હમણાં ત્રણેક દીની રજા હતી. એ દરમ્યાન મારો મોટા ભાગનો સમય મારા અભ્યાસખંડમાં – ‘a room of one’s own’ – વીતતો હતો. મારી બેઠક એકદમ બારી પાસે.બારીના કાચ આજકાલ ઠંડીના કારણે બંધ રહે છે. આ કાચ એવા કે હું બહારની દુનિયા નિહાળી શકું, પ્રચ્છન્ન રહીને. આ પરિસ્થિતિના ફાયદા દેખીતા જ છે. એ પૈકી એક ફાયદો બારીના ઓટા પર કે બારી પાસે વાવેલ વાયવરણા પર નિ:શંકભાવે ફરતાં પક્ષીઓને નિહાળવાનો. એકદમ જ નજીકથી.
કાચ પર અમુક સમયે એવી રીતે પ્રકાશ પડે કે એમાં પક્ષીઓ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. આવું થાય ત્યારે જો વન લેલાં કે મોટાં લેલાં આવી ચડ્યાં હોય તો જોઈ લો મઝા. વન લેલાંની પીળા વર્તુળવાળી આંખ ધ્યાનથી જોઇએ તો એ આમ પણ જરાક ચસકેલ લાગે. અને એમાં પોતાનું પ્રતિબિંબ નજરે ચડે ત્યારે એ, અસલના સમયમાં બૂંગિયો વાગતાં શૂરવીરોની જે અવસ્થા થતી તેમાં એટલે કે વીરરસમાં આવી જાય! કાચ અને ચાંચનું ધીંગાણું નિહાળીને ‘ઇર્શાદ’ યાદ આવી જાય: ક્યારેક સાચ સામે, ક્યારેક કાચ સામે; થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી … પણ આ શૂરવીરો જલદી થાકતા નથી. … કદાચ આપણી લડાઈઓ પણ મોટા ભાગે આવી જ છે.
હરિનારાયણ આચાર્ય ‘વનેચર’ અને હૉરેસ એલેક્ઝેન્ડરે પણ આ શૌર્યની નોંધ લીધી છે. ‘પક્ષિતત્વવિદ્વર શ્રી હૉરેસ એલેક્ઝેન્ડર’ નામના પોતાના લેખમાં શ્રી આચાર્ય લખે છે : ‘ગાડીમાં બેસતાં બેસતાં શ્રી એલેક્ઝેન્ડરે મોટરના પૈડાની ચળકતી નિકલ-પ્લેટેડ ઢાંકણી પર બૂટના ટેરવાથી ઠોકર મારી અને મારા સામું જોઈ હસ્યા. હું પણ હસ્યો અને પૂછ્યું : હજુ પણ યાદ છે? એમણે કહ્યું : હા અને ભવિષ્યમાં પણ રહેશે … લેલાં પક્ષીઓની મોટરના ચાકની ચળકતી ઢાંકણી ઉપર ચાંચ વડે ટકોરા મારવાની ટેવ વિષયની એમની એક નોંધ પ્રસિદ્ધ થયી હતી. એ નોંધની પુરવણી રૂપે લેલાંનો એમના જેવો જ મારો અનુભવ,મેં એ જ સામયિકમાં, નોંધરૂપે રજૂ કર્યો હતો. મારા સામું જોઈ એ હસેલા એની પાછળ આ જ વાતનો ઇશારો હતો.’
લેલાંનું આ યુદ્ધ નિહાળીને મને મારા જૂના ઘરની ઓસરી યાદ આવી ગઈ. ત્યાં એક અરીસો લટકાવેલો રહેતો. એના પર ચકલી આવીને આવું જ યુદ્ધ ખેલતી. જેટલી વાર ઉડાડીએ એટલી વાર પાછી આવે. એનું શૂરાતન એ કક્ષાએ પહોંચ્યું હતું કે એક વાર અરીસા પર કંકુછાંટણાં દેખાયાં. ચકલીએ ચાંચ અથડાવી અથડાવીને લોહી કાઢ્યું હતું! પછી દાદીમાએ અરીસો ઉતારીને મૂકાવી દીધો હતો. સાવચેતી ખાતર ઘરના બીજા અરીસા પણ કપડાથી ઢાંકી દીધા’તા. ચકલી સાંભરતાં દુ:ખ થયું અને હું યાદ કરવા લાગી કે છેલ્લે મેં ચકલીને ક્યારે જોઈ હતી.
સવારે પંખીઓ પેટપૂજામાં વ્યસ્ત હોય. એકદમ કામગરી રીતે વાયવરણાની ડાળીઓ પર એમની આવજા થાય. પણ આહારોપાર્જન થઈ જાય એટલે એ બધાં એકદમ નિરાંતવા જીવે બેસે. રોજ બપોરે દેવચકલી આવે. એવી છટામાં પૂંછડી અદ્ધર રાખી હોય કે જાણે એના ટેકા વિના આભ નીચે પડી જશે. કદાચ પડે પણ ખરું, કોણ જાણે છે? દેવચકલી પ્રત્યે મને પહેલેથી પક્ષપાત. મા ખોડિયાર કાળીદેવનું રૂપ લઈને ભાવેણાના રાજાના ભાલે આવીને બેસે, ને પછી અમારા ભાવનગરની ફત્તેહ! પણ અહીં તો દેવચકલી ધીમા ધીમા મીઠા સૂરમાં ગીતો ગાવા આવે છે. ‘બિલ્લી વાઘ તણી માસી’ હોય તો દેવચકલી શામાની માસી ખરી કે નહીં? શામા ભારતનું સૌથી સારું ગાયક. એનાં માસીબા સગપણને નથી લજાવતાં; મંદ પણ સુંદર ગાય છે. સાંભળીને મનને બહુ સારું લાગે.
પણ સૌથી વધુ મઝા કાબરને જોઇને આવે. રોજ ચાર કાબર વાયવરણા પર આવીને બેસે છે. પહેલાં તો નિરાંતે પીંછેપીંછું સાફ કરે. પોતાનું, અને વહાલ ઉભરાય તો સાથીનું. એ બધી સાજસજ્જા પછી એનું ગાણું શરૂ થાય. કાબરનું માથું આમ તો સરસ રીતે ધૂપેલ લગાવીને ઓળ્યું હોય તેવું લાગે. પણ ગાવાનું શરૂ કરે ત્યારે માથાનાં પીંછાં બને તેટલાં ઊંચાં કરીને પછી જ આરંભ કરે. ગાય પણ લટકાળી રીતે. વચ્ચે વચ્ચે માથું નીચું નમાવતી જાય અને ટહુકા સાથે ઊંચું કરીને પાછા તાનપલટા શરૂ કરે. સાંભળવાની મઝા આવે એટલી જ જોવાની પણ આવે! આ મહેફિલ પૂરી થાય પછી તંદ્રાનો સમય આવે. પગ વાળી દેવાના, પેટ ડાળી પર ટેકવવાનું અને પેટનાં પીંછાં ફૂલાવીને પહોળાં કરવાનાં. આંખનું નીચેનું પીળું પોપચું ઊંચું કરી આંખ મીંચી દેવાની. પછી કાબરબેન ઝોકાં ખાય. ક્યારેક તો આપણને એમ થાય કે ડાળ પરથી ગબડી જશે કે શું? પણ જરાક અમથો સંચર થાય એટલે તરત સાવધાન! પસ્તીવાળા ભાઈ કે ગાય નીકળ્યા હોય તો પાછી આંખ બીડી દે; પણ બિલાડી કે શકરો હોય તો તો બધાં જાગી જાય એટલો ઘોંઘાટ કરી મૂકે. એમ થાય કે હમણાં જાતજાતના ટહુકા કરતી’તી એ જ આ વૈખરી વાચાવાળી?
વાયવરણાને વીંટાયેલી સંધ્યાવેલનાં શ્વેત ફૂલોથી આકર્ષાઈને જાંબુડી શક્કરખોરા પણ આંટો મારી જાય. એ બન્નેની ઘટાથી આકર્ષાઈને માળો બનાવવા માટે મુનિયા અને દરજીડો આવે. બુલબુલ આવી જાય; ક્યારેક કચ્છી પિદ્દો પણ આવી જાય. ખિસકોલી-કાચીંડા તો ખરા જ. આમ મારી બારી રળિયાત બન્યા કરે.
અત્યારે પણ કાબર એનાં ગાણાં ગાતી હશે. પણ મારી રજાઓ પૂરી થઈ ગઈ છે. ‘જરાસંધ’ની એક લઘુકથા યાદ કરું છું : ‘પક્ષીતત્વ’. આ કથાના મધ્યમવર્ગી નાયકને નાનપણમાં ગગનવિહારી પક્ષીઓને દેખી એવી જ મોકળાશથી રમવાની ઇચ્છા થાય. મોટા થયા પછી ઑફિસે જતી વખતે ઝોકાં ખાતાં પક્ષીની સામે એ જોઈ રહે. અને એથી પણ પછીના સમયમાં, નિરાંતવાં પક્ષીઓને જોઈને એ વિચારે કે પક્ષીઓને દીકરી પરણાવવાની ચિંતા નથી હોતી … દરેક માણસની અંદર પક્ષીતત્વ રહેલું જ હશે ને? ઉપનિષદમાં આત્મા અને પરમાત્માને અમસ્તાં ‘સુપર્ણ’ નહીં કહ્યાં હોય … ઑફિસના પીંજરની અંદર રહ્યે રહ્યે આજે મારી અંદરનું પક્ષીતત્વ કંઈક વધુ જ પ્રબળ થઈ ગયું, એટલે અહીં આ બધું. થોડી વાર ટેબલ પર નાનકડું આકાશ ઉતરી આવ્યું! પણ હવે મનની ઉડાન આટલેથી જ સંકેલી લઉં.
FRIDAY, AUGUST 10, 2012
સૌજન્ય : http://thismysparklinglife.blogspot.in/