– કોને કહીશું આજે 'ક્વિટ ઈન્ડિયા’?
– ૯ ઓગસ્ટ; કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની
ક્વિટ ઈન્ડિયા … યુસુફ મહેરઅલીને સૂઝી રહેલા આ બે શબ્દો કેમ જાણે સ્વરાજસંગ્રામનો મંત્ર બની રહ્યા, અને સન બયાલીસ બિલકુલ સન સુડતાલીસની નાન્હી ઘટના સરખું સંઘષવર્ષ બની રહ્યું. કૃતજ્ઞ રાષ્ટ્ર આજે નવમી ઓગસ્ટે એ સૌ કુરબાનીઓને સંભારશે જેને કારણે આપણે છીએ. ગુજરાત આંગણે મહાનગર અમદાવાદમાં વિનોદ કિનારીવાલાનું થાનક એવા જ એક પ્રેણાર્તીથ શું ખડું છે – રાષ્ટ્રીય શાયર મેઘાણીની એ યાદગાર અમર પંક્તિઓ સાથે કે 'કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની’
જુલાઈમાં વસન્ત-રજબની શહાદત સંભારવાનું બને છે, ઓગસ્ટમાં કિનારીવાલા વગેરેને. જે એક વાત, આવે વખતે, કર્ણબધિર સૂત્રોચ્ચારો સાથે આપણા ખયાલમાં ઝટ કદાચ નથી આવતી તે એ છે કે આ સૌનાં બલિદાનો કોઈ સ્વપ્નરંગી ક્ષણાવેશ શી બીના નહોતી અને નથી. એક સમગ્ર ચિત્ર વસન્ત-રજબ, વિનોદ વગેરે સામે પોતપોતાની સમજ પ્રમાણે હતું. એ સ્વરાજસમણું હતું, એક એવા સ્વરાજનું જેમાં સૌહાર્દ તેમ સમતા પણ હોય.
નાતજાત કોમધરમ મજહબની સાંકડી ઓળખમાં નહીં ગંઠાતા સમાજ આખાની એક સમતાલક્ષી કલ્પના એ હતી. ત્યારે પ્રચલિત પ્રયોગ ખપમાં લઈને કહીએ તો દેશની તરુણાઈના ખાસા હિસ્સાને લોકશાહી સમાજવાદ ઈષ્ટ હતો. તમે જુઓ કે સ્વરાજ આડે અઠવાડિયું પણ નહોતું અને કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકવા કોણ આવે એ પ્રશ્નનો ઉત્તર ગુજરાતના ત્યારના તરુણ નેતૃત્વને જયપ્રકાશમાં જડયો હતો જે કોંગ્રેસ સમાજવાદી પક્ષના લગભગ પર્યાયપુરુષ હતા.
બે વડા સાથીઓ અને સુભટો, નેહરુ અને પટેલ, જ્યારે સરકારસ્થ થયા ત્યારે કોંગ્રેસનું પ્રમુખપદ કોને સોંપવું એ સવાલનો ગાંધીને જડેલો જવાબ જયપ્રકાશનો હતો. જો કે, સ્થાપિત કોંગ્રેસ નેતૃત્વને એ નામ ગ્રાહ્ય નહોતું, જેમ ગુજરાતના વડીલ કોંગ્રેસજનોને ખાંભી સંદર્ભે પણ એ સ્વીકાર્ય નહોતું. પરંતુ, ગુજરાતના તરુણ નેતૃત્વે એ વાનું ગણકાર્યું નહીં અને તે જયપ્રકાશને નિમંત્રીને જ જંપ્યું. આ એ જ જયપ્રકાશ દિવસોમાં 'જરૂર પડે તો હાઈજેક કરીને પણ લાવો’ એવો આ બધું સંભારવાનો ધક્કો કોઈ પલપલ ઇતિહાસે ભરી બારમાસી કંદરામાં ભમવાભટકવાનો નથી; પણ સ્વરાજનિર્માણની સમાજવાદ કહેતાં આર્થિક-સામાજિક ન્યાયના વ્યાપક સંદર્ભમાં જે આર્થિક-સામાજિક કાર્યક્રમનો તકાજો આ દિવસોમાં પૂર્વે કદાપિ નહીં એ હદે સામે આવ્યો છે એની સમજને ધાર કાઢવાનો અને સંકલ્પને ઊંજવામાંજવાનો છે.
નરેન્દ્ર જ્યારે ચૂપેન્દ્ર નહોતા એ ગાળામાં બહુ ગાજેલો પ્રયોગ 'ગુજરાત મોડલ’નો હતો. વિકાસ શેનું નામ એવા કોઈ સાક્ષાત્કારક ચમત્કાર પેઠે સતત ઊછાળાતો રહેલો એ પ્રયોગ હતો અને છે. આ મોડલને જેટલો પ્રચારલાભ મળ્યો છે એટલો તપાસલાભ કદાચ નથી મળ્યો.
પણ સંક્ષેપમાં એટલું જ કહેવું બસ થશે કે એમાં વૃદ્ધિદરનો નિરતિશય મહિમા છે. વૃદ્ધિ ઉચકાય એટલે વિષમતા જાય એવી એક દંતકહેણીએ મચેલો જે વિશ્વહંગામો એની જ એ ગુજરાત આવૃત્તિ છે. માત્ર, વિષમતા નિર્મૂલન અને સહભાગી વિકાસને 'વૃદ્ધિ’ ઉપરાંતની સારસંભાળ જોઈએ છે અને એ એક ન્યારો અગ્રતાવિવેક માગી લે છે એવી કોઈ જરૂરત પ્રચારશોર વચાળે ભાગ્યે જ કોઈના ખયાલમાં આવતી હશે. આમ લખતીકહેતી વખતે અલબત્ત એ વાનું તો ખયાલમાં જ હોય કે મૂડીવાદ અને સમાજવાદની કોઈ એક પરંપરાગત વ્યાખ્યા કે એમને વિશે કોઈ ચાલુ સમજ યથાવત્ નથી.
પણ જો મેળાપી મૂડીવાદની કળ ન વળે અને વૃદ્ધિ જ વૃદ્ધિ એવી મૂર્છા ન ઊતરે – સમતાલક્ષી સહભાગિતાનો ઇતિહાસબોધ ન પકડાયમપાય તો મળ્યું જણાતું સ્વરાજ અને જડયો કહેવાતો વિકલ્પ બેઉ ખાલી ખાલી ખખડવા લાગે. વડાપ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ સબબ લોકસભામાં મૌનભંગ કીધો ત્યારે એક વાત માર્કાની કહી કે વિકાસ શા માટે જનઆંદોલનની જેમ ન ચાલે. ચાલે ભાઈ, ચાલે; જરૂર ચાલી જ શકે.
પણ મહુવા જનઆંદોલનની પરત્વે ગુજરાત મોડલ જે રીતે પેશ આવ્યું એમાં આ ગુંજાશ નથી તે નથી. જગદીશ ભગવતી અને અરવિંદ પાટનગરિયા તો શું અમત્ર્ય સેન પણ એક તબક્કે બજારદેવતા સમક્ષ અટકી જાય છે. વસંત, રજબ, વિનોદ તો શું જયપ્રકાશ પણ કોઈ અર્થશાસ્ત્રી નહોતા. પણ સ્વતંત્રતા હો કે વિકાસ, સમતા ને સહભાગિતા વગર તે ગંઠાયેલા અને મોચવાયેલા છે એટલો એક બુનિયાદી સમજ અને તેને સારુ જલતું જિગર એ તો સુવાંગ એમનાં અને એમનાં જ હતાં.
જો ભાજપના સત્તાકીમિયામાં આ મુદ્દાનો સમાસ નથી તો રાહુલને બદલે પ્રિયંકા અગર તો રાહુલપ્રિયંકાની જુગલબંદી એ પણ જવાબ નથી … અને મેનકા ગાંધીના વરુણ બલૂન વિશે તો શું કહેવું. રાષ્ટ્રવાદ અને વિકાસને એકબીજાના પર્યાયરૂપે પ્રયોજતાં ગર્જનતર્જનથી કોઈ પ્રજાવર્ગને મૂઠ વાગી શકે, કોઈ પ્રજાવર્ગને એની મોહની પણ લાગી શકે, પણ સમતાલક્ષી કહી શકાય એવો તો શેકયો પાપડ પણ ન ભાંગી શકે. જે રાજનીતિ લોકસભાનાં પરિણામો પછી ઉત્તરપ્રદેશમાં છસો જેટલાં કોમી તનાવકિસ્સાને હવા અને ખાણદાણ આપી શકે છે અને પેટાચૂંટણીઓમાં એનો પ્રભાવ પાડવા ઈચ્છે છે એને જ કાં 'ક્વિટ ઈન્ડિયા’ ન કહીએ?
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2014