવી રીતે થયો હશે, એવી વિમાસણ થાય. આમ તો જીસસના પ્રમુખ શિષ્ય પૉલ સિવાય બીજી કોઈ મોટી હસ્તીઓનો ઉલ્લેખ જોવા નથી મળતો, તેને બદલે સાધારણ અને નમ્ર ગણાતા શ્રદ્ધાળુઓએ ધર્મનો પ્રસાર કરેલો જેમનાં નામ સુધ્ધાં કાળની ગર્તામાં વિસરાઈ ગયાં. બાકી જીસસનાં ઉપદેશ, સિદ્ધાંતો અને મૃત્યુ બાદ સહુને સમાન સ્વર્ગીય શાંતિ પ્રાપ્ત થાય એવા વિચારોએ લોકોને ખૂબ આકર્ષ્યા. પરિણામે તેનું પાલન કરનારાઓની જંિદગી અનેક રીતે સુધરી પણ ખરી.

હવે રસપ્રદ હકીકત તો એ છે કે ક્રીશ્ચિયાનિટીના પહેલા અનુયાયીઓનું જૂથ જુઇશ લોકોનું હતું. આમ જેમ જેમ વધુને વધુ લોકો પોતાનો ધર્મ છોડીને ક્રીશ્ચિયાનિટી અપનાવતા થયા તેમ તેમ ધર્મનો પ્રસાર વધતો ગયો. ક્યાંક ક્યાંક મિશનરીઓને પ્રતિકાર અને આક્રમણોનો સામનો પણ કરવો પડેલો. કેથલિક મિશનરીઓ કેન્દ્ર અને દક્ષિણ અમેરિકાના મૂળ વતનીઓને ધર્મ પરિવર્તન કરાવવાના હેતુથી ત્યાં ગયેલા, અને દુનિયાના ખૂણે ખૂણે મિશનરીઓએ શાળાઓ, દવાખાનાંઓ અને ગરીબોના ઉદ્ધાર માટેનાં કેન્દ્રો દ્વારા છેવાડેના લોકોની સેવા કરી તેમને ક્રિશ્ચિયન ધર્મની ભેટ ધરી એ જાણીતું છે. ઈ.સ.1900 સુધીમાં ક્રીશ્ચિયાનિટીનો પ્રસાર લગભગ દુનિયાના બધા ખંડોમાં થઇ ચુક્યો હતો. ક્રિશ્ચિયન મિશનરીઓએ ભારત અને આફ્રિકા સહિતના યુરોપિયન સંસ્થાનોનો પોતાના ધર્મના પ્રસાર અર્થે પૂરેપૂરો લાભ લીધો.

‘એબ્રાહમિક ફેઈથ’ની ત્રીજી પાંખ તે ઇસ્લામ, કે જે પહેલા બે ધર્મોની સરખામણીએ નવો સવો ઉદ્ભવ્યો છે. આમ જુઓ તો જ્યુડાઇઝમ અને ઇસ્લામ બંને એકેશ્વરવાદમાં માનનારા ધર્મો છે અને માનવી મૂળભૂત રીતે કઇં ને કઇં સારું અને બૂરું તત્ત્વ ધરાવતો હોય છે એમ માને છે; બંને એક ખાસ પવિત્ર ગ્રંથમાંના બોધને અનુસરે અને ઈબાદત માટે ખાસ મકાનોનો ઉપયોગ કરે છે. અબ્રાહમને ત્રણે ય ધર્મમાં પહેલો પયગંબર માનવામાં આવે છે. પરંતુ જ્યુડાઇઝમ અને ઇસ્લામ ધર્મ જીસસ ક્રાઇસ્ટના પુનરજીવનને માન્યતા નથી આપતા.

ઇસ્લામનો પ્રસાર કઈ રીતે અને કયા કયા માધ્યમો દ્વારા થયો તે જોઈએ. યુરોપના વિદ્વાનો એમ માનતા કે શરૂઆતમાં ઇસ્લામ ધર્મનો અંગીકાર તલવારની અણીએ કરાવવામાં આવેલો અને એ રીતે જીતી લેવામાં આવેલા લોકો માટે ધર્મ પરિવર્તન અથવા મૃત્યુ એવા બે જ વિકલ્પ અપાયા હતા. આરબ પ્રજા મારફત સુંદર મજાની અરેબિક ભાષા, અરેબિક અંક પદ્ધતિ અને અરબ સંસ્કૃિત પ્રસરેલી જેનાથી માનવ જાતને અનેક લાભ થયેલ તે બાબત જમણેરી એવા ક્રિશ્ચિયન પ્રચાર માધ્યમોએ “ઇસ્લામ એ દુષ્ટ લોકોનો ધર્મ છે.”, “તે હિંસાને પોષે છે.”, એવાં સૂત્રોનો પ્રચાર કર્યો તેમાં ભુલાઈ જવા પામી.

ઇસ્લામને તેના ખરા અર્થમાં સમજનારા માને છે કે ઇસ્લામને સ્વીકારવા માટે કોઈ જાતના દબાવનો ઉપયોગ ન થઈ શકે. ઇસ્લામને સાચા શ્રદ્ધાવાન લોકોની જરૂર છે નહીં કે પાખંડી લોકોની. ફરજિયાત ધર્મ પરિવર્તનને પરિણામે તો તમને પાખંડીઓ જ મળે, સાચા અનુયાયીઓ ન જ મળે. આથી જ તો મહંમદ પયગંબરને એક સત્ય માર્ગને અનુસરવાની યાદ અપાવનાર તરીકે ઓળખવામાં આવે છે નહીં કે બીજા પર ઇસ્લામ બળજબરીથી ઠોકી બેસાડનાર તરીકે. મહંમદ પયગંબરના પહેલાં તેર વર્ષો મક્કામાં વીત્યાં, જ્યાં તેમના મુસ્લિમ સાથીદારો લઘુમતીમાં હતા તો બળજબરીથી ધર્મ પરિવર્તનનો ખ્યાલ પણ અસંભવ હતો. તેઓ તેમની હત્યા થઈ શકે એવી સંભાવના ઊભી થઈ હોવાને કારણે મદીના હિજરત કરીને ગયા, ત્યારે મદીનાની મોટા ભાગની પ્રજાએ સામે ચાલીને ઇસ્લામનો અંગીકાર સ્વેચ્છાએ કરી લીધેલો. આથી એવું પ્રતિપાદિત થાય છે કે મદીનામાં ઇસ્લામનો પ્રસાર માત્ર તેના ઉસૂલોના પ્રચાર દ્વારા જ થયો હતો.

ભારતમાંના મોગલ સામ્રાજ્યના શાસન દરમ્યાન ઇતિહાસે નોંધ લીધી છે કે કેટલાક રાજાઓ તેમની જીતેલી પ્રજા પોતાનો જૂનો ધર્મ પાળે તેમ ઇચ્છતા, જેથી તેમની તિજોરીમાં જરૂરી મહેસૂલ સતત જમા થતું રહે. એ 800 વર્ષના ગાળા દરમ્યાન મુસ્લિમ રાજાઓએ રાજ્ય કર્યું પણ મુસ્લિમોની બહુમતી ક્યારે ય નહોતી. ભારતના અગ્રીમ ઇતિહાસવિદ્દ અને પત્રકાર ખુશવંત સિંઘે સ્પષ્ટપણે કહેલું કે ભારતમાં ઇસ્લામનો પ્રસાર મુસ્લિમ રાજાઓ મારફત નહીં પણ મુસ્લિમ આધ્યાત્મિક આગેવાનો અને મુસ્લિમ મિશનરીઓ દ્વારા થયેલ.

દૂર પૂર્વના દેશોનો ઇતિહાસ તપાસતાં માલુમ પડશે કે મલેશિયા કે ઇન્ડોનેશિયામાં મુસ્લિમ લશ્કર કે જળસેનાએ પગ પણ નહોતો મુક્યો છતાં ઇન્ડોનેશિયા સહુથી વધુ મુસ્લિમ જનસંખ્યા ધરાવનાર દેશ છે. મુસ્લિમ વેપારીઓના દ્રઢ ચારિત્ર્ય અને ઉમદા વર્તનને કારણે ઇન્ડોનેશિયન્સ ઇસ્લામ તરફ આકર્ષાયા. એવી જ પરિસ્થિતિ આફ્રિકા ખંડમાં ઇસ્લામના પ્રસાર માટે નોંધાયેલી છે. એક એવી માન્યતા પ્રચલિત છે કે મુસ્લિમોનું છેલ્લું સામ્રાજ્ય ઓટોમન સહુથી વધુ ક્રૂર હતું જેણે પૂર્વ યુરોપના દેશો પર રાજ્ય કર્યું. રાજકારણીય દ્રષ્ટિએ તેમાં સત્ય પણ છે. પરંતુ ઇતિહાસકારોએ એવી નોંધ પણ લીધી છે કે એ દેશોના ક્રિશ્ચિયન્સને ધર્મ વટલાવવાની ફરજ ક્યારે ય પાડવામાં નહોતી આવી એટલું જ નહીં તેઓને પોતપોતાની ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જીવન જીવવાનો અધિકાર હતો અને એથી જ તો આજે પણ તુર્ક લોકોના કબજામાં 500 વર્ષ રહેલું હોવા છતાં ગ્રીસમાં લઘુમતીમાં પણ મુસ્લિમો દેખાતા નથી. વેપાર વાણિજ્યનો મુખ્ય ફાળો ઇસ્લામના પ્રસારમાં હતો પરંતુ મુહમ્મદ પયગંબરના અવસાન બાદ ખિલાફતની સ્થાપના અને ઓટોમન સામ્રાજ્યના શાસનના પરિણામે ઇમામોને ઇસ્લામના પ્રસાર-પ્રચાર માટે વટાળ પ્રવૃત્તિ કરવા માટે રાજ્ય વ્યવસ્થાનો ભરપૂર સાથ મળેલો. તેથી જ પયગંબર સાહેબના જીવન કાળ દરમ્યાન માત્ર પોતાના ભૌગોલિક વિસ્તારની રક્ષા માટે મુસ્લિમોને તલવાર ઉઠાવવાનો આદેશ અપાયેલો તેનો અવળો અર્થ કરીને શાસકોની જોહુકમીના અંચળા હેઠળ જે વટાળ પ્રવૃત્તિઓ ચાલી તેણે ‘ઇસ્લામ તો તલવારની અણીએ પ્રસર્યો’ એવી છાપ ઊભી કરી એમ ઇતિહાસ જોતાં સમજી શકાય.

‘એબ્રાહમિક ફેઈથ’ના ત્રણ મુખ્ય ધર્મ પ્રવાહોની ઉત્ત્પત્તિ અને પ્રસારની વિગતો પર નજર નાખી. તેની તુલનામાં સનાતન ધર્મ અથવા તો હિન્દુ ધર્મના પ્રસારણ વિષે પણ થોડું જાણીએ. હિન્દુ ધર્મના અનુયાયીઓ તરત વિશ્વાસપૂર્વક કહી શકશે કે હિન્દુ ધર્મનો પ્રસાર કદી પણ તલવારની અણીએ થયો નહોતો અને થશે પણ નહીં. કોઈ પણ બે સંસ્કૃિત એક બીજાના સંસર્ગમાં આવે ત્યારે તે બંને સંસ્કૃિત અનિવાર્યપણે પરસ્પરની અસરને કારણે પરિવર્તનના દોરમાંથી પસાર થતી હોય છે એ સર્વ વિદિત છે. હવે પુરાતન યુગના ભારત વર્ષની સંપદાને મધ્ય નજરમાં રાખીને કહીએ તો તેના ભૌતિક અને આધ્યાત્મિક વારસાનો પ્રસાર ત્રણ રીતે થયો ગણી શકાય; એક તો પુરાણા હિન્દુ સમાજની કુદરતી રીતે વિસ્તરતી જતી ભૌગોલિક સીમાઓ, બીજું વેપારી માર્ગોનો વિકાસ અને ત્રીજું હિન્દુ રાજાઓનો વધતો જતો લશ્કરી વ્યાપ. આ ત્રણમાંથી એક પણ પરિસ્થિતિ જે તે સ્થળના મૂળ વતનીઓ માટે બળજબરીથી હિન્દુ ધર્મના સ્વીકારની વાત લઈને પ્રસ્તુત થયેલી ક્યાં ય નોંધાઈ નથી.  

બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્ભવનો સમય લગભગ ક્રીશ્ચિયાનિટીના યુગની સમાન્તર કહી શકાય. મહાવીર સ્વામી કે તેમના અનુયાયીઓ પોતાના ધર્મના પ્રસાર માટે કોઈ ખાસ હેતુ પૂર્વકનો પ્રવાસ ન કરતા, પરંતુ જન સામાન્યને જૈન ધર્મના મૂળભૂત વિચારો સમજાવે અને જેઓને પણ તે જીવન પદ્ધતિ અપનાવવા યોગ્ય લાગે તેઓ તેમાં જોડાઈ ગયા. એવી જ રીતે તથાગત બુદ્ધ બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે પોતે વિહાર કરતા અને કેટલાક પ્રચારકોને દેશ વિદેશ મોકલીને સંદેશ પ્રસરાવાનો આદેશ આપેલો એ હકીકત છે, પરંતુ તેમાં માત્ર શ્રોતાઓ આગળ ધમ્મપદની સમજણ આપવી અને મધ્યમ માર્ગે જીવન વિતાવવાનું સૂચન કરવા સિવાય કશું કરવામાં આવતું નહોતું. એ સંદેશ સાંભળનારાઓને જો પોતાના આત્માનો અવાજ અનુમતિ આપે તો સંઘમાં આવકારવામાં આવતા. એ સમયે ધુરંધર રાજા મહારાજાઓએ સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેથી એ ધર્મ રાજ્યાશ્રિત બન્યા વિના રાજ્યકર્તાઓનું પીઠબળ મેળવી શક્યો તે અલગ વાત છે. સીખ ધર્મનું આગમન અને તેનો પ્રસાર પણ લગભગ એવી જ તારાહનો રહ્યો જેવો તેના પુરોગામી એવા હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના રહ્યા.

ભારતની પ્રજા એ હકીકતની સાક્ષી છે કે જેમ ઇસ્લામનો પ્રસાર શાંતિમય માર્ગે થયેલો તેમ તલવારની અણીએ પણ થયેલો. જે મુસ્લિમ વેપારીઓ, ઇમામ અને રાજ્ય વહીવટ કરનારાઓ ભારતમાં સ્થાયી થયા તેમની પ્રજા આ દેશનો અંતર્ગત ભાગ બની ગઈ. એવી જ રીતે મિશનરીઓના પ્રયાસોથી ક્રીશ્ચિયાનિટી પણ ભારતમાં પ્રસરી. હિન્દુ ધર્મ કે તેના અનુગામી ધર્મોએ કદી અન્ય કોઈ દેશમાં જઈ પદ્ધતિસરનો પ્રચાર કરીને સ્થાનિક પ્રજાને લાલચ કે ધાક-ધમકી આપીને પોતાનો ધર્મ અપનાવવાની ફરજ પાડયાનું ઇતિહાસના પાને નોંધાયું નથી. એ જ રીતે ‘એબ્રાહમિક ફેઈથ’ના ત્રણ મુખ્ય ધર્મ પ્રવાહોની વચ્ચે જે વૈમનસ્ય સદીઓથી પાંગરતું આવ્યું છે જેને પરિણામે નાના મોટા સંઘર્ષો અને લડાઈઓ થતી રહી છે તેવો સંબંધ બૌદ્ધ, જૈન કે સીખ ધર્મને તેના પુરોગામી હિન્દુ ધર્મ સાથે નથી રહ્યો તે એક ગૌરવપ્રદ હકીકત છે. હા, જ્યારે પણ રાજકીય મહત્ત્વાકાંક્ષાઓએ ધર્મનું ઓઠું લીધું ત્યારે તલવારની અણીએ ધર્મ પરિવર્તનો થયાની ઘટનાઓ બની છે. પણ કોઈ ધાર્મિક ગ્રન્થોમાંનાં લખાણ, ધર્મ ગુરુઓ કે તેને ખરા અર્થમાં અનુસરનારાઓ કદી હિંસાના માર્ગે પોતાનો ધર્મ કોઈ પાસે સ્વિકારાવી નથી શક્યા એ સ્પષ્ટ છે. કહેવાતા ઇસ્લામિક સ્ટેઇટ નામના આતંકી સંગઠનના સભ્યોને પૂછવાનું કે ભાઈઓ (અને બહેનો પણ) તમે ઇસ્લામનો પ્રસાર દુનિયા આખીમાં થાય એ હેતુથી આમ નિર્દોષ પ્રજાને રહેંસી નાખો છો તે શું વ્યાજબી છે? મોઝીઝ, જીસસ અને મહંમદ પયગંબરે અને તેમના સાથી અનુયાયીઓએ શું આવા આતંકી હુમલાઓથી જુઇશ, ક્રિશ્ચિયન અને ઇસ્લામનો પ્રસાર કરેલો? અને ભારતમાં જે રાજકીય કે બિન રાજકીય સંગઠનો હિન્દુ ધર્મના પ્રસાર અર્થે કેટલાંક પગલાં લેવાનું દેશની પ્રજાને સૂચવે છે તેમને યાદ અપાવવાનું કે એ ભારતીય કે વૈદિક સંસ્કૃિતનું લક્ષણ નથી. જો ખાતરી ન હોય તો હિન્દુ, બૌદ્ધ, જૈન અને સીખ ધર્મના ઉદ્દભવ અને પ્રસારનો ઇતિહાસ તપાસી જવો રહ્યો.

કોઈ પણ ધર્મનો પ્રસાર તેના ઉત્તમ અને પ્રામાણિક અનુયાયીઓના શુદ્ધ આચાર-વિચાર અને પ્રેમભર્યા સંવાદો મારફત જ થાય અને તેનાથી જ ધર્મ ટકે એ યુગોથી સાબિત થયેલ હકીકત છે. બહેતર એ છે કે ધર્મની તલવાર સાથે ગાંઠ બાંધનારાઓ આ બાબત જેમ બને તેટલી જલદી સમજે, સ્વીકારે અને શાબ્દિક અને સશસ્ત્ર આક્રમણનો રાહ છોડી ભૂતકાળમાં થઈ ગયેલા યુગપુરુષોના ચિંધેલ માર્ગને અપનાવે.   

e.mail : 71abuch@gmail.com

Loading

બ્રિટનના મજૂર-આંદોલનનાં પહેલાં એશિયન નારી : જયાબહેન દેસાઈ

જયન્ત પંડ્યા, જયન્ત પંડ્યા|Profile|3 January 2017

બીબીસી રેડિયોના ‘વિમેન્સ અવર’ એ સુપ્રતિષ્ઠ શોની, તાજેતરમાં ૭૦મી વરસગાંઠ ઉજવાઈ તે નિમિત્તે છેલ્લા સાત દાયકામાં ઇંગ્લૅન્ડમાં ઉભરેલી પ્રભાવશાળી મહિલાઓની બહાર પડાયેલી યાદીમાં માર્ગરેટ થેચર (વડાપ્રધાન), બાર્બરા કેસલ (લેબર એમપી) અને જરમેઈન ગ્રિયર (નારીવાદી લેખિકા) સાથે નડિયાદની દેહણ જયાબહેન પટેલનું પણ નામ જોવા મળે છે. ડૉ. શિરીન મહેતાએ ઇંગ્લૅન્ડની અભ્યાસમુલાકાત દરમ્યાન ૨૦૦૮માં તેમની મુલાકાતને આધારે તૈયાર કરેલો લેખ ‘નિરીક્ષક’ને આ સમાચાર બહાર આવતાં ઉષ્માથી મોકલી આપ્યો હતો. તે પ્રેસમાં જવામાં હશે ત્યાં જ, અન્યત્ર એમની આ જ સામગ્રી આધારિત લેખ પ્રગટ થતાં ‘નિરીક્ષકે’ વિકલ્પે જે એક બીજા લેખનો ઉપયોગ મુનાસીબ ધાર્યો તે અહીં પ્રસિદ્ધ કરતી વેળાએ બે વાનાં ખાસ નોંધવાં જોઈએ. એક તો, આ લેખ ‘નિરીક્ષક’ના પૂર્વતંત્રી જયન્ત પંડ્યાની કલમે લખાયેલો છે – અને, સવિશેષ, સદ્‌ગત જયાબહેન ‘નિરીક્ષક’ના સન્માન્ય આજીવન સભ્ય હતાં.

•••

બ્રિટનમાં નોકરી કરવાની વેળા આવે, ત્યારે રંગભેદનો અનુભવ ન થાય તો જ નવાઈ. માણસ વખાનો માર્યો આવીને કામે લાગ્યો હોય, તો તેના માલિકની તોરતુમાખી ખમી ખાય. પરંતુ સહન કરવાની સરહદ ક્યાં પૂરી થાય અને બળવાની જ્વાળા ક્યાંથી ભભૂકી ઊઠે, એની આગોતરી જાણ ભાગ્યે જ કોઈને હોઈ શકે. જયાબહેન દેસાઈના ભાગ્યમાં પ્રતિકારનો ઝંડો ઉઠાવવાની વેળા આવી, ત્યારે પડકારનો બૂંગિયો આંદોલનમાં ફેરવાયો, જોતજોતાંમાં એના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા, એટલું જ નહીં, નામદાર મહારાણીની સરકારના કૅબિનેટ પ્રધાનો એમાં ભાગ લેતા હોય એ સિદ્ધિ, પાછું ફરીને જોતાં સ્વપ્ન જેવી લાગતી હોય તો પણ બ્રિટનના અનેક ચોપડે અંકાયેલી તવારીખ છે, તેને નકારી શકાય તેમ નથી.

તવારીખના કેન્દ્રસ્થાને જે નારી છે, તેમનું નામ જયાબહેન દેસાઈ. ઈશ્વરે દીધેલું કદ ચાર ફૂટ દસ ઇંચનું. પાલવની ગાંઠે યુનિવર્સિટીની ડિગ્રી નહીં. જમા પાસું ગણો તો ચરોતરી પાટીદારનું ખમીર. એ ખમીર ‘ગ્રનવીક ફોટોપ્રોસેસિંગ લૅબોરેટરીઝ લિ.’ના ગોરા માલિકોને ભારે પડી ગયું. ૧૯૭૬-૭૮ના ગાળામાં ચાલેલા આંદોલનના પાયામાં ભાગ ભજવનારા અર્ધો ડઝન માણસ એવાં કે કોઈ ટ્રેડયુનિયનના સભ્ય ન હતા, એમણે કદી હડતાળ પાડેલી નહીં અને છતાં ગ્રનવીકમાં બળવો ? એનાં કારણો અને કંપનીના ઇતિહાસમાં જવાનું અહીં જરૂરી નથી. જરૂર છે કંપનીના ટૂંકા પરિચયની અને સારરૂપ કારણોની.

ઍન્ટની ગ્રન્ડી, જ્યૉર્જ વોર્ડ અને જોન હિકી એ ત્રણ કંપનીના સ્થાપકો. દરેકના પૂંછડામાંથી એક-બે અક્ષરો ભેગા કરીને નામ બનાવ્યું ગ્રનવીક. ૧૯૬૫થી કંપનીની શરૂઆત થયેલી. કામ એમનું પ્રોસેસિંગ કે પ્રિન્ટિંગ અને ડેવલપિંગનું. કંપનીની ચેપ્ટર રોડની શાખામાં એશિયન સ્ત્રીઓ ઠીક- ઠીક સંખ્યામાં કામ કરે. મૅલ્કમ ઓલ્ડન એ શાખાનાં મૅનેજર. મૅનેજર સખ્તાઈના પાઠ અને ધાકધમકીની ભાષા શીખીને આવેલા. એમના શબ્દકોશમાં કદાચ તેથી જ ‘મૃદુતા’ જેવા શબ્દનો પ્રવેશ નહીં થયેલો. કડકાઈની લાકડીથી એ સહુને હાંક્યા કરે. એમની ઇચ્છા થાય ત્યારે ઓવરટાઇમ કરવાનો હુકમ ફરમાવે અને કોઈ કારણસર કર્મચારી આનાકાની કરે તો કૉન્ટ્રૅક્ટ-કરારનામું યાદ કરાવે. દરેકને માથે અસલામતીની, ભયની, છૂટા કરી દેવાની તલવાર સતત લટકતી રહે. કામના સ્થળની હાલત પણ કેદખાના જેવી. આને કારણે ધૂંઘવાટ અને અજંપાનો અગ્નિ અંદરઅંદર ધખ્યા કરે.

એવામાં બન્યું એવું કે જયાબહેન એમનું કામ પૂરું કરીને ઘેર જવાની તૈયારી કરતાં હતાં, ત્યાં એક સુપરવાઈઝરે પૂછ્યું, ‘હુ ટોલ્ડ યુ ટુ પૅક અપ ?’ જયાબહેન માટે આ પ્રશ્ન વસમો હતો. પોતાનું કામ એ પૂરી ચોકસાઈથી કરતાં અને નિયમસર આવતાં-જતાં. આજ સુધી આવો પ્રશ્ન કોઈએ તેમને પૂછ્યો ન હતો. આજે શા માટે ? એમાં બીજા એક મૅનેજર પીટર ડફી વધારાનું – ઓવરટાઇમનું – કામ લઈને આવ્યા. આવી રીતે અણધાર્યો ઓવરટાઇમ માથે ઝીંકવાની કોઈ નવાઈ ન હતી. કામ કરનારાં માટે એ પણ ઉકળાટનું એક કારણ હતું. જયાબહેન, સુપરવાઇઝર અને પીટર ડફી વચ્ચે ચાલતી રકઝકમાં બાકી હતા તે નામદાર ઑલ્ડન પધાર્યા. એમણે બધાંને પીટર ડફીની ઑફિસમાં બોલાવ્યાં અને ધમકાવવા માંડ્યા. જયાબહેને કહ્યું, ‘લૂક મિ. ઑલ્ડન ! ઇફ યુ વોન્ટ ટુ શાઉટ, આઈ એમ નોટ પ્રીપેર્ડ ટુ લિસન.’

ઑલ્ડને વળતાં કહ્યું : ‘આઈ વૉર્ન યુ.’

જયાબહેનને યાદ આવ્યું કે ‘વૉર્ન યુ’ શબ્દ એ નોકરીમાંથી છૂટા કરતાં પહેલાંના શબ્દ હોય છે. એમને ઑલ્ડનના ચલણી શબ્દો યાદ આવ્યા – ‘એની બડી, એની ટાઇમ, કેન એક્સપેક્ટ અવર સેક.’ જયાબહેન એ બલિ થવા નહોતાં આવ્યાં. એમણે કહ્યું, ‘લૂક, આઈ ડૉન્ટ વોન્ટ યોર વૉર્નિંગ. આઈ ડુ નૉટ વોન્ટ ટુ વર્ક વિથ યુ. પ્લીઝ ગીવ મી માય કાર્ડ સ્ટ્રૈટ અવે.’ એમ કરીને એ બોલતાં બોલતાં ઑફિસની બહાર નીકળ્યાં. એમનો દીકરો શિવ પણ ઉનાળુ કામ માટે ગ્રનવીકમાં જોડાયેલો. એણે માતાને આમ નીકળતાં જોઈને પોતાનું કામ પડતુ મૂક્યું અને કહ્યું : What you are running here is not a factory. It is a Zoo. But in Zoo there are many types of animals. Some are monkeys, who dance on your finger-tips, others are lions, who can bite your head off. We are those lions, Mr. Manager. વાત હવે એવા મુકામે પહોંચી હતી કે જ્યાં સંગઠન કર્યા વિના છૂટકો ન હતો. સંગઠન અંગે તેમણે બ્રેન્ટની ટ્રેડ કાઉન્સિલની સલાહ માગી અને તે પ્રમાણે એપેક્સ(એસોસિયેશન ઑફ પ્રોફેશનલ્સ, ઍક્ઝિક્યુટિવ, ક્લેરિકલ અને કમ્પ્યૂટર સ્ટાફનું સંગઠન)ના સભ્યો થવાનું નક્કી કર્યું. તે સંગઠને તેમને આવકાર્યાં તેમ જ જરૂરી સગવડો કરી આપી. માલિકો સાથે વાટાઘાટો આરંભી, પરંતુ તેનું પરિણામ ન આવતાં હડતાલનું એલાન કરવામાં આવ્યું. એક અઠવાડિયાના ગાળામાં એને ટ્રેડયુનિયન કૉંગ્રેસનો ટેકો મળ્યો. ત્રણેક માસમાં એણે છાપાંનાં મથાળાંમાં, રેડિયો અને ટેલિવિઝનમાં સ્થાન મેળવ્યું. દસ મહિનામાં આંતરરાષ્ટ્રીય સમાચાર બની એ હડતાળ ચર્ચાતી રહી.

આ હડતાળ એકધારી અને વિક્રમસર્જક હતી. એ હડતાળે સાડાપાંચસોથી ય અધિક માણસોની ધરપકડ કરાવી. દૂરદૂરથી મોટરો ભરીને અસંખ્ય મજૂરોની વણજાર એની પિકેટલાઇન ઉપર ખડકાવા માંડી. પાંચ-પાંચ હજારની માનવમેદની બેનર્સ લઈ અને સૂત્રોચ્ચાર કરીને સરકારની ઊંઘ હરામ કરતી રહી. એનાથી ગભરાઈ ઊઠેલી સરકારે કોર્ટ ઑફ ઇન્ક્‌વાયરીની રચના કરી. એ હડતાળે એક શુક્રવારે પાર્લમેન્ટના પાંચસો સભ્યોને હાઉસ ઑફ કૉમન્સમાં હાજર રહેવાની ફરજ પાડીને યુદ્ધોત્તર ઇતિહાસ રચ્યો. સરકારના ત્રણ પ્રધાનો પિકેટલાઇનમાં હડતાળિયાની સાથે જોડાયા. પિકેટલાઇન ઉપર એક લેબર પક્ષના એમ.પી. ઓડ્રી વાઇઝે ધરપકડ વહોરી. આ સમગ્ર હિલચાલના કેન્દ્રસ્થાને, ઊંચા અને પડછંદ પોલીસોની હરોળો સામે, ખેડા કે બોરસદના સત્યાગ્રહોનું પુનરાવર્તન કરતી, ધર્મજમાં જન્મેલી અને માત્ર દસમા ધોરણ સુધીનો અભ્યાસ પામેલી, ટૂંકા કદની અને સાડી પહેરીને ઘૂમતી નારી. એ નારી તે જયાબહેન દેસાઈ.

પછી તો એ જયાબહેને ચલાવેલા આંદોલનની દસ્તાવેજી ફિલ્મો અને ટી.વી. ફિલ્મો બની. એમની પ્રેસ-કૉન્ફરન્સો અને સભાઓ થઈ. પાર્લમેન્ટરી હેવાલોમાં અને ગ્રંથોમાં એ જંગની નોંધો લેવાઈ. નાટકો રચાયાં અને બ્રિટનને એક ગુજરાતી નારીના ચહેરાની ઓળખ મળી. આમ, કીર્તિની ટોચે પહોંચ્યાં છતાં જયાબહેનની મુખાકૃતિ ઉપર નેતાગીરીનો છાક ક્યાંયે ન વરતાયો. ફક્ત ઘર ચલાવવું અને યથાશક્તિ સમાજમાં કામો કરવાં, એટલો રવૈયો એ સાચવતાં રહ્યાં છે.

૨ એપ્રિલ, ૧૯૩૩, એ જયાબહેનની જન્મતારીખ. પિતાનું નામ ગોરધનભાઈ અને માતાનું નામ કમળાબહેન. પિતાએ કામની શરૂઆત ૧૯૨૧માં ખાદીભંડારથી કરેલી. જુગતરામ દવે સાથે તેમને મૈત્રી હતી. એમને પિંગળનું ય જ્ઞાન. માતા કમળાબહેન વ્યવહારકુશળ અને રૂપાળાં. સરસ કંઠ. કવિતા પણ ગાઈને શીખવાડે. માતાપિતા બંનેની લાક્ષણિક ધારાઓ જયાબહેને ઝીલી છે. એમને ઘણાં ગીતો, કવિતાઓ મોઢે છે અને હલકથી ગાય છે. નાનપણમાં એમનું ગીત સાંભળીને પીતાંબર પટેલે એમને રેડિયો પર ગાવાનું ઇજન આપેલું, પણ પિતાએ ના પાડેલી. એ અફસોસનો લસરકો ઠીક-ઠીક વખત સુધી એમના મનમાં રહેલો.

૧૯૫૫માં એમનાં લગ્ન થયાં સૂર્યકાન્ત દેસાઈ સાથે. મૂળ નડિયાદના, પણ આફ્રિકામાં જઈને વસેલા સૂર્યકાન્તે કૅમ્બ્રિજની પરીક્ષા પસાર કરેલી અને તરત કૌટુંબિક જવાબદારી નિભાવવા નોકરી સ્વીકારેલી. એમનો પાંચેક વર્ષનો વસવાટ દારેસલામમાં. ૧૯૬૧માં ટાન્ગાનિકાને સ્વતંત્રતા મળી, તેની સાથે રાજકીય સમીકરણો બદલાયાં. દેસાઈ દંપતીને લાગ્યું કે આફ્રિકામાં બાળકો માટે આશા બંધાવે એવું કોઈ ભવિષ્ય નથી, એટલે ૧૯૬૪માં ભારત ગયાં. ચારેક વર્ષ ભારતમાં ગુજાર્યા પછી સૂર્યકાન્ત દેસાઈ ૧૯૬૮માં લંડનના વેમ્બલી ઉપનગરમાં આવ્યા અને રેન્ક ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી લીધી. છ મહિના પછી જયાબહેન બે દીકરા સાથે ઇંગ્લૅન્ડ આવ્યાં અને ‘જ્યુડી’ નામની નવી શરૂ થયેલી ફૅક્ટરીમાં કામ મેળવી ડ્રેસ બનાવ્યો. સિલાઈકામ તો એ શીખેલાં હતાં. પરંતુ મશીન ચલાવતાં શિખવાડ્યું માલિકની માએ. પછી સેમ્પલ બનાવનાર તરીકે અઠવાડિયાના પંદર પાઉન્ડ મેળવતા થયાં.

ધીમેધીમે, નિષ્ઠાપૂર્વક કામમાં કુશળતા મેળવી ઘર લીધું. સિલાઈ માટે મશીન લીધું. એક સરખી ગુણવત્તાએ આબરૂ મેળવી આપી અને જીવનને સ્થિરતા મળવા લાગી. પછી થયું કે ઘેર સિલાઈકામ ચાલુ રાખીને બચતા સમયમાં પાર્ટટાઇમ કામ કેમ ન કરવું ? એ શોધ એમને ૧૯૭૪માં લઈ ગઈ ગ્રનવીકને બારણે. પાર્ટટાઇમ ક્રમશઃ વિસ્તરીને ફૂલટાઇમ થઈ ગયો અને ગ્રનવીકને માથે કાગડી ભમી. ગોરા માલિકની તુમાખી તથા જોહુકમી સામે એમણે જંગ માંડ્યો અને બ્રિટનના ટ્રેડયુનિયનના ઇતિહાસમાં સ્થાન આંકી લીધું.

પ્રાપ્ત થયેલી કીર્તિને પોતાના લાભમાં ફેરવી નાખવાની કશી પેરવીમાં પડ્યા વિના, લડત પૂરી થયા પછી ઘેર બેસીને સિલાઈકામ ચાલુ રાખ્યું. એમાં આલ્પરટનની એક ફૅક્ટરીએ ઘેરબેઠાં કામ કરવાની સગવડ આપી, તેનાથી સંસાર નભતો થયો. સૂર્યકાન્ત દેસાઈ પણ રેન્ક ઇન્ડસ્ટ્રીઝમાંથી બ્રિટિશ રેલ સાથે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. બીજી બાજુએ જયાબહેને પણ ‘બ્રેન્ટ ઇન્ડિયન એસોસિયેશન’ના કૉમ્યુિનટી ડેવલપમેન્ટ ઑફિસરની ટીમમાં કામગીરી સંભાળી. એમાંથી કામની શાખા-પ્રશાખા ફૂટવા માંડી. ઘરડાં લોકો માટે પેન્શનર્સ ક્લબ શરૂ કરી. તેમના ભોજન માટે હાર્લ્સડનમાં ચાલતા રસોડામાંથી મોટરવૅન મારફતે રસોઈ પહોંચતી થાય એવી ગોઠવણ કરી અને કમાણીમાં એમને મળ્યો બાપના જેવો પ્રેમ.

પછી આવ્યો બહેનોનો વારો. એમને ગુજરાતી શિખવાડવા બે-ત્રણ શાળાઓમાં વર્ગો ચલાવ્યા. એમાં સિલાઈકામ પણ ખરું. કિલબર્ન કૉલેજમાં એનો અભ્યાસક્રમ ચાલુ કરાવ્યો ને હેરોની કૉલેજમાં ‘સર્ટિફાઇડ એશિયન ડ્રેસમેકિંગ કોર્સ’ માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો. છેલ્લાં છસાત વર્ષથી વેમ્બલીના ‘ડેનિસ જેક્સન સેન્ટર’માં ચાલતાં મહિલામંડળની પ્રવૃત્તિ સાથે, યોગ તથા રિફ્‌લેક્સોલૉજીની તાલીમમાં એ વિલાસબહેન ધનાણીની સાથે મળીને કામ કરે છે. આ સંસ્કારો ભારતના સ્વરાજઆંદોલનના સમયની દેન હશે? જયાબહેનની કોઠાસૂઝમાં અનુભવના અને વિશ્રંભકથામાં સાદગી અને અનાસક્તિના સૂર સંભળાય છે. ગ્રનવીકના આંદોલનકાળમાં એક પત્રકારને તેમણે કહેલું : Remember, that all this industrialisation is still only materialistic. It brings happiness, yes but it brings misery too. ગાંધી પણ સાંભળીને રાજી થાય એવું આ વિધાન એમની ધાણીફૂટ અંગ્રેજીમાં જોઈને સહેજે અચરજ થાય.

પરિવારમાં એમને બે પુત્રો છે : મોટા શિવકુમાર અમેરિકામાં, અને તેમનાથી નાના રાજીવ બ્રિટનમાં છે. બંને સારા સ્થાને છે. કુટુંબ હર્યુંભર્યું છે. જયાબહેન અને સૂર્યકાન્ત તેમની નિવૃત્તિની વચ્ચે મનપસંદ પ્રવૃત્તિ ખોળી લઈને જીવનધારાને સતત લીલી રાખે છે.

ગયે વર્ષે, ૧૯૯૯ની બાવીસમી મે અને શનિવારને દિવસે જયાબહેન પાસેથી તેમની જીવનચર્યા વિશે પૂછપરછ કરીને જરૂરી નોંધો ટપકાવી લીધી હતી. યોગાનુયોગ તે કેવો! આજે બરાબર એ જ બાવીસમી મે, ૨૦૦૦ અને સોમવારે ખુદ જયાબહેનના ઘરમાં બેસીને આ વર્તુળ પૂરું થાય છે. પૂરું થાય છે એમ તો શી રીતે કહી શકાય? આ દંપતીની પાસે નવાં શિખરો સર કરવા સિલકમાં ઘણાં વર્ષો પડેલાં છે.

[નિરીક્ષક,  ૧૬-૭-૨૦૦૦માંથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2017; પૃ. 08-09

Loading

...102030...3,5723,5733,5743,575...3,5803,5903,600...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved