
રવીન્દ્ર પારેખ
આપણા કેટલાંક ઘરોમાં દીકરી ઉપેક્ષિત છે કે બહેન-ભાઈમાં ઉછેર બાબતે ભેદ રખાય છે, એ ખરું, પણ ઘરની વહુનું શોષણ અનેક સ્તરે આજે પણ થતું રહે છે ને કેટલાક કિસ્સાઓમાં તો જીવ પર પણ જોખમ ઊભું થાય છે, પણ શોષણમાં ફરક પડતો નથી. દહેજને મામલે આપણે અગાઉ કરતાં વધારે જૂનવાણી સાબિત થઈ રહ્યા છીએ. આમ તો લગ્ન વખતે બંને પક્ષે વાતો થઇ જ હોય છે, છતાં લગ્ન પછી વહુનું લોહી પીવાતું જ રહે છે. ‘તું કંઇ નથી લાવી’ એમ કહીને વહુને ટોર્ચર કરાતી હોય છે, તો પિયરથી વહુ પાસેથી અનેક નાની મોટી ચીજવસ્તુઓ મંગાવાતી હોય છે ને તે ન લાવે તો વહુ પર એટલું દબાણ ઊભું કરાય છે કે તેણે આત્મહત્યા કરવી પડે કે પોતાની હત્યા કરાવવા તૈયાર રહેવું પડે. 2026માં પણ આ દૂષણ અટક્યું નથી તે દુ:ખદ છે. એક તરફ ‘નારી તું નારાયણી’ ચાલતું હોય, સ્ત્રી શક્તિની ધજાઓ ફરફરતી રહેતી હોય ને બીજી તરફ દહેજને લીધે 125 સ્ત્રીનો ભોગ લેવાયાના સમાચાર પણ પ્રગટ થતા હોય તો મન ક્ષુબ્ધ થઈ જાય છે. છેલ્લાં વર્ષમાં પણ દીકરીઓ દહેજને મામલે સોળની સંખ્યામાં મૃત્યુ પામી છે. 486 સ્ત્રીઓનાં લગ્ન કે અન્ય કારણોસર અપહરણ થયાં છે. 2025માં અભયમ હેલ્પલાઈન પર 1.68 લાખ કોલ આવ્યા એ જ બતાવે છે કે ગુજરાતમાં સામાજિક હિંસામાં ઉત્તરોત્તર વધારો થતો આવ્યો છે. 2026ના થોડા જ મહિનાઓમાં ઘરેલુ હિંસાના દસેક હજારથી વધુ કેસો નોંધાયા છે. એમ લાગે છે કે ભૌતિક વિકાસથી માનસિકતા બદલાતી નથી. એને નવા વિચારોથી કે કહેવાતા સુધરેલા સમાજથી ફેર પડતો નથી. મિજાજ તો એ જ સામંતી રહે છે. પોલીસમાં 1,926 ફરિયાદો પતિ અત્યાચારની નોંધાઈ છે. કોણ જાણે કેમ પણ પુરુષોનું પત્ની પર આધિપત્ય જમાવવાનું ઓછું થતું નથી. પત્નીઓનો પણ દોષ હશે જ, પણ ઘરેલું હિંસા પત્ની કરતી હોય એવી ફરિયાદો ઓછી જ હશે. ઘણાં બધા કિસ્સા તો પુરુષને નામે ચડેલા છે ને દહેજની માંગણી પત્ની તરફથી તો થતી નથી, તો તેને નામે વધારે કેસ નોંધાય કે પતિને નામે?
૦
સ્ત્રીઓનાં શોષણના બીજા કેવા અખતરા થાય છે તે થોડાં કાલ્પનિક પાત્ર દ્વારા સમજીએ. રીતિ અને મિતેશ એક કાર્યક્રમમાં સાથે થયા ને પ્રેમમાં પડ્યાં. રીતિનું સૌન્દર્ય ને વર્તન મિતેશને એટલું આકર્ષી ગયું કે બંને એકબીજાને પરણી ગયાં. ઘરસંસાર સરસ રીતે ચાલ્યો. વરસેકમાં તો રીતિ માતા બની. દીકરીનું નામ બંનેએ મિતેરી પાડ્યું. બંને વચ્ચેના પ્રેમમાં દીકરી ભાગ પડાવવા આવી હતી. રીતિ તો મિતેરીમય બની ગઈ ને એમાં મિતેશ તરફ ધ્યાન ઓછું અપાતું રહ્યું. મિતેશે શરૂઆતમાં તો બધું ચલાવ્યું, પણ પછી રીતિના મિતેરીમય પ્રેમની તેને ચીડ થવા લાગી. તેણે રીતિને સમજાવવાની કોશિશ કરી જોઈ, પણ રીતિનું મન મિતેરીમાં જ એટલું વ્યસ્ત રહેતું કે ઇચ્છા છતાં તે મિતેશ તરફ ધ્યાન આપી શકતી ન હતી. તે મિતેશની માફી પણ માંગતી, પણ મિતેશ નિરાશ થવા સિવાય કંઇ કરી શકતો ન હતો.
એમાં મિતેશની જ ઓફિસમાં કામ કરતી રીવા કામને લીધે નજીક આવી ને મૈત્રી આગળ વધી. રીતિથી મિતેશનું ટિફિન થતું ન હતું એટલે ટિફિન વગર જ તે ઓફિસે પહોંચતો. ઘણી વાર રીવા ઓફર કરતી ને મિતેશ તેનું ટિફિન થોડા સંકોચ સાથે શેર પણ કરતો. ઘણો વખત ઓફિસના કામને નિમિત્તે મિતેશ ને રીવા વધારે નજીક આવ્યા. બહાર ડિનર માટે કે ફિલ્મ જોવા જવાનું પણ શરૂ થયું એટલે ઘરે આવવાનું મોડું થવા લાગ્યું. રીતિ જમવામાં રાહ જોતી ને મિતેશ જમીને આવ્યો છે, એમ કહીને રૂમમાં ભરાઈ જતો. દીકરી મિતેરીને જોવાનું પણ એને યાદ આવતું ન હતું. ઘરમાં મિતેશનું ધ્યાન ઘટતું ગયું ને રીવા પર ધ્યાન વધતું ગયું. એકવાર તો મિતેશે જ પ્રપોઝ કર્યું, આઈ લવ યૂ. રીવાએ એ વાત હસવામાં ઉડાવી દીધી. જવાબ ન મળવાથી મિતેશ વિચારમાં તો પડ્યો, પણ રીવા મળવાનું છોડી ન શકી.
મિતેશનું બદલાયેલું વર્તન રીતિના ધ્યાનમાં આવ્યું ને તેણે એકવાર સોંસરું જ પૂછ્યું, ‘કોણ છે?’ મિતેશે પણ કહી દીધું કે એ રીવાના પ્રેમમાં છે ને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. રીતિને ધક્કો બેઠો, ‘હું દીકરીમાં એટલી ખોવાઈ ગઈ કે તારા તરફ ધ્યાન ધ્યાન ન આપી શકી, હવે દીકરી મોટી થઇ છે તો તું પાછો વળી જા, પ્લીઝ ! આઈ એમ સોરી , ડિયર !’ રીતિ રડી પડી. મિતેશ વધારે ઊછળ્યો ને રોકડું પરખાવ્યું કે હવે ડ્રામા ના કર. તું તારે દીકરી સંભાળ. રીતિ બોલી, ‘એ મારી છે એટલી જ તારી પણ છે. એ રીતે તો એને ઉછેરીને તારું કામ મેં પણ કરી લીધું છે. તારા પર એનો બોજ નથી નાખ્યો, તો હવે તું મને બોજ ન માન. આપણે નવું જીવન શરૂ કરીએ, પણ તું આવું ના કર. તને મારામાં રસ નથી કે હું તને ગમતી નથી એવું છે?’ મિતેશે સાફ સાફ કહ્યું કે તું મને દીઠી નથી ગમતી. આપણે છૂટા પડીએ. રીતિએ બહુ વિનવણી કરી, પણ મિતેશ એક જ વાત બોલતો રહ્યો કે મને તું નથી ગમતી. મને રીવા ગમે છે ને તું અમને પરણવાની રજા આપ. આઈ વૂડ બી હેપ્પી, ઇફ યૂ એલાવ મી ટુ મેરી હર.’
રીતિ રડી પડી, પણ પછી તેણે તરત જ આંખો લૂંછી નાખી, એવા નિર્ધાર સાથે કે હવે મિતેશ માટે ના રડવું. મિતેશને પોતાનો દોષ દેખાતો ન હતો ને ઉપરથી એવો આરોપ મૂકતો હતો કે જરૂર હતી, ત્યારે દીકરીને વહાલી કરી ને એ હવે સમજણી થઈ છે તો મિતેશને શોધવા નીકળી છે. દુ:ખદ એ હતું કે મિતેશને કંઇ ખોટું થયું હોવાનો રજ માત્ર રંજ ન હતો. રીતિએ મનોમન નક્કી કરી લીધું કે હવે રડારોળ કે કાલાંવાલાં ન કરવાં ને માનભેર, સ્વમાનભેર જીવવું.
રીતિએ નક્કી તો કર્યું, પણ એમ કરવું સહેલું ન હતું. તે મિતેશની ખામી શોધવાને બદલે રાતભર એ વિચારતી રહેતી કે પોતાનામાં કોઈ દોષ છે? તેણે એ પણ સ્વીકાર્યું કે દીકરીનાં ઉછેરમાં વધારે પડતી વ્યસ્ત રહી ને મિતેશને બીજે મોં મારવાનું બહાનું મળ્યું, પણ તે સાથે જ તે એ પણ વિચારતી રહી કે પોતાનામાં એવું શું ઘટ્યું કે મિતેશ બીજે ફંટાયો. મિતેશને ફંટાવાના અનેક કારણ હોય તો તે તેનો પ્રશ્ન છે, રીતિએ તો પોતાની જાત તપાસવા માંડી. શરૂ શરૂમાં રીતિએ સમજાવી જોયો, પણ એ તો રીવા સાથે પરણવાની જીદ લઈને બેઠો હતો. રીતિએ કહ્યું પણ ખરું કે રીવા એક પરણેલા પુરુષને પરણવા તૈયાર હતી? મિતેશ એની વાત ઉડાવી દેતો … એક દિવસ મિતેશ ઘરે આવીને રડી પડ્યો. રીવા પણ પરણેલી હતી ને તેનો પતિ નોકરી નિમિત્તે બીજા શહેરમાં હતો. રીવાએ તો મૈત્રી પૂરતો જ મિતેશને સ્વીકાર્યો હતો.
મિતેશે પસ્તાવો કરતા કહ્યું કે તે રીતિને સમજી ના શક્યો ને હવે તે રીતિ જોડે જ રહેવા ઉત્સુક હતો. રીતિએ આગ ઓકતા કહ્યું, ‘આ સારું છે. બૈરીને ગમે ત્યારે લાત મારી શકાય. કોઈ ગમી ગયું તો તેની પાછળ ચાલ્યા ને પછી ત્યાંથી લાત પડી એટલે ફરી જૂના ખીલે બંધાવા આવી જવાનું, પણ મેં નક્કી કરી લીધું છે કે હવે હું એકલી રહીશ.’
– ને રીતિએ ઘર છોડી દીધું.
૦
રીતિ બીજો નિર્ણય લઈ શકી હોત, તે મિતેશને માફ કરી શકી હોત, પણ એ આપણી માન્યતા છે. જેમ એ છે તેમ રીતિને પણ હોયને. તેને લાગ્યું હશે કે આમ કોઈ જોડેની સરખામણીથી બચવું. રડીને જીવવા કરતા પોતાની રીતે જીવવું. કોઈના ઇગોને ન પોષવો. સામેની વ્યક્તિને પણ ખુલાસાઓમાંથી બચાવવી. તેણે બરાડા ન પાડવા હોય કે રડીને દિવસો ન કાઢવા હોય એટલે પણ અલગ રહેવાનું સ્વીકાર્યું હોય. આમ કરીને તે મિતેશને ગિલ્ટ ફીલ કરાવવાનો ઈરાદો પણ ન રાખતી હોય, પણ પોતાની જાત તપાસ કર્યા કરવાનું પણ ઠીક ન લાગતું હોય. તેને લાગતું હોય કે તે થોડી મુક્તિ અને શાંતિ અનુભવે ને તેણે મિતેશથી અલગ રહેવાનું સ્વીકાર્યું હોય તો તે એનો નિર્ણય છે ને એની આપણે કદર કરવી જોઈએ એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જૂન 2026
![]()

