‘આવો પુસ્તકવિક્રેતા કદી જોયો નથી’ એવો અનુભવ ઘણા અપરિચિત લોકોને ય નાનક મેઘાણી (૧૯૩૧-૨૦૧૪) માટે થયો હશે. ‘અમારા કામનાં પુસ્તકો શા માટે આટલી બધી ચીવટ રાખીને નાનકભાઈ સાચવી રાખતા હશે?’ એવો પ્રશ્ન પણ ઘણા પરિચિત લોકોને ય નાનકભાઈ માટે થયો હશે. ‘આ માણસ આટલા બધા દિવસો ઉધાર કેવી રીતે રાખી શકે છે !’ એવી ચિંતા ઘણા વાચકોને તેમના માટે જન્મી હશે. પણ આ લાગણી, આ અનુભવ, આ ચિંતાના મૂળમાં શું હતું? પુસ્તકો અને વાચકો માટેનો પ્રેમ તો ખરાં જ. પણ જીવનના પાંચ દાયકા સુધી સતત પેઢી દર પેઢીનો વાચનરસ સંતોષનારા એ જ્ઞાનપ્રસારકના વ્યક્તિત્વમાં એ સિવાય પણ કશુંક હોવું જોઈએ. ગ્રંથાગાર માટે અઢી દાયકાથીયે વધુ સમય રહી, સૌને સસ્મિત આવકાર આપનાર અને કોઈ પણ પુસ્તક શોધી આપવામાં હંમેશાં હકાર ધરનાર હંસાબહેન સાથેનો સંવાદ ‘એ કશુંક’ શોધી આપવામાં મદદરૂપ બની શકે એમ છે …
કેતન રૂપેરા : નાનકભાઈ સાથેનો તમારો પરિચય અને ‘ગ્રંથાગાર’માં જોડાણ કેવી રીતે થયાં?
હંસાબહેન પટેલ : હું બી.કોમ. થઈને નવજીવનમાં એકાઉન્ટ વિભાગમાં એપ્રેન્ટીસ હતી. એ પહેલાં મારા પપ્પા નવજીવનમાં હોવાના કારણે બાલુભાઈ પારેખ સાથે મારે સારો એવો પરિચય. અને બાલુભાઈ નિયમિત ‘ગ્રંથાગાર’માં જતા એટલે નાનકભાઈએ એમને કદાચ કહી રાખ્યું હશે કે ‘ગ્રંથાગાર’ના કામ માટે એકાદ વ્યક્તિની જરૂર છે. બાલુભાઈએ નાનકભાઈ સાથે મારી મુલાકાત કરાવી. ૧૯૮૬-૮૭ની એ સાલ હશે. એમણે કહ્યું, ‘આવો, મને ય ખબર નથી કે હું તમને શું સોંપીશ પણ થોડા દિવસ કામ કરો, પછી જોઈએ’. એ વખતે પહેલી વાર મેં એટલા બધાં પુસ્તકો ભરેલાં ભરચક ઘોડા જોયેલાં ! પુસ્તકોની યાદી બનાવવાથી કામ શરૂ કર્યું. આજ-કાલ કરતાં ૨૬-૨૭ વર્ષ વીતી ગયાં પણ મેં કદી વિચારેલું નહોતું કે આટલાં વર્ષો હું કામ કરીશ. મને એમ કે એકાઉન્ટના ચોપડા કે એવું કંઈક લખીશ. આમ પણ મને એવું પડદા પાછળનું કામ જ ગમે.
સ. : એ કામ કરતાં કરતાં કોઈ વિશેષ સંવાદો થતા એવું ખરું?
જ. ઃ શરૂઆતમાં તો મારે એવો કોઈ સંવાદ ન થાય. એવી કક્ષા પણ ન હોય આપણી. બધું કામ આપણાં માટે નવું હોય. બધું જોયા કરીએ. એટલે હું બધાને સાંભળું એ જ મારું કામ હતું. અને મને એ બહુ ગમે. કારણ કે ‘ઘણું વાંચનારા’ લોકો એમની પાસે આવીને બેસતા. વળી નાનકભાઈની કોઈ કૅબિન નહીં. હું બેઠી હોઉં એમ જ એ બેઠા હોય. એટલે કોઈએ પણ જે પણ વાત કરવાની થાય એ બધા વચ્ચે જ કરવાની થાય. એટલે કામ કરતાં કરતાં બધું કાને પડે. અને નાનકભાઈને એવું કે કામ કરતાં હોઈએ ને કોઈ આવે તો કહે, ‘હવે આ બધું મૂકી દો. કરશું પછી’ ને વાતોએ વળગી જાય. ઘણી વાર એ કહેતા કે આપણું મુખ્ય કામ લોકોને મળવાનું છે. કોઈ નહીં હોય ત્યારે શાંતિથી બાકીનું કામ કરીશું.
સ. : પછી એ કામને પહોંચી વળવાનું કેવી રીતે ગોઠવાતું ?
જ. ઃ મારે તો એવું કે જે સમય નક્કી થયેલો હોય એ ટાઇમે આવતી ને જતી. ૧૧ઃ૦૦થી પઃ૦૦નો ટાઇમ. પણ નાનકભાઈની સવાર વહેલી પડે એટલે એ વહેલા ઊઠીને કે મોડે સુધી કામ કરતા. ઘણી વાર એવું બનતું કે એ બીજા કોઈ કામે ગયા હોય તો ૧૧ વાગ્યે નયે આવ્યા હોય. મને થાય કે મને કશું કામ તો સોંપ્યું નથી અને એ આવશે પછી મોડે સુધી કામ કરવું પડશે ! પાછું નાનકભાઈને ય દરેક વખતે એવું યાદ ન આવે કે આમનો સમય થઈ ગયો એટલે જવાનું કહું. પછી અચાનક ધ્યાન જાય એટલે કહે કે, તમારો સમય થઈ ગયો, તમે જાવ. મને શરૂઆતમાં એવું લાગે કે આમને ખ્યાલ જ નથી આવતો કે મારો સમય થઈ ગયો છે. એક તો પોતે ૧૨ વાગ્યે આવે છે ને પછી મારી જોડે મોડે સુધી કામ કરાવે છે ! પણ એમાં એમનો આશય એવો ન હોય. એ રાજકોટ રહીને આવેલા એટલે સવારે વહેલા કામ કરે, બપોરે આરામ ને પછી ચાર વાગ્યાથી ફરી કામ શરૂ. એ આપણને અમદાવાદવાળાને જચે નહીં, પણ ધીરેધીરે હું એમની જોડે ટેવાતી ગઈ ને તેઓ પણ ધીરેધીરે અમદાવાદના સમય પ્રમાણે ગોઠવાઈ ગયા. પણ શરૂઆતનાં વર્ષો સુધી કદાચ એવા કોઈ સંવાદો ના થાય એટલે હું પુસ્તકો પર નજર ફેરવું પણ પુસ્તકો તો એવા અઘરાં અઘરાં રાખતા કે નવરાશના સમયમાં મારી ચાંચ એમાં ડૂબે તો હું વાંચું ને. કોઈ નાનકભાઈને મળવા આવે તો તેમની સાથે વાતે ય ન કરી શકું, એટલે શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ તો એમ કોરાં જ ગયાં હશે.
પછી જેમ જેમ ખબર પડે તેમ તેમ સંવાદ થાય. નાનકભાઈના વ્યક્તિત્વનો અને પુસ્તકો લઈ જનારનો પણ પરિચય થાય. ‘નાનકભાઈ, આ પુસ્તક લઈ જઉં છું.’ કોઈ વાચક એમ કહીને એક ઝલક બતાવી દે, પણ નાનકભાઈએ પુસ્તક બરાબર જોયું પણ ન હોય. ધીરે ધીરે એ બધું હું યાદ રાખતી થઈ ગઈ. ક્યારેક એ પૂછે ત્યારે કહું કે એ પુસ્તક કોણ લઈ ગયું છે. જેમ જેમ વર્ષો વીતવાં લાગ્યાં એમ ધીરે ધીરે બધી ખબર પડતી ગઈ. પછી તો જે કામ નાનકભાઈ કરે એ હુંય કરું. એટલે સમજણવાળું નહીં, પણ ખાનાંમાં પુસ્તકો ગોઠવવાનું. મારા ધ્યાનમાં એવું આવે કે નાનકભાઈએ આ ધ્યાન રાખવું જોઈએ તો પછી એ ધ્યાન હું રાખવા માંડું. અને પછી એ ય મને સોંપતા ગયા કે આ નોંધ તમે રાખી છે તો હવે તમે ચાલુ રાખજો.
સ. : પણ એમ કરતાં કરતાં જ પછી એક સમય એવો આવ્યો કે ‘ગ્રંથાગાર’માં આપ એવા ગોઠવાઈ ગયાં કે ક્યારેક નાનકભાઈ ન હોય તો એમની ખોટ વાચકો-ગ્રાહકો-મુલાકાતીઓને ન સાલતી. એક રીતે કહીએ તો તમે તેમના પૂરક બની શક્યાં.
જ. ઃ હા, એમ થઈ શક્યું. તે એવી રીતે કે પુસ્તકોની પસંદગી અને જેને જે પુસ્તક ગમે તેને એ પહોંચાડવામાં નાનકભાઈ એટલા બધા રચ્યાપચ્યા રહે કે એકાઉન્ટની બાબત પર જરા ય ધ્યાન ન આપે. બધું મારા પર છોડે. પણ સમયાંતરે હિસાબ કરવાનો થાય, પ્રકાશકોને રૂપિયા ચુકવવાના થાય એટલે પાછા થોડુંક એ દિશામાં વિચારે. કોઈની પાસે ઉઘરાણી કરવાનું થાય તો ય પાછું એવું નહીં કે બીજી વખતના વ્યવહારમાં સજાગ બની જાય. એ થોડાક અરસા પૂરતું જ હોય ફરી પાછું એમનું ધ્યાન પુસ્તકો ખરીદવામાં અને તેને વાચકો સુધી પહોંચાડવામાં. એ એમની રીતે જ વર્તે. એટલે એમનું બધું ધ્યાન સારાં પુસ્તકો લાવવામાં. એના માટે પોતાની શક્તિના સો ટકા ખર્ચી નાખે. અને એ પુસ્તક મુલાકાતીઓને ગમ્યું એટલે પૂરું. એમને સંતોષ થઈ જાય. મારે હંમેશાં એમની જોડે સંવાદ થાય કે આપણાં પુસ્તકો વેચાવાં જોઈએ કાં પાછાં જવાં જોઈએ, પડ્યાં ન રહેવાં જોઈએ. આમ તો નુકસાન થાય. ક્યાં પુસ્તકો ક્યાં ફરે છે તેની નોંધ તો હોવી જોઈએ ને.
સ. : એટલે લિટરલી નોંધ ના થાય તે ના જ થાય ?
જ. ઃ ખરેખર ના થાય.
સ. : આ રીત જોખમી હોવા અંગેની તમારે વાતચીત થતી?
જ. ઃ હા થતી, પણ એ એવું જ માનતા કે જે લઈ જાય છે એ નોંધ રાખે છે.
સ. : પણ પુસ્તક નહીં આવવાના કે ખૂબ મોડા આવવાના અનુભવો થતા હશે ને.
જ. ઃ થાય ને, પણ એવા અનુભવ થયા પછી થોડોક સમય જ યાદ રાખવાનું કે નોંધવાનું થાય, પછી એ તો એમની રીતમાં જ આવી જાય. એમને એવું યાદ પણ ન રહે કે આ વ્યક્તિ જોડે પુસ્તક ખોવાઈ જવાનો કે સમયમર્યાદા કરતાં મોડું આવ્યાનો અનુભવ થયો છે. મારા આવ્યા પછી ધીરે ધીરે હું એ નોંધ રાખતી થઈ. ક્યારેક કોઈક પુસ્તકની ઘેડ ન બેસે એટલે એની યાદી પરથી ખ્યાલ આવે કે તે કોની પાસે છે. પણ સામે પક્ષે અધ્યાપકો ય એવા જ હોય. એમણે કંઈ ચાહીને પુસ્તક પોતાની પાસે ન રાખી મૂક્યું હોય. એ ય ભૂલી ગયા હોય. પછી એમના ત્યાં અમારો માણસ પુસ્તક શોધવા જાય. પાછું એ અધ્યાપકોને ખરાબ ન લાગે કે મારા કબાટમાં આવીને કોઈ પુસ્તકો ફંફોસે છે ! ઘરના સંબંધ બંધાઈ ગયા હોય. બંને પક્ષે એટલું સહજ હોય આ બધું … ઘણી વાર તો એવું બને કે એ અધ્યાપક પાસે કોઈ વિદ્યાર્થી એમ. ફિલ. કે પીએચ.ડી. કરતા હોય તો એના ત્યાં પુસ્તક પહોંચી ગયું હોય. ઘણી વાર તો ત્યાંથીયે આગળ જતું રહ્યું હોય. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે આવું ઘણી વાર બનતું. પોતાના વિષયનાં પુસ્તકો અધ્યાપકે લાઇબ્રેરી માટે સૂચવવાના હોય. એ કહે એટલાં પુસ્તકો મોકલી આપીએ. લગભગ એંશી-નેવુંના દાયકાની વાત કરીએ તો ત્યારે એવું કે જેટલાં પુસ્તકો જોવાં માટે જાય એમાંનાં મોટા ભાગનાનો ઓર્ડર આવે જ. એટલે અમે ય મોકલવામાં નિશ્ચિંત હોઈએ. પછી કેટલાંક પુસ્તકો માટે જ્યારે લાઇબ્રેરીનો ઓર્ડર ન આવે ને અમારે પાછાં લેવાનાં થાય ત્યારે પુસ્તકો હાથ ન લાગે. જો કે એનું જૅકેટ કાઢી રાખવાની નાનકભાઈની ટેવ ખરી એટલે છેવટે પુસ્તકોની તો ખબર રહેતી કે આ પુસ્તક ખૂટે છે. પણ આવા કિસ્સા અવારનવાર બનતા.
સ. : ગજબ. જાણે પુસ્તકોની કોઈક અલગ જ દુનિયા હોય !
જ. ઃ હા, કેમ કે નાનકભાઈ એવું માનતા કે મોંઘાં પુસ્તકો કંઈ બધા વ્યક્તિગત થોડા ખરીદે, એ તો લાઇબ્રેરીએ જ ખરીદવાનાં હોય ને. અધ્યાપકની એ પુસ્તક રાખી લેવાની દાનત નથી ને, એટલું પૂરતું છે. ‘ટેકનિકલી ભલે ભૂલી ગયા છે પણ મૉરલી તો સાચા છે ને’, એ રીતે કાયમ તેમનો બચાવ કરે. પછી મારે કહેવાનું થતું કે ‘ટેકનિકલી કે મૉરલી, છેવટે રીઝલ્ટ તો એ જ આવે ને કે ‘ગ્રંથાગાર’ને પુસ્તકની ખોટ પડે છે’. જો કે આવા સંવાદો ય મારે આઠ-દસ વર્ષો પછી શરૂ થયા.
સ. : આવું ઘણી બધી વાર થાય તો પછી સ્ટોલ કેવી રીતે ચાલતો?
જ. ઃ એનું કારણ એ કે નાનકભાઈ મહેનત ખૂબ કરતા. એટલી બધી મહેનત કરે કે આપણને નવાઈ લાગે. એક તો માણસો વધારે રાખે નહીં. પુસ્તકોનાં પાર્સલ લાવવાનાં થાય તો રિક્સામાં, સાઇકલ પર, બસમાં કે થોડુંક ઓછું વજન હોય તો ઊંચકીને ય લાવે. સફાઈ જાતે કરે. એટલે આ બધા ખર્ચા ન થાય. કહે કે મારી જોડે સમય છે તો પછી રિક્સામાં આવવા-જવાની ક્યાં જરૂર છે ? બસ, આવી રીતે જ ક્યાંક ને ક્યાંક બચત કરતા રહે. કરકસર ખૂબ કરે, એટલે પુસ્તકોનાં વેચાણથી ભલે સમૃદ્ધ ન થવાય પણ તો ય તમારું ગાડું ગબડી જાય. બીજું કે એમના ખર્ચા બહુ ઓછા. દિલ્હી જાય તો સેકન્ડ ક્લાસ કે એનાથી જે કંઈ નીચું હોય એમાં ય જાય. અને ત્યાં પણ ગુજરાતી સમાજમાં કે એ પ્રકારની કોઈ સંસ્થામાં જ રહે. કપડાંનો પણ બહુ ખર્ચ નહીં. કપડું ફાટી ગયું હોય તો પછી એને પહેરવાનું મેલી દે એવું નહીં. એને સંધાવે જ. રફ્ફૂ કરાવેલાં કપડાં પણ પહેરે. એ માટેનો એમનો દરજી અલગ રોકેલો હોય. પહેલાં સાઇકલ ચલાવતા તો ઢીંચણે પેન્ટ વધારે ફાટે તો રફ્ફૂ કરાવીને પહેરતા. પછી અમે કહીએ કે નાનકભાઈ, હવે તો એક બાજુ વજન વધી ગયું. એ પછીયે પહેરવું હોય તો પહેરે જ. અને હા, મસ્તાનભાઈ કુવૈતથી આવે ત્યારે એ આર્થિક મદદ કરતા. એના કારણે પણ આ તંત્ર સહજતાથી ચાલતું રહેતું.
સ. : નાનકભાઈ કહે કે, આપણું મુખ્ય કામ લોકોને મળવાનું છે. એટલે મદદનીશ તરીકે તમે એમાં ઉત્સાહથી જોડાવ પણ વ્યક્તિગત રીતે તમારું મુખ્ય કામ તો એકાઉન્ટ સંભાળવાનું ને …
જ. ઃ એ થોડાં વર્ષો પછી. શરૂઆતમાં તો એકાઉન્ટ જેવું કશું હતું જ નહીં. કેમ કે હિસાબ રાખવા જેવો થાય એવો મોટો લે-વેચનો વ્યવહાર પણ નહીં. પ્રકાશકો ઉઘરાણી કરે તો એ સાચી માની લેવાની. આપણે કોઈ યુનિવર્સિટી કે સંસ્થાને પુસ્તકો વેચ્યાં હોય એની યાદી નાનકભાઈ રાખે. એ મુજબ ઉઘરાણી કરવાની આવે પણ વ્યક્તિગત વેચાણમાં તો સામેવાળા યાદ કરીને આપે તો અને ત્યારે જ ઉઘરાણી લેવાની થાય, નહીં તો મહિનાઓ વીતી જાય.
સ. : ચંદ્રકાન્ત શેઠ સાથે થોડાક દિવસ પહેલાં જ વાત થઈ હતી. એમણે કહ્યું કે હું તો પુસ્તકો ખરીદ્યા પછી રૂપિયા આપવાનું ભૂલી ગયો, એમ કરતાં કરતાં ત્રણ વર્ષ નીકળી ગયા ને એ પછીયે જ્યારે મેં યાદ કરીને આપ્યા તો ત્યારે ય, જાણે આપણે તેમના પર ઉપકાર કરતા હોઈએ એ રીતે રૂપિયા જમા કરે.
જ. ઃ હા, એવું એમને અનેક લોકો સાથે બનતું. સાંજ પડે અમુક પુસ્તકોનું વેચાણ થાય તો એમને સંતોષ. એવું નહીં કે એમાંથી લાખો રૂપિયા કમાઈએ. લાખો તો વધારે કહેવાય, એંસી-નેવુંના દાયકામાં તો વાત હજારોમાં જ હોય. મોટું ટર્નઓવર કરવું છે, એવું એમના મનમાં નહીં. પોતાનું ઘર ચાલતું હોય, સંતાનની ફી ભરાઈ જતી હોય કે કોઈ પ્રકાશક ઉઘરાણી કરે ત્યારે એ ભરાઈ જતી હોય તો પછી વધારે કમાવા માટેની એમની ઇચ્છા નહીં.
સ. : .. તો સાઇકલ ક્યાં સુધી ચલાવતા?
જ. ઃ લગભગ ૨૦૦૦(ઉંમર ૬૯ વર્ષ)ની સાલ સુધી તો ખરી જ.
સ. : એ પછી સ્કૂટર કે લ્યુના …
જ. : ના, સ્કૂટર તો ચલાવ્યું જ નથી. બસમાં આવતા-જતા. રિક્સામાં પણ ભાગ્યે જ જાય-આવે, રિક્સા કરવી પડે તો જ કરે. એમને એમ થાય કે રિક્સાના ૫૦-૧૦૦ રૂપિયા તો કેવી રીતે અપાય? ક્યારેક બસમાંથીયે અધવચ્ચેથી ઉતરીને ચાલતા જાય-આવે. ગ્રંથાગારમાં આવનાર કોઈએ એમને જોઈ લીધા હોય ને કહે કે તમે ચાલતા જતા હતા ? તો કહે કે હા, થોડુંક ચાલવું હતું એટલે ઊતરી ગયો. પણ અમે ઉંમર કે બીજી કોઈ દલીલથી એમ ન કરવા કહીએ તો અમને કહે કે, મારે ચાલવું તો જોઈએ ને. તમે તો મને અપંગ બનાવી દેશો. એમની પાસે એમની તૈયાર દલીલ હોય જ. ટૂંકમાં, કરકસરના ભાગરૂપે એ બધું જ કરે. કચરો પોતે વાળી નાંખે, કપડાં જાતે ધૂએ, એવું જે કંઈ હોય જાતે કરે.
સ. : એટલે કરકસર એમના જીવનમાં વણાઈ ગઈ હતી એમ કહી શકાય. પણ એમના વ્યક્તિત્વમાં જે નમ્રતા, સાદગી, કરકસર, જાતમહેનત વણાઈ ગયાં હતાં, એની ગાંધીજી કે બીજી કોઈ વ્યક્તિને ટાંકીને ક્યારે ય સૈદ્ધાંતિક ચર્ચા થતી?
જ. ઃ ના કદી નહીં. કોઈ પુસ્તકની વાત થતી હોય, એની સમીક્ષા હોય એમાં વાત આવતી હોય તો આવે, પોતાના જીવન સાથે જોડીને એવી કોઈ ચર્ચા નહીં. આ બધી બાબતોમાં એમનું એવું કે ‘આ તો આમ જ હોય ને.’ અથવા તો કહે કે મને મજા આવે છે. અને ખરેખર બહુ પ્રેમથી બધું કરતા હોય. જ્યારે ગ્રંથાગારમાં રાખેલા કોઈ માણસે કચરો વાળ્યો હોય ને એ બરાબર ન હોય તો એને ટોકે નહીં. બીજા દિવસે પોતે એ સરસ રીતે વાળી નાંખે. અમે સમજી જઈએ, પણ પછી તો કશું કહેવાનો ય અર્થ નહીં, અમે ટેવાઈ ગયા હોઈએ. હા, લખાણમાં ચેકચાક થાય, ખાસ કરીને ટાઇપિંગ કરેલો લેટર બગડે એવામાં ટોકે. એ એમને જરાય ન ગમે.
સ. : એટલે આમ જોવા જઈએ તો ખાસ્સું સરળ અને કદાચ એટલે જ અત્યારની પેઢી માટે અઘરું વ્યક્તિત્વ તો ખરું જ. એમની સાથે આટલાં બધાં વર્ષો રહ્યાં એમાં તમારે મહેનત કરવી પડી હોય …
જ. : … મને એવું બહુ નહોતું લાગ્યું. એનું કારણ કદાચ એ કે મારા પપ્પા ય એવા જ હતા. નાના હોઈએ ત્યારે કોઈ ચીજવસ્તુ લેવા ગયા હોઈએ તો પ્રેમથી દરેક વસ્તુનો હિસાબ લે. એમને ય ચેકચાક થાય એ ગમે નહીં. એટલે મારે માટે સરળ હતું પણ બધાં માટે એ નહોતું બનતું. એમને ત્યાંથી ભાગી જનારા કહે કે નાનકભાઈ તો બહુ ચીકણાં.
સ. : નાનકભાઈ સાથે કામ કરવાના કારણે જેમ ‘ગ્રંથાગાર’ના કાર્ય માટે સજ્જતા વધી એમ જ તમારા વ્યક્તિત્વમાં પણ કેટલુંક પરિવર્તન આવ્યું હશે …
જ. ઃ હા, એવો ઘણો લાભ થયો. આપણે કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા હોઈએ તો એના ગુણો આપણામાં આવવા જોઈએ એમ નાનકભાઈ કહેતા. જેમ કોલસાના વ્યવસાયમાં હાથ કાળા થાય એમ પુસ્તકોના વ્યવસાયમાં વ્યક્તિત્વ ઊજળું થાય, એવું બને. એ રીતે મારે પુસ્તકોને સ્પર્શવાનું બન્યું હશે એના કારણે જે કંઈ પણ આવ્યું હશે એ ગમ્યું છે. તમે એની કશા સાથે તુલના ન કરી શકો. બસ, મને ખૂબ આનંદ આવ્યો છે. અને છેવટે તો આપણે બધા આનંદ માટે જ જીવીએ છીએ ને.
સ. : પુસ્તકોને લઈને નાનકભાઈની કઈ વાત તમને સૌથી વધુ ગમતી ?
જ. ઃ કોઈ નવું પુસ્તક આવ્યું છે તો આપણી પાસે એ પહેલાં આવી જવું જોઈએ એવું નાનકભાઈને કાયમ રહેતું. પુસ્તક મોડું આવે એ ન ચાલે. દિલ્હી જાય તો કયાં પુસ્તકો આવી રહ્યાં છે, એનું વધારે ધ્યાન રાખે. નવાં પુસ્તકો જુએ ખરાં પણ વધુ રસ forth comingમાં.
સ. : હા, નવાં આવેલાં પુસ્તકોને તો આગળની મુલાકાતના forth comingમાં જ જોઈ જ લીધા હોય ને …
જ. ઃ હા … હા … હા … અને બીજું એ કે તેમાં એમને જાણે થ્રિલિંગ જેવું લાગતું. એ ત્યાં સુધી કે પુસ્તકો સમય મેળવવા માટે પ્રકાશકોની પૉલિસીમાં ય ફેરફાર કરાવતા. દા.ત. ઑક્સફર્ડનું કોઈ પુસ્તક કોઈ ચોક્કસ તારીખે પ્રકાશિત થવાનું હોય તો તેઓ એ દિવસે સપ્લાય કરે. નાનકભાઈ તેમને કહે કે આ રીતે તો પુસ્તકો અહીં આવતાં જેટલા દિવસ થાય એટલા દિવસ અમને મોડું મળે. આપણને અંદાજ છે કે બે-ચાર કે પાંચ દિવસમાં પુસ્તક દિલ્હીથી અમદાવાદ પહોંચી જાય છે તો તેટલા દિવસ પહેલાં સપ્લાય કરો, એટલે અમદાવાદને ય દિલ્હીની હારોહાર પુસ્તક મળી જાય. નાના પ્રકાશકો તરત માની જાય, મોટા પ્રકાશકોને મનાવતા તકલીફ પડે. પણ કેમે ય કરીને એમણે ઘણાં પ્રકાશનોમાં એમ કર્યું. એ અમને કહે કે આપણે અમદાવાદના છીએ એટલે દિલ્હી કરતાં પછાત છીએ ને દિલ્હી આગળ છે, આગળ જ રહેશે, એવું નહીં માનવાનું. નાનકભાઈ ગુજરાત બહાર જાય તો ત્યાં પણ ગુજરાતની બીબાંઢાળ છાપ સુધરાવે.
સ. : નાનકભાઈના આ પાસાનો તો કદાચ બહુ ઓછાને ખ્યાલ હશે. હવે પ્રશ્ન એ થાય છે કે આટલી ખાંખત અને મહેનત છતાં ‘ગ્રંથાગાર’ને બંધ કરવાનો નિર્ણય શા માટે લેવાયો ? થોડોક વિગતે જવાબ જોઈએ.
જ. ઃ હા, આમ જોવા જઈએ તો છેલ્લાં દાયકાથી નાનકભાઈને આનંદ થાય એવાં પુસ્તકોનું પ્રમાણ ખાસ્સું ઘટી ગયું હતું. અંગ્રેજી સાહિત્યમાં તો તો ય થોડાંક પુસ્તકો આવતાં પણ ગુજરાતી સાહિત્યમાં દર વર્ષે એવાં નવાં ટાઇટલ મળતાં નહોતાં.
આવામાં મહત્ત્વની બાબત બની તે પ્રકાશકો દ્વારા સંસ્થાઓ-યુનિવર્સિટીઓને સીધું વેચાણ અને તેમને અપાતું વધુ વળતર. નાનકભાઈ તો ૧૦ ટકા માટે મક્કમ અને એનાથી આગળ વધીને વધુમાં વધુ ૧૫થી ૨૦ ટકા, પણ પછી અમુક હદથી વધુ તો આપણને પોષાય નહીં અને ૧૫થી ૨૦ ટકા તો જે ‘બાર્ગેનિંગ’ કરે એને જ આપવાના થાય. એવામાં જેને ૧૦ ટકા વળતર આપ્યું છે તેને જો ખબર પડે તો આટલાં વર્ષોનો વિશ્વાસભંગ થાય, એ નાનકભાઈને ન ગમે. એ કહેતાં કે આપણે કંઈ થોડા વેપાર કરવા આવ્યા છીએ?
કેટલાંક પ્રકાશકો કે હિતેચ્છુઓ સાથે આ બાબતે વાતચીત થાય. તેઓ કહે કે હવે સમય બદલાયો, થોડાં ફ્લેક્સિબલ બનવું પડે તો નાનકભાઈ બહુ સ્પષ્ટ કહેતા, ‘હું ગ્રંથાગાર બંધ કરી દઈશ પણ મારા મૂલ્યો સાથે સમાધાન નહીં કરું.’
સ. : તો ય ચોક્કસ ઘટના ખરી કે જે ગ્રંથાગાર બંધ કરવા માટે મુખ્ય રહી ?
જ. ઃ હા ખરી ને. છેલ્લા દાયકામાં પુસ્તકોના વેચાણમાં સંકુચિતતા તો પ્રવેશી જ ગઈ હતી. પ્રકાશકો સંસ્થા-લાઇબ્રેરીઓ સાથે સીધો સંપર્ક કરીને પુસ્તકો વેચતાં અને એના કારણે યુનિવર્સિટીઓ આપણી સાથે ‘બાર્ગેનિંગ’ કરવા લાગી કે અમને આટલું વળતર મળે છે, બોલો તમે કેટલું આપશો ? નાનકભાઈને આ ખટકતું. એવામાં એક યુનિવર્સિટીનો ફોન આવ્યો કે આપના ચેકની રકમમાંથી યુનિવર્સિટીએ ૧૦ ટકા ડેવલપમેન્ટ ફંડમાં લેવાનું નક્કી કર્યું છે, એટલે તેમાં તમારે આટલી રકમ આપવાની રહેશે. નવા બનેલા વાઇસ ચાન્સેલરને લાગ્યું હશે કે આ રીતે પણ યુનિવર્સિટીનો વિકાસ થઈ શકે ! એ યુનિવર્સિટી પાસે ગ્રંથાગારે પચાસેક હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. નાનકભાઈએ પત્ર લખ્યો કે તમે નિયમ કર્યો એ પહેલાંથી અમારી લેણાની રકમ નીકળે છે તે અંગે તમે એનો અમલ ન કરી શકો. એ રકમ તો પૂરી ચુકવવાની જ રહે. તમારે નિયમ લાગુ કરવો હોય તો નવા ખરીદ-વેચાણ માટે થઈ શકે અને આ નિયમ અમલી રહેવાનો હોય તો આપણે અહીં જ અટકીએ. એ વખતે યુનિવર્સિટીઓને યુ.જી.સી.ની નિયમિત ગ્રાંટ નહોતી મળતી. ત્યારે નાનકભાઈએ બે-બે વર્ષ સુધી ઉઘરાણી ન કરી હોય અને એમાંની કોઈક યુનિવર્સિટી તરફથી આવી માગણી થાય એનું દુઃખ થાય ને? પ્રકાશકોને આ ડેવલપમેન્ટ ફંડ આપવું પોષાય પણ વિક્રેતાને તો ન જ પોષાય. નાનકભાઈ કહેતા કે આપણે કંઈ વેપાર કરવા નથી આવ્યા તો પછી શા માટે આવી સ્પર્ધામાં પડવું? એટલે એમણે ધીરેધીરે પોતાને સંકોરવાનું શરૂ કર્યું. નવરંગપુરાના સ્ટોલમાંથી પરિષદમાં આવ્યા એટલે થોડું લાંબુ ખેંચાયું. કેમ કે પછી ગુજરાતી પ્રકાશકોના સંપર્કમાં આવ્યા. પરિષદમાં આવતા લેખકો-મુલાકાતીઓ પણ ગ્રંથાગારમાં ટહુકો કરતા જાય, સંબંધ બંધાય એટલે શરૂઆતમાં થોડુંક સારું લાગ્યું ને સાત-આઠ વર્ષો ખેંચાયા, પણ તેનાથી કંઈ પરિસ્થિતિ નહોતી બદલાઈ. એ તો વર્ષે ને વર્ષે વધુ બગડતી જતી’તી. નાનકભાઈના સિદ્ધાંતમાં આ પ્રકારની ગણતરીનો મેળ ન બેસે.
સ. : નાનકભાઈ અને મહેન્દ્રભાઈની સરખામણીનો એક સંવાદ હમણાં વાંચવાનો થયો કે મહેન્દ્રભાઈ આદર્શવાદી અને વ્યવહારવાદી પણ નાનકભાઈ નર્યા આદર્શવાદી.
જ. ઃ હા, એમનાથી નવા જમાનાની આ વાતો સ્વીકારી ના શકાઈ. પ્રકાશકોના નવા પ્રતિનિધિઓ આવ્યા હોય તો જૂના કેટલાકની સારી બાબતોનો ઉલ્લેખ કરીને નાનકભાઈ તેમને ય કહે કે એમના વખતમાં આટઆટલું સારું હતું. એ પ્રતિનિધિઓ કહે કે આજના સમયમાં હવે એમ ના થાય. માત્ર પુસ્તક વ્યવસાય નહીં, બધે જ આમ થઈ રહ્યું છે. અમે કહીએ કે તમે દલીલો કરો છો, એમાં તમારું બ્લડપ્રેસર વધી જાય છે. એમનામાં કોઈ ફરક પડે છે ખરો ? તો અમને કહે કે તમે નવા જમાનાના બધા ચલાવી બહુ લો છો. એટલે જ એ લોકો મરજી મુજબ કર્યે જાય છે.
સ. : નવરંગપુરા અને પરિષદવાળા ‘ગ્રંથાગાર’માં તમારી દૃષ્ટિએ કોઈ બદલાવ?
જ. ઃ હા, ખરો જ ને. નવરંગપુરામાં ગુજરાતી પુસ્તકોનું એક જ ખાનું હતું. અંગ્રેજી પુસ્તકો જ વધુ રાખતા ત્યાં સુધી કે મેઘાણી સાહિત્ય ગ્રંથાગારે રાખવું જોઈએ એવું નાનકભાઈ નહોતા માનતા. બાકીના લોકો એ સાહિત્ય વેચે જ છે ને. તો પછી આપણે શા માટે વેચવું જોઈએ?! એ હંમેશાં કહેતા કે આપણે કોઈને રીપ્લેસ કરવાની જરૂર નથી. બીજી બાજુ જ્યારે ક્રોસ વર્ડ ખૂલ્યું ને લોકો એની મુલાકાત લઈ આવીને કહે કે અમે ત્યાં આ વાંચ્યું કે આ પુસ્તક ખરીદ્યું તો નાનકભાઈને આનંદ જ થાય. એમને એ ક્યારે ય હરીફ નહોતું લાગ્યું. પૂરક જ લાગ્યું હતું.
સ. : આવા સાદગીભર્યા સરળ અને સમર્પિત વ્યક્તિત્વ સાથે ૨૭ વર્ષ કામ કર્યા પછી એમની ગેરહાજરીમાં કેવી લાગણી અનુભવાય છે …
જ. ઃ એમ જ લાગે છે કે મારા માટે જે કંઈ નિર્માયું તે અનાયાસે જ નિર્માયું અને મને એનો લાભ થયો. આજની તારીખે હું વિચારવા બેસું તો મને એમ નથી લાગતું કે આટલાં વર્ષો એમ જ ગયાં. મને મારી લાયકાત કરતાં વિશેષ મળ્યું છે. આવું બધાંને મળતું નથી. ક્યારેક કોઈ પરિચિત કે સગાસંબંધી આવી ચઢે તો પછી મને કહે કે તારું કામ તો કેટલું સારું કે વાતો જ કર્યા કરવાની! આમ જોવા જઈએ તો લોકો આવે ત્યારે અમે કશું જ ન કરતાં હોઈએ પણ પછી રજાના દિવસે ય પાર્સલ બાંધતાં. જો કે અમને એનો ભાર ન લાગે. નાનકભાઈ પોતે પણ પાર્સલ બાંધતા. અત્યારે બીજા કોઈ સ્ટોલમાં જઈએ ત્યાં પૅકિંગ કરનાર માણસ હાજર ન હોય ને કાઉન્ટર પરથી કોઈ થોડીવાર રાહ જુઓ એમ કહે તો અમને અસહજ લાગે. ખરેખર અમે મનથી બહુ સમૃદ્ધ રહેતા હતા. કોઈ આવે તો એમને પાણી આપવાનું ગમે. નાનકભાઈ ચા-નાસ્તો ય કરાવે. એમાં ય જ્યારે નવરંગપુરામાં હતા ત્યારે બાજુમાં જ કપ ધોઈ શકાતાં પણ પરિષદમાં કપ ધોવા સીડી ચઢીને ઉપર જવાનું થાય. એમ ન કરવું પડે એ માટે પેપરકપ લાવીએ તો એમાં ય નાનકભાઈ સારા કપનો આગ્રહ રાખે. એના કલર ડિઝાઇનમાં રસ લે. કિટલીવાળા પ્લાસ્ટિકના જે કપ આપે છે એમાં તો એમને કોઈને ચા આપવી ગમે જ નહીં. મને કહે કે તમે ગઈ વખતે સારા કપ લાવ્યા હતાં એ ક્યાંથી લાવ્યાં હતાં ? હું કહું કે એ તો હું કાલુપુર ગઈ હતી. તો કહે, એમ ? તો તમે કાલુપુર જઈ આવો પણ એવા કપ લેતા આવો.
સ. : જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં બદલાવ …
જ. ઃ મારામાં જે કંઈ સારું છે એ બધું નાનકભાઈના કારણે છે અને જે કોઈકને નથી ગમતું તો એ મારું છે. મને ઘણી વાર કોઈ કહે કે તમારી ભાષા સારી છે તો મને શંકા પડે, કેમ કે નાનકભાઈ મને ‘સ’ અને ‘શ’ના ઉચ્ચારણ માટે ઘણીવાર ટોકતા. જેમ ઘણા બધા લોકો કરે છે તેમ હું પણ મારી સહી અંગ્રેજીમાં જ કરતી. નાનકભાઈ કહે કે આપણે આપણી માતૃભાષામાં સહી કરવી જોઈએ. ગુજરાતીમાં સહી કરવાનું શરૂ કર્યા પછી એ મને બહુ ગમે છે. એવી નાની-નાની ઘણી વાતો છે જે અત્યારે વિચારી કે કહી ન શકાય પણ એ હવે મારા જીવનનો ભાગ બની ગઈ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2014; પૃ. 18-21